MASALA DHOSA KHAVAANA MAARA KHADTAL PRAYOGO in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય લહરી - ૬૦

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

હાસ્ય લહરી - ૬૦

ઢોસા ખાવાના મારા ખડતલ પ્રયોગો..!

                                 ઢોસો (ઢીકો) બરડા ઉપર પડે તો આંખમાં આંસુ આવે, ને ખાવા મળે તો મોંમાં પાણી આવે..! ઢોસા-ઢોસાના પણ અલગ ટેસ્ટ હોય દાદૂ..! પેટ છૂટી વાત કરું..? ભણતો ત્યારે શિક્ષકના 'સ્પાયસી'  ઢોસા તો ઘણા ખાધેલાં. જેનો ‘ટેસ્ટ’ હજી બરડામાં ઘૂમરી મારે છે. પીઠ ઉપર ‘ઢોસો’ ખાધાં પછી, કોઈ ઢોસો દાંતે કે ગળે વળગ્યો નથી..!  સાલ્લી કહેવાય મદ્રાસી વાનગી, પણ ગુજરાતીના મોંઢાની તો પાણીની પાઈપ લાઈન છોડી નાંખે. મસાલા-ઢોસાનું નામ પડતાં જ  મોંઢામાં ફૂવ્વારા છૂટવા માંડે. જેમ ડુંગરે ડુંગરે મંદિરીયા અલગ, એમ ગામેગામના ‘ટેસ્ટ’ અલગ.,! સંભાર ચટણી ને મસાલો-ઢોસો, એટલે સાળો-સાસુ ને વાઈફનું કોમ્બીનેશન..!  એમ થાય કે, સંબંધના 'સાળા' ઉપરથી તો આ  ખાધ પદાર્થનું નામ 'મસાલા-ઢોસા'  ના હોય..? એટલા માટે કે, અમુકના ઢોસા પણ સાળા જેટલા જ સ્પાયસી ને સાળા જેટલાં જ ખડતલ પણ જોવા મળે. ખાતા પહેલાં  હથોડો શોધવો પડે, તો જ મસાલો-ઢોસો ભાંગે.! દરેકના ઢોસાની સાઈઝ પણ અલગ..! ટેસ્ટ પણ અલગ, અને રંગે-રૂપે પણ ભિન્ન-ભિન્ન.!  અમુક તો એવી માયાવી સાઈઝના હોય કે, આડા પડીને ખાવાના હોય એમ લંબોદર સાઈઝના આવે. ડીસ કરતાં મસાલા-ઢોસા મોટા હોય..! એવું ફીઈઈઈલ થાય કે, મસાલા-ઢોસાની સાઈઝ જોઇને જ બચ્ચનભાઈએ જયાભાદુડીનો હાથ ઝાલ્યો હોવો જોઈએ.! આપણે ત્યાં મસાલા-ઢોસા બનાવનારને કોઈ એવોર્ડ આપવાનો કુરીવાજ નથી, બાકી માણસને બનાવી શકાય, મસાલો-ઢોસો બનાવવો અઘરો ખરો..! લાર્જ સાઈઝના મસાલા ઢોસાનું પોલાણ પણ એવું કે, પોલાણમાંથી વાલી-સુગ્રીવની ગુફા જોતાં હોય તેવું લાગે. મેં ટ્જેરાય કરી તો ગુફા તો નહિ દેખાય, પણ ગલ્લા ઉપર બેઠેલો મૂછાળો શેઠ દેખાયો.! જંગી ને ટ્રીપલ એક્ષ્ટ્રા લાર્જ સાઈઝનો એવો ઢોસો બનાવે કે, અંદર બેસીને ખાવું હોય તો પણ ખવાય..! એક જ ઢોસો લંકેશનાં દશે દશ માથાને પહોંચી વળે, ને ખાતાં પણ વધે એવો લાર્જ..!
                                 કોઈપણ  હોટલવાળા, મેનુ સાથે ઢોસો ખાવાની રીત આપતા નથી, કે હોટલની દીવાલ ઉપર પણ લખતા નથી. ઢોસો ખાવાની શરૂઆત કયા કોર્નરથી કરવાની, એમાં ૧૦૦ એ ૩૩ જણા ગૂંચવાતા હશે. દેશની બેરોજગારી હલ કરવી હોય તો આ પણ એક ઉકેલ છે, મસાલા-ઢોસો ખાવાના તાલીમ કેન્દ્રો શરુ કરી શકાય..!  ઘણા લોકોને મસાલા-ઢોસા ખાતાં જોઉં છું ત્યારે આપણું હૃદય દ્રવી ઉઠે દાદૂ..!  બિચારા લાકડા ફાડતા હોય એમ જ મસાલો-ઢોસો ફાડવાની મજુરી કરતા લાગે.  જેને જેમ ફાવ્યું  એમ રફેદફે કરી નાંખે. એમાં માણસના સ્ટેટસનો તો ભવાડો થાય, ને ઢોસાનું ‘સ્ટેટસ’ પણ બગાડે..!  મરઘાં-કૂતરાંની માફક આખો મસાલો-ઢોસો વીંખી નાંખે.  ઢાંકેલા સંસ્કાર છતાં થઇ જાય તે અલગ..! સારું છે કે, લગન માટે કન્યા જોવા જઈએ ત્યારે એવું પ્રશ્નપત્ર કાઢતાં નથી કે, ‘મસાલા-ઢોસા તમને ભાવે ખરાં? અને ભાવતાં હોય તો કેટલાં પ્રકારના મસાલા-ઢોસા આવે તે જણાવો..! તમારી પેઢીમાં કોઈએ મસાલો-ઢોસો, પાણી-પૂરી કે ચટણી-પૂરી ખાધી છે ખરી..? ગમે તે બેના જવાબ આપો..!' સાસરું ગમે તેવું સદ્ધર હોય, પણ ગામમાં જો મસાલા-ઢોસા ને પાણી-પૂરીવાળો ના હોય તો તમારે કન્યા ગુમાવવી પડે, ક્યાં તો ઉપર જણાવેલી વસ્તુની પહેલા રેંકડી કાઢવી પડે, ને પછી જ પૈણવા જવું પડે..! માત્ર શૈક્ષણિક લાયકાતથી કાંદો ભાંગે નહિ..!
                     મારા શું ભોગ લાગ્યા કે, એક દિવસ પોતાની વાઈફ સાથે, શહેરની ખ્યાતનામ હોટલમાં મસાલા-ઢોસા ખાવા ગયો. ગયો તો ખરો પણ બોર્ડની પરીક્ષા આપવા આવ્યો હોય એવી મારી હાલત થઇ ગઈ. ઢોસો ખાતા આવડે કોને..? ખાવા ની વાતને રતનજી પરણે, માત્ર ‘ઢોસા-દર્શન’ કરવા જ ગયેલો એમ કહું તો ચાલે.‘લાર્જ સાઈઝ’ નું વાળેલું પરબીડિયું, બે વાડકી ને બે ચમચા જ્યારે વેઈટર મૂકી ગયો, એ જોઇને પરસેવો છૂટી ગયો. કાંટાવાળી ચમચી જોઇને એમ લાગ્યું કે, આનાથી માથું તો નહિ ઓળવાનું હોય..? કાંટાવાળી ચમચી, ડાબા હાથે પકડવાની કે, જમણા હાથે, એનો જવાબ ગુગલ પાસેથી પણ નહિ મળ્યો.  વાઈફે સમજાવ્યું કે, મસાલા-ઢોસાની સાથે આવતી આ બધી ઉપયોગી એસેસરી કહેવાય..! એક વાડકીમાં સંભાર છે, ને બીજી વાડકીમાં ચટણી છે, એવું સમજાવે તે પહેલાં તો, સમ્ભારને સૂપ સમજીને હું પીઈ પણ ગયો. સંભાર વગર ઢોસો વિધુર થઇ ગયો હોય એમ,  ડોળા કાઢવા બેઠો. કાંટાવાળી ચમચીથી માથાનું ખરજવું ઘસવા તો ગયો, વાઈફે ટેબલ નીચેથી ટાંટિયાનો ઘા કર્યો.  ટેબલ ઉપર મુકેલા બધાના ઢોસા હલી ઉઠ્યા. મારો સંભાર તો સૂપ માનીને પીઈ ગયેલો, પણ વાઈફનો સંભાર ઉછળીને એની સાડીમાં સંતાય ગયો..! પતિ એ જ પરમેશ્વર માનીને કે કેમ, આ દુર્ઘટનાથી વાઈફ ખાસ ગરજી તો નહિ, પણ  બાજુના ટેબલ ઉપર બેઠેલી એક  ખિસકોલી જેવી છોકરી આ જોઇને ‘ખીખીખીખી’ કરવા માંડી. પછી બોલી પણ ખરી કે, ‘આ ડોસાને તો ઢોસા ખાતા પણ આવડતું નથી..!’ એના કપાળમાં કાંદા ફોડું..!
                               કસ્સમથી કહું તો,  ‘મસાલા-ઢોસા’ તો  હમણાં-હમણાં બોલતો શીખ્યો, બાકી અત્યાર સુધી તો ‘સલામા-ઢોસા’ જ કહેતો. આ સલામો-ઢોસો (આઈ મીન) મસાલો ઢોસો, પણ ક્યારેક મને માણસની માફક ભેદ ભરમ જેવો લાગ્યો. બહારથી લીસ્સ્સો-લીસ્સો, પણ ખોલો ત્યારે પેટમાંથી મસાલો નીકળે..! એમાં અમારા શ્રીશ્રી ભગાનું પેટ તો મસાલો વધારે સ્વીકારે.  મસાલા-ઢોસા નું નામ પડે ને એને ગુદગુદી થવા માંડે. એટલા ભાવે કે, એક જ  બેઠકે દશ-પંદર મસાલા ઢોસા તો ચપટીમાં ઉલેળી નાંખે. મસાલા-ઢોસા ઉપર ભારે લગાવ હોવાને કારણે તો, લગન પણ મદ્રાસણ સાથે કરેલા, દાળ-ભાતવાળી કન્યા રીજેક્ટ કરેલી..!  મદ્રાસથી વાઈફ લાવ્યો તો ખરો, પણ પ્રોબ્લેમ એ આવ્યો કે, ભીંડાનું શાક બનાવે તો ‘ભીંડા-મસાલા-ઢોસા’ જેવું લાગે, પાસ્તા બનાવે તો ‘પાસ્તા મસાલા-ઢોસા’ જેવાં લાગે..! કોઈપણ શાક બનાવો એમાં મસાલા-ઢોસાનો ટેસ્ટ આવે જ..! આટલો અધમ સિતમ હોવા છતાં ક્યારેય બંને વચ્ચે ઝઘડા થયા નથી. કારણ કે, બંદાને મદ્રાસી નહિ આવડે ને, બંદીને ગુજરાતી..! એકબીજાની ભાષા સમઝાય તો સખળ-ડખળ થાય ને..? આજે તો હવે કોઈ પ્રોબ્લેમ નથી. ઢોસો જ ગુજરાતના ઘરજમાઈ જેવો બની ગયો. કોઈપણ ગુજરાતીનું પેટ ઓપન કરો તો, એમાંથી ઢગલેબંધ મસાલા-ઢોસા નીકળે..! ગુજરાતીઓના પેટ વધવા પાછળ મસાલા-ઢોસાનો ફાળો કંઈ નાનો નથી. હાઈબ્રીડ બટાકા જેવું લોકોનું પેટ, અંદર ફાલે પણ ખરું ને અંદરથી ફૂલે પણ ખરું..!
                                    લાસ્ટ ધ બોલ

                                           મદ્રાસી કન્યા સાથે લગન કર્યા પછી, ભગાને એવી મોજ આવી કે, વાઈફને એક દિવસ એણે ડોબી કહી નાંખી. પેલી બહેનને ગુજ્રરાતી ભાષાની સૂઝ નહિ, એટલે સામી તો નહિ થઇ કે, ‘ડોબી કોને કહે..!’ પણ તેણીએ એની ભાષામાં ભગાને ખખડાવી પૂછ્યું તો ખરું કે,  કે, 

' અઈઅઈઓ..! એન્ના ડોબ્બ્બી ઇટ્ટ કુલુમાં..! 'મતલબ કે ડોબી એટલે શું..? (આ મારી બનાવેલી મદ્રાસી ભાષા છે..!)

તેણીના તેવર જોઇને ભગાએ તરત ફેરવી તોળ્યું કે, 'ડોબી એટલે તું ખૂબ સુંદર છે...!’

પેલી કહે, “ એન્ના તું ‘મહા ડોબ્બા!' 

ભગાથી એટલું જ બોલાયું કે, 'તારા કપાળમાં કાંદા ફોડું..! '

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------