Ek Chahat ek Junoon - 16 - Last in Gujarati Love Stories by જાગૃતિ ઝંખના 'મીરાં'.. books and stories PDF | એક ચાહત એક ઝનૂન - ભાગ 16 (અંતિમ)

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

એક ચાહત એક ઝનૂન - ભાગ 16 (અંતિમ)

"હેલ્લો પ્રવેશ, તું નીકળ્યો?" પ્રવેશે માત્ર હા કહી અને પોતે કઈ જગ્યાએ ઊભો છે તે રાશિને કહ્યું. રાશિએ તેને ત્યાંથી જ પિકઅપ કરી લેશે તેમ જણાવી ત્યાં જ ઉભવાનું કહ્યું. પ્રવેશે તરત જ વિશ્વને કોલ કરી પોતે નીકળતો હોવાનું જણાવ્યું. પોકેટમાં પેલો કાગળ મૂક્યો. પછી મનોમન પોતાનું અને તૃષાનું તથા રાશિનું જીવન પણ ડામાડોળ અવસ્થામાંથી બહાર નીકળી સ્થિર થઈ જાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી.

ત્યાર પછી રાશિની રાહ જોઈ ઊભો રહ્યો. એ વખતે તૃષા પણ હેતાની ઘરે શહેરમાં આવી ગયેલી અને એ ચારે રાબેતા મુજબ રાશિએ સૂચવેલા સમયે જ ત્યાં પહોંચવાની હતી. આ તરફ વિશ્વ પણ રાશિને એમ કહી ચૂક્યો હતો કે તે આશ્રમમાં એક દિવસ વધુ રોકાવા માંગે છે જેથી રાશિ તેના વિશેના નચિંત રહે.

નિયત મંદિરે પહોંચ્યા ત્યાં સુધી રસ્તામાં પ્રવેશ કશું બોલ્યો નહીં. રાશિ તેનાં આવા વર્તનને કારણે મનોમન ખૂબ જ ધૂંધવાઈ રહી હતી. તેને પ્રવેશ પર અનહદ ગુસ્સો આવી રહ્યો હતો. રાશિને આજે અત્યંત ખૂબસૂરત લાગતી હોવા છતાં પ્રવેશે પોતાના તરફ ધારીને જોયું પણ ન હતું તે વાતથી તેનો ઈગો હર્ટ થઈ રહ્યો હતો, પણ તેને એમ જ હતું કે પોતે જ્યારે પ્રેમનો ઇજહાર કરશે ત્યારે તો પ્રવેશ નબળો પડી જ જશે અને પોતાના હાથમાં આવેલી આવી ઊંચી તક જતી કરીને પોતાની કારકિર્દીને પ્રત્યે સભાન અને સજાગ પ્રવેશ જેવો માણસ પોતાને કોઈ કાળે ઠુકરાવશે નહીં.

બરાબર એ જ સમયે કે જ્યારે પ્રવેશ તેને સ્વીકારશે ત્યારે રાશિ તેનાં હાથમાં હાથ લઈ અને તેની બહેનપણીઓ પાસે જશે. જે બહેનપણીઓ તૃષાની પ્રેમ કહાની સાંભળીને ખુબ ખુશ થતી હતી તેમને નજર સામે જ પ્રવેશને પોતાની સાથે બતાવી પોતાની વાત સાબિત કર્યાનો આનંદ લેશે. રાશિનાં હોઠ ફરી વિચિત્ર રીતે વંકાયા તે પ્રવેશે નોંધ્યું.

બંને નીચે ઉતર્યા. રાશિને કારનો દરવાજો બંધ કરવાની રીત આજે જાણે ગુસ્સો વ્યક્ત કરતી હોય તેવી હતી. પ્રવેશે પોતાને જેમ બને તેમ સામાન્ય રાખવાનો પ્રયત્ન કર્યે રાખ્યો. થોડીવાર પછી બંને એક ઘેઘૂર વડલાનાં ઓટલા નીચે બેસી ગયાં. અચાનક રાશિનાં ચહેરાના ભાવો પલટાયાં. તેણે પોતાના અવાજમાં શક્ય હોય એટલી મીઠાશ ઘોળી પ્રવેશને કહ્યું," પ્રવેશ મારે તારી સાથે કેટલીક અંગત વાતો કરવી છે."

પ્રવેશે કશું બોલ્યા વગર આંખોથી માત્ર તે વાત જણાવવાનો ભાવ બતાવ્યો તેથી રાશિની હિંમત જરા ખુલી ગઈ. તેણે કહ્યું,"પ્રવેશ, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું તારી સાથે મળીને આચાર્ય પ્લાસ્ટોને પ્રગતિના ઊંચામાં ઊંચા મુકામ પર પહોંચાડવા માંગુ છું. મારી જિંદગીમાં આજ સુધી હું કોઈથી પ્રભાવિત નથી થઈ પણ જ્યારથી તું જીવનમાં આવ્યો છે ત્યારથી મને પારિવારિક જીવન જીવવાનું મન થઈ આવ્યું છે. જે બધી વસ્તુઓનું મારા જીવનમાં ક્યાંય સ્થાન ન હતું તે અચાનક મને ગમવા લાગી છે. મને ખબર છે કે તું મને ના નથી કહેવાનો.... આવતા અઠવાડિયે તો આપણે વિધિવત આપણી સગાઈ.. અને પછી લગ્નની તારીખ પણ જાહેર કરી દઈશું.. અને હું...."

રાશિની વાત તો આમ જ આગળ ચાલત પણ તે પહેલાં રાશિએ પકડેલા પોતાના હાથને સરકાવતા પ્રવેશે તેના હાથમાં પોતાનો રેઝિગ્નેશન લેટર પકડાવી દીધો. રાશિ તે જોઈને હતપ્રભ જેવી થઈ ગઈ. તેને કલ્પના પણ ન હતી કે તે જ્યારે પ્રવેશને તેના જીવનની સૌથી ઊંચી તક દઈ રહી છે ત્યારે પ્રવેશ તેને આ રીતે રેઝિગ્નેશન આપી અપમાનિત કરશે. તે ગુસ્સામાં આવી પેલો કાગળ ફાડવા લાગી!

હવે વારો પ્રવેશનો બોલવાનો હતો તેણે કહ્યું," રાશિ સાંભળી શકે તું તો સચ્ચાઈ સાંભળ! હું તને પ્રેમ નથી કરતો અને તને પણ ખબર છે તેમ હું તૃષાને અનહદ પ્રેમ કરું છું. તૃષા વગરની મારી જિંદગીની હું કલ્પના પણ નથી કરી શકતો. હું તારા પ્રેમને ઠુકરાવી કદાચ જિંદગીમાં દોલત ઓછી પામીશ પણ મારો પ્રેમ પામી શકીશ તેનો મને ગર્વ હશે. જિંદગીમાં દરેક સંબંધો પૈસાથી મૂલવી શકાય ખરીદી શકાય કે વેચી શકાય તેવું નથી હોતું. પ્રેમ એ ઈશ્વરની દેન છે. જિંદગીમાં પ્રેમ વારંવાર નથી થતો અને જ્યારે તમે એકવાર કોઈ વ્યક્તિને આત્માનાં ઊંડાણથી ચાહો છો તો તેને ભૂલવી તમારા માટે શક્ય નથી હોતું. હા, લગ્ન તેની જ સાથે થાય કે જેની સાથે જીવવાની ઈશ્વરે તમારી નિયતિ નક્કી કરી હોય પણ હું ઈશ્વરને ચોક્કસ પ્રાર્થના કરીશ કે તેણે મારી નિયતિમાં તૃષાને જ લખી હોય. માફ કરજે રાશિ પણ હું તારી સાથે મારી જિંદગી નહીં જોડી શકું. એક મિત્ર ભાવે બીજી વાત પણ તને કહું કે જિંદગીમાં દરેક પુરુષને એક જ ત્રાજવે તોલવાની ભૂલ ન કરતી. પુરુષની અંદર પણ લાગણીઓનું ઝરણું વહેતું જ હોય છે. કોઈ એક પુરુષનાં ચારિત્રસ્ખલનને કારણે સમગ્ર પુરુષ જાતને ચારિત્રહીન જ ગણવાની સમાજની માનસિકતાથી મને સખત નફરત છે. કદાચ તૃષા સાથે લગ્ન નહીં કરું તો હું લગ્ન જ નહીં કરું. મને માફ કરજે આવતીકાલે હું કદાચ આ શહેર પણ છોડી દઈશ. તું પણ જીવનમાં કોઈ સારા પાત્ર પર ભરોસો કરી લગ્ન કરી લેજે." પ્રવેશ ઊભો થવા ગયો. રાશિની આંખોની મોટી પાંપણ પર આસુંઓએ તોરણ બાંધી દીધું હતું!

તે જ વખતે તેની સહેલીઓ તો ત્યાં આવી પણ સાથે તૃષાને જોઈ રાશિ વધારે શરમજનક સ્થિતિએ મૂકાય ગઈ. તૃષા પ્રવેશને પણ અવગણીને પહેલાં રાશિ પાસે ગઈ અને તેને હેતથી ભેટી પડી. રાશિનું મગજ સાવ શૂન્ય બની ગયું હતું. પોતે શું કર્યું અને હવે શું થઈ રહ્યું છે તેની હતપ્રભ દશામાં તે ધ્રુસ્કા ભરીને રડવા લાગી. હેતાએ તેને પાણી આપ્યું. સૌએ તેને મન ભરીને રડી લેવા દીધી. પછી રાશિ બોલી," તૃષા મને માફ કરજે...મે..." તૃષાએ તેનાં મોઢા પર હાથ મૂકી દીધો. પછી તેણે રાશિને કહ્યું, "તને ખબર છે રાશિ? કદાચ પ્રેમ માપવાનું કોઈ પેરામીટર હોત તો તું દુનિયાની એક સૌથી ખુશ નસીબ છોકરી ગણાત. તે એક પુરુષની માત્ર ચારિત્ર્યહીન અવસ્થા જોઈ સમગ્ર પુરુષ જાતને નફરત કરી લીધી પણ જો પેલો વિશ્વ..." દૂર ઊભેલાં વિશ્વ તરફ આંગળી ચીંધી તૃષા બોલી. "તારા પ્રેમમાં પાગલ છે તે. ભારત તો પહોંચી ગયો પણ તારા દિલ સુધી પહોંચવા, તને ખુશ રાખવા તેણે જે કર્યું તે જોઈ અમને તારી ઇર્ષ્યા આવે છે."

રાશિ તેની તરફ આવતાં વિશ્વને તાકી રહી. વિશ્વ રાશિ પાસે આવી ઘૂંટણિયે બેસી બોલ્યો,"રાશિ....વિલ યુ મેરી મી..?" ને પછી રાશિની આંગળી પર શોભે તેવી રિયલ ડાયમંડ રિંગ કાઢી અને એક લાલ ગુલાબ તેનાં તરફ ધર્યું. રાશિની આંખોમાંથી સિતારા ખરી પડ્યાં. બધાં ધડકતા હૃદયે રાશિની પ્રતિક્રિયા જોઈ રહ્યાં હતાં. રાશિનો ધ્રુજતો હાથ આખરે ગુલાબ લેવા લંબાયો અને બધી સહેલીઓ સાથે પ્રવેશે પણ રાશિને આલિંગન આપી વધાવી લીધી.

******
"મમા...મમા....આ જો હું ફર્સ્ટ આવી..સ્કૂલમાં. મારું ચિત્ર બધાંએ એપ્રિસિએટ કર્યું. " "અરે વાહ ...શું દોર્યુ મારી યશ્વીએ.. બતાવ તો." રાશિ બોલી. રાશિએ જોયું તો છ વર્ષની યશ્વીએ કાર્ટૂનમાં ઘૂંટણિયે બેઠેલો વિશ્વ અને તેની સામે ગુલાબ લેતાં ઊભેલી રાશિ હતી. રાશિએ યશ્વીને તેડીને ચૂમી લીધી. વિશ્વ આ ખૂબસૂરત પળ પોતે પોતાનાં મોબાઈલ કેમેરામાં ઝીલી ડો.જતીનને તેની સફળતા માટે અભિનંદન આપતો મેસેજ કર્યો અને પછી તે તસવીર પોતાનાં એફબી પ્રોફાઇલ પિકમાં મૂકી.

સંપૂર્ણ...(કથા)
અનંત પ્રેમની સફર...

જાગૃતિ, 'ઝંખના મીરાં'...

મિત્રો, પ્રેમ એ પરમાત્માએ માનવ હૃદયમાં રોપેલ ઉત્તમ સ્પંદન છે. પ્રેમ સંબંધ પર રચાતી અનેક કથાઓ કાયમ લોકપ્રિય રહી છે..રહેશે પણ આ કંઈક નવું લખવાની મારી કોશિશ આપને ગમી હોય તો મને અભિપ્રાય આપશો જી. બહુ ઝડપથી એક નવી નવલકથા સાથે આપ સૌ સમક્ષ આવીશ. 10k વાંચકો મિલ ચૂક્યાં છે..જેનો આનંદ અને આભાર..
જાગૃતિ, 'ઝંખના' મીરાં'...