RETRO NI METRO - 17 in Gujarati Magazine by Shwetal Patel books and stories PDF | રેટ્રો ની મેટ્રો - 17

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

રેટ્રો ની મેટ્રો - 17

ફ્રેન્ડ્સ,ઘટના અને દુર્ઘટના વચ્ચે આમ જુઓ તો એક અક્ષરનો ફેર અને આમ જુઓ તો કાળો કેર. ફિલ્મ મેકિંગ દરમિયાન ઘણીવાર અણધારી ઘટનાઓ ઘટતી રહે છે અને દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. આ દુર્ઘટનાઓ માનવસર્જિત પણ હોઈ શકે, નસીબનો ખેલ હોઈ શકે, કે પછી વિધિ ની વક્રતા હોઈ શકે.તો સ્ટંટના ઇતિહાસની ગમખ્વાર ઘટના તરીકે આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ જેને ભૂલી શકી નથી તે દુર્ઘટના બની હતી ફિલ્મ "સાઝીશ" ના શૂટિંગ વખતે ફિલ્મનો હીરો ધર્મેન્દ્ર અને સ્ટન્ટસીન એમના પર શૂટ થવાનો હતો.જુહુ ના સમુદ્ર કિનારે બે કેમેરા ગોઠવવામાં આવ્યા હતા સીન ઘણો જ ખતરનાક હતો તેથી છેવટે ડુપ્લીકેટ પરવેઝ ઈરાની પર શોટ લેવાનું નક્કી થયું. સીન એવો હતો કે હેલિકોપ્ટરમાંથી લટકતા દોરડા પરથી હીરો ધર્મેન્દ્ર સમુદ્રમાં કૂદકો મારે છે.એક કેમેરા હેલિકોપ્ટરમાં ગોઠવી સૌએ પોતપોતાનું સ્થાન લઈ લીધું.શોટ શરૂ થયો,પરવેઝ હેલિકોપ્ટરમાંથી લટકતા દોરડાને પકડી નીચે સરક્યો.સમુદ્રના ઘુઘવતા મોજા થી લગભગ ૮૦ ફૂટની ઊંચાઈએ ઉડતા હેલિકોપ્ટરમાંથી તેણે છલાંગ લગાવવાની હતી.દોરડા પર લટકી સંતુલન જાળવી તેણે દ્રશ્ય પ્રમાણે સમુદ્રમાં છલાંગ લગાવી. સૌને લાગ્યું કે શોટ સહી સલામત રીતે ઝડપાઈ ગયો,પણ થોડી જ વારમાં સમુદ્રના ભૂરા પાણી પર રક્તની લાલ ધારા ફેલાઈ ગઈ.કોઈ કશું સમજે તે પહેલા તો પરવેઝ નું પ્રાણ પંખેરું ઉડી ગયું. પળવાર માં એવું શું થયું?તમે પણ વિચારમાં પડી ગયા ને? થયું એવું કે સબ સલામત છે એમ યુનિટના સૌ સભ્યો શોટ શરૂ થયો ત્યારે સમજતા હતા પણ પળવારમાં બધું બદલાઈ શકે છે એ વાત જાણે સાચી પડવાની હોય તેમ, છેક છેલ્લી ઘડીએ પવનની તેજ ગતિને કારણે પરવેઝ સંતુલન ગુમાવી બેઠો અને પાણીમાં ડાઇવ મારવાને બદલે તે ચત્તોપાટ પાણી પર પડ્યો.આટલી ઊંચાઈએથી પાણી પર પડવાને કારણે તેનું પેટ ફાટી ગયું અને તેને બચાવી ન શકાયો.
મેળામાં આપણે મોતનો કૂવો તરીકે જાણીતા મોટર બાઈકના અને હવે તો મોટર બાઈક સાથે કારના જુદા જુદા સ્ટંટ્સ જોઈ ચકિત થઈ જઈએ છીએ. યાદ આવીને ફિલ્મ "ધૂમ"જેમાં મોટર બાઈકના સ્ટંટ્સ સરસ રીતે ફિલ્માવાયા છે.જો કે મોટર બાઈકના સ્ટંટ્સ તો બોલીવુડમાં વર્ષોથી ફિલ્માવાતા રહ્યાં છે. "બોમ્બે 405 માઇલ્સ" ફિલ્મના શૂટિંગ સમયની આ વાત છે. મન્સૂર શેખ મોટરસાયકલ ના હેરતઅંગેજ દ્રશ્યો સરસ રીતે ભજવી શકતો એટલે આ ફિલ્મનાં બાઈક સ્ટન્ટ્સ માટે તેને બોલાવાયો હતો. મુંબઈના ચાંદીવલી સ્ટુડિયોમાં શૂટિંગ શિડ્યુલ ગોઠવાયુ મન્સૂરે શત્રુઘ્ન સિંહાના ડુપ્લીકેટ તરીકે એક બોમ્બ બ્લાસ્ટના દ્રશ્યમાં દિવાલ પરથી કૂદીને બચીને ભાગવાનું હતું.ટાઈમિંગ એ સ્ટન્ટસીન માટે ખૂબ મહત્વનું ફેક્ટર છે,એટલે ગણતરીઓ માંડીને મન્સૂર ને જણાવાયું કે બ્લાસ્ટ થાય કે તરત ની પહેલી સેકન્ડે એણે જમ્પ કરવાનો છે. મન્સૂર સચેત થયો, બ્લાસ્ટ થયો પણ મન્સૂર જમ્પ લગાવવામાં એક ક્ષણ મોડો પડ્યો,એટલે સહીસલામત જમ્પ કરવાને બદલે તે બોમ્બ બ્લાસ્ટની વચ્ચોવચ પડ્યો. ઓહ ગોડ... હા આ માહિતી જાણતા જ મારા મોંમાંથી પણ ઓહ ગોડ નીકળી ગયું હતું...તમારી જેમ જ. દારૂગોળાએ મન્સૂરના શરીરને સાચા અર્થમાં છલની છલની કરી નાખ્યું હતું.તરત જ તેને હોસ્પિટલ લઈ જવા સૌ નીકળ્યા તો ખરા પણ મન્સૂર રસ્તામાં જ અલ્લાહને પ્યારો થઈ ગયો.આપણે ઇન્ડસ્ટ્રીઝની જુદી જુદી ફેકલ્ટીના કેટલા બધા લોકોને,તેમના કામ માટે બિરદાવતા હોઈએ છીએ.અરે ક્યારેક તો સીને સ્ટાર્સના મંદિર બંધાયા ના સમાચાર પણ આપણે સાંભળીએ છીએ પણ પરવેઝ કે મન્સૂરને આપણે ઓળખતા પણ નથી.આવી દિલેરીની દાસ્તાન જાણ્યા પછી આપણે એટલું કહી શકીએ સલામ.. સલામ.. જાંબાઝ સ્ટંટમેન્સ તમારી દિલેરી ને સલામ.
ફ્રેન્ડ્સ,વિચાર કરો કે એક ઉંડા કૂવામાં ઊંધા માથે લટકવાનો અનુભવ કેવો હોય? એ શ્વેતલ,આવા ફાલતુ સવાલ કરવાના હોય? તો ચાલો આ સવાલ આપણે પ્રાણ સાહેબ ને પૂછીએ.શું તું યે શ્વેતલ, ગરબડ ગોટાળા તો બસ તારા જ.વાત સ્ટંટની છે અને તું આ શું કહે છે? એક્ઝેટલી,વાત સ્ટંટની જ છે અને જો ખરેખર હું આ પ્રશ્ન પ્રાણસાહેબ ને પૂછું તો તેઓ એમ જ કહે કે "બાપ રે, ન પૂછો વાત, એ અનુભવ તો યાદ જ ન કરાવતા." પ્રાણને કૂવામાં ઊંધે માથે લટકવાનો એવો ખતરનાક અનુભવ થયો હતો ફિલ્મ "ઉપકાર"ના શૂટિંગ વખતે. જી હા મલંગ ચાચા નું પાત્ર તમને યાદ આવી ગયું ને? તો સાથે એ પણ યાદ આવ્યું જ હશે કે ફિલ્મનો વિલન મલંગ ચાચાને ઊંડા કુવામાં દોડડું બાંધી ઉંધા માથે લટકાવી દે છે. હવે વાત કરું આ દ્રશ્યના શૂટિંગ દરમિયાન થયેલા અકસ્માતની. ટેક શરૂ થયો પ્રાણને વિલને દોરડાથી બાંધી ઊંડા કૂવામાં લટકાવ્યા. થોડીક ક્ષણો બાદ અચાનક એ દોરડું ફેરવતી ચકરડી એટલે કે કુવાની ગરગડી તૂટી ગઈ અને કોઈ કશું સમજે તે પહેલા તો પ્રાણ કુવામાં પટકાયા.એટલું સારું હતું કે કુવામાં પાણી નહોતું.નહિતર પ્રાણ સાહેબ ડૂબી જ ગયા હોત. યુનિટના સૌ સભ્યો તરત જ દોડીને કુવા પાસે પહોંચ્યા. નીચે પથ્થરો પર પ્રાણ બેહોશ થઈ પડ્યા હતા.તરત જ તેમને બહાર કાઢવામાં આવ્યા તેમના ડાબા પગે ફ્રેક્ચર થયું હતું અને માથામાં પણ ઈજા થઈ હતી.આખા શરીરે નાના-મોટા અસંખ્ય ઘા થયેલા.તરત જ તેમને હોસ્પિટલમાં લઈ જવાયા. ઓપરેશન કરવામાં આવ્યા.ઈજા ગંભીર હતી તેથી કેટલાય મહિનાઓની સારવાર પછી પ્રાણ ફરી કાર્યરત થઈ શક્યા.અકસ્માતને કારણે તેમની કેટલીય ફિલ્મોના શૂટિંગ રદ થયા."ઉપકાર"પણ તેની નક્કી થયેલી રિલીઝ ડેટ કરતા 8 મહિના મોડી રજૂ થઈ.આ અકસ્માતમાં પ્રાણને કરોડરજ્જુ પર પણ ઈજા થઈ હતી.તેથી ડોક્ટરોએ તેમને આજીવન ઘોડે સવારી ન કરવાની સૂચના આપી હતી. વાંધો નહીં સૂળી નો ઘા તો સોયથી ટળી ગયો ને .
ચાલો ત્યારે,વધુ વાતો આવતા પ્રકરણમાં ત્યાં સુધી સ્ટન્ટ્સ ની દિલધડક દાસ્તાન યાદ કરતાં રહેજો હોં ને!!!
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.