Gundagiri in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - ગુંડાગીરી

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

અંગત ડાયરી - ગુંડાગીરી

શીર્ષક : ગુંડાગીરી

©લેખક : કમલેશ જોષી

એક સવારે મારા ભાણીયાએ મને પૂછ્યું : "મામા, ગુંડો એટલે?" બાળકને થતાં પ્રશ્નો એકદમ મૌલિક હોય છે. વળી એના જવાબો પણ એના પોતાના લેવલેથી, એમની સીમિત સમજણના લેવલેથી જ આપવા પડે. ઘણી વખત આ કામ બહુ અઘરું બની જતું હોય છો. મેં કહ્યું, "ગુંડો એટલે બદમાશ, તોફાની." એ તરત જ બોલ્યો, "તો તો હું પણ ગુંડો છું ને? મમ્મી મને ઘણીવાર તોફાની કહે છે." મને એની નિર્દોષતા પર હસવું આવ્યું પણ મેં જોયું, એના ચહેરા પર નામોશી હતી. મને નવાઈ લાગી. ‘પોતે ગુંડો છે’ એ વાતનો અફસોસ એના ચહેરા પર દેખાતો હતો. કાશ, અફસોસની આ નાની અમથી સદભાવના, આજકાલના મોટી ઉંમરના, શેરીઓમાં-સોસાયટીઓમાં-સંસ્થાઓમાં ગુંડાગીરી કરતા મવાલીઓમાં, પ્રગટે તો એમનો અને સમાજ આખાનો ઉદ્ધાર થઈ જાય.

અજાણતાં જ મારા મનમાં થોડી કમ્પેરીઝન થઈ ગઈ. બાળપણમાં શિક્ષકે આપણને ઘણી વાર અંગુઠા પકડી ઉભા રહેવાની, ઉઠક બેઠક કરવાની, કાન પકડવાની કે વર્ગખંડની બહાર ઉભા રહેવાની સજા કરી હશે. આપણો ગુનો શું હોય? હોમ વર્ક ન કર્યું હોય અથવા ચાલુ કલાસે વાતચીત કરી હોય અથવા કોઈને પેન્સિલની અણી ખૂંચાડી હોય, પણ તોયે સજા ભોગવતી વખતે ભીતરે થોડો ખેદ જરૂર જાગ્યો હોય. મોર પ્રિસાઈઝલી કહું તો બાળપણમાં ગુનો કરવા બદલ ગર્વ, ગૌરવ કે પ્રાઉડ તો ફીલ ન જ કરતા. પણ આજ કાલ...

એક મિત્રે કહ્યું: શારીરિક ગુંડાગીરી કરતા માનસિક ગુંડાગીરી વધુ ખતરનાક હોય છે. ઇન્ટલએક્ચ્યુઅલ લોકોની ગુંડાગીરીથી આજનો સમાજ વધુ પીડિત છે. ગુંડાગીરી એટલે ઢીકા-પાટું અને ઢીસુમ ઢીસુમ એ વ્યાખ્યા તો જૂની થઈ ગઈ. આજકાલ વાણી, વર્તન અને વિચારોમાં જે મર્યાદાઓ ઓળંગીને ઉભા છે એ ગુંડાગીરી ચિંતાનો વિષય છે. આવો ગુંડો મોટી ઓફિસમાં બૉસ બનીને કે કોઈ સંસ્થામાં પ્રમુખ બનીને કે અધિકારી કે મંત્રી કે સંત્રી બનીને આખા સમાજને ડીસ્ટર્બ કરતો હોય છે. અફસોસ કે એને કોઈ અંગુઠા પકડવાનું કહી શકતું નથી.

એક વડીલે કહ્યું: સમાજના દરેક વ્યક્તિમાં દૈવત્વ અને દાનવત્વ થોડી થોડી માત્રામાં હોય જ છે. રાવણમાં પણ શિવભક્તિ કરવાનું દૈવત્વ હતું અને પાંડવોમાં પણ જુગાર રમવાનું દાનવત્વ હતું જ. સવાલ છે માત્રાનો. ગામ હોય ત્યાં ઉકરડો હોય જ. પણ ઉકરડો આખા ગામ કે અર્ધા ગામ જેવડો ન હોય. જેમ કમ્પ્યૂટરમાં રિસાયકલબીન હાર્ડડીસ્કની કેપેસીટીના દસ કે પંદર ટકા હોય એમ એક લિમીટ સુધી, તમારામાં રહેલી લિમીટ ઓળંગવાની વૃતિ (ઉર્ફે તોફાન કે ગુંડાગીરી) તો તમારામાં હોવી જ જોઈએ. તોફાની બાળક જ વધુ શીખે છે. આપણને ઓબ્જેકશન એ જ ગુંડાગીરી માટે છે જે એની લિમીટ ઓળંગે છે. અતિ સર્વત્ર વર્જયેત્...

એક મિત્રે કહ્યું: આજકાલ હથિયારો બદલાઈ ગયા છે, વધુ તીક્ષ્ણ બની ગયા છે. કોઈ લાકડી મારે એના કરતા સાત પેઢીના મ્હેણાં મારે એ વધુ ઘાતક હોય છે. કડવી વાણી, અપમાન જનક વર્તન અને ઝ્હેરીલા વિચારો એ આજના ગુંડાઓના લેટેસ્ટ વેપન્સ છે. આવા ગુંડાઓ (કે ગુન્ડીઓ) ને લીધે ઘર કે ઓફિસ એક અખાડા કે યુધ્ધના મેદાનમાં ફેરવાઈ ગયા છે. સમજોને કે દરેકના મગજ સાતમા આસમાને પહોંચી ગયા છે. સમજાતું નથી કે ‘સીને મેં ઝહર, આંખો મેં તૂફાન ક્યોં હૈ.. ઇસ શહરમેં હરેક શખ્સ પરેશાન ક્યોં હૈ...?’ માણસ-માણસ સામે ઘૂરકિયા કરતો બેઠો છે. પેલું પેટ્રોલના ટેન્કર પર લખ્યું હોય છે ને: હાઈલી ઇન્ફ્લેમેબલ...

ગુંડો આખરે ગુંડો કેમ છે? મેં એવું ઘણી વાર જોયું છે કે શેરી સોસાયટીમાં કે ગલી મહોલ્લામાં લુખ્ખાગીરી કરતા બદમાશોમાં પોલીસની જીપ જોઈને રગે રગમાં સજ્જનતા ફૂટી નીકળતી હોય છે. શું રોજે રોજ વહુને મેણા ટોણાં મારતી સાસુ જયારે વહુના પિયરીયા આવવાના હોય ત્યારે લાપસીના રાંધણ મૂકાવવા આગ્રહ કરતી હોય છે એવું એક વડીલ બહેન કહેતા હતા. શું ગુંડાગીરી ટેમ્પરરી હોય છે? યોગ્ય વ્યક્તિ અને યોગ્ય માહોલ હોય તો જ ગુંડાગીરી થઈ શકે? વિદ્યાર્થીને બૂમો પાડવા બદલ ઉઠબેસ કરવાની સજા કરતો શિક્ષક પ્રિન્સીપાલની તોછડાઈ કે બરાડા આગળ ખામોશ કેમ થઈ જાય છે? જોશથી સિસોટી વગાડીને તમે જે ટ્રાફિક નિયમ તોડનાર વ્યક્તિને અટકાવ્યો હોય એના સંબંધીનું નામ સાંભળી તમારામાં રહેલું જોશ કેમ ગાયબ થઈ જાય છે? આંખોમાં ભરેલી બહાદુરીની જગ્યાએ શિયાળ જેવું સ્મિત આપણે કાઢીએ છીએ ક્યાંથી? કુછ તો ગરબડ હૈ..

ગરબડ એ છે કે આજકાલ સાચો ગુંડો એ નથી જે નિયમ તોડે છે, ખૂંખાર ગુંડો એ છે જે નિયમ મુજબ ચાલે છે. બહાદુર સાસુ (કે વહુ) એ નથી જે મ્હેણાં-ટોણાથી ઘરનું ધનોત પનોત કાઢી રહી હોય, સંસ્કારી સાસુ (કે વહુ) એ છે જે વહુને (કે સાસુને) સપોર્ટ કરી ઘરમાં અષ્ટ સિદ્ધિ-નવ નિધિનો કાયમ વસવાટ થાય એવો માહોલ બનાવે છે. મૂછાળો જુવાનીયો એ નથી જે આખી શેરી માથે લઈને ફરતો હોય, સાચો મરદ એ છે જે આખા ઘરની જવાબદારી માથે લઈને ફરતો હોય. હિંમતની જરૂર નિર્વસ્ત્ર થઈ જવામાં નહિ, શોભે એવા વસ્ત્રો પહેરી રાખવામાં છે. સાચી તાકાતની જરૂર મધુર વાણી, પ્રસંગોચિત વર્તન અને પોઝીટીવ વિચારો સાથે જીવવામાં છે. ગુંડાગીરી કરવી જ હોય તો ભીતરી ઈગોને ભાંગીને ભુક્કો કરવામાં અને કામ-ક્રોધ-લોભ-મોહ-મત્સરના ટાંટિયા તોડી નાખવામાં કરીએ તો કદાચ ઈશ્વરનો સાક્ષાત્કાર પણ થઇ જાય.

લિમીટ ઓળંગવાની ગુંડાગીરીવાળી વૃતિ જો પોઝીટીવ દિશા પકડે તો ધાર્યા ન હોય એવા પરિણામ મળે. સ્વાતંત્ર્ય વીરોએ અંગ્રેજોએ બાંધેલી લિમીટ ઓળંગવાની ગુંડાગીરી કરી તો દેશ આઝાદ થયો. ક્રિકેટ ટીમે જયારે જયારે નિરાશા-હતાશાની લિમીટ ઓળંગી ત્યારે ત્યારે વર્લ્ડકપ જીતી લાવી. હમણાં જ કેટલાક ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિકમાં ગોલ્ડ કે સિલ્વર કે બ્રોન્ઝ મેડલ જીતવાની ગુસ્તાખી કરી આવ્યા હતા. દેશના લાખો દર્દીઓ, ડોક્ટર્સ, પોલીસ કર્મીઓ, સમાજ સેવકો અને ઘરમાં નિયમોનું પાલન કરતા બેસી રહેલી જનતાએ કોરોનાને હિમ્મતપૂર્વક ડામી દેવાની ગુંડાગીરી કરી છે. ઋષિઓએ-સંતોએ માનવ મર્યાદાઓની લિમીટ ઓળંગીને કરેલા કર્મો દેશને સદીઓ સુધી ભૂલાવાના નથી.

મેં જોયું. મારો ભાણિયો એની મમ્મી સામે કાન પકડી ઉભો હતો: "સોરી મમ્મી.. હું હવે ક્યારેય તોફાન નહિ કરું.. મારે ગુંડો નથી બનવું." એની મમ્મીની આંખો ઉભરાઈ આવી. એણે વ્હાલથી દીકરાના કપાળે ચુંબન કર્યું અને મીઠું હસતા બોલી "તારા જેવો ગુંડો ભગવાન સૌને આપે.." બાળકની ગુંડાગીરી માને પ્રસન્નતા આપતી હતી. શું લાગે છે? રિવોલ્વીંગ ચેર પર કે રાજગાદી કે ઘરના સોફા પર બેઠેલા ઇન્ટલએક્ચ્યુઅલ આપણે, આપણાંથી જાણતાં અજાણતાં થયેલી ગુંડાગીરી માટે કે આપણે ઓળંગેલી લિમીટ માટે, આજે મહા મહિનાની ગુપ્ત નવરાત્રિ ચાલે છે ત્યારે, બાળકની જેમ જગત જનની જગદંબા પાસે કાન પકડી, સાચા હૃદયથી માફી માંગવાની હિમ્મત કે મર્દાનગી દેખાડી શકીશું? ઓલ ધી બેસ્ટ.

- kamlesh_joshi_sir@yahoo.co.in