Khauf - 11 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | ખોફ - 11

Featured Books
  • Me Tera Boyfriend

    Me Tera Boyfriendकॉलेज का पहला दिन हमेशा थोड़ा स्पेशल होता ह...

  • तेरे मेरे दरमियान - 8

    आदित्य विकी का कॉलर पकड़ता है और कहता है ।आदित्य: - बड़ों से...

  • नज़र से दिल तक - 13

    अगले दिन hospital में हलचल कुछ ज़्यादा थी। नए cases आए थे, औ...

  • स्वयंवधू - 59

    इसमें धुम्रपान और शराब का सेवन है। लेखक इसे प्रोत्साहित नहीं...

  • वो अधूरा खत

    ---वो अधूरा खत ️ Written by Vijay Sharma Erry---1. वो आख़िरी...

Categories
Share

ખોફ - 11

11

‘ડ્રેસિંગ ટેબલ પર પડેલો પટારા આકારનો જ્વેલરી બૉકસ આપમેળે કેવી રીતના હલબલ્યો ? આખરે એ પટારામાં શું છે ? !’ એવા સવાલ સાથે પટારા તરફ આગળ વધેલી આરસી અત્યારે પટારા પાસે પહોંચી. તે પળ વાર પટારા સામે જોઈ રહી, પછી તેણે પટારા તરફ હાથ આગળ વધાર્યો. તેનો હાથ કંપ્યો. તેણે પટારાનું ઉપરનું ઢાંકણું ખોલવા માટે એને હાથ લગાવ્યો, ત્યાં જ એકદમથી જ તેની નજર સામે જાણે કોઈ ફિલ્મના દૃશ્યની જેમ કોઈ મોટા હૉલ જેવા ભોંયરાનું દૃશ્ય તરવરી ઊઠયું. એ ભોંયરામાં લાકડાની તૂટેલી બૅન્ચો, ટેબલ-ખુરશી વગેરે જેવા ભંગાર સાથે ખૂણામાં લાકડાનો એક ખાસ્સો મોટો પટારો પડયો હતો. પટારો બંધ હતો. પટારાના મોટા નકુચામાં-મોટી સ્ટોપરમાં મોટું તાળું લાગેલું હતું.

અને આની બીજી જ પળે આરસીની નજર સામેનું દૃશ્ય-ફિલ્મના પલટાતા દૃશ્યની જેમ જ પલટાયું અને એ મોટા પટારાની અંદરનું દૃશ્ય દેખાવા માંડયું.

પટારાની અંદર મંજરી પડી હતી. મંજરીની આંખો ફાટેલી હતી. એની પાંપણો સ્થિર હતી, આંખોની કીકીઓ થીજેલી હતી. એના કપાળમાંથી લોહી નીકળી રહ્યું હતું. જાણે એનામાં જીવ નહોતો, પણ ત્યાં જ એનામાં જીવ આવ્યો હોય એમ એ સહેજ સળવળી. એની પાંપણો પટપટી, કીકીઓ ફરફરી. એણે આમ-તેમ જોયું. આમ-તેમ હાથ-પગ હલાવ્યા, અને જાણે એેને ખ્યાલ આવ્યો કે, એ કોઈ વસ્તુની અંદર પુરાયેલી છે અને એ સાથે જ એના ચહેરા પર ભય આવી ગયો. ‘પ્રિન્સ !’ હાથ-પગ અથડાવવા-અફળાવવાની સાથે જ એ મોટેથી ચીસો પાડવા  માંડી : ‘પ્રિન્સ ! મને બહાર કાઢ, પ્રિન્સ ! મને આ રીતના પૂરીને ન જા, પ્રિન્સ !’ અને તુરત જ આરસીની નજર સામેનું દૃશ્ય પલટાયું. ફરી પટારાની બહારનો ભાગ દેખાયો અને ભોંયરું દેખાયું. પટારાની અંદરથી મંજરીના હાથ-પગ ઊછાળવાના અવાજની સાથો-સાથ જ એની પ્રિન્સના નામની બૂમો અને ચીસો સંભળાઈ રહી હતી, પણ ભોંયરામાં પ્રિન્સ નહોતો ! ભોંયરું ખાલી હતું ! !

અને આ સાથે જ આરસીની નજર સામેથી આ દૃશ્ય દૂર થઈ ગયું.

આરસીએ આંખોની પાંપણો પટપટાવી. હવે ફરી તેને તેના બેડરૂમમાંનું ડ્રેસિંગ ટેબલ પર પડેલું પટારા આકારનું જ્વેલરી બૉકસ દેખાયું. એ પટારાના ઉપરના ઢાંકણા પર તેનો હાથ મૂકાયેલો હતો. તેણે ફરી હિંમતનો એક ઊંડો શ્વાસ લીધો અને પટારાનું ઉપરનું ઢાંકણું ખોલ્યું, કે તુરત એમાંથી લીલા રંગના ધુમાડાનો ગોટો બહાર નીકળ્યો અને આ સાથે જ આરસીની નજર સામે ફરી પાછું કોઈ ફિલ્મના દૃશ્યની જેમ દૃશ્ય તરવરી ઊઠયું.

એ દૃશ્યમાં તે.., આરસી પોતે જ હૉલ જેવા મોટા ભોંયરાની જમીન પર બેઠી હતી. તેના ચહેરા પર ભય હતો, તે ભયભરી નજરે કોઈ વસ્તુ જોઈ રહી હતી.

તુરત જ તેની નજર સામેથી તે પોતે દૂર થઈ, અને તેને પોતાની પીઠ દેખાઈ. તેની આગળ, થોડાંક પગલાં સામે પેલો જ લાકડાનો મોટો પટારો પડયો હતો.

ધમ્‌ કરતાં એ પટારો ખુલ્યો અને અંદરથી મંજરી બહાર નીકળી. મંજરીનો ચહેરો ભયાનક હતો ! એની આંખોની કાળી કીકીઓની જગ્યાએ લીલા રંગના બલ્બ સળગી રહ્યા હોય એમ કીકીઓ ચમકી રહી હતી.

ભયાનક મંજરી બહાર નીકળી અને આરસી તરફ આગળ વધી. આરસીએ ચીસ પાડી, ત્યાં જ જાણે કોઈ અદૃશ્ય વસ્તુએ મંજરીને રોકી લીધી હોય એમ મંજરી રોકાઈ ગઈ અને એણે આરસીને જાણે પકડી લેવા માંગતી હોય એમ આરસી તરફ પોતાના ચામડી ઊતરડાયેલા, લાંબા અણીદાર નખવાળા હાથ લંબાવ્યા, પણ એના એ બન્ને હાથ પણ આરસીની નજીક પહોંચી શકયા નહિ. મંજરીએ તુરત જ પોતાનું મોઢું ફાડયું, એના જંગલી પ્રાણી જેવા લાંબા-અણીદાર દાંત દેખાયા.

આરસીએ ચીસ પાડી, ત્યાં જ તેની નજર સામેથી મંજરી દૂર થઈ ગઈ અને એક દરવાજો  દેખાયો. એની પર ‘સ્ટોરેજ’ એવું બોર્ડ લાગેલું હતું. આ દરવાજો દૂર થયો અને તુરત જ બીજો એનાથી ડબલ મોટો દરવાજો દેખાયો. એ દરવાજો બંધ હતોે. એની પર ‘અહીંથી દૂર રહો !’ એવી સૂચનાનું એક બોર્ડ લાગેલું હતું.

આ દરવાજા સામેથી જાણે કોઈ ઊંધા પગલે સીડીના પગથિયાં ચઢતું હોય એમ એ દરવાજો દૂર થવા માંડયો અને સીડીના પગથિયાં દેખાવા માંડયા, પછી કાચનો મુખ્ય દરવાજો દેખાયો અને પછી બિલ્ડીંગ અને એની પરનું તેની કૉલેજ ‘એચ. કે. કૉલેજ’ના નામનું બોર્ડ દેખાયું અને આ સાથે જ આરસીની નજર સામેથી ફિલ્મના દૃશ્યની જેમ ચાલી રહેલું આ દૃશ્ય દૂર થઈ ગયું.

આરસીને ફરી પાછું તેના રૂમના ડ્રેસિંગ ટેબલ પર પડેલું પટારા આકારનું જ્વેલરી બૉકસ દેખાવા માંડયું

અત્યારે તે એ પટારો ખોલીને ઊભી હતી. અત્યારે હવે એમાંથી લીલા ધુમાડાનો ગોટો નીકળતો નહોતો. તેણે અંદર જોયું. તેની આંખો ઝીણી થઈ. તે પટારામાં પડેલી વસ્તુઓ તરફ એકીટશે તાકી રહી.

એમાં ઈમિટેશન જ્વેલરી પડી હતી. એક સુંદર હાર, એના જ મેચિંગના ઍરિંગ અને એક અંગૂઠી પડી હતી.

એ હાર, એ ઍરિંગ અને એ અંગૂઠી આરસીના નહોતાં. એ ત્રણેય વસ્તુ મંજરીની હતી ! !

આરસીને જ્યારે-જ્યારે પણ મંજરી દેખાઈ હતી, ત્યારે ત્યારે તેને મંજરી આ હાર-ઍરિંગ અને અંગૂઠી પહેરેલી જ દેખાઈ હતી.

હમણાં થોડીક પળો પહેલાં જ તેને મંજરી દેખાઈ હતી, ત્યારે પણ એણે આ ઘરેણાં પહેરેલા હતાં.

‘મંજરી તેના પટારામાં આ ઘરેણાં મૂકીને તેને શું કહેવા માંગતી હતી ? !’ આરસીના મગજમાં સવાલ જાગ્યો, ‘મંજરી તેની નજર સામે તેની કૉલેજના ભોંયરાને, એમાં પડેલા મોટા પટારાને અને એમાં પુરાયેલી પોતાની જાત બતાવીને તેમજ તેની કૉલેજનું બિલ્ડીંગ અને કૉલેજના નામનું બોર્ડ ઊપસાવીને આખરે તેને શું સમજાવવા માંગતી હતી ? !’ આરસી મૂંઝાઈ. બે પળ સુધી તે મૂઝવણમાં જ ઊભી રહી પછી તેણે નકકી કર્યું, ‘તેણે મોબાઈલ પર નીલ સાથે વાત કરવી જોઈએ. નીલ માયા પાસે જ ગયો છે, એટલે નીલ તેને દેખાયેલા મંજરીવાળા આ દૃશ્યો વિશે માયા સાથે વાત ને ચર્ચા કરી લેશે.’ અને આરસીએ નીલનો મોબાઈલ નંબર લગાવ્યો અને મોબાઈલ કાને ધર્યો. સામેથી નીલનો મોબાઈલ ‘સ્વિચ ઑફ’ હોવાનો સંદેશો સંભળાયો.

આરસીએ મોબાઈલ કટ કર્યો અને તે ફરી નીલનો મોબાઈલ નંબર લગાવવા માંડી.

ત્યારે અત્યારે, માયાને ઘરેથી નીકળેલો નીલ કૉલેજના મેગેઝીન કાર્યાલયમાં પહોંચી ચૂકયો હતો અને કૉમ્યુટરની સ્વિચ ચાલુ કરીને કૉમ્પ્યુટરના સ્ક્રીન સામે બેઠો હતો.

ત્યારે આ તરફ, પોતાના બેડરૂમમાં, આમથી તેમ આંટા મારી રહેલી આરસીએ બીજી ત્રણ વખત નીલને મોબાઈલ ફોન લગાવ્યો અને ત્રણેય વખત એ જ ‘સ્વિચ ઑફ’નો મેસેજ આવ્યો, એટલે આરસીએ એક નિશ્વાસ નાખ્યો. ‘નીલ તો મોબાઈલની સ્વિચ ઑફ કરીને બેઠો છે. હવે તેણે શું કરવું જોઈએ ? !’ મગજમાં સવાલ જાગવાની સાથે જ તેણે નિર્ણય કર્યો, ‘નીલ માયાને ત્યાં જ હશે, તેણે માયાને ત્યાં પહોંચી જવું જોઈએ.’ અને તેણે તુરત જ આ નિર્ણયનો અમલ કર્યો. તે ટેબલ પાસે પહોંચી. ટેબલ પર જોયું. ટેબલ પર તેની ચાવીઓનો ઝૂડો નહોતો. તેણે બારીમાંથી બહાર જોયું. બહાર તેની કાર નહોતી, પણ નીલનું સ્કૂટર પડયું હતું. ‘તો નીલ  તેની કાર લઈને ગયો છે.’ બબડતાં તે નીલના બેડરૂમ તરફ આગળ વધી. તેણે નીલના બેડરૂમમાંથી નીલના સ્કૂટરની ચાવી લીધી. સ્કૂટર પાસે પહોંચીને એની પર સવાર થઈ અને માયાના ઘર તરફ સ્કૂટર દોડાવી મૂકયું.

૦ ૦ ૦

આરસીએ માયાના ઘરની બહાર સ્કૂટર ઊભું રાખ્યું. તેને પોતાની કાર દેખાઈ નહિ. ‘નીલ અહીંથી નીકળી ગયો લાગે છે.’ તેણે સ્કૂટરને સ્ટેન્ડ પર ચઢાવ્યું. ‘હું માયા સાથે મંજરીની વાત કરી લઉં. અને નીલ શું વાત કરી ગયો ને કઈ તરફ ગયો ? એ પણ પૂછી લઉં.’ વિચારતાં તે માયાના ઘરના દરવાજા પાસે પહોંચી. બારણું સહેજ ખુલ્લું હતું. તેણે દરવાજો ધકેલ્યો અને અંદર નજર નાખી.

અંદર-ડ્રોઈંગરૂમમાં ડીમ લાઈટ સળગતી હતી. આરસીએ ડીમ લાઈટના ઝાંખા અજવાળામાં નજર ફેરવતાં હળવેકથી બૂમ  પાડી : ‘માયા આન્ટી !’

‘જા..., ચાલી જા,’ આરસીના કાને માયાનો અવાજ અફળાયો, એટલે તેણે સોફા તરફ જોયું.

માયા મોટા સોફા પર લાંબી થઈને સૂતી હતી. એના હાથમાં બે-ત્રણ માદળિયા પકડાયેલા હતા અને એ ભરઊંઘમા જ બબડી રહી હતી, ‘કહું છું, જા, ચાલી જા, મંજરી. પ્લીઝ ! તું....તું મને એકલી રહેવા દે...!’

‘માયા આન્ટી !’ કહેતાં આરસી માયા પાસે પહોંચી : ‘હું છું, માયા આન્ટી..., આરસી !’

‘મ...મંજરી...મં...!’

‘માયા આન્ટી !’ કહેતાં આરસીએ માયાના ખભે હાથ મૂકયો, એ સાથે જ માયાએ ઊંઘમાંથી ઝબકીને બેઠી થઈ જતાં ગભરાટભેર ચીસ પાડી.

‘હું છું, આરસી ! માયા આન્ટી.’ આરસીએ કહ્યું, એટલે માયાએ પહેલાં આરસી સામે ફાટેલી આંખે જોયું અને પછી રૂમમાં નજર ફેરવી લઈને પાછું આરસી સામે જોયું.

‘માયા આન્ટી !’ આરસીએ પૂછયું : ‘તમે...તમે કહેતા હતા કે, મંજરી ચાલી જા, ચાલી જા...! તો શું ખરેખર મંજરી.., મંજરીનું પ્રેત તમારી પાસે આવે છે ? !’

માયાએ રૂમમાં ફરી એક નજર ફેરવી અને પછી જીભથી જવાબ આપવાને બદલે હકારમાં ગરદન હલાવી.

‘...એ તમારી નજર સામે કોઈ ફિલ્મના દૃશ્યના પાત્રની જેમ દેખાય છે કે પછી એ આમ મારી જેમ સીધી સામે જ આવીને ઊભી રહી જાય છે ?’ આરસીએ અધીરાઈ સાથે પૂછયું.

માયાએ જવાબ આપવા માટે મોઢું ખોલ્યું, પણ પછી એેણે છેલ્લી પળે કહેવાનું માંડી વાળ્યું હોય એમ પાછું મોઢું બંધ કર્યું, આસપાસમાં જોયું અને પછી આરસી સામે જોતાં સીધો જ સવાલ કર્યો : ‘તું મને એ કહે, તું અહીં કેમ આવી છે ?’

‘મને....મને મંજરી દેખાય છે.’ આરસી પણ સીધું જ બોલી ગઈ : ‘મારી નજર સામે જાણે કોઈ ફિલ્મનું દૃશ્ય દેખાતું હોય એમ દૃશ્ય તરવરી ઊઠે છે. એમાં મંજરી દેખાય છે.’ આરસી ભારે અવાજે બોલી : ‘હમણાં થોડીક વાર પહેલાં જ મને મારા બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ પર પડેલું પટારા આકારનું જ્વેલરી બોકસ હલબલતું દેખાયું. એમાં શું છે ? એ જોવા માટે હું એ પટારો ખોલવા ગઈ, ત્યાં જ મારી નજર સામે દૃશ્ય તરવરી ઊઠયું. એમાં...’ અને આરસીએ એ પટારામાં મંજરી પુરાયેલી ને પ્રિન્સના નામની બૂમ પાડતી દેખાઈ અને તેણે એ પટારો ખોલ્યો તો અંદરથી લીલા ધુમાડાનો ગોટો નીકળ્યો અને પછી તે પોતે જ કૉલેજના ભોંયરામાં બેઠેલી દેખાઈ અને મંજરી પટારામાંથી બહાર નીકળી, તેને પકડવાનો પ્રયત્ન કર્યો, અને પછી તેને તેની પોતાની કૉલેજનું બિલ્ડીંગ અને કૉલેજના નામનું બોર્ડ દેખાયું અને પછી તેની નજર સામેથી આ દૃશ્ય દૂર થયું અને તેણે પટારામાં જોયું તો એમાં તેની જ્વેલરીને બદલે મંજરીની જ્વેલરી જોવા મળી, ત્યાર સુધીની વાત માયાને કહી સંભળાવી.

આરસીની વાત સાંભળીને માયા આરસી સામે મૂંગા મોઢે તાકી રહી.

‘માયા આન્ટી !’ આરસીએ એક નિશ્વાસ નાંખતાં પૂછયું : ‘મને એ સમજાતું નથી કે મને આ રીતના મંજરી દેખાય છે કેમ ? ! આખરે...આખરે એ મારી પાસે ઈચ્છે છે શું...? !’

‘કદાચ...,’ માયાએ પણ એક બળબળતો નિસાસો નાંખતાં જવાબ આપ્યો : ‘...કદાચ મંજરી એવું ઈચ્છે છે કે, તું એને શોધે અને એનો અંતિમસંસ્કાર કરે. પણ.,’ માયાએ નિશ્વાસ નાખ્યો, ‘..પણ એની લાશને શોધવી કયાં...? !’

‘કદાચ..,’ આરસી હળવેકથી બોલી : ‘...કદાચ મને એ ખબર છે કે મંજરી..., મંજરીની લાશ કયાં છે ? !’

સાંભળીને માયા સવાલભરી નજરે આરસી તરફ તાકી રહી.

ત્યારે આ તરફ, કૉલેજના મેગઝિન કાર્યાલયના કૉમ્પ્યુટર સ્ક્રીન સામે બેઠેલો નીલ પચીસ વરસ પહેલાંના, કૉલેજની ફૂટબોલ ટીમની જીતની ખુશાલીમાં અપાયેલી પાર્ટીના ફોટાઓ જોઈ રહ્યો હતો.

અત્યારે કૉમ્પ્યુટરના સ્ક્રીન પર પાર્ટીનો, ડાન્સનો ફોટો દેખાઈ રહ્યો હતો. એમાં છ-એક  યુવાન-યુવતીઓ ડાન્સ કરતા દેખાઈ રહ્યા હતા, પણ એમાંથી કોઈનાય ચહેરા ચોખ્ખા દેખાતા નહોતા.

નીલે કૉમ્પ્યુટરના માઉસથી ક્લિક કરી અને સ્ક્રિન પરનો એ ફોટો દૂર થયો અને બીજો ફોટો દેખાયો.

એ ફોટામાં માયા હતી. તે એક યુવાન સાથે ઊભી હતી.

‘હા, તો માયા પોતાના બૉયફ્રેન્ડ સાથે ઊભી છે !’ નીલ બબડયો. ‘એનો બૉયફ્રેન્ડ છે કોણ ? રૉકી તો કહેતો હતો કે, એના પપ્પા કોચ ટાઈગર માયા સાથે હતા, પણ આ કોચ ટાઈગર તો લાગતો નથી.’ અને તેણે ફોટા નીચે લખાયેલું નામ વાંચ્યું. ‘રણજીત !’ અને આ નામની સાથે રણજીતે ફૂટબોલ ટુર્નામેન્ટમાં કરેલા શાનદાર દેખાવના વખાણ કરવામાં આવ્યા હતા.

નીલે ક્લિક કરી. કૉમ્પ્યુટરના સ્ક્રિન પરથી એ ફોટો દૂર થયો અને બીજો ફોટો દેખાયો. એ ફોટામાં મંજરી ઊભી હતી. એની બાજુમાં એક યુવાન ઊભો હતો, પણ એ યુવાનનો ચહેરો મંજરી તરફ હતો, એટલે એનો ચહેરો દેખાતો નહોતો.

‘તો આ મંજરીનો બોયફ્રેન્ડ છે. પણ એનો ચહેરો બરાબર દેખાતો નથી.’ નીલ બબડયો અને તેણે ફરી ક્લિક કરી. એ ફોટો દૂર થયો અને બીજો ફોટો દેખાયો.

એ ફોટામાં મંજરી અને એનો બોયફ્રેન્ડ લગોલગ ઊભા હતા. બન્નેનો ફોટો માથાથી પગ સુધીનો હતો, એટલે એમાં મંજરી અને એના બોયફ્રેન્ડનો ચહેરો નાનો દેખાતો હતો.

નીલે ક્લિક કરીને એ ફોટો મોટો કર્યો. હવે તેને મંજરીના બોયફ્રેન્ડનોે ચહેરો મોટો દેખાયો. નીલને એવું લાગ્યું, જાણે તેણે એ યુવાનને મળતો આવતો ચહેરો કયાંક જોયો છે ! !

તેણે એ ફોટાની નીચે લખાયેલું નામ વાંચ્યું : ‘પ્રિન્સ !’

તેણે આ પ્રિન્સના નામની નીચે લખાયેલું લખાણ વાંચવા માંડયું, અને તેની આંખો પહોળી થવા માંડી. તે આખું લખાણ વાંચતાં જ બોલી ઊઠયો, ‘ન....ના....! ના હોય...!’ અને તેણે ફરી સામે કૉમ્પ્યુટરના સ્ક્રિન પર દેખાઈ રહેલા મંજરી અને એના બોયફ્રેન્ડના ફોટો તરફ વધારે ધ્યાનથી જોયું અને તે મોટેથી બોલી ઊઠયો : ‘ઓહ, માય ગોડ...!’ અને તે પાગલની જેમ કૉલેજની બહારની તરફ દોડયો....

(ક્રમશઃ)