મારા પપ્પા
-રાકેશ ઠક્કર
વ્હાલા પુત્ર,
"મારા પિતાને મારા પ્રત્યે જરા પણ પ્રેમ નથી. ક્યારેય મારા સારા માટે એમણે વિચાર્યું નથી. મને એમણે પ્રેમથી ક્યારે બોલાવ્યો હતો એ યાદ નથી. કેમકે હંમેશા ગુસ્સાથી જ મારી સાથે વાત કરતા હતા. એમનો મારા દિલમાં ડર એટલો બધો હતો કે નાનપણમાં મને ઘણી વખત ચડ્ડીમાં થઇ જતું. હું કેમ એમનાથી આટલું ડરતો હતો એની મને ખબર ન હતી. બીજી તરફ મા મને પ્રેમ કરતી એટલે બધું સરભર થઇ જાય છે. મા મને પિતાના ગુસ્સા અને મારથી ઘણી વખત બચાવતી હતી. મને નવાઇ લાગી રહી છે કે મારી મા એમ માને છે કે પિતાને મારા પ્રત્યે બહુ પ્રેમ છે. એ તારા સારા માટે જ આમ કરે છે. મને આ વાત મજાક જેવી લાગે છે. કોઇ બીજાના સારા માટે ખરાબ વ્યવહાર કરી શકે? હું માને સન્માન આપતો હોવાથી સામી દલીલ કરવાનું ટાળું છું.
મારા પિતાને લીધે મારે સતત શિસ્તમાં રહેવું પડે છે. નિયમિત અભ્યાસ કરવો પડે છે. ક્યાંય મિત્રો સાથે ફાલતૂ વાતો ના કરી શકાય કે એમની સાથે કામ વગર જઇ ના શકાય. પિતાએ મારા પર અસંખ્ય નિયંત્રણો મૂકેલા છે. શું હું સાવકો પુત્ર હોઇશ કે મારી સાથે આવો વ્યવહાર કરે છે. સારું છે કે મા મને ખૂબ પ્રેમ કરે છે. પરંતુ ઘણી વખત એનું પણ પિતા સામે ચાલતું નથી. હું સમજણો થયો ત્યારથી જ પિતાની ડાંટ ખાતો આવ્યો છું. ધોલધપાટની પણ નવાઇ રહી નથી. ઘણી વખત એમના વિશે વિચારું ત્યારે મને કોઇ સરમુખ્ત્યારની યાદ આવી જાય છે. શું મારા પિતાનો મને ક્યારેય પ્રેમ મળશે નહીં? હું તેમનો ગયા ભવનો કોઇ દુશ્મન તો નહીં હોઉં ને? કે ગયા ભવમાં હું એમનો પિતા હતો અને એ મારા પુત્ર હતા ત્યારે મેં આવો વ્યવહાર કર્યો હશે એની મને આ જન્મમાં સજા મળી રહી છે? બીજાના પિતા તો કેટલા સારા છે. એમના બાળકો જે કહે તે લાવી આપે છે. જે કરવું હોય તે કરવા દે છે. પેલો શંકર કેવી મજાની બીડી તાણે છે! કહે છે કે એના કસ કસમાં મજા છે. ભૂલેચૂકે જો મેં એ કસ મારવાનો પ્રયત્ન કર્યો હોત અને એની જાણ પિતાને થઇ ગઇ હોત તો આખું ઘર માથે લીધું હોત.
એ દિવસે આખા ઘરમાં ધમાચકડી મચી જ ગઇ હતી ને? હું શાળાએથી મોડો આવ્યો હતો. મારા મિત્રો સાથે બેઘડી ગપ્પા મારવા ઉભો રહ્યો અને સમયનું ભાન જ ના રહ્યું. બે કલાક ક્યાં વીતી ગયા એની શરત જ ના રહી અને કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને વરસાદની તૈયારી થઇ ત્યારે સમયનો ખ્યાલ આવતાં ઘરે પહોંચ્યો ત્યારે બહારની જેમ અંદર પિતા ધોધમાર વરસવા માટે ઘેરાયેલા વાદળ જેવા તૈયાર હતા. તે દિવસે તેમણે મને અનેક વખત પૂછ્યું કે સાચું બોલ ક્યાં ગયો હતો? મેં સાચો જ જવાબ આપ્યો હતો પરંતુ એમને વિશ્વાસ આવ્યો ન હતો. એ મારા મિત્રો પાસે પણ માહિતી મેળવવા માગતા ન હતા. તેમને હતું કે મારા માટે એ જૂઠું જ બોલશે. એ તો સારું થયું કે ફળિયાના શનાકાકા તળાવની પાળ પર અમને વાતો કરતા અને હસતા જોઇ ગયા હતા. કોઇ કામથી એ જ ઘરે આવી પહોંચ્યા અને મારા સાક્ષી બન્યા ત્યારે મારો છૂટકારો થયો. આવા તો અનેક પ્રસંગો છે..."
હું આઠમા ધોરણમાં ભણતો હતો ત્યારે 'મારા પિતા' નિબંધમાં મેં આ બધી વાતો લખી હતી. મને એમ હતું કે આ વાંચીને મારા વર્ગશિક્ષક મારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવશે અને પિતાને વાત કરશે. જેથી તેમનો સ્વભાવ બદલાય. પણ વર્ગશિક્ષકે મારો નિબંધ વાંચ્યો હતો કે નહીં એની મને ખબર જ ન પડી. બધાંની નોટબુકની જેમ મારી નોટબુકમાં પણ એ નિબંધ પર ખરાની નિશાની કરીને આપી દીધી હતી.
હું કોલેજમાં આવ્યો ત્યાં સુધીમાં ઠાવકો થઇ ગયો હતો. એમનો સ્વભાવ થોડો નરમ જરૂર થયો હતો પરંતુ મારા પરનો તાપ તો એવો જ લાગતો હતો. હું માસ્ટર્સની ડિગ્રી મેળવવાની પરીક્ષા આપી ચૂક્યો ત્યારે જ એમનો દેહાંત થઇ ગયો. તે ઘણા મહિનાથી બીમાર રહેવા લાગ્યા હતા. માએ મને પછીથી કહ્યું કે એમને દિલની બીમારી હતી. મને થયું કે આવો સ્વભાવ હોય તો બીજું શું થાય? મને એમના પ્રત્યે જરા પણ માન ન હતું. એમના અવસાનથી મને પિતા ગુમાવ્યાનું જાણે કોઇ દુ:ખ થતું ન હતું. એક જાણી-અજાણી વ્યક્તિના અવસાનના દુ:ખ સિવાયની કોઇ લાગણી થઇ નહીં.
પિતાની તમામ અંતિમ વિધિઓ પૂર્ણ કરીને એક દિવસ હું અને મા બેઠા હતા ત્યારે મા બોલી:"બેટા, તારા પિતા જેવા તો આ દુનિયામાં કોઇના પિતા નહીં હોય..."
મારા હોઠ પર કટાક્ષમાં શબ્દો આવી ગયા હતા કે:"હા મા, એમના જેવા તો કોઇ નહીં હોય" પણ હું માના દિલને દુ:ખાવવા માગતો ન હતો. હવે જ્યારે પિતા ગુજરી ગયા છે ત્યારે એમના વિશે ખરાબ બોલવા કે વિચારવા માગતો ન હતો.
મેં જવાબમાં મારું વર્ષોથી રહેલું કૂતુહલ વ્યક્ત કરતાં કહ્યું:"મા, મારા માટે એ અલગ જ હતા. બીજાના પિતા જેવા એ મને કેમ ક્યારેય લાગ્યા નહીં?"
મા શાંત સ્વરે બોલી:'બેટા, કેમકે તું અલગ હતો. બાળપણથી જ તને એક બીમારી હતી. એનું નામ એટલું વિચિત્ર હતું કે મને ખબર નથી. તારી બુધ્ધિનો વિકાસ થાય એવી કોઇ શક્યતા ડૉકટરને દેખાતી ન હતી. તારું મગજ નબળું હતું. જેમ જેમ ઉંમર થતી જાય એમ તને કોઇ ગતાગમ પડવાની ન હતી. ડૉકટરે કહ્યું હતું કે જો તમારે મંદબુધ્ધિ ધરાવતા તમારા દીકરાને સામાન્ય માણસ જેવો બનાવવો હશે તો ક્રોધની અગ્નિમાં તપાવવો પડશે. એને સતત ટોકતા રહેવું પડશે. એના પર દબાણ બનાવેલું રાખવું પડશે. એક ખેડૂત પોતાના બળદને જેમ હાંકતો રહે છે એમ તમારે એની લગામ પકડીને પલોટવો પડશે. ત્યારે તારા પિતાએ એક કઠિન નિર્ણય લઇ લીધો કે આજથી હું એનો પિતા નહીં રહું. હું એનો સુધારક બનીશ. એમણે મને કહી રાખ્યું હતું કે મારાથી વધારે કઠોર બની જવાય તો તું બાજી સંભાળી લેજે. આપણે એને હોંશિયાર બનાવવો છે. કોઇનો આશ્રિત બને એવો રહેવો ના જોઇએ. અમને એમ હતું કે તું થોડીઘણી સમજ કેળવતો થાય તો ઘણું સારું હતું. તારા પિતાએ એ માટે તારા અળખામણા બનવાનું જોખમ લીધું. એ તને સતત ઠમઠોરતા રહ્યા. પોતાના પ્રેમને ટૂંપો આપીને તારું જીવન સારું રહે એ માટે મથતા રહ્યા..."
બોલતાં બોલતાં માની આંખોમાં આંસુ આવી ગયા. મારા હ્રદયનો બંધ પણ તૂટી ગયો અને મારી આંખમાંથી પશ્ચાતાપના પાણી વહી રહ્યા. મને અફસોસ જ નહીં મારી જાત પર તિરસ્કાર આવી ગયો કે મેં પિતાને કેવા ધાર્યા હતા. એમના વિશે કેવા ખોટા અભિપ્રાયો ધરાવતો હતો. એ ખરેખર મારા જીવનને ઉગારવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા અને હું એમને જલ્લાદ માની રહ્યો હતો.
"મા, તેં મને આ વાત પહેલાં કેમ ના કરી?" મેં માને પૂછ્યું.
"બેટા, તારા માનસિક વિકાસની પ્રગતિ બહુ ધીમી હતી. જો હું તને એમના વિશે સાચું કહી દઉં તો તું એમની વાતને માને નહીં અને ઉડાવી દે. તું એક સામાન્ય માણસ બનવાની શકયતાઓ ગુમાવી દે. હું તને એટલે જ ઘણી વખત સમજાવતી હતી કે પિતા તારા ભલા માટે જ આમ કરી રહ્યા છે. તું મનમાં ના લાવતો. પણ એ કહી શકતી ન હતી કે કયા ભલા માટે એમણે આ અવતાર લેવો પડ્યો છે. એમણે તારા પર નિયંત્રણો મૂક્યા અને સાથે સાથે તને સારા સંસ્કાર મળે એવો અભિગમ રાખ્યો હતો. અમને ખબર હતી કે તું તારું બાળપણ બીજા બાળકોની જેમ મન ફાવે તેમ હસીખુશી વીતાવી શકતો નથી. પરંતુ તારા સારા ભવિષ્ય માટે અમારે ખરાબ બનવું પડે એમ હતું..."
"બસ મા, હવે મને વધારે કંઇ કહીશ નહીં." બોલીને મેં મનોમન પિતાની માફી માંગી અને પ્રાર્થના કરી કે તેમના જેવા પિતા હરકોઇને મળે.
મારા પિતાને ખરેખર મારા માટે કેવો અઢળક પ્રેમ હશે કે તેમણે એને નફરતના રૂપમાં વ્યક્ત કરવો પડ્યો. એમના ઉપચારથી હું માનસિક રીતે વધુ સ્વસ્થ અને બુધ્ધિશાળી બન્યો. જ્યારે હું ડૉકટરને મળ્યો ત્યારે એમણે પિતાની પ્રશંસા કરી અને કહ્યું કે એક ડોકટર તરીકે હું હિંમત હારી ગયો હતો. તારા પિતાએ તને બીજો જન્મ આપ્યો છે.
મને થયું કે કાશ મારા પિતા વધુ જીવ્યા હોત અને હું સારો થયા પછી એમનો વધુ પ્રેમ પામી શક્યો હોત. પરંતુ મારા નસીબમાં કદાચ એ લખાયું નહીં હોય.
બેટા, આ પત્રથી મારા જીવનની ક્યારેય ના કહેલી આ વાતોના રૂપમાં તને જણાવી રહ્યો છું. કેમકે આજે તું એ સમયની મારી જગ્યાએ છે. આજે મને ખબર પડી છે કે તારા પુત્રને એટલે કે મારા પૌત્રને પણ તારા જેવી જ બીમારી છે. સારી વાત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં તબીબી વિજ્ઞાને સારી પ્રગતિ કરી છે. અને એનો ઇલાજ આધુનિક પધ્ધતિથી શક્ય છે. હું કેવા સમયમાંથી પસાર થયો હતો એનો તને ખ્યાલ આવે એ માટે જ આ પત્ર લખી રહ્યો છું. તું નસીબદાર છે કે તારે આવી કોઇ પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે નહીં અને તારી જેમ જ તારા પુત્રને એના પિતાનો પ્રેમ મળશે.
લિ. તારો પિતા