Prayshchit - 1 in Gujarati Fiction Stories by Ashwin Rawal books and stories PDF | પ્રાયશ્ચિત - 1

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

પ્રાયશ્ચિત - 1

પ્રકરણ ૧

જામનગર જતો સૌરાષ્ટ્ર મેઈલ સુરત સ્ટેશન ઉપર રાત્રે 12:30 વાગે આવતો હતો. કેતન સાવલિયા પોતાના તમામ સામાન સાથે રાત્રે બાર વાગ્યે જ પ્લેટફોર્મ પર આવી ગયો હતો. ફર્સ્ટ ક્લાસ એસી નું રિઝર્વેશન હતું એટલે એને બીજી કોઈ ચિંતા ન હતી. કુલીને એડવાન્સ પૈસા પકડાવીને તમામ સામાન ટ્રેઈનમાં ગોઠવી દેવાની જવાબદારી સોંપી દીધી હતી.

કેતનના મોટાભાઈ અને ભાભી પણ કેતન ને વિદાય આપવા માટે પ્લેટફોર્મ ઉપર હાજર હતા.

" ભાઈ તું તારી આ જિદ છોડ. હજુ પણ સમય છે. ઘરે પાછા જઈએ. ઈશ્વરે આટલી બધી સમૃદ્ધિ આપણને આપી છે. તને જોઈએ તો મારા હિસ્સામાંથી પણ તું ભાગ લઈ લે પણ આ રીતે બધું છોડીને વનવાસ જવાની વાત ના કર !! "  સિદ્ધાર્થ બોલ્યો.

" સિદ્ધાર્થ સાચું કહે છે  કેતનભાઈ...તમે ઘરે ચાલો. કરોડોની સંપત્તિ પિતાજીએ બંને ભાઈઓને વહેચી છે. ડાયમંડનો આટલો મોટો બિઝનેસ તમારા ભાઈ તમારા વગર એકલા હાથે હવે કેવી રીતે સંભાળશે ? અમેરિકા જઈને મેનેજમેન્ટનો આટલો ઉચ્ચ અભ્યાસ કર્યા પછી ઘર છોડી દેવાની આવી જિદ શા માટે ભાઈ ? " રેવતીએ પણ સિદ્ધાર્થની વાતમાં પોતાનો સૂર પુરાવ્યો.

" ભાઈ હું સન્યાસ લઇ રહ્યો નથી. હું જ્યાં પણ છું તમારી નજર સામે તો છું જ ને ? અને ગમે ત્યારે મારી સેવાઓ હાજર જ છે. ધંધામાં કંઈ પણ નિર્ણય લેવાનો હોય મને અડધી રાત્રે પણ ફોન કરી શકો છો. જરૂર પડે તો હું સુરત પણ આવી જઈશ." કેતને જવાબ આપ્યો.

" જામનગરમાં રહેવાની વ્યવસ્થા તો થઈ ગઈ છે ને  ભાઈ ? " કેતને વાત બદલી.

" હા.. હા.. ત્યાંના એસ્ટેટ બ્રોકર ને વાત કરીને પટેલ કોલોનીમાં વેલ  ફર્નિશ્ડ એક સુંદર બંગલો તૈયાર જ રાખ્યો છે. બંગલાની સાફ સફાઈ પણ કરાવી દીધી છે. એસ્ટેટ બ્રોકર ને કહીને એક માણસની વ્યવસ્થા પણ કરી દીધી છે. જે સ્ટેશન ઉપર તને લેવા આવશે અને ઘરે જઈને તારા તમામ સામાન ની ગોઠવણી પણ કરી દેશે. મેં બ્રોકરના એકાઉન્ટમાં ડિપોઝિટ અને ભાડાના પૈસા પણ ટ્રાન્સફર કરી દીધા છે. "

" જે માણસ તને લેવા આવશે એના માટે અલગથી પાંચ હજાર પણ મેં બ્રોકરને ટ્રાન્સફર કર્યા છે. એ માણસનું નામ મનસુખ માલવિયા છે. એનો મોબાઇલ નંબર તું સેવ કરી લે " અને સિદ્ધાર્થે કેતનને મોબાઇલ નંબર આપ્યો.

" ચાલો.. આ કામ તમે ખૂબ  સરસ કર્યું ભાઈ . અમેરિકામાં મેનેજમેન્ટનો અભ્યાસ ભલે મેં કર્યો પણ મેનેજમેન્ટમાં તો તમે મારા ગુરુ છો ભાઇ" કેતને હસીને સિદ્ધાર્થની પ્રશંસા કરી.

" કેતન તું મારો સગો નાનો ભાઈ છે. આટલો બુદ્ધિશાળી છે. કરોડોનો વારસદાર છે. બે વર્ષ અમેરિકામાં રહીને તારા વિચારો આટલા બધા  બદલાઈ કેમ ગયા !!  તારો આ નિર્ણય યોગ્ય નથી કેતન. તું અત્યારે જિદ ઉપર છે  પરંતુ થોડા દિવસોમાં જ તું કંટાળી જઈશ. આ એક મૂર્ખામી છે. " સિદ્ધાર્થે છેવટે પોતાનો ગુસ્સો પ્રેમથી ઠાલવ્યો.

" ભાઈ તમે અને પપ્પા છો ત્યાં સુધી મને કોઈ જ તકલીફ પડવાની નથી. અને કંટાળીશ તો ડોરબેલ વગાડી ને ફરી ગૃહપ્રવેશ કરીશ !! " કેતને હસીને કહ્યું અને ભાઈ ભાભીનાં ચરણ સ્પર્શ કર્યાં  કારણકે ટ્રેઈન ધીમી ગતિએ પ્લેટફોર્મ  ઉપર પ્રવેશી ગઈ હતી. 

સુરત સ્ટેશન ઉપર ટ્રેઈન 10 મિનીટ ઉભી રહેતી હતી. કુલીએ ફટાફટ કેતનની 10 નંબરની બર્થ નીચે તમામ સામાન સેટ કરી દીધો. સામાનમાં બે લેધર બેગ, એક મોટું બોક્સ અને એક નાની ટ્રાવેલ બેગ હતી. બોક્સમાં મમ્મીએ જાતજાતનો નાસ્તો બનાવીને પેક કર્યો હતો.

ટ્રેઈન ઊભી રહી એટલે લાગણીના આવેશમાં સિદ્ધાર્થ પોતાના લાડકા નાનાભાઈ કેતનને ભેટી પડ્યો.

" મારી મદદની કોઈ પણ જરૂર હોય તો મને તરત ફોન કરજે. તું આપણી ડાયમંડ કંપની નો ભાગીદાર છે. તારા ત્રણે ત્રણ એકાઉન્ટમાં પપ્પાએ ગઈકાલે ઘણી મોટી રકમ ટ્રાન્સફર કરી દીધી છે.  તારી આ નવી જિંદગીમાં તું સુખી થાય એના માટે હું પ્રાર્થના કરીશ " બોલતાં બોલતાં સિદ્ધાર્થ ની આંખો ભીની થઈ ગઈ.

ટ્રેઈન સ્ટાર્ટ થઈ એટલે કેતન પોતાના એસી કોચમાં ચડી ગયો. દરવાજા પાસે ઉભો રહી ક્યાંય સુધી મોટાભાઇ ભાભી સામે હાથ હલાવતો રહ્યો. સ્ટેશન પસાર થઈ ગયું એટલે તે પોતાની બર્થ ઉપર ગોઠવાઈ ગયો.

ટ્રેઈન ધીમે ધીમે ગતિ પકડી રહી હતી અને ટ્રેઈનની ગતિ સાથે કેતન ના વિચારો પણ ગતિ પકડી રહ્યા હતા.

આજે આખો દિવસ ઘરમાં લાગણીભર્યા દ્રશ્યો સર્જાયાં હતાં.  પપ્પા  આજે ઓફિસ ગયા નહોતા. ઘરમાં એક ઉદાસી છવાઇ ગઇ હતી. હજુ બે મહિના પહેલાં જ કેતન અમેરિકાથી રિટર્ન થયો હતો.

મમ્મી જયાબેને આજે એને બહુ જ ભાવતી પુરણપોળી  બનાવી હતી. આજે જયાબેન કેતન ની આગળ ત્રણ ત્રણ વાર રડી પડ્યાં હતાં. દીકરાને ખૂબ જ સમજાવ્યો હતો. પરંતુ કેતન મક્કમ હતો !!

" બેટા તું શા માટે આવી જિદ લઈને બેઠો છે ? તારા પપ્પાએ તારા માટે શું શું નથી કર્યું એ તો વિચાર. દાદાએ ઊભો કરેલો ડાયમંડ નો આ બિઝનેસ તમે દીકરાઓ આગળ ને આગળ વધારો એના માટે તને અમે અમેરિકા મોકલ્યો. "

" અને તને ડાયમંડના ધંધામાં રસ ના પડતો હોય તો તું કહે તે ધંધો કરી આપવા માટે તારા પપ્પા ક્યારે ના નહીં પાડે. જે છે એ તમારા બંને ભાઈ નું જ છે. તું શાંતિથી વિચાર. ઘર છોડવાની ઉતાવળ ના કર બેટા "

" અને તારા માટે એક એકથી ચડિયાતાં માગાં આવ્યાં  છે. હજુ હમણાં જ તું અમેરિકાથી આવ્યો છે એટલે અમે તને લગ્નની કોઈ વાત નથી કરી.  લગ્નની ઉતાવળ પણ નથી. બધી કરોડપતિઓની દીકરીયું  છે. " જયાબેને વાત બદલી પરંતુ  કેતને કોઈ પ્રતિભાવ ના આપ્યો.

નાની બહેન શિવાનીએ પણ ભાઈ ને સમજાવવા ખૂબ જ કોશિશ કરી હતી.

" હા ભાઈ... બે વર્ષના વિયોગ પછી અમે તમને જોયા છે. હું તમને બહુ જ મિસ કરતી હતી.  તમારા વગર ઘર સૂનું પડી ગયું હતું. તમે પ્લીઝ હવે ઘર ના છોડશો. તમને તમારી આ નાની બેન શિવાની ના સોગંદ !!" અને શિવાની ખરેખર રડી પડી.

" શિવાની... શિવાની તું રડીશ નહી. હું ગુજરાતમાં જ છું. તારી જ્યારે ઇચ્છા હોય ત્યારે તું મને મળવા આવી શકે છે. હું પણ વચ્ચે વચ્ચે ઘરે આવતો રહીશ. ઘર છોડવાનો મારો નિર્ણય પાક્કો છે અને મારા કેટલાંક અંગત કારણો પણ છે. " કેતને શિવાનીના માથે હાથ ફેરવતાં જવાબ આપ્યો.

એ પછી કોઈ કંઈ બોલ્યું નહીં.  બધાએ સમજી લીધું કે  કેતન હવે માનવાનો નથી. છેલ્લા એક મહિનાથી ઘરમાં આ ચર્ચાઓ ચાલતી હતી અને જેટલી થઈ શકે એટલી દલીલો છેલ્લા એક મહિનામાં થઈ ચૂકી હતી.

મેનેજમેન્ટનો ઉચ્ચ અભ્યાસ કર્યા પછી જગદીશભાઈ ની ઈચ્છા પોતાના નાના પુત્ર કેતનને પોતાના ડાયમંડના બિઝનેસમાં સેટ કરવાની હતી. પોતાની વિશાળ ઓફીસમાં કેતન માટે એક અલગ એસી ચેમ્બર પણ બનાવી હતી !  પરંતુ કેતને એમને જોરદાર આંચકો આપ્યો હતો.

કેતને એક મહિના પહેલાં જ પપ્પા આગળ પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો કે પોતે હવે અલગ રહેવા માગે છે અને એ પણ સુરતમાં નહીં.

" પપ્પા સોરી... પણ મને આ ડાયમંડના બિઝનેસમાં કોઈ જ રસ નથી.  હું થોડા વર્ષો માટે મારી રીતે જીવવા માગું છું. ફેમિલીથી દૂર રહેવા માંગુ છું. ગુજરાતનું જ કોઈ સારું સીટી પસંદ કરીને હું ત્યાં જવા માંગુ છું. આ મારો નિર્ણય અડગ છે એટલે આ બાબતમાં હું કોઈ ચર્ચા નહીં કરું. " સવારમાં ચા પીતાં પીતાં  જ કેતને પપ્પા ને આ વાત કરી.

" કેતન તું આ શું બોલે છે ? પરિવારથી અલગ રહેવા માગે છે ? મારા આટલા મોટા ડાયમંડના બિઝનેસમાં તું જોડાવા જ નથી માગતો ? "

" પ્લીઝ ડોન્ટ ગેટ મી રોંગ  પપ્પા !! મારા આ નિર્ણય પાછળ મારાં પોતાનાં કેટલાંક અંગત કારણો છે. તમે પ્લીઝ મને રોકો નહીં. "
ટેબલ ઉપર સાથે ચા પીતાં પરિવારનાં તમામ સભ્યો સ્તબ્ધ થઈ ગયાં. કેતને બહુ મોટો ધડાકો કર્યો હતો એ દિવસે !!

એ પછી તો એ ચર્ચા એક મહિના સુધી ચાલી. કુટુંબના દરેક સભ્યે કેતન સાથે પોતપોતાની રીતે અલગ-અલગ ચર્ચા કરી પરંતુ કેતન અડગ હતો !

એ પછી કયા શહેરમાં સ્થાયી થવું એની ચર્ચા લગભગ એક અઠવાડીયું ચાલી.  છેવટે જામનગરમાં સ્થાયી  થવાનો નિર્ણય લેવાયો.
જામનગર પસંદ કરવા પાછળનાં બે કારણો હતાં. એક તો જગદીશભાઈ ના ખાસ અંગત મિત્ર પ્રતાપભાઈ બદીયાણી જામનગરમાં રહેતા હતા. અને એમના બીજા મિત્ર આશિષભાઈ જામનગરમાં પોલીસ કમિશનર હતા !! બાકીના બધા શહેર તો લગભગ અજાણ્યાં જ હતાં.

જો કે ઘર છોડવાનો નિર્ણય લેતા પહેલા કેતને ઘણું બધું મનોમંથન કર્યું હતું.  એને પણ પોતાનાં માતા-પિતા અને કુટુંબ પરિવાર સાથે ખુબ જ લાગણી હતી. એને પણ આ શ્રીમંતાઈ નો વૈભવ છોડીને પરિવારથી દૂર જવું ગમતું ન હતું.  પરંતુ સાચી હકીકત એ કોઈને કહી શકતો ન હતો. એના માટે ઘર છોડવું લગભગ ફરજિયાત જેવું બની ગયું હતું !!

એ ભૂતકાળમાં સરી ગયો. મેનેજમેન્ટના વધુ અભ્યાસ માટે એ શિકાગો ગયો હતો. ત્યાં ડેવોન એવન્યુ માં એણે હાઉસ ભાડે લીધું હતું. પૈસાની તો એને કોઈ તકલીફ હતી જ નહીં એટલે ઠાઠથી એ ત્યાં રહેતો હતો.

ડેવોન એવન્યુ આખો ગુજરાતી એરીયા હતો અને ત્યાંના તમામ સ્ટોરના ગુજરાતી માલિકો સાથે અંગત સંબંધો હતા. કામદાર પ્લાઝામાં તો એ અવારનવાર ગરમ નાસ્તો કરવા પણ જતો.

એક દિવસ શિકાગોમાં એક સિદ્ધપુરૂષની પધરામણી થઇ. એમનું નામ તો સ્વામી ચેતનાનંદ.  પરંતુ બધા એમને ચેતન સ્વામી કહીને બોલાવતા. અમેરિકામાં આ રીતે ઘણા સંત-મહાત્માઓ ઘણીવાર આગમન કરતા. ધર્મપ્રચાર એ જ એમનો મુખ્ય આશય રહેતો.

એવું કહેવાતું કે ચેતન સ્વામી ઘણું બધું જાણતા હતા. માણસને જોઈને એનો ભૂતકાળ,  એનો પૂર્વજન્મ વગેરે તમામ એ જોઈ શકતા એટલે એમનાં દર્શન માટે ખુબ જ ભીડ રહેતી.  જેમના ત્યાં એમનો ઉતારો હતો એ રમણભાઈ પટેલ પાસેથી અગાઉથી એપોઈન્ટમેન્ટ લેવી પડતી.

ડેવોન એવન્યુ માં આ સ્વામીજીની ચર્ચા લગભગ દરેક સ્ટોરમાં કેતને સાંભળી હતી એટલે માત્ર કુતુહલથી સ્વામીજીને એકવાર મળવાની કેતનની ઇચ્છા હતી.
                                             
કેતને રમણભાઈ ને ફોન કરી સ્વામીજીને મળવાનો શનિવારનો સાંજે પાંચ વાગે મળવાનો  ટાઈમ લઇ લીધો. શનિવાર આવી ગયો. કેતને સ્વામીજી ને મળવા માટે ગાડી સ્ટાર્ટ કરી.

કેતનને ખબર નહોતી કે સ્વામીજી સાથેની આ એક જ મુલાકાત એની જિંદગીની કરવટ બદલવાની હતી !!!
                                               ક્રમશઃ
અશ્વિન રાવલ. (અમદાવાદ)