Baal Bodhkathao - 5 in Gujarati Children Stories by Yuvrajsinh jadeja books and stories PDF | બાળ બોધકથાઓ - 5 - સુમતિદેવ

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

બાળ બોધકથાઓ - 5 - સુમતિદેવ

બહું સમય પહેલાની આ વાત છે . એક રાજ્ય હતું . એ રાજ્યનું નામ હતું ઉદયગઢ . રાજા શોર્યવીરસિંહજી ના રાજમાં ઉદયગઢની પ્રજા ખૂબ સુખી અને સંતોષકારક જીવન જીવતી હતી . શોર્યવીરસિંહજી ના દરબારમાં ઘણા મંત્રીઓ હતા . પણ સહુથી વધુ બુદ્ધિશાળી અને વિવેક વિનય સંપન્ન મંત્રી હતા સુમતિદેવ . જે હંમેશા રાજાજીના ખાસ રહેતા રાજ્યનો કોઈ પણ નિર્ણય એમની મંત્રણા વગર ન લેવાતો . સુમતિદેવ હતા પણ એવા . પોતાની શ્રેષ્ઠ બુદ્ધિથી હંમેશા રાજાજીને યોગ્ય દિશા બતાવતાં . પ્રજાની સુખાકારી અને ન્યાય નું હંમેશા ધ્યાન રાખતા . સત્તાનો સદુપયોગ એમનો જીવનમંત્ર હતો . સ્વભાવિક રીતે બીજા મંત્રીગણને સુમતિદેવની ઈર્ષ્યા થતી પણ એક મંત્રી હતા જેમને સુમતિદેવ આંખના કણાની જેમ ખૂંચતા એ મંત્રી એટલે ઉગ્રદત . ઉગ્રદત સુમતિદેવને રાજા સમક્ષ નીચા પાડવાનો એક પણ મોકો ન છોડતા .

એક દિવસ રાજાજી શોર્યવીરસિંહજીને નગરચર્યા પર જવાનું મન થયું . એમણે મંત્રી સુમતિદેવ અને ઉગ્રદતને પણ સાથે આવવા કહ્યું . તેઓ રાજ્યની બજારમાં સહુને મળતા મળતા આગળ વધતા હતા . ત્યાં એમણે અત્યંત દારુણ ગરીબીમાં જીવન જીવતાં બે વ્યક્તિ મળ્યા . રાજાજીએ સુમતિદેવ અને ઉગ્રદત બંન્નેને એક એક ગરીબ વ્યક્તિને કંઈક દાન આપવા કહ્યું . સુમતિદેવે તરત પોતાના માણસો મોકલી એક લાકડાની હાથલારી મંગાવી અને એક ગરીબને દાન આપી . ઉગ્રદતને તરત વિચાર આવ્યો કે આટલું નાનું દાન . હું મોટું દાન આપી રાજાજી સામે આ સુમતિદેવ કરતાં શ્રેષ્ઠ સાબિત થઈશ . તરતજ ઉગ્રદતે બીજા ગરીબને પાંચસો સોનામહોર દાનમાં આપી દીધી . રાજા આ બધું જોઈ રહ્યા . એમણે સુમતિદેવને કહ્યું તમે આ રાજ્યના મહામંત્રી છો અને બીજા મંત્રીઓ કરતાં ખૂબ વધુ ધનીક છો છતાં તમારા કરતાં ઉગ્રદતનું દાન વધુ કેમ? ઉગ્રદત મનોમન ખૂબ ખુશ થઈ ગયા . સુમતિદેવે રાજાને કહ્યું કે રાજાજી જો તમે મારું આટલું માન રાખો તો હું આ વાતનો જવાબ એક સપ્તાહ પછી આપવાનું પસંદ કરીશ . રાજાજી એ વાત માન્ય રાખી અને સહુ પરત રાજમહેલ પધાર્યા .

જોત જોતાંમાં સાત દિવસ પસાર થઈ ગયા . ઉગ્રદતે ભરેલી સભામાં રાજાજી ને દાન વાળી વાત યાદ કરાવી . રાજાજી એ સુમતિદેવ પાસે જવાબ માંગ્યો . સુમતિદેવે રાજાજી ને કહ્યું કે હે નામદાર બે સિપાહી મોકલવામાં આવે અને બંન્ને ગરીબ વ્યક્તિઓ જેમને અમે દાન આપ્યું હતું એમની ખબર પુછાવવામાં આવે . રાજાજી નો હુકમ થયો એટલે સિપાહીઓ ખબર મેળવી લાવ્યા . સુમતિદેવે સિપાહીઓને શું જાણ્યું એ દરબાર સમક્ષ રજૂ કરવા કહ્યું . સિપાહીઓએ કહ્યું કે જે ગરીબને હાથલારી આપવામાં આવી હતી એ ગરીબ માણસ . મહેનતથી પોતાનું જીવન પસાર કરવા લાગ્યો છે . લોકોને સામાન શાકભાજી વગેરે લઈ આવવા કે લઈ જવામાં મદદ કરે છે અને એ આવક માંથી પોતાનું જીવન ગુજારે છે . પરંતુ જે ગરીબ વ્યક્તિને સોનામહોરો દાનમાં મળી હતી એ વ્યક્તિએ તો આટલું ધન પહેલી વાર જોયું હતું એટલે એણે તો મોજશોખ પાછળ ધન વેળફી નાંખ્યું , મદિરાપાન અને વધું ધનની લાલચે જુગાર પણ રમ્યો પછી હતો ત્યાં ને ત્યાંજ પહોંચી ગયો . રાજા શોર્યવીરસિંહજી અને સહુ દરબારીઓ આ વાત સાંભળી આશ્ચર્ય પામ્યા .

સુમતિદેવે રાજાજીને કહ્યું બોલો નેક નામદાર અમારા બંન્ને માંથી કોનું દાન ઉંચું હતું ? પોતાની યોગ્યતાથી વધુ અને મહેનત વગર આવેલું ધન હંમેશા વિનાશ જ નોતરે છે . માણસ લાયકાતથી વધુ ધન પચાવી શકતો નથી . જો એ ધન મહેનતથી કમાયેલું હોય તો અને તો જ એ સુખ સંતોષ આપી શકે . કોઈ પ્રયત્ન કે મહેનત વગર આવી પડેલું ધન વ્યક્તિને દુઃખ જ આપે છે . રાજાજીએ મંત્રી સુમતિદેવની વાત સ્વિકારી અને એમની આટલી ઉંચી દ્રષ્ટિની પ્રશંસા કરી . બીજી બાજુ ઉગ્રદત શરમથી મોઢું નીચું રાખી બધું જોઈ રહ્યા.....