હાથી ઉપર સવારી કરવાનો સાહસિક પ્રયોગ..!
 
                                         ....યુ ડોન્ટ બીલીવ, જીવદયાના અમે એટલાં અભિલાષી કે. જીવને પણ જીવની જેમ સાચવીએ. મારા અને મારા હૃદય વચ્ચે ખાનગીમાં થયેલું આ MOU છે. એટલી સમજ કે, કીડીને પણ જીવ હોય, એટલે કીડી ઉપર સવારી કરવાનું પણ ક્યારેય વિચાર્યું નથી. જો કે. આમ તો થાય જ નહિ પણ આ તો એક વાત..! પૂર્વજો ખેતર વાડી નહિ મૂકી ગયેલાં, પણ ઠાંસી-ઠાંસીને ‘જીવદયા’ ના સંદેશ ભીંતે ભીંતે લખી ગયેલા. ત્યાં સુધી કે, સ્ત્રી અબળા ભલે કહેવાય, પણ એનામાં ય જીવ હોય, તો ખુલ્લા મને જીવદયા રાખવાની, જુલમ નહિ કરવાનો. પછી એ તમારી પત્ની કેમ ના હોય..? ભૂલમાં એકાદ-બે હુમલા આવે તો સહન કરવાના, સામો પ્રતિકાર નહિ કરવાનો. ગામ ઘર પાદર સ્મશાન બધું છોડીને જે આપણા ભરોસે ‘એકલી’ આવી હોય, એના ઉપર ભરપેટ જીવદયા રાખવાની. એને ફીઈઈઈલ થવું જોઈએ કે, બાપાએ ખોટી જગ્યાએ નાંખી નથી..! જો કે, બાપાનું માનતા હોય તો..!  
                                             લગનની અડધી સદી કાઢી નાંખી, પણ હાક પડતાંની સાથે આજે પણ મને ધ્રુજારી છૂટે..! એટલે તો મારી હાજરીમાં દાંતિયા કરે પણ, મહોલ્લામાં બંદાનો વટ પાડે. મારાં જેવો બીજા કોઈનો આદર્શ પતિ નહિ, એવું ચલણ ચલાવે. પાડોશણને પણ મારાં વખાણ નહિ કરવા દે..! પાડોશમાં પૂજા હોય અને વ્યવહારિક રીતે જવાનું થાય, તો ખિસ્સામાં લીંબુ-મરચું નાંખીને મોકલે. ઘણા ફેમીલીયું એવાં હશે કે, સંપૂર્ણ શાકાહારી હોવાં છતાં, માંસાહારી બનીને એકબીજાનું લોહી તો પીતાં જ હોય. હું ખુલ્લી ઠાંસ મારતો નથી કે, હું સંપૂર્ણ શાકાહારી છું. મેં પણ કોઈનું ને કોઈનું લોહી પીધું જ હોય..! જુઓ ને તમારું પીવું જ છું ને..?
                                 વાત સવારીની છે. દાદાજીની પીઠ ઉપર સવારી કરીને ઘોડો ઘોડો રમ્યો હશે, બાકી કીડી-મંકોડા-વંદા કે પલવડા ઉપર ક્યારેય સવારી કરવાના અખતરા કર્યા નથી. એને જીવદયા કહેવી હોય તો જીવદયા, ને પ્રાણીપ્રેમ કહેવો હોય તો પ્રાણીપ્રેમ, નક્કી તમારે કરવાનું..! ચમનીયાએ એકવાર મને પૂછેલું કે, કુતરા ઉપર દયા રાખું એને જીવદયા કહેવાય કે, પ્રાણી પ્રેમ..? હું તો કંઈ નહિ બોલ્યો, પણ રતનજીએ જવાબ આપેલો કે, એ બંધુ પ્રેમ કહેવાય..! હહાહાહા..!
                                   જીવદયાના સિંધ્ધાંતને કારણે લગન વખતે ઘોડો કરવાને બદલે મેં, સાયકલ ભાડે રાખેલી. લગનની જાન સાયકલ ઉપર કાઢેલી. ઘણાએ મમરાના પડીકાં છોડેલાં કે, વરરાજા તો ઘોડા ઉપર શોભે, સાયકલ ઉપર પૈદલ મારીને પૈણવા જાય તે સારું લાગે..? પણ જીદ કરીને ઘોડાને બદલે સાયકલ શોભાવેલી..! જો કે બે-ચાર અડિયલ મિત્રો, પોતાના જોખમે ઘોડું પકડી લાવેલા ખરાં, પણ મારાં કરતાં ઘોડું વધારે દેખાવડું ને તંદુરસ્ત લાગતા ના પાડી દીધેલી. ને ઘોડું પણ મને જોઇને વટી ગયેલું કે, આવાં પલવડી જેવાં દેહને મારા દેહ ઉપર સ્થાન આપવું એના કરતાં, ટાવરથી મોગરાવાડી ઘોડાગાડી નાં ફેરા મારેલા સારા. ઘોડા ભલે ભણેલા ના હોય, પણ બુદ્ધિશાળી તો ખરાં, એવું મને તે દિવસથી  લાગેલું..! બુદ્ધિને ધરતીકંપ આવે ત્યારે, ભણેલા કરતાં અભણ પણ વધારે હોંશિયાર લાગે. બુદ્ધિ દેખાતી નથી, પણ અંદર બેઠી-બેઠી એવી સળી કરે કે, હથેળીમાં ચાંદ બતાવી જાય. બુદ્ધિ બગડે ત્યારે દેવદર્શન કરીને મેળવેલા બધાં જ પુણ્યો રફુચક્કર થઇ જાય. ત્યારથી નક્કી રાખેલુ કે, આપણા ચોઘડિયા આપણે જ સાચવવાના..! ભક્ત કવિ નરસિંહ મહેતાનું પણ માનવાનું કે, ‘આપણે આપણા ધર્મ સંભાળવા, કર્મના ફળ તો કર્મ લેશે...!
                                પણ ભેરવાય ગયો દિવાળી વેકેશનમાં..!  મારી મતિ શું બગડી કે, પગ છુટા કરવા માટે વાઈફ સાથે હું આસામના પ્રવાસે ગયો. ત્યાં હાથીઓના ઝુંડ જોઇને વાઈફ ‘શૈલી’ ને હાથી ઉપર સવારી કરવાની ઈચ્છા જાગી. બીજાની વાઈફોની તો મને ખબર નથી, પણ લગભગ બધાની જ વાઈફોને આ ચહકડો હશે, એવું અનુમાન કરું. કોઈપણ પ્રકારના ચહકડા ખરજવા જેવાં હોય..!  અઢળકવાર સમજાવ્યું કે, આપણી પેઢીમાં જીવદયા રાખવાનો ડંકો વાગે, અને તું આ ભારે શરીરે ભારે શરીરવાળની પીઠ ઉપર સવારી કરે તે સારું નહિ કહેવાય..! જેમ નારાયણ સરોવર જોઇને પિતૃ તર્પણ કરવાનું મન થાય, એમ  આસામના હાથી જોયા પછી, એની ઈચ્છાને રોકવા મારું સઘળું ભણતર કામયાબ નહિ બન્યું. પછી તો સહન શક્તિની પણ હદ આવી જાય મામૂ..! સંભાળવાનું તો હાથીએ જ છે ને..? કન્યાની પસંદગી કરવા નીકળ્યો હોય એમ, એક પછી એક હાથીની પસંદગી કરવા નીકળ્યો. હાથી, મળે તો હાથી, નહિ તો હાથણ પણ ચલાવી લેવી એવી ખુમારી સાથે હાથીના મોડેલ જોવા માંડ્યા.  ‘શાદી ડોટ કોમ’ વાળાની માફક એક જણે હાથીના મોડલનું આખું આલ્બમ બતાવ્યું. એમાંથી એક હાથી મને ગમ્યો, પણ વાઈફને જોઇને હાથીએ અમને ‘રીજેક્ટ’ કરી દીધાં. બીજા હાથીવાળાને પકડ્યો, તો એની સવારીનો ભાવ હાથીની સાઈઝ કરતાં પણ વધારે લાગ્યો. ભાવની રકઝક કરતાં, માંડ એક હાથીવાળો તૈયાર થયો. પણ હાથીએ વાઈફને જોઇને ઘરાર ના પાડી દીધી. એને પણ ખાતરી થઇ ગઈ કે, આને માથે નહિ ચઢાવાય..! એનો માલિક કહે, ‘અમે હાથી ઉપર હાથી બેસાડવાની સવારી કરતા નથી. હવે આપણે રહ્યા ગુજરાતી. તમને તો ખબર છે કે, ગુજરાતીઓની વાઇફો ખાધાપીધા ઘરની હોય એટલે, શરીરે તો સમૃદ્ધ રહેવાની જ..!  તેમાં લગન પછીનો શારીરિક વિકાસ તો મોંઘવારીની જેમ વધતો હોય..! માલિકની વાત સાંભળીને સુરતી ભાષાને મેં માંડ-માંડ ‘કંટ્રોલ’ કરી. કારણ કે, સારી હાલતમાં પાછું વલસાડ જવાનું હતું..! કોલંબસની માફક રઝળપાટ કર્યા પછી, માંડ એક હાથીવાળો ઉદાર નીકળ્યો. પણ તેનો હાથી ઉધાર નીકળ્યો...!  જે વાઈફને અડધી સદી સુધી સાચવી, એને ૪૮ સેકંડમાં હાથી ઓળખી ગયો કે, માથે ચઢાવ્યા પછી એ પાછી નહિ ઉતરી તો..? છતાં માલિક આગળ હાથીનું કંઈ ચાલ્યું નહિ, માલિકને ને વફાદાર હોવાથી હાથીએ માથે તો ચઢાવી, પણ કાચી સેકન્ડે વાઈફને ખંખેરી નાંખી..! પણ કહેવાય છે કે,  ઈચ્છાઓ કોઈની અધુરી રહેતી નથી,  કૃપા એવી અપરંપાર નીકળી કે, એક હાથીએ પાછળથી આવીને એની સૂંઢ મારાં ખભા ઉપર મૂકી દીધી. વ્હાલ કરીને સીધી અપીલ જ કરી, કે ચઢ જા બેટા સૂળી પે, મૈ હૂ ના..? બે ઘડી તો એમ જ લાગ્યું કે, આ હાથી નથી, પણ દેવદૂત છે. ક્યાં તો ગયા જનમમાં હાસ્ય કલાકાર હોવો જોઈએ. બે-ચાર ‘જોક્સ’ કહેવાં દીધાં હશે. એ વિના મને એ વ્હાલ નહિ કરે..! એકવાર તો એવી પણ શંકા ગઈ  કે. મને ખાંધે ચઢાવીને ગયા જનમની કોઈ ઘૃષ્ટતાનો બદલો લેવા તો નહીં આવ્યો હોય..? પણ સવારી કર્યા વગર અનુમાન બાંધી લેવું, એના કરતાં સવારી કરીને હાર માની લેવી સારી.  ને થયું પણ એવું જ, જેવી સવારી કરવા ગયો ને, અમને બંનેને હાથીએ જમીન દોસ્ત કરી નાંખ્યા. એક સમર્થ કલાકારને સ્ટેજ ઉપરથી ધક્કો મારીને કોઈ ઉતારી દે, એવી હાલત થઇ ગઈ. હું રહ્યો સુરતી ને હાથી રહ્યો આસામી..! આસામી ભાષા સિવાય, બીજી કોઈભાષા હાથી સમજે નહિ. મારો આર્ટીસ્ટ કે આઈડેન્ટી કાર્ડ બતાવવાનો પણ કોઈ અર્થ નહિ. કારણ કે, હાથીઓ ભણેલા હોતા નથી.
                              આ વાતને ૧૦ દિવસ થયાં, હજી મીઠાના શેક કરું છું. વાઈફે તો સંભળાવ્યું પણ ખરું કે, “ઘોડે બેસીને પૈણવા આવનારા વર તો બહાદુર હોય, તમારા જેવા નિર્બળ નહિ કે, જેને હાથી ઉપર બેસતાં પણ નહિ આવડે...!  એનાં કપાળમાં કાંદા ફોડું, એક વાતનું બ્રહ્મજ્ઞાન લાધ્યું કે, વડવાઓ શું કામ સવારી કરવાની ના પાડતાં હતાં..! હજી આજે પણ એ હાથી મને સ્વપ્નામાં દેખાય છે દાદૂ...!
 
                                                                 લાસ્ટ ધ બોલ
 
         હાથી ઉપર સવારી કરીને કીડી જતી હતી.
        રસ્તામાં પુલ આવ્યો તો કીડી કહે, ‘ ડાર્લિંગ. ભાર લાગતો હોય તો ઉતરી જાઉં..? એનાં કપાળમાં કાંદા ફોડું,
        સમાજમાં આવી જીવદયાવાળા પણ ઓછાં નથી.
        
---------------------------------------------------------------------------------------------------------------------------------