MOJISTAN - 77 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 77

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

મોજીસ્તાન - 77

મોજીસ્તાન (77)

ડોકટરે મુખ્ય ચર્ચાને ખોરંભે ચડાવીને સભાનો સમય બરબાદ કરવા માંડ્યો હતો. સ્ટેજ પર બેઠેલા આગેવાનોની કરમકુંડળી ગામલોકો સારીપેઠે જાણતા હોવા છતાં ડોકટર, એક પછી એકના વખાણ કરીને સૌને પ્યારા થવાની કોશિશમાં લાગ્યા હતા. હુકમચંદને માઇક તરફ ધસી આવતા જોઈ ડોકટરે ભાભાને પડતા મૂકીને તરત હુકમચંદને હાથ પર લીધા.

"તો ગામ લોકો, આપણા સૌના લોકલાડીલા સરપંચ હુકમચંદ ખરેખર હુકમનો એક્કો છે. તખુભા જેવા સિંહના મોઢામાંથી સરપંચનું પદ પડાવી લેનાર હુકમચંદ જેવા ચંદ લોકો જ લોકસેવા માટે જન્મ લેતા હોય છે.આ ગામની સિકલ થોડા જ વર્ષોમાં બદલી જવાની છે. આપ સૌના ઘેર પાણી ટૂંક સમયમાં જ આવી જશે.હાલમાં હુકમચંદે ઘણા કામ હાથ પર લીધેલા છે.સ્વભાવે એકદમ રંગીન અને કામમાં સંગીન એવા હુકમચંદનો આપણે જયજયકાર કરવો રહ્યો.બોલો હોંશિયાર નેતા હુકમચંદની જય....!"

વળી સભાએ આછો પાતળો જયજયકાર કર્યો.હુકમચંદની તારીફ થતી જોઈ તખુભા ઉભા થયા.

"અલ્યા દાગતર,તું અમારી નોંધ લેજે હો.આ ગામ માટે અડધી રાત્યે અમેય ધોડ્યા છીએ. છેલ્લા દહ પનર વરહથી અમે જ સુકાન સંભાળ્યું છે.હુકમચંદ તો હજી કાલ ઊગીને ઉભો થયો છે..!''

"આ પ્રસંગે ગામને પોતાનું આખું જીવન સમર્પિત કરી દેનાર તખુભાને કેમ ભુલાય. મારા એક જ ફોનથી અડધી રાતે ઉઠીને મદદ કરવા તેઓ દોડી આવ્યા હતા. લખમણિયા ભૂતને હાથોહાથ ઝડપી લેવા એમણે ઘણી મહેનત કરી હતી.એ તો એ વખતે એમના હાથમાં બંધુક હતી નહિ નહિતર ભૂતની લાશ પાડી દેતા એમને વાર ન લાગે.એવા શૂરવીર તખુભાનો પણ જેજેકાર થવો ઘટે.બોલો તખુભાનો જય.."

ગામલોકો હવે કંટાળ્યા હતાં. જેવીતેવી જે બોલીને લોકોએ તાળીઓ પાડી.એટલે ડોકટરે પાછું વળીને સ્ટેજ પર જોયું.રવજીને અને સવજીને તો એવી કોઈ આશા નહોતી પણ વજુશેઠ લાલ પીળા થઈ રહ્યાં હતાં. ડોકટરે એમની સામે જોઈ નેણ ઉલાળ્યા,

"બોલો વજુશેઠ, તમે ગામ માટે કંઈ કર્યું હોય તો જણાવો.મારા ધ્યાનમાં તો તમે ખાસ કંઈ ઘોઘો પછાડ્યો હોવાનું આવ્યું નથી..!''

"ભાઈ મારે મારા ખોટા વખાણ કરાવવાનો શોખ નથી.તું જે વાત કરવાની છે એ કર તો સારું હવે" વજુશેઠે ખિજાઈને કહ્યું.


"તો અમારા વખાણ કર્યા એ શું ખોટા હતા ? અમે આ ગામ માટે જાત ઘસી નાખી છે, શું વાત કરો છો !" તભાભાભાએ મોટેથી રાડ પાડીને કહ્યું.

"ગોર તમે મૂંગા મરો.તમારા ધંધા કેવા છે એની અમને ખબર છે..!" વજુશેઠ પણ ખરેખરા ત્રાસ્યા હતા.

''એટલે તમે કહેવા શું માંગો છો ?" તભાભાભા ખુરશીમાંથી ઉભા થઇ ગયા.

"જે કહેવા માંગતો હતો એ કહી દીધું.ગામને ઊંધા ગધેડે ચડાવાના આ બધા ધંધા છે.હું એક રૂપિયો પણ આપવાનો નથી." કહી વજુશેઠ પણ ઉભા થઈને સ્ટેજ પરથી નીચે ઉતરી જવા આગળ વધ્યા.

ભાભા સમજ્યા કે વજુશેઠ એમને મારવા આવી રહ્યા છે.એટકે એમણે વાંકા વળીને એમનું ચપ્પલ હાથમાં લીધું.

"આવી જાવ, આજ તમને બતાવી દવ.ગામ આખું બેઠું છે તો ભલે બધા આજ બ્રહ્મતેજનો તણખો જોઈ લે.."

એ જોઈ હુકમચંદ ઉભો.એને લાગ્યું કે આ બે ડોસલા કારણ વગરના ઝગડી પડશે. હુકમચંદને વજુશેઠ પાસે જતો જોઈ તખુભા સમજ્યા કે હુકમચંદ અને વજુશેઠ મળીને તભાભાભાને માર મારશે.એક દરબારની હાજરીમાં બ્રાહ્મણ માર ખાય તો તો એમને મેણું બેસી જાય કે બીજું કંઈ ?

તખુભાએ એકદમ ઉભા થઈને હુકમચંદનું બાવડું પકડ્યું.

"અલ્યા આમ તમે બેય મારી હાજરીમાં ભામણને મારશો ? આ કંઈ બાજવાનું ઠેકાણું છે ?આખું ગામ બેઠું છે ઈ ભાળતો નથી ?"

હુકમચંદ ઉભો રહી ગયો.તખુભા તરફ ફરીને એ બોલ્યો, "શું વાત કરો છો, હું ભાભાને મારવા નથી ઉભો થયો.આ તો એમણે ખાસડું કાઢીને હાથમાં લીધું એટલે સમજાવવા જાઉં છું.જુઓ એ આપણા વજુશેઠને મારવા ધસી રહ્યા છે.."

હુકમચંદે તખુભાનો હાથ એના બાવડાં પરથી હટાવીને તભાભાભાનો હાથ પકડ્યો.

"હાં હાં તભાભાભા, તમેય શું ભલા માણસ, આમ તે કંઈ હોય.છાનામાના ખાસડું હેઠું મુકો."


"ના ના એમ વજુશેઠ ઊભા થઈ જાય એમ ના ચાલે.અમારા વખાણ કરે તો એમને શેનું પેટમાં દુઃખે છે.અમે આ ગામ માટે જે કર્યું છે એના પાંચમા ભાગનુંય તારા વજુકાકાએ કર્યું નથી. અમારા કામમાં વિઘન નાખશે તો અમે શું જોઈ રે'શુ ? હાલી શેના નીકળ્યા છો ?" કહી તભાભાભાએ વજુશેઠ સામે ડોળા કાઢ્યા.

"લ્યો મારી લ્યો તમારી દાઝ ઓલવાતી હોય તો. આ ઉભા અમે,એમ કંઈ ફાટી નથી પડતા." વજુશેઠ પણ ગાંજ્યા જાય એમ નહોતાં.

તખુભાએ આગળ આવીને વજુશેઠનો હાથ પકડ્યો, " શેઠ એમ સાવ સભામાંથી ઉઠી નો જવાય.હાલો તમે ખુરશીમાં બેહો. હું બેઠો છું તાં લગણ કોઈને ઊંચુનીચુ થવાનું નથી.'' પછી તભાભાભા સામે જોઇને જરાક અવાજ ઊંચો કર્યો, " તમે બામણ થઈને આમ આખા ગામ સામે ખાહડું હાથમાં લેતા શરમાતા નથી ? બેહી જાવ છાનામાના નકર હવન,હવનના ઠેકાણે રે'શે અને તમે નકામા નંદવાઈ જાહો."

તખુભાની દરમ્યાનગીરીથી જરાક અમથી વાતમાં દેકારો થતો અટકી ગયો.તભાભાભા તખુભાથી અંદરખાને તો ડરતાં જ હતા.સ્ટેજ પર થયેલી આ માથાકૂટ જોઈ સભામાં પણ ખળભળાટ મચ્યો હતો.આગળની હરોળમાં બેઠેલા નગીનદાસ, હબો, જાદવ વગેરેએ બાંયો ચડાવી હતી.છેલ્લે ભૂત માટે થયેલી મિટિંગમાં સ્ટેજ પર ચડીને ચંચા જેવાઓએ પોતાની દાઝ કાઢી હતી.ટોળામાં કોણ કોને ઘૂસ્તાવી લે એ કોઈને ખબર રહેતી નથી.

આ બધો ગોટાળો જોઈ રવજી ઉભો થયો. ડોકટર પાસેથી માઇક લઈને એણે ડોકટરને કહ્યું, '' તમે ડોકટર છો કે ઊંટવૈદ્ય છો ? ગઈ વખતે પણ બફાટ કરીને બધાને બઝાડી માર્યા હતા.હજારવાર તમારું નાક વાઢયું છે,પણ તમે સુધરતા જ નથી.બધાના વખાણ કરવા અને જેજેકાર કરાવવા સાટું આ મિટિંગ નથી બોલાવી.આપણે એક સારું કામ કરવાનું છે. એમાં સારો ફાળો થાય એવી વાત કરવાને બદલે મનફાવે એવી અને સાવ ઢંગધડા વગરની વાતું કરીને ગોટાળા કરો છો. વડાપ્રધાન સભા કરે તો તમને વિનંતી કરે ? ભૂંડનું લીવર તમે માણહના શરીરમાં ફિટ કરશો ? અમને ગધેડા સમજો છો ? તમને શેનો એવોર્ડ મળ્યો છે ? ગોળા ઠોકવાનો ? હાલો આમ આઘા મરો. અમારે તમારી પાસે કોઈ ભાષણ કરવાવવું નથી"

ડોકટરને ધક્કો મારીને રવજીએ માઇક હાથમાં લીધું.

"સ્ટેજ પર બેઠેલા આગેવાનોને મારી વિનંતી છે કે શાંતિ રાખો.અને આગળની લાઈનમાં ઉભા થઇ ગયેલા બધા બેસી જાવ. એ નગીનદાસ બેસી જાવ.બેસી જા અલ્યા જાદવ.તું પણ હેઠો બેસ અલ્યા હબા.બેસી જાવ બધા.કોઈએ ડખો કરવાનો નથી.પાછળ ઉભેલા બધા પણ બેસી જાવ.''

રવજીની હાકલ સાંભળીને બધા પોતપોતાની જગ્યા પર બેસી ગયા.ડોકટર પણ લાંબી માથાકૂટ કરાવી ન શકવાના અફસોસ સાથે એક ખુરશીમાં છાનામાના બેસી ગયા.

પોચા સાહેબ આટલી માથાકૂટ ચાલતી હોવા છતાં શાંત હતા.એમણે બાબાની ચુંગાલમાંથી છટકવાનો વિચાર કરી લીધો હતો.

'જો આ બાબલના શરણે થઈ જઇશ તો આખી જિંદગી એ મારી જીવ ખાતો ફરશે. એનું નાનું મોટું બધું જ કામ મારે કરી આપવું પડશે. આ તભોગોર ભૂત કાઢવાનો જશ લઈને ગામમાં યજ્ઞ કરાવવા ઉભો થયો છે. આ દાગતર પણ એની જ જયજયકાર કરતો ફરે છે.રઘલો, હબલો અને ચંચિયો કાયમ મારી પાસે પગાર માંગશે. બાબલાની બીકે દોઢેક લાખમાં તો હું ઉતરી ગયો છું.હવે મેઈન પાટલાની ઊંચી બોલી મારી પાસે બોલાડાવીને હજી મને ખંખેરવો છે.આમ ને આમ તો મારી બધી મૂડી ખલાસ થઈ જશે. કાલ ઉઠીને મારો પગાર પણ માંગી લેશે તો હું શું કરીશ.સાલું આમાં ને આમાં હું ભિખારી થઈ જઈશ.મારા બયરી છોકરા હિસાબ માંગશે તો હું શું કરીશ. આના કરતાં હું મારો ગુનો કબૂલી લઉ. લખમણિયા ભૂતનું રહસ્ય છતું કરી દઉં તો તભો ખોટો સાબિત થઈ જાય.વિધી કરીને ભૂત ભગાડ્યું હોવાની ગોળી ગામને પીવડાવી છે એ ગામને ખબર પડે.ભાભો ક્યાંય મોઢું દેખાડવા જેવો પણ રહે નહીં.બાબલો પણ ગોત્યો નહિ જડે.ગામ પાસે હું માફી માંગી લઈશ.ભલે જે સજા કરવી હોય એ કરે પણ એકવારમાં કામ પૂરું થઈ જાય.બાબલાએ તખુભાની ને હુકમચંદની બીક બતાવીને મને કોથળામાં પુરી દીધો છે.પણ જો હું મારો ગુન્હો સ્વીકારી લઉ તો ગામમાં તભાભાભા અને બાબાના કારસ્તાન ખુલ્લાં પડી જશે.હા બરોબર છે.આમ જ કરવું પડે.ગુનો થતા થઈ ગયો એની સજા એક જ વાર ભોગવવાની હોય.આ તો જિંદગી આખી લોહી પી જશે.એના કરતાં ગામ જે સજા કરે એ ભોગવી લેશું.પણ કાયમનો ડખો ગરી જાય એવું તો ન જ થવા દેવુ જોઈએ.'

પોચા સાહેબે મન બનાવી લીધું.ભાભા અને બાબો એની ગેમના ગુમાનમાં હતા.રવજી માઇક પર બધાને શાંત કરી રહ્યો હતો.એ વખતે પોચા સાહેબ ખુરશીમાંથી ઉભા થઈને માઇક તરફ આગળ વધ્યા.એમને માઇક તરફ જતા જોઈને બાબાની આંખો પહોળી થઈ ગઈ.બાબાએ પોચા સાહેબની આંખોમાં મક્કમતા જોઈ .હમણાં સુધી ડરેલા લાગતાં પોચા માસ્તરના ચહેરા પર એકાએક હિંમત આવી ગયેલી જોઈને એ ઝડપથી ઉઠીને સ્ટેજ પર દોડ્યો.


પોચા સાહેબનો હાથ પકડીને બાબાએ હળવેથી કહ્યું, "શું કરો છો.કેમ ઉભા થયા છો.મુખ્ય પાટલાની જાહેરાત જ કરવાના છો ને ?"

"ના હું બીજી જ જાહેરાત કરવાનો છું.મને તારી મંગણીઓ હવે મંજુર નથી.મેં બધો વિચાર કરી લીધો છે.હું તને ને તારા બાપને ઉઘાડા પાડવાનો છું.ભલે ગામ મને ગોળીએ દે,પણ હવે મારાથી સહન થતું નથી.તું લાખ રૂપિયા પડાવી ગયો, હબલાના ગલ્લે કાયમ પાનમાવા પણ મારા પૈસે તારે ખાવા છે. ચંચાને ને રઘલાને મારા પૈસે તેં નોકરીએ રાખ્યા.બાબલા હવે જો આ બધું જ હું ગામને કહી દેવાનો છું.તારો ડોહો વિધિ કરીને ભૂત ભગાડ્યું હોવાની ડંફાસ ઠોકીને મોટો પંડિત હોવાની વાતું કરે છે,પણ હમણે બધું ધૂળધાણી કરી નાખું. તું જોઈ લે હવે.."

બાબાએ આવી ધારણા કરી નહોતી.સાલો આ પોચો માસ્તર એકાએક કઠણ થઈ જશે એવી ગણતરી એણે કરી જ નહોતી.સ્ટેજ પર બેઠેલા આગેવાનો બાબા અને પોચાશેઠ જે વાત કરી રહ્યા હતા એ તરફ જોઈ રહ્યાં હતા. તભાભાભાને બાબાએ એના પરાક્રમ વિશે જણાવ્યું નહોતું.ભૂત કાયમ માટે જતું રહ્યું હોવાનું બાબાએ કહ્યું એટલે તભાભાભાએ એમની રીતે જ દાવ ખેલ્યો હતો.પોચા માસ્તરની વાત સાંભળીને બાબાના ચહેરાનો રંગ ઉડી ગયો એ જોઈને એમને નવાઈ લાગી.

"પોચા સાહેબ, તમે યાર આવું ન કરો. એવું હોય તો હું તમને તમારા રૂપિયા પાછા આપી દઉં.મારી શરતો પણ પાછી ખેંચી લઉં,પણ તમે અમારી ઈજ્જત ધૂળમાં ન મેળવો." થોડીવાર પહેલા વાઘની જેમ ગરજતાં બાબાને બિલાડી જેવો થઈ ગયેલો જોઈ પોચા સાહેબને હસવું આવી ગયું. એમણે સ્ટેજ પર બેઠેલા બધાને સંભળાય એમ જોરથી રાડ પાડી,

"એ રૂપીયા તો તારે એમ પણ પાછા આપવા પડશે બાબલા.તું હજી ઊગીને ઉભો થયો છો.તારા મોઢામાં હજી દૂધ ગંધાય છે.ડુંટો પણ તારો હજી ખર્યો નથી ને તું તારી જાતને ચાણક્ય સમજી બેઠો છો.પણ આજ જો તને ને તારા ડોહાને અવળે ગધેડે નો ચડાવુ તો મારું નામ પોચા સાહેબ નહિ.ચલ હાથ છોડ મારો.."

સભાને શાંત રહેવાની અપીલ કરતો રવજી પોચા સાહેબનો અવાજ સાંભળીને અટક્યો. સ્ટેજ પર બેઠેલા આગેવાનો નવાઈ પામ્યા. તખુભાના ભવાં તંગ થયા. ભાભાનો ચહેરો ગુસ્સાથી લાલ થયો.વજુશેઠને અચરજ થયું.અને પોચા સાહેબે રવજીને હાથમાંથી માઇક લેવા હાથ લંબાવ્યો. રવજીએ યંત્રવત માઇક પોચા સાહેબને આપી દીધું.

પોચા સાહેબને બોલવા આવેલા જોઈ સભામાં ચાલતો ગણગણાટ શાંત થઈ ગયો. આખરે પોચા સાહેબ ગામના શિક્ષક હતા.

બાબો સમજી ગયો હતો કે પોચા સાહેબે એના વહાણમાં જે ગાબડું પાડ્યું હતું એ વહાણ ડૂબાડવાનું જ હતું.એણે પોચા સાહેબને અટકાવવાની કોશિશ કરી હતી પણ પોચાએ હવે કઠણ થઈ જવાનું નક્કી કરી લીધું હતું.પોચા સાહેબ પર વધુ પડતી આકરી શરતો લાદવા બદલ હવે એને પસ્તાવો થઈ રહ્યોં હતો.મુખ્ય પાટલા માટે દબાણ કરવા જેવું નહોતું.સાવ ગેરવ્યાજબી માંગણીઓને તાબે તો બિચારા પોચા માસ્તર થઈ ગયા હતા.તેમ છતાં બાબો મોળો ન પડ્યો એનું ખતરનાક પરિણામ આવવાનું હતું.


ડરી જનારને વધુ પડતા ડરાવવા જતાં આવું જ પરિણામ આવતું હોય છે.માણસ મરણીયો થઈ જાય ત્યાં સુધી એને સતાવવામાં આવે તો કોઈપણ વ્યક્તિ જીવ સટોસટની બાજી ખેલી નાંખતો હોય છે. કોઈપણ ચીજને એટલી તો ન જ ખેંચવી જોઈએ કે એ તૂટી જાય.એની કેપિસિટી હોય ત્યાં સુધી ખેંચો તો કદાચ એ ખેંચાઈ જતી હોય છે,પણ હદ ઉપરાંતનું ખેંચાણ એને તૂટી જવા મજબૂર કરતું હોય છે.બિલાડી ડરપોક હોય છે,એને ભગાડો તો એ ભાગી પણ જાય છે, પરંતુ જ્યારે ભાગવાનો કોઈ રસ્તો નથી રહેતો ત્યારે એ સામી થતી હોય છે. બાળકમાંથી તાજો જ યુવાન થયેલો બાબો જીવનની આવી આંટીઘૂંટી હજી સમજતો ન હતો. પોચા સાહેબ નામની બિલાડીને બંધ ઓરડામાં પુરીને એણે ડરાવી હતી, હદ કરતા વધુ ડરાવી હતી. હવે એ બિલાડી ઘુરકીને તરાપ મારવા અને બાબાના ગળે ચોંટવા તત્પર થઈ હતી.


હવે બાબાને ભાગવાનો વારો આવ્યો હતો. પણ બાબાએ જાતે જ એ ઓરડામાં બારણાં બંધ કરી દીધા હતા.લોભને કોઈ થોભ હોતો નથી. કદાચ એણે ભાભાને બધી વાત કરી હોત તો ભાભા એને આટલી હદ સુધી જવા ન દેત. તભાભાભા ભલે ઘમંડી હતા,ખોટો આડંબર કરીને ગપગોળા હાંકતા હતા,પણ કોઈ માણસ દુઃખી થાય તેવું તેઓ કદી કરતા નહિ.તભાભાભા પ્રભાવપ્રેમી માણસ હતા. ગામમાં એમને સદાય મહાન પંડિત તરીકે ઓળખાવું હતું.એ એમનો જન્મજાત દુર્ગુણ કહો કે આદત કહો.પણ કોઈ માણસને પોતાને કારણે સહન કરવું પડે એવું એ ક્યારેય કરતાં નહિ.કથા કરવા માટે યજમાન જે દક્ષિણા આપે એ પ્રેમથી સ્વીકારી લેતા. ક્યારેય એમણે વધુ દક્ષિણા મેળવવા આગ્રહ કર્યો નહોતો.અમુક ગરીબ લોકોને સાવ મફતમાં તેઓ ધાર્મિક વિધિ કરી આપતા. પેલો દક્ષિણા આપે તો પણ પ્રેમથી અસ્વીકાર કરતા.પણ જે પૈસાદાર હોય એને જરૂર ન હોવા છતાં વિધિ વિધાનના ચક્કરમાંથી છૂટવા દેતાં નહિ.

બાબો પોતાને બુદ્ધિશાળી સમજતો હતો.એ બુદ્ધિશાળી જરૂર હતો પણ ક્યારેક વધુ પડતી બુદ્ધિ, કુબુદ્ધિ સિદ્ધ થતી હોય છે. બાબા સાથે એવું જ થવા જઈ રહ્યું હતું.

હવે આ સભામાં હાજર રહેવું જરા પણ ઉચિત નહોતું.પોચા સાહેબ માઇક તરફ અને બાબો ભાભા તરફ આગળ વધી રહ્યાં હતાં.

બાબાએ ભાભાના કાનમાં જઈને કહ્યું, " જેમ બને તેમ જલ્દી ઘરભેગા થઈ જાવ. અહીં હવે આપણી આબરૂ લીલામ થઈને લિરેલિરા થવાની છે.ભૂતને ભગાડવામાં તમે કોઈ વિધિબીધી કરી નથી અને તમે ગામને ઊંધા રવાડે ચડાવી રહ્યાં છો એ પોચા માસ્તરને ખબર છે. પોચા માસ્તરે પોતે જ ભૂત ઉભું કર્યું હતું,એ હવે બધું જાહેર કરીને ગુનો કબૂલ કરવાનો છે.જલ્દી ઉઠો અને અહીંથી અદ્રશ્ય થઈ જાવ.." બાબાએ ખૂબ જ ટૂંકમાં આવનારી ઉપાધિની ઝલક ભાભાને આપી. બીજી જ મિનિટે એ પંચાયતમાંથી પોબારા ગણી ગયો.

ભાભાના માથામાં કોઈએ હથોડો ઝીંકયો હોય એમ એમની આંખો આગળ ઘડીભર અંધારું છવાઈ ગયું.તૂટી જાય એવા દોરડાના સહારે કૂવામાં ઉતરેલા વ્યક્તિને અડધે પહોંચ્યા પછી દોરડું તૂટવાનો ખ્યાલ આવે ત્યારે એની જે દશા થાય એવી દશા ભાભાની થઈ હતી.

(ક્રમશ:)