Savai Mata - 39 in Gujarati Moral Stories by Alpa Bhatt Purohit books and stories PDF | સવાઈ માતા - ભાગ 39

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સવાઈ માતા - ભાગ 39

મેઘનાબહેનનાં ઘરેથી રમીલા અને સવલી થોડાં વહેલાં જ નીકળી ગયાં. આજે છૂટાં પડતી વેળાએ રમીલા અને મેઘનાબહેન ઘણાં જ સ્વસ્થ હતાં. મેઘનાબહેનનો વિચાર તો એવો જ હતો કે, લીલા હાલ પોતાનાં માતા-પિતા સાથે રહી પોતાની આવનાર જીંદગી તરફ બધું જ ધ્યાન કેન્દ્રિત કરે, પણ વાતચીત દરમિયાન સવલીની મનઃસ્થિતિ જાણ્યા બાદ તેમને લાગ્યું કે, સવલીને લીલાનાં આ લગ્ન નિર્વિઘ્ને થઈ જાય તેવી ઈચ્છા હતી સાથોસાથ તેનાં પોતાનાં બનેવી તેમજ રામજીનાં વડીલો માનશે કે નહીં તેની પણ અવઢવ હતી. તેથી છેલ્લે નક્કી થયું કે તેઓ બેય આજે લીલાને મળીને જ ઘરે જાય.

રમીલાએ પોતાની જૂની કાૅલેજ તરફ કાર લીધી. મેઈન ગેઈટથી એન્ટ્રી લેવાનાં બદલે સીધી સ્ટ્ફ ક્વાર્ટર્સવાળાં ગેઈટથી જ પ્રવેશી કાર સીધી લીલાનાં ક્વાર્ટર સામે જ ઊભી રાખી. પોતે કારમાંથી ઉતરી માતા બેઠી હતી તે તરફનો દરવાજો ઉઘાડી તેની બહાર લીધી. સામાન્ય રીતે ઝાઝાં વાહનો અહીં આવતાં ન હોઈ રામજી અને લીલા પોતપોતાનાં ક્વાર્ટર્સમાંથી બહાર નીકળ્યાં. રમીલાને આવેલ જોઈ ખુશ થયાં.

રામજીએ આગળ વધી કૉલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થીની એવી રમીલાને સંબોધી, "ખૂબ ખૂબ અભિનંદન આપને નવાં ઘર અને નોકરી માટે." અને સવલી તરફ હાથ જોડી બોલ્યો, "કેમ છો માસી. ફાવી ગયું નવાં ઘરમાં?"

આમ તો રામજીની આ પહેલી મુલાકાત ન હતી રમીલા સાથે. તે આ તેજસ્વી વિદ્યાર્થીનીને છેલ્લાં ત્રણ વર્ષથી ઘણાંય ઈનામો લેતી અને મેદાન ઉપર રમતી જોતો આવ્યો હતો. બુદ્ધિપ્રતિભા સાથેની તેનાં પહેરવેશની સાદગી હંમેશા સૌમ્યતાને ઝળકાવતી. પોતાનાંથી આઠ-દસ વર્ષે નાની આ વિદ્યાર્થીનીમાં હંમેશ તેને પોતાની ગામમાં વસતી બહેન અમુ દેખાતી. બેયની આંખોમાં એકસરખું ભોળપણ વર્તાતું પણ તેની પોતાની બહેન નિરક્ષર હતી. તેની ઘણી કોશિશ છતાંય તે શાળાએ નિયમિતપણે ન જ જતી. આજે રામજી રમીલાને પોતાની સંભવિત સાળી અને સમાજની એક પ્રગતિશીલ યુવતી તરીકે જોઈ રહ્યો.

રમીલાએ સસ્મિત, બેય હાથ જોડી તેને પ્રત્યુત્તર વાળ્યો, "રામજીભાઈ, આપનો આભાર."

તેની માતાએ માથું હલાવીને હા કહી.

રામજીની પાછળ પાછળ તેનાં ભાઈ-બહેન ઉત્સાહ અને કુતૂહલભેર બહાર આવી ગયાં હતાં.

તેમનામાંથી એકે રામજીને પૃચ્છા કરી, "ભઈ, આ કુણ સે?"

રામજી બોલ્યો, "આ રમીલા, અહીંથી જ ભણીગણીને ખૂબ જ મોટી, માનભરી નોકરી મેળવી. આજે તેનાં માતા-પિતા અને નાનાં ભાઈ-બહેનની જીંદગી સુધારી દીધી."

અમુ ટહુકી, "તે ભૈ, તું મન આના જેવું ભણવા કે'તો તો?"

"હા, જો તેની જીંદગી. એક સામાન્ય મજૂર કન્યાથી ઉંચકાઈને કેવી મઝાની જગ્યાએ બેઠી છે.", રામજી બોલ્યો.

પાછી, અમુ થોડી બોલવામાં બહાદુર. તેણે થોડાં આગળ વધી રમીલાને પૂછી જ લીધું, "તે તું કોય દા' ડોય મજૂરીએ નથ ગૈ? ખેતરાંમાંય નૈ?"

રમીલા બોલી, "બેન, સાવ નાની હતી ને, ત્યારે માતા-પિતા સાથે મજૂરીએ જતી - બાંધકામની જગ્યાએ. પણ આ શહેરમાં અભ્યાસ શરૂ થયો પછી ક્યારેય નથી ગઈ."

રમીલાનાં વસ્ત્રો અને કાર જોઈ અંજાયેલી અમુ બોલી, "તે ઉં ભણતે તો મને બી આવી ગાડી, નવાં નવાં લૂગડાં મલે?"

રમીલા બોલી, "હા વળી, તારે ભણવું હોય તો તારું પણ એડમિશન કરાવી દઈએ?"

અમુ બોલી, "હારું, કરાઈ દે. પણ ઉં આંય શે'રમાં જ રેવા. માર તારા જેવા બનવું સ. તન મલીશ તો તાર જેવી બનીશ ને?"

રમીલા રામજી સામે જોઈ રહી.

રામજીએ આગળની વાતનો દોર સંભાળ્યો, "સારું, અમુ. બધું થઈ જશે. તું અહીં જ રહેજે. ચાલ હવે અંદર જઈએ, એમને ય ઘરમાં જવા દે."

લીલાની પાછળ રમીલા અને સવલી ઘરની અંદર આવ્યાં. માધી પોતાની બહેનને અચાનક આવેલ જોઈ ખૂબ જ ખુશ થઈ ગઈ. બેય બહેનો અને માધીનો પતિ વાતોએ વળગ્યાં.

લીલા બોલી, "તમ બેય આંય છો તો ઘેર જૈન કારેય રસોઈ કરહો? ચલ, આપણ બેય રસોડામ વાતો કરતાં કરતાં બધાંયને માટે રાંધી લૈએ."

લીલાને આ વિચાર ગમ્યો. વળી, આવતીકાલે સવારે તે ચારેયને વહેલી સવારે જ જવાનું હતું. રાત્રે જમવામાં મોડું થાય તો સૂવામાંય મોડું થાય અને પછી સવાર પણ મોડી જ પડે. તેઓ બેય રસોડામાં પ્રવેશ્યાં.

રમીલાએ પોતાનાં પિતાને ફોનકોલ કરી પોતે બેય જણ લીલાનાં ઘરે છે અને જમવાનું ત્યાંથી જ બનાવીને લઈ આવે છે તેમ જણાવ્યું. તે દરમિયાન સમુ અને મનુને ભૂખ લાગી હતી. તે બેયને પિતાજીએ મકાઈનાં ડોડા ગેસ ઉપર શેકીને આપ્યા તે જાણી રમીલા ખુશ થઈ ગઈ. તેનાં પિતાએ આજે મનુની આગેવાની હેઠળ પહેલીવાર ગેસનો ચૂલો સળગાવ્યો હતો. તેઓએ રમીલાને કહ્યું, "આ તારો ઈસ્ટવ તો બૌ મઝાનો. જલ્દીથી સળગે ને એવો જ જલ્દીથી બૂઝાઈ જાય. વળી, એનો તાપ ઓછોવત્તો પણ તરત કરાય."

લીલાએ એક કથરોટમાં જુવારનો લોટ કાઢ્યો અને રમીલાને રોટલા બનાવવા કહ્યું. પોતે મગની દાળ વઘારી અને ચઢવા મૂકી. થોડી-થોડી સૂવા અને મેથીની ભાજી પણ સાફ કરેલ તૈયાર જ હતી. તેને પણ ધોઈને અંદર ઉમેરી દીધી. થોડી જ વારમાં રસોઈ તૈયાર થઈ ગઈ. લીલાએ બે ડબ્બામાં પાંચેયને થઈ રહે તેટલું ભોજન પેક કરી દીધું. કામ કરતાં કરતાં બેય બહેનોની વાતો ચાલતી જ હતી.

લીલાએ જણાવ્યું કે, રામજીનાં બધાંય ઘરનાં માની ગયાં છે. ખાલી એમનાં પિતાને જ હજી થોડો ખચકાટ છે. ઈમના પાડોશીનાં જ દીકરાની ઉં વઉને? ઉપ્પરથી, આજની તારીખે મેઘજીની જેમ જ કમાઈને એમને જ આપું તે કાલ ઉઠીન એમના ઘેર લગન થાય પસી ન આપું તો ઈમનું ય ખરાબ દેખાય ને? આમ નાનું નાનું લાગે, પણ બૌ જંજાળ સે આ બધી. કાલે હવારે જ આ વાત તો માર બાપુએ મેઘજીનાં માતા-પિતાનેય ફોનથી કરી સ. જોયે અવે, હું થાય સે?"

એટલામાં કોઈએ બારણું ખટખટાવ્યું. માધીએ ઊભાં થઈ બારણું ઊઘાડ્યું. સામે લીલાનાં મૃત પતિ મેઘજીનાં માતા-પિતા ઉભાં હતાં. તેણે બેયને આવકારી બેસાડ્યાં અને લીલાને હાક મારી. લીલા અને તેની પાછળ પાછળ રમીલા પાણી લઈ ઉપસ્થિત થઈ.

થોડી અલપઝલપ વાતો પછી લીલાએ જમવાનું પીરસવાની વાત કરી. પણ બેય જમીને આવેલાં હોઈ હાલ ના કહી. વળી, આવતીકાલે રોકાવાનાં હોવાથી બપોરે તો જમશે જ એમ જણાવ્યું.

હવે, મેઘજીનાં પિતાએ મૂળ વાત છેડી, "આ રામજી પેલ્લેથી અમાર માટ મેઘજી જૈવો જ. બેય હારે જ રઈમા, હારે જ ભ ઈણાં ને આંય નોકરીએ પણ હારે જ લાઈગાં. અવ, જાર મેઘજી નથ તિયાર આ વઉ આંય એકલી રયે એન કરતાં રામજી હાર જ ઈન પૈણાવવાનું નક્કી કરીન આઈવાં સ. એકવાર લગન થૈ જાય તો અમનેય આ એકલા જીવની ચિંતા ન રયે. અન પૈહાનું તો વિચારહો જ નૈ. આજ હુધી લીલાએ અમન જ પૈહા આઈલા સ. હવ તે કમાઈને રામજીન આલહે. અરે, ઈન નોકરીય તે કરવી કે નય, એ એનાં નવાં ઘરનાં હારે જ એ નક્કી કરે તો વધાર હારું." પછી લીલા તરફ ફરીને બોલ્યાં," બોલ વઉ, તન કોંય હો પૂસવું સ?"

લીલા તો આ ભોળિયા જીવની સરળતા જોઈ ખુશખુશાલ થઈ ગઈ.

રમીલા અને સવલીએ બધાંની રજા લઈ ઘર તરફ પ્રયાણ કર્યું.

આ તરફ સવારે રામજીનાં માતા-પિતા સાથે વાતો કરીશું એમ નક્કી કરી રામજીનાં માતા-પિતા સૂવા ગયાં અને લીલા અને તેનાં માતા-પિતા જમીને સૂવાં ગયાં.

ક્રમશઃ

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા