A Flying Mountain - 7 in Gujarati Children Stories by Denish Jani books and stories PDF | ઉડતો પહાડ - 7

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

ઉડતો પહાડ - 7

ઉડતો પહાડ

ભાગ 7

માર્ગદર્શક શિલા

સિંહાલયની હજારો વર્ષોની શાંતિના ઈતિહાસની પરંપરા આખરે તૂટી, શ્રાપની અસર થવાની હતી એ સૌ કોઈ જાણતા હતાં પરંતુ આટલું ઝડપી પરિવર્તન થશે તેવી કોઈને આશા ન હતી. તે રાત્રીએ શિવીકા નદીના કિનારા ઉપર જ લોકો સુઈ ગયા હતા. ગઈકાલના ઉપદ્રવો અને હોનારતોથી થાકેલા લોકો ભરનિંદ્રામાં હતા, નાના નાના બાળકો પોતાના માતાપિતા પાસે એકદમ ભરાઈને સુતા હતા, અમુક થાકેલા લોકો મૉટે મૉટે થી નસકોરા બોલાવતા હતા તો કેટલાક લોકો એટલા ડરી ગયેલ હતા કે સ્વપ્નમાં પણ બચવા માટે મદદ માંગતા હતા. કદાચ અડધી રાત થઇ હશે અને અચાનક જાણે સાપુતારાના સાતેય પર્વતોને કોઈએ ઉંચકી અને પાછા જમીન પર પટક્યા હોય તેવો ભયંકર અવાજ સંભળાયો. આ અવાજ ગાજતા જ સૌ કોઈ ગાઢનિંદ્રા માંથી અચાનક જ ભડકીને ઉઠી ગયા અને આમ તેમ જોવા લાગ્યા કે હવે શું આવી રહ્યું છે. પરંતુ કશું જ નજરે પડ્યું નહિ. લોકો ખુબ જ ગભરાયેલા જોવા મળી રહ્યા હતા. પોતપોતામાં ચર્ચા કરી રહ્યા હતા કે તેમને મડેલો આ શ્રાપ ખરેખર તેમનો મૃત્યુ જ છે અને હવે તે શ્રાપથી સિંહાલય નો નાશ થઇ ને જ રહેશે.

હજુ કોઈ કશું સમજે તે પહેલા તો ત્યાંના વાતાવરણ માં ભારે બદલાવ થવા લાગ્યો. શિવીકા નદી કિનારે વાતી શિતળ હવા હવે ધીરે ધીરે ગરમ થવા લાગી. સુરજ ઉગવાને તો હજુ ઘણો સમય હતો, તો પછી મધરાત્રે આ ગરમીનું કારણ શું હોઈ શકે? ત્યાં ઉભેલા દરેક લોકોના મનમાં આવા સવાલો ચકરાવે ચડવા લાગ્યા પરંતુ કોઈ પાસે પણ તેનો જવાબ નહતો. લોકો કંઈક વિચારે અને કોઈ તારણ પર આવે તે પહેલા તો બીજા મોટા અવાજ સાથે હવે જમીન પણ ધ્રુજવા લાગે છે જાણે કોઈ મોટો ભયંકર ભૂકંપ શરુ થયો હોય. અત્યંત ડરેલા લોકો કશું જ સમજવામાં સક્ષમ ન હતા. અને ત્યાંજ સાપુતારાના સાત મોટા પહાડો ની ટોચ ઉપરથી કોઈ લાલ ઘાટુ પ્રવાહી દ્રવ્ય નીચેની તરફ ધીરે ધીરે ધસી આવતું હોય તેવું દેખાવા લાગ્યું. વડીલો આ જોઈ ને તરત જ બોલી ઉઠ્યા "લાવા, આ લાવા છે.". આ સાંભળતા જ ત્યાં હાજર રહેલા દરેક લોકો અત્યંત ગભરાઈ ગયા, અને ત્યાંજ બધી દિશાઓથી પશુ પક્ષીઓની ચીસો સાંભળાવવા લાગી. તેઓ સમજી ગયા કે આ ખરેખર લાવા જ છે જે સાપુતારાના પહાડો ના ગર્ભમાં હજારો વર્ષોથી ઉકળતો હતો અને હવે ચંદ્રના શ્રાપના કારણે તે પણ આઝાદ થઇ ગયો છે. આ લાવા ને આગળ વધતો જો નહિ અટકાવામાં આવે તો ભયંકર વિનાશ સર્જાઈ શકે તેમ છે. સિંહાલય ની આસપાસની પ્રાકૃતિક સૌંદર્યતા સંપૂર્ણ નષ્ટ થઇ જશે, ના કોઈ પ્રાણી બચે કે ના કોઈ મનુષ્ય. હવે દરેક લોકો ને પોતાનું મૃત્યુ સાક્ષાત પોતાની નજર સમક્ષ દેખાઈ રહ્યું છે પણ તેઓ એટલા લાચાર છે કે ભાગી શકવાનો પણ મોકો તેમની પાસે નથી. સાતેય પર્વતો પરથી હવે ધીરે ધીરે લાવા નીચે આવી રહ્યો છે મોમો, હોયો, રેબાકુ, ઝોગા અને સિંહા ની શક્તિઓ પણ અત્યારે લાચાર છે.

સોમો, સિંહાલાય નો વધુ એક નીડર સદસ્ય કે જેની પાસે કોઈ પણ તરલ પદાર્થ ને સ્થિર કરવાની ક્ષમતા છે આગળ આવી ને કહે છે "હું આ આ મોત સમાન લાવા ને આગળ વધતો અટકાવવામાં સક્ષમ છું, પરંતુ માત્ર 12 દિવસ માટે જ. એક વાર જો સ્થિર કરીશ તો પછી બીજી વાર મારો જાદુ તે લાવા પર અસર નહિ કરે."

ગામના મુખ્યા કહે છે "હિમ્મત અને બુદ્ધિથી કરેલ ક્ષણ ભરનું કાર્ય પણ જીવન બદલી શકે છે જયારે અહીં તો પુરા 12 દિવસ છે આપણા હાથ માં" અને સૌ ની સહમતી થી સોમોને આગળ વધતા લાવા ને સ્થિર કરવાની પરવાનગી આપે છે. ખતરો હાલપૂરતો તો ટળી ગયો પરંતુ કોઈના મનમાં પણ આ સફળતાની કંઈ ખાસ અસર જોવા નથી મળતી. આટલી મોટી મુસીબતમાંથી કઈ રીતે બહાર આવવું એજ ચિંતા સૌને મનોમન સતાવે છે.

જેવો લાવા સ્થિર થાય છે કે તરત જ એક અત્યંત વૃદ્ધ દેખાતી સ્ત્રી સૌ ને કથળતા અવાજમાં માર્ગદર્શક શિલા પાસે જવાનું કહે છે, આ એ જ શિલા છે જે સિંહાલય ના પૂર્વજો સિંહાલય ના લોકોના હિત માટે એક ખાસ ટેકરી ઉપર મૂકી ગયા છે. અને તે વૃદ્વ સ્ત્રી સિંહાલચ ની સુરક્ષા કવચ કહેવાતી એક કહેવત પણ કહી સંભળાવે છે.

"જયારે સિહાલય ની ઊંઘ મધરાત્રે બગડે અને દરેકના મન બેચેન જણાય,

જયારે સાતેય પર્વતો ની આંખો લાલ થાય અને સિંહાલયની હવા પણ ગરમાંય,

જા પેલી ટેકરી પાર કે જ્યાં સુરજ ની પહેલી કિરણ માર્ગદર્શક શિલા પર પછડાય,

સુવર્ણ અક્ષરો ત્યારે પ્રદર્શિત થાય અને એ શિલાના માર્ગદર્શનથી જ તારા બધાય પ્રશ્નો ઉકેલાય."

આ કહેવતનું તાત્પર્ય ખરા અર્થમાં આજે સૌ ને સમજાય છે. આજે દરેક નું મન પણ ઉદ્વેગ માં છે અને સાતેય પર્વતોની ટોચ પર બેઠેલો લાવા ખરેખર જાણે પર્વતોની ક્રોધ થી ભરાયેલ લાલ આંખો જ છે તેવો લાગી રહ્યો છે. સુરજ ને ઉગવામાં હવે થોડો જ સમય બાકી છે અને સૌ કોઈ એ વૃદ્ધ સ્ત્રીની વાત ઉપર હવે વિશ્વાસ મૂકી ને તે ટેકરી ઉપર જાય છે કે જ્યાં આ માર્ગદર્શક શિલા રાખેલી છે.

દૂર મોટા મોટા મહાકાય પર્વતોના પાછળથી ધીરે ધીરે નાનકડો સૂર્ય પોતાનું માથું ઉંચુ કરતો હોય તેવો દેખાવા લાગે છે. સિંહાલયના લોકો હવે તે ટેકરી ઉપર પહોંચી ગયા છે અને તે શિલા તરફ જોઈ રહ્યા છે. પરંતુ હાલ માં તે શિલા પર તેમને કશું જ લખાણ જોવા નથી મળતું. સૌ કોઈ સૂર્યના પહેલા કિરણની તે ટેકરી સુધી પહોંચવાની રાહ જોઈ રહ્યા છે. ટેકરી એટલી ઉંચી છે કે ત્યાંથી આસપાસનો વિસ્તાર ખુબ જ સરસ દેખાતો હોય છે. નદીમાં તરતા સફેદ હંસો તેમના નાના નાના બચ્ચાઓ સાથે રમત રમતા તરી રહ્યા છે, મોર પણ નૃત્ય કરી અને પોતાના રંગબિરંગી પીછાઓ પહોળા કરી અને સવારને વધુ રમણીય બનાવી રહ્યા છે. મોટા મોટા વિશાળકાય હાથીઓ શિવીકા નદીમાં સ્નાન કરી રહ્યા છે, અને એકબીજાને પોતાની સૂંઢમાં પાણી ભરી ને છાંટી રહ્યા છે. નાના મોટા મધુર સ્વર વાળા પક્ષીઓ પણ હવે જાગી ગયા છે અને પોતાના કલરવથી આખું સિંહાલય ગજાવી મૂક્યું છે. સિંહાલય ના વિકરાળ સિંહો પોતાની આગવી અદાઓમાં એકબીજાની સાથે રમી રહ્યા છે, અને મનમાં હર્ષ ઉપજાવે એવી ગર્જનાઓ કરી રહ્યા છે.

સિંહલયના લોકો સવારની આવી સુંદરતા નિહાળીને બે ક્ષણ માટે બધી તકલીફો ભૂલી જાય છે. એટલામાંજ, દૂર થી આવતા સૂરજની પહેલી કિરણ પર સૌની નજર પડે છે. આજે સૂરજની કિરણ જાણે ભગવાનના હાથમાંથી નીકળેલું કોઈ આશીર્વાદ હોય તેવું લોકોને લાગે છે. સૂર્યની તે કિરણ ધીરે ધીરે, ફળ, ફૂલ નાના મોટા ઝાડ સૌને સ્પર્શ કરતી ટેકરી પર આવી પહોંચે છે. જેવા એ કિરણો એ માર્ગદર્શક શિલા પર પડે છે કે તરત જ તે શિલા સોનાની જેમ ચમકી ઉઠે છે. આ ચમત્કાર સિંહાલય ના લોકોના હૃદયમાં આવી પડેલ ભયંકર તકલીફોથી છુટકારો મેળવવાની એક નવી આશાનું કિરણ જગાડે છે.

થોડીક વાર માટે તો ત્યાં ઊભેલા દરેક લોકોની આંખો પણ અંજાઈ જાય છે પરંતુ ધીરે ધીરે બધા પોતાની આંખો ખોલે છે અને જે પણ વાંચશે કે જોશે તે આપણે હવે આવતા અંકમાં ચર્ચા કરશું...