Bhed bharam - part -30 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | ભેદ ભરમ - ભાગ 30

The Author
Featured Books
Categories
Share

ભેદ ભરમ - ભાગ 30

ભેદભરમ

ભાગ- ૩૦ 

 

સિતારના સૂરોમાં રહસ્ય

 

રાત્રે ઇન્સ્પેકટર પરમારની પોલીસ જીપમાં બેસીને હરમન અને જમાલ ધીરજભાઈની સોસાયટીની નજીક પહોંચ્યા હતા. હરમને ઇન્સ્પેકટર પરમારને જીપ સોસાયટીથી થોડે દૂર ઉભી રાખવાનું કહ્યું હતું અને ત્રણેય જણ ચાલતાં-ચાલતાં સોસાયટી તરફ જઈ રહ્યા હતા.

“સોસાયટીમાં જઈ શું કરવાનો તારો પ્લાન છે?” ઇન્સ્પેકટર પરમારે હરમનને પૂછ્યું હતું.

“સોસાયટીમાં જઈ પ્રેયસને મળીશું અને એની જોડે બેસીને ડોક્ટર બ્રિજેશનું સિતાર સાંભળીશું. હાલ પુરતો તો આટલો જ પ્લાન બનાવ્યો છે.” હરમને ચાલતાં-ચાલતાં ઇન્સ્પેકટર પરમારને કહ્યું હતું.

“બોસ, ખાલી સિતાર સાંભળવા માટે તમારે આટલી મોડી રાત્રે સોસાયટીમાં જવું હતું? સિતાર તો હું તમને યુટ્યુબ પર પણ સંભળાવી દઉં.” જમાલે હસતાં-હસતાં હરમનને કહ્યું હતું.

હરમને ગુસ્સાથી તેની સામે જોયું હતું.

“હરમન, ઘણીવાર તો મને તારો પ્લાન સમજાતો જ નથી. આપણી પાસે પૂરતા સબૂત છે એ સબૂતના માધ્યમથી સુરેશ પ્રજાપતિ, જ્યોતિ પ્રજાપતિ અને ધર્માનંદ સ્વામી વિરુદ્ધ FIR દાખલ કરી ત્રણેયને ધીરજભાઈના ખૂનના આરોપી તરીકે જેલ ભેગા કરી દઈએ. પરંતુ ખબર નહિ એમ કરવાની તું કેમ ના પાડે છે? આંખ સામેના આરોપીને તું આરોપી માનવા તૈયાર થતો નથી. ખબર નહિ એવી કંઇ કડી તું શોધી રહ્યો છે કે મને એ જ સમજાતું નથી.” ઇન્સ્પેકટર પરમાર પોતાની અંદરની ભડાસ હરમન પર કાઢી રહ્યા હતા ત્યારે સોસાયટીનો ઝાંપો આવી ગયો હતો.

ત્રણેય જણ સોસાયટીમાં દાખલ થયા અને ધીરજભાઈના બંગલા પાસે આવી હરમને બેલ વગાડ્યો હતો. પ્રેયસે દરવાજો ખોલ્યો હતો.

“ઇન્સ્પેકટર પરમાર, હરમન અને જમાલ ત્રણેય જણને જોડે આવેલા જોઈ પ્રેયસ થોડો અવઢવમાં પડી ગયો હતો. એણે પોતાની અવઢવ છુપાવી ત્રણેયને અંદર આવવા માટે આવકાર આપ્યો હતો.

“આપ ત્રણેય અત્યારે એકસાથે અહીંયા આવ્યા છો, તો ચોક્કસ અગત્ય નું કામ હશે.” પ્રેયસે ત્રણેયને બેસવા માટેનો ઈશારો કરતાં કહ્યું હતું.

“પ્રેયસ, આજે ઇન્સ્પેકટર પરમાર પોલીસ સ્ટેશનના કામમાંથી હમણાં જ ફ્રી પડ્યા એટલે એમણે મને કહ્યું કે એમને ડોક્ટર બ્રિજેશનું સિતાર સાંભળવું છે. પરમાર સાહેબ સંગીતના ખુબજ શોખીન છે. બસ આટલી જ વાત છે અને અમે ત્રણ અહીંયા આવી ગયા.” હરમને ઇન્સ્પેકટર પરમારના નામનું બીલ ફાડતાં કહ્યું હતું. ઇન્સ્પેકટર પરમાર ગુસ્સાથી હરમન સામે જોઈ રહ્યા હતા.

“પરમાર જેવા ઓરંગઝેબને સંગીતના શોખીન કહીને બોસ સંગીતનું અપમાન કરી રહ્યા છે.” જમાલ મનમાં બબડ્યો હતો.

“પ્રેયસ, ડોક્ટર બ્રિજેશના ઘરમાંથી સિતાર તમે સોસાયટીના બધા સભ્યો કેવી રીતે સ્પષ્ટ સાંભળી શકો છો? સોસાયટીના દરેક બંગલાઓ વચ્ચે તો ઘણું અંતર છે.” હરમને પ્રેયસને કુતુહલથી પૂછ્યું હતું.

“વાત એવી છે કે ધીરજકાકા એ ડોક્ટર બ્રિજેશને કહ્યું હતું કે એ જયારે સિતાર વગાડે ત્યારે સામે માઈક રાખે. એ માઈકનું કનેક્શન સોસાયટીમાં લગાડેલા સ્પીકરો સાથે જોડાયેલું છે. એટલે એ જયારે સિતાર વગાડે તો આખી સોસાયટીમાં સંભળાય છે. હું પોતે સંગીતનો શોખીન નથી પરંતુ એ જયારે સિતાર વગાડે ત્યારે મને પણ સાંભળવામાં ખુબ આનંદ આવે છે.” પ્રેયસે હરમન સામે જોઈ કહ્યુ હતું.

“પ્રેયસ, જે દિવસે ધીરજભાઈનું ખુન થયું એ દિવસે પણ ડોક્ટર બ્રિજેશ સતત સિતાર વગાડી રહ્યા હતા કે વચ્ચે થોડી મિનિટો માટે ઊભા રહ્યા હોય એવું બન્યું હતું ખરું?” હરમને પોતાના સવાલોની જાળ બિછાવતા કહ્યુ હતું. એ ઇન્સ્પેકટર પરમાર અને જમાલ સમજી ગયા હતા.

“ના.. કાકાનું ખૂન થયું એ દિવસે ડોક્ટર બ્રિજેશ સિતાર સતત વગાડી રહ્યા હતા અને વચ્ચે થોડી મિનિટો માટે કે થોડી સેકંડો માટે ઊભા રહ્યા હોય એવું ચોક્કસ બન્યું નથી.” પ્રેયસે એ દિવસની વાતને યાદ કરતાં કહ્યું હતું.

હરમન હજી પ્રેયસને આગળ સવાલ પૂછે એ પહેલા સિતારનો અવાજ બધાને સંભળાયો હતો.

“સિતારનો અવાજ આજે બહુજ ધીમો આવે છે. ડોક્ટર સાહેબ કોઈ નવો રાગ વગાડી રહ્યા છે.” પ્રેયસે હરમન સામે જોઈ કહ્યું હતું.

“કેમ.... તને એવું લાગે છે પ્રેયસ, કે સિતારનો અવાજ ધીમો આવે છે?” હરમને પ્રેયસને પૂછ્યું હતું.

“આમ તો ડોક્ટર સાહેબ સિતાર વગાડે છે ત્યારે સ્પીકરના કારણે આપણે બધાએ ખુબ મોટેથી વાત કરવી પડે. એટલું મોટેથી સંભળાતું હોય છે.” પ્રેયસે હરમનની સામે જોઈ કહ્યું હતું.

“પ્રોફેસર રાકેશ અને એમનો પરિવાર મુંબઈ ગયા છે અને મને કહીને ગયા છે કે તમે અથવા તો ઇન્સ્પેકટર પરમાર એમને કશું પૂછવા માંગો તો એમનાં મોબાઈલ ઉપર સંપર્ક કરી શકો છો. હું કાલે સવારે તમને ફોન કરીને આ સંદેશો આપવાનો જ હતો.” પ્રેયસે પ્રોફેસર રાકેશનો સંદેશો ઇન્સ્પેકટર પરમાર અને હરમન આપતાં કહ્યું હતું.

“સુધાબેન દેખાતાં નથી?” હરમને સાહજિક રીતે સુધાબેનને ન દેખાતા પૂછ્યું હતું.

હરમનનો સવાલ સાંભળી પ્રેયસ થોડો ખચકાયો હતો.

“કાકી એમના પતિ નાથુસિંહના ત્યાં ગયા છે.” પ્રેયસે થોડા સંકોચ સાથે કહ્યું હતું.

“પ્રેયસ ચાલ આપણે ડોક્ટર સાહેબના ઘર સુધી આંટો મારતા આવીએ. પરંતુ આપણે કોઈએ અવાજ કરવાનો નથી. જેથી ડોક્ટર બ્રિજેશને સિતાર વગાડવામાં ખલેલ પડે નહિ. માટે આપણે વાતો કર્યા વગર શાંતિથી જવાનું છે.” હરમને બધાને સુચના આપતાં કહ્યું હતું.

બધા શાંતિથી ધીરે-ધીરે ડોક્ટર બ્રિજેશના બંગલા પાસે પહોંચ્યા હતા. બંગલાની બહાર તાળું હતું અને બંગલાની અંદર અંધારું હતું. છતાં સિતારનો અવાજ આવી રહ્યો હતો.

હરમને પોતાના કાન સરવા કર્યા અને જે દિશામાં સિતાર વાગી રહ્યું હતું એ દિશામાં ચાલવાનું શરૂ કર્યું. ત્રણેય જણ એની પાછળ-પાછળ આવી રહ્યા હતા.

હરમન પ્રોફેસર સુનિતા ખત્રીનાં ઘર પાસે આવીને ઉભો રહ્યો. સિતારનો અવાજ એમના જ ઘરમાંથી આવી રહ્યો હતો. હરમન ધીમેથી ઝાંપો ખોલી બંગલામાં દાખલ થયો અને બાકી બધા બહાર ઊભા રહ્યા હતા. બંગલાના ઝાંપામાં પ્રવેશ કરી હરમન બંગલાની બારી પાસે આવ્યો હતો અને ખુલ્લી બારીમાંથી એણે અંદર ડોકીયું કર્યું હતું.

પ્રેયસને હરમનની આ હરકત અજીબ લાગી હતી.

પ્રોફેસર સુનિતા ખત્રી સિતાર વગાડી રહી હતી અને ડોક્ટર બ્રિજેશ દલાલ આંખ બંધ કરી સિતાર સાંભળી રહ્યા હતા. હરમન આ દ્રશ્ય જોઈ પાછો ધીમે-ધીમે બહાર આવ્યો હતો. ત્યારબાદ બધા ધીરજભાઈના બંગલે પરત આવ્યા હતા અને સોફા ઉપર બેઠા હતા.

નોકર બધા માટે આવીને ચા મુકી ગયો હતો.

“સિતાર ડોક્ટર બ્રિજેશ નહિ પણ પ્રોફેસર સુનિતા ખત્રી વગાડી રહ્યા હતા.” હરમને સોફા પર બેસતા કહ્યું હતું.

“પ્રોફેસર સુનિતા પણ ડોક્ટર બ્રિજેશ જેવું જ સિતાર વગાડી શકે છે એ જાણી આનંદ અને આશ્ચર્ય થઈ રહ્યું છે.” પ્રેયસે ચાનો કપ હાથમાં લેતાં કહ્યું હતું.

“ડોક્ટર બ્રિજેશ જેવું જ સિતાર વગાડી શકે છે? એ હું સમજ્યો નહિ.” હરમને પણ ચાનો કપ હાથમાં લેતાં પ્રેયસને પૂછ્યું હતું.

“અરે હરમન, તું પણ કેવો સવાલ કરે છે. પ્રેયસનો કહેવાનો મતલબ એ છે કે સુનિતાબેન પણ સિતાર વગાડી શકે છે.” ઇન્સ્પેકટર પરમારે ચાની ચૂસકી લેતાં કહ્યું હતું.

“ના.... ઇન્સ્પેકટર પરમાર મારો કહેવાનો મતલબ એવો છે કે જો હરમનભાઈ એ જઈને જોયું ના હોત તો હું માની શકું જ નહિ કે આ સિતાર ડોક્ટર બ્રિજેશ વગાડતાં નથી. સાચું કહું તો સુનિતાબેન અદ્દલ ડોક્ટર બ્રિજેશ જેવું સિતાર વગાડે છે એવું જ સિતાર કોપી ટુ કોપી વગાડી શકે છે.” પ્રેયસે ચોખવટ કરતાં કહ્યું હતું.

“સુનિતાબેનનું સિતાર સાંભળીને ખુબ મઝા આવી ગઈ. પ્રેયસ તું કોઈને કહેતો નહિ કે અમે આવ્યા હતા. સુધાબેનને પણ ખબર ના પડે કે અમે અહીં આવ્યા હતા અને એવું તું તારા નોકરને પણ સમજાવી દેજે.” આટલું કહી હરમન ઉભો થયો હતો.

ઇન્સ્પેકટર પરમાર અને જમાલ પણ હરમનની સાથે ઊભા થયા હતા અને બંગલાની બહાર નીકળી ચાલતાં-ચાલતાં જીપ પાસે પહોંચ્યા હતા.

બધા જીપમાં બેઠા અને ઇન્સ્પેકટર પરમારે જીપ ચાલુ કરી હતી.

“ઇન્સ્પેકટર પરમાર, આ કેસ માટે હું અલગ-અલગ જગ્યાએ જઈને થોડી તપાસ કરવા માંગુ છું. તમારી જરૂર હશે તો તમને ત્યાં બોલાવી લઈશ. કાલે રવિવાર છે અને પરમ દિવસે સોમવાર છે. હું સોમવાર સાંજે તમને પોલીસ સ્ટેશન આવીને મળીશ.” હરમને ઇન્સ્પેકટર પરમારને કહ્યું હતું.  

“ઇન્સ્પેકટર ચૌહાણ મને કહેતાં હતા કે જયારે તું કોઈ કેસ બાબતમાં તપાસ કરવા માટે ગાયબ થઇ જાય ત્યારે કોઈ ચોક્કસ પરિણામ લઈને આવે છે. અને માટે વધુ હું તને કશું પુછી રહ્યો નથી.” આટલું બોલી ઇન્સ્પેકટર પરમાર ચુપ થઇ ગયા હતા.

બોપલ પોલીસ સ્ટેશનથી હરમન અને જમાલ પોતાની ગાડી લઈ ઘરે જવાના બદલે ઓફિસે પહોંચ્યા હતા.  

ક્રમશઃ

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

-  ૐ ગુરુ