Khauf - 4 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | ખોફ - 4

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

ખોફ - 4

4

‘ગોલ્ડ સ્પાના’ સ્ટીમ રૂમમાં વિરાજ સાથે ભયાનક ઘટના બની રહી હતી ! સ્ટીમ રૂમના વાતાવરણને કન્ટ્રોલ કરતા પૅનલ પરના આંકડાઓ આપમેળે વધી ગયા હતા, અને સ્ટીમ રૂમમાંની ગરમી એટલી હદે વધી ગઈ હતી કે, અંદર સ્ટીમ બાથ લેવા માટે ગયેલા વિરાજની ચામડી બળવા માંડી હતી, તેના શરીર પરથી ચામડી ઊતરડાવા માંડી હતી !

અને આ હકીકતથી બિલકુલ બેખબર સ્પાની સંચાલિકા સોનિયા અત્યારે પણ પોતાના બૉયફ્રેન્ડ સાથે મોબાઈલ ફોન પર ગપ્પાં લડાવી રહી હતી ! તે ખિલખિલ હસી રહી હતી.

એક પછી એક મિનિટો પસાર થઈ રહી હતી. આઠ...નવ અને દસ મિનિટ પૂરી થઈ. સોનિયાએે સ્ટીમ રૂમના ટાઈમરમાં દસ મિનિટનો સમય સેટ કર્યો હતો, એટલે આ દસમી મિનિટે એલાર્મ વાગવું જોઈતું હતું, પણ..પણ એલાર્મ વાગ્યું નહિ અને સોનિયા તો હજુય મોબાઈલ પરની પોતાના બૉયફ્રેન્ડ સાથેની વાતોમાં જ મસ્ત હતી. બાર-પંદર-પચીસ-ત્રીસ મિનિટ પૂરી થઈ. સોનિયા પોતાના બૉયફ્રેન્ડ સાથે એ જ રીતના હસી-હસીને વાતો કરી રહી હતી.

પિસ્તાળીસ મિનિટ પૂરી થઈ અને અચાનક જ સોનિયાની નજર સામેની દીવાલ ઘડિયાળ પર પડી અને તેના મગજમાં એકદમથી જ વિરાજની યાદ તાજી થઈ ગઈ. ‘ઓહ, માય ગોડ ! વિરાજ તો સ્ટીમ રૂમમાં છે !’ અને ફોન પર બૉયફ્રેન્ડને કંઈ પણ કહેવા રોકાયા વિના તે મોબાઈલ કટ કરતાં અંદરના રૂમ તરફ દોડી. તે અંદરના રૂમમાં દાખલ થઈ તો તેને છેલ્લા-ચોથા સ્ટીમ રૂમના દરવાજામાંથી જાણે ધુમાડો નીકળતો હોય એવું લાગ્યું.

તે ‘વિરાજ’ના નામની બૂમ પાડતાં એ દરવાજા પાસે પહોંચી. તેણે દરવાજો ખોલ્યો. તેની નજર અંદર પડી અને એ સાથે જ તેના મોઢેથી ચારે બાજુની દીવાલો અને ત્યાંની દરેક વસ્તુને ધ્રુજાવી દેનારી ચીસ નીકળી ગઈ. અંદર...,

-અંદર ભડથું થઈ ગયેલી વિરાજની લાશ પડી હતી.

૦ ૦ ૦

આજે વિરાજનું બેસણું હતું. વિરાજના ઘરમાં, ડ્રોઈંગરૂમમાં ટેબલ પર હાર પહેરાવેલો વિરાજનો હસતો ફોટો મુકાયેલો હતો. એક તરફ વિરાજના મમ્મી-પપ્પા અને એના બીજા સગાં-વહાલાં દુઃખી ચહેરે બેઠાં હતા.

સામેની બાજુએ વિરાજના ખાસ ફ્રેન્ડ્‌સ રૉકી, મોહિત અને રોમા બેઠા હતા. ત્રણેય ગમગીન હતા. પાછલા કેટલાય વરસોથી તેઓ એકસાથે જ ભણતા-હસતા-ખેલતા હતા અને આમ અચાનક જ વિરાજ તેમની વચ્ચેથી હંમેશ માટે ચાલ્યો ગયો હતો, એનો આઘાત ને આંચકો તેમના ચહેરા પર દેખાતો હતો.

‘રૉકી ! એ લોકો આવ્યા !’ રૉકીના કાનમાં મોહિતે ફૂંક મારી, એટલે રૉકીની નજર મુખ્ય દરવાજા તરફ દોડી ગઈ.

આરસી, નીલ, પાયલ અને વૈભવી અંદર દાખલ થઈ રહ્યાં હતાં.

તેઓે ચારેય જણાં એક તરફ બેઠાં. તેઓ બેઠાં એ પછી આરસીની નજર રૉકી, મોહિત અને રોમા પર પડી.

રૉકી અને મોહિત તેની સામે જ જોઈ રહ્યા હતા. એેમની નજરમાં દુઃખ ને દર્દ હતું અને સાથોસાથ કંઈક બીજું પણ હતું. આરસીએ સહેજ વધુ ધ્યાનથી એમની આંખોના ભાવ વાંચ્યા. અને તેના દિલે દુઃખ અનુભવ્યું.

રૉકી અને મોહિતની આંખોમાં તેની અને નીલ તરફની શંકાના ભાવ હતા ! જાણે તેણે અને નીલે મળીને વિરાજને મારી નાંખ્યો હોય કે મરાવી નાંખ્યો હોય !

આરસીથી એ બન્નેની નજરોના ભાવ સહન થયા નહિ. તેણે એમના તરફથી નજર વાળી લીધી, તો તેની નજર કૉલેજની ફૂટબોલ ટીમના કૉચ ટાઈગર પર પડી. હંમેશાં કાળો લાંબો કૉટ અને માથે કાળી કૅપ પહેરીને ફરતા પીસ્તાળીસેક વરસના કૉચ ટાઈગરે અત્યારે પણ પોતાનો એ જ લિબાસ પહેરી રાખ્યો હતો. કૉચ ટાઈગર અત્યારે વિરાજના સગાં-વહાલાં સાથે બેઠો હતો.

કૉચ ટાઈગર ઊભો થઈને બહાર નીકળી ગયો.

આરસીએ ફરી રૉકી, મોહિત અને રોમાના ચહેરા પર નજર ન પડી જાય એની તકેદારી સાથે નજર વાળીને વિરાજના ફોટા તરફ જોયું. થોડીક પળો થઈ, એટલે પાયલે આરસીને ઊભા થવા માટેનો ઈશારો કર્યો.

આરસી ઊભી થઈ. તે નીલ, પાયલ ને વૈભવી સાથે વિરાજના ઘરની બહાર નીકળી ને વિરાજના ઘરની બાજુના બીજા મકાન નજીક પહોંચીને ઊભી રહી.

વૈભવી પોતાના સ્કૂટર પર આવી હતી એટલે એ રવાના થઈ, તો નીલે પાછળના કૉમન પ્લોટમાં કાર પાર્ક કરી હતી, એટલે એ કાર લેવા ત્યાંથી આગળ વધી ગયો.

પાયલ ત્રણ-ચાર ઘર છોડીને જ રહેતી હતી, એટલે એ નીલ આવે ત્યાં સુધી આરસીને કંપની આપવા માટે ત્યાં જ ઊભી રહી.

તો આરસી ચુપચાપ ત્યાં જ ઊભી રહી, ત્યાં જ તેની નજર બાજુના મકાનની બારીની અંદર પડી. અંદર-બારીની ડાબી બાજુ-નજીકમાં જ કૉમ્પ્યુટર ટેબલ પડયું હતું. એ ટેબલ પર કૉમ્પ્યુટરની બાજુમાં એક નાનકડી ફોટો ફ્રેમ પડી હતી. એ ફોટો ફ્રેમમાં અઢાર વરસની ખૂબસૂરત યુવતીનો ફોટો મઢેલો હતો. એ ફોટો ફ્રેમ પાસે ગુલાબનું એક ફૂલ પડયું હતું.

આરસી એ યુવતીના ફોટા સામે જોઈ રહી, ત્યાં જ તેની નજર સામે, એ રાતના તેને કબાટમાંના અરીસામાં દેખાયેલી મંજરીની આંખો ફાટેલી, કપાળ પરના ઘામાંથી લોહી નીકળતી લાશ તરવરી ઊઠી.

અને ત્યાં જ આરસીના ખભે હાથ મુકાયો, એટલે તેની આંખ સામેથી મંજરીની લાશ દૂર થઈ. તેણે જોયું તો પાયલ તેના ખભે હાથ મૂકીને ધીરેથી કહી રહી હતી : ‘આરસી ! તારે જાણવું છે કે, આ કોનો ફોટો છે ?’

‘...કોનો ફોટો છે ? !’ આરસીએ પૂછવા ખાતર પૂછયું.

‘મંજરીનો !’

‘એટલે..!’ આરસી ચોંકી : ‘તું પેલી વાત કરતી હતી એ મંજરી...’

‘હા !’ પાયલે આરસીના સવાલને કાપતાં જવાબ આપી દીધો : ‘...આ પચીસ વરસ પહેલાં ગૂમ થયેલી મંજરીનો જ ફોટો છે !’

આરસીએ ફરી એ ફોટા તરફ જોયું તો તેની આંખો ઝીણી થઈ. તેમની કૉલેજનો કૉચ ટાઈગર એ ફોટો ફ્રેમ સામે પડેલું ગુલાબનું ફૂલ ઊઠાવી લઈને બીજું તાજું ગુલાબનું ફૂલ મૂકી રહ્યો હતો.

ટાઈગર ફૂલ મૂકીને બાજુના રૂમમાં ચાલ્યો ગયો, એટલે આરસીએ પાયલ સામે જોયું : ‘પાયલ ! શું મંજરી ટાઈગરની કોઈ સગી...’

‘ના !’ પાયલ બોલી : ‘એ વખતે ટાઈગર આપણી કૉલેજમાં જ ભણતો હતો અને એની મંજરી સાથે ખૂબ બનતી હતી. એટલે એ આજે પણ મંજરીને ભૂલી શકયો નથી.’

‘હં !’ આરસીએ કહ્યું, ત્યાં જ નીલ કાર લઈને આવી પહોંચ્યો.

આરસી મંજરી વિશેના વિચારોમાં જ નીલની બાજુમાં બેઠી. નીલે પાયલ સામે  ‘આવજે !’ના ઈશારાવાળો હાથ હલાવ્યો અને ત્યાંથી કાર આગળ વધારી દીધી.

૦ ૦ ૦

રાતના નવ વાગ્યા હતા. આરસી પોતાના બેડરૂમમાં બેઠી હતી, ત્યાં જ બેડરૂમના પાછલા દરવાજે ટકોરા પડયા, એટલેે તે ચોંકી ઊઠી. ‘કોણ ?’ તેણે ખુરશી પરથી ઊભી થઈ જતાં પૂછયું.

‘હું છું, રોમા !’ બહારથી અવાજ આવ્યો : ‘બારણું ખોલ, આરસી !’

આરસી પાછલા દરવાજા તરફ આગળ વધી. રોમા તેની પાડોશના મકાનમાં જ રહેતી હતી. અગાઉ કયારેક-કયારેક રોમા અહીં આવતી-જતી રહેતી હતી, પણ રોમા રૉકીના ગ્રુપમાં ભળી અને રૉકીના ગ્રુપે તેની, પાયલ અને વૈભવી સાથે જે હરકત કરી એ પછી આજે રોમા પહેલીવાર આવી હતી.

આરસીએ દરવાજો ખોલ્યો એટલે હાથમાં બે નોટબુકો સાથે રોમા અંદર આવી : ‘તું ગઈ એ પછી હોમવર્ક મળ્યું, એ હું તને આપવા આવી હતી !’

‘રોમા !’ આરસી બોલી : ‘હવે આવી બધી વાતોનો કોઈ મતલબ છે, ખરો ? રૉકી સાથે મળીને તેં અમારી સાથે જે...’

‘હું એમની સાથે સામેલ નહોતી.’ રોમા બોલી : ‘અને વળી તેં મેગેઝિનમાં એમના વિશે જે છાપ્યું એના બદલામાં એમણે તમને ડરાવવા માટે આટલું કર્યું. એમણે તમારી સાથે થોડીક મજાક-મસ્તી...’

‘...શું એ થોડીક મજાક અને મસ્તી હતી ? !’ આરસી બોલી : ‘રોમા, એમણે અમને નશીલી દવાના ઈન્જેકશન આપ્યાં હતાં અને અમને એક ભુતિયા હવેલીમાં પૂરી દીધી હતી. એ તો અમારાં નસીબ સારા હતાં કે અમારી ચીસો એક ભલા માણસના કાને પડી અને એ મદદ લઈને આવ્યો, નહિતર તો ત્યાં અમારું મોત જ થયું હોત ને !’

‘હું માનું છું કે ન બનવાનું બની ગયું છે.’ રોમા બોલી. ‘...અને હજુ પણ ન બનવાનું બની રહ્યું છે. વિરાજનું મોત...’

‘તને એમ લાગે ને કે વિરાજના મોતમાં મારો અને નીલનો હાથ છે ? !’

‘મારા કહેવાનો મતલબ એવો નથી...’

‘...ત્યાં વિરાજના બેસણામાં રૉકી અને મોહિત મને અને નીલને શંકાભરી નજરે જોઈ રહ્યાં હતાં. એમને એમ છે કે વિરાજના મોતમાં અમારો હાથ છે, પણ અસલમાં એવું નથી.’

‘આરસી ! મારો કહેવાનો મતલબ એ છે કે..,’ રોમાએ સહેજ રોકાઈને આગળ કહ્યું : ‘મારો કહેવાનો મતલબ એ છે કે આવું પહેલાં પણ બની ચૂકયું છે.’

‘એટલે ? !’ આરસીએ રોમા સામે જોઈ રહેતાં પૂછયું : ‘એટલે તું કહેવા શું માંગે છે ?’

‘હકીકતમાં...’ અને રોમા આગળ બોલવા ગઈ, ત્યાં જ ડ્રોઈંગરૂમ તરફનો બેડરૂમનો દરવાજો ખુલ્યો અને નીલ અંદર આવ્યો. રોમા આગળ બોલતાં અટકી ગઈ. રોમાએ નીલ તરફ જોયું. એને નીલના ચહેરા પર પોતાના પ્રત્યેનો રોષ વર્તાયો. એણે આરસી તરફ જોતાં અવાજમાં ભાર આપતાં કહ્યું : ‘આરસી ! આપણે એ બધી વાતો કાલે કરીશું, પણ અત્યારે તું નોટબુકમાં જે હોમવર્ક છે એ ખાસ જોઈ લેજે !’ અને તે બેડરૂમના પાછલા દરવાજા તરફ વળી : ‘ચાલ, હું જાઉં છું.’ અને તે એ દરવાજા તરફ આગળ વધી ગઈ. તે બહાર નીકળીને દરવાજો ઓડકાવતી ગઈ. નીલે આગળ વધીને એ દરવાજાની સ્ટોપર બંધ કરી ને આરસી તરફ સવાલભરી નજરે જોયું.

‘રોમા હૉમવર્ક આપવા આવી હતી !’ આરસી બોલી : ‘એને જે કંઈ બની ગયું એનો ખૂબ જ અફસોસ છે.’

નીલ કંઈ બોલ્યો નહિ, પણ તેની આંખોના ભાવ પરથી એવું લાગ્યું કે જાણે મનમાં જ એ એવું બોલ્યો હતો, ‘‘હવે અફસોસ કરવાથી શું ફાયદો ?’’ અને પળવાર આરસી તરફ જોઈ રહ્યા પછી નીલ ચુપચાપ આરસીના બેડરૂમમાંથી બહાર નીકળી ગયો.

આરસી થોડીક પળો સુધી એમ જ બેસી રહી, પછી તેણે નોટબુક ખોલી. નોટબુકમાં પીળા રંગનું કાગળનું એક કવર-પરબીડિયું હતું. આરસીએ એ કવર હાથમાં લીધું, એ સાથે જ અચાનક જ આરસીની નજર સામે એક યુવતી ચીસ પાડતી હોય એવું દૃશ્ય તરવરી ગયું અને પાછળ પાછળ જ તેને યુવતીની ફાટેલી આંખોવાળી અને કપાળ પરથી લોહી નીકળતી લાશ દેખાઈ અને પછી તુરત જ એક મોટું તાળું દેખાયું અને પછી તેની સામેથી એ દૃશ્ય દૂર થઈ ગયું !

તે પાંપણો પટપટાવ્યા વિના એ રીતના જ બેસી રહી. તેને લગભગ એ જ યુવતી દેખાઈ હતી જે તેને એ રાતના કબાટમાંના અરીસામાં દેખાઈ રહી હતી. ‘તેની સાથે આવું કેમ બનતું હતું ? !’ તેના મનમાં આ સવાલ જાગ્યો, ત્યાં જ તેનુું ધ્યાન તેના હાથમાં રહેલા કવર તરફ ખેંચાયુ. તેણે કવર પર જોયું. એની પર લેનાર તરીકે લાલ અક્ષરમાં રોમાનું નામ લખાયેલું હતું. આરસીએ કવર ફેરવીને એની પાછળની બાજુએ જોયું. એ બાજુ કોરી હતી. એ બાજુ આ કવર મોકલનાર તરીકે કોઈનુંય નામ લખેલું નહોતું.

આરસી ‘આ કવર ખોલીને અંદર જોવું કે નહિ ? !’ એની મૂંઝવણ અનુભવતી બેસી રહી.

૦ ૦ ૦

રાતના અગિયાર વાગ્યા હતા.

રોમા પોતાના બેડરૂમના પલંગ પર ઘસઘસાટ ઊંઘી રહી હતી. રૂમમાં બિલકુલ સન્નાટો હતો. રૂમમાં બધી વસ્તુઓ શાંત પડી હતી. સામે, કબાટની ઉપર મુકાયેલી રોમાના બાળપણના વખતની અઢી-ત્રણ ફૂટ મોટી ઢીંગલી જાણે જાગતી બેઠી હતી. સોનેરી વાળવાળી, ગુલાબી રેશમી ફ્રોકવાળી એ ઢીંગલી જોવી ગમે એવી હતી. ઢીંગલીની કોઈ જીવતી વ્યક્તિ જેવી લાગતી આંખો ખુલ્લી હતી અને એમાંની માંજરી કીકીઓ જાણે સામે પલંગ પર ઘસઘસાટ ઊંઘી રહેલી રોમાના ચહેરા પર તકાયેલી હતી. ઢીંગલીનું લાલઘૂમ હોઠવાળું મોઢું અધખુલ્લું હતું. એ અધખુલ્લા મોઢામાંથી કોઈ જીવ-જંતુના પગ બહાર નીકળ્યા અને પછી એ જંતુ બહાર નીકળી આવ્યું.

એ..., એ કરોળિયો હતો ! કાળો કરોળિયો ! ! કરોળિયો ઢીંગલીના શરીર પર ચાલતો ઢીંગલીના પગ સુધી પહોંચ્યો અને ત્યાંથી પોતાની લાળ પર લટકતો જમીન પર પહોંચ્યો. એણેે કયાં પહોંચવાનું હતું એ નકકી હોય એમ એ રોમાના પલંગ તરફ આગળ વધ્યો. પલંગના પાયા પર ચઢીને કરોળિયો પલંગ ઉપર પહોંચ્યો. ત્યાંથી કરોળિયો રોમાના હાથ પર ચઢીને બાવડા પર થઈને રોમાના ચહેરા પર પહોંચ્યો. હવે જાણે એ પોતાની મંઝિલ પર પહોંચી ગયો હોય એમ રોમાના ગુલાબી ગાલ પર રોકાઈ ગયો.

અને ત્યારે રોમા એ જ રીતના ઘસઘસાટ ઊંઘી રહી હતી. એક કાળો કરોળિયો સામેની ઢીંગલીના અધખુલ્લા મોઢામાંથી નીકળીને તેના ડાબા ગાલ પર પહોંચીને ઊભો છે, એ વાતથી બેખબર રોમા એ જ રીતના ઊંઘી રહી હતી !

૦ ૦ ૦

સવારના સાત વાગ્યા હતા. અમોલ થોડીકવાર પહેલાં પોતાના કામે ચાલ્યો ગયો હતો. આરસી અને નીલ મમ્મી શોભના સાથે નાસ્તો કરી રહ્યા હતા.

ત્યારે બાજુના મકાનમાં રહેતી રોમા અત્યારે ઊંઘમાંથી જાગી. તેણે આળસ મરડી અને પલંગ પરથી ઊભી થઈ. તે બાથરૂમમાં પહોંચી. તેણે ટૂથબ્રશ લીધું અને એમાં ટૂથપેસ્ટ લગાવી. બ્રશને દાંત પર મૂકવા જતાં તેણે વૉશ-બેસિનની ઉપર લાગેલા અરીસામાં જોયું, ત્યાં જ તેનો હાથ રોકાઈ ગયો. તેને પોતાના ડાબા ગાલ પર લાલ ચાઠાં જેવું ઊપસેલું હોય એવું લાગ્યું. તેણે એ ચાઠાં પર ડાબો હાથ લગાવ્યો, તો તેના મોઢેથી વાકય સરી ગયું : ‘ઑફ ! આ તો ગુમડું થયું હોય એવું લાગે  છે !’ અને તેણે જમણા હાથમાંનું ટૂથબ્રશ મૂકી દીધું. તેણે ચહેરો અરીસાની વધુ નજીક લઈ જઈને, અરીસામાં દેખાઈ રહેલા પોતાના ગાલ પરના એ ગુમડાને જોઈ રહેતાં પોતાના બન્ને હાથે એ ગુમડું દબાવ્યું અને એ સાથે જ એ ગુમડું ફૂટી ગયું અને એમાંથી લોહીની સેર છૂટીને અરીસા પર ચોંટી. ‘ઓફ !’ પીડાનો એક ઊંહકારો કરતાં રોમાએ બાજુમાં લટકી રહેલું નૅપ્કીન લઈને ગુમડા પર દબાવ્યું. બે પળ પછી તેણે નૅપ્કીન હટાવ્યું તો ફૂટેલા ગુમડાની જગ્યાએ ખાસ્સો મોટો ઘા દેખાયો. અને સાથે જ રોમાને ઘાની અંદર કંઈક સળવળતું હોય એવું લાગ્યું. તે એ ઘા પર ફરી નૅપ્કીન દબાવવા ગઈ, ત્યાં જ તેના એ ઘામાંથી તે કંઈક નીકળતું દેખાયું. તેનું હૃદય ગળે આવ્યું, ને ત્યાં જ એ ઘામાંથી એક કાળો કરોળિયો નીકળી આવ્યો અને તેની  ગરદન તરફ સરકયો. રોમાના મોઢેથી એક જોરદાર ચીસ નીકળી ગઈ અને તેણે હાથથી એ કરોળિયાને ચહેરા પરથી હટાવીને દૂર ફેંકયો ત્યાં જ ગાલ પરના એ ઘામાંથી બીજો કરોળિયો નીકળ્યો. રોમા પાગલની જેમ ચીસો પાડતી બાથરૂમની બહાર દોડી, ત્યાં તો તેના ગાલ પરના એ ઘામાંથી ત્રીજો-ચોથો-પાંચમો-છઠ્ઠો- સાતમો એમ ઝડપથી એક પછી એક કરોળિયા નીકળવા લાગ્યા ને તેના શરીર પર સરકવા લાગ્યા- આમ-તેમ ફરવા માંડયા. અને તેે પાગલની જેમ  પીડાભરી ચીસો પાડતી, મોટેથી રડતી-કકળતી ઊછળવા-કૂદવા લાગી ! ! !

(ક્રમશઃ)