Dashavatar - 30 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | દશાવતાર -પ્રકરણ 30

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

દશાવતાર -પ્રકરણ 30

તે રાત્રે વિરાટ સૂઈ ગયો ત્યારે તેને સમયનો ખ્યાલ નહોતો. મંદિર કે ટાવર ગમે તે હોય તેનું પહેલું સ્વપ્ન તેણે એ રાતે જોયું. તે કોઈ સ્વપ્ન જેવું નહોતું પણ જૂની યાદ જેવું હતું. તેથી તે સ્વપ્ન પછી, તેણે તેના માટે વાસ્તવિક સ્વપ્ન નામ રાખ્યું.

મંદિર અંધારીયુ અને ઠંડુ હતું. વિરાટ ત્યાં હતો પણ તે અલગ હતો. તેની ઉંમર લગભગ ત્રીસ વર્ષની હતી પણ તેનો ચહેરો હાલના જેવો જ હતો, બસ ફરક એટલો હતો કે તેને દાઢી અને મૂછ હતા અને તેના વાળ ટૂંકા કાપેલા હતા. પ્રથમ સ્વપ્નમાં, તેણે ફક્ત મંદિર જોયું. તે એક ટાવર જેવું હતું, ઊંચુ અને ઊંચુ, તે એટલું ઊંચું હતું કે એમ લાગતું હતું કે તેનો ઉપરનો ભાગ જાણે વાદળમાં અદૃશ્ય થઈ રહ્યો હતો. વિરાટ અંધકારભર્યા મંદિરના અંધકારમાં તરતો હતો. કાળાશના અફાટ સાગરમાં તે કશું જોઈ શક્યો નહીં. તે કશું સાંભળી શક્યો નહીં. તેને કોઈ ગંધ ન આવી. અને તેમ છતાં, તેને તે મંદિર વિલક્ષણ લાગ્યું. તે એક દુઃસ્વપ્ન કરતાં વિલક્ષણ હતું. આજુબાજુના અંધકારે તેની બધી ઇન્દ્રિયો ચોરી લીધી હોય તેમ તે કઈ મહેસુસ કરી શકતો નહોતો.

ત્યાં સમય પણ જાણે સ્થિર હતો. અંતે, અમાપ પ્રતીક્ષા પછી, બધું બદલાવા લાગ્યું. મંદિર તેની આસપાસ ફરવા લાગ્યું અથવા કદાચ તે મંદિરની આસપાસ ફરતો હતો. મંદિરનું શિખર જે ધુમ્મસમાં અદૃશ્ય હતું વિરાટ તેની નજીક જઈ રહ્યો હતો.

એ પછી તેની આંખો ખુલી ગઈ. તે હથેળીઓમાં પરસેવો થવાથી અને તેના આખા શરીરમાં દુખાવો થવાથી જાગી ગયો હતો. તે એ જ રૂમમાં એ જ ખાટલામાં સૂતો હતો પણ હવે લાઇટ ચાલુ નહોતી. તેની આંખોમાં દર્દનો અનુભવ થતો ન હતો. જ્યારે તેણે પાછળ નજર કરી ત્યારે તેણે તેની પાછળ તેના પિતાને જોયા, હાથમાં બે પ્યાલા પકડીને, નીરદના તેના જાગવાની રાહ જોતો હતો.

"ચક્કર આવે છે?" તેના પિતાએ તેની સામે પ્રશ્નાર્થ નજરે જોયું. તે કોણીના ટેકે ખાટલામાં બેઠો થયો.

"થોડાક."

"તો ચહેરો ધોઈ લો."

વિરાટ આળસ મરડી ઊભો થયો. તેણે ટેબલ પાસે મૂકેલા પાણીના નળાકાર વાસણમાથી એક પ્યાલો ભર્યો અને મો ધોયું. રૂમમાં મો ધોવા માટે અલગ ચોકડી બનાવેલી હતી. એ પાણીનું પાત્ર પણ અલગ હતું. દીવાલ પારના ઘડા જેમ એ માટીને બદલે કોઈ બીજા જ પદાર્થનું બનેલું હતું. વેપારીઓના મેળામાં જે કાંસકા વેચતા એ કાંસકા જેવા કોઈ અધાતુ પદાર્થથી બન્યું હતું.  શૂન્ય લોકો માટે પ્લાસ્ટિક અને એવા કેટલાય માનવનિર્મિત પદાર્થો અજાણ્યાં હતા.

વિરાટે મો ધોઈ રૂમમાં લગાવેલા આયનામાં મો જોયું. એ પહેલીવાર એટલા પૂરા કદના આયનમાં પોતાને જોતો હતો. અરીસો પૂરા કદનો તો નહીં પણ દીવાલ પેલી તરફ કોઈ પણ ઝૂંપડીમાં જોવા મળે તેના કરતાં મોટો હતો. તેની ફ્રેમ લાકડાની હતી અને તેના પર ફૂલોની ભાત કોતરેલી હતી.

વિરાટના વાળ ઓળ્યા વિનાના હતા. રાતભરમાં માથાની ચોટી ખૂલી ગઈ હતી અને વાળની લટો કપાળ પર અહી તહી રમતી હતી. તેણે આંગળીઓથી વાળ ઓળાવ્યા. દીવાલ પારના લોકો એમ પણ કાંસકાને બદલે હાથથી જ વાળ સરખા કરી લેતા. મોટા ભાગની ઝૂંપડીમાં કાંસકા અને એવી કેટલીયે સમાન્ય ચીજોની પણ અછત હતી.  વિરાટે જોયું કે તે એકદમ સુંદર પણ નહોતો તો સામે કદરૂપો પણ નહોતો. તેનો વાન તેના લોકો જેટલો શ્યામ નહોતો પણ વેપારીઓ જેમ ઘઉંવર્ણો હતો. તેનું શરીર નિર્ભય સિપાહીઓ જેવુ ઘાટીલું અને કસાયેલું હતું. તેની આંખોમાં એ નિર્દય સિપાહીઓ જેવી જ શિકારી ચમક હતી અને એ જ કસૂબી રંગ હતો જેને જોઈને શૂન્ય લોકો નિર્ભય સિપાહીઓ સામે માથું ઊંચકતા ડરતા હતા. વિરાટને સમજાયું નહીં કે તે કેમ પોતાના લોકો જેવો નહોતો. કેમ તે તેના પિતા જેવો બિલકુલ દેખાતો નહોતો. કેમ તેની આંખોમાં નિર્ભય સિપાહીઓ જેવી જવાળાઓ હતી?

તેના ખભા કોઈ પણ સામાન્ય શૂન્ય યુવક કરતાં પહોળા અને છાતી પથ્થર જેવી હતી. તેની ઊંચાઈ તેના પિતા બરાબર થવા આવી હતી. એકાએક તેના ધ્યાનમાં આવ્યું કે તેના લોકો અને તેના વચ્ચે બીજો પણ એક મોટો તફાવત હતો. તેના લોકોના ચહેરા લાંબા હતા તો સામે તેનો ચહેરો ગોળ હતો. તેના લોકોની આંખો જરા લંબાઈમાં હતી તો તેની આંખો જરા ગોળાઈમાં હતી. કેમ? કદાચ તેના ચહેરા પર હજુ ઉગવાની તૈયારીમાં દેખાતા દાઢી અને મૂછના વાળ લાંબા હોય તો કોઈ પણ વ્યક્તિ તેણે એક નિર્ભય સિપાહી માની લે એમાં કોઈ શક નહોતો.

“થોડું પાણી પી લે..” નીરદે જાણે વિરાટ શું વિચારે છે એ જાની લીધું હોય તેમ તેણે અરીસા બહાર લાવવા કહ્યું.

વિરાટે એજ નળાકાર પ્લાસ્ટિકના વાસણમાંથી બીજો પ્યાલો ભર્યો અને ગટગટાવી ગયો. એ પાણીનો સ્વાદ જરાય પાણી જેવો નહોતો. ચોક્કસ એમાં દવા ભેળવેલી હતી. પ્યાલો નળાકાર પાત્રના ઢાંકણ પર મૂકી તે ખાટલા પર જઈને બેઠો, “હજુ ગળું બળે છે.. તમને સોજો દેખાય છે?”

“હા, થોડોક સોજો તો છે.” તેના પિતા તેની નજીક ગયા અને તેનું ગળું તપસ્યું, “આ પી લે એટલે બધુ ઠીક થઈ જશે.” તેણે વિરાટના હાથમાં એક નકશીદાર પ્યાલો આપ્યો.

“એમાં શું છે?”  વિરાટે કપમાં જોયું. એમાં કોઈ દવા જેવુ પ્રવાહી હતું જે એકદમ ગરમ હતું અને તેના પર તર વળેલી હતી.

“ખબર નહીં..”

“તો આપણે તે પીએ કેમ?”

“એ થાક ઉતારવા માટેનું કોઈ પીણું છે.” તેના પિતાએ કહ્યું, “ભલે તે આપણા માટે અજાણ્યું છે પણ એ જરૂરી છે એ વિના દીવાલની આ તરફ રહેવા શરીર ટેવાતું નથી.”

વિરાટે કમને પીણાંનો એક ઘૂંટડો ભર્યો. તેણે ધાર્યું હતું એ કરતાં એ પીણું સ્વાદિસ્ટ હતું.  તે ત્રણ ચાર ઘૂંટમાં જ તે પીણું ગટગટાવી ગયો.

“હવે પરીક્ષા માટે તૈયાર થઈ જા...”

“કેવી પરીક્ષા..?”

“દૈવી-પરીક્ષા..”

“એ પરીક્ષા કોણ લેશે..”

“વૈધરાજ..”

“કેમ?”

“તારા શરીરમાં કોઈ બીમારી છે કે નહીં તે ચકસવા...”

“અને જો કોઈના શરીરમાં બીમારી હશે તો..?”

“તો નિર્ભય સિપાહી એ બીમાર વ્યક્તિને મારી નાખશે જેથી એ બીમારી બીજા લોકોમાં ફેલાય નહીં.”

“મારી નાખશે..?” વિરાટ માટે બોલવું પણ મુશ્કેલ થઈ ગયું. બીમાર વ્યક્તિની સારવાર કરવાને બદલે તેને મારી નાખવામાં આવે?

“હા,” તેના પિતાએ કહ્યું, “પણ મૃત્યુએ કોઈ સૌથી ભયાનક સજા નથી.”

કદાચ સામે તેના પિતા ન હોત તો એ શબ્દો કહેવા બદલ વિરાટ તેની સામે ભીડી ગયો હોત પણ સામે પોતાના જ પિતા હતા એટલે તે ગુસ્સો ગળી ગયો અને પુછ્યું, “તો મૃત્યુ કરતાં પણ વધુ ભયાવહ શું છે?”

“દેવતાઓની યાંત્રિક પરીક્ષા જેને આપણા લોકો દૈવી પરીક્ષા કહે છે.” નીરદે એટલા ધીમે અવાજે કહ્યું જાણે તે કોઈને પણ એ સાંભળવા દેવા ન માંગતા હોય. જોકે ત્યાં સાંભળવા માટે એ બને સિવાય કોઈ હતું જ નહીં.

“દૈવી પરીક્ષામાં દેવતાઓ શું કરે છે?”

“એ તારા મનની પરીક્ષા લેશે.” તેમના કપાળ પરના સળમાં વધારો થયો. વિરાટ સમજી ગયો કે તેના પિતા એ દૈવી કે યાંત્રિક જે હોય તે પણ પરિક્ષાને લઈને ચિંતિત હતા.

“તેઓ મનને કઈ રીતે ચકાસી શકે?”

“જાદુથી..” નીરદ એક પળ ખચકાયા જાણે શું કહેવું તે નક્કી ન કરી શકતા હોય, “તેઓ દિવ્યયંત્રથી મનનું પરીક્ષણ કરે છે અને જો એ પરીક્ષણમાં તેઓ જાણી લે કે તમારું મન એક શૂન્ય વિચારી શકે તેના કરતાં વધારે વિચારે છે તો એવા શૂન્યને પાટનગર લઈ જવામાં આવે છે.”

શું જેમ જેમ નવી જાણકારી મળે તેમ તેમ ખરાબ બાબતોમાં વધારો જ થયા કરશે? વિરાટે વિચાર્યું અને પુછ્યું, “અને પાટનગર લઈ જઈ મારી નાખવામાં આવે?”

“એક મિનિટ...” નીરદે ગળું સાફ કર્યું, “એ જ કહું છુ.”

વિરાટ જવાબની રાહ જોવા લાગ્યો.

“પાટનગર લઈ ગયા પછી જે થાય તે મૃત્યુ કરતાં પણ ભયાનક છે.” બોલતી વખતે તેમના હોઠ ધ્રુજતા હતા, “એવા શૂન્યને પાટનગરની પ્રયોગશાળામાં લઈ જવામાં આવે છે અને તેના પર યાંત્રિક પ્રયોગો કરવામાં આવે છે.”

“કેમ?”

“એ જાણવા માટે કે કારુ ભગવાને શૂન્યને જેટલું વિચારી શકે તેવા બનાવ્યા એના કરતાં વધુ વિચાર શક્તિ એનામાં કઈ રીતે આવી.”

વિરાટે અદબ વાળી, એક પળ માટે આંખો બંધ કરી પછી આંખો ખોલી અને પુછ્યું, “અને પછી?”

“અને પછી એ શૂન્ય હમેશા માટે એ પ્રયોગશાળામાં જીવતી લાશ બનીને રહે છે. લોક પ્રજામાં એવી અફવાઓ છે કે ત્યાં ગયા પછી માણસ ખાઈ પી નથી શકતો. એ મરી પણ નથી શકતો. બસ એ વિધુતના વાયરો અને એવા કેટલાય રસાયણો ભરેલી ટ્યુબોને સહારે હવામાં લટકી રહે છે.”

બસ બહુ થયું... વિરાટે વિચાર્યું... શું હાલત દર મિનિટે વધુને વધુ ખરાબ થશે... શું એવી પ્રયોગશાળાઓ હોઈ શકે... કે પછી એ બધી અફવાઓ હશે?

પણ હમણાં સુધી સાંભળેલી મોટાભાગની અફવાઓ સાચી નીકળી હતી એ ધ્યાનમાં આવતા વિરાટની આંખો ભીની થઈ ગઈ. જે લોકોને આજ સુધી પ્રયોગશાળા લઈ જવામાં આવ્યા છે એ બધા પર શું વિતતું હશે?

“વિરાટ..” તેના પિતાએ તેના ખભા પર હાથ મૂક્યો, “તારા મનમાં જે મંથન ચાલી રહ્યું છે એ જ મંથન કેટલાય શૂન્યોના મનમાં ચાલી રહ્યું હશે. દીવાલની આ તરફ પહેલીવાર આવનાર દરેક શૂન્યની યાંત્રિક પરીક્ષા લેવામાં આવે છે. દીવાલની આ તરફ દુનિયા ભયાનક છે અને હરપળ એ વધુને વધુ ભયાનક બનતી જશે. બસ આજ સુધી દીવાલની આપણી તરફ કોઈ માતા પિતાએ આ હકીકતો તેમના બાળકોને કહી નથી કેમકે કોઈ માતા પિતા પોતાના બાળકોના બાળપણને બરબાદ નથી કરવા ઇચ્છતા. આ બધી સચ્ચાઈ જાણ્યા પછી કોઈ બાળક બાળક ન રહે એટલે જ આ સત્યનો બધાને ત્યારે જ સામનો કરવો પડે છે જ્યારે તે પહેલીવાર દીવાલની આ તરફ આવે છે. જો તે ત્રણ મહિનાની ટ્રીપ પૂરી કરી પાછો જવામાં સફળ રહે તો એટલો સમજદાર થઈ જાય છે કે તે દીવાલ પાર જઈને કોઈને કહેતો નથી કે અહી શું છે કેમકે આપણા શૂન્ય લોકોનું જીવન અઢાર વર્ષ જ છે એ પછી તો આ ગુલામીની સાંકળોમાં જીવનરૂપી સજા ભોગવવાની હોય છે.”

વિરાટ વધુને વધુ ગૂંચવતો હતો. દેવતા... દૈવી પરીક્ષા... ના સમજાય તેવા યંત્રો... યાંત્રિક પરીક્ષા... અમાનવીય પ્રયોગો.... પાટનગરની પ્રયોગશાળા... એ બધુ એના માટે જરા વધુ પડતું હતું. આખરે તે અઢાર વર્ષનો એક યુવક હતો જેના માટે એ બધી બાબતોને એક સાથે સ્વીકારવી મુશ્કેલ હતું... દીવાલ આ તરફના ચીજો તો શું શબ્દો પણ જાણે તેના માટે નવા હતા. કેટલાક શબ્દો તો તેણે પહેલા કયારેય સાંભળ્યા જ નહોતા.

“આમ ગભરવાથી કઈ નહીં વળે..” નીરદે કહ્યું. “તે જ્ઞાનના અનેક પુસ્તકો વાંચ્યા છે એમાંથી જે શીખ્યો એ બધાનો ઉપયોગ કરીને એ પરીક્ષામાથી બચી નીકળવું પડશે.”

“તમને ખબર છે હું એ પુસ્તકો વાંચું છુ.”

“હા, મને અને તારી માને બંનેને ખબર છે.” તેણે કહ્યું, “તારી મા પણ જ્ઞાની છે. હું તેને મળ્યો એ પહેલા શૂન્ય હતો પણ તેણે મળ્યા પછી હું બદલાઈ ગયો. હું પહેલા જે અનુભવી ન શકતો એ અનુભવાવ લાગ્યો. જે બાબતો પહેલા મને ન સમજાતી એ મને સમજવા લાગી. તારી માંએ મને શીખવ્યુ કે દુનિયા શું છે અને આપણી આસપાસની દુનિયાને કઈ રીતે જોવી અને સમજવી. હું તેના સાથે રહી ધીમે ધીમે શૂન્યમાંથી જ્ઞાની બની ગયો.”

“માં પુસ્તકો વાંચે છે?” વિરાટને નવાઈ લાગી.

“હા, એટલે જ તો અનુજા આકાશના સિતારા વાંચી શકે છે.” તેના પિતાએ કહ્યું, “અનુજાના પિતા ખોગોળના જાણકાર ગુરુ હતા.”

“મતલબ મને આ બધા વિચારો વારસામાં મળ્યા છે.”

“હા, હવે દેવતાની પરીક્ષા માટે તૈયાર થઈ જા. બસ એટલુ ધ્યાન રાખજે કે એમની પરીક્ષા દરમિયાન તારું મન એક સામાન્ય શૂન્ય યુવક કરતાં વધારે કઈ ન વિચારવું જોઈએ. જેમ આપણે તનથી શૂન્ય હોવાનો ડોળ કરીએ છીએ તેમ મનથી પણ શૂન્ય હોવાનો ડોળ કરજે.”

“હું કઈ રીતે કરી શકું?”

“તું કરી શકીશ..તારી મા અનુજા પણ કરી શકે છે.” તેણે કહ્યું, “દીવાલની આપણી તરફથી આવતો દરેક જ્ઞાની શૂન્ય અજ્ઞાની અને શૂન્ય હોવાનો તન અને મન બનેથી ઢોંગ કરતો આવ્યો છે.”

વિરાટને કઈ સમજાતું નહોતું. પોતે જે લોકોને શૂન્ય સમજતો હતો એમાં ઘણા જ્ઞાની હતા. અરે તેના પોતાના માતા પિતા જ જ્ઞાની હતા અને તેને એટલા વર્ષોથી એ ખબર જ નહોતી.

“હવે કમર કશી લે, બેટા..” નીરદે કહ્યું પણ બાપ બેટો બંને જાણતા હતા કે દૈવી પરીક્ષા સામે કોઈ તૈયારી થઈ શકે નહીં. એમાં પૂરો મદાર નશીબ અને સંજોગો પર  રહેતો.

વિરાટે કઈ જવાબ ન આપ્યો. તે આંખો બંધ કરી એમ જ બેસી રહ્યો. કદાચ એ આંખો ખોલે અને એ ભયાનક સપનું પૂરું થઈ જાય પણ... એ કોઈ સપનું નહોતું... એ દરેક શૂન્યના જીવનની વાસ્તવિકતા હતી. ભલે વિશ્વાસ ન થઈ શકે તેવું પણ સત્ય હતું. એ જ વાસ્તવિકતા હતી.

વિરાટે ગુરુ જગમાલના શબ્દો યાદ કર્યા: પ્રલય પહેલા એક સમયે આપણે બહાદુર લોકો હતા અને એટલે જ આપણાં લોકો ફરી બહાદુર બની શકે તે શક્ય છે. તમે જે એકવાર હતા તે ફરી બનવું ખાસ મુશ્કેલ નથી. વિરાટે પોતાની જાતને માનસિક રીતે તૈયાર કરવા માંડી.

ક્રમશ: