bhed bharam - part 7 in Gujarati Detective stories by Om Guru books and stories PDF | ભેદ ભરમ - ભાગ 7

The Author
Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

ભેદ ભરમ - ભાગ 7

ભેદભરમ

ભાગ-7

ડોક્ટરની શંકા સાચી કે ખોટી?


ધીરજભાઇ, હરમન અને જમાલ રાકેશભાઇના ઘરના ઝાંપામાંથી બહાર નીકળ્યા હતાં. ઝાંપાની બહાર નીકળ્યા પછી ધીરજભાઇએ હરમનને કહ્યું હતું.

"સામે થોડો દૂર જે બંગલો દેખાય છે એ બંગલા નંબર ત્રણ ડોક્ટર બ્રિજેશ દલાલનો છે. પચાસ વર્ષની આસપાસની ઉંમરના બ્રિજેશભાઇ ડોક્ટર તરીકે ખૂબ જ હોંશિયાર છે. હું એમની પાસે મારી ટ્રીટમેન્ટ કરાવું છું. એમની દવાથી મને ઘણી રાહત છે. મારું બ્લડપ્રેશર અને ડાયાબિટીસ એમની આપેલી દવાઓથી કાયમ નોર્મલ રહે છે." ધીરજભાઇ ચાલતા-ચાલતા હરમનને ડો. બ્રિજેશભાઇ વિશે માહિતી આપી રહ્યા હતાં.

પરંતુ હરમનનું મગજ બિસ્કીટવાળા ફેરિયામાં અટવાયેલું હતું એટલે એણે ધીરજભાઇની આખી વાત બરાબર સાંભળી નહિ. ત્રણેય જણા ડો. બ્રિજેશભાઇના ઝાંપા પાસે આવ્યા હતાં. ડો. બિજેશ દલાલે ઝાંપાની બહાર જ બેલ લગાડેલો હતો. ધીરજભાઇએ ઝાંપા પાસે મુકેલો બેલ વગાડ્યો હતો. નોકરે આવીને દરવાજો ખોલ્યો હતો. નોકરની પાછળ ત્રણેય જણ ઘરના ડ્રોઇંગરૂમમાં પ્રવેશ્યા હતાં. બરાબર એ જ સમયે ડો. બ્રિજેશ દલાલ દાદરો ઉતરીને નીચે આવી રહ્યા હતાં.

"આવો ધીરજભાઇ, આજે રવિવાર છે. પાર્ટી નથી રાખી?" ડો. બ્રિજેશભાઇએ હસતાં હસતાં ધીરજભાઇને પૂછ્યું અને બધાંને બેસવાનું કહ્યું હતું.

"રવિવાર હોય અને પાર્ટી ના રાખીએ એવું બને ખરું. આજે ખાલી પત્તા રમવાનો કાર્યક્રમ રાખ્યો નથી. બાકી સાંજે સાત વાગે પાર્ટી તો રાખી જ છે. તમે પણ આજે પાર્ટીમાં આવજો, ડોક્ટર સાહેબ." ધીરજભાઇએ પણ હસીને ડોક્ટરને આમંત્રિત કર્યા હતાં.

"ના ધીરજભાઇ, તમારી પાર્ટીઓ તમને જ મુબારક. મારે સવારે ક્લીનીક જવાનું હોય. પાર્ટી કર્યા પછી સવારે બાર વાગે ઉઠવાનું મને ફાવે પણ નહિ અને પોષાય પણ નહિ." ડો. બ્રિજેશભાઇ હજી હળવા મુડમાં જ હતાં.

"ડોક્ટર સાહેબ પાર્ટીની વાત પછી આપણે કરીએ. પહેલા હું આપની ઓળખાણ કરાવું. આ જાસૂસ હરમન છે. મેં આમને આપણી સોસાયટીની બહાર મુકવામાં આવતા વાસણો વિશે તપાસ કરવા માટે એપોઇન્ટ કર્યા છે. પોલીસ ખાતુ પણ એમની પાસે ક્રાઇમના કેસ વિશે માર્ગદર્શન લેતું હોય છે. મને થયું કે આ કેસ હરમનભાઇને આપીએ તો એનો ઝડપથી ઉકેલ આવી જશે અને એટલે જ આ કેસ મેં એમને સોંપ્યો છે. હવે હરમનભાઇ તમને કેટલાંક સવાલો પૂછવા માંગે છે. પરંતુ આપની ઇચ્છા હોય તો જ આપ જવાબ આપજો. કોઇપણ સવાલનો જવાબ આપવો ફરજિયાત નથી." ધીરજભાઇએ બ્રિજેશભાઇને કહ્યું હતું.

ધીરજભાઇએ પૂર્વભૂમિકા બાંધી હોવાના કારણે હરમન સીધો મૂળ સવાલ ઉપર આવ્યો હતો.

"ડોક્ટર સાહેબ, સોસાયટીની બહાર મુકવામાં આવતા વાસણો વિશે આપનું શું માનવું છે? આપ એવી કોઇ વાત જણાવી શકો કે જે વાત આપને અજૂગતી લાગી હોય?" હરમને ડોક્ટર બ્રિજેશભાઇ સામે જોઇ પૂછ્યું હતું.

હરમનનો સવાલ સાંભળી ડોક્ટર બ્રિજેશભાઇ વિચારમાં પડી ગયા હતાં. એ વખતે નોકર બધાં માટે ચા-નાસ્તો મુકી ગયો હતો.

"હરમનજી, આપ જાસૂસ છો અને હું ડોક્ટર છું. હું પેશન્ટની બિમારી જોઇને દવા આપું છું અને તમે ક્રાઇમસ્થળથી મળેલા સબુતો જોઇ કેસ ઉકેલો છો. મારી વાત બરાબરને?" ડોક્ટર બ્રિજેશે હરમન સામે જોઇ પૂછ્યું હતું.

"હા ડોક્ટર સાહેબ, બિલકુલ બરાબર વાત છે." હરમને ચાનો કપ હાથમાં લેતા કહ્યું હતું.

"બસ આ જ રીતે વાસણ એ ક્રાઇમસ્થળ પર મળતા તમારા માટે સબુત છે. એના ઉપરથી તમને ઘણી બધી માહિતી મળી શકશે. હવે હું તમે જે પૂછવા માંગો છો એનો જવાબ આપું. ધીરજભાઇ દર શનિ-રવિ સોસાયટીના ક્લબ હાઉસમાં પાર્ટી કરતા હોય છે. ગયા મહિને હું એક રવિવાર પાર્ટીમાં ગયો હતો. ત્યાં મને ધીરજભાઇએ એમના મિત્ર મહેશભાઇ સાથે ઓળખાણ કરાવી હતી. મહેશભાઇની જોડે એમના પત્ની પણ હતાં. જેમનું નામ સીમાબેન હતું. એ દિવસ પછી હમણાં અઠવાડિયા પહેલા મહેશભાઇ મારા ક્લીનીકમાં એમની સાથે એક બેનને લઇને આવ્યા હતાં અને એમણે મારી ઓળખાણ એ બેનને એમની પત્ની સીમાબેન તરીકે કરાવી હતી. બંન્ને સ્ત્રીઓ અલગ-અલગ હતી, કારણકે બંન્નેની ઉંમરમાં તફાવત હતો અને દેખાવમાં પણ બંન્ને જુદા હતાં. પાર્ટીમાં મળેલા સીમાબેન ત્રીસ વર્ષની આસપાસના હતાં અને દવાખાને જે પત્નીને લઇને આવ્યા હતાં એ ભારેખમ શરીર ધરાવતા પંચાવન વર્ષના સ્ત્રી હતાં. હવે તમે જ વિચારો આમ જોવા જાઓ તો કોઇ વ્યક્તિને બે પત્નીઓ હોઇ શકે. એક પત્ની ઘર સાચવવા માટે અને એક પત્ની બહાર પાર્ટીમાં લઇ જવા માટે. માણસ પાસે હદ કરતા વધારે પૈસા હોય તો આવા ખેલ એ કરે. પરંતુ બંન્નેનું નામ સીમા તો ના જ હોય અને કદાચ હોય તો મહેશભાઇને જ્યારે મેં આ સવાલ પૂછ્યો ત્યારે એ મને મળ્યા જ નથી અને મને પહેલી જ વાર અહીંયા ક્લીનીકમાં મળી રહ્યા છે એવું એમણે મને કહ્યું હતું અને જ્યારે અમારે વાતચીત થઇ રહી હતી ત્યારે એમના પત્ની કેબીનમાં હતાં નહિ. અમે બંન્ને એકલા જ હતાં છતાં પણ એમણે મને ખોટો પાડ્યો અને એમના કહેવા પ્રમાણે એ મને પહેલી જ વાર અહીં ક્લીનીકમાં મળ્યા છે એવું જણાવતા રહ્યા હતાં. હવે આ વાતનો તમે શું અર્થ કાઢો? મેં એનો મતલબ એવો કાઢ્યો કે કે આ સોસાયટીમાં કંઇક તો અજૂગતું થઇ રહ્યું છે એટલે મેં બે દિવસ પહેલા જ અહીંયાથી બંગલો વેચી નીકળી જવાનો નિર્ણય કર્યો છે અને આ વાત બે દિવસ પહેલા મેં ધીરજભાઇને જણાવી હતી. બિલ્ડર સુરેશ પ્રજાપતિ મારો બંગલો ખરીદવા તૈયાર છે પરંતુ ધીરજભાઇએ ના પાડી એટલે હું એને વેચવાનો નથી." આટલું બોલી ડોક્ટર બ્રિજેશ દલાલ અટકી ગયા હતાં.

ડોક્ટર બ્રિજેશ દલાલની વાત સાંભળી ધીરજભાઇ અચરજ પામ્યા હતાં.

"ડોક્ટર સાહેબ, કાલે રાત્રે તો આપણે વાત થઇ કે હવે તમે બંગલો વેચીને નહિ જાઓ. પાછો વિચાર તમારો બદલાઇ ગયો? અને તમે મહેશભાઇની વાત કરી તો મહેશભાઇને બે પત્નીઓ છે. એમની પહેલી પત્ની જેને લઇને તમારા ક્લીનીક ઉપર આવ્યા હતાં એનું નામ સીમા જ છે અને બીજી પત્ની જેની તમારી સાથે પાર્ટીમાં ઓળખાણ કરાવી હતી એનું નામ પણ કાયદાકીય રીતે સીમા જ કરાવી નાંખ્યું છે. હવે મહેશભાઇએ તમારી સાથે વાત કબુલ કેમ ના કરી એ વાતનો હું તમને જવાબ આપું. તમારી કેબીનમાંથી અવાજ બહાર જતો હોય છે. મહેશભાઇ લાઇનમાં બેઠાં હતાં એટલે એમને એ વાત ખબર હતી. હવે એ વખતે તમારી વાતમાં હા પાડી અને સ્વીકાર કરે તો બહાર બેઠેલા એમના પત્ની સાંભળી જાય અને ઝઘડો થઇ જાય. એમના પહેલા પત્ની ભારેખમ શરીર હોવાના કારણે ઘરમાંથી બહાર નીકળતા નથી. એટલે એમને બીજી પત્ની વિશે ખબર નથી. મહેશભાઇ કરોડોની સંપત્તિના માલિક છે પરંતુ એમને સંતાન ન હોવાના કારણે બીજા લગ્ન કર્યા છે. કાયદાકીય રીતે ભલે ખોટું હોય પરંતુ એમના મિત્રવર્તુળમાં બધાંને ખબર છે અને એ બંન્નેએ લગ્ન કર્યા ત્યારે અમે સાક્ષી તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. એટલે એમાં કંઇ સોસાયટી સાથે કે વાસણોની ઘટના સાથે લેવાદેવા નથી. મહેશભાઇની બે પત્નીઓ એ એમનો અંગત વિષય છે." ધીરજભાઇએ શાંતિથી ડોક્ટર બ્રિજેશને કહ્યું હતું.

"હા ધીરજભાઇ, તમારી વાત બરાબર છે. એ મહેશભાઇની પર્સનલ બાબત છે. પરંતુ હરમનભાઇ તમે માનો કે ના માનો મહેશભાઇ સાથે કોઇક તો ગડબડ છે, કારણકે ધીરજભાઇની પાર્ટીમાં આવે છે પરંતુ ધીરજભાઇને પસંદ કરતા નથી એવું હું તમને ખાતરીપૂર્વક કહી શકું. મારું મન આ ઘર છોડીને જવામાં માનતું નથી. પરંતુ મારી પત્ની જીયા અને છોકરાઓ અહીંયા રહેવા માટે તૈયાર નથી. બાકી આટલી સરસ જગ્યા છોડીને જવાનું મન ના થાય." ડોક્ટર બ્રિજેશે નિસાસો નાંખતા કહ્યું હતું.

જમાલ ડોક્ટર બ્રિજેશભાઇની બધી વાતો મોબાઇલમાં રેકોર્ડ કરી રહ્યો હતો.

ક્રમશઃ....

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું... - ગુરુ)