MOJISTAN - 62 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 62

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

મોજીસ્તાન - 62

મોજીસ્તાન (62)

ડો.લાભુ રામાણીએ બોલાવેલી સભામાં થયેલા દંગલને કારણે વજુશેઠ,તભાભાભા અને હુકમચંદ ઘાયલ થયા હતા. હુકમચંદે જાણી જોઈને તભાભાભાના પગને કચરી નાંખ્યો હતો.સ્ટેજ પર ચડેલા ટોળામાં સામેલ થઈ જઈને ચંચાએ છાનામાના હુકમચંદને ટપલીદાવ કરી લીધો હતો.વજુશેઠ પણ ગબડી પડ્યા હોવાથી એમની કમરમાં દુખાવો થઈ ગયો હતો.

બધું માંડ થાળે પડ્યું ત્યારે ડોકટર ત્યાંથી નાસી ગયા હતા.

ડોકટર લાભુ રામાણીએ રચેલી પ્રેમજાળમાં ફસાયેલી નર્સ ચંપા,જીવનમાં નવું પ્રભાત ઊગ્યું હોવાથી બહુ ખુશ હતી.ડોકટર એને દસ લાખ રૂપિયા આપવાના છે એમ માનીને એણે પોતાના માટે નવા વસ્ત્રો અને નવા ચપ્પલ પણ ખરીદી લીધા હતા.સોનીને ત્યાં જઈ એક બે આભૂષણોનો ઓર્ડર પણ એ કમક્કલ સ્ત્રી આપી આવી હતી.

સરકારી દવાખાનામાં હવે એનો રોફ પણ વધ્યો હતો.ડોકટર કરતાં પણ વધુ દોર દમામ એ ચલાવવા લાગી હતી.ગામલોકોએ ચંપાના વાત અને વર્તનમાં આવેલા ફેરફારની નોંધ લેવાનું શરૂ કર્યું હતું.

*

બરવાળાની સડકના ખાળીયામાં પડેલા પશવો અને રઘલો છેક સવારે ભાનમાં આવ્યા ત્યારે નવ વાગ્યા હતાં. પહેલા જાગેલા પશવાએ બાજુમાં જ ઊંધેકાંધ પડેલા રઘલાને ઢંઢોળીને જગાડ્યો.બંનેના મોં અને હાથપગ પર ઉઝરડા પડ્યા હોવાથી ચામડી બળતી હતી.બંનેના માથામાંથી વહેલું લોહી પણ જામી ગયું હતું. માથા ફૂટ્યાં હોવાથી માથામાં સબાકા પણ આવતાં હતાં. ગઈકાલે રાત્રે જે બન્યું હતું એ યાદ આવતા જ રઘલો સફાળો બેઠો થયો હતો.પોતે ચંપાને છાતી સાથે ચાંપવા જ જતો હતો ત્યારે આ પશવાએ જ પહેલા જવાનો આગ્રહ કરીને એને અટકાવ્યો હતો.પછી ડોકટરે બંનેને અંદરો અંદર લડાવી માર્યા અને છેવટે ઈન્જેકશન મારીને બેભાન પણ કરી નાખ્યા હતા એ બધું જ રઘલા અને પશવાને યાદ આવ્યું હતું.

"તારી જાતના હલકટ,ઘડીક ઠાર મર્યો હોત તો ઈ દાગતરને જોઈ લેવાત.વારાફરતી લાભ ચ્યાં નો'તો લય હકાતો..તારી જેવા લબાડ હાર્યે હું આયો ઈના કરતા એકલો જ આયો હોત તો ઈ દાગતરના બચ્ચાંને ને ઓલી નર્સની બચ્ચીને હું જોઈ લેત..પણ તું હાળા ખહુરિયા કૂતરાં જેવો સો.." પશવાએ આમ કહી રઘલાના ગાલમાં બે ચાર ગોદા મારી લીધાં.

રઘલો આ બધું સાંભળીને અકળાયો, "હવે તું બવ વાયડીનું થિયા વગર બેહ સાનુમાનું.તારામાં અક્કલનો એક છાંટો પણ બળ્યો હોત તો આપડી આ દશા નો થાત..હવે વધારે લબલબાટી કરતીનો નય નકર મારીને આંય ને આંય ડાટી દેતા મને વાર નય લાગે..બળધિયા,તેં મને લાકડાનો ફટકો માર્યો.."કહી રઘલાએ પશવાનો કાંઠલો પકડ્યો.

"તો તેંય ઓલી નરસે તને લોઢાનો દસ્તો દીધો અટલે મારા માથામાં ઝીંકયો જ તો ને ! કાંઠલો મુકય નકર જોવા જેવી થાશે..!" કહી પશવાએ રઘલાને ધક્કો માર્યો.

લડાઈ વધુ ચાલી હોત, પણ એ જ વખતે રોડ પર પોલીસ જીપ આવીને ઉભી રહી.

"આ રહ્યાં બેય,પકડો સલ્લાઓને.અડધી રાત્યે આધેડ ડોકટરની એકલતાનો લાભ લઈને ઈજ્જત લૂંટવા ગયેલા આ બેય હરામખોરો
અહીં સંતાઈ ગયા છે..!" જીપમાંથી ઉતરેલા હવાલદાર રઘુએ જોરથી કહ્યું.

રઘલો અને પશવો કંઈ સમજે એ પહેલાં ચાર પોલીસ ખાળીયામાં ઉતર્યા.બંનેને બબ્બે ઝાપટ ઠોકીને ખાળીયામાંથી બહાર કાઢીને જીપમાં ચડાવવામાં આવ્યાં.

ચંપાને બરવાળા ઉતારીને અમદાવાદ જવા રવાના થયેલા લાભુ રામાણીએ બરવાળાના નવા પી.આઈ.અને પોતાના ખાસ દોસ્ત
સોંડાગર સાહેબને ફોન કરીને રઘલા અને પશવા વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી. બંનેને પોતે કેવી ચાલાકી વાપરીને ખાળીયામાં નાખી દીધા હતા એની કાલ્પનિક કથા પણ ગળે ઉતરે એવી ભાષામાં સમજાવી હતી. અમદાવાદ જતા પહેલા એ બંને હરામખોરોનો ખેલ પૂરો કરવો જરૂરી હતો.ઈન્સ્પેકટરને ફોન કરીને ડોકટર હાઈવે પરની એક હોટલમાં ચા નાસ્તો કરવા બેઠા હતા.

રાતના અંધકારમાં ડોકટરની એકલતાનો લાભ લેવાનો પ્રયત્ન કરવા બદલ રઘલા અને પશવાને ઢોર માર મારીને લોકઅપમાં પુરી દેવામાં આવ્યાં.એ બંનેએ એ રાતે બનેલી ઘટના કહેવાની કોશિશ કરી હતી.પણ એ વાત સાંભળીને સોંડાગર સાહેબ વધુ ખીજાઈ ગયા,બે ચાર લાફા મારીને ધમકી પણ આપી હતી કે ''ખબરદાર જો આવી હલકી વાત કરી છે તો.એક તો ડોકટરની આબરૂ ઉપર હાથ નાંખ્યો અને પાછા એની આબરૂ જાય એવા આરોપ નાખો છો ? જીભડી ખેંચી લેવામાં આવશે જો ડોકટર અને ચંપાનું નામ લીધું છે તો !''

પશવો અને રઘલો ધીસ ખાઈ ગયા.ફૂટેલા માથા અને ગઈ રાતના ભૂખ્યાં થયેલા બંને સોટા અને ગડદા પાટા ખાઈ ખાઈને બોલી શકે એવી હાલતમાં પણ રહ્યાં નહોતાં. રઘલાને ધાધર વલુરી શકાય એટલી પણ શક્તિ ન રહેતા એણે બાજુમાં પડેલા પશવાને કહ્યું, "યાર, પશવા જરીક ખંજોળી દે ને મારો ભાય.. બે પગ વસાળે બવ ખંજોળ આવે સ,પણ હહરીનાવે મારી મારીને હાથપગ ઢીલા કરી નાયખા સ.."

"મૂંગીનો રે..તારી જાત્યના.. હાલી હું નીકળ્યો સો..હું તારી ધાધર વલુરું ઈમ ? હવે સે ને દાગતરનું નામ લેતો નય..નકર હજી મારશે..
હવે તારો ડોહો આપણને કોક સોડાવવા આવે તો હારું.."

પશવો એ વાક્ય બોલી રહ્યો એ જ વખતે પોલીસ સ્ટેશનમાં ડો.લાભુ રામાણી પ્રવેશ્યાં. એમને જોઈને પશવાની આંખો પહોળી જ રહી ગઈ.એણે રઘલાને ઈશારો કરીને ડોકટર આવ્યા એ બતાવ્યું.

"આ મારો હાળો આંયા ચીમ આયો હશે..?" રઘલાએ કહ્યું.

"આવો આવો ડો.રામાણી, તમારા બેઉ આરોપીઓને અમે પકડીને બરાબરના ધોયા છે.હજી પણ જો તમે કહેતા હોવ તો ધમારીએ. કારણ કે તમારી જેવા સજ્જન અને સેવાભાવી ડોકટરની ઈજ્જત લૂંટવાની કોશિશ કરનાર આ બેઉ મનોવિકૃત પણ હોવા જોઈએ. પાછા એ તમારી ઉપર આરોપ નાંખતા હતા કે એ લોકોએ કોઈ નર્સને તમારી સાથે જોઈ હતી..
પણ હું સમજુ છું કે આવા લબાડ લોકોની વાતમાં કોઈ તથ્ય હોતું નથી..!" સોંડાગર સાહેબે ડોકટરને ખુરશી બતાવતા કહ્યું.

"બરાબર છે ઈન્સ્પેકટર, ગામમાં આવા હલકા તત્વો હોય જ છે.પણ આપણે એની જેવું થોડું થવાશે ?" કહી ડોકટરે લોકપમાં સળિયા પકડીને ઉભેલા રઘલા અને પશવાને કહ્યું..

"તમારે છૂટવું છે કે જેલમાં જાવું છે ? બોલો નાલાયકના પેટનાઓ..મારી આબરૂ જાય એવી વાત પણ જો તમારા ગળામાંથી નીકળશે તો ફરીવાર પકડાવીને ટાંટિયા ભંગાવી નાંખીશ. અને હવે રાતે તો શું દિવસે પણ જો દવાખાના બાજુ જોવા મળ્યા તો સમજજો કે મરી જ ગયેલા છો..!"

"નો બોલવી શાબ, કોય દી તમારું નામ પણ નો લેવી..અમે તો કાંય ભાળ્યું જ નથી..તમે તો એકલાં જ હુતા'તા..અમને સોડાવો દાગતર શાબ્ય..અમારી ભૂલ થઈ. તમારી ગવ સવી." કહી રઘલાએ હાથ જોડ્યા.એનું જોઈ પશવો પણ ઢીંચણિયા વાળી ગયો.

"ઠીક છે. સોંડાંગર સાહેબ, આ બેઉ ને જવા દો.ગરીબ માણસો છે.આપણે તો હવે પછી ભૂલ ન કરે અને ખાસ તો ગામમાં મારી આબરૂ જાય એવી વાત ન કરે એટલું જ જોઈએ છે..!"

"ઠીક છે, તમે કહેતા હોવ તો છોડી દઈએ.." કહી ઈન્સ્પેકટર સોંડાગરે હવાલદાર રઘુને બોલાવ્યો.

"રઘુ, છેલ્લા બબ્બે સોટા ઠોકીને આ બેઉ નંગને છોડી મુક..પછી ડોકટર સાહેબ માટે ચા નાસ્તો લઈ આવ."

"જી સાહેબ.." કહી રઘુ સોટો લઈ લોક અપ ખોલવા લાગ્યો.

રઘલો અને પશવો હવાલદારને આવતો જોઈ ધ્રુજવા લાગ્યા..

"દાગતર સાહેબ, અમારી મા મરે જો અમે કોયને કાંય કેવી તો.ભલા થઈને હવે મારવાની ના પાડો...તમે કેશો ઈ હંધુય કામ કરી આલશું બાપલીયા પણ..." રઘલા અને પશવાએ બોકાસો બોલાવ્યો.

"ભાઈ રઘુ, હવે મારતો નહિ.." ડોકટરે કહ્યું.

રઘુએ બંનેને બહાર કાઢ્યા એટલે ડોકટર ઉભા થયા.

"થેંક્યું સો મચ, સોંડાંગર સાહેબ.તમારો ચા નાસ્તો ઉધાર રહ્યો.હું તમને ફોન કરું એટલે મળવા આવજો.અત્યારે મારે આ લોકોની વ્યવસ્થા કરવી પડશે. પછી મારે અમદાવાદ નીકળવાનું છે.. ચાલો ત્યારે..!"

"ઓકે, નો પ્રોબ્લેમ ડોકટર.જેવી તમારી ઈચ્છા, બાકી તમે ન આવ્યા હોત તો આ બેઉને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવાનું હતું.."
ઈન્સ્પેક્ટરે કહ્યું.

"ક્ષમા વીરસ્ય ભૂષણમ..એ લોકો અબુધ અને જનાવર છે,આપણે એને જરૂરી સજા ભલે કરીએ પણ આખરે આપણે જ એ લોકોની સેવા કરવાની છે ને !''

ડોકટરે રઘલા અને પશવાને પોતાની સાથે લઈ જઈ કારમાં બેસાડ્યા.કાર બરવાળાના સરકારી દવાખાને લઈ જઈ બંનેના માથામાં લાગેલા ઘાવની સારવાર કરાવીને પાટા બંધાવી આપ્યા. બરવાળાના હેલ્થ સેન્ટરના ડોકટર, લાભુ રામણીની સેવા જોઈ મનોમન ડોકટરને વંદી રહ્યાં.

બેઉની સારવાર કરીને ડોકટર એ બંનેને ધંધુકારોડ પરની સારી ગણાતી લોજમાં લઈ ગયા.ગઈ રાતના ભૂખ્યાં થયેલા રઘલો અને પશવો અંકરાતીયાની જેમ ભોજનની થાળી પર તૂટી પડ્યા.બંનેને ભરપેટ જમાડીને ડોકટરે બસ્સો બસ્સો રૂપિયા પણ આપ્યા.

"જાવ મારા દીકરાઓ,ગામમાં જઈને છાનામાના તમારો કામધંધો કરવા મંડજો.કોઈ પૂછે તો મારું કે ચંપાનું નામ જો તમારી જીભે ભૂલમાં પણ ચડ્યું છે તો જોઈ લેજો પછી... બરવાળા,રાણપુર, બોટાદ અને ધંધુકાનું પોલીસખાતું મારા ખિસ્સામાં છે શું સમજ્યા..
ટાંટિયા સાજા રાખવા હોય તો મૂંગીના મરજો..અને જેમ હું કહું એમ હા એ હા કરજો, સમજી ગયા ?"

"હા હા બાપ..હાવ હમજી જીયા.અમેં તો કાંય જોયુંય નથ, ને જાણ્યુંય નથ.હવે પસી તમારી હામે આંખ ઊંસી કરીને જોવી તો કેજોને.. હાલ્ય અલ્યા રઘલીના..ભણેલા માણસોની બગલમાં હાથ નો નંખાય...!" કહીને બેઉ જણ ચાલતા થઈ ગયા.
ડોકટરે કારમાં બેસીને ચંપાને, ''સમુ સુતર્યું પાર ઉતર્યું.." હોવાના સમાચાર આપવા ફોન જોડ્યો.

"ડિયર ચંપુ..તું સહેજ પણ ચિંતા ન કરીશ.મેં બધી ગોઠવણ કરી દીધી છે. એ બંને આવતા રક્ષાબંધન પર તારી પાસે રાખડી પણ બાંધવી જશે. અને પેલા ભરવાડનું ટેંશન પણ ના લેતી એની દવા પણ મારી પાસે ઓલરેડી છે જ ! તું હવે જલસા કર..દસલાખની તું વારસદાર થઈ ગઈ છો.ચલ બાય ચંપુ." કહી ડોકટરે ફોન મુક્યો.

પોતાનો ખેલ એકદમ સીધો પડી રહેલો જોઈ ડોકટરના મોં પર સ્મિત આવી ગયું હતું !

*

બોટાદની વડોદરિયા હોસ્પિટલમાં તખુભાની કમરના મણકાનું ઓપરેશન તો થઈ ગયું હતું, પણ એ રાત્રે તખુભાએ જોયેલું લખમણિયાનું ભૂત એમનો પીછો છોડતું નહોતું.પોતે પડી ગયા પછી સાવ બાજુમાં આવીને એ હાડપિંજર બેઠું હતું.એની આંખોના ખાડામાં લાલ અંગારા તખુભાએ જોયા હતા અને ડો.લાભુ રામાણી આવ્યા ત્યારે એ ભૂતડું પડખામાં પાટું મારીને ભાગી ગયુ હતું એ તખુભાને યાદ આવતું હતું ત્યારે એમના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જતું હતું.ફરીવાર કમરમાંથી સણકા ઉઠતાં હતા અને તખુભા દર્દથી કણસી ઉઠતાં હતાં.

"ગામમાં થયેલી મિટિંગમાં ડોકટરે ચોખ્ખું જ કહ્યું હતું કે લખમણ નામનો માણસ ભૂત થયો છે એ હકીકત છે.એ રાત્રે ડોકટરે બેટરીનો પ્રકાશ ફેંક્યો ત્યારે એ ભૂત તમારું કાળજું કાઢવાની કોશિશ કરતું હતું.જો ડોકટર સમયસર આવ્યા ન હોત તો આજ તમે પણ ભૂત થઈ ગયા હોત. !" તખુભાની ખબર કાઢવા આવેલા હુકમચંદે આ પ્રમાણે સમાચાર આપ્યા હતા.

હુકમચંદે તખુભાને ભૂત વિશે વધુ પૂછપરછ કરી હતી.કારણ કે એ પોતે બહુ ભૂતના તુતમાં માનતો નહોતો.

"હા હુકમસંદ,મેં મારી આ સગ્ગી આંખ્યુથી લખમણિયાનું ભૂત ભાળ્યું સે.દવાખાના પાંહે જે ખીજડાનું જૂનું ઝાડવું છે ઈની બખોલમાં આ ભૂત રેય છે. તેદી રાત્રે તભાગોર જે વાત કરતા હતા ઈ સાચી જ છે.." તખુભાએ ડરતાં ડરતાં વાત કરી હતી.

"તમે સાજા થઈ જાવ પછી આપડે ઈ ભૂતની ખબર લેશું. મને તો બહુ વિશ્વાસ આવતો નથી પણ તમે નજરો નજર જોયું છે ઈમ કહો છો અને ડોકટર પણ કહેતા હતા એટલે વિચાર કરવો પડશે.." કહી હુકમચંદ ચાલ્યો ગયો હતો.

દવાખાનું રાબેતા મુજબ શરૂ થઈ ગયું હતું. રઘલો અને પશવો કામ વગર ઘરની બહાર નીકળતા નહોતા.કોઈ પૂછે તો ભૂત ભાળી ગયા હોય એમ ચુપચાપ ઊભા થઈને ચાલવા માંડતા હતા.ટૂંકમાં એ રાતે જે લોકો તભાભાને મદદ કરવા ગયા હતા એ બધા જ કંઈક વિચિત્ર વર્તન કરતા હતા.

હુકમચંદને આ બધું નવીન લાગતું હતું. તખુભાએ દવાખાના પાસે જે ખીજડાના ઝાડની વાત કરી હતી એ ઝાડને કાપી નાખવાનું હુકમચંદે નક્કી કર્યું હતું. પણ ડોકટરે એ ઝાડ કાપવાની ના પાડી.

બીજી જ રાતે લખમણિયાના ભૂતે હુકમચંદને પરચો બતાવ્યો હતો !

(ક્રમશ :)

મિત્રો, દિવાળી વેકેશન અને પ્રતિઘાત નોવેલ લખવાના કામમાં વ્યસ્ત હોવાથી મોજીસ્તાન થોડા દિવસો બંધ રહ્યું.આપ સૌ નવા પ્રકરણની રાહ જોઈ રહ્યા હશો, કેટલાક મિત્રોએ તો મેસેજ પણ કર્યા હતા.આપ સૌનો વાંચનપ્રેમ
જોઈ હવે મોજીસ્તાન આગળ વધારી રહ્યો છું.આવતા પ્રકરણમાં હુકમચંદને લખમણિયો મળવાનો છે.આ લખમણિયો ખરેખર ભૂત છે ખરું ? કે ગામનો જ કોઈ વ્યક્તિ ભૂત બનીને લોકોને હેરાન કરે છે ? જો એમ હોય તો એ વ્યક્તિ કોણ હશે ? જાણવા માટે વાંચતા રહો મોજીસ્તાન.!!