Pane of Karhavishwa Kalma - Issue 17 - Editing - Darshana Vyas in Gujarati Magazine by વાર્તાવિશ્વ કલમનું ફલક books and stories PDF | વાર્તાવિશ્વ કલમનું ફલક - અંક 17 - સંપાદન - દર્શના વ્યાસ

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

વાર્તાવિશ્વ કલમનું ફલક - અંક 17 - સંપાદન - દર્શના વ્યાસ

વાર્તાવિશ્વ- કલમનું ફલક



ઇ - સામાયિક અંક – ૨૦
ઓક્ટોબર - ૨૦૨૨
સંપાદક:
દર્શના વ્યાસ 'દર્શ'





સંપાદનમાં સમાવેલ કૃતિઓમાં નામ, વર્ણ, વ્યવસાય, સ્થાન અને ઘટનાઓ લેખકની કલ્પનાનું સર્જનછે. જીવિત કે મૃત વ્યક્તિઓ કે વાસ્તવિક ઘટનાઓ સાથે કોઈ પણ પ્રકારની સામ્યતા જણાય તો તે વિશુદ્ધ રૂપે માત્ર આકસ્મિક સંયોગ હશે.
રચનાનો કોપીરાઈટ અને જવાબદારી જે તે લેખકશ્રીની રહેશે.
સર્વાધિકાર સુરક્ષિત: આ અંકના લેખક- લેખિકાઓ ના
'વાર્તાવિશ્વ-કલમનુંફલક' ઇ - સામાયિકઅંક -20
સંપાદક:
દર્શનાવ્યાસ'દર્શ'
ભરુચ
મો: 7405544547
ઇમેઇલ: darshanavyas04@ gmail.com
એડિટર ટીમ:
રસિક દવે, સ્વાતિ શાહ, વૃંદા પંડ્યા, ચિરાગ બક્ષી
ગ્રાફિક્સ: ઝરણા રાજા, બ્રિજ પાઠક
ચેતવણી:આ પ્રકાશનનો કોઈ પણ હિસ્સો, ઇલેક્ટર,મિકેનિકલ, ફોટોકોપી, રેકોર્ડિંગ અથવા અન્ય કોઈ સ્વરૂપ કે બીજી કોઈપણ રીતે સંપાદક કે લેખકની પૂર્વાનુમતિ વગર કોઈપણ રીતે ઉપયોગમાં લઈ શકાશે નહી કે પુન:પ્રાપ્તિ પ્રણાલીમાં સંગ્રહીત કરી શકાશે નહીં. 




સંપાદકની કલમે

નમસ્કાર મિત્રો,

પ્રકાશપર્વ દિપાવલી અને નૂતન વર્ષની સૌ સર્જકો અને વાચકોને હૃદયની શાબ્દિક શુભકામનાઓ. વર્ષોવર્ષ વાર્તાવિશ્વ-કલમનાં ફલકનાં સર્જનો અને સર્જકોનો વિસ્તૃત વ્યાપ વાચકોના વ્યાપક વ્યાપ સુધી પહોંચે, જે ફક્ત લેખન જ નહીં શાશ્વત સર્જન બની રહે એ જ અભ્યર્થના નવા વર્ષની શરૂઆતમાં કરું છું.
અસ્તુ...

દર્શના વ્યાસ 'દર્શ'
ભરૂચ
7984738035
Email: darshanavyas04@ gmail.com







પ્રસ્તાવના
શબ્દોના સાથીયાની ફોરમ ક્યારેય માણી છે.....?
હા. મેં માણી છે.
આ વાર્તા વિશ્વ પરિવારના મા સરસ્વતીના ઉપાસકોને દર મહિને પાંચ મણકાવાળી એક વિષયમાળા મળે અને કલમની જાણે ધાર નીકળવી શરુ થાય, સરસ કૃતિ સર્જાય, સહયોગી મિત્રોના નિખાલસ પ્રતિભાવ આવે અને એના ઉપર ચર્ચા થાય અને આ બધી અગ્નિપરીક્ષામાંથી કૃતિ પસાર થઈને ઝગમગતા સુવર્ણ બિંદુની જેમ આ ઈ-સામાયિકમા સ્થાન પામે.
આ સાહિત્ય સર્જન શબ્દોના સાથીયા થકી મ્હોરી જ ઉઠે છે અને એની ફોરમનો વ્યાપ દિન-પ્રતિદિન વિશાળ થતો જ જાય છે જે આપણે સહુને માટે આનંદ લેવાની વાત છે.
વીસ મહિનાની આ યાત્રા આજે એ પડાવ ઉપર પહોચી છે જ્યાંથી જેમનું વ્યક્તિગત પુસ્તક પ્રકાશિત હોય એ આપણા પરિવારના સાહિત્યવિદ સાક્ષરો પણ આપણા સહિયારા પુસ્તક માટે વિશેષ ગૌરવ અનુભવે છે.

સાહિત્ય સર્જનના આ કસ્તુરી સમાન માધ્યમને શતશત વંદન.....

ચિરાગ.







અનુક્રમણિકા

૧) સાક્ષી લીના વછરાજાની
૨) લોહીની લીલાશ મનીષા મહેતા(ધરા)
૩) રાહ કોની શૈલી પટેલ
૪) છોટીસી આશા ઋતંભરા છાયા
૫)શંકર સ્વાતિ મુકેશ શાહ
૬) બે સ્ત્રી -અનોખો સંબંધ પ્રફુલ્લા 'પ્રસન્ના'
૭) નિર્ણાયક દર્શના વ્યાસ 'દર્શ'
૮) નફરતનું ઝેર જાગૃતિ, 'ઝંખના મીરાં'
૯) તર્પણ પદ્મજા વસાવડા
૧૦) લીલા વિષના ડંખ નિમિષા મજમુંદાર
૧૧) લોહીનો રંગ જીજ્ઞેશ કાનાબાર
૧૨) લોહીનો રંગ લીલો ચિરાગ કે બક્ષી.






વાર્તાવિશ્વ- કલમનું ફલક
વિષય: અવકાશી સફર
શીર્ષક: સાક્ષી
નામ: લીના વછરાજાની
ઈમેઈલ: leens0901@yahoo.com
આથમતા સૂરજ અને ખિલતી સંધ્યાએ મને ઉદય થવાનું આમંત્રણ આપ્યુ. દિવસભર સનનન્ વહેતી ગરમ હવાની લહેરખીએ ટાઢક અનુભવીને મને શીતળતા પાથરવા આવકાર આપ્યો. હવે ચાલો આજે તમને પણ અવકાશી સફર કરાવું. તમને પણ અનુભવ કરાવુ કે કવિ લેખકની કલ્પનામાં આકાર લેતો હું એટલે ચાંદ હરહંમેશ સંપૂર્ણ ખુશનુમા નથી હોતો.
યુગોથી એક જ સમયે ઉદય અને એક જ સમયે અસ્ત થતો હું રોજ કેટલાય અવિસ્મરણિય દ્રશ્યો અને ઘટનાઓને દ્રષ્ટિમાં નજરકેદ કરતો રહું છું. કેટલી જીવનવાર્તાઓનો જાણે અજાણે સાક્ષી બની જવાય છે.
જગતના દરેક અલગ-અલગ સ્થળોએ મને રોજ કેટલીય કહાનીઓ નિહાળવા મળે છે. ક્યારેક રાજી થવા જેવી તો ક્યારેક બહુ દુખદ હોય છે. ક્યારેક બે છેડાને લગતી વાર્તા બે દ્રષ્ટિકોણથી જોતો હોવ. ઘણી વખત બંનેને જોડતી કડી બનવાનું મન થાય પણ કુદરતે મને પણ મર્યાદામાં કેદ રાખ્યો છે એટલે માત્ર સાક્ષી બનીને રહી ગયા સિવાય હું કંઈ કરી શકું નહીં.







એમાંય આજે તો હું પૂર્ણમાસીનો ચાંદ એટલે સોળે કળાએ ખીલેલો.
મનમાં ને મનમાં મારી સુંદરતા પર ગર્વ કરતો કે મારા સૌંદર્યનાં તો જગતમાં ઉદાહરણ અપાય છે. મારી ચાંદનીની સાક્ષીએ કંઈ કેટલાય વચન અને શપથ લેવાય છે.
લાવ જરા આજની કહાનીઓ પર નજર નાંખું તો ખરો! હું પૂર્ણ અવસ્થાએ પરિભ્રમણમાં નીકળ્યો પણ પરત આવતાં તો મારું નિતાંત સૌંદર્ય જાણે હણાઈ ગયું એવી ગાથાઓ પર દ્રષ્ટિ પડી હતી.
સૌથી પહેલાં આજે જરા મેં સતલજના કિનારે નજર માંડી હતી. નાના એવા ગામમાં કાચા પાકા મકાનની ખુલ્લી ઓસરીમાં પેલી મારા જેટલી જ નખશિખ સુંદર રાબીકૌર મારી તરફ જ મીટ માંડીને બેઠી-બેઠી મારી સાથે વાતો કરતી હતી. મેં જરા ધ્યાનપૂર્વક કાન માંડ્યા.
એક હળહળતો ગરમ નિ:સાસો સંભળાયો.
“આ હરમનને ગયે બે વર્ષ થયાં. એ તો દેશની સેવામાં લાગી ગયો છે પણ ક્યારેક મને ફોન કરે ! એની સાથે તારી નીતરતી ચાંદની નીચે બેસીને કરેલી વાતો બહુ યાદ આવે છે. પહેલી મુલાકાત, પહેલા પ્રેમનો એકરાર, અરે! મૂઆ એ લશ્કરમાં જવાના સમાચાર, એ ગયા પછીના વિયોગની હર પળ, મારી જિંદગીમાં તારી છતી ચાંદનીએ છવાયેલી અમાવસ આ બધાનો એક માત્ર તું જ તો સાક્ષી છે. હવે મારી નજર દ્વારા એને સલામતી બક્ષવાની તથા એની રક્ષાની જવાબદારી પણ તને જ સોંપું છું.”
"હું સહેજ ઉદાસ થયો. અરે! હું એમાં કાંઈ ન કરી શકું.” આ વાત એને કઈ રીતે સમજાવું.







રાબીકૌર ભીની આંખે પરસાળમાંથી ઘરની અંદર જતી રહી. હું વ્યથિત થયો ન થયો ત્યાં અપ્રતિમ સુંદર પારદર્શક ઝેલમના કિનારે નજર પડી.
બરફીલી પહાડીઓ જાણે બે ભુજા ફેલાવીને મારી ચાંદનીને આવકારી રહી હતી. બેહદ ખુશનુમા વાતાવરણ હતું.
આવી જ એક પહાડી પર વસેલા નાના એવા કસ્બાના એક પરંપરાગત બાંધણી ધરાવતા ઘરની બહાર સારી એવી ઠંડીમાં હલીમા ખુલ્લા આકાશ સામે મીટ માંડીને જાણે મને જ કહી રહી હતી,
“અરેરે! તારી આ મનહૂસ ચાંદનીના ઝાંસામાં આવીને જ હું તબરેઝના પ્રેમમાં પડી. સાથે જીવવા મરવાના કરાર કરી લીધા ત્યારે મને જરાય અણસાર ન આવ્યો કે એ તો બહુ મલિન ઈરાદા ધરાવે છે. એનો આતંકીઓ સાથેનો નાતો છે એ પછી ખબર પડી. જન્નત જેવી ધરતીને પ્રદૂષિત કરવાવાળા એના આકાઓએ એનું મગજ સાવ કલૂષિત વિચારોથી ભરી દીધું છે પણ મેં સાચો પ્રેમ કર્યો છે અને મારા પાક પ્રેમનો એક માત્ર તું જ સાક્ષી છે. હવે એને સારા રસ્તે વાળવાની જવાબદારી પણ એ ચાંદ તારી જ હોં!”
મને સમજાયું નહીં કે આ હલીમાને હું કેવી રીતે મદદ કરી શકું? એ જ અસમંજસમાં મારી સવારી આગળ વધી.
ત્રીજા ખૂણે હિમાલયની બરફીલી પહાડી પર અસહ્ય ઠંડા તાપમાન વચ્ચે પણ દેશદાઝથી દેશની સુરક્ષા કરતો હરમન મારી પૂર્ણ ચાંદનીના અજવાળામાં દુશ્મન પર નજર રાખતો દેખાયો.








“કોઈ મારા દેશ પર નજર તો કરી બતાવે! આ ચાંદનીની કસમ, એને પાઠ ભણાવીને જ છોડું.”
હજી મને ગૌરવ થયો અને મેં એક ચંદ્રકિરણ દ્વારા પીઠ થાબડીને કહ્યું,
“વાહ જવાન વાહ.”
ત્યાં તો એ સહેજ ઉંચી ડોક કરીને મારી તરફ જોઈને સ્વગત્ ગણગણ્યો,
“એ ચાંદ, મારી રાબીને મારો પ્રેમ પહોંચાડજે. એક તું જ માધ્યમ છો અમારી વચ્ચે. ફોન તો આ માયનસ પ્રતિકુળ વાતાવરણમાં લાગે ન લાગે પણ તું રોજ અમારી વચ્ચે આવ જા કરે છે. અને જો હું શહીદ થઈ જાઉં તો રાબીને તારી ચાંદનીની શીતળ છાયામાં આશ્વાસન આપજે.”
આજે મારી કસોટી પણ પૂર્ણકળાએ હતી એવું લાગ્યું. હળવો શ્વાસ લઈને મેં સફેદ રૂ જેવી આચ્છાદિત હિમપહાડીઓની પેલે પાર નજર માંડી.
ચોથો ખૂણો કેટલાક ભયાનક ઈરાદાઓને આવરીને ઊભો હતો. બરફમાં છુપાઈ જવાય એવાં શ્વેત વસ્ત્રો પણ સાવ મલિન કાળા મનવાળા કેટલાક લોકોમાં તબરેઝ પણ હતો.
એ ખૂણો નાપાક આશયવાળા દહેશતગર્દલોકોની
એ.કે.૪૭ થી ઘેરાયેલો હતો.









“બસ આજ તો આ ચાંદનીમાં બરાબરનો હુમલો બોલાવી જ દેવો છે. સરકારને ખબર પાડી જ દેવી છે. આપણે સ્વતંત્ર ધરતી જોઈએ જ છે. એના માટે જે કુરબાની આપવી પડે એ કબૂલ છે.”
તબરેઝ પણ ઝનૂનમાં શપથ લઈ રહ્યો હતો એ નિહાળીને મને હલીમાની મજબૂર આંખ તાદ્રશ્ય થઈ.
પણ..હલીમા કરતાં તો હું વધુ મજબૂર હતો. કાશ! હું બે સવાલ વચ્ચેની કે બે ઘટના વચ્ચેની કડી બની શકતો હોત! આવા અસહાય સાક્ષી બનવાની સજા કુદરતે મને જ શું કામ આપી હશે?
કલાકોના વિચરણ બાદ મારા અસ્તિત્વથી દરેકને થતી અલગ અલગ સાવ વિરોધાભાસ ધરાવતી અસરથી ઘાયલ થયેલો, અસ્તવ્યસ્ત, મ્લાન ચાંદની સાથે મનમાં કેટલાય નિરુત્તર સવાલ લઈને. સાથે જ અવકાશી સફર હંમેશાં આનંદદાયક નથી હોતી એવો સંદેશ આપ સહુ સુધી પહોંચાડીને હું અસ્ત થવાની તૈયારીમાં.






વાર્તા વિશ્વ -કલમનું ફલક
વિષય: લોહીની લીલાશ,
નામ: મનીષા મહેતા(ધરા)
ઇમેઇલ : manishamehta1969@gmail.com
આમ તો આ ઘર ચાલીના ઘર જેવુ જ હતું, રસોડાથી શરૂ થતું ઘર તેમાંથી જતી રૂમમાં જઈને પૂરું થઈ જતું. બસ, વસ્તી ચાલી જેટલી ન હતી. છૂટક આવાસોની ન સુખી, ન દુઃખી વસાહતમાં ઝાંપાથી રક્ષિત ઓટલાવાળું આ નાનકડું ઘર હતું. વૈભવ માપવા માટે રાચરચીલું શબ્દ હોય, અહીઁ તો રૂમમાં એક કબાટને ફાટયા જેવો પડદો હતો અને ચાર ફૂટના લોખંડનાં પલંગને એક બારીનું અજવાળું પ્રાપ્ય હતું. ખીલીએ લટકાવેલા પ્લાસ્ટિકના વાયરના ચોટલા સાથે મેલાંઘેલા બે દાંતિયા વળગેલા હતાં તો ખીંટીએ એવા જ એક બે કપડાં. જેની નીચે સીવવાનો સંચો ખુલ્લો જ પડ્યો રહેતો.
લગભગ સવારે દસ વાગ્યાથી સાંજના સાત-આઠ સુધી ઘરની આ બધી ગોઠવણ બરાબર રહેતી. આમ તો ત્યાં સુધી બીજું બધું પણ બરાબર ગોઠવાયેલું રહેતું. પત્ની બિજોયા ઘર સંભાળતી, પતિ સુજોય નાનકડી નોકરી કરવા બીજોયાએ બનાવેલું ટિફિન લઈને જતો. દિવસ આખો બિજોયા લોકોનાં ફાટેલાં કપડાં પેલા મશીન પર સાંધી આપીને ફાટેલી જિંદગી સાંધવાની કોશિશ કરતી અને રાત્રે દારૂ પીને આવેલો સુજોય ફાટેલી પત્નીને સાંધવાની કોશિશ કરતો, જેમાં બધું જ વધુ ફાટી જતું. બિજોયાનાં કપડાં, બરડો, પેલો પડદો ને જિંદગી! 'વિજેતા' અર્થ સમજીને માતા પિતાએ રાખેલું નામ "બિજોયા", જે હવે રોજ-રોજ હારતી! તેનાં શરીર પર મરી ગયેલા લોહીનાં ચકામાની લીલાશ વધુ હતી કે







તેની આંખોની ભીનાશ એ ઈશ્વર જ જાણે.
રાતના તોફાનથી વેરવિખેર થયેલું ઘર અને બેઈજ્જત બિજોયા તથા બિજોયાનું કણસતું શરીર સવારે સુજોયનાં ધ્યાન ઉપર આવતા ખરા પણ પત્નીનું દર્દ અનુભવી શકે કે એમાંથી સુધરી શકે એવો કોઈ દારૂડિયો હજુ સુધી જનમ્યો નથી. દારૂ ખરાબ વસ્તુ છે, આ જ્ઞાન એની પાસે ત્યાં સુધી હતું જ્યાં સુધી એ દારૂથી દૂર હતો. જેમ કોઈ બ્રહ્મચારી માને કે નારીની સંગત નર્કમાં લઈ જાય, એ પછી જો કોઈ અપ્સરા એને મોહી લે તો પત્યું, પછી તો એ નર્ક જેવું એને કોઈ સ્વર્ગ નથી હોતું. એમ જ દૂર ઝૂંપડપટ્ટી તાણીને વસી ગયેલા નશેબાજ રોહિંગ્યાઓથી એ ઘણો બચીને રહ્યો પણ અંતે એ લપેટાઈ ગયો ને નશાની આદત ઘર કરી ગઈ. ના, ઘર બરબાદ કરી ગઈ એમ કહેવાય. બિજોયાને આ વર અને આ ઘર સિવાય કોઈ વિશ્રામ હતો નહીં તેથી પલંગની પેલી બારીમાંથી ઢળી જતી સંધ્યા આવનાર અંધકારને સ્વીકારી જ લે છે તેમ બિજોયા પણ સુજોય સાથે જ ઘરમાં પ્રવેશનાર નવા પ્રતાડનને સ્વીકારી જ લેતી જાણે.
એવો જ રોજિંદો અંધકાર જામવામાં જ હતો પણ સુજોયને આજે પેલા ઠેલે તાળું જોવા મળ્યું.નશા વગર અકળાઈને તે પોતાનાં ઘર તરફ વળ્યો.આસપાસ નીરવ વાતાવરણ હતું. કદાચ રોજ આવું જ રહેતું હશે એને ક્યાં રોજનું ભાનસાન હતું! હશે,પણ રોજ ઘરનું ફાટક આમ ખુલ્લું નથી હોતું એટલું તો એને યાદ રહ્યું હતું.
ફાટક તો ઠીક, ઘર પણ ખુલ્લું? બિજોયાને ફટકારવી પડશે. આટલી બેધ્યાન?
અંદરની રૂમ સુધી બિજોયા જોવા ન મળી. હવે બિજોયાના નામની બૂમો પાડતો એ પલંગ બેસી પડ્યો.







માથું એમ જ ફાટતું હતું ને તેમાં આ "સા..." ગાળો બબડતો સુજોય આસપાસ નજર ફેરવતો રહ્યો. બધું જ વિખાયેલું હતું. પોતે જ રોજ ઘરની આ દશા કરતો પણ સવારે જ પાછું બધું ગોઠવાય જતું પણ આજે? ખીટી પરથી ખેંચાઈને નીચે પડેલું તેનું પેન્ટ, કબાટનો સાવ ચિરાઈ ગયેલો પડદો.. ખેંચવા જતાં લગભગ નીચે સુધી વિખાઈ પડેલી પલંગની ચાદર અને બધું જ વેરણ છેરણ..! ઓહો, બારણાની સ્ટોપર પણ તૂટીને નીચે પડી છે!
સૂજોયને કૈક સાન આવી. દોડ્યો એ આડોશ પાડોશના ઘર તરફ.
"બિજોયાને જોઈ કોઈએ?" "મારી પત્ની ક્યાં ગઈ છે કોઈને ખબર છે?"
કોઈનાં ઘર ખૂલ્યાં નહીઁ. અંતે એક બાળક ઘરમાંથી બોલી ઊઠ્યું:
"ગૂંડે ઊઠા લે ગયે આંટી કો." અધૂરા વાક્ય સાથે જ બાળકનું મોં કોઈએ દાબીને બંધ કર્યું એમ લાગ્યું.
જ્યારથી અહીઁ પેલી વસ્તી વધી છે ત્યારથી સ્ત્રીઓને સાંજે ઉઠાવી જઈ સવારે પાછી મૂકી જવાના બનાવો બની રહ્યાં હતાં. પ્રશાસન તો આ વસ્તીને આશ્રય આપતું હતું તેમાં ફરિયાદ કોણ લે? મતનાં રાજકારણમાં સહુથી વધુ ભોગ સ્ત્રીઓ બની રહી હતી. આ બધું સુજોયે સાંભળેલું હતું. એની કોઈ ઓળખ કે આબરૂ પણ ન હતી કે એની રાવ કોઈ સાંભળે? તેનું મગજ ચકરી ખાઈ ગયું બે હાથે દબાવી તે ઓટલે જ બેસી રહ્યો.










રસોડામાંથી સાણસી, કડછીનો કોઈ અવાજ નથી. રસોઈની કોઈ સુગંધ નથી. તેલ મસાલાનાં હાથ લૂછી કાઢેલ દુપટ્ટો પહેરી દોડધામ કરતી રહેતી બિજોયા બાજુમાંથી પસાર થતી ત્યારે તેવી ગંધ ભરેલી અણઘડ લાગતી બિજોયાનો એ દુપટ્ટો સૂંઘવા આજ એ તરસી રહ્યો. રોજ મૂંગા મોઢે કેવો ત્રાસ એ સહન કરી લેતી, શું આજે પણ ત્યાં એ બૂમો નહીઁ પાડે? તૂટેલી બંગડીઓ, ફાટેલાં કપડાં આજે પણ એ સંતાડી દેશે? એના પર ગંધાતા મોંએ મારઝૂડ સાથે થતા બળાત્કારની પીડા આજે પણ એ સહન કરી લેશે? રોજ એના પીડિત અંગેઅંગને દિવસ ઉગતાં જ સંકોચી લેવાની એની ટેવ મુજબ જ શું એ...? શું એ બધા એને મારા જેવા જ લાગતાં હશે, એ કોઈને આજીજી નહીઁ કરે? એ કોઈને હુંકારીને કહે પણ કેમ કે,
"પોલીસ ભલે કંઈ ન કરે, મારો પતિ તમને જીવતાં ખાઈ જશે..."
અંધારું વિશેષ જામી પડ્યું હતું. સુજોય ઘર એમ જ મૂકીને નીકળી પડ્યો જ્યાં રસ્તો મળ્યો તે બાજુ. એક-એક ડગલું જાણે મણ-મણનું થઈ પડેલું. આ બાજુ હવે કોઈ અવરજવર ન હતી. આ રસ્તો જ ક્યાં હતો? આ તો પેલી વસાહતની ખુલ્લી ગટરો ખુલતી તે ઢોળાવ વાળો, દૂર-દૂર સુધી દુર્ગંધથી ભેરેલો, કુતરાઓની ભાગદોડથી ભર્યો છૂટા છવાયા ઝાંખરાથી ઘેરાયેલો અંધારિયો પટ હતો. સુજોયનાં અભાનપણે આગળ વધી રહેલા પગને ઠોકર લાગી. કોઈ વજનદાર કોથળા સાથે ભટકાતાં જ સુજોય લથડ્યો...
"આપણે ક્યાં છીએ..?"









"બસ, મારી વ્હાલી બિજોયા, હોસ્પિટલ રજા આપે એટલે તારા માટે નવું ઘર, નવું શહેર અને તારો બદલાયેલો સુજોય તારી નવી જિંદગીમાં તારી રાહ જુએ છે!" પત્નીનાં માથા પર વ્હાલભર્યો હાથ પસવારતા સુજોય બોલ્યો.



















વાર્તા વિશ્વ-કલમનું ફલક
વિષય:રાહ કોની?
શીર્ષક: રાહ કોની?
લેખક:શૈલી પટેલ
ઈમેલ:shailipatel.3@gmail.com
"કકળાટ..કકળાટ.. કકળાટ.." સવારે ઉઠો ત્યારે કકળાટ અને રાત્રે સૂવો ત્યારે કકળાટ.."
"આ ઘરમાં કકળાટ સિવાય બીજું કંઈ ટકે એમ નથી."
"ખાવા બનાવવાનો કકળાટ, ખાવાનું ખલાસ થઈ જાય એનો કકળાટ, પૈસા ન મળે તો કકળાટ, બસ કજિયાનું ઘર છે આ." બોલતાં બોલતાં લક્ષ્મી ઘરમાં આવી.
સ્લીપર ઉછાળી ઘરની બહાર ફેંક્યા. હાથ મોં ધોઈ સીધી રસોડામાં પહોંચી ગઈ. આખા દિવસના વાસીદા બાદ જ્યારે થાકીને ઘેર જતી ત્યારે ભૂખ,થાક,ગરીબી બધું ભૂલી જતી. બે ટાઈમનું જમવાનું નસીબ ન થતું એટલે હવે એક ટાણું ચાલુ કરેલું પણ ઘરમાંથી કંકાસ જ ખૂટતો નહીં.
બિચારી આખો દિવસ લોકોના કપડાં વાસણ કરતી અને તોય થીંગડા વગરના કપડાં અને ભરપેટ ભાણાને તરસતી હતી. દસ વર્ષની હતી ત્યારથી પપ્પાને આર્થિક મદદ કરવા કામે જનાર લક્ષ્મી સત્તરની થઈ ત્યારે શરીર અને મન બંને કથળી ગયેલા.








નવ બહેનોમાં લક્ષ્મી સૌથી મોટી. નાની બહેનોની મા અને બીમાર માની નર્સ બની રહેલી લક્ષ્મીની જિંદગીમાં દરિદ્રતા સિવાય કંઈ મળે એમ ન હતું.
આવતા મહિને એને અઢારમું બેસવાનું હતું પણ એની પાસે એવા પૈસા ન હતા કે પોતાના માટે એક જોડ કપડા ખરીદી શકે.એની ઉંમરની છોકરીઓને ફોન લઈ વટ મારતા જોઈ લક્ષ્મી ઘણીવાર પોતાની કિસ્મત પર ગુસ્સે થઈ જતી.
તેના પિતાએ તેના માટે માંગા જોવા શરૂ કરેલા. અને તે ખાધા પીધા વગર દિવસ રાત આમથી તેમ કામ માટે દોડતી. આર્થિક સંકડામણ અને તંદુરસ્તી પ્રત્યેની બેદરકારીને અંતે વાયરલ ઇન્ફેક્શનમાં સપડાઈ ગઈ. સતત અઠવાડિયાથી તાવ ઉતરતો ન હતો એમ છતાં એ રજા ન લઈ શકતી. ઘરની જરૂરિયાતો માટે થઈને એ પોતાની તંદુરસ્તીને દાવ પર લગાવી રહી હતી.
તે રાત્રે તેના પપ્પા સાથે ગામડેથી બે-ત્રણ મહેમાનો આવેલા. ધગધગતા તાવ સાથે લક્ષ્મી બધા માટે રસોઈની તૈયારી કરવા લાગી. બધા વાતે વળગ્યા ને લક્ષ્મી તરત જ ભાણું પીરસવાની તૈયારી કરી રહી. મહેમાનો ખુશ થઈ ગયા અને દીકરીના વખાણમાં બે વાક્યો ઉદગારે ત્યાં જ તેના પપ્પાએ બીડી સળગાવતાં મહેણું માર્યું
"એ બધું તો ઠીક, પણ નવ નવ પથરાની જગ્યાએ ભગવાને એક દીકરો દીધો હોત તો જન્મારો સફળ થઈ જાત." સળગી બીડી પણ દાઝી લક્ષ્મી. એને પોતે કરી રહેલ તપસ્યા વેઠ લાગવા લાગી. એ ખૂબ નિરાશ થઈ ગઈ.









બહુ મન ભરાઈ આવતું ત્યારે તે હીનાને મળવા જતી. હીનાને તે બધું જ કહી શકતી. તેની આગળ રડી લેતી. એનું મન હળવું થઈ જતું. આજે પણ તે હીનાને મળવા ગઈ. હીના તેની ફોઈની દીકરી હતી. વાત વાતમાં હીનાએ જણાવ્યું કે મહેમાનો લક્ષ્મીને જોવા આવેલા. એના માટે ગામડેથી બે ત્રણ વાતો આવી છે. પચાસ હજારથી વધુ રૂપિયા આપનારની સાથે લક્ષ્મીના લગ્ન કરવામાં આવશે. આ વાત જાણી લક્ષ્મી ધ્રુજી ગઈ.
આજે અચાનક પોતાની જિંદગીનું સરવૈયું કાઢવા બેઠી તો જમા મજૂરી સામે તેના અપૂર્ણ સપનાઓ ઉધાર નીકળ્યા. હીના સગી બહેનથી પણ સવાઈ હતી,
" જો લખી, તું આખી જિંદગી મરીશ તો પણ તારા મા-બાપ કદર નહીં કરે. એના કરતાં પૈણી જા હારુ ઘર બાર જોઈને. આ દોજખ માથી બાર નેકળ." એક શ્વાસે હીના બોલી ગઈ.
મોડી સાંજ સુધી બેઉ ઘેર ગયા. આજ આખી રાત લક્ષ્મી ઊંઘી નહીં. હીનાના શબ્દો તેના મગજમાં ઘુમરાવા લાગ્યા. બીજા દિવસે સવારે એ જ વૈતરું અને વેઠ કરવા એ નીકળી પડી. આજે એનો મિજાજ કંઈક અલગ હતો.એણે નક્કી કરી લીધું હતું કે હવે એ પોતાના માટે પણ વિચારશે.બે પૈસા બચાવશે અને પોતાની ખ્વાહિશો પૂરી કરશે.
એને કામ કરતાં કરતાં પણ કઈ રીતે પોતાની જિંદગી સુધારી શકાય તેવા વિચારો આવતા. આઠમના મેળામાં જવા તેણે નવા કપડાં ખરીદ્યા અને લાલી-લિપસ્ટિક માટે પણ પૈસા ખર્ચ કર્યા. હવે તેને સારું લાગતું હતું. આઠમના મેળે હીના સાથે તેની ફ્રેન્ડ કિંજલ અને તેનો પિતરાઈ ભાઈ ચિરાગ પણ આવેલા. મેળો અને યુવાનીનો ઉન્માદ ને ચિરાગ અને લક્ષ્મીના મન મળી ગયા. હવે લક્ષ્મીને પોતાની કિસ્મત પર ભરોસો થવા માંડ્યો.







તેના દિવસો સરળ અને રાતો શમણાં ભરી થવા માંડી.
એક સવારે અચાનક તેના પપ્પાએ લક્ષ્મી માટે મુરતિયો નક્કી કરી નાખ્યો છે તે વાત કરી. ઘરમાં ખુશીનો અને લક્ષ્મીના મનમાં માતમનો માહોલ છવાઈ ગયો. લક્ષ્મીને એ સમજતાં વાર ન લાગી કે તેની પસંદને ઘરમાં સ્વીકૃતિ નહીં મળે. દિવસો અને મહિનાઓ સુધી તે ચિરાગને મળતી રહી ને ખાતરી કરતી રહી કે તેનો નિર્ણય ખરો છે કે નહીં.
દિવાળીની રાત્રે લક્ષ્મી કામથી પરવારી ઘરે જઈ રહી હતી ત્યારે ચિરાગે તેને રસ્તામાં રોકી અને બેસતા વર્ષની સવારે મળવા મનાવી લીધી.
આજે લક્ષ્મી માટે નવું વર્ષ નવી ખુશીઓ લઈને આવ્યું. સવારે મંદિરે ગઈ ત્યાં ચિરાગે તેને પ્રપોઝ કર્યું. ઈશ્વરની સાક્ષીએ તેને જિંદગીભર સાચવવાનું વચન આપ્યું. લક્ષ્મી આજે સાતમા આસમાને હતી. તેને લાગ્યું કે તે ખરેખર સપનામાં હતી,પણ ના એ સત્ય હતું. થોડા સમય પછી ચિરાગની ઘણી સમજાવટ બાદ લક્ષ્મી ભાગીને લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. આખરે એ દિવસ આવી ગયો. લક્ષ્મી અને ચિરાગે કોર્ટ મેરેજ કરી દીધા. લક્ષ્મી ઘરેથી ભાગી ગઈ. સમાચાર ફેલાતા વાર ન લાગી અને લક્ષ્મીના ઘરમાં લક્ષ્મીના નામનો નવો કકળાટ શરૂ થયો.
આ બાજુ લક્ષ્મી અને ચિરાગ નવા જીવનની શરૂઆત માટે શામળાજી દર્શન માટે જઈ આવ્યા. અનાથ ચિરાગની જિંદગીમાં દાદા અને બે ત્રણ મિત્રો, એ જ એનું કુટુંબ હતું. લક્ષ્મીનું જીવન સરળ થઈ રહ્યું. હવે નાના ઘરમાં મોટુ સુખ પામતી લક્ષ્મી પોતાની ચમકેલી કિસ્મતના ઓવારણાં લેતા ધરાતી ન હતી.








કહેવાય છે કે સુખનો સમય જલ્દી જતો રહે. આઠ નવ મહિનામાં લક્ષ્મીની જિંદગી સાવ બદલાઈ ગઈ.
એ દાદાને સાચવતી અને ચિરાગ એને સાચવતો. પહેલા જે છોકરીઓને સ્માર્ટફોન સાથે જોઈ ચીડાતી એ લક્ષ્મી હવે ચિરાગ સાથે જતી હોય ત્યારે સ્માર્ટ લુક આપતી થઈ ગઈ. બધું ઠરી ઠામ ચાલતું હતું ને એક સવારે એને કંઈ ઠીક ન લાગ્યું. તેની તબિયત બગડી. ચિરાગ તેને ડોક્ટર પાસે લઈ ગયો. બે ત્રણ ટેસ્ટ કરાવી ઘરે લઈ આવ્યો અને તેને દવા આપી સૂવાડી દીધી. તે સાંજે પાંચ વાગે ચિરાગ રિપોર્ટ લેવા નીકળ્યો. આઠ વાગ્યા પણ હજુ સુધી એ ઘરે નહીં આવેલો. લક્ષ્મી રાહ જોઈ રહી. તેણે ચિરાગના ભાઈબંધોને ફોન કર્યા. ચિરાગનો એક મિત્ર રાત્રે સાડા નવ વાગ્યે લક્ષ્મીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો. ઓળખ કરવાની હતી.અકસ્માતે મૃત્યુ થયેલા શબની.
લક્ષ્મી ખૂબ ડરી ગયેલી પણ મન મક્કમ કરી ઉભી રહી.
પોલીસે બૂમ પાડી "બેન, જલ્દી કર." ડઘાયેલી એક ડગલું આગળ આવી.ચાદર ખસેડવા હાથ લંબાવ્યો ત્યાં જ નર્સે થોડા કાગળ લક્ષ્મીના હાથમાં મુક્યા, શબ તરફ ઇશારો કરી "ભાઇના ખિસ્સામાંથી આ કાગળિયાં મળ્યાં છે ,બેન." નર્સ બોલી.











તે લક્ષ્મીના રિપોર્ટ્સ હતા. ચાદર ખસેડવાની લક્ષ્મીની હિંમત થઈ નહીં.
ઉગામેલો હાથ અટકી ગયો. હજારો વિચારો સાથે રિપોર્ટ જોવા કવર ખોલ્યું. 'પ્રેગ્નન્સી રિપોર્ટ પોઝિટિવ'..
હજુ એ કંઈ પણ સમજે એ પહેલાં અચાનક આવેલા પવનથી ચિરાગના ચહેરા ઉપરની ચાદર ખસી ગઈ.
"ચિ..રા..ગ.. " કારમી ચીસ અને લક્ષ્મી જમીન પર જ ફસડાઈ પડી.
એની આંખ સામે કાગળિયા આવ્યા અને એક રુક્ષ અવાજ સંભળાયો. "બેન શેની અને કોની રાહ જુવો છો? ફટાફટ ઊભા થાવ અને સહી કરો. તો તમેય છૂટા અને અમેય છુટ્ટા. "
લક્ષ્મીને સમજાતું હતું કે હવે કોની રાહ જોવાની?








વાર્તાવિશ્વ કલમનું ફલક.
કોની રાહ જુવે છે..
શીર્ષક: છોટીસી આશા.
લેખન:ઋતંભરા છાયા
ઇમેઇલ rkchhaya2001@gmail.com
સુકન્યાબેન નવરાત્રીમાં સૂરીલા ગરબા સાંભળવા ફ્લેટની બારીએ ઊભાં હતાં.લગભગ રાતનાં અગિયાર વાગ્યા હતા. ઘરમાં નીરવ શાન્તિ હતી કારણકે સુરેશભાઈને આજે જ હોસ્પિટલ માંથી રજા મળી હતી.બીજીવાર એટેક આવતાં થોડી કટોકટી થઈ હતી પણ ઈશ્વરકૃપાથી બચી ગયા હતા. સુકાન્યાબેન માનસિક રીતે થોડાં સ્વસ્થ થયાં એટલે બારીએ બહારનો માહોલ જોવા અને ગરબા સાંભળવા ઊભાં.
સુકાન્યાબેનને એક જમાનામાં ગરબા સાંભળવા અને ગાવા ગવરાવવાનો ખૂબ શોખ હતો.એમને ભડકીલા લાલ,લીલા કરતાં લાઈટ કલરની સાડીઓ બહુ ગમતી.એવી જ સાડી પહેરી ગરબામાં જતાં.બારીએ ઊભાં ઊભાં વિચારોના વમળમાં વધુ ઉતરે,ત્યાં જ એક સંવાદ કાને અથડાય છે.
"સુરીલ,તારી મોમને કહી દેજે કે મારે કેવાં ચણીયાચોલી પહેરવા તે હું નક્કી કરીશ.આજે મને કહે કે બેકલેસ ચોલી શોભે નહિ.પણ મને તો એ જ ગમે છે એટલે મેં તો પહેરી. હવે,બોલ કેવી લાગું છું?"








"અરે,તું તો મારી બ્યુટીફુલ બેબી..મોમને તો કહી દઈશ.તું ચિંતા ના કરીશ. યુ જસ્ટ એન્જોય."
સુકન્યાબેનના કાને સંવાદો અથડાયા.અને યાદોના પડ ઉઘડ્યા. ચાલીસ વરસ પહેલાં મેવાબેન,એમના સાસુ બોલ્યાંતાં, "આજે પહેલું નોરતું છે. ફઈબાને ત્યાં બેઠા ગરબા છે,તો શું પહેરીને જશો? મને સાડી બતાવો.
સુકન્યા હા બા, કહેતી પોતાને ગમતું લાઈટ બ્લૂ લહેરિયું લઈ આવી. મેવાબેનની ત્રાડ પડી, "આવી સાડી પહેરવી છે?આવા રંગ તે પહેરતા હશે? હેઇને.. લાલ ચટાક ચૂંદડી અમે આપી છેને તે પહેરીને જજો. આવા સોગિયા રંગ મને તો દીઠા નાં ગમે."
સુકન્યા,"ભલે બા. તમે કહેશો તે પહેરીશ."
બસ..ત્યારથી આજ સુધી સુકન્યા બેનની જિંદગી "ભલે,તમે કહેશો તેમ" જ થશેને રસ્તે ચાલી રહી.
મેવાબેનનો આજો જીવંત પર્યંત રહ્યો. સુકન્યાબેને કેવી રસોઈ બનાવવી, ઘર કેમ રાખવું, ક્યા સગાં સાથે કેવો સંબંધ રાખવો વગેરે બધી એમની સૂચના પ્રમાણે જ થતું.એ વખતે સુકન્યાબેનને થતું કે, "મારા શ્વાસ તો મારી રીતે લઈ શકું છું!"એટલી ઈશ્વરકૃપા. બંને બાળકો,દિગંત અને દિવ્યા પણ મેવાબેનની છત્રછાયાંમાં વધુ ઉછર્યાં,પણ જેમ બંને યુવાન થયાં દુનિયા નિહાળતાં થયાં તેમ એ લોકોનાં વિચારો બદલાયા. મિત્રોને ઘેર મળવાનું વધ્યું એમાં મિત્રોની મમ્મીઓનું માન સન્માન કુટુંબમાં કેવી રીતે જળવાય છે તે પણ જોયું. કોઈ કુટુંબમાં પોતાના ઘરનાં જેટલી "હાજી..ભલે" થતી જોઈ નહિ.








એ બંને બાળકો હવે પોતાની પસંદ કે ના પસંદને વ્યક્ત કરવા માંડ્યા હતાં. દાદી સાથે ચડભડ થાય તો કરી લેતાં પણ કરતા તો ધાર્યું જ. મૂડીના વ્યાજ પર હવે મેવાબાની પકડ ઢીલી થઈ ગઈ હતી, પણ સુકન્યા પર હજી દાબ એટલો જ હતો. દિકરી દિવ્યાનાં લગ્નમાં સુકન્યાનાં ભાઈ ભાભી સરસ મોસાળું લઈને આવ્યાં આનંદનો અવસર હતો. મેવાબેને એલાન કર્યું કે પહેલાં મને મોસાળું બતાવો પછી માંડવામાં મુકજો.
એક પછી એક સાડીઓ બતાવી. સુકન્યાનાં ભાભી એમને પસંદ તેવી સુંદર લાઈટ પિંક રંગની સાડી લઈ આવ્યાં હતાં.વર્ષોનાં સમય પછી ફરી એજ ત્રાડ! આ તે કેવી સાડી છે? પ્રસંગને અનુરૂપ ખુલતા રંગની સાડી મુકો.
"ભલે, બા". સમસ્યાનું નિવારણ થઈ ગયું.
લગ્નપ્રસંગ નિર્વિઘ્ને પાર પડ્યો.
સમયની ઘડી ટિક ટિક કરતી ફરતી હતી. મેવાબેનનું સ્વાસ્થ્ય હવે સારું નહોતું રહ્યું. પલંગ પકડી લીધો હતો.જાતે ઊઠીબેસી શકતાં નહોતાં. સુકન્યા પણ નાની નહોતી છતાં મૂંગા મોઢે સેવા કરતી હતી. મેવાબેનને હવે ભૂલો સમજાઈ હતી, પણ તેઓ સ્વીકારીને માફી માંગી શકતાં નહોતાં. આંખે ઝાંખપ આવી ગઈ. ઉંમરનો તકાજો વધતો ગયો.એક દિવસ બપોરે સુકન્યાબેન ચા પીવરાવી રહ્યાં હતાં,ત્યાં અચાનક મેવાબેનનો હાથ જાણે આશીર્વાદ આપતાં હોય તેમ ઊંચો થયો અને "સુખી રહે". એમ બોલતાં ઢળી પડ્યાં.








સુકન્યાબેન સૂનમૂન અને સ્તબ્ધ થઈ ગયા. ચાલીસ વર્ષથી એકધારા એક પિંજરામાં રહેતાં હતાં તેમાંથી મુક્તિ મળી હતી. ધીમેધીમે મુક્તિનો એહસાસ સમજવા લાગ્યાં અને બહાર નીકળવા માંડ્યા.પણ,આ અહેસાસ લાંબો ટક્યો નહિ. એક દિવસ કૌટુંબિક પ્રસંગમાં જવા તૈયાર થતાં હતાં અને પોતાની મનપસંદ સાડી કાઢી એ સાથે જ સુરેશભાઈ ગરજ્યા,"બાને પસંદ નહોતું એ જ તારે પહેરવાનું છે?
મારી અને બાની પસંદ સરખી જ હતી માટે એવું જ પહેરવાનું રાખવાનું છે. સુકન્યાબેન સમસમી ગયાં પણ મોઢાંમાંથી "ભલે" એમ જ નીકળ્યું!જિંદગીની આવી નીરસ રફતાર જોઈને દીકરો દિગંત કંટાળી ગયો. આઇ.ટી. એન્જિનિયર બનીને બેંગ્લોરમાં જોબ લઈ લીધી. એને પોતાને ખુલ્લા ગગનમાં શ્વાસ લેવો હતો અને મમ્મીને લેવરાવવો હતો. એને તો પપ્પાને પણ પોતાને ઘેર લઈ જવા હતા પણ સુરેશભાઈને પોતાનું સામ્રાજ્ય છોડવું નહોતું. સુકન્યાબેન પાંસઠનાં થયાં અને સુરેશભાઇ પંચોતેરના થયા. મમ્મીને દીકરાને ઘેર "હાશ" કરવાની ખૂબ જ હોંશ છે. દિગંતે મોટું ઘર લીધું છે. સરસ નાનો બગીચો અને મમ્મીને ગમતાં ફૂલો વાવ્યાં છે. એક સરસ ઝૂલો મૂક્યો છે. બસ હવે રાહ જુવે છે મમ્મીની..
સુકન્યાબેન પણ બારીએ ઊભીને ખુલ્લી આંખે સપનાં જોતાં હતાં. કોઈના સંગાથની રાહ જોતાં હતાં ત્યાંજ કવિ દુલા કાગની વાણી ગવાતી સાંભળી. "સાચી વાત છે એટલી કે રાતે ના ઉડાય.જન્મ લીધોતો સાથે જીવી સાથે મરાય."






લેખન :- સ્વાતિ મુકેશ શાહ
વાર્તા વિશ્વ કલમનું ફલક ઓક્ટોબર મહિનાનું ટાસ્ક
વિષય :- રાહ કોની?
શીર્ષક :- શંકર
swatimshah@gmail.com
શંકર અને એનાં ત્રણ ભાઈઓને, વારસામાં સો એકર જમીન મળી હતી. એક દિવસ મોટા ભાઈએ બાકીના ત્રણેય ભાઈઓને જમ્યાં પછી રાત્રે થોડીવાર સાથે બેસવા કહ્યું.
શંકરને કુટુંબની વાતોમાં બહું રસ નહીં એટલે બોલ્યો, " મોટા, જે વાત હોય તે જમતાં જ પતાવોને! મારે આરતી સમયે મંદિર પહોંચવું છે. " મોટા સહેજ કડક અવાજે બોલ્યાં, " જરુરી વાત હશે ત્યારે જ કહું છું ને! એક દિવસ મંદિર નહીં જાય તો તારો ભગવાન ભાગી નહીં જાય. જમતા સમયે ખાવામાં ધ્યાન દેવાનું."
શાંત સ્વભાવનો શંકર ચૂપચાપ બેસી રહ્યો. ચારેય ભાઈઓમાં શંકર સૌથી નાનો વળી શાંત સ્વભાવને કારણે ઘરમાં ઓછો ભળતો. મોટાં ત્રણે ભાઈઓનો સંસાર વસી ગયો હતો. મોટાના પ્રેમને કારણે આખું કુટુંબ એક થઈને પ્રેમથી રહેતું. ગામ આખામાં સંપીને રહેવામાં એમનાં કુટુંબનો દાખલો લેવાતો.









જમવાનું પૂરું કરી બધાં ફળિયામાં બેઠાં. મોટાએ જરા ખોંખારો ખાઈને બોલવાનું શરૂ કર્યું, " આપણાં કુટુંબનાં રિવાજ પ્રમાણે હું અને શંકર ખેતી સંભાળતાં આવ્યાં છીએ. એમાંથી જે આવક થાય તેમાંથી વચેટ બે કારખાનાં નાંખ્યા છે તે સંભાળે છે. બધાં બધું જાણો છો. આજે મારે એ કોઈ વાત નથી કરવી. પરંતુ આ શંકર હવે પરણવાની ઉંમરનો થઈ ગયો છે તો હવે બને એટલું જલ્દી એનું લગ્ન થાય એવી મારી ઈચ્છા છે."
શંકરનું માથું નકારમાં હલ્યું.
" મોટા, મારી લગ્ન કરવાન કોઈ ઈચ્છા નથી."
" એમ કેમ ચાલે? સમય સાથે ચાલવું પડે. યોગ્ય ઉંમરે લગ્ન થઈ જાય એટલે ગંગા નાહ્યા. મારી જવાબદારી માંથી ઊણો ઉતરું તો ઉપર જઈ માબાપને મોં શું બતાવું?" આમ બોલતાં મોટા ઉભાં થઇને ચાલવા લાગ્યા.
શંકરનું આ બાબતે કંઈ ચાલ્યું નહીં. આખું કુટુંબ લાગી ગયું શંકર માટે યોગ્ય વહુ શોધવામાં. એ વાતને બે મહિના હજુ પૂરાં નહોતાં થયાં અને મોટાની વહુ એનાં કાકાની છોકરીનો પ્રસ્તાવ લાવી. બધાંને સરિતા બધી રીતે પસંદ આવી. ખૂબ શાંત સ્વભાવની સરિતાને પણ શંકર પસંદ આવી ગયો.
શંકર અને સરિતા એકાંત મળતાં ભેગાં થયાં, ત્યાં સૌથી પહેલાં શંકરે કીધું, " સરિતા તમે બધી રીતે યોગ્ય છો. પણ મારે એક ખુલાસો કરવો છે. હું જરા વધારે પડતો ધાર્મિક છું. હું તમને ક્યાંય નડતર રૂપ નહીં થાઉ. મારાથી તમને સચવાય તેટલું સાચવીશ." સરિતાએ પણ ખૂબ સરળતાથી ક્હ્યું, " હું તમારી વાત સમજી શકું છું."








મોટાના ઉત્સાહનો પાર ના રહ્યો. ધામધૂમથી ઘડિયા લગ્ન લેવાયાં. આખા ગામમાં એ કુટુંબની વાહ વાહ થઈ. શંકર અને સરિતાનો સંસાર હવે ગોઠવાઈ ગયો હોય તેવું મોટાને લાગ્યું. બીજે વર્ષે તો શંકર બાપ બની ગયો. સરિતા બધાં સાથે ખૂબ ભળી ગઈ હતી.
આટલાં સંપીલા કુટુંબની ભગવાનને જાણે ઈર્ષા થઈ એમ મોટાને તેડી ગયા. મહિને દા'ડે મોટાના વહુએ પણ મોટાનો સાથ નિભાવવા ગોકુળવાસી થયાં. એક સાંજે શંકરે એનાં ભાઈને બીજે દિવસે ખેતરની ભાળ રાખવાં કીધું‌ અને સાથે કહ્યું, " હું ગિરનાર દર્શન કરવાં જાઉં છું તો ખેતર, સરિતા અને ગીતાનું ધ્યાન રાખજો."
બસ પછીતો દિવસોના દિવસો ચઢવા લાગ્યાં પણ શંકરનો કોઈ પત્તો નહીં. મોટાં બન્ને ભાઈઓએ બહુ ભાળ કઢાવી, જાતે આખો ગિરનાર ખુંદી આવ્યાં પણ શંકરના કોઈ સગડના મળ્યાં. સરિતાની આંખો પણ સોજી અને કોરી ધાકોર થઈ ગઈ. ગિરનારથી પાછાં આવી સરિતાને બેસાડી આગલી રાત્રે શંકર શું બોલ્યો હતો વગેરે પૂછ્યું ત્યારે સરિતાનો એ જ જવાબ હતો કે બસ કમરામાં આવી હરિ નામ જપતાં સીધાં સુઇ ગયા હતા.
દિવસોના વર્ષો થયાં. સરિતા ગીતાને ઉછેરવામાં પરોવાઈ ગઈ. ભાઈઓ બધાં ભેગાં હતાં તે સારું હતું. સરિતાને વરની હૂંફ સિવાય બધી હૂંફ હતી.
કહેવાય છેને કે વાંસ અને છોકરી રાત્રે નાં વધે તેટલાં દિવસે વધે એમ ગીતા પણ જોતજોતામાં મોટી થઈ ગઈ. જેઠાણી એ સરિતાને હવે ગીતા માટે છોકરો જોવા પ્રશ્ન પૂછ્યો અને સાથે શંકરની વાટ જોવી કે કેમ એમ પૂછ્યું.
સરિતાનું વર્ષો સુધી ધરબી રાખેલું દુઃખ પોકાર્યું, "રાહ, કોની?" સરિતા કોથળાની જેમ ભોંય ભેગી પટકાઇ.






વાર્તા વિશ્વ કલમનું ફલક
વિષય:- લોહીની લીલાશ
શીર્ષક :-- બે સ્ત્રી -અનોખો સંબંધ(લોહીની લીલાશ)
લેખન :-પ્રફુલ્લા 'પ્રસન્ના'
ઇમેઇલ:-
સંબંધ.. આ એક શબ્દ નથી, ઋણાનુબંધ છે. ઋણાનુબંધથી બંધાયેલો નામ વગરનો સંબંધ પ્રેમસભર ઊંચા દરજ્જાનો હોય છે! આ બંધનનું કોઈ નામ નથી હોતું છતાંય સંબંધ શાશ્વત હોય છે. જ્યાં ઋણાનુબંધ હોય ત્યાં ભૌતિક કોઈ વસ્તુની લેવડદેવડનું જરાય મહત્વ નથી હોતું. કોઈ હિસાબ કિતાબ પણ નથી હોતા.આવા જ એક સંબંધની આ વાત અને વાર્તા બંને છે.
આજે સ્નેહાને હોસ્પિટલમાંથી રજા આપી. દિવાળીની રાત્રે અને બેસતા વર્ષની વહેલી સવારે એને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો.શિશિરને ખ્યાલ આવી ગયો હતો કે કંઈક ગંભીર પ્રોબ્લેમ થયો છે. રજાઓ હોવાથી અડધી રાત્રે લોકલ ડોકટર મળવા મુશ્કેલ હતાં. તરત જ એકસો આઠ નમ્બર લગાડી એમ્બ્યુલન્સ બોલાવી અને સાલ હોસ્પિટલમાં એડમિટ કરી.
હોસ્પિટલમાં ગયા પછી ખબર પડી કે બ્રેઈન સ્ટ્રોક હતો અને બ્લડપ્રેશર ઘણું વધી ગયું હતું. પાંચ દિવસ આઈ.સી.યુ.માં તાત્કાલિક સારવારથી સ્નેહાના માથેથી ઘાત ટળી ગઈ પણ હવે ખૂબ સાવચેત રહેવાનું હતું.






"બચી ગઈ તું, નહીં તો અત્યારે હું એકલો બેઠો રડતો હોત!" તનથી અને મનથી થાકી ગયેલો શિશિર બોલ્યો.
સ્નેહા એની સામે જોઈ રહી. હજુ શિશિરના ચહેરા પર ચિંતા અડીખમ હતી! છતાંય આંખોમાં એક સુખદ એહસાસની લકીર દેખાતી હતી!
"એમ હું નથી જવાની, હજુ તમને બધાને હેરાન કરવાનું બાકી છે." પરાણે હસીને સ્નેહાએ કહ્યું.
ત્રણેક વર્ષથી બિમાર સ્નેહાની શિશિરે મનથી સારવાર કરી હતી. એમાં આ બિમારીનો વધારો થયો.
ઘેર આવ્યા પછી ઘરની અને ઘરનાની ચિંતા સાથે દવાઓના કારણે સ્નેહા ઊંઘી ગઈ!
સવારે શિશિરે દવા લેવાનો સમય થયો હોવાથી જગાડી અને ચા મૂકી. ચા નાસ્તો કરતાં હતાં ને ડોરબેલ વાગી. સરયૂ કચરો લેવા માટે આવી હતી. એણે બહારથી જ શિશિરને પૂછ્યું, "સાહેબ, બેનની તબિયત હવે કેવી છે? ઘેર ક્યારે આવશે?"
"અરે સરયૂ, તારા બેન તો ઘેર આવી પણ ગયા. જો, મારા હાથની મસ્ત મજાની ચા અને પૌંઆનો ગરમ નાસ્તો ટેસથી કરે છે." શિશિર પણ ક્યારેક સરયૂ સાથે વાત કરી લેતો.
સરયૂ દરવાજા નજીક આવી અને બે હાથ જોડીને કાંઈ જ બોલ્યાં વગર ઉભી રહી. એની આંખોમાં આંસુ હતાં.
"સરયૂ, આટલી બધી ચિંતા સારી નહીં હોં. હું ઉપડી ગઈ હોત!" સ્નેહાએ ઉદાસ સરયૂને સાંત્વન આપતાં કહ્યું.







"એમ ઉપડી શેનાં જાવ? સાહેબ આ ઉંમરે પણ ખડે પગે છે, એમ કંઈ તમને જવા ના દે." એણે આંસુ લૂછતાં સહેજ હસીને કહ્યું.
"આરામ કરજો બેન, પછી બહુ વાતો કરવાની છે." કહીને કચરો લઈને એ ઉતરી ગઈ.
આ હતો સ્નેહનો સરયૂ સાથેનો ખાસ સંબંધ. બાવીસ વર્ષ પૂરા થશે આ સ્નેહાળ સંબંધને. એમની વચ્ચેની નિર્દોષ લાગણીને કોઈ નામ નહોતું.
"શિશિર, હું નહોતી ત્યારે સરયૂ પીવાનાં પાણીની બોટલ ભરાવવા આવતી હતી?" બાવીસ વર્ષથી સ્નેહાના ઘરેથી જ પાણીની બોટલ ભરાવવાનો સરયૂએ રિવાજ રાખ્યો હતો અને સ્નેહાએ એ રિવાજ પર મહોર મારી હતી.
પરવારીને બપોરે સ્નેહા આરામ કરતી હતી ને ફરી સરયૂ યાદ આવી, એની આંખોમાં સ્નેહા માટે છલકાઈ આવેલા ચિંતાના આંસુએ એ ગળગળી થઈ ગઈ.
એનું મન બાવીસ વર્ષ પહેલાં અહીં રહેવા આવ્યા હતાં એ સમયમાં પહોંચી ગયું અને ક્રમબદ્ધ એને બધું યાદ આવવા લાગ્યું.
બાવીસ વર્ષ પહેલાં આ ફ્લેટમાં રહેવા આવ્યાં પછીનો પહેલો દિવસ સ્નેહાને બરાબર યાદ રહી ગયો હતો.
ધીમે ધીમે સામાન ગોઠવાતો હતો. રાત્રે જ આવી ગયા હતાં એટલે સવારે વહેલાં ઉઠીને શિશિર, બંને દીકરાઓ ચિંતન અને મનન અને સ્નેહાએ ઝડપથી બધું ગોઠવી દેવાની ઝુંબેશ ઉપાડી.








જમવા માટે હોટેલમાંથી બે ટિફિન મંગાવી લીધાં.
દસ વાગ્યા હશે ને ડોરબેલ વાગી. દરવાજો ખોલ્યો તો ફ્લેટમાં સફાઈ માટે આવતા વીસેક વર્ષના બેન હતાં.
"જય શ્રી કૃષ્ણ! નવા રહેવા આવ્યા બેન?" એમણે પૂછ્યું.
"હા." સ્નેહાએ ટૂંકમાં પતાવ્યું.
" હું અહીં ફ્લેટની સફાઈ માટે આવું છું. કચરો હોય એ બહાર મૂકી દેજો, નવ વાગે આવી જઉં."
" ભલે."
"બેન, તમારું નામ શું?"
એને વાતો કરવી હતી પણ સ્નેહાને મોડું થતું હતું.
"સ્નેહા. તમે ફ્લેટમાં કેટલા વાગ્યા સુધી હોવ છો?" સ્નેહાએ પૂછ્યું.
" નેહાબેન, બે ટાવર એટલે બે તો વાગે જ, પણ બેન, મને ફ્લેટમાં કોઈ તમે નથી કહેતું, તમે પણ તું જ કહો. અમે રહ્યાં નાના માણસ." સ્નેહાનુ નામ બોલતાં એને ના ફાવ્યું બાકી ભાષા ઘણી શુદ્ધ હતી!
"ભલે, ટ્રાય કરીશ."








સ્નેહા એનાં કામે વળગી. સમય થતાં ટિફિન આવ્યું.એ ચારને જમ્યા પછી પણ ઘણું વધ્યું. હવે સ્નેહાને કચરો લેવાં આવ્યાં હતાં એ બેન યાદ આવ્યાં. એને યાદ આવ્યું કે એનું નામ એણે પૂછ્યું જ નહોતું. ઉપરથી જોયું તો ફ્લેટના ગાર્ડનમાં કામવાળા બેન અને એનો વર થાક ખાવા બેઠા હોય એવું લાગ્યું. સ્નેહા થોડી વાર ગેલેરીમાં ઉભી રહી અને સરયૂનું ધ્યાન એના તરફ ગયું. એ તરત હસી. સ્નેહાએ એને ઈશારો કરીને બોલાવી અને હોટેલના પ્લાસ્ટિકના ડબામાં વધ્યું હતું એ ખાવાનું આપ્યું. ખુશ થઈ ગઈ. બહાર મૂકેલો બધો કચરો બીજી વાર લઈ ગઈ અને પોતું પણ બીજી વાર કર્યું. એનું કામ ચોખ્ખું લાગ્યું.
આ સ્નેહા અને સરયૂની ઓળખાણ.
બીજે દિવસે હજુ કચરો બહાર મુકવાનો બાકી હતો અને સરયૂ એનાં સમયે આવી ગઈ. ડોરબેલ વાગી. હવે અંદાજ આવી ગયો કે રોજ સવારે સૌથી પહેલાં આ લક્ષ્મીજીના દર્શન સમયસર થવાના એ વાત ચોક્કસ.
"જય શ્રી કૃષ્ણ બેન."
"જય શ્રી કૃષ્ણ,તમારું નામ કીધું નહીં તમે." સ્નેહાએ કચરો આપતાં કીધું.
" તમે મને તું કહેવાનાં હોવ તો કહું." એણે હસતાં હસતાં કહ્યું.
ખૂબ સરળતા અને સ્વભાવિકતા હતી એના અવાજમાં. હસમુખો ચહેરો અને ભાષા શુદ્ધ અને માનવાચક હતી. સ્નેહા પણ હસી પડી.
"સુધા અને સરયૂ બંને."








"વાહ!બે નામ? બંને ખૂબ સરસ છે ને!" સ્નેહાને પણ એની સાથે વાત કરવાનું ગમ્યું. સ્નેહાની અને એની નામ રાશી એક જ હતી .
" થેંક્યું બેન."
એના વિવેકને સ્નેહા મનોમન વંદી રહી!
ઘરમાં આવી કે તરત પતિદેવ શિશિરે ટકોર કરી," તને વાતો કરવા માટે કોઈ પણ ચાલે, નહીં? ઘણાં સમયની ઓળખાણ હોય એ રીતે બંને વાતો કરો છો ને કાંઈ!"
સ્નેહનાં સંતાનો પણ સરયૂ આવે ત્યારે "મમ્મી, તારી ફ્રેન્ડ આવી." કહીને ચીડવતાં.
સ્નેહાએ કંઈ જવાબ ના આપ્યો. કોઈની પણ સાથે આ રીતે સહજતાથી અને સરળતાથી વાત કરવાનું એમને બહુ ગમતું નહીં અને સ્નેહા એમનાં કહેવા પ્રમાણે બહુ ભારે થઈ શકતી નહીં! ક્યારેક વિવાદ વધી જતો પણ સ્નેહા પોતાનો સ્વભાવ સુધારી ના શકી.
ધીમે ધીમે સુધાને સ્નેહા સાથે અને સ્નેહાને એની સાથે ફાવી ગયું. ફ્લેટમાં બીજા બધાં એની સાથે કામ પૂરતી જ વાત કરતાં. બધા સાથે સહજ અને હળવા રહેવાનો પ્રયત્ન એણે કર્યો જ હશે પણ કોણ જાણે કેમ પણ ફાવ્યું નહીં હોય!
બાજુવાળા જયશ્રી બેને તો સ્નેહાને કહ્યું પણ ખરું," સ્નેહાબેન, આવા લોકો સાથે બહુ આત્મીયતા રાખવી સારી નહીં. નીચી કોમ કહેવાય! એમની સાથે વાતો કરીએ તો આપણી વૅલ્યૂ શું રહે?"









"બેન, હું કોઈની એમ અવગણના નથી કરી શકતી. વળી કોઈને પૂરાં જાણ્યાં વગર એમનું અવમૂલ્યન કરવું એ યોગ્ય નહીં. સુધાની વાણી અમૃત જેવી મીઠી છે, એની સાથે વાત કરવામાં હું કોઈ લાંછન નથી અનુભવતી." સ્નેહાની આ વાત જયશ્રીબેનને ગમી નહીં. એમને અપમાન જેવું લાગ્યું અને સ્નેહાનું લેવલ એમનાં કરતાં નીચું છે એવું વાત વાતમાં આડી રીતે બીજાનાં મોંઢે કહેવા લાગ્યાં! સ્નેહાએ એમની સાથે કામ પૂરતી જ વાત કરવાનું મુનાસીબ માન્યું.
એક દિવસ સ્નેહાએ સુધાને કહ્યું, "તારાં અને મારાં નામની રાશિ એક છે."
આવી સરખમણીથી એ ખુશ થઈ ગઈ અને બીજા દિવસથી નેહામાંથી પરફેક્ટ સ્નેહા બોલતી થઈ ગઈ! સ્નેહ વ્યક્તિને પરફેક્શન આપે એ વાત સાચી લાગી.
જીવનનાં કોઈક પડાવ ઉપર ક્યારેક કોઈક વ્યક્તિ એવી આવી જાય કે એની સાથે પૂર્વભવની કોઈ ઓળખાણ હોય એવું લાગે! એની સાથે વાતો કરવાનું ગમે, એના સુખ દુઃખ જાણવાનું પણ ગમે, એના વિશે મનમાં માન અને પ્રેમ ઉદ્દભવે અને પરસ્પર વિશ્વાસનો સંબંધ બંધાઈ જાય. સ્નેહા અને સરયૂની વચ્ચે આવો લગાવ બંધાતા બહુ વાર ના લાગી.
સ્નેહાએ એને એક વાર પૂછ્યું, "તારું નામ સરયૂ કોણે પાડ્યું?"
'સમુદ્રએ.' એણે કહ્યું.
"એ કોણ?" મેં પૂછ્યું.
"મારો વર, બીજું કોણ?" એ શરમાતી બોલી..







"એનું નામ તો રઘુ છે ને?" સ્નેહાએ પૂછ્યું.
"પણ હું એને સમુદ્ર કહું."
"સમુદ્ર? એવું તે વળી નામ હોય?" સ્નેહા થોડી મજાક કરતાં બોલી.
"આ ઉપરવાળા ભટ્ટભાઈનું નામ સાગરભાઈ અને એમના પત્નીનું નામ શશીબેન છે ને? તો એ રીતે સમુદ્ર અને સરયૂ, મને બહુ ગમે." મીઠું હસતાં શરમાઈને એ બોલી." "આમ તો મારું નામ સુધા અને એનું રઘો. અમે બંનેએ એકબીજાને ગમતાં નામ આપી દીધાં."
નામના અર્થ પ્રત્યેના એના જ્ઞાન વિશે સ્નેહાને માન ઉપજ્યું. ક્યારેક સ્નેહાને કોઈ પુસ્તક વાંચતા જોતી તો એના વિશે અચૂક પૂછતી. સ્નેહાને પણ એને જ્ઞાન વહેંચ્યાનો સંતોષ થતો! સ્નેહા એને ટૂંકમાં પણ પુસ્તક વિશે સરસ સમજાવતી. એ ધ્યાનથી સાંભળતી અને સ્નેહા પ્રત્યે કોઈ અલગ જ અહોભાવથી જોઈ રહેતી! આમ સ્નેહા એને એનાં પાંચ, દસ કે પંદર મિનિટનાં સમયમાં જ્ઞાન પીરસ્યા કરતી. ખબર નહીં કેમ પણ એની સાથે આવી સાહિત્યની વાત કરવાનું પણ સ્નેહાને ગમતું!
એ આડી- અવળી વાતો કરે પણ ક્યારેય કોઈની પંચાત ના કરે.
આ એનો નિત્ય ક્રમ.










ક્યારેક સ્નેહા કામમાં હોય અને સરયૂ પાણી માંગે તો સ્નેહાને ગુસ્સો પણ આવે. 'આખા ટાવરમાં હું એક જ દેખાઉં છું? બીજે પણ મંગાયને?' એવો વિચાર આવે પણ બોલે નહીં.
કામ એનું ચોખ્ખું, સ્વભાવે હસમુખી અને જીભની મીઠડી. બીજા કોઈ સાથે ખાસ બોલે નહીં. માંગવાની એને ટેવ નહોતી પણ ક્યારેક નાની નાની જરૂરિયાત હોય તો પણ એ સ્નેહાને જ કહે. એ લાલચુ નહોતી!
આ રીતે એ સ્નેહાને વિશેષ માન આપતી હતી એવું કહેવાય. સ્નેહા થાય એટલી મદદ કરતી.
હમણાંથી સ્નેહાની તબિયત સારી નહોતી રહેતી. લાંબા સમયથી દવા ચાલતી હતી. નબળાઈ પણ આવી ગઈ હતી. સ્નેહા આરામ કરતી હોય તો પણ પીવાનાં પાણીની બોટલ ભરવાં સરયૂ એને ઉભી કરે જ.
એક દિવસ સવારથી જ સ્નેહાને નબળાઈ વધારે હતી. ઘરમાં પણ પતિ અને દીકરા ઉપર ગુસ્સે થઈ ગઈ અને અકળાઈને કહ્યું, "બધા પોતાનું કામ જાતે કરતાં શીખી જાવ."
સરયૂ એ સમયે જ આવી અને પાણી માંગ્યું અને સાથે પૂછ્યું પણ ખરૂં, " બેન, તબિયત બહુ ખરાબ લાગે છે!"











સ્નેહાને મોકો મળી ગયો અને વરસી પડી, " તું જુએ છે કે તબિયત ખરાબ છે મારી તો પણ અહીં જ પાણી માંગવાનું? બીજું કોઈ છે નહીં ફ્લેટમાં? મારા સિવાય બીજું કોઈ તને પાણી ના આપે? મને એકને જ હેરાન કરવાની? જા, બીજેથી લે." એકી શ્વાસે સ્નેહા બોલી ગઈ!
એ ભોંઠપથી સ્નેહાની સામે જોઈ જ રહી અને બોટલ લઈને પગથિયા ઉપરથી ઉઠીને કંઈ જ બોલ્યા વગર ઉતરી ગઈ.દસ મિનિટ પછી સ્નેહાનો ગુસ્સો શાંત પડ્યો અને ગેલેરીમાં જઈને એને શોધવાં લાગી.
એ ગાર્ડનના નળનું પાણી પી રહી હતી અને પછી એણે મ્હોં ધોઈને આંખો લૂછી નાંખી.
સ્નેહાને બહુ પસ્તાવો થયો. "પીવાનાં પાણીની મેં ના પાડી? મેં?...કેટલાં માન અને પ્રેમથી એ વાતો કરતી હતી મારી સાથે! હું એને રોજ પાણી આપતી હતી એનું અભિમાન મને કેમ આવી ગયું?"
"સારું કર્યું સ્નેહાબેન, તમે એને ઉતારી પાડી એ! રોજ એને પાણીની બોટલ ભરી આપવાની નવરાશ થોડી હોય! એને શરમ આવવી જોઈએ તમને રોજ તકલીફ આપતા. નીચે બગીચામાં નળ છે ત્યાંથી પીવાનું કહી દેવાય." બાજુવાળા જયશ્રીબેનને બોલવાનો મોકો મળી ગયો.
સાંજ સુધીમાં તો સ્નેહાને પોતાની જાત ઉપર એટલી બધી નાનમ ઉપજી કે એનું બ્લડપ્રેશર વધી ગયું! રાત્રે ઊંઘ ના આવી, સરયૂના જ વિચારો આવ્યા કરે. વારંવાર રડી પડતી. ક્યારે સવાર થાય અને ક્યારે સરયૂ આવે! બીજે દિવસે એના આવવાનાં સમયે રાહ જોઈને બેસી રહી. એણે સ્નેહાને જોઈને તબિયત વિશે પૂછ્યું પણ પાણી ના માંગ્યું.







ત્રણ ચાર દિવસ પછી સ્નેહાએ એને પૂછ્યું,"હવે પાણી કેમ નથી માંગતી?"
"ના, બેન, તમને બહુ હેરાન કર્યાં, હવે નીચે બગીચાના નળમાંથી જ પી લઉં છું".એણે વાત પણ બહુ ના કરી. સ્નેહા પણ બહુ વાત ના કરી શકી.
સ્નેહાને એની જિંદગીમાં કંઈક ખૂટતું હોય એવું લાગ્યું. જાત ઉપર અણગમો અને ગુસ્સો આવી ગયો. 'હું એને રોજ પીવાના પાણીની બોટલ ભરી આપતી હતી એમાં કેટલી તકલીફ પડી જાય! તરસ્યાંને પાણી પીવરાવવાનું કેટલું બધું પુણ્ય મળે! લોકો પરબો બંધાવે છે અને મેં ઘેર બેઠા એક મહેનત કરીને થાકેલી તરસી વ્યક્તિને પીવાનું પાણી આપવાની ના પાડી! ધન્ય છે સ્નેહાબેન તમારા ભણતરને અને તમારી મોટાઈને! આવી તુંડમિજાજી હું?' સ્નેહા મનોમન જાતને કોશતી રહી.
' સરયૂ મારા વિશે શું વિચારતી હશે?'
એ દિવસે સ્નેહા કંઈ બોલી ના શકી પણ એનાં ગળે ડૂમો ભરાઈ આવ્યો!
બીજે દિવસે એનાં આવવાનાં સમયે સ્નેહાએ બોટલ ભરીને તૈયાર રાખી. એ આવી એટલે એને ધરી દીધી!
એ સ્નેહાની સામે જોઈ રહી અને બોટલ લેતાં એની આંખોમાં આંસુ ડોકાઈ ગયા!
એ બોલી," બેન, તમારો હસતો ચહેરો જોઈને, તમારી સાથે વાત કરીને મનને એક જાતની શાંતિ થાય છે અને આખો દિવસ સારો જાય છે. તમારા હાથનું પાણી કેટલાય દિવસથી નથી પીધું એટલે જીવ બળ્યા કર્યોં છે! બેન,તમે હેરાન થતાં હશો પણ તમારાં ઘરનું પાણી હૈયે ટાઢક આપે છે!







તમે હસતાં મોંઢે પાણી આપો છો અને મારી સાથે કોઈ આપ્તજનની જેમ વાતો પણ કરો છો ત્યારે કચરો ચૂંથીને થાકી જતી આ જિંદગીને થોડી મમતા મળે છે.બીજાંને આવું ગમતું નથી. એટલે જ તમારી પાસે પાણી માંગવાના બહાને તમારી સાથે વાત કરી લઉં છું તો મારો દિવસ સારો જાય છે. બાકી હડધૂત થવાં સર્જાયેલાં અમારાં અવતારને જીવવો સહેલો નથી. સમાજ કાદવમાં જન્મનારને કાદવમાં જ રહેવાની સજા આપવામાં માને છે. તમારી આગળ હું મારી નાનપ ભૂલી ગઈ હતી બેન. તમારી તબિયત સાચવો. તમે મને સામેથી બોલાવી એટલે મને શાંતિ થઈ ગઈ." એ હસવા માંડી. એના ચહેરા ઉપરની ખુશી જોઈને સ્નેહાએ થોડીક હળવાશ અનુભવી.
"જો હવે તારે અહીંથી જ જે જરૂર હોય એ માંગવાનું અને પાણી તો તારે મારા ઘરનું જ પીવાનું સમજી!" હળવાશથી સ્નેહાએ આગ્રહપૂર્વક કહ્યું.
"ભલે બેન, તમારા ઘરનું અને તમારા હાથનું જ. હવે તમે મને ના પાડશો એ દિવસે અહીં જ બેસી રહીશ. પણ તમારી કે ઘરની બીજી કોઈ વ્યક્તિની તબિયત સારી ના હોય કે બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો મને અણસાર આપી દેજો જેથી તમને તકલીફનાં સમયે હેરાન કર્યાંનું પાપ મને ના લાગે." આંખોમાં આંસુ સાથે એ બોલી.
સ્નેહનાં મન ઉપરથી મણનો બોજો ઉતરી ગયો. મન પ્રફુલ્લ થઈ ગયું. સાચે જ સરયૂ સ્નેહાને લક્ષ્મીજી જેવી પવિત્ર અને શુકનવંતી સ્ત્રી લાગી. એનાં દર્શનથી દિવસ સારો જતો, મન આનંદમાં રહેતું. સ્નેહાનાં જીવનનો એક ભાગ બની ગઈ હતી એ અને સ્નેહાનાં દિલમાં એણે એનું આગવું સ્થાન જમાવી દીધું હતું. પૂછ્યાં વગર ઘણી અંગત વાત કરીને હળવી થાય એ, તો ક્યારેક કંઈ પણ કીધા વગર








એ સ્નેહાનાં સુખ દુઃખ અનુભવી લે!બોલ્યાં વગર એની આંખોમાં રહેલી સ્નેહા પ્રત્યેની લાગણી સ્નેહા વાંચી લેતી અને એના પ્રત્યેની સ્નેહા ની લાગણીને અનુભવીને એ સાંત્વન પામે છે કે મારું કોઈક તો છે.
આજે કચરો લેવા એનો વર રઘુ આવ્યો હતો. સ્નેહા બહાર પેસેજમાં થોડું ચાલવા નીકળી હતી.
" ક્યાં ગઈ તારી સરયૂ? આજે કેમ તારો વારો આવ્યો?" સ્નેહાએ ધીમેથી પૂછ્યું.
" બેન, તમને સારું થાય અને ઘેર આવો ત્યારે ચાલતાં લાંભા જઈને પાંચ નાળિયેર અને પેંડા ધરાવવાની માનતા માની હતી તો લાંભા ગઈ છે. આરામ કરજો બેન અને કંઈ નાનું મોટું કામ હોય તો કહેજો. સ્નેહા હસીને એની અને સરયૂની લાગણીને મનોમન વંદી રહી.
બાવીસ વર્ષ થયાં સરયૂ અને સ્નેહાના આ અનોખા,અનામી સંબંધને! કોઈક રુણાનુબંધે એમને અતૂટ બંધનથી જોડી રાખ્યાં છે. બંનેનાં લાલ લોહીમાં લાગણીની લીલાશ વહી રહી હતી! કોઈ કારણવશ એ ના આવી શકી હોય તો સ્નેહા એની સાથે ફોનથી વાત કરે પછી જ દિવસ જાય.સ્નેહાની તબિયત જ્યારે બગડે ત્યારે સરયૂ એના માટે માનતા માની લે અને ઉપવાસ પણ કરે. એ માનતા પૂરી કરીને જે પ્રસાદી આપે એ સ્નેહા શ્રદ્ધાથી સ્વીકારે.જ્યારે સરયૂ બિમાર થઈ હોય ત્યારે સ્નેહા ડોકટર, દવા અને ફ્રૂટનો બધો ખર્ચો ઉપાડે. બે સ્ત્રી વચ્ચેની આ લાગણીને, આ સંબંધને શું નામ આપવું?
આજુબાજુવાળા આ સંબંધ જોઈને ચણભણ કરતાં હતાં પણ પીઠ પાછળ, મ્હોં ઉપર કોઈ કાંઈ કહી શકતું નથી! બંનેનાં લાલ લોહીમાં વહી રહેલી લાગણીની લીલાશથી મનમાં હરિયાળી ફેલાતી હતી!






વાર્તાવિશ્વ કલમનું ફલક
શીર્ષક : નિર્ણાયક
લેખન: દર્શના વ્યાસ 'દર્શ'
darshanavyas04@gmail.com
"જો, નિના તને ખબર છે ગઈકાલે કલબમાં બધા તારા હુનર વિશે કેટલા વખાણ કરતાં હતાં. પેલા મિસિસ ઝુંનઝુંનવાલા તો.....સમજ તું હશે તો સ્પર્ધકોને ન્યાય મળશે. તારો નિર્ણય તેમના માટે યોગ્ય સાબિત થશે. થીંક એબાઉટ ઇટ" તપન નિનાનો ખભો થપથપાવતો સ્ટડી રૂમમાં ગયો.
નિના ધીમા પગલે નાઈટ ગાઉન લઈ બાથરૂમ તરફ ગઈ. શાવરનું પાણી કેટલું શરીર પર વહી ગયું તેનો હિસાબ મન પર વહેતા સવાલો સામે નહોતો. નીતરતા દેહે તે આયનામાં જોઈ રહી. તપનનો શબ્દ યાદ આવ્યો 'થીંક એબાઉટ ઇટ' તે બોદુ હસી છતાં કાયમ તેની સુંદર છબી ઝીલતો આયનો તેના બોદા સ્મિતને ઝીલતાં પણ ન ઝંખવાયો. તેને આયનો તપન જેવો જ લાગ્યો. ઝટ દઈ તે ત્યાંથી ખસી ગઈ. નાઈટ ગાઉન પહેર્યું. બેડરૂમમાં આવી.
"નિના તને ખબર છે, તું નાહીને બહાર આવે ત્યારે મોગરાના ફૂલ જેવી લાગે પણ એક મિનિટ તને મારુ ફેવરિટ પરફ્યુમ લગાવી આપું ત્યાં સુધી તારી મહેક જ નકામી." તપને ડ્રેસિંગ ટેબલ ઉપરથી પરફ્યુમ ઉપાડી એક હાથ નિનાની કમરને વીંટી બીજા હાથે તેનાં વાળ ગરદન પાસેથી પાછળ ધકેલ્યાં અને પરફ્યુમ સ્પ્રે કર્યું, "જો હવે કેવી મહેકે મારી મહેકે."







નિના એ કમર પાસેથી તપનનો હાથ ખસેડયો. બેડ ઉપર રાત ઓગળતી રહી.
સવારના કૂણાં કિરણો નિનાના દેહ ઉપર પડી રહ્યાં હતાં. પથારીમાં આમ સૂરજ ઝીલવો નિનાને ગમતું. તે પથારીમાં પડી રહી. તપન રમાએ તૈયાર કરેલી કોફી લઈ રૂમમાં દાખલ થયો. કોફીની ટ્રે સાઈડ ટેબલ ઉપર મૂકીને તેંણે બારીનાં પડદાં વાસ્યાં. નિના કશું બોલવા જાય એ પહેલાં જ તપન બોલી ઉઠ્યો," હા તડકો ઝીલવાની તારી આ રીત તને ગમે છે એ હું જાણું છું પણ તને એમ કરી અડવાની છુટ હું સૂરજને ય ના આપું. ચાલ કોફી પી તારા માટે ખાસ રમા પાસે બનાવડાવી."
નિના ફ્રેશ થઈ ઝાડને પાણી આપી રહી હતી. રમા મદદમાં સાથે હતી.
"બહેનજી એક વાત કહું?"
"હા, બોલને."
"સાહેબ તમને બહુ પ્રેમ કરે છે હે ને?"
"હા, ખૂબ પ્રેમ કરે. મને સહેજે દૂર ન રાખે." નિના હસતાં બોલી.
"બેન, તી'તમને એમ મુંઝારો ન થાય? પ્રેમ તો પતંગિયાં જેવો હોય એય ને છુટથી ઉડે મને તો આ તમારો ખીલે બાંધ્યો પ્રેમ લાગે."
"રમા.." નિના હજુ કંઈ બોલે એ પહેલાં તપન આવી ચડ્યો.
"તું આને સાંભળે છે કેમ? માળીને હું શા માટે પૈસા ચૂકવું છું? તારે ઝાડવાં અને આ જડની પળોજણમાં નહિ પડવાનું."







"હમ્મ.." કહેતી નિના કિચનમાં પરોવાઈ. ઝીણવટથી મહારાજને તપનને ગમતું જમવાનું બનાવડાવ્યું. ટેબલ ઉપર સફેફ ઓકિર્ડના ફૂલો ગોઠવ્યાં. ફૂલોની પોતીકી મહેક તેને અનુભવાઈ. પોતાનો હાથ તે સુંઘી રહી અચાનક તેની નજર રમા ઉપર પડી. હથેળીમાં ઓકિર્ડની સુગંધ ઓસરી ગઈ હોય અને તેને રાત્રે ગરદન પર તપને લગાવી આપેલા પરફ્યુમની સુગંધનો ભાસ થયો. તેણે નાક પાસેથી હાથ અને રમા ઉપરથી નજર હટાવી લીધી.
સાંજે રેડ વાઇન કલરની સિલ્કની સાડી, બ્લેક મીરર વર્કનું બ્લાઉઝ ખુલ્લા વાળ અને હાઈ હિલ્સમાં ખૂબ આકર્ષક દેખાતી નિના જ્યારે નિર્ણાયક તરીકે નારીનિકેતન પહોંચી ત્યારે આયોજક તેમને આવકારી રહ્યાં. "મૅમ, તમે આવ્યાં તે ગમ્યું તમે ના કહી હતી પણ તપન સરે કહેલું તમે આવશો એટલે અમે નચિંત બની તૈયારી ચાલુ રાખી." નિના એ સ્મિત વેર્યું. પ્રાર્થના ગીત પછી કાર્યક્રમનો દોર આગળ વધ્યો. ગીત સ્પર્ધા પછી નારીનિકેતનમાં આયોજકો દ્વારા શોષણને સળગાવો ઉપરનું વક્તવ્ય અને પછી નિનાએ સ્પર્ધાનું પરિણામ નિર્ણાયક તરીકે આપવાનું હતું.
ગીત સ્પર્ધા ચાલુ થઈ.
'બંધિયાર કૂવો ઉલેચો,કે ભીતર દાહ લાગી.
જાતની ખોજ માંડો,કે જીવને લ્હાય લાગી.'









ગીતનાં શબ્દો નિનાને ખુદમાંથી ઓગાળી રહ્યાં. ગીતનાં શબ્દો તેના લોહીની લીલાશ ધોઈ રહ્યાં. તે ઉભી થઈ. માઈક હાથમાં લીધું. આયોજકો સામે જોઈ કહ્યું, "મેં તમને નિર્ણાયક તરીકે આવવા ના કહી હતી તો અત્યારે પણ એ ફરજ બજાવવાં મારી ના છે. હું ખુદ પહેલાં મારી જિંદગીની નિર્ણાયક બનું.. પણ હા, દરેક સ્પર્ધકોને નિરાશ નહિ કરું. દરેક સ્પર્ધકને પ્રથમ ઈનામની રકમ મારા તરફથી આપીશ."
આયોજકો તો આટલી મોટી રકમની જાહેરાતથી ખુશ થઈ દોડતાં નિના પાસે પહોંચી તેને આવકારવાં ગયાં.
"શોષણ વિરોધી તમારાં વક્તવ્યમાં ઇમોશનલ એબ્યુઝડ વિશે પણ તમે બોલજો." નિના ધીમેથી આયોજકના કાનમાં બોલી અને સડસડાટ મંચના પગથિયાં ઉતરી ગઈ.






વાર્તા વિશ્વ કલમનું ફલક
લેખન- જાગૃતિ, 'ઝંખના મીરાં'
ઇમેલ- kishanmuliya2@gmail.com
વિષય- લોહીની લીલાશ
શીર્ષક- નફરતનું ઝેર
સટાક....એક તમાચાનો અવાજ આવ્યો ને ધીમા સંગીતનાં સૂર સાથે પાર્ટીનો આનંદ માણી રહેલ લોકોમાં સન્નાટો ફેલાઈ ગયો! હાથમાં કોલ્ડ્રીંકસ્ એમ જ રહી ગયાં. 'શું થયું હશે?' એમ કોઈ બોલ્યું નહીં પણ દરેક ચહેરે આ સવાલ ચિતરાઈ ગયો.
"રચિત...યુ ...#! નીકળ.. જસ્ટ ગેટ લોસ્ટ...યુ.....#..."!
વિશાલ બરાડી ઊઠ્યો. "મારી મા વિષે એક શબ્દ બોલનારનું હું ખુન કરી નાખીશ..! અન્ડરસ્ટેન્ડ?...યુ...#..!" સુજાતા તરત વિશાલ નજીક ગઈ. તેને સંભાળ્યો. "પ્લીઝ બેટા...સંભાળ...તને." પછી વિશાલને અંદર લઈ ગઈ. મહેમાનોને ડિનર લેવાં વિનંતી કરી કહ્યું, "વી વીલ જસ્ટ કમ. પ્લીઝ કન્ટિન્યુ."
સુજાતા એક જાણીતી ગાયિકા! તેનાં પતિ જાણીતાં સંગીતકાર રવિરાજ એક વર્ષ પહેલાં તેની કરોડોની દોલત સુજાતાનાં નામે કરી મૃત્યુ પામ્યાં. તેમની છેલ્લી ફિલ્મનો શ્રેષ્ઠ ગાયિકાનો ફિલ્મ ફેર એવોર્ડ સુજાતાને મળ્યો હતો. તેની આ પાર્ટી હતી. જેમાં સુજાતા તેની સાવકી મા હોવા વિષે એલફેલ બોલાતાં રવિરાજની પહેલી પત્ની ત્રિશલાનાં પુત્ર વિશાલે મગજ ગુમાવ્યું.







સુજાતાએ વિશાલનાં રૂમનો દરવાજો બંધ કર્યો. આલિશાન બંગલાનો સૌથી વધુ લક્ઝુરિયસ એવાં આ રૂમની વચોવચ શોભતાં માસ્ટર બૅડનાં એક ખૂણે વિશાલ માથું ઝૂકાવી ધૂંઆપૂંઆ થતો સુટનાં પૉકેટમાંથી કાઢેલાં રૂમાલથી પરસેવો લૂછી દાંત ભીંસી કશુંક બબડ્યો અને રૂમાલ પર ગુસ્સો ઉતારતો હોય એમ તેનો ઘા કર્યો! સુજાતા વિશાલનાં ગુસ્સા પાછળનો તેનો પોતાનાં પ્રત્યેનો પ્રેમ અનુભવી રહી. તેણે બેડ સાથે અટેચ્ડ સ્ટેન્ડ પર પડેલ જગમાંથી એક ગ્લાસ પાણીનો ભર્યો અને વિશાલને પીવડાવ્યો. વિશાલે સુજાતા સામે જોયું અને હાથમાંથી ગ્લાસ લઈ એકી શ્વાસે ગટગટાવી ગયો.
સુજાતાએ તેના માથે સ્નેહથી હાથ ફેરવ્યો. પછી કહ્યું, "વિશાલ બેટા, મને નથી ખબર કે તારો ફ્રેન્ડ મારા વિષે શું બોલ્યો, જેને લઈ
ને તું આટલો ગુસ્સે છો! દીકરા, એક મા તરીકે તેં મને અપનાવી લીધી છે, તેનાથી વધારે મહત્વપૂર્ણ મારા માટે કશું નથી. કદાચ મારો પુત્ર યશ પણ મને આટલો પ્રેમ નથી કરતો. છેલ્લાં એક વર્ષમાં તેનાં કૉલ પણ નહિંવત્ થયાં છે. ખાસ કરીને તેનાં ડોલર્સ પૂરાં થાય ત્યારે જ હું તેને યાદ આવું છું." સુજાતા જરા ગળગળી થઈ ગઈ. પછી તેનાં ચહેરા પર સુકૂનનાં ભાવ અંજાયાં અને કહ્યું, "તેં મને યશની કે તારા ડેડની કમી મહેસુસ નથી થવાં દીધી બેટા. મારે તારી સાથે આટલું કોઈ પૂર્વ જન્મનું લેણું હશે!"
"મા, પ્લીઝ તમે આમ ઉદાસ ન થાવ. યશને પૈસા જોઈએ તો મને કહી દેજો, હું તેને ટ્રાન્સફર કરતો જઈશ. તમને દુઃખી નથી જોઈ શકતો." વિશાલ બોલ્યો.
"ઑકે. બેટા, તો ચાલો બહાર પાર્ટીમાં લોકો આપણી રાહ જોવે છે."








બંને કશું ન બન્યું હોય એમ બહાર આવ્યાં. વિશાલે મંગાવેલી માઈકનાં આકારની એક મોટી સરપ્રાઇઝ કેક સુજાતાએ કાપી. લોકો આ શાનદાર પાર્ટી કરતા વધારે વિશાલનો સાવકી મા તરફનો પ્રેમ જોઈ વધારે અચંબિત પણ થયાં અને પ્રભાવિત પણ.
રવિરાજની પ્રથમ પુણ્યતિથિએ વિશાલે એક મોટું મંદિર બંધાવી, સુજાતાનાં હાથે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરાવી. સુજાતા સાથે દરેક જાહેર સમારંભમાં પડછાયો બનીને ફરતો વિશાલ ગાયિકા સુજાતાદેવી સાથે અખબારોની સુરખિઓમાં છવાયેલ રહેતો. હવે વિશાલ રવિરાજ અને ત્રિશલાનો પુત્ર હતો અને સુજાતા તેની સાવકી મા હતી, તે વાત લોકો જાણે ભૂલી ગયાં હતાં.
સુજાતાને બીજાં વર્ષનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. કારકિર્દીની ટોચ પર સરસ્વતીનાં આશીર્વાદ લક્ષ્મીનો વરસાદ વરસાવી રહ્યાં હતાં. જોકે તે વરસાદનું પાણી અમેરિકા યશ પાસે વધારે વહી જતું.
લાલ લાઈટ ગોળ-ગોળ ઘુમી સાઇરન વગાડી રહી. પોલીસની વાનનાં ઢગલાં 'વિશાલ વિલા'ની બહાર ખડકાયાં હતાં. પોશ એરિયામાં કોઈ પડોશીઓ આવી વાતોમાં સામાન્ય લોકોની માફક રસ ન દાખવે પણ સુજાતાની લોકચાહનાને લીધે થયેલી લોકોની ભીડને કાબુમાં લેવાં પોલીસ તંત્રએ ધાડાં ઉતાર્યાં.
વિશાલ અમેરિકાથી બિઝનેસ ટૂર કેન્સલ કરી તાત્કાલિક ઈન્ડિયા આવી ગયો. તે દરમિયાન બે દિવસ સુજાતા દેવીનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રખાયો. વિશાલ માની ગુલાબી ચામડી નીચે વહેતા લાલ લોહીને નીલવર્ણું થયેલ જોઈ ખૂબ જ રડ્યો. તેને સાચવવો મુશ્કેલ થઈ ગયો હતો. વર્તમાનપત્રની હેડ લાઇન કહેતી હતી,







'સુપ્રસિદ્ધ ગાયિકા સુજાતાદેવીનું આકસ્મિક અવસાન! અકસ્માત, આત્મહત્યા કે ખુન? આ એક વણઉકેલ્યો કોયડો!'
ઝેર પીને બાથટબમાં પડ્યાં? પીવડાવીને નાખી દેવાયાં? આ બધાં હવે પોલીસનાં પ્રશ્નો હતાં. બીજી તરફ અમેરિકામાં યશની પણ કોઈએ હત્યા કરી નાખી હતી. જે કોઈ ડ્રગ્સ માફિયાએ કરી હોવાનાં સમાચાર હતાં.
"આજ કી રાત પાના હૈ ક્યાં..ખોના હૈ ક્યાં..!"
જોરથી વાગતાં મ્યુઝિક સાથે દસ પગ થિરકતાં હતાં પણ એકનો પણ તાલમેલ ન હતો. કારણકે આજે શરાબ અને પછી શબાબનું પાકા પાયે આયોજન વિશાલ તરફથી હતું! વિશાલ સિવાયનાં ચારેય મિત્રો તેનાં ફાર્મ હાઉસ પર આવીને પાર્ટી માણી રહ્યાં હતાં.
"યાર, વિશાલ તેં શું ખેલ કર્યો યાર! આ તો એવું છે કે એક ચાલ ચાલી અને ચારોં ખાને ચિત! રચિતે હજુ હોશ ન્હોતો ગુમાવ્યો એટલે બોલ્યો.
વિશાલે ખડખડાટ હસીને કહ્યું, "હા, એક તીર સે દો શિકાર! મારે ઘણા વર્ષો સુધી એ માટે શ્રવણ જેવું પુત્ર હોવાનું નાટક કરવું પડ્યું છે. એ..ધ ગ્રેટ સિંગર.. સુજાતા દેવી આજ-કાલ નહીં, જે દિવસે મારી માની જગ્યાએ પોતાનો પુત્ર સાથે લઈને પપ્પાની સાથે પરણીને આવી ત્યારથી મારા નિશાન પર હતી. પપ્પા જીવતા હતાં ત્યાં સુધી તાકાત ન હતી કે હું આ કાંટો મારા રસ્તામાંથી દૂર કરી શકું. મેં જોઈ છે, મારી માને તેને કારણે ડિપ્રેશનમાં જતાં, ઊંઘની અતિરેક ગોળીઓનું ઝેર લોહીમાં ભેળવતાં!








અધૂરામાં પૂરું પપ્પા તેના પ્રેમમાં એટલા પાગલ હતા કે તેમણે મિલકતનો મોટો હિસ્સો એનાં નામે કરી આપેલો. તેની પોતાની મિલકત તેણે તેના દીકરા યશનાં નામે કરેલી, જ્યારે પપ્પાએ પોતાની મિલકતમાંથી યશનો હિસ્સો પણ રાખેલો. મને જ્યારે પપ્પાનાં મૃત્યુ પછી આ બધી ખબર પડી ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું કે બળ નહીં પણ લાગણીની કળથી સુજાતાદેવી જરૂર ભોળવાઈ જશે." વિશાલની આંખોમાં શરાબનાં નશા અને ગુસ્સાની મિશ્રિત લાલાશ તરવરી રહી. તેણે પેગ ખાલી કરીને ગ્લાસ જોરથી ટીપોઈ પર મૂક્યો. રચિતે કહ્યું, "માન ગયે યાર..! પણ આ માટે તે દિવસે પાર્ટીમાં મેં તારો બહુ માર ખાધો અને ગાળો પણ!"
વિશાલ બોલ્યો, "હા યાર, એટલે જ તો આજે તારા માટે સ્પેશિયલ અરેન્જમેન્ટ કરી છે કહીને વિશાલે આંખ મિચકારી અને પછી મનોમન બબડ્યો, 'સુજાતા દેવી મારા જ બાપની દોલતના તેજને કારણે કંઈક વધારે જ લાલાશવાળા લોહીને લીધે ગુલાબી થયેલી તમારી તગતગતી ત્વચાનાં રંગ-રૂપે ભલે મારા પિતાને મોહી લીધાં પણ ફેણ ચઢાવેલ નાગની જેમ મારાં હક પર તમારો સાપોલિયો લઈને બેસી જવાની સજા બદલ તમારા એ લાલ લોહીને મારી નફરતનાં ઝેરથી લીલાશ આપી મેં મારી માનાં આત્માને શાંતિ આપી દીધી.






વાર્તા વિશ્વ કલમનું ફલક:
વિષય: રાહ કોની ?
શીર્ષક: તર્પણ
લેખિકા: પદ્મજા વસાવડા
આશરે પંદરેક દિવસથી નીતિરાય શાસ્ત્રી સંજીવની હોસ્પિટલના આઈ.સી.યુ.વોર્ડમાં સૅમીકૉમાની અવસ્થામાં હતા. માત્ર બારણા સામે દૃષ્ટિ હતી. જાણે કોઈની રાહ ન જોતા હોય! સમયે સમયે ખાવા-પીવાનું પાઇપ વાટે નર્સ તેમને આપતી રહેતી. અને યંત્રવત્ શ્વાસ ચાલતા હતા. ઉંમર અટ્ઠયાશી વર્ષ હતી. ડોક્ટરનો અભિપ્રાય હતો કે તેઓ તેમનાથી બનતા દરેક પ્રયત્નો કરે છે પરંતુ હૃદયના ધબકારા પણ ઓછા છે અને બી.પી. પણ ચાલીસથી નીચું જ રહે છે. આવા સંજોગોમાં આટલા દિવસ કોઈ દર્દી કઈ રીતે જીવી શકે એ એમને માટે પણ એક કોયડો જ હતો !
નીતિરાયના પત્ની નમ્રતાબેન ઉંમરની પાકટતા અને અનુભવે એ તો જાણતા જ હતા કે, "કરો અને ભીંત બન્ને કદી એક સાથે ન પડે." તેથી આવનાર સમય માટે માનસિક પણે તૈયાર હતા. બસ નીતિરાયને વધુ તકલીફ ન પડે અને હેરાન ન થાય તે જ જોવાનું હતું. તેમની કૌટુંબિક અને આસપાસની નિકટની અનુભવી સ્ત્રીઓએ એવી સલાહ પણ આપી કે ગજેન્દ્રમોક્ષના પાઠ કરીએ અને શરૂ પણ કરી દીધા. પણ નીતિરાયનો જીવ શેમાં હતો તે કોઈને ખ્યાલ આવતો ન હતો.








અચાનક જ નમ્રતાબેને ફોન હાથમાં લઈ એક ફોન જોડ્યો. " સુ‌જ્ઞા, તું આર્જવને લઈને જે પહેલી ફ્લાઈટ મળે તેમાં અહીં આવી જા. શશાંકના પપ્પા હોસ્પિટલમાં આઈ.સી.યુ. માં છે ડોક્ટરોએ આશા છોડી દીધી છે પણ જીવ ક્યાંક અટવાયો છે. જો તું અને આર્જવ આવો અને મળો તો મુક્તિ મળશે તેવું મને લાગે છે. બેટા, હું તારી પાસે ખોળો પાથરી માફી માંગુ છું." " અરે, મમ્મી તમારે આવું કહેવાનું ન હોય હું હમણાં જ ટિકિટ બુક કરાવું છું. તમે જરાય ચિંતા ન કરશો. પણ પપ્પાને ગમશે ખરું?" " બેટા, છેલ્લા બે વર્ષથી એ તમને મળવાનું, બોલાવવાનું વિચારતા હતા પરંતુ તેમના અહમ્ ને કારણે શક્ય ન બન્યું. શશાંકના મૃત્યુનો આઘાત તેમને ખૂબ લાગ્યો છે. કયા મોઢે તારી સાથે વાત કરી માફી માંગવી, તે મથામણમાં જ હતા. "કહેતાં જ નમ્રતાબેન રડી પડ્યા." "મમ્મી, બને એટલી ઝડપથી પહોંચું છું." ફોન મૂકી અને સૌથી પહેલી જે ફ્લાઇટ મળી તેની ટિકિટ બુક કરાવી લીધી. ઝડપથી બધા કાર્યો સંપેટવા લાગી. તે બેગ પૅક કરવા લાગી. " આજ પછી આ ઘરનાં બારણાં તમારે માટે સદાય માટે બંધ થઈ ગયાં છે અને ખાસ તો આ છોકરીનો પગ મારા ઘરમાં નહીં જ જોઈએ. શશાંક, તું પણ કાન ખોલીને સાંભળી લેજે કે મારી ચિતાને અગ્નિદાહ પણ તારે નથી આપવાનો." સુજ્ઞાના કાનમાં બાર વર્ષ પહેલાંની સસરા નીતિરાયની એ ત્રાડ હજી પણ ગુંજતી હતી.
નીતિરાય સંસ્કૃતના પ્રખ્યાત વિદ્વાન. કર્મકાંડી, ચુસ્ત નિયમના આગ્રહી, સિદ્ધાંતવાદી. જીવનમાં તેમના સિદ્ધાંતો સાથે કદી સમાધાન ન કરે તેવી વ્યક્તિ. તેમની ખ્યાતિ જ્યોતિષાચાર્ય તરીકે ચોમેર પ્રસરેલી. તેમના પત્ની નમ્રતાબેન પણ, " યેષા નામા તેષા ગુણા" જેવા નમ્ર અને ગુણિયલ. તે નીતિરાયનો પડ્યો બોલ ઝીલે. તેમનો એકમાત્ર પુત્ર શશાંક ભણવામાં ખૂબ તેજસ્વી. હંમેશા અવલ નંબરે આવે. તે એન્જિનિયર બન્યો અને અમેરિકા એમ.બી.એ. કરવા માટે ગયો.







ત્યાં તેનો પરિચય સુજ્ઞા સાથે થયો. અમેરિકામાં રહી હોવા છતાં તેનામાં ત્યાંના વાતાવરણની કોઈ અસર નહોતી. અત્યંત સરળ, સંસ્કારી, સુશીલ યુવતી. તે જ કારણસર શશાંક તેની તરફ આકર્ષાયો હતો. બન્નેની મિત્રતા ગાઢ બની. બન્નેએ આજીવન સાથે રહેવાનું નક્કી કર્યું. માત્ર એક જ વાત આડી આવતી હતી કે સુજ્ઞા, શશાંક કરતાં ઉતરતી જ્ઞાતિની હતી જેથી તેના પિતા નીતિરાય આ વાત સ્વીકારવા તૈયાર નહીં થાય તેવું શશાંક સમજતો હતો પરંતુ તેમનો પ્રેમ પ્રબળ હતો. તેણે વિડીયો કોલ કરીને તેના માતા-પિતાને આ વાત જાણ કરી પરંતુ નીતિરાય એકના બે ન થયા. નમ્રતાબેને પણ તેમને ખૂબ સમજાવ્યા. " તમે જ તો તમારા વિદ્યાર્થીઓને શીખવો છો" " જન્મના જાયતે ક્ષુદ્રો સંસ્કારાત્ દ્વિજ ઉચ્યતે" તો અહીં કેમ એવું વિચારાય નહીં?" અંતે સુજ્ઞાના માતા -પિતાની અને નમ્રતાબેનની મૂક સંમતિ બાદ, તેમણે નક્કી કર્યું કે અમેરિકામાં જ તેમના અંગત મિત્રવર્તુળ અને કેટલાંક સગાં સાથે મળી, લગ્ન કરી લેવા. લગ્ન પછી તે બન્ને નીતિરાય અને નમ્રતાબેનના આશીર્વાદ લેવા ભારત પહોંચ્યા પરંતુ ઘરમાં પ્રવેશતાં જ નીતિરાયે ત્રાડ નાંખી.
એ જ ઘડીએ શશાંક અને સુજ્ઞા, નમ્રતાબેનના આશીર્વાદ લ‌ઈને ભારે હૈયે ઘરની બહાર નીકળી ગયા. છેક અમેરિકાથી આવ્યા હતા. સુજ્ઞાના માતા-પિતાને મળી, થોડા દિવસમાં જ ફરી અમેરિકા પહોંચી ગયા. ત્યારબાદ શશાંક માતાને અવારનવાર વિડીયો કોલ કરી અને સમાચાર પૂછી લેતો. વર્ષમાં એકવાર આવીને મળી પણ જતો. ત્યારબાદ બે વર્ષ પછી તેમના જીવનમાં આર્જવનું આગમન થયું અને જીવન ખુશીઓથી છલકાયું. તે એક વર્ષનો થયો ત્યારે તેને લઈને શશાંકે દાદા-દાદીના આશીર્વાદ લેવા જવાનું વિચાર્યું. સુજ્ઞા માટે તો એ ઘરમાં પ્રવેશ નિષેધ હતો પરંતુ શશાંક અણગમા છતાં તેના પુત્રને લઈને પોતાના પપ્પાને ઘેર ગયો. પૌત્રને જોઈને નમ્રતાબેનના આનંદનો તો પાર નહોતો.







ખૂબ રાજી થયા પરંતુ નીતિરાયનો કોઈ જ પ્રતિભાવ નહીં. આમ તો શશાંક, સુજ્ઞા અને આર્જવ ખૂબ ખુશીથી રહેતા હતા પરંતુ મનમાં એક ડંખ હંમેશ માટે રહેતો. ત્રણેક વર્ષ પહેલાં એક દિવસ શશાંક ઓફિસથી આવી રહ્યો હતો ત્યારે સામેથી આવતી ટ્રકે તેની કારને જોરદાર ટક્કર મારી અને ખૂબ ભયાનક ઍક્સિડન્ટ થયો. શશાંકને હોસ્પિટલ લઈ ગયા. સુજ્ઞા પણ પહોંચી પરંતુ તેની ઈજા પ્રાણઘાતક હતી.
માત્ર છેલ્લા શ્વાસ હતા અને શશાંકે તૂટતા અવાજે કહ્યું," હવે હું નહીં રહું. તું મમ્મી- પપ્પાનું ધ્યાન રાખજે." સુજ્ઞાએ આંસુ સાથે વચન આપ્યું. " કોઈ પણ સંજોગોમાં મમ્મી-પપ્પાનું ધ્યાન રાખીશ." અને શશાંકે વિદાય લીધી. અહીં ભારતમાં નીતિરાય અને નમ્રતાબેનને જાણ કરવામાં આવી પરંતુ તેઓ તેની અંત્યેષ્ટિમાં જઈ ન શક્યા. કયા મોઢે જાય તે પણ એક કશ્મકશ હતી!
શશાંકના મૃત્યુ બાદ સુજ્ઞા પણ તેની ફરજ માં ક્યાંય ચૂકતી નહીં. અઠવાડિયે એક વાર નમ્રતાબેન સાથે વીડિયો કોલ કરીને વાત કરતી અને ખબર અંતર પૂછતી રહેતી. નમ્રતાબેનની ગમ્મે તેટલી ઈચ્છા હોવા છતાં પણ તેઓ નીતિરાય સામે કંઈ બોલી શકતા નહીં. નીતિરાય પણ જણાવતા નહીં પરંતુ શશાંકના મૃત્યુ બાદ તેમનો અંતરાત્મા ડંખવા લાગ્યો. કયા કાળ, ચોઘડીએ તેઓ બોલ્યા હશે તે વિશે પસ્તાવો થવા લાગ્યો. ત્યારબાદ તેમની તબિયત પણ કથળતી રહી હૃદય અને મન ઉપર ખૂબ ઘેરી અસર પડી પરંતુ તેમનો અહંકાર અને સિદ્ધાંતો તેમને સુજ્ઞાની માફી માંગતા રોકતા હતા.
એક દિવસ અચાનક જ રાત્રે નીતિરાય બાથરૂમ જવા માટે ઊભા થયા અને ચક્કર આવતાં જ પડી ગયા. તેમને માથામાં વાગ્યું હતું. બેભાન થઈ ગયા હતા. નમ્રતાબહેને તાત્કાલિક પડોશીઓને બોલાવી તેમને હોસ્પિટલ પહોંચાડ્યા.







તેમને આઇ.સી.યુ.માં દાખલ કર્યા. ડૉક્ટર્સે તપાસ કરીને કહ્યું કે માથામાં ખૂબ ગંભીર ઈજા થયેલ છે અને સાથે હાર્ટ એટેક પણ હતો તેથી તબિયત ઘણી ગંભીર કહેવાય. અમે અમારા દરેક પ્રયત્ન કરીએ છીએ.
" વૅર આર વી ગોઇંગ મમ્મા?" સુજ્ઞાને બૅગ પૅક કરતી જોઈ સ્કૂલેથી આવતાં જ આર્જવે પૂછ્યું. " બેટા,આપણે દાદાજી પાસે ઇન્ડિયા જઈ રહ્યા છીએ." " બટ વાય મમ્મા?" "દાદાજીની તબિયત સારી નથી અને હોસ્પિટલમાં છે." " પણ મમ્મા, મેં તો દાદાજીને જોયા પણ નથી." " હા બેટા, એટલે જ દાદા તને યાદ કરે છે." અને ચોવીસ કલાકની અંદર તેઓ નમ્રતાબેન પાસે પહોંચી ગયા. તે બંનેને જોઈ નમ્રતાબેન ભેટી પડ્યા. ધ્રુસકે અને ધ્રુસકે રડી પડ્યા. સુજ્ઞાએ તેમને શાંત પાડી કહ્યું. " મમ્મી, હવે તમારે જરાય ચિંતા કરવાની નથી. હું આવી ગઈ છું. શશાંક નથી તો શું થયું હું તમારો દીકરો જ છું ને!" થોડીવારમાં સ્વસ્થ થઈ અને તે ત્રણેય હોસ્પિટલમાં પહોંચ્યા. આઈ. સી. યુ.નુ બારણું ખોલ્યું અને સામે જ નીતિરાય જાંણે તગતગતી આંખે જોઈ રહ્યા હતા. સુજ્ઞા અને આર્જવને જોતાં જ જાણે તેમની મૃતઃપ્રાય કાયામાં પ્રાણ ફૂંકાયો અને ચેતના આવી. તેમની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી અને ધીરે ધીરે બે હાથ ઊંચા થવા લાગ્યા. જાણે તે સુજ્ઞાની માફી ન માગી રહ્યા હોય! સુજ્ઞા પણ તેમની સામે હાથ જોડી અને પગે લાગી. તેમના હાથ પકડી રડી પડી, " તમારે માફી ન માંગવાની હોય પપ્પા. ભૂલ મારી જ હતી. તમે મમ્મીની ચિંતા જરાય ન કરશો. હું મમ્મીને મારી સાથે જ રાખીશ." જાણે કોઈ ગેબી અવાજ સંભળાયો. " હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.."









નાના આર્જવને તો આ કંઈ સમજાતું જ ન હતું. થોડીવારમાં જ તેમની આંખ મિચાઈ ગઈ અને માથું ઢળી પડ્યું. ડૉક્ટરે આવીને, તપાસીને કહી દીધું, " આઈ એમ સૉરી. હી ઈસ નૉ મૉર." થોડીવારમાં જ સ્વસ્થ થઈ સુજ્ઞાએ પરિસ્થિતિ સંભાળી લીધી. સગા-સંબંધીઓને જાણ કરીને અંત્યેષ્ટિની તૈયારીમાં લાગી. તેણે નિર્ણય લ‌ઈ લીધો કે આર્જવને સાથે લ‌ઈને તે નીતિરાયના પાર્થિવદેહના અંતિમ સંસ્કાર કરશે.
અંત્યેષ્ટિની બધી વિધિ નીતિરાયની પ્રણાલી મુજબ જ શ્રેષ્ઠ, તજજ્ઞ, બ્રાહ્મણો પાસે કરાવી. તેમના આત્માને પરમ શાંતિ મળે તેમ આર્જવને હાથે જ કરાવી. " મમ્મી, હવે આપણે જવાનો સમય થઈ ગયો. આઠ દિવસ પછીની ટિકિટ છે તેથી હવે લાંબા સમય સુધી ઘર બંધ રહેશે. આપણે પૅક કરવા લાગીએ. તમારી બૅગ પણ પૅક કરવાની છે. મેં ડૉક્ટર ત્રિવેદીની ઍપૉઈન્ટમૅન્ટ લઈ લીધી છે. અહીંથી જતા પહેલાં તમારો ફુલ ચૅક અપ કરાવી લ‌ઈએ અને દવાઓ સાથે લ‌ઈ લ‌ઈએ." " બેટા, તમે જાઓ. હું અહીં એકલી રહીશ." " મમ્મી, મેં શશાંકને અને પપ્પાને વચન આપ્યું છે. હવે તમે હંમેશ માટે અમારી સાથે જ રહેશો. મને અને આર્જવને પણ તમારી હૂંફ મળશે ને!" કહેતાં જ સજળ નેત્રે નમ્રતાબેનને વળગી પડી. " બેટા,તારા સંસ્કારોને અને તને હું નતમસ્તકે વંદન કરું છું. આજે હું ખૂબ ક્ષોભ અનુભવું છું કે આ ઘરમાંથી તને જાકારો મળ્યો પણ તેં તો હંમેશ માટે મને આવકાર આપ્યો ! હું જન્મોજનમ તારી ઋણી રહીશ."






વાર્તાવિશ્વ -કલમનું ફલક
લોહીની લીલાશ
નામ- નિમિષા મજમુંદાર
શીર્ષક-લીલા વિષના ડંખ
"સુકેતુ… આજે જરા મમ્મીને જોઈ લેજે ને, પ્લીઝ! મારે માહીની સ્કુલમાં જવાનું છે, પેરેન્ટ-ટીચર મીટીંગ છે."
"શ્રેયા પ્લીઝ, એ મને નહિ ફાવે. તું જ કંઈક વ્યવસ્થા કરીને જા."
"અરે! નહિ શું ફાવે? આપણે ઈન્ડિયામાં હોઈએ તો એક નહિ એકવીસ વ્યવસ્થા થઈ શકે પણ અહીં તો મદદ કરવા કોણ આવશે? આપણે જ કરવાનું છે. હું એનું બધું રુટિન કરાવીને જ જઉં છું. આ તો ખાલી એ બૂમ પાડે, એને કંઈ જરૂર હોય અને તને બોલાવે તો જવું પડશે. એની પાણીની બોટલ ત્યાંજ બેડની બાજુમાં મૂકી છે. ડાયપર ચેઈન્જ કરી દીધું છે, એને જમાડી દીધી છે, હવે કંઈ બાકી નથી. પ્લીઝ.. મારે જવું જ પડે એવું છે. તું આજે વર્ક ફ્રોમ હોમ કરે છે તો હું સ્કુલમાં જઈ શકીશ. મમ્મીને સમજાવી દીધી છે, તને બિલકુલ હેરાન નહિ કરે. પ્લીઝ..?"
મનમાં કીધું," મારો છૂટકો છે કંઈ? તું ભલે ગમે તેટલી વકીલાત કરે પણ એ માજી બહુ જ જબરાં છે. મને હેરાન કરવાની એ એક પણ તક જતી નહિ કરે. હું તો પહેલેથી જ એમનો અણગમતો જમાઈ છું. તારી હાજરીમાં ડાહ્યાં ડમરાં થઈને રહેશે અને જેવી તું જઈશ એની સાથે એમને નવા-નવા તાયફા શરૂ થશે. મારું લોહી પી જશે."







પણ આ તો બધું મનમાં. મોટેથી તો, "ઓ.. કે.." થી વધારે કંઈ બોલી ના શકાયું.
સાચે જ હું અણગમતો જમાઈ છું. મને યાદ આવી ગયા એ દિવસો, જ્યારે હું અને શ્રેયા કોલેજમાં સાથે ભણતાં હતાં. કોમન મિત્રોને કારણે થયેલી સામાન્ય ઓળખાણ, ગાઢ મૈત્રીમાં પરિણમી અને કોલેજના ચાર વર્ષ દરમ્યાન જ અમારી કેમેસ્ટ્રી મેચ થઈ ગઈ. શ્રેયા અતિશય પૈસાદાર બાપની એકની એક દીકરી અને હું ગરીબ માનો દીકરો. ઉપરાંત એ ઉચ્ચ જ્ઞાતિની અને હું શ્રમજીવી પરિવારનો, શ્રેયા રોજ કારમાં કોલેજ આવે અને હું સાયકલ પર, પણ મારા પક્ષે ઉજળું પાસું એટલું કે હું હંમેશાં યુનિવર્સિટી ફર્સ્ટ આવું જ્યારે શ્રેયા માંડ પાસ થાય. એ મારી હોશિયારી અને સંસ્કાર પર ફીદા થઈ ગઈ. મિત્રતા તો હતી પણ ધીરેધીરે ખબર પણ ન પડે એમ એ મિત્રતા, પ્રેમમાં પરિવર્તીત થઈ ગઈ.
હું મારી ગરીબીને કારણે જે વાત આખી જિંદગી બોલી ન શક્યો હોત, તે કહેવાની હિંમત શ્રેયાએ જ કરી દીધી. પ્રેમનો સ્વીકાર અને એકરાર એણે જ કર્યો. એ બધા સમય દરમ્યાન મેં ઝુઓલોજી સાથે અને શ્રેયાએ કેમેસ્ટ્રી સાથે માસ્ટર્સ ડીગ્રી મેળવી અને હું નોકરી કરવા લાગ્યો. હવે શ્રેયા લગ્ન કરવા ઉતાવળી થઈ.
મેં એને ખૂબ સમજાવી કે એના મમ્મી પપ્પા અમારા લગ્નને ક્યારેય મંજૂરી નહિ આપે, પણ એ એના નિર્ણયમાં મક્કમ હતી. એના ઘરમાં ખબર પડી ત્યારે વિરોધનો જુવાળ ઊઠ્યો. શ્રેયાને એના મામાના ઘેર મોકલી દીધી, મને હાથ-પગ ભાંગી નાંખવાની ધમકીઓ મળી, મારા મમ્મીને પણ ધમકીઓ મળી કે 'જો અમે લગ્ન કરીએ તો એમણે એકના એક દીકરાને ખોવાનો વારો આવશે.' અમે બન્ને અમારા નિર્ણયમાંથી જરા પણ ચલિત ન થયાં ત્યારે છેવટે એના મમ્મી ભૂખ-હડતાલ પર ઉતરી ગયાં. હવે શ્રેયાની ધીરજ ખૂટી ગઈ. એના અતિશય આગ્રહને માન આપીને અમે સિવિલ મેરેજ કરી લીધાં.







બસ, એ દિવસથી એના મમ્મી મુક્તાબેન માટે હું એમનો સહુથી મોટો દુશ્મન બની બેઠો. એમણે એકની એક દીકરીને તો કમને સ્વીકારી લીધી પણ જમાઈને એ સ્વીકારી ન શક્યાં. મને એમના ઘરમાં પ્રવેશબંધી હતી, મારે જવું પણ નહોતું. એમના મનમાં એવું ઠસી ગયું હતું કે મેં શ્રેયા સાથે લગ્ન, ફક્ત એમના પૈસા ખાતર જ કર્યાં છે. હું કેવી રીતે સાબિત કરું કે શ્રેયાને હું મારા જીવથી પણ વધારે ચાહતો હતો!
એ મારું અપમાન કરવાની એક પણ તક ચૂકતા નહિ. હું એમના ઘેર તો નહોતો જતો પણ ભૂલમાં જો મેં એમનો ફોન લીધો હોય તો પણ એમના ઉપાલંભ ભર્યાં વચનો સાંભળવાં પડતાં. આ બધાથી થાકીને અમે અમેરિકાની માસ્ટર્સ ડીગ્રી માટે એપ્લાય કર્યું, અહીં આવ્યાં, ડીગ્રી લીધી અને ખૂબ ઝડપથી સ્થાયી થઈ ગયાં.
અમારી દીકરી માહીના જન્મ પછી તો બધો કડવો ભૂતકાળ લગભગ ભૂલાઈ ગયો અને જીવનમાં શાંતિ અને સુખ છલકાયાં, પણ ઈશ્વરને મારી શાંતિ મંજૂર નહોતી. મારી મા તો ક્યારની ઈશ્વરના ધામમાં પહોંચી ગઈ હતી. શ્રેયાના પપ્પા પણ ગુજરી ગયા. શ્રેયા એક જ સંતાન હતી એટલે એના મમ્મીને અમે અમારી સાથે અમેરિકા લઈ ગયાં. એમની સાથે એમનો બેશુમાર દોલતનો ઘમંડ પણ આવ્યો. એ જ ઘમંડ, ઝેર બનીને એમના લોહીની સાથે શરીરમાં ફરવા લાગ્યો. અહીં આવ્યા પછી તો મારી ઉપર એ ઝેર ઓકવાનું રોજનું થઈ પડ્યું. અંદરનું ઝેર, જેટલું બહાર વમન પામતું, એટલું અંદર પણ સંગ્રહિત થતું હશે; જે પક્ષઘાતના હુમલારૂપે એમને જ નુકસાન કરી ગયું! એ પથારીવશ થઈ ગયાં. ચાલી નહોતાં શકતાં પણ એમની કાતિલ જીભ કરવતની જેમ મારા સ્વમાન ઉપર ફરી વળતી. શ્રેયા પણ એની શારીરિક રીતે લાચાર માને કંઈ કહી શકતી નહોતી.







દિવસમાં એક વાર તો મારે એવું સાંભળવું જ પડે કે, "જમાઈ અને જમ બેય સરખા જ કહેવાય." ઉપરાંત શ્રેયા હાજર ના હોય ત્યારે, " મારી દીકરીને તો કરોડપતિઓનાં માંગા આવતાં હતાં, એ તમારામાં શું ભાળી ગઈ એ જ ખબર નથી પડતી. તમે એને પૈસા માટે જ ફસાવી છે!" શ્રેયા બધું સમજતી પણ એ આ ઝેર ઓકતી માને કોઈ રીતે કંટ્રોલ કરી શકતી નહિ. શ્રેયા ક્યારેક બહાર જાય અને એમને મારી સાથે રહેવાનું આવે ત્યારે એ મને હેરાન કરવાના હજાર રસ્તા શોધી કાઢે. એમનું ડાયપર ત્યારે જ બદલવાનું થાય, એમને કંઈ ના હોય એમાંથી ચક્કર આવે, ઉલટી થાય, માથું દુઃખે, બધી જ તકલીફો થાય.
અરે! એક વખત તો પલંગ પરથી નીચે પડ્યાં. મેં એકલાએ એમને ઉપાડીને પાછાં સૂવાડ્યાં તો પણ શ્રેયા આવી ત્યારે એ એવી જ ફરિયાદ કરતાં રહ્યાં કે," મારે પાણી પીવું હતું, મેં કેટલી બૂમો પાડી પણ સુકેતુના આવ્યો. હું તરસે મરી જતી હતી એટલે પાણી લેવા સ્હેજ ઝૂકી એમાં પડી ગઈ." મમ્મીનાં બધાં જુઠ સમજતી શ્રેયા કંઈ કહી શકતી નહિ.
હું બોલ્યા વગર બધી સેવા કરું તો પણ શ્રેયા પાછી આવે ત્યારે ઠુઠવો મૂકીને રડે કે, "તું નથી હોતી ત્યારે આ સુકેતુ મને ખૂબ હેરાન કરે છે. એ મને મારી જ નાખવા માંગે છે. એની નજર મારી મિલકત ઉપર છે." મારી સહનશક્તિ હવે જવાબ દઈ રહી હતી. હું ઊંડા વમળમાં ફસાતો જતો હતો અને છૂટવાનાં વ્યર્થ ફાંફાં મારતો હતો!
'ઓહ! મારી સામે આ કેવું દ્રશ્ય ખડું થાય છે? શ્રેયાના મમ્મી પલંગમાં સૂતાં છે, અને મને એમનું આખું શરીર લીલું થઈ ગયેલું દેખાય છે! એમની ગોરી ચામડી નીચે જાણે લીલું લોહી વહી રહ્યું હોય એવુ લાગે છે! અરે! આ તો પેલી ઓસ્ટ્રેલિયાના ન્યુગીની ટાપુ પર અસ્તિત્વ ધરાવતી લીલી ગરોળી, જેના લોહીમાં વિપુલ માત્રામાં રહેલા બીલીવર્ડીન નામના બાઈલને કારણે એનું લોહી લીલું અને ઝેરી હોય છે!







એની ચામડી, હાડકાં, માસ-પેશી સુધ્ધાં લીલા હોય છે. એ જેને કરડે તે પ્રાણી રીબાઈ-રીબાઈને મૃત્યુ પામે, એટલું જ નહિ જે પ્રાણી એને કરડવા જાય એ પણ ઝેર ચડવાથી મૃત્યુ પામે. નફરતના ઝેરની લીલાશ એમના સમગ્ર અસ્તિત્વને ઘેરી વળી છે! લીલી ઝેર ઓકતી આંખે એ મને તાકી રહ્યાં છે! હું એમને પાણી પીવડાવવા એમની પાસે જઉં છું અને એ મને બચકું ભરે છે! ખલ્લાસ… એ ડંખ સાથે મારા આખા શરીરમાં હજારો વીંછી કરડ્યાની વેદના જાગે છે, હું જમીન પર પડીને તરફડિયાં મારું છું, મારો શ્વાસ રુંધાય છે અને એ મારી મરણતોલ હાલત જોઈને પલંગમાં પડ્યાં પડ્યાં અટ્ટહાસ્ય કરી રહ્યાં છે..!'
"સુકેતુ.." ની બૂમ સાથે પરસેવે રેબઝેબ હું, ઝબકીને સોફામાં બેઠો થઈ જઉં છું. 'ઓહ! સપનાં પણ કેટલાં ભયાનક હોય છે!'
ભલે એ સપનું હોય, પણ હકીકત એવી જ હતી ને, કે મારા જ ઘરમાં એક ઝેરી, લીલા લોહીવાળું પ્રાણી, ડંખીલું અસ્તિત્વ ધરાવતું હતું. જે સતત મને ડંખવા અને એના ઝેરની અસર હેઠળ લાવવા તત્પર રહેતું હતું; અને તે પણ મારા કોઈ વાંકગુના વગર! એ જ્યારે લાગ મળે ત્યારે મને ડંખી પણ લેતું. એના લીલા વિષભર્યા ડંખથી હું સતત મરતો જતો હતો, પણ મારાં તરફડિયાં કોઈને દેખાતાં નહોતાં!
અસહાય દશામાં મને ક્યારેક એવો પણ વિચાર આવતો કે "શું ઝેરનું મારણ બની શકે એવું કોઈ કાતિલ ઝેર નહિ મળતું હોય? એ મળતું હોય તો એક વખત લાવીને.. ચા સાથે..! કાયમની શાંતિ…









"સુકેતુ.." ફરી બૂમ સંભળાઈ. ઝેરી વિચારો ખંખેરીને હું ઊભો થઈ એમના રૂમમાં ગયો. જોયું તો મમ્મી પલંગ ઉપર પરસેવે રેબઝેબ, અતિશય પીડામાં તરફડિયાં મારતાં હતાં. બોલી પણ નહોતાં શકતાં એટલો જોરથી શ્વાસ ચાલતો હતો. લીલા લોહીવાળી ગરોળીને ગળે કોઈએ ફાંસલો ભરાવ્યો હોય એમ એ તરફડતી હતી. એ લીલી કાયમ ઝેર ઓકતી આંખો, અત્યારે દયામણી નજરે મારી સામે તાકી રહી હતી. 'મને બચાવી લે'ની આજીજી એ આંખોમાં સ્પષ્ટ વંચાતી હતી. મારા મગજમાંથી અવાજ ઊઠ્યો, 'હાર્ટ એટેક..!'
મને થયું કે જે લીલી ગરોળીના વિષનું મારણ હું શોધતો હતો, તે તો કુદરતે જ આપી દીધું. હવે આમાં મારે કંઈ જ કરવાનું નહોતું. આજે મારી નિષ્ક્રિયતા, મને કાયમ માટે મુક્તિ અપાવવાની હતી.
તમને શું લાગે છે? મેં શું કર્યું હશે? સાવ નિષ્ક્રિય રહીને, એક લીલા લોહીવાળી ગરોળીના મૃત્યુને, મારા ઉધ્ધારકની જેમ આવવા દીધું હશે? કે પછી એક સનાતન ભારતીયના સંસ્કારને યાદ કરીને નાઈન-વન-વન માં ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હશે?












શીર્ષક - લોહીનો રંગ
લેખક - જીજ્ઞેશ કાનાબાર
શબ્દો -
....
રોજ રાત્રે દીકરાના ઓરડામાંથી આવતો કકડાટ તો ક્યારેક તૂટતાં ચામડાનાં અવાજો સવાર માટે અલગ જ રંગના નિશાન મૂકી જતાં હતા.
બાપનું સરકારી પેન્સન અને વારસામાં મળેલી સોએક વીઘા જમીને દીકરાને જમાનાનાં બધાં જ રંગે રંગી દીધો હતો.
પરવશ બા ક્યારેક દીવાલ પર ટંગાયેલ ફોટા તરફ જોઈ નફરત ભર્યા ભાવ સાથે મનમાં જ બોલી લેતી "તમારો એક જ વારસો પૂરે પૂરો સચવાયો અને વધતો ગયો છે."
સવારે વહુનું વાસીન્દુ કરી બાને નવડાવવું , શિરામણ કરાવવું , સુકાયેલા આંસુઓ સાથે મળતી ચાર આંખો આ બધું પણ હવે રોજનું થઈ ગયું હતું.
બાનાં શરીરને ભીનાં કપડાથી સાફ કરતાં એ પણ પોતાનાં શરીર પર ઉપસેલાં લોહીનાં લીલા રંગને ક્યારેક શરીર પરનાં છૂંદણાની જેમ પસરાવી લેતી તો ક્યારેક બાનાં શરીરની ભાત સાથે સરખાવી લેતી હતી.
અચાનક કાંવ.. કાંવ.. કરતી કાલુડી કૂતરી ડેલીમાં ઘૂસી ગઈ અને બાનાં ખાટલા નીચે સંતાઈ ગઈ. તેનું પરાક્રમ મોઢાં માંથી લાળ સાથે ટપક્તા લોહીનાં ટીપા કહી રહ્યાં હતા.







સાસુ વહુનો મૌન સંવાદ તૂટયો.
શેરીમાંથી હા-હોંકારો કરતી રમલી ડાંગ લઈને કાલુડીને મારવા ડેલીમાં ઘસી આવી.
"તમારી આ મોઢે ચડાવેલી કાલુડીએ મારાં દીકરાનું સાથળ ખાધું એને નહિ મૂકું અને પાછી ડાંગ ઉગામી."
વહુ વચ્ચે પડી.
"તારાં છોકરાનાં પરાક્રમ ગામ આખાને ખબર છે, ગમે ત્યારે તેની પુંછડી પર લંગર બાંધવું અને હાલતાં ચાલતાં ડફણાં મારવા, એક તો મૂંગું જીવ તેની સહન કરવાની કોઈ હદ તો હોય ને!"
રકજક કરતી રમલીને શાંત પાડી એ ઘરમાં પાછી વળી.
એ કાલુડીને સંતોષ ભરી નજરે જોતી રહી અને ચૂપ થઈ પોતાનું કામ કરવાં લાગી.
ફરી રાત પડી અને રોજનો ઘટના ક્રમ ભજવાયો. આજે કોઈ કકડાટ ન થયો ફક્ત રાત ચીરતી એક ચીસ બહાર આવી અને સાથે જ વહુ પણ રૂમમાંથી બહાર ઘસી આવી.
એનાં શરીર અને કપડાંને લોહીનાં મૂળ રંગે રંગાયેલાં જોઈ બાએ સંતોષ અને શાંતિની ઘડી સાથે આંખ બંધ કરી.









ઓક્ટોબર મહિનાના ટાસ્કની વાર્તા:
ટાસ્ક: લોહીનો રંગ લીલો.
શીર્ષક: હું માતંગી
લેખક: ચિરાગ કે બક્ષી.
Email: aumchirg@gmail.com
પુષ્કરભાઈ એ. કર્મ એટલે સિધ્ધાંતવાદી ઓફીસર. સુપ્રિયાબેન સાથેનો સત્યાવીસ વર્ષનો ઘરસંસાર, યુગલને યુવાન રાખે અને પ્રસન્ન દાંપત્યની વ્યાખ્યા આપે એવો રહ્યો છે.
અનિકેત અને માધુરી એ બંને બાળકોના ઉછેરમાં કર્મ યુગલે ખુબ ધ્યાન આપ્યું છે. જો કે બંનેમાં જમાનાની અસર ખરી. પહેરવેશ અને ભાષા જેમ અસભ્ય ના કહેવાય તેમ સભ્ય પણ ના કહેવાય. સિધ્ધાંતવાદી પિતાને આ ના ગમે પણ ઘરપરિવારનુ 'મધ્યબિંદુ' સુપ્રિયાબેન આ બધું સંભાળી લ્યે.
અનિકેતના લગ્ન માતંગી સાથે થયા એ કર્મ પરિવારનો પહેલો મહાપ્રસંગ. ધામધુમથી લગ્ન થયા. 'ચંદ્ર ઉપર મધના મીઠા ટીપાં'ની શોધમાં જુનિયર કર્મ યુગલ પરદેશ યાત્રા પણ કરી આવ્યુ.
માતંગી ઘરમાં સેટ થવામાં થોડોક વધારે જ સમય લે છે એવું પી એ કર્મ માને સુપ્રિયાબેન મધ્યબિંદુએ રહીને પરિવારને મુઠ્ઠીમાં કઠણ બાધી રાખે.








અનિકેતના લગ્નની બીજી વર્ષગાંઠ બંને કર્મ યુગલ કરતા માધુરીએ ખુબ માણી. આનંદની છોળો વચ્ચે 'મધ્યબિંદુ' થોડું વ્યથિત જણાયું. બે વર્ષમાં માતંગીનો ખોળો ખાલી જ હતો એ વાતે સુપ્રિયાબેન એમની વ્યથા, ગરબે ઘુમવામાં ઓગાળતા સ્પષ્ટ દેખાયા.
માતંગીનું અવઢવ એના મન સુધી જ સિમિત હતું. પણ આ ઉજવણી પછી માતંગીનું વર્તન બદલાયું હતું જે પી એ કર્મ એ પણ નોંધ્યું. માતંગીની ભાષા ધીરે ધીરે તોછડી થવા લાગી હતી. ક્યારેક સાસુની સુચનાનુ પાલન ના થાય એનો અફસોસ ઓછો થવા લાગ્યો હતો. અનિકેત સાથે પણ 'શોધવાનો પ્રયત્ન કરેલા મધના ટીપાં' સુકાઈ જવા લાગ્યા. ઉદ્ધતાઈ હવે જાણે રોજીંદી ક્રિયા જ થઈ ગઈ હતી. સુપ્રિયાબેને માતંગીને ઘણી વાર સમજાવ્યું કે આ સંસ્કારી પરિવારનું ઘર છે અને અહીં આવું વર્તન સ્વીકાર્ય નથી, પણ માતંગી સામા જવાબ દ્વારા એને અવગણતી જ રહી. ઘરમાં એનો અસહકાર હવે એની હદ વટાવી રહ્યો હતો. અનિકેત સાથે તો જાણે કયા જન્મની દુશ્મની જીવતી હોય તેમ એને પણ અપમાનીત કરવાની એક પણ તક એ ના મુકે.
પી એ તો પરેશાન ખરા જ અને સાથે સાથે સુપ્રિયાબેનની પણ હવે સહનશક્તિ ખુટવા લાગી હતી. માતંગી કાંઈ પણ કરે અથવા કાંઈ પણ બોલે, એમાંથી ઝેર અને કાંટા સિવાય બીજું કશું હોય જ નહિ.

"હવે સહન નથી થતું અને એટલે માતંગીનું આ ઘરમાં રહેવું અશક્ય છે આમ છતાં અંતિમ નિર્ણય અનિકેતની સંમતિ થકી જ લેવાય". પી એ ની વાતને સુપ્રિયાબેને હકારમાં સ્વીકારી. અનિકેત સાથે વાત થઈ અને માતંગીને એનો સામાન પેક કરવાનું કહેવાયું.







સાંજે એક બેગ લઈને સારા પહેરવેશમાં માતંગી ઘરમાંથી કાયમ માટે જવા માટે આવી ત્યારે એના મ્હોં ઉપર જરાયે વિષાદ નહોતો.
"બસ આ જ દિવસ માટે હું આ ઘરમાં આવી હતી? મારે પણ ઘણી વાતો કરવાની છે. આ કાગળમાં લખી છે. મને ખાત્રી છે કે તમે લોકો અને જલ્દીથી ફાડી નાખશો પણ એક વાર એને વાંચજો જરુર! બસ જાઉં છું અને આ ઘરમાં તો ક્યારેય પાછી નહિ આવું."
માતંગી ગઈ.
પી એ કાગળની ગડી વાળીને ફાડવાની તૈયારી કરતા જ હતા ત્યાં મધ્યબિંદુએ કહ્યું, "એક વાર વાંચી લેવામાં શું જાય છે? વળી અનિકેતને પણ વંચાવીએ ને?!"
"આ ઘરના બધાને મારે એક વાત સીધે સીધી જ કહેવી છે. મારો ખાલી ખોળો તમને બધાને ખુંચે છે એ મને ચોખ્ખું દેખાય છે - પછી ભલે તમે બધા એને ના સ્વીકારો. પણ હવે એનો રસ્તો થઈ ગયો છે. વાતમાં મૉણ નાખવાની મને ટેવ નથી એટલે સ્પષ્ટ જ કહી દઉં છુ. અનિકેત અને દિવ્યા એકબીજાને ચાહતા ચાહતા એટલા નજીક આવી ગયા છે કે ચારેક મહિનામાં જ અનિકેત બાપ બની જશે. પેલું જાયઝ કે નાજાયઝ તમને નહિ સમજાય. મને આ વાતની ખબર છે અને મારે તમને જણાવવાની જરુર નથી કે મને એ વાતની કઈ રીતે ખબર પડી. હવે જ્યારે શેર માટીની ખોટ પુરી થઈ જ જવાની છે ત્યારે આ માતંગી અહીં અસ્થાને છે. અનિકેત અને દિવ્યાના લગ્ન કરાવી દેજો. આ સાથે કોરા કાગળમાં સહી કરી છે. છુટાછેડા માટે જે લખવું હોય એ લખી લેજો જેથી એ વાતે પણ તમારે મારો સંપર્ક ના કરવો પડે.








મને ભુલી જજો અને એક ખરાબ સ્વપ્ન માનીને પાતાળથી પણ કોઈ ઉડી ખાઈ હોય એમાં મારા આ ઘરના રહેણાંકના સમયને ધરબી દેજો. બસ તમે સરળતાથી તમારા કૌટુંબિક જીવનમાંથી મારી બાદબાકી કરી શકો એટલે જ ...... જવા દો.

એક વાત કહીને જાઉં છું. લોહીનો રંગ જ્યારે લીલો જુઓ ત્યારે એમાં વિષ માત્ર જ ના હોય. ક્યારેક હરિયાળી પણ હોય જે હવે આ ઘરને લીલું છમ્મ્ રાખશે.”