Savai Mata - 24 in Gujarati Moral Stories by Alpa Bhatt Purohit books and stories PDF | સવાઈ માતા - ભાગ 24

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

સવાઈ માતા - ભાગ 24

નવલ પ્રભાતનાં રંગો રેલાય ત્યાં સુધી બધાંએ મીઠી નીંદર માણી લીધી હતી. રાબેતા મુજબ મેઘનાબહેન અને રમીલા ઊઠી ગયાં હતાં. થોડી જ વારમાં રમીલાની માતા પણ પરવારીને આવી ગઈ. તેનો સંકોચ હવે સાવ જતો રહ્યો હતો. મેઘનાબહેનને મોટી બહેન સમાન ગણી તેમની પાસેથી વધુને વધુ કામકાજ શીખવાની તેની ઈચ્છા હતી જેથી આગળ જતાં રમીલા સાથે રહી ઘર સંભાળવામાં તેને તકલીફ ન પડે. આજે તો તેણે જાતે જ ત્રણેય માટે ચા તૈયાર કરી અને મેઘનાબહેને મેથી અને સુવાની ભાજીનાં થેપલાં બનાવવા શરૂ કર્યાં. ત્રણ જણ પૂરતાં થેપલાં થઈ જતાં ત્રણેયે ચા નાસ્તો કરી લીધો.

એટલામાં નિખિલ પણ આવી ગયો. નાસ્તો પૂરો કરી રહેલ રમીલાએ બાકીનાં થેપલાં બનાવવા શરુ કર્યાં અને નિખિલને ચા નાસ્તો આપ્યો. આજે સમીરભાઈને રજા ન હતી માટે મેઘનાબહેને તેમના માટે જમવાનું બનાવવાની શરૂઆત કરી. મેથી-બટાકાનું અને ભીંડાનું શાક રમીલાની માતાની સહાયતા લઈ બનાવી દીધું. ટિફિનમાં ભરવા જેટલી રોટલી બનાવી બાકીનો લોટ ઢાંકી દીધો. રમીલા સમીરભાઈનો ચા-નાસ્તો તેમનાં ઓરડામાં જ આપી આવી જેથી તેઓને તૈયાર થવામાં મોડું ન થાય. રમીલાનાં પિતા અને સમુ - મનુ પણ ડાઇનિંગ ટેબલ ઉપર આવી ગયાં. રમીલાએ બાળકોને દૂધનાં ગ્લાસ પકડાવ્યાં અને પોતાનાં પિતાને ચા આપી. તેની સાથે થેપલાંનો નાસ્તો કરતાં કરતાં બધાં હળવી મજાક કરી રહ્યાં.

આજે ખરીદી કરવા માટે જમીને જ નીકળવાનું હતું એટલે નાસ્તો કરી પરવારતાં મેઘનાબહેને બંને બાળકોને ભણવા બેસાડ્યાં. બંને પોતાની ઉંમરનાં પ્રમાણમાં ઘણાં કાચાં હતાં માટે તેમણે થોડી ગણિતની રમતો રમાડી તેમને મહાવરો કરાવવાની શરૂઆત કરી. સમીરભાઈને રમીલાએ રોટલી, બેય શાક, સલાડ અને છાશનું ટિફિન ભરી આપ્યું. તેમનાં આૅફિસ જતાં રમીલાએ પોતાની માતાને હાજર રાખીને વોશિંગ મશીનમાં કપડાં ધોવાં નાખ્યાં જેથી તે પણ શીખતી જાય. નિખિલે પોતાનાં અભ્યાસમાંથી થોડો સમય કાઢી આખાં ઘરમાં વેક્યુમ ક્લીનીંગ કરી નાખ્યું. આ મશીન રમીલાનાં પિતાએ પહેલી જ વખત જોયું હતું એટલે કુતૂહલથી તેનાં વિશે નિખિલને પૃચ્છા કરી. નિખિલે તેમને વિગતે સમજાવ્યું અને મશીન ચલાવતાં પણ શીખવ્યું.

હાથે ઝાડૂ પકડીને ઘસી ઘસીને કચરો કાઢતાં પણ ન થાય એટલું ચોખ્ખું ઘર આ મશીનથી થતું જોઈ તે બોલ્યા, "આ તો કેટલું હારું. જરરાય ધૂળ બાકી નથ રેયલી. અન વાળતાં વાળતાં ઉડતી બી નથ. બોવ મઝાનું મસીન છે, ભઈ."

આ તરફ બાકીની રોટલી થઈ ગઈ હતી અને રમીલાએ થોડાં દાળ-ભાત પણ બનાવી દીધાં. મેઘનાબહેને તેને થોડો ઘઉંનો શીરો પણ ગોળ નાખી બનાવવા કહ્યું જેથી બાળકોને ગળ્યું ખાવાની મઝા પડે અને થયું પણ તેમજ. શીરો શેકાવાની સુગંધ આવતાં જ બેય બાળકો ખુશ થઈ ગયાં. લગભગ નવથી બાર વાગ્યા સુધી બેય ભણીને ઊઠ્યાં અને બધાંની જોડે જમવા બેઠાં. આજે ખરીદી માટે તેમને જવાનું ન હતું માટે જમીને મેઘનાબહેને તે બેયને થોડી સીડીઝ આપી અને તે જોઈને આગળ દાખલા ગણવાનું અને ગુજરાતીનાં પાઠને વાર્તાની જેમ સાંભળવાનું કહ્યું. જરૂર પડ્યે નિખિલની મદદ લેવાનું કહ્યું. સીડી લેપટોપમાં કેવી રીતે ચલાવાય એ તો તેમણે બંનેને સવારે જ શીખવાડ્યું હતું.

જમીને થોડો આરામ કરી મેઘનાબહેન રમીલા અને તેનાં માતા-પિતા તૈયાર થઈ ગયાં. આજે નિખિલે બાળકોનું ધ્યાન રાખવાની જરૂર ન હતી. તેઓને અભ્યાસ કરવાનું કહેવાયું હતું. ચારેય જણ ઘરેથી નીકળી ઘરથી થોડે દૂર આવેલી કપડાંની દુકાનમાં પહોંચ્યાં જ્યાં રમીલાનાં માતા-પિતા માટે ઘરમાં પહેરવા લાયક અને થોડાં બહાર જવા વપરાય તેવાં કપડાંની ખરીદી થઈ. તેમનાં ચપ્પલ અને બીજી જરૂરિયાતની ચીજો ખરીદાઈ. હંમેશા કંકુનો ચાંદલો કરતી રમીલાની માતાએ એક નાનકડી કંકુની ડબ્બી અને મેઘનાબહેન વાપરતાં હતાં તેવા સ્ટીકરવાળા ચાંદલાનાં બે પેકેટ લીધાં. તેનાં સૌંદર્ય પ્રસાધનમાં બધું મળીને આ એક જ ચીજ આવતી હતી.

આગળ મેઘનાબહેને રમીલાને નવી કોલેજમાં પહેરવાં થોડી કુરતી અને કુરતી પેન્ટસ ખરીદ્યાં. રમીલા અને મેઘનાબહેન, બેયને શરીર ઉપર ચપોચપ બેસી જાય તેવી લેગીંગ્સ પસંદ ન હતી. તેનાથી લોહીનાં પરિભ્રમણમાં પણ અવરોધ ઊભો થાય અને ચુસ્ત કપડાં થોડાં અરુચિકર પણ લાગે એમ તે બંનેનો મત હતો. રમીલાને હવે ઘણી મોટી કંપનીમાં નોકરી માટે જવાનું હતું. આમ તો ત્યાં નિયત ગણવેશ જ પહેરવાનો હતો પણ તેઓએ ત્રણ થોડી ભારે સાડીઓ લીધી જેથી ઓફિસમાં વાર તહેવારે પહેરી શકાય. રોજ તો નહીં, પણ પ્રસંગોપાત સાડી પહેરવી રમીલાને ગમતી. તેની પાસે આધુનિક કપડાં પણ હતાં, પણ તે કપડાં તે પરિવાર કે થોડાં અંગત મિત્રો સાથે બહાર જતાં જ પહેરતી, કૉલેજ કે નોકરીનાં સ્થળે નહીં. થોડો હળવા મેક અપનો સામાન લીધો જે તેનાં નવી નોકરીના હોદ્દા અનુરૂપ કરવો જરૂરી હતો.

રમીલાએ યાદ કરીને નિખિલનાં મનપસંદ પરફ્યુમની બે બોટલ લીધી. તેનાં માટે પરફ્યુમ, આફ્ટર શેવ લોશન, શેવિંગ ફોમ બધું જ રમીલા લાવતી. તેને ભાઈની પસંદગીની સુપેરે જાણ હતી. લગભગ બધી જ ખરીદી પૂરી થઈ ગઈ હતી અને સાંજનાં સવા છ થયાં હતાં. દુકાનો ઘરથી બહુ દૂર ન હતી એટલે પોણા સાત સુધીમાં તેઓ ઘરે આવી ગયાં.

ઘરે આવતાં જ બાળકો તેમનાં માતાપિતાને વીંટળાઈને ખુશખબર વહેંચવા લાગ્યાં, "તમન ખબર સે, અમ આજ હારું ભયણાન તે ભઈએ અમન નવી રમત રમતાં હીખવાયડી. પસી બટાકા પૌંઆનો નાસતો બી કરાયવો. એમને તો ખાવા બનાવતા બી આવડે સ."

મેઘનાબહેને બેય બાળકોને ઘરનાં કામકાજમાં નિપુણ બનાવ્યાં હતાં જેથી ક્યાંય પણ રહે તેમણે કોઈકનાં ભરોસે બેસી રહેવું ન પડે. એ જ રીતે ડ્રાઈવીંગ, સ્વીમીંગ પણ શીખવ્યાં હતાં.

માતાપિતાએ બેય બાળકોનાં માથે હાથ ફેરવ્યો. થોડી દિનચર્યાની વાતો નિખિલ સાથે કરી બધાંએ ફ્રેશ થઈ નિખિલે બનાવેલાં બટાટા પૌઆ માણ્યાં. તેમનાં આવતાં જ નિખિલે ચા પણ મૂકી હતી એટલે ખરીદીનો થોડો થાક લાગ્યો હતો તે પણ ઉતરી ગયો.

નાસ્તો કર્યાં પછી મેઘનાબહેને એક-બે જરૂરી ફોન કર્યાં. થોડી વારમાં દરવાજાની ઘંટડી વાગી. આજે શું બનાવીએ પૂછતાં પૂછતાં રમીલા દરવાજો ખોલવા ગઈ. દરવાજે જુએ તો સમીરભાઈની સાથે લીલા આવી હતી.

રમીલા હોંશથી લીલાને ભેટી અને બોલી, "અરે બેન, શું સરપ્રાઈઝ આપી તેં તો? મને હતું કે આપણે હવે કયારેય મળી શકીશું? હું તો નવી કોલેજ જઈશ પણ આજે તને આમ આવેલ જોઈ હું બહુ જ ખુશ છું."

મેઘનાબહેન તેમની નજીક આવ્યાં અને બોલાયાં, "રમીલા, તું વિચારતી હતી ને કે નવાં ઘરમાં તું નહીં હોય ત્યારે મમ્મી પપ્પા આ બેય ને સાચવતાં કઈ રીતે એકલાં રહી શકશે? "

રમીલાએ કાંઈક વિચારતાં હકારમાં માથું ધૂણાવ્યું.

મેઘનાબહેને આગળ ઉમેર્યું, "હવે લીલાને કોલેજમાં પૂરાં ચાળીસ દિવસનું વેકેશન છે. આમ, તો તેણે કેમ્પસમાં જ રહેવું પડે પણ, મેં તેના પ્રિન્સીપાલ મેડમ પાસેથી તેનાં માટે આ રજાઓ અહીં રહેવા મંજૂર કરાવી દીધી છે. તે દસ દિવસ તમારી સાથે રહેશે પછી ત્રણ-ચાર દિવસ તેનાં ક્વાર્ટર્સ ઉપર જઈ આવશે અને અહીં પાછી ફરી બાકીનું વેકેશન તમારી જોડે જ રહીને પૂરું કરશે. હવે તમારે કોઈ જ ચિંતા નહીં રહે. તે શહેરી રીતભાતથી સારી રીતે પરિચિત છે."

તેમની વાત સાંભળી રમીલા અને તેનાં માતા-પિતા ખૂબ ખુશ થઈ ગયાં.

મેઘનાબહેને ઉમેર્યું, "જ્યારે લીલાએ અહીં આવવા સંમતિ આપી ત્યારે જ તેણે કહ્યું હતું કે આજની રસોઈ તે જ બનાવશે માટે હવે તું અને લીલા જ રસોઈ કરશો આજે. હું આરામ કરીશ." કહી હસી પડ્યાં.

રમીલાએ લીલાની બેગ ઉંચકી અને તેને પોતાનાં ઓરડામાં લઈ ગઈ. થોડીવારમાં બેય રસોડામાં હતી અને મઝાનાં કઢી-પુલાવ, પરોઠા અને સેવ-ટામેટાંનું શાક બનાવી દીધું. ઘરમાં એક સભ્યનો ઉમેરો થતાં ડાઈનિંગ ટેબલ ઉપર ઉત્સવ જેવું વાતાવરણ થઈ ગયું.

પરમ દિવસે રમીલાને તેનાં પરિવારનાં સભ્યો સહિત નવાં ઘરમાં પ્રવેશ કરવાનો હતો એટલે લીલાનાં માતા-પિતા, રમીલાનાં બાકી ત્રણ ભાઈ-બહેનો, માતી, મેઘો અને પારવતીને તેમનાં પરિવારસહ આવવાનું આમંત્રણ ફોન ઉપર અપાઈ ગયું.

ક્રમશઃ

મિત્રો,વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી તેમજ સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર