Hasya Manjan - 10 in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય મંજન - 10 - પોપટ ભવિષ્યધારી

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

હાસ્ય મંજન - 10 - પોપટ ભવિષ્યધારી

 પોપટ ભવિષ્યધારી..!

                       

                        ( હાસ્ય ભવિષ્ય )

 

                                                 

                     અસ્સલ ફૂટપાથ ઉપર પોપટ લઈને બેઠેલો કહેવાતો ભવિષ્યવેતા, સસ્તું ભવિષ્ય કાઢી આપતો, એ ઘણાએ જોયેલું હશે. પૈસા લઈને રડમુખાને હસમુખા ને હસમુખાને રડમુખા કરી આપતો. “ઇન્સાનકો જબ અપને આપ સે ભરોસા ઉઠ જાતા હૈ, તબ વો તોતેવાલી ફ્રેન્ચાયસી પકડતા હૈ..!”  ઈ,સ. ૨૦૨૪ નું વર્ષ કેવું જશે, એ ચિંતામાં પાતળા. એટલે કે શેકટાની શીગ જેવાં થવાની જરાયે જરૂર નથી. આપણું ભવિષ્ય આપણી હથેળીમાં છે, અને જેને હથેળી પણ નથી એનું ભવિષ્ય પેલા ફૂટપાટીયા ભવિષ્યવેતા પાસે પણ નથી, આપણા કર્મમાં સંતાયેલું છે..! થયું એવું કે, બેરોજગાર ચમનીયાએ પણ પોપટ પાળીને  'પોપટવાળી' ફ્રેન્ચાયસી લીધી. ને રાતોરાત ભવિષ્યવેતા બની ગયો. તમારું ૨૦૨૪ નું વર્ષ કેવું જશે, એ જાણવું હોય તો આવો ચમનીયા પાસે..! વાંચશો એટલે ખબર પડી જશે કે, હાસ્ય સાલું પ્રગટ ક્યાંથી થાય છે..?

 

મેષ : સંવત ૨૦૭૮ નું વર્ષ તમારા માટે ખીચડી જેવું છે. દર મંગળવારે વાયવ્ય ખુણામાં બેસીને   ૧૦૦ થી ૧ સુધીના ઉંધા એકડા બોલવાથી વર્ષ પુલાવ જેવું થશે. કાળજી એટલી જ રાખવાની કે જે વારે જનમ થયો હોય એ વારે  જમણી બાજુના ખિસ્સાવાળું લાલ ખમીશ પહેરવું. હૃદયભંગ થવાના યોગ છે. માટે પ્રેમલા-પ્રેમલીના ગીતો ગાવાને બદલે હનુમાન ચાલીસા વાંચવી.

 

વૃષભ :  આ રાશીવાળાના જીવનમાં, સફળતાનો કુંભઘડો આ વર્ષમાં મુકાશે. છીંક,ખોંખારો કે, ઉધરસ આવે તો દિલ્હીની દિશામાં મોં રાખીને ખાવી હિતકર નથી. નવમે કેતુ હોવાથી કાન ભંભેરણીના યોગ છે. કાન ઉપર ‘માસ્ક’ બાંધવો ફળદાયી છે. મંગળનો ગ્રહ વક્રી હોવાથી, માગસર મહિનામાં આઈસ્ક્રીમ સાથે ભાત ખાવો લાભદાયી છે. પાંચ સફેદ બળદના રોજ સુર્યાસ્ત સુધીમાં દર્શન કરવાની સલાહ છે. છે 

 

 

મિથુન :   તમારી રાશિમાં આ વરસે ચાર-પાંચ ગ્રહોનું ગઠબંધન થાય છે. એટલે કમર-ઘૂંટણ-માથું-ટેટાને પગના તળિયાનો દુખાવો રહેશે. આખા વર્ષમાં માત્ર ત્રણ જ લગનમાં જવાની સલાહ છે. કોઈની જાનમાં તો જવું જ નહિ. કુંવારી બહેનો માટે લગનના યોગ છે. પણ જે મુરતિયાના નાક ઉપર કાળો તલ હોય એની સાથે ભવ માંડવો નહિ. સૌભાગ્યવતી સ્ત્રીએ, દર ગુરુવારે ‘પતિદેવ શરણં મમ’ ની ૧૧ માળા કરવી, ને દર રવિવારે ૪૧ મીનીટનું મૌન પાડવું.

કર્ક :  આ રાશિવાળાએ  સવારે ઉઠીને કરોળિયાના દર્શન કર્યા વગર ચા-પાણી કરવા નહિ. નબળા ગ્રહોનો પડછાયો હોવાથી, દર શનિવારે પોતાના પડછાયાનું પૂજન કરવું. આ વર્ષ તમારા માટે થોડું કઠણ છે. એટલે શીર્ષાસનની સ્થિતિમાં જ ભોજન લેવાની સલાહ છે. સવારે દક્ષીણ દિશામાં દશ ડગલા ચાલ્યા પછી જ, બાકીની દિશામાં વિહાર કરવો.

સિંહ :        આ વર્ષ ફળદાયી હોવાથી, ફળો વધારે ખાવા. પપૈયું ખાવાથી પેટ ભલે પપૈયા જેવું થાય, પણ પપૈયું  ખાવાથી જ લક્ષ્મીમાં ધરખમ વધારો થવાનો છે. ડીઝલવાળા વાહનમાં જ મુસાફરી કરવી. અને પાછલી સીટ ઉપર ઉંધા બેસવું. સરકારી કર્મચારીઓએ ચાલુ નોકરીએ ઊંઘવું નહિ, સુતેલા હશે તો લક્ષ્મીજી ઉઠાડવાના નથી. યાદ રાખવું કે ‘જો સોવત હૈ વો ખોવત હૈ..! જો ખોવત હૈ, વો ફિર નહિ આવત હૈ..!’

કન્યા :      વરિષ્ઠ નાગરીકો માટે આ વર્ષ શ્રેષ્ઠ છે. અઠવાડિયામાં એકવાર સાસર પક્ષે વ્હોટસેપ કરવાની બાધા રાખવાથી વયવૃદ્ધિ વધવાના યોગ છે. દર અમાસે આખા કાંદાના કે અખંડિત રતાળુના ભજીયા ખાવા. જેમના દાંત મુંહ-ત્યાગ કરી ગયા હોય, એમણે પોતાની રાશિવાળા બાળકોને દર રવિવારે ચોકલેટ ખવડાવવી. જેથી ગ્રહો સીધી લીટીમાં ચાલતા રહેશે. 

તુલા : :  આ રાશિઓવાળી સાસુઓએ જમાઈથી સંભાળીને રહેવું. બારમે રહેલો રાહુ વહુઓને તપેલી રાખશે. ચાહના મસાલાને બદલે, ગરમ મસાલો નાંખીને ચાહ પીવડાવે તો પણ, થેંક્યું કહેવું,  બને ત્યાં સુધી ચૌદશના દિવસે ‘હેરડાય’ કરવી ટાળવી. વેંગણનું કચુંબર  ખાવાથી, ઓડકારો સુગંધી આવશે, ને વહુઓ વશમાં રહેશે. નવરા બેસીને માખી-હત્યા કરવાને બદલે, બાળકોનું ‘બેબી સીટીંગ’ કરવું. 

વૃશ્ચિક :     આ જાતકોને ૨૦૨૪માં આકરી ગ્રહ દશા હોય, આખું વર્ષ સફેદ વસ્ત્રો ધારણ કરવા. હાથમાં સેકન્ડ કાંટા વગરની ઘડિયાળ જમણા કાંડે ઉંધી પહેરવી. છીંક આવે તે દિવસે નકરડો ઉપવાસ કરવો. રમેશ ચાંપાનેરીના હાસ્ય લેખો વાંચવાથી મગજને શાંતિમળશે. દર મંગળવારે પાંચ કલાકારોને મગની દાળનો શીરો ખવડાવવો અથવા રોજનું રાહુલ-દર્શન કરવુ ફાયદાકારક છે.

ધન :   આ વર્ષમાં કબજિયાત રહેવાના યોગ છે. રોજ સવારે સાયગલના બે ગીત સાંભળવાથી રાહત થશે. ચંદ્રની મહાદશા હોય, પાછલા ખિસ્સામાં કાંસકી રાખવી નહિ. ત્રણ તાળીના ગરબા ગાવા નહિ. ઉંદરને રોજ સિંગદાણાનો અડધો લાડુ ધરાવવો, ને અડધો પોતાની કે કોઈની પણ સાસુને ખવડાવવાથી સંજોગો કાબુમાં રહેશે.

મકર :        આ રાશિવાળાએ  ઉપર ઉડતા વિમાન સામે જોવું નહિ. ગુટખાનું વ્યસન હોય તો ગુટખાનું તોરણ પહેરીને સસરાને પગે લાગવાથી વ્યસન મુકત થશો. ખિસ્સામાં મગરનો ફોટો રાખવો. આ વર્ષમાં દાઢી-મૂછ વધારવી લાભકારી નથી. 

કુંભ : આ વરસે કોઈપણ નેતાની અડફટે ચઢવું નહિ. ઉપલા ખિસ્સામાં કમળનું ફૂલ રાખીને ફરવું, બહેનો અંબોડામાં કમળનું ફૂલ રાખે તો ગ્રહોને નડતરરૂપ નથી. વર્ષ દરમ્યાન ‘ગાયનેક’ પ્રોબ્લેમ હોવાથી, ગાય શીંગડા મારે એવાં બનાવો બનશે, તેથી ચેતતા રહેવું. ચૂનો લાગી જવાની પૂરી સંભાવના છે. દાઢીને ડાય કરવાથી  શનિદેવ  નારાજ થશે, દાઢીને ડાય નહિ કરવા સલાહ છે,

મીન  :   આ રાશિના જાતકો, ફણીધરની માફક મુશ્કેલીમાંથી બહાર નીકળી રહ્યા છે. ગોળના ખાલી માટલામાં તુલસી રોપી પૂર્વ દિશામાં ઘડો મુકવાથી તમામ ગ્રહો વશમાં રહેશે. વર્ષમાં એક મહિનો ધોતિયું પહેરવાની બાધા રાખવી. પૂર્વ દિશામાં માથું રાખીને સુવાથી ફિલ્મોના સ્વપ્નાઓ આવવાના યોગ છે. રાખી (સામંત) સ્વપ્નમાં આવે તો, પથારીમાંથી ઉભા થઇ જવું, પણ ઊંઘવું નહિ.

                        તમામ રાશિવાળાને રમેશ ચાંપાનેરીના હાસ્ય મુબારક..!

                                                લાસ્ટ ધ બોલ

                    વિશ્વાસ સ્ટીકર જેવો છે, એકવાર ઉખેડી લીધા પછી પાછો પહેલાની માફક વળગતો નથી. માણસની છાપ અને છાપું સારું બાંધેલું સારું...!

-------------------------------------------------------------------------------------------------------------------------