RETRO NI METRO - 30 in Gujarati Magazine by Shwetal Patel books and stories PDF | રેટ્રો ની મેટ્રો - 30

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

રેટ્રો ની મેટ્રો - 30

માતૃ ભારતીના પ્લેટફોર્મ પર થી રેટ્રો ની મેટ્રો સફર શરૂ થઈ ગઈ છે અને વાયદા મુજબ પોતાની સાથે લઈને આવી છે ગાયક સચિનદેવ બર્મન ની રસપ્રદ વાતો.
સચિન દા એક એવા સંગીતકાર કે જેમણે હિન્દી ફિલ્મોમાં વીસથી પણ ઓછા ગીતો ગાયા છે તેમ છતાં તેમણે ગાયેલું દરેક ગીત ક્લાસિક ની કેટેગરીમાં મૂકી શકીએ તેવું લાજવાબ છે. રેટ્રો ચાહકોને જેટલા સચિન દા એ સંગીતબદ્ધ કરેલ ગીતો પસંદ છે કદાચ એનાથી પણ વિશેષ તેમના ગાયેલા ગીતો ના ચાહકોનો વર્ગ મોટો હોઈ શકે, કારણ કે તેમણે વિશિષ્ટ અવાજ માં ગાયેલ ગીતના દરેક શબ્દ ,શ્રોતાને ભાવસરિતા માં ઝબકોળવાની તાકાત ધરાવે છે. સચિનદેવ બર્મને ગાયેલા ગીતોની વાત હોય તો શરૂઆત તો બંદીનીના ગીત 'ઓ રે માંઝી, ઓ રે માંઝી, ઓ મેરે માંઝી...મેરે સાજન હૈ અસ પાર' થી જ કરવી પડે ખરું ને? આ ગીત જ્યારે સાંભળીએ ત્યારે તેનો દરેક શબ્દ મનનો કબજો લઈ લે છે.આને શુદ્ધ લાગણી કહો કે બીજું કંઈક, શાળા-કોલેજના દિવસોમાં જ્યારે પણ હું આ ગીત સાંભળતી,ત્યારે મારું હૃદય એટલું ભારે થઈ જતું કે મને એકલા એકલા આંસુ વહાવી દેવાનું મન થતું.
"मन की किताब से तुम ,मेरा नाम ही मिटा देना..
गुण तो न था कोई भी.. अवगुण मेरे भुला देना।"
નદીના વહેતા સ્વચ્છ જળથી પવિત્ર બનેલા શૈલેન્દ્ર ના આવા શબ્દોને સચિન દા નાં જાદુઈ અવાજનો એવો સ્પર્શ થયો કે શ્રોતાના દિલમાં ભાવનાનું પૂર ઉમટી પડે.આ ગીત સાંભળતા તમારા મનમાં એવો પ્રશ્ન થાય છે ને કે "એક નાવિક દ્વારા ગવાતું ગીત, ત્રિપુરાના આ રાજકુમારે પોતાની ગાયકીમાં આટલી સહજતાથી કેવી રીતે પ્રગટ કર્યું હશે? " ખરેખર તો 1922માં ઇન્ટર પાસ કર્યા પછી B.A કરવાના ઇરાદા સાથે સચિનદેવ બર્મન કલકત્તા જવા ઇચ્છતા હતા, પરંતુ પિતાએ એમને કોમીલા આવવા કહ્યું. એક લોકપ્રિય મેગેઝીનને આપેલી એક મુલાકાત માં સચિનદેવ બર્મને કહ્યું હતું કે "જ્યારે એક વર્ષ હું પિતાજી પાસે રહ્યો ત્યારે મેં આસપાસના બધા જ વિસ્તારમાં ખૂબ ફરવાનું રાખ્યું. હું ખલાસીઓ અને માછીમારોની વચ્ચે ઘૂમતો.તે સમયે તેમના લોકગીતો વિશે મેં ઘણી જાણકારી મેળવી. એ વખતે મેં એટલા બધા ગીતો ભેગા કર્યા કે એ ભંડાર આજે ખૂટે એમ નથી." આમ કિશોર અવસ્થામાં આસપાસના લોકસંગીત સાથે તેઓ એટલી સહજતાથી જોડાઈ ગયા કે એ ગીતો આટલા વર્ષો પછી પણ સંગીત પ્રેમીઓને આનંદિત કરી રહ્યા છે."ओ रे माँझी, ओ रे माँझी, ओ मेरे माँझी,मेरे साजन हैं उस पार, मैं मन मार हूँ इस पार ओ मेरे माँझी अब की बार, ले चल पार, ले चल पार मेरे साजन हैं उस पार.."
સચિન દા એ ગાયેલા આ ગીતમાં બાંસુરીની મધુરતા તબલા ની સંગત સાથે રેલાતી રહે છે, ગીતની પરિસ્થિતિ પ્રમાણે સ્ટીમર નો હોર્ન કે ટ્રેનની સીટી જેવા અવાજો એટલી સરસ રીતે ગીતમાં પરોવાયા છે કે પોતાના પ્રિયતમથી વિખુટી પડી રહેલી નાયિકા ના મનમાં ઉઠતો ઝંઝાવાત જીવંત થઈને શ્રોતા ના કાન માંથી ઉતરી સીધો તેના હૃદય સુધી પહોંચી જાય છે.
સચિનદેવ બર્મને ગાયેલ "ગાઈડ"ફિલ્મનું ગીત પણ એટલું જ અસરકારક છે.એ ગીત એટલે "वहाँ कौन है तेरा मुसाफ़िर जाएगा कहाँ....." પોતાની આત્મકથામાં તેમણે લખ્યું છે કે"શૈલેન્દ્ર મારા માટે જે પણ લખતા તે સીધું અને સરળ હોવાથી, મારા સીમિત હિન્દી જ્ઞાન સાથે પણ, હું ગીતના બોલને આત્મસાત કરી શકતો હતો." ગાઈડના આ ગીત ને તમે ધ્યાનથી સાંભળશો તો જણાશે કે દરેક અંતરાની પહેલી અને ત્રીજી પંક્તિને બે ભાગમાં વિભાજીત કરી શકાશે. જેની વચ્ચે અને અંતમાં આવતા સંગીતના ટુકડા ગીતની ભાવનાને ઉજાગર કરે છે.અંતરા ની બીજી અને ચોથી પંક્તિમાં સચિન દા પોતાના અવાજનું સમગ્ર દર્દ ઠાલવી દે છે. દરેક અંતરાની પાંચમી પંક્તિમાં બરાબર વચ્ચે નગારા ના ધ્વનિ નો ઉપયોગ ખૂબ સરસ રીતે થયો છે. તો ગીતના અંતે "મુસાફિર"શબ્દ સચિન દા એ જુદી જુદી રીતે ગાઇ ને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા છે. શું તમે જાણો છો, આ ગીતની આરંભિક ધૂન સચિન દા એ પોતે ગાયેલા એક બંગાળી ગીત "दूर कोन प्रबासे तोमि चले जाइबा रे, तोमि चोले जाइबा रे बंधु रे कबे आइबा रे..."પરથી લીધી છે.
वहाँ कौन है तेरा, मुसाफ़िर, जाएगा कहाँ
दम लेले घड़ी भर, ये छैयाँ, पाएगा कहाँ
वहाँ कौन है तेरा ...
बीत गये दिन,प्यार के पलछिन
सपना बनी वो रातें
भूल गये वो, तू भी भुला दे
प्यार की वो मुलाक़ातें
सब दूर अँधेरा, मुसाफ़िर जाएगा कहाँ ...
સચિન દેવ બર્મને ગાયેલા ગીતોની એક ખાસિયત એ પણ હતી કે ફિલ્મોમાં તે કોઈ નાયક પર ફિલ્માવાયા નહોતા પરંતુ પાર્શ્વ ધ્વનિ રૂપે તે ફિલ્મમાં આવતા હતા.આવા પાર્શ્વ ગીતો ફિલ્મમાં કોઈ એક પાત્ર ની ભાવનાઓને વ્યક્ત ન કરતા ફિલ્મ ની સમગ્ર પરિસ્થિતિને વર્ણવતા હોય છે.સચિનદેવ બર્મન નો અવાજ એવો વિશિષ્ટ હતો કે કોઈપણ નાયક પર તે ફિટ થાય તેવો ન હતો પણ પાર્શ્વ ગીતોમાં તે અમીટ છાપ છોડી જનાર બની રહેતો.એવું જ એક ગીત 1971 ની ફિલ્મ"અમર પ્રેમ"માં હતું. જેના સંગીત નિર્દેશક સચિન દેવના પુત્ર રાહુલદેવ બર્મન હતા. ફિલ્મ માં સચિન દા ના વિશિષ્ટ અવાજમાં ગીત છે "डोली में बिठाई के कहार...लाए मोहे सजना के द्वार..." પોતાના પુત્ર રાહુલદેવ બર્મન નાં સંગીત નિર્દેશનમાં સચિન દા એ ગાયેલું આ એકમાત્ર ગીત છે.ગીતકાર આનંદ બક્ષીએ ફિલ્મની સિચ્યુએશન મુજબ દર્દભર્યું ગીત લખ્યું પણ એમાં વ્યક્ત થતી ભાવનાઓને જીવંત બનાવવા માટે સચિનદા ના અવાજની જરૂર હતી. સચિન દા એ જે રીતે 'રામા રે...' શબ્દો સાથે ગીતનો ઉપાડ કર્યો તેમાં ગીતમાં છુપાયેલી પીડા નો ઈશારો મળી જાય છે. સચિન દાના પ્રભાવક અવાજની સાથે વાંસળીની ધૂન પછી આવે છે ગીતની ટ્રેડમાર્ક ધૂન જે આ ગીતની પહેચાન છે અને આખા ગીતમાં ઠેક ઠેકાણે તેનો ઉપયોગ થયો છે.
"हो रामा रे, हो ओ रामा,डोली में बिठाई के कहार
लाए मोहे सजना के द्वार,ओ डोली में बिठाई के कहार
बीते दिन खुशियों के चार,देके दु:ख मन को हजार
ओ डोली में..."
તમારા જેવા રેટ્રો ચાહકોને 1969 માં રજૂ થયેલી ફિલ્મ આરાધના તો યાદ હશે જ કારણ કે આ ફિલ્મથી નવોદિત અભિનેતા રાજેશ ખન્ના અને ગાયક કિશોર કુમારની કરિયરને જબરજસ્ત ઊંચાઈ પ્રાપ્ત થઈ હતી. આ ફિલ્મમાં સચિનદેવ બર્મનના સ્વરમાં એક સરસ ગીત છે."सफल होगी तेरी आराधना..काहे को रोये..."સચિનદેવે ગાયેલા મોટાભાગના ગીતો થી ઊલટું, આ ગીતમાં ભટિયાલી લોકસંગીત નું પ્રતિબિંબ દેખાતું નથી પરંતુ આ ગીત ની પ્રકૃતિ બંગાળના પ્રસિદ્ધ લોક નાટ્ય જાત્રા માં આવતા સૂત્રધાર જેવા પાત્ર વિવેક (बिबेक) ને મળતી આવે છે. લોક નાટ્ય જાત્રા ના વિવેક નું પાત્ર મોટેભાગે નાટકની વચ્ચે આવે છે અને નાટકની પરિસ્થિતિ ને દાર્શનિક દ્રષ્ટિકોણ થી મૂલવી પ્રેક્ષકો સમક્ષ મૂકે છે. જો તમે એસ ડી બર્મન ના ગીતો ધ્યાનથી સાંભળતા હશો તો એ નોંધ્યું જ હશે કે અગાઉ પણ"वहाँ कौन है तेरा मुसाफ़िर जाएगा
कहाँ .."ગીતમાં પણ જાત્રા ના સૂત્રધાર વિવેક ની આવી દાર્શનિકતા જોવા મળશે. "આરાધના"વખતે આવી દાર્શનિકતા પોતાના ગીતોમાં ઠાંસી ઠાંસીને લાવતા ગીતકાર શૈલેન્દ્ર આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા તેથી તેમનો સાથ સચિન દાને મળે તેમ ન હતો. જોકે આરાધના ના સચિનદેવે ગાયેલા ગીત માટે આનંદ બક્ષી એવી જ દાર્શનિકતા પોતાના ગીતમાં લાવી શક્યા અને એમણે ગીત લખ્યું
"बनेगी आशा इक दिन तेरी ये निराशा
काहे को रोये, चाहे जो होए
सफल होगी तेरी आराधना
काहे को रोये..."સચિનદાએ આ ગીતની ભાવનાને પોતાના અવાજમાં એટલી સરસ રીતે ઉતારી કે 1970 માં સર્વશ્રેષ્ઠ પાર્શ્વ ગાયન નાં નેશનલ એવોર્ડ થી સચિન દા ને સન્માનિત કરાયા. રેટ્રો ચાહકો એ જાણે છે કે સચિનદેવ બર્મન ગીતમાં ઉપયોગમાં લેવાતા વાદ્યોની બાબતમાં એક નિશ્ચિત માન્યતા ધરાવતા હતા.ગીતમાં ઓરકેસ્ટ્રા નો ઉપયોગ તેઓ બિનજરૂરી ગણતા હતા.તેઓ માનતા હતા કે વિવિધ વાદ્યો નો અતિશય પ્રયોગ ગીત ના આત્માને મારી નાખે છે. તેઓ ગીતમાં ભારતીય વાદ્યોની સાથે લોકવાદયોનો સમજપૂર્વક ઉપયોગ કરતા. આરાધના માટે "સફલ હોગી તેરી આરાધના..." ગીત રેકોર્ડ કરતી વખતે બનેલ એક ઘટના બાબતે નિર્માતા શક્તિ સામંતે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે "આરાધના ના આ ગીત નાં રેકોર્ડિંગ વખતે સચિન દા ના પુત્ર રાહુલદેવ તેમના સહાયક હતા અને આ ગીત માટે તેમણે 12 સાજિંદાઓને બોલાવ્યા હતા. સચિંદા એ પહેલેથી જ આ ગીત માટે 11 સાજિંદા બોલાવવા તેવું પંચમને કહ્યું હતું.જ્યારે સ્ટુડિયોમાં બાર સાજીંદા જોયા ત્યારે સચિન દેવ ગુસ્સે થઈ ગયા. છેવટે ગીતમાં 11 સાજીદા એ જ વગાડ્યું અને જે બારમાં કલાકારને વાજિંત્ર વગાડવાની તક ન મળી તેને પણ સચિનદા એ મહેનતાણું ચુકવ્યું હતું. તો આવા હતા સિને ચાહકો ના પ્યારા સંગીતકાર, ગાયક સચિન દેવ બર્મન. હિન્દી ફિલ્મોમાં ભટીયાલી ગીતોની પરંપરા સચિન દા એ ફિલ્મ સુજાતા માટે ગાયેલ, બેહદ લોકપ્રિય ગીત" सुन मेरे बंधु रे सुनो मोरे मितवा ... " સાથે કરી હતી. ભટિયાલી લોકસંગીત વિશે સચિનદા એ પોતાના એક હિન્દીલેખમાં લખ્યું હતું કે "मेरे लिए भाटियाली,मिट्टी की एक धुन है। इसकी जड़े ज़मीन से निकलती हैं और धरती ही इन धुनों को पोषित पल्लवित करती है। भाटियाली एक तरह से बहती नदी का गीत है। इसके सुर, इसके बोल, इसकी पीड़ा, इसकी खुशियाँ हमें बंगाल की नदियों की याद दिलाती हैं। भाटियाली गीत एक आम किसान का प्रेम गीत भी हो सकता है,तो वहीं वो राधा कृष्ण के रास रंग को भी चित्रित कर सकता है। भाटियाली गीतों का मूड, उनकी कैफ़ियत दार्शनिकता में डूबे अकेलेपन को स्वर देती है पर ये दार्शनिकता बाउल गीतों से अलग होती है।"
"આરાધના" રજૂ થઈ તે અરસામાં જ "તલાશ" નામની એક ફિલ્મ પણ પ્રદર્શિત થઈ હતી. આ ફિલ્મમાં પણ સચિનદેવ બર્મનનું એક પાર્શ્વગીત હતું. મજરૂહ સુલતાનપુરી એ લખેલું એ ગીત હતું "मेरी दुनिया है माँ तेरे आँचल में,शीतल छाया तू, दुख के जंगल में।"માની મમતા ને સર્વોપરી માનતી હોય તેવી કોઈ પણ વ્યક્તિ નું હૃદય આ ગીતની ભાવ વર્ષામાં ભીંજાયા વગર ન રહી શકે.મારી આ વાત સાથે તો તમે પણ સંમત થશો જ ખરું ને? સચિન દેવ બર્મને ગાયેલા ગીતો અને એની પાછળ છુપાયેલા એમના વ્યક્તિત્વ સાથે જોડાયેલી રસપ્રદ વાતો સાથે આપણે આ રેટ્રોની મેટ્રો સફર પૂરી કરીને પરત આવી ગયા છીએ માતૃ ભારતી ના પ્લેટફોર્મ પર. આવી જ મજેદાર વાતોનો ખજાનો લઈને ફરી પાછી આવશે આપને માટે રેટ્રો ની મેટ્રો.
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.