MOJISTAN - 72 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 72

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

મોજીસ્તાન - 72

મોજીસ્તાન (72)

દવાખાનાની પાછળના ભાગમાં બેઠેલા જગો અને નારસંગની ઊંઘ હવે સાવ ઉડી ગઈ હતી. એ લોકો હબાની રાહ જોઈ રહ્યાં હતાં.પણ હજી હબો ઘેર આવ્યો નહોતો. લખમણિયો ભૂત બંનેને માર મારીને જતો રહ્યોં હતો એટલે એ બંને થોડા ડરી પણ ગયા હતા.

"જગા હવે આપણે આંયા બેહવાનો કંઈ મતલબ નથી.હબો તો આવતા આવશે,પણ જો ભૂત ફરીદાણ આયુ તો મરી જહુ.માય ગિયું હાલ્ય ઘર ભેગીના થઈ જાવી..!'' નરસંગ હવે કંટાળ્યો હતો.એના બે પગ વચ્ચે જગાએ જે લાત મારી હતી એને કારણે હજી પીડા થઈ રહી હતી.

"હા હાલ્ય વયા જાવી.હુકમસંદ પુસે તો કય દેહુ કે ભૂત થિયુ'તું ને અમને માર્યા અટલે અમે ઘરે વ્યા જ્યા બીજું હું ! કાંય જીવના જોખમે નોકરો કરવો નથી.." કહી જગો પણ ઉભો થયો.

જગો અને નારસંગ ઉભા થઈને ગામ તરફ ચાલવા લાગ્યા. એ વખતે ટેમુ પણ નદીમાં ઉતરીને દવાખાના તરફ જઈ રહ્યો હતો.એ જ વખતે લાઈટ આવી જતાં નદીના પટમાં ઉજાસ છવાઈ ગયો.જગા અને નારસંગે એક માણસને નદીના પટમાંથી દવાખાના તરફ આવતો જોયો.
સ્વાભાવિક રીતે જ જગો અને નારસંગ એ હબો હોવાનું સમજ્યા.

"જગા ઓલ્યો આવે ઈ કોણ સે ? હબલો તો નહિ હોયને ! " નારસંગે દબાતા અવાજે કહ્યું.

"હબો હોય કે નો હોય,કોણ સે ઈ તપાસ કરી લેવી." કહી જગો ટેમુ તરફ ચાલ્યો.

ટેમુ પણ એ લોકોને પોતાની તરફ આવતા જોઈ ઉભો રહી ગયો.આટલી રાત્રે આ બે જણ ક્યાંથી ફૂટી નીકળ્યા એ એને સમજાતું નહોતું. ટેમુએ દવાખાના તરફ જવાને બદલે નદીના પટમાં ગામ તરફ ઉતાવળે ચાલવા માંડ્યું.

એને ગામ તરફ ફંટાતો જોઈ જગાએ રાડ પાડી, "અલ્યા કોણ છો એઈ.."

જગાની રાડ સાંભળીને ટેમુ ઉભો રહ્યો.રાડ પાડનાર કોણ છે એ જાણ્યા વગર પોતાની ઓળખ આપવાની એને ઈચ્છા ન થઈ.
એટલે ટેમુએ કહ્યું, " જાતો હોય ન્યાં વ્યો જા રાડયું પડ્યા વગર..હું ગમે તે હોવ તારે એ જાણવાની જરૂર નથી."

"જાવા દે ને, જે હોય ઈ. આપડે હાલવા માંડને! " નારસંગને માથાકૂટ કરવાની ઈચ્છા નહોતી.
પણ જગાને ટેમુનો જવાબ ગમ્યો નહિ.
'એક તો આટલી રાતે એ માણસ નદીમાં કેમ આવ્યો, અને આપણને જોઈને આડો કેમ ફંટાયો ? વળી,પાછો ઓળખાણ આપવાને બદલે વાઈડાય કરે સે' જગાને ટેમુના જવાબથી ગુસ્સો આવ્યો હતો.

"ઉભો રે એઈ..એમ નામ દીધા વગર તને જાવા નહિ દવ.ચોરી બોરી કરીન તો નથ આયો ને!''
કહી જગો ટેમુ તરફ ઉતાવળે ચાલ્યો.

"અલ્યા કીધું તો ખરા કે તું જાતો હોય ન્યાં વ્યો જા." કહી ટેમુએ વાંકા વળીને પથ્થર ઉઠાવીને જગા તરફ ઘા કર્યો.

દૂર સળગતી સ્ટ્રીટ લાઈટના આછા અજવાળામાં જગાનું નિશાન લેવુ શક્ય તો નહોતું પણ ટેમુના હાથમાંથી વછુટેલો નદીનો એ પાણકો જગાના કાન પાસેથી નીકળીને એની પાછળ જગાને રોકવા આવતા નારસંગના કપાળમાં ટીચાયો.

"હોય..હોય.. બાપલીયા..જગલા પકડ ઈને.. હાહરીનાએ મારુ કપાળ રંગી નાખ્યું.." નારસંગે રાડ પાડીને કપાળ દબાવ્યું.ટેમુને ખ્યાલ આવ્યો કે આગળ રહેલો વ્યક્તિ જગો છે.પણ એ હુકમચંદનો આદમી જગો ભરવાડ છે એ ટેમુને ખ્યાલ આવ્યો નહોતો.ગામમાં બીજા પણ બે ચાર જગદીશ હતા એટલે કયો જગો હોય એ નક્કી થઈ શજે એમ હતું નહિ.

ટેમુ હંમેશા 'પહેલો ઘા રાણાનો' એમ માનતો. લડાઈ કરવી જ પડે એમ હોય તો સમેવાળાનો પ્રહાર થાય ત્યાં સુધી રાહ જોયા વગર પહેલો પ્રહાર કરી જ દેવો ! માત્ર એટલું જ નહિ પણ પ્રથમ પ્રહારની પ્રતિક્રિયા જોયા વગર બીજો પ્રહાર પણ કરી જ દેવો.

ટેમુએ બીજો પથ્થર ઉઠાવીને કઈ બાજુ જવું એ નક્કી કરતા જગાને નિશાન બનાવ્યો.જગો નારસંગની રાડ સાંભળીને ઉભો રહી ગયો હતો.નારસંગનું માથું ફૂટ્યું હતું એ જાણીને એનો ગુસ્સો બેવડાયો હતો.નારસંગે પેલાને પકડવાનું કહ્યું હતું એટલે નારસંગ તરફથી એણે ટેમુ તરફ મોં ફેરવ્યું. એ સાથે જ એના કપાળમાં ટેમુના હાથમાંથી વછુટેલો પથ્થર ટીચાયો.

"ઉભો રેજે તારી જાતના... " કહી કપાળે હાથ દઈ જગો દોડ્યો.એ જોઈ ટેમુએ એક મોટો ગડબો ઉઠાવીને નદીની ગટરમાં ફેંક્યો.

ગટરસામ્રાજ્યનો માંધાતા કાદવમાં રાજકુંવરો અને રાણીઓ સાથે ટાઢી નિંદ્રા માણી રહ્યો હતો.એકાએક મોટો પથ્થર કાદવમાં આવી પડ્યો એટલે એ માંધાતા ડરુંક..ડરું..ડરું... ડરુંક... અવાજ કરીને સપરિવાર ઉઠ્યો.
જગાના કપાળે લોહી નીકળ્યું હોવાથી એ તેજ દોડી શકતો નહોતો.એટલે ટેમુએ બીજો પથ્થર ઉઠાવીને ડરુંક..ડરુંક.. અવાજની દિશામાં ફેંક્યો.કોણ જાણે કેમ પણ ટેમુના હાથમાંથી છુટેલા પથ્થરો અંધારામાં પણ નિશાન પાડતા હતા.માંધાતા હજી કઈ દિશા લેવી એ નક્કી કરે ત્યાંજ કાદવ ઉખેળવા વપરાતા એના ધૂંધાની બંને બાજુ નીકળેલા અણીદાર દાંત પર તડિંગ લઈને પથ્થર વાગ્યો.

ગટરકિંગે આવી રહેલા જોખમને પારખીને જોરથી ચીંચિયારી કરીને સમગ્ર ભૂંડસેનામાં ભાગઘોષ વહેતો મુક્યો.બીજી જ પળે જે તરફથી જગો દોડ્યો આવતો હતો એ દિશામાં એ ભૂંડે ડોટ મૂકી. એની ટોળીને પણ સેનાપતિને પગલે ચાલવામાં જ સલામતી હોવાની સદબુદ્ધિ હતી !

એક હાથ કપાળે દઈને દોડતા આવતા જગાની અજુબાજુમાંથી દસ બાર નાના મોટા ભૂંડ દોડીને ભાગી રહ્યાં હતાં.જગો ટેમુને પકડવાની ઉતાવળમાં હતો. અચાનક એના પગમાં એક ભૂંડ બચ્ચું ભરાયું.જગો ગડથોલિયું ખાઈને પડ્યો. નારસંગ થોડે દુર કપાળમાં હાથ દાબીને બેઠો હતો.આજ એની પુરી કઠણાઈ બેઠી હતી.

જગો પડ્યો એ જોઈ ટેમુ એની પાસે દોડી આવ્યો.જગો હજી બેઠો થઈ રહ્યો હતો ત્યાં જ એના પડખામાં ટેમુએ લાત ઠોકી.

"કીધું'તું ને ? જાતો હો ન્યાં જા.મેં તને પૂછ્યું'તું કે તું કોણ છો ઈમ ? તારે પંચાત કરવાની જરૂર શું હતી...? " કહી ટેમુએ બીજી લાત જગાના ઝડબા પર ઠોકી.જાડા ચામડાના બુટ નીચે ઘોડાની નાળ લગાવેલા જોડા ટેમુએ પહેર્યા હતા.જગાના ઝડબા પર એ જોડાની નાળનો ફટકો વાગતાં જગો બરાડી ઉઠ્યો.એને ફરી લખમણિયાનું ભૂત જ આવ્યું હોવાંનો વહેમ પડ્યો.

''લખમણિયાભાઈ..મારી ભૂલ થઈ બાપુ..મને નો મારશો ભાઈશાબ, મને જાવા દયો.'' જગાએ બે હાથ જોડીને ટેમુને વિનંતી કરી.

જગો પોતાને લખમણિયો ભૂત ધારે છે એ ટેમુ તરત સમજી ગયો.એટલે થોડીવાર પૂરતું લખમણિયાનો રોલ કરી લેવાનું ટેમુને સૂઝી આવ્યું..

"હુંહ હુંહ હુંહ...હહહહ...હવે ભાન થઈ ને ? તું કોણ સો અને આંય શું તારા બાપનું સોલાવતો'તો ઈ મોઢામાંથી ભસ્ય" ટેમુએ તરત અવાજ ઘોઘરો કરીને ઘાંટો પાડ્યો.

'' હું તો જગો ભરવાડ છવ.અને ઓલ્યો બેઠો ઈ મારો જોડીદાર નારસંગીયો..અમને હબલાનું ધ્યાન રાખવા સર્પસે દવાખાનાના ઓટલે બેહાડયા'તા.ઘડીક પેલા તો લખમણિયાભાઈ તમે અમને બઝાડી નોતા માર્યા ? મને ને નારસંગિયાને લાફાવાળી કરીન તમે તો ભાગી જ્યાં પણ અમી ઈમ હમજયા વગર માંય માંય બાઝી પડયા. માંડ છુટા પડીન ધીરે જાતા'તા તાં વળી તમને ટપારવાની કમત્ય હુજી..તમે કીધું કે જાતો હો ન્યાં વ્યો જા પણ હું વળી વાયડીનો થ્યો..હવે ભૂલ માફ કરી દયો લખમણિયાભાઈ..બે હાથ ને તીજુ માથું તમારા પગમાં નમાવી દવ સુ.મારે હજી સોકરા નાના સે..મને જાવા દયો ભાઈશાબ."કહી જગો ટેમુના પગમાં માથું નાખીને લાંબો થઈ ગયો.

એ જોઈ ટેમુને હસવું આવી ગયું.છતાં હજી આ જગાને સાવ એમ જ છોડી દેવો એને ઠીક ન લાગ્યો. જગાના વાળ પકડીને ટેમુએ એના ગાલ પર એક તમાચો ઝીંકીને ફરી બરડો પાડ્યો.

"જા જગલા..આજ તો તને જાવા દવ સુ.પણ હવે જો ચ્યાંય ભટકાણોને તો જીવ લઈ લશ હમજ્યો..હું લખમણિયો ભૂત તને મારી ભૂતટોળીમાં ભેળવી દશ.જા હવે ઓલ્યા નારસંગને એક લાફો મારીન ઘર ભેગીનો થઈ જા.જો તું નારસંગને લાફો નઈ માર્ય તો હું તારા ટાંટિયા ભાંગી નાખીશ.."

દૂર બેઠેલો નારસંગ ટેમુ અને જગાના સંવાદ સાંભળતો હતો. ભૂત ફરીવાર ભટકાયેલું જોઈ એ ગભરાયો હતો.લાફો મારવાની વાત સાંભળી એ ઉઠીને નદીના પાળા તરફ ભાગવા માંડ્યો.

એ જોઈ જગો પણ ઉભો થઈને બોલ્યો, "ઉભો રે લ્યાં.. એક લાફો મારી લેવા દે.. લખમણિયાભાયે કીધું સે અટલે છૂટકો નથ.."

"જા ઝટ ધોડવા મંડય,હું વાંહે આવું સુ.જો તું ઈને લાફો મારી નય હકય તો તારા ટાંટિયા તો જ્યા જ હમજજે " ટેમુએ જગાને ધક્કો મરતા કહ્યું.

એ સાંભળીને જ જગાએ દોટ મૂકી.એ વખતે નારસંગ નદીનો પટ વટાવીને પાળો ચડી રહ્યો હતો.

*

જગો અને નારસંગ ગયા પછી ટેમુએ દવાખાના તરફ કદમ ઉઠાવ્યા.દવાખાનાનો ઓટલો ચડીને ટેમુ થોડીવાર ઉભો રહ્યો.

'ડોકટર તો એમના કવાટરમાં જતા રહ્યાં છે; તેમ છતાં હજી બીજું કોઈ દવાખાનામાં છુપાયું હોવાનો વ્હેમ કદાચ બાબાને હશે એટલે જ એણે મને અહીં નજર રાખવા બોલાવ્યો હોવો જોઈએ.'

ટેમુ દવાખાનાનો દરવાજો ઠોકવો કે નહીં એ નક્કી કરી શકતો નહોતો.અંદર રહેલો ડોકટરનો સાથીદાર લખમણિયાનો રોલ કરતો હોવાની શક્યતા ટેમુને લાગી રહી હતી.થોડીવાર કંઈક વિચારીને એણે દરવાજા પર હળવેથી ટકોરા માર્યા.

નર્સ ચંપાને હવે છેક સવારે ઉઠવાનું હોવાથી એ ડોકટરની કેબિનના સોફા પર સુઈ ગઈ હતી.હજી હમણાં જ ડોકટર પ્રેમ કરીને ગયા હતા.ડોકટરે જોકે એમના કવાટર પર આવી જવા કહ્યું પણ ચંપાને કવાટર પરનો કડવો અનુભવ યાદ હતો.ગમે ત્યારે ડૉક્ટરને બોલાવવા આવી જતું.આવડા મોટા ગામમાં ગમે તેને ગમે ત્યારે તકલીફ થતી.અને ચંપાને કવાટરમાં પકડાઈ જવાનો ડર રહેતો.

દવાખાનાના મેઈન ડોર પર પડેલા ટકોરાનો અવાજ નર્સ ચંપાએ સાંભળ્યો.

"હજી તો હમણાં જ ગયા છે ત્યાં ફરીવાર ? આને તો ધરવ જ નથી.ઘરડો થયો તોય હાળો ઘોડા જેવો છે." એમ બબબડતી ચંપા દરવાજા પાસે આવી.

ડોકટર આવ્યા હોવાનો વહેમ હોઈ ચંપા દરવાજાનો આગળો ખોલીને તરત જ ડોકટરની કેબિનમાં જઈને સોફા પર સુઈ ગઈ.ટકોરા મારીને ઉભેલા ટેમુએ દરવાજો ખુલવાનો અવાજ સાંભળ્યો,પણ દરવાજો ખુલ્યો નહોતો.ટેમુએ હળવેથી એ બારણાંને ધક્કો માર્યો.અંદર ઘમઘોર અંધારુ હતું.આપમેળે દરવાજો ખુલી ગયો એ જોઈ ટેમુ અચરજ પામ્યો; 'સાલું દરવાજો કોણે ખોલ્યો ? અંદર કોઈ હોય એવું લાગતું તો નથી..'

ધીરે રહીને ટેમુએ દવાખાનાની અંદર પગ મૂક્યો.અંદરના અંધારાને દૂર કરવા ટેમુએ મોબાઈલની ફ્લેશલાઈટ ચાલુ કરી.રિસેપ્શન ટેબલ અને દર્દીઓને બેસવા માટેના બાંકડા અને દવાઓના ડબ્બા ભરેલા કબાટ પર ટેમુએ ફ્લેશલાઈટનો પ્રકાશ ફેંક્યો.

''હે..એ..એ....લો...ઓ...ઓ.... કોઈ છે કે અહીં ? હે..એ...એ..." ટેમુ હળવેથી બોલ્યો. એનું ફરિવારનું હેલો પુરૂં થાય એ પહેલાં જ બાંકડા નીચેથી એક બિલાડી મીંયા..ઉં..કરતી કૂદીને રિસેપ્શન ટેબલ પર ચડી.જાણે ટેમુના સવાલનો જવાબ ન આપતી હોય !

મોબાઈલની ફ્લેશ લાઈટમાં એ બિલ્લીની આંખો ચમકી રહી હતી.ટેમુના પેટમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું.

"ચલ હટ... સાલ્લી બિલ્લી..!" ટેમુએ બિલ્લી ભગાડવા હાથ ઉગામ્યો; પણ બિલ્લી તો જાણે ટેમુને ભગાડવા માંગતી હોય એમ સામે ઘુરકી.

''સાલ્લી મારી સામી થાય છે ? ચલ હટ..!" ટેમુએ જોરથી બોલીને હવામાં હાથ વીંજ્યો. પણ બિલ્લીએ, રાત્રે આ દવાખાનાની મહારાણી હોય એમ બે પગે ઊંચી થઈને ઘોઘરા અવાજે મ્યાંઉં કર્યું.

"ઓકે..ઓકે...બેબી..નો પ્રોબ્લેમ.ડિસ્ટર્બ કરવા બદલ સોરી..!" કહી ટેમુએ બિલ્લી પરથી ફ્લેશ લાઈટ હટાવી લીધી.

બિલ્લીને ભગાડવામાં નિશ્ફળ રહેલા ટેમુએ અવળું ફરીને ડોકટરની કેબિન પર ફ્લેશલાઈટ ફેંકી.કેબિનના દરવાજે ઉભેલો સફેદ ઓળો જોઈ ટેમુના પગ ધ્રુજવા લાગ્યાં..!

(ક્રમશ :)