SAKHNA RAHEJO NATH in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૬૧

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

હાસ્ય લહરી - ૬૧

સખણા રહેજો નાથ.!

 

                      એકપણ ‘પતો’ એવો નહિ હોય કે, (પતો એટલે, પતિનું બહુવચન..!) પત્ની દ્વારા જેમને કોઈને કોઈ ચેતવણી મળી ના હોય..!  ‘સખણા રહેજો નાથ’ જેવી રોમેન્ટિક ચેતવણી તો મળી જ હોય. આ તો એક નમુનો.! બાકી કોઈ ભણેલ-ગણેલ પતિ ભલે ને મોટો વિદ્યાપતિ હોય કે સત્તાધીશ હોય, એને પણ એવું સાંભળવા તો મળ્યું જ હશે કે, 'તમને એમાં સમજ નહિ પડે..!'  જેમને પત્ની તરફથી આવી સુચના નહિ મળી હોય, એને બેધડક પરમેશ્વર કહી શકાય. ઝાડવે-ઝાડવે જુદા ફળ એમ, દરેક પત્નીના પ્રેમના પરચા સરખા હોતા નથી. માપવાની ફૂટપટ્ટી દરેકની અલગ..! પત્નીને ખબર છે કે, પૈસા કરતા પણ માણસ પ્રેમનો વધારે ભૂખ્યો છે. પ્રેમ આગળ ભલભલા વામણા બની જાય. પત્ની પ્રેમની ગંગોત્રી છે, અને માણસની પ્રકૃતિ હિમાલય જેવી છે. એટલે તો વાઈફ આગળ એ 'હોમાલય' બનીને સંસારનું ગાડું ખેંચે..! પ્રેમ વહેમ અને ડેમ ભરેલા હોય તો જ નિખાર આવે. પણ બેહદ પ્રેમ ક્યારેક આડઅસર પણ લાવે. કારણ કે,  પ્રેમને માપવાના માપદંડ સ્થળ-સમય અને સંજોગ પ્રમાણે બદલાતા હોય.  માતા-પિતા, ભાઈ-બહેન કે મિત્રોનાં પ્રેમને માપવાની ફૂટપટ્ટી માપની ભલે હોય, પણ પત્નીના પ્રેમને માપવાની ‘ફૂટપટ્ટી’ નું કેન્દ્રબિંદુ પરસ્પરના મિજાજ ઉપર આધાર રાખે. સમય અને સંજોગ પ્રમાણે એ લાંબી-ટૂંકી પણ થાય, અને ક્યારેક આખું કોષ્ટક પણ બદલાય જાય. લગભગ એવો ફાંકો તો રાખવો જ નહિ કે, અમારી જોડ સ્વર્ગમાંથી નક્કી થઈને આવેલી છે.   બુટ-ચંપલની જોડ જેવી કોઈ જોડી હજી શ્રેષ્ઠ કહેવાય નથી. લગન છે, ઝઘડો તો થવાનો વ્હાલાં..! રસિકજનોએ તો ભૂંગળા વગાડીને કહ્યું છે કે, પતિ-પત્ની વચ્ચે જેટલો ઝઘડો થાય એટલો સારું, પ્રેમ વધે..!  ક્યારેક તો એવાં સ્વીટ ઝઘડા થાય કે, સીધો બોંબ જ ફોડે કે, ‘લગનની શરૂઆત જેટલો પ્રેમ હવે તમે મને કરતાં જ નથી..! ત્યારે તો કેવું કેવું કહેતાં કે, તું તો મારી બરફી છે, તું તો મારી રસમલાઇ છે, તું તો મારી રબડી છે, અને હવે તો, હું જાણે કારેલાનું જ્યુસ હોઉં એમ હડધૂત કરો..!  એને કેમ સમજાવું કે, દુધની મીઠાઈ કેટલા દિવસ સારી લાગે..? પરીક્ષા પતિ ગયા પછી તો હોંશિયાર વિદ્યાર્થી પણ વાંચવાનું છોડી દે..! આ તો એક ગમ્મત..!
                                      બાકી અટકવું ને ટકવું  હોય તો નાથ મટીને અનાથ હોય તેમ આજીજી પણ કરી લેવાની. આવાં ઝઘડાનું નિરાકરણ શોધવા ગીતા વાંચવા નહિ જવાનું..! તેમાં કોઈ ‘સોલ્યુશન’ નથી..! પત્નીનો પ્રેમ ક્યારેય સમાપ્ત થતો નથી. પતિ જો સાદી લઇ આપે તો એ કેવી હરખપદુડી બની જાય. સાદી ફાટી જાય ત્યાં સુધી એ એના અંગ ઉપર રાખે. પછી એની ગોદડી બનાવી એ, ગોદડી પતિને જ ઓઢાડીને ઋણમુક્ત બને. પણ આપણે એની કદર કરતા નથી. એ લગન પણ છે, અગન પણ છે, ને જલન પણ છે. જે છે તે છે, છતાં પતિની ચાહક છે.  છતાં, એકાદવાર તો સળગતું લાકડું ફેંકાય જ કે, તમને એમાં સમજ નહિ પડે..! આવું થાય ત્યારે  જીભાજોડી નહિ કરવાની. સખણા જ રહેવાનું..!  આડા-ઊભાં-સાકરિયા સોમવાર કર્યા હોય કે, નાં કર્યા હોય, કોઈને સારો પતિ મળે કે, કોઈને સારી પત્ની મળે એ સાત પેઢીનો સવાલ છે. પણ અમુક તો ભારે કલાકાર દાદૂ..!  તેજાબી ચાબખામાં પણ  ઢાકાની મલમલ જેવી લાગે.  એકમેક ભેગા જ થવા જોઈએ, એટલે પંચાયત ઓફીસ ખોલીને બેસી જાય..! “અમારા ઢ તો સાવ ભોળા..! એટલા ભોળા કે, બકાલુ લેવા મોકલ્યા હોય, તો બકાલુવાળી પણ ભોળવી નાંખે. બકાલુ પસંદ કરતા તો મુદ્આદલે નહિ આવડે. કોઈપણ બકાલોવાળો કે વાળી એને છેતરી જાય..!  બે છોકરાના બાપ થયા તો પણ હજી એને  સૂરણ અને કનમાં સમજ નહિ પડે અલી..! "  સાલી  જેની સાથે જિંદગીની જનમટીપ લાગી જ ગઈ હોય, એટલે બીજું કરી પણ શું શકીએ..?  સાંભળી લેવાનું ને સંભાળી લેવાનું એમાં જ મઝા..! એની સાથે કોણ જીભાજોડી કરે કે, 'ભોળો હતો એટલે તો તારામાં ભોળવાઈ ગયેલો કહેવા જાય તો ભડકો થાય..!  ભોળપણની શરૂઆત તો તારા ઘરથી જ થયેલી..!”  
                                  શ્રીશ્રી ભગાની વાત કરું તો, બંદો જન્મ્યો ત્યારથી સખણો છે. એક પણ નર્સે એના માટે એવી ફરિયાદ કરી નથી કે, ભગો સખણો નથી. જે હોસ્પિટલમાં જનમ લીધો એ હોસ્પિટલ આજે પણ ધમધોકાર ચાલે છે, એ એના સખણાપણાનો પુરાવો છે. બંદાની છાપ સારી હશે તો જ ને..? છતાં વાઈફના ગોલંદાઝ ટોણા એ  સાંભળે કે, ‘સખણા રહેજો હંઅઅકે .!’  બંદાએ ભગવાન કરતાં વાઈફને રાજી રાખવાના પ્રયત્નો વધારે કર્યા હશે..!  પણ જન્મ્યો ત્યારથી સખણા રહેવાનો જ્ઞાન-બોધ એ ઝીલે..! મને કહે, 'રમેશીયા..! ઝોળીમાં રડતો તો મા કહેતી ‘સુઈ જા, નહિ તો બાવો આવીને પકડી જશે..!’ લોકો આજે બાવાને પકડીને જેલમાં પૂરતા થઇ ગયા, છતાં ‘સખણા રહેવાનો ‘ વઘાર મારા ઉપર કરતા અટકતા નથી. બાળપણમાં મા-બાપ કહેતા કે, સખણો રહેજે, પછી ભાઈબંધ કહેતા કે. સખણો રહેજે..! ભણવા ગયો તો શિક્ષક કહેતા કે, સખણો રહેજે..! હવે પરણ્યા પછી વાઈફ  કહે કે, સખણા રહેજો નાથ.!  એ તો ભલું થાજો મારા સાસુ-સસરાનું, એમણે ક્યારેય એવું નથી કહ્યું કે, સખણા રહેજો લાલ..! એ પણ જાણે ને કે, એમનું  વાવાઝોડું મારા સિવાય બીજું સાચવે કોણ..? તું માને નહિ પણ ક્યારેક તો ભગવા પહેરી લેવાનું મન થાય..!'  આપણા કરતાં ઊંટ સારા કે, અઢાર અંગ વાંકા હોવાં છતાં, કોઈ રાજસ્થાનીએ એને એમ નથી કહ્યું કે, સખણું રહેજે..! શરીરના એકેય કોર્નરથી મારામાં કંઈ વાંક, વાંકુ કે વળાંક નથી, છતાં. અનેક વાંકદેખુઓએ અનેક અફવા ફેલાવીને મારી પથારી ફેરવી છે બોલ્લો..!  મારા ભેજામાં ‘સખણા રહેજો નાથ’ ની ‘ટયુન’ હજી શાંત થઇ નથી. વરસાદી ઝાપટામાં તડકે પાપડ શેકવા નાંખ્યા હોય એવી મારી હાલત છે. પીલ્લાયેલા પાપડ જેવો થઈને ફરું છું.  દિવસમાં બે-ત્રણ વાર તો રસોડું ગાજે જ કે, ‘નવરેશ..! આડા પડી-પડીને મારા પિયરના સોફાનો તમે ખુરદો કાઢી નાંખ્યો, જરાક સખણા બેસીને શાકભાજી તો સુધારો..? ત્યારે તો એમ થાય કે, જાત ઘસીને મેળવેલી ડીગ્રી કરતાં ભગવાને ઊંટ જેવાં અઢાર અંગ આપ્યા હોત તો સારું થાત..! ડીગ્રીઓ મેળવ્યા પછી, કેવો છાતી ફુલાવીને  ફરતો હતો, પરણ્યા પછી એ છાતી પણ એવી ચપટ થઇ ગઈ કે, સામી છાતીએ ઘરની બહાર જવામાં શરમ આવે છે..!    ઘરનો મામલો જણાવવો તો નહિ જોઈએ, પણ ઘરમાં અત્યારે ત્રણ ઝોનમાં હું છવાયેલો છું. કામવાળીના કામ કરી આપું, તો ગ્રીન ઝોનમાં, ઘરવાળી સોંપે તે કામ કરી આપું તો ઓરેન્જ ઝોનમાં, ને કામ કરવામાં ઠાંગાથૈયા કરું તો રેડઝોનમાં..! તમે જ કહો આનાથી વિશેષ તો શું સખણા રહેવાનું..? એના કપાળ માં કાંદા ફોડું સખણા રહેવાની પણ કોઈ લીમીટ હોય યાર..! ખમીશમાં લાલ કીડી ભરાયને ચટકા મારતી હોય એમ હું જીવું છું..! સાલા કુતરાથી માંડીને કાશ્મીર સુધીના વિષયો ઉપર નિશાળમાં નિબંધો લખેલા, પણ કોઈ ગુરુવર્યએ ‘સખણા રહેજો નાથ’ ઉપર એકપણ નિબંધ શીખવેલો નહિ. ક્યારેક તો હનુમાન ચાલીસાને બદલે, ‘પત્ની-ચાલીસા’ કરવાના ફળ તત્કાળ મળે છે દોસ્ત..!  યોગ આવે છે..!
 

                                                લાસ્ટ ધ બોલ

સાચું કહેજો તમે મને કેટલો પ્રેમ કરો છો..?

ગાંડી, તને એટલો પ્રેમ કરું છું કે, એ પ્રેમને હું માપી પણ શકતો નથી. હું તો સિમ્પલ એક મોબાઈલ જેવો છું. અને તું મારી સીમકાર્ડ જેવી છે..!

આ સાંભળીને તરત વાઈફ બોલી, ‘ઓહ્હ..તમે કેટલાં સરસ છો..? I LOVE YOU DARLING..! 
બોલતા તો બોલાય ગયું, પણ જે દિવસે એને ખબર પડશે કે, આજકાલ તો મોબાઈલ પણ ડબલ સીમકાર્ડ આવે છે, તે દિવસે મારી શું દશા થશે..!  
સખણા રહેજો રાજ..! 
-----------------------------------------------------------------------------------------------------------------------------------