Dashavatar - 29 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર - પ્રકરણ 29

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

દશાવતાર - પ્રકરણ 29

પદ્મા તેની માની માનસિક બીમારી ઠીક કરવા માંગતી હતી. બની શકે તેટલી ઝડપે એ એવો કોઈ ઉપાય શોધવા માંગતી હતી જે તેની માને હોશમાં લાવી શકે. એટલે જ એ ગુરુ જગમલના આશ્રમમાં જોડાઈ હતી. એ આયુર્વેદ તરીકે ઓળખાતા જ્ઞાનના પુસ્તકોનો અભ્યાસ કરતી. એ અનેક જડીબુટ્ટીઓ અજમાવી ચૂકી હતી પણ કોઈ જડીબુટ્ટીની અસર માનસીક બીમારી પર નહોતી થતી.

એણે જ્ઞાનના પુસ્તકોમાં કેટલીક એવી જડીબુટ્ટીઓ વિશે વાંચ્યું હતું જે માનવની યાદદાસ્ત ભુલાવી નાખે. એ એવી જડીબુટ્ટી મેળવવા માટે આખું જંગલ ભટકી પણ એવી કોઈ જડીબુટ્ટી તેને મળી નહોતી. એ તેની માને ભૂતકાળના દુખોમાંથી બહાર લાવવા માટે તેની યાદદાસ્ત ચાલી જાય તેવી જડીબુટ્ટી આપવા માંગતી હતી પણ દુર્ભાગ્યે દીવાલની એ તરફ એ વનસ્પતિ હતી જ નહીં. કદાચ પ્રલય સમયે વનસ્પતિની અનેક પ્રજાતિઓ નાશ પામી એ સાથે એ જડીબુટ્ટીના છોડ પણ પૃથ્વી પરથી અદૃશ્ય થઈ ગયા હતા.

એ એના પિતા ત્રિલોક જેવી જ જિદ્દી હતી. હજુ સુધી એ જડીબુટ્ટી શોધવામાં તદ્દન નિષ્ફળ રહી હતી છતાં તેને અડગ વિશ્વાસ હતો કે એક દિવસ પોતે એ જડીબુટ્ટી જરૂર શોધી લેશે અને તેની માના દુખો તેના હ્રદયમાંથી એ રીતે ગાયબ થઈ જશે જે રીતે ખાલી વાદળાં આકાશ છોડી ચાલ્યા જાય છે.

એનું લક્ષ તેના પોતાના પરિવાર કરતાં ઊંચું હતું. દીવાલની આ પારના લોકોને જ્ઞાન મળે એ માટે પાટનગરની કાળ કોટડીઓમાં જનારા ત્રિલોક જેવા પિતાની એ દીકરી હતી. તેના માટે દીવાલની એ તરફનો દરેક શૂન્ય મહત્વનો હતો અને દુર્ભાગ્યે દીવાલની એ તરફ પદ્માની મા જેવા કેટલાય હતા. એ બધાને ઠીક કરવાનું સપનું એ જોતી. દીવાલની આ પાર ઘણા લોકો હતા જે પૂરા હોશમાં નહોતા. એ માતાઓ જેમણે દીવાલની બીજી તરફ પોતાના દીકરા કે દીકરી ખોયા હતા, એ લાચાર સ્ત્રીઓ જેમણે દીવાલની પેલી તરફ પોતાના પતિ ખોયા હતા, ભદ્રા જેવા હંમેશાં નશામાં રહેતા લોકો જેમણે પોતાના ભાઈ ખોયા હતા, કોઈ કોઈ અનાથ બાળકો જેમણે પોતાના માતાપિતા દીવાલની પેલી તરફ ખોયા હતા, એવા પિતા પાગલ બની ફરતા જેમણે પોતાના બાળકો ગુમાવ્યા હતા, પદ્મા જેવી દીકરીઓ જેમણે પોતાના વહાલા પિતાને ગુમાવ્યા હતા. દીવાલની એ તરફ એવા અર્ધપાગલ લોકોની કમી નહોતી જે પૂરા હોશમાં નહોતા.

પદ્મા એ બધાને તેમની દુખભરી ભૂતકાળની યાદોથી મુક્તિ આપવા માંગતી હતી. એ સતત કલાકો સુધી જ્ઞાનના પુસ્તકો વાંચે જતી પણ દુખની વાત એ હતી કે જે લોકો માટે એ બધુ કરતી એ લોકોથી જ છુપાઈને એ જ્ઞાનના પુસ્તકોનો અભ્યાસ કરવો પડતો. દીવાલની અ તરફના લોકો માનતા કે જ્યાં સુધી તમે ભગવાનનો વિરોધ ન કરો ત્યાં સુધી બધુ ઠીક છે. ભગવાનની દયા તમારા પર વરસતી રહે છે. જ્ઞાનના પુસ્તકો ભગવાને પ્રતિબંધિત કરેલા હતા અને એ પુસ્તકોનો અભ્યાસ કરવો એ ભગવાન સામે બળવો પોકારવા જેવુ હતું.

પણ એ જાણતી હતી કે એ બધુ સાચું નથી. તેને જ્ઞાનના પુસ્તકોને સમજવા જ રહ્યા કેમકે તેને માને ઠીક કરવી હતી. દીવાલની આ તરફના લોકોના દુખ દર્દ દૂર કરવા હતા. એ લોકોને આઝાદ કરવા માંગતી હતી, લોકોના હ્રદય અને મન આસપાસની અદૃશ્ય દીવાલને તોડી પાડવા માંગતી હતી.

પ્રલય પહેલા દીવાલની આ તરફ માનવ રહેતા હતા. કારુએ ચણાવેલી પથ્થરની એ દીવાલ એ માનવોને ક્યારેય શૂન્ય ન બનાવી શકી હોત પણ લોકોના હ્રદય અને તેમના મન ફરતે રચાયેલી એ અદૃશ્ય દીવાલે લોકોના જ્ઞાન અને લાગણીઓને તેમના હ્રદય અને મન સુધી પહોચતા અટકાવ્યા અને તેમને માનવમાંથી શૂન્ય બનાવી દીધા હતા. દુખની વાત એ હતી કે લોકોને ખબર જ નહોતી કે એ કોઈ અદૃશ્ય દીવાલમાં કેદ છે.

“ચિંતા ન કર બેટા...” માના અવાજે એને વિચાર બહાર લાવી, “સૂઈ જા.. તારે આરામની જરૂર છે.”

“મને ઊંઘ નથી આવતી મા..”

માએ એના માથા પર હાથ મૂક્યો. એણે જાણે વર્ષો પછી પોતાની માને પાછી મેળવી હોય એવું અનુભવ્યું. માના સ્પર્શમાં અનંત પ્રેમ હતો.

“કેમ ઊંઘ નથી આવતી બેટા?” તેની આંગળીઓ એના વાળમાં ફરતી હતી. એ નાની હતી ત્યારે\ એના વાળમાં જ્યારે પણ ગૂંચ પડતી ત્યારે મા એમ જ તેના વાળ આંગળીઓથી ઓળાવતી એટલે વાળ તૂટે નહીં કે તેને દર્દ ન થાય.

“કદાચ વિરાટ પણ પિતાજી જેમ... એનું વચન નહીં પાળે તો?”

“એ આવશે...” માનો અવાજ મક્કમ હતો, “તારા પિતાએ હજુ વચન તોડ્યું નથી. એ વચન નિભાવવા દુનિયાની કોઈ પણ કારાવાસ તોડીને એકવાર જરૂર આવશે. ત્રિલોક...” એ જરા હસી, “તને ખબર છે એ કેટલો બહાદુર છે?”

પદ્મા જવાબ આપે એપહેલા જ એ બોલી, “અમારી મુલાકાત દીવાલની પેલી તરફ થઈ હતી. હું મારા પિતા સાથે હતી. અમે બધા એક ખંડેર ઇમારતના સમારકામમાં લાગેલા હતા. ઇમારતનું સમારકામ પૂરું થવાની તૈયારીમાં હતું અને હું છત પર રંગકામ કરતી હતી ત્યારે મારો પગ ચૂકી ગયો. એ જ સમયે પ્લાસ્ટર કરતાં મજૂરોમાંથી એક છોકરો મને પડતી જોઈ ગયો હશે એ તેની નજીકના દોરડાનો એક છેડો લઈ મારી પાછળ કૂદી પડ્યો અને મને બચાવી લીધી. મારા પિતા અને બીજા મજૂરોએ અમને ઉપર ખેચી લીધા. એ દિવસે જ મેં મારા પિતાને કહ્યું કે મારે એ યુવકથી પરણવું છે. દીવાલની આ તરફ આવી અમે લગ્ન કર્યા અને પ્રલય પહેલાના દયાળુ ભગવાનની દયાથી તું જન્મી.”

“હા, પિતા બહાદુર છે.” પદ્માએ કહ્યું. એ કહેવા માંગતી હતી કે પિતા બહાદુર હતા. મા તું સમજતી કેમ નથી ગમે તેવા બહાદુર પણ એ કારાવાસમાં છ માસ કરતાં વધુ જીવતા નથી.

મા દીકરી એકબીજા સામે જોઈ રહ્યા. એને તેની માનો ચહેરો આકાશના ચંદ્રની યાદ આપવતો. ભલે તે વાત કરતી હોય, ભલે તે કંટાળેલી હોય, ભલે તે ગુસ્સામાં હોય, ભલે તે ગૂંચવણમાં હોય મા હંમેશાં સુંદર લાગતી. એ જાણતી હતી કે મા દેખાય તેના કરતાં પણ વધારે સુંદર છે બસ પિતાના ગયા પછી તે એકદમ ફિક્કી પડી ગઈ હતી. ત્રિલોકના ગયા પછી એ પોતાના શરીર, ચહેરા કે કોઈ બાબતની ફિકર ન કરતી. ત્રિલોક પ્રત્યે તેના અતૂટ પ્રેમને લોકો એનું પાગલપન સમજી બેઠા હતા.

“મે પણ એક સપનું જોયું જેમાં વિરાટ સફેદ ઘોડા પર સવાર હતો...” એકાએક માએ જે કહ્યું એ સાંભળી એના હોશ ઊડી ગયા. નવાઈથી તેની આંખો પહોળી થઈ ગઈ. એણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે માને વિરાટ યાદ હશે. વિરાટ અવા નવાર એની ઝૂંપડીએ આવતો પણ એની મા સાથે ક્યારેય તેની વાત થઈ નહોતી. એની મા સૂનમૂન જ રહેતી.

“તેં બીજું શું જોયું મા...?” એણે પુછ્યું કેમકે આજે સપનામાં વિરાટ તેને અને માને બંનેને સફેદ ઘોડા પર દેખાય એ વિચિત્ર હતું.

“તારા પિતા..” મા બોલી, “વિરાટ ત્રિલોકને પાટનગરની કાળ કોટડીમાંથી છોડાવી લાવ્યો. એ નિર્ભય સિપાહીઓ અને દેવતાઓ પર વિજયી થયો.”

પદ્માએ નિસાસો નાખ્યો. તેને લાગ્યું કે મા હજુ કલ્પનાની દુનિયામાં જીવે છે અને એની દરેક કલ્પનામાં ત્રિલોક પાછો આવે છે. જોકે પદ્મા એ હકીકતથી અજાણ હતી કે ક્યારેક ક્યારેક સપના ભવિષ્ય બતાવતા હોય છે અને વિરાટ ત્રિલોકને કારાવાસમાંથી છોડાવી લાવશે એ ભવિષ્યની એક ઝલક જ હતી.

“એક દિવસ એ દેવતાઓ પર સાચે જ વિજયી થશે.” પદ્માએ કહ્યું.

“હા, અને ત્રિલોકને છોડાવી લાવશે.” મા હજુ પૂરા હોશમાં નહોતી. એ એકાએક બોલી, “બેટા મને ભૂખ લાગી છે.” ખૂણામાં મુકેલા લાકડાના કબાટ તરફ જોયું, “કશું ખાવાનું પડ્યું છે?”

પદ્મા જાણતી હતી કે તેના પિતાના ગયા પછી મા સાથે એવું થતું. એ જમવા બેસે ત્યારે ભરપેટ ન ખાતી પછી ગમે ત્યારે અડધી રાતે પણ જમવાનું શોધતી. પદ્મા કબાટમાં કંઈકને કંઈક તો રાખતી જ. ભલે એ માટે એને જંગલનો ખાસ અલગથી આંટો કેમ ન ખાવો પડે.

“હું જોઉ...” એ ઊભી થઈ અને હડારો ખોલ્યો. હડારામાં થોડાક બટાકા અને બે નારંગી હતા. એણે બટાકા એમ જ રહેવા દીધા કેમકે રાતે એ શેકવા આગ સળગાવવી સમજદદારી ભર્યું નહોતું. એ નારંગી લઈ ખાટલા પર ગઈ.

માની બાજુમાં બેસી નારંગી છોલી અને એક કાતરી એને આપી, “લે મા..”

માએ નારંગીની કાતરી હાથમાં લીધી અને ખાવા લાગી એ જોઈ એની આંખો ભરાઈ આવી. તેને યાદ આવ્યું કે બાળપણમાં મા કઈ રીતે તેને આમ જ નારંગી છોલીને આપતી. મા તેના માટે ઘઉંનો પોક બનાવતી. એને મસળીને ફૂંકમારી દાણા ઠંડા પડી જાય પછી જ તેને આપતી એટલે ગરમ દાણાથી તેના હાથ ન દાજે. યાદોને મનમાંથી દૂર કરી મા જોઈ ન જાય તેમ એણે આસું લૂછી લીધા.

એ એક પછી એક નારંગીની કાતરીઓ અલગ પાડી માને આપતી રહી, ભૂતકાળની મીઠી યાદોને વાગોળતી રહી અને છાને છાને આસું લૂછતી રહી.

વિરાટ જેમ પદ્મા પણ આકાશમાં કોઈ સ્વર્ગ છે અને ત્યાં પહેલા ભલા દેવતાઓ રહેતા હતા એ બધી વાતોમાં વિશ્વાસ કરતી નહોતી. વિરાટ માટે દીવાલની આ તરફના એના લોકો જ એનું સ્વર્ગ હતું અને પદ્મા માટે એ પળ જ્યારે એ માને ખવડાવતી એ પળ એના માટે સ્વર્ગ હતી. માને નાના બાળકની જેમ એ નારંગીની તીડીઓ ખાતી જોવી એ એના માટે સ્વર્ગનો અનુભવ હતો.

બીજી તરફ મા ચૂપચાપ ખાતી રહી. તેની માનસિક સ્થિતિ દિવસે અને દિવસે નાના બાળક જેવી થતી હતી. એ પહેલા તો આસપાસના બાળકો સાથે બોલતી પણ હવે તો એ ભાગ્યે જ કોઈ સાથે બોલતી. પદ્મા સાથે પણ એ પહેલા જેમ વાતો ક્યાં કરતી હતી? ત્રિલોકનું દુખ એના હ્રદયમાં પથ્થર બનીને બેસી ગયું હતું.

એ રાતે પદ્મા કે તેની મા બેમાંથી એકેય ઊંઘી શક્યા નહીં. બંને પથારીમાં ટૂંટિયું વાળીને પડ્યા રહ્યા. મા ત્રિલોકના વિચારોમાં વ્યસ્ત હતી, દીકરી વિરાટની ચિંતામાં અડધી થતી હતી. બંને પ્રેમ વિજોગણો પાસા બદલે ગઈ.

 

ક્રમશ:`