⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔
ஜ۩۞۩ஜ રાજા અર્જુનદેવ ஜ۩۞۩ஜ
(ઇસવીસન ૧૨૬૨થી ઇસવીસન ૧૨૭૫)
➡ સમય બહુ જ બળવાન છે. વાઘેલાયુગના એક રાજા સારું શાસન કરીને મૃત્યુ પામ્યા. સોલંકીયુગને અસ્ત થયે પણ ૨૦ વરસનું વહાણું વીતી ચુક્યું હતું. સવાલ એ છે કે અણહિલવાડ પાટણ સિવાય ગુજરાતમાં બીજે બધે પરિસ્થિતિ કેવી હતી? રાજા વીસલદેવનાં સમયમાં એક મોટી કુદરતી આફત આવી પણ બધાએ હળીમળીને એકજુથ થઈને એ આફતમાંથી હેમખેમ બહાર આવ્યાં એ સારું જ કહેવાય. ગુજરાતે જે આ દુષ્કાળમાં એકતાનો પરિચય સૌને કરાવ્યો એ ઇસવીસન ૧૨૬૩ પછી માત્ર ૩૫ વરસે ૧૨૯૮માં અમાનવીય આફત એટલે કે ખિલજીનાં આક્રમણ વખતે બતાવ્યો હોત તો વધુ સારું થાત ! પણ એ જ તો છે સમય અને એ જ તો છે ઈતિહાસ એને કોઈ ટાળી શક્યું છે તે આપણે એને ટાળી શકવાનાં છીએ ! વાત જો વાઘેલાઓની થતી હોય તો વાત વાઘેલા વંશના રાજાઓની જ કરવામાં જ આવશે કોઈપણ અનુશ્રુતિઓને ધ્યાનમાં લેવામાં નહીં આવે. આમે માત્ર ૩૫ વરસ પછી આ બધા સમકાલીન સાહિત્યઅને અનુશ્રુતિઓનું અચ્યુતમ કેશવમ જ થઇ જવાનું છે એ પણ ઇતિહાસમાં નોંધાયેલું જ છે અને એટલે જ ઈતિહાસથી આપણે બેખબર જ છીએ. એક સવાલ મારાં મનમાં જરૂર ઉભો થયો છે એ કે આ અનુશ્રુતિઓનું ઇતિહાસમાં શું મહત્વ? શું એને સાચું માનીને ચલાય ખરું ? ઈતિહાસ જ જયારે ખામોશ થઇ જવાનો છે ત્યરે આવી લોકવાયકાઓ અને અનુશ્રુતિઓ એ ગેરમાર્ગે દોરનારી અને ગેરસમજણ પેદા કરનારી જ નીવડે. અત્યાર સુધી તો એ રાજાના પાત્રને, મંત્રીઓના પાત્રને કે કેટલાંક વ્યક્તિ વિશેષો જેવાં કે દાનવીર જગડુ શાહને ઉઠાવ આપનારી નીવડી છે પણ એનું ઐતિહાસિક તથ્ય અને મુલ્ય કેટલું તે અલગ વાત છે પણ હવે પછી માત્ર એક જ આવા વ્યક્તિવિશેષ પ્તારને ઉઠાવ મળવાનો છે તે છે ભવાઈ પિતા અસાઈત. જો કે તેમાં પણ દંતકથાઓએ ભાગ તો ભજવ્યો છે પણ અસાઈતનું નામ આજે ભવાઈને લીધે ગાજતું થયું એ પણ એટલી જ સાચી વાત છે પણ એ બધું તો છેલ્લે આવવાનું છે અત્યારે તો કશું જ નહીં.
➡ આમેય રાજા વીસલદેવ પછી જે બે રાજાઓ થયાં હતાં તેમને વિષે કોઈ ચોક્કસ માહિતી તો ઉપલબ્ધ થતી નથી કહેવાનો મતલબ એ છે કે એમને વિષે બહું જ ઓછું લખાયું છે બધે અને રાજા સારંગદેવ જે સારાં રાજા હતાં તેમને મુસ્લિમ આક્રમણ સાથે સાંકળી લેવામાં આવ્યા અને સાહિત્યકારો એટલેથી જ અટકી ગયા પછી જે રાજા થયાં રાજા કર્ણદેવ વાઘેલા ત્યારે બધાં જ ખોવાઈ ગયાં અને એટલે જ આજે રાજા કર્ણદેવ વાઘેલાને પુરતો ન્યાય નથી મળેલો નથી જણાતો. ખેર ..... જવાદો એ વાત એ વખતે અત્યારે તો રાજા અર્જુનદેવની જ વાત કરવાની છે મારે. પણ એ પહેલાં થોડી નજર વિશ્વના ઈતિહાસ અને ભારતીય ઈતિહાસ પર નાંખી લઈએ.
➡ ગુલામવંશ ચાલુ જ હતો માત્ર રાજાઓ બદલાયા. રાજા અર્જુનદેવના સમયમાં નસીરુદ્દીન મહમૂદ, ગીયાસ-ઉદ-દીન બલબન અને મુઈઝ-ઉદ -દીન કૈકાબાદ એમ ત્રણ સુલતાનો દિલ્હીમાં થયાં હતાં. નસીરુદ્દીન તો સારો જ સુલતાન હતો પણ ઈસ ૧૨૬૬માં એ મૃત્યુ પામ્યો અને એની જગ્યાએ ઈલ્તુમીશની સાથે જે ૪૦ ગુલામો ભારતમાં આવ્યાં હતા તેમાંનો એક ગીયાસ-ઉદ-દીન બલબન દિહી સલ્તનતની ગાદીએ આવ્યો હતો. આ ગીયાસ-ઉદ-દીન બલબનની સૈનિક કારકિર્દી સારી હતી તેણે સુલતાન બનતાં પહેલાં અવધ,અને ગ્વાલિયરમાં વિજયો મેળવ્યાં હતાં પણ રણથંભોરમાં તે હાર્યો હતો જો કે એને અને ગુજરાતને કોઈ જ લેવાદેવા નહોતી. આમેય ઐબક કે ઈલ્તુમીશ પછી કોઈને ય લેવા દેવા નહોતી પણ આ બધાઓએ મેવાડ પર હુમલા જરૂર કર્યા હતાં કોઈક કોઈક વાર ! જો કે એનું સાક્ષ્ય પ્રમાણ મળતું નથી ! તેનું એક જ કાર્ય સારું હતું કે એણે તે સમયે મોંગોલ હુમલાઓ ખાળ્યા હતાં બંગાળમાં.
➡ એક ઇતિહાસકારે એમ નોંધ્યું છે કે --- ચંગેઝ ખાં પછી પણ વાયા મ્યાનમાર અને બંગાળ પર આ મંગોલોના હુમલાઓ ચાલુ જ હતાં પણ ભારતમાં ઘોડાઓને માફક વાતાવરણ હતું અને એમની બ્રીડો અહીં બહુ જ ઝડપથી વધતી હતી જે મોંગલો ઘોડાઓ પર જ નિર્ભર હતાં તેમને માટે એ હાનીકારક પુરવાર થયું અને બીજું એ કારણ પણ છે કે ભારતમાં તે સમયે પણ ગરમી વધુ હતી જે મંગોલોનેણે માફક આવી નહીં. જો કે મંગોલીયા તો વધારે પહાડી પ્રદેશ છે અને રણ પણ છે ત્યાં જેને મંગોલિયાનું રણ તરીકે ઓળખવામાં આવે છે. આ મંગોલીયા એ ૯૦ ટકા પછાત દેશ છે અને ત્યાં આજે પણ વીજળીની સુવિધા નથી અને એ વધારે પછાત લોકો એટલે કે આદિવાસીઓનો દેશ છે જયારે ભારત એ વિકસિત અને અનેક સુવિધાઓવાળો એટલે મંગોલો ભારતમાં ફાવ્યાં નહીં. પણ એવું કહેવાય છે કે આ ગીયાસ-ઉદ -દીન બલબનની સૈનિક કારકિર્દીમાં આ મંગોલો સાથે મુઠભેડ થઇ હતી અને મંગોલ પાછાં હટવા મજબૂર બન્યાં હતાં. આમાં કેટલી વાત સાચી તે તો ગુલામવંશનો ઈતિહાસ જાણે અને તે સમયના ઈતિહાસકારો. પણ એક વાત તો છે કે આ બલબન એ મુઠભેડમાં જ માર્યો ગયો હતો અને એનાં બે દીકરાઓ પણ આ મંગોલો સાથેની લડાઈમાં માર્યા ગયાં હતાં એવું કહેવાય છે. મંગોલ સાથે રીતસરનું ઘર્ષણ તો ખિલજીને થયું હતું ત્યાં વાત ગુલામવંશને છાવરવા માટે ઈતિહાસકારોએ ઉપજાવી કાઢી હોય એવું મને તો લાગે છે. પણ આ સુલતાન માત્ર દિલ્હીમાં એક જ વરસ ટક્યો અને પછી મુઈઝ-ઉદ -દીન કૈકાબાદ દિલ્હીપતિ બન્યો. ઇસવીસન ૧૨૬૭માં તેણે દિલ્હીની રાજગાદી સંભાળી હતી છેક ૧૨૮૭ સુધી પણ તેની એક ભૂલ ભારતને નડવાની હતી તે ભૂલ હતી જલાલુદ્દીન ખિલજીને સેનાપતિ બનાવવાની. જે ઈસ્વીસન ૧૨૮૭ પછી માત્ર ૩ જ વર્ષમાં દિલ્હીનો સુલતાન બની ગુલામવંશનો અંત લાવવાનો હતો. આ જ શરૂઆત હતી ભારતના ઇસ્લામીકરણ અને આક્રમણોની જે ત્રણ દાયકા પછી ગુજરાતને નડવાનું હતું. આ તો થઇ ગુલામ વંશની વાત હવે બીજી વાત પણ જોઈ લઈએ જાણી લઈએ .....
➡ ઈસ્વીસન ૧૨૫૦માં ઈજીપ્તમાં પણ મુમલુક વંશની સ્થાપના થઇ હતી.
કોઈને એ ખબર છે ખરી કે આ ઇસવીસનની તેરમી સદીમાં મહાન મુસાફર માર્કો પોલો પણ થયો હતો. તેનો જન્મ ઇસવીસન ૧૨૫૪માં થયો હતો અને મૃત્યુ ઇસવીસન ૧૩૨૪માં થયું હતું. તેણે ઇસવીસન ૧૨૭૧ અને ઇસવીસન ૧૨૯૫માં એશિયાની મુસાફરી કરી હતી. તે એક વેપારી હતો.
લોક હીરો (નાયક) જે બહુજ ચતુર હતો અને હાજર જવાબી પણ તે મુલ્લા નસીરુદ્દીન પણ આ જ તેરમી સદીમાં થયાં હતાં એમની કેટલીક દંતકથાઓ તો ચંગેઝ ખાં સાથે પણ જોડાયેલી છે. બીરબલ પહેલાં આ પાત્ર બહુ જ પ્રખ્યાત હતું વિશ્વલોકકથામાં.
મરાઠી સંતપરંપરા અને ભક્તિમાં એક નામ મોટું છે સંત જ્ઞાનદેવ-જ્ઞાનેશ્વરનું તેઓ આ તેરમી સદીમાં જ થયાં હતાં. તેમનો સમયગાળો છે ઇસવીસન ૧૨૭૫થી ઇસવીસન ૧૨૯૬. ભગવદ ગીતામાં તેમનું પ્રદાન મોટું છું અને "જ્ઞાનેશ્વરી ગીતા" એ એમનું અમુલ્ય પ્રદાન છે ભારતીય સાહિત્યમાં.
સોલંકીઓ સાથેની લડાઈમાં હોયસલ રાજા વીર બલ્લાલનો ઉલ્લેખ આવે છે અને એની પહેલાં રાજા વિષ્ણુવર્ધનનો ઉલ્લેખ આવે છે તો આ હોયસલ રાજા વિષ્ણુવર્ધને શ્રીરંગપટ્ટનમમાં અતિપ્રખ્યાત રંગનાથસ્વામી મંદિર જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે તે ઇસવીસનની ૧૨મી સદીની શરૂઆતમાં બંધાવ્યું હતું, આ મંદિરમાં વધારે કલાકોતરણી કરી રાજા વીર બલ્લાલે ઈસવીસનની તેરમી સદીમાં. જે સમય તો સોલંકી યુગ અને વાઘેલાયુગનો છે. સમાંતરે બનતી ઘટનાઓ અને સમાનાનંતરે થતો સાંસ્કૃતિક વિકાસ પણ દરેકે ધ્યાનમાં લેવો જ જોઈએ. બીજી વાતો આપણે પછી કરીશું !
હવે આપણે આવી જઈએ રાજા અર્જુનદેવ પર સીધાં.......
✔ રાજા અર્જુનદેવ ---------
➡ ઇસવીસન ૧૨૬૨માં રાજા વિસલદેવ પછી પાટણની ગાદીએ આવનાર રાજા અર્જુનદેવ એ વાઘેલાવંશનો બીજો રાજા છે. અર્જુનદેવ વિશેની આપણને ઘણી થોડી માહિતી ઉપલબ્ધ લેખોમાંથી મળે છે. એમના વિષે પ્રબંધોમાં કંઈ જ માહિતી મળતી નથી. વિક્રમ સંવત ૧૩૪૩ની દેવપટ્ટન પ્રશસ્તિમાં તથા ઇડરની મુરલીધર મંદિરની પ્રશસ્તિમાં જણાવ્યું છે કે તેઓ રાજા વીસલદેવ પછી પાટણની ગાદીએ આવ્યાં.
✔ રાજા અર્જુનદેવને મળેલા બિરુદો ------
➡ સૌરાષ્ટ્રના હરસિદ્ધમાતાના મંદિરમાંથી મળી આવેલા અર્જુનદેવના સમયના લેખમાં અર્જુનદેવને "નિ:શંકમલ્લ અરિરાય હૃદયશલય" કહેવામાં આવ્યાં છે. બીજાં મળી આવેલા લેખોમાં તેમનાં વિશેનું કોઈ વિશિષ્ટ વિશેષણ વપરાયેલું જોવાં મળતું નથી.
✔ રાજા અર્જુનદેવના અમાત્ય અને સુબાઓ -------
➡ તેમના સમયની ઉપલબ્ધ માહિતી પરથી જણાય છે કે, સૌરાષ્ટ્રમાં છેક વેરાવળ અને કચ્છ સુધી તેમ જ ઉત્તરમાં છેક ઇડર સુધી અને દક્ષિણમાં છેક લાટ સુધીના પ્રદેશોમાં તેમની સત્તાનો ડંકો વાગતો હતો.
➡ સંવત ૧૩૨૦ના હરસિદ્ધમાતાનાં મંદિરમાંથી મળી આવેલાં લેખ પરથી જણાય છે કે તેમના સમયમાં માલદેવ નામે મહામાત્ય હતો. વિક્રમ સંવત ૧૩૨૮ના રેવામાંથી મળી આવેલાં લેખમાં પણ મહામાત્ય તરીકે માલદેવનો ઉલ્લેખ જોવામાં આવે છે. વિક્રમ સંવત ૧૩૩૦ના વૈશાખ સુદ પૂર્ણિમાના ગિરનરમાંથી મળી આવેલા અર્જુનદેવના સમયના લેખમાં આ માલદેવનું નામ જણાતું નથી. આ આમ માલદેવ અર્જુનદેવનાં રાજ્યારંભથી તે અંત સુધી તે સત્તા પર રહ્યાં હશે. તે સંવત ૧૩૩૦નાં વૈશાખ સુદ પૂર્ણિમા પહેલાં સત્તા પરથી દુર થયા હોવાનું સંભવે છે.
તેમણે પોતાનાં પૂર્વજોની માફક રાજ્યવ્યવસ્થા સાચવવા સૌરાષ્ટ્રમાં સુબાઓની નિમણુક કરી હોય તેમ જણાય છે.સંવત ૧૩૨૭ના ભરાણાના લેખમાંથી શ્રી પાલ્હ અને શ્રી સામ્બત નામે સૂબાઓનાં નામ મળી આવે છે. તેમનાં હાથ નીચે અરિસિંહ અને જયસિંહ ભદ્રાણક ઉપર અધિકારી તરીકે નિમાયા હતાં તેમ તે લેખમાં જણાવ્યું છે.
✔ યાદવો સાથે યુદ્ધ --------
➡ પૈઠાન અને પુરુષોત્તમપુરનાં યાદવ રાજા રામચંદ્રનાં લેખોમાં રાજા સિંઘણે એક અર્જુનને હરાવ્યો એવો ઉલ્લેખ મળે છે. આ અર્જુન તે કદાચ આ વાઘેલા રાજવી અર્જુનદેવ હશે. અર્જુનદેવ વીસલદેવના સમયમાં સેનાપતિ પદે હોય તો તે સંભવિત છે. ઉધ્ધારીનાં લેખમાં યાદવ રાજવી સિંઘણને માળવાના રાજા અર્જુનદેવરૂપી હાથીના મદને કચડી નાખનાર કહ્યો છે. આ ઉપરથી શ્રી ભંડારકર ઉપરના લેખમાં જણાવેલ અર્જુનને માળવાનાં રાજા તરીકે માને છે. પણ થાણાના યાદવ રાજા રામચંદ્રના સંવત ૧૩૨૮ (ઇસવીસન ૧૨૭૨)ના લેખમાં જણાવ્યું છે કે રામચંદ્રે ગુર્જરોને હરાવ્યા. આ રામચંદ્ર સંવત ૧૩૨૭ (ઇસવીસન ૧૨૭૧)માં ગાદીએ આવ્યાં હતાં. આ સમયે ગુજરાતમાં પાટણની ગાદી ઉપર અર્જુનદેવ રાજ્ય કરતાં હતાં. આથી સંભવ છે કે અર્જુનદેવને યાદવ રાજવી રામચંદ્ર સાથે યુદ્ધ થયું હોય પણ આ અંગેનો કોઈ ઉલ્લેખ તેમનાં સમયના મળી આવેલ લેખમાંથી મળતો નથી. જો કે ગુર્જર રાજવીઓ રાજસ્થાનમાં પણ રાજ્ય કરતાં હતાં તેનાં પણ ઘણા દ્રષ્ટાંત ઇતિહાસમાં મળી રહે છે. આમે ય રાજસ્થાનમાં ગુર્જરોની વસ્તી વધારે છે. ચક્રવર્તી ગુર્જરો એ નામનો ગુજરાતના ઈતિહાસ પર એક ગ્રંથ શ્રી કનૈયાલાલ મુનશી એ જરૂર લખ્યો છે જેમાં ગુજરાતના રાજવીઓને ગુર્જરો કહ્યાં છે જે દેખીતી રીતે તો સાચું જ છે પણ આ યાદવ રાજા સાથમાં કયા ગુર્જર રાજા તે સ્પષ્ટ થતું નથી. એટલે જ તો આ ખાલી એક ધારણા જ છે.
✔ અર્જુનદેવના સમયમાં પ્રચલિત સંવતો --------
➡ હરસિદ્ધ માતાનાં મંદિરમાંથી મળી આવેલાં લેખ પરથી અર્જુનદેવના સમયમાં ગુજરાતમાં ચાર સંવતો પ્રચલિત હોય તેમ જણાય છે.
(૧) વિક્રમ સંવત
(૨) વલભી સંવત
(૩) સિંહ સંવત
(૪) હિજરી સંવત
આ લેખમાં મહંમદ સંવત ૬૬૨, વિક્રમ સંવત ૧૩૨૦, શ્રીમદ વલભી સંવત ૯૪૫ તથા સિંહ સંવત ૧૫૧ વર્ષ અષાઢ વદ તેરસ એમ જણાવેલું
✔ અર્જુનદેવના સમયના કવિઓ --------
➡ રાજા અર્જુનદેવના સમયમાં વીસલદેવના સમયના કવિ નાનાક હયાત હતાં એમ સંવત ૧૩૨૮મ લખાયેલી નાનાક પ્રશસ્તિ પરથી જણાય છે. રાજકવિ નાનાક ઉપરાંત કવિ રતન તથા તેમનો પુત્ર કુવલયા ચરિતના કર્તા કૃષ્ણ, ધારાદ્વંસના લેખક ગણપતિ વ્યાસ અને હરિહર વગેરે કવિઓ હયાત હતાં.
✔ રાજા અર્જુનદેવની ધાર્મિક સહિષ્ણુતા --------
➡ રાજા અર્જુનદેવ પોતાના પૂર્વજોની માફક જ શૈવ ધર્મ પાળતાં હતાં. છતાં તેઓ પરધર્મીઓ તરફ ઘણું જ ઉદાર વર્તન રાખતાં. તેમના સમયના મળી આવેલ સંવત ૧૩૨૦ના લેખમાં જણાવ્યું છે કે --
" અર્જુનદેવના કલ્યાણરૂપ અને વિજય શાંતિ રાજ્યમાં તેમનાં મહામાત્ય રાણક શ્રી માલદેવ, શ્રી કરણ આદિ સમસ્ત મુદ્રા વ્યાપાર કરે છે. તે સમયે સોમનાથના મઠના પાશુપતાચાર્ય ગંડ શ્રી પરવીરભદ્રના પાશ્વિક મહંત શ્રી અભયસિંહ જેવા પંચકુલોની અનુમતિથી અને હુર્મુજના કાંઠા ઉપર અમીર શ્રી રુકનુદ્દીન રાજ્ય કરતાં,ત્યારે મહાજનના આગેવાન માણસો જેવા કે ઠક્કર શ્રી રામદેવ, રાણક શ્રી સોમેશ્વરદેવ, વલુંગિદેવ, શ્રી ભીમસિંહ તથા રાજશ્રી છાડની પાસેથી નાખુદા પીરોજે સોમ્નાથ્દેવ નાગર બહાર સીકોતરી મહામણ પાલીમાં આવેલો ભૂમિખંડ નવનિધાન સહિત યથેચ્છા કાર્ય કરવાના હક્ક સહિત સ્પર્શન ન્યાયથી ખરીદ કર્યો; પછી નૌવાહ પીરોજે આ જમીન ઉપર પોતાના મોક્ષાર્થે સ્વધર્મશાસ્ત્ર અનુસાર પૂજા સ્થાન (મસ્જિદ) બાંધ્યું. એમાં પૂજા દીપ તેમજ કુરાનપાઠ વગેરે માટે તથા ચાલુ ખર્ચ માટે શ્રી નવઘણેશ્વરદેવનાં સ્થાનપતિ શ્રી ત્રિપુરાંતક તથા વિનાયક ભટ્ટાર્ક અને રત્નેશ્વર વગેરે પાસેથી શ્રી વઉલેશ્વર દેવની માલિકીની બે માના ઘરવાળી એક મોટી વાડી, બે દુકાનો, એક ઘાણી વગેરે લઈને મસ્જિદને એની ઉપજ વાપરવા માટે એ સર્વ અર્પણ કર્યું. આ ઉપરાંત સોમનાથ પાટણના શિયાપંથી વહાણવટીઓના અમુક ઉત્સવો માટે રકમ ઠરાવી આપી. તેનો વહીવટ પાટણના મુસ્લિમોની જમાત કરે તથા કંઈ વધારો રહે તો મક્કા અને મદીના મોકલે....... એવી નોંધ આ લેખમાં જોવાં મળે છે.
➡ જયારે મુસ્લિમોનો અત્યાચાર નજર સમક્ષ હોય ત્યારે તેમના તરફ ઉદારતા બતાવવી એ એક મહાન સદગુણ જ ગણી શકાય, જયારે ગુજરાતમાં મુસ્લિમો પ્રત્યે અનહદ તિરસ્કાર હતો. જયારે મુસ્લિમોએ ગુજરાતમાં હિંદુ દેવળોનો નાશ કરી અઢળક દ્રવ્યની લૂંટ કરી હોય તે વખતે પોતાના રાજ્યમાં તેમનાં પવિત્ર પૂજા સ્થાન માટે જમીન આપવાની મંજુરી આપવી તેમ જ તેના નિભાવ અર્થેની વ્યવસ્થા કરવી તે અર્જુનદેવના હૃદયની વિશાળતા પુરવાર કરે છે. આ લેખ પરથી મુસ્લિમ વેપારીઓ અને વહાણવટીઓ સાથે ગુર્જર રાજવીએ તથા તેની પ્રજાએ કેવો મીઠો સંબંધ બાંધ્યો હતો તેનો સચોટ ખ્યાલ આપે છે.
➡ કહેવાની જરૂર ખરી કે આ ક્યાં સાહિત્યકારોએ આમ લખ્યું છે તે અને એનો બચાવ પણ કર્યો છે તે ! એ જમાનામાં તો આવું બધું સ્વાભાવિક હતું પણ આજે ! વિચારજો જરાં !!! આનાં પરિણામો અને આનાં પ્રત્યાઘાતો બહુ ટૂંક સમયમાં જ પડવાનાં હતાં ત્યારે લોકને સમજ પડી જ જવાની હતી કે શું સાચું છે અને શું ખોટું છે તે ! મહત્વની વાત તો એ છે કે આ જમીન સોમનાથમાં આપવામાં આવી હતી જે કોઈને પણ ના ગમે એ સ્વાભાવિક છે એ તો સારું છે કે આજે એની અહીં કોઈને ખબર નથી અને કદાચ કોઈ સાક્ષ્ય પુરાવાઓ હશે નહીં તો આ બાબરી મસ્જિદ કરતાં પણ જુનો વિવાદ ગણાય અલબત્ત આમાં સોમનાથ મંદિરની જગ્યા તો નથી જ આપવામાં આવી આ સોમનાથ ગામની વાત છે એટલે કે પ્રભાસપાટણમાં ! એટલે બચ ગયે હમ ચલો પણ આનાં પ્રત્યાઘાતો લોકો આપે એ પહેલાં જ કૈંક એવું બનવાનું હતું કે લોકોના મનમાંથી આ વાત જ વિસરાઈ જાય. આજે સોમનાથમાં મંદિરની બાજુમાં જ આવી મસ્જિદ હયાત છે જ અને બીજી અનેક પણ એનું મૂળ અહિયાં છે એમ મારું તો સ્પષ્ટપણે માનવું છે. પણ આ પગલું ખોટું હતું રાજા અર્જુનદેવનું એમ તો હું જરીકે નહિ કહું . કારણકે ગુજરાતમાં બધાંને જ સમાન અધિકાર મળવો જોઈએ કારણકે તેઓ ગુજરાતીઓ છે છે સવાલ એટલો જ તેઓએ ગુજરાતી અને ભારતીય બનીને રહેવું જોઈએ અને કોમીએખલાસનું ઉત્તમ ઉદાહરણ આપવું જોઈએ. મુસ્લિમોને જમીન ના જ અપાય એ મતનો તો હું પણ નથી જ. બાકી બધાં નિર્ણયો સંજોગોને આધીન થઈને લેવાવાં જોઈએ , સૌથી મહત્વની બાબત આમાં એ છે કે આ આજથી ૮૫૦ વર્ષ પૂર્વેની વાત છે. જે બની છે કે નહી એની કોઈ જ સાબિતી કોઈની પાસે નથી.બાકીની વાતો આપણે પછી કરશું !
✔ રાજા અર્જુનદેવના લોકોપયોગી કાર્યો ------
➡ તેમનાં સમયમાં કેટલાંક લોકોપયોગી કાર્યો થયાં હોય તેમ તેમના સમયની ઉપલબ્ધ માહિતી પરથી જણાય છે.
➡ સંવત ૧૩૨૦ના કાંટેલાના શિલાલેખમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં નીમાયેલા અધિકારી સમાંતસિંહે પોતાના ભાઈ "સલક્ષ"ના પુન્યાર્થે સલક્ષનારાયણ નામે ભગવાન વિષ્ણુનું મંદિર બંધાવ્યું. આ ઉપરાંત તેમણે ગિરનાર ઉપર નેમિનાથનાં મંદીરની આગળ પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું તથા દ્વારિકાના રસ્તા ઉપર આવેલ રેવતીકુંડ સમરાવી તેનાં પગથિયાં બંધાવ્યા તેમ જ ભગવાન શિવજી, ભગવાન વિષ્ણુ, ભગવાન ગણેશજી, ક્ષેત્રપાલ, સૂર્ય, ચંડિકા, રેવતી અને બલરામની મૂર્તિઓની સ્થાપના કરી, વળી ત્યાં તેમને કૂવો તથા હવાડો પણ બંધાવ્યો.
સંવત ૧૩૨૭ના ભરાણાનાં લેખમાં સૌરાષ્ટ્ર ઉપર નીમેલા બે અધિકારી પાલ્હ અને સામંતસિંહનાં હાથ નીચે કામ કરતાં, અરિસિંહે ભદ્રાણણક (ભરાણા)માં પાણી માટે માતરાદેવી વાવનું તથા અમુક હેતુ માટે (હેતુ સ્પષ્ટ નથી વંચાતો) અમુક ક્રમનું દાન કર્યાનો ઉલ્લેખ છે.
➡ સંવત ૧૩૨૮ના કચ્છમાંથી મળેલા લેખમાં શ્રી અર્જુનદેવ તથા મહામાત્ય માલદેવના ઉલ્લેખ સાથે રવ નામના ગામમાં શ્રી રવેચી દેવીના મંદિર પાસે રવિસિંહે ૧૬૬૦ દ્રમના ખર્ચે વાવ બંધાવ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ મળી આવે છે.
✔ રાજા અર્જુનદેવનાં પુત્રો --------
➡ ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથના સંવત ૧૩૫૨ના શિલાલેખમાં જણવ્યું છે કે --
અર્જુનદેવને______રિપુનો વિજેતા ______ જ્યેષ્ઠ હોવા છતાં કામદેવ બસતો રામદેવ વિમલ કીર્તિવાળો પુત્ર હતો. આ લેખ ખંડિત હોવાથી સ્પષ્ટ વાંચી શકાતું નથી. પણ ઇડરની મુરલીધર મંદિરની પ્રશસ્તિમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ----
"લક્ષ્મણ તુલ્ય રામનો નાનોભાઈ સારંગદેવ પૃથ્વી ઉપર શોભતો હતો."
મળી આવતાં આધાર પરથી અર્જુનદેવની હયાતીમાં સારંગદેવ રાજ્ય વહીવટમાં મહત્વનું સ્થાન ધરાવતો હોવાનો સંભવ જણાય છે.
તેમનુ મૃત્યુ કેવી રીતે થયું તેનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી.
✔ રાજા અર્જુનદેવનો અંત -------
➡ રાજા અર્જુનદેવના સમયનો સૌથી છેલ્લો લેખ ગિરનારમાંથી સંવત ૧૩૩૦માં વૈશાખ સુદ પૂર્ણિમાનો મળે છે. તેમનાં પુત્ર રામદેવનો કોઈ લેખ ઉપલબ્ધ નથી. તેમ જ સારંગદેવનો સૌ પ્રથમ ઉપલબ્ધ લેખ સંવત ૧૩૩૨ના માગશર સુદ અગિયારસનો મળે છે. વિચારશ્રેણીમાં વીસલદેવનું રાજ્ય સંવત ૧૩૧૮માં પૂરું થયું હોવાનું જણાવ્યું છે. આ પરથી અર્જુનદેવે સંવત ૧૩૧૮થી સંવત ૧૩૩૨ સુધી રાજ્ય કર્યું જણાય છે.
અર્જુનદેવ વિષે કોઈ જ માહિતી ઉપલબ્ધ ન થતી હોવાથી કહીસુની અને અમુક જગ્યા લિખિત માહિતી ઉપર જ આધાર રાખવો પડતો હોય છે. તેમને પ્રમાણમાં સારું એટલે કે ૧૩ વરસ રાજ્ય કર્યું હોવા છતાં પણ તેમને વિષે કોઈ ઠોસ પ્રમાણો મળતાં જ નથી . આવું કહેવાય છે અને એમ માનવામાં આવે છે થા એવો ક્યાંક ઉલ્લેખ થયો છે એનાં જે તારણો કાઢવાના તે આપણે કાઢવાનાં બાકી સાહીત્યકારોની ઉમર થઇ અને ઈતિહાસ ઘરડો થયો હોઈ તે હવે પથારીસ્થ હોય એમ લાગે છે. ચાલો કશો વાંધો નહીં હવે ત્રીજા રાજા તરફ પ્રયાણ કરીએ તો .....
✔ રાજા રામદેવ --------
(ઇસવીસન ૧૨૭૬ )
➡ માત્ર થોડો જ સમય જ રાજગાદીએ આવ્યાં હતાં અને તે પણ ચોક્કસ નથી કે તેમણે ખરેખર કેટલાં સમય માટે રાજ્ય કર્યું હતું તે ! માત્ર ઈસ્વીસન ૧૨૭૬નો જ ઉલ્લેખ છે.
રાજા અર્જુનદેવને રામ અને સારંગદેવ નામે બે પુત્રો હતાં. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે -- રાજા અર્જુનદેવ પછી રાજા સારંગદેવ પાટણની ગાદી પર આવ્યો. પણ મળી આવતાં પરમનો પરથી કેટલોક મતભેદ ઉભો થયો છે.
સંવત ૧૩૪૩માં લખાયેલી સિન્દ્રા પ્રશસ્તિમાં રામદેવનો ઉલ્લેખ નથી. તેમાં અર્જુનદેવ પછી એમનો પુત્ર સારંગદેવ ગાદીએ આવ્યો એમ જણાવ્યું છે.
સંવત ૧૩૫૨ના ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંથી મળી આવેલા લેખ પરથી રાજા રામદેવ સત્તા પર આવ્યાં હશે કે કેમ તે લેખ ખંડિત હોવાથી જાણી શકાતું નથી. પણ તે જ્યેષ્ઠ પુત્ર હતો એમ ચોક્કસપણે કહી શકાય છે. આ જ લેખમાં જણાવ્યું છે કે ઉભૌ ધુરં ધારયત; પ્રજાનાં પિતુ યદ્રસ્યાસ્ય ચ ધુર્યકલ્પો"તે બંને પ્રજાની ધુરા ધારણ કરવા શક્તિમાન હતાં. તેમનાં પિતાની ગાદીના મુખ્ય માલિક હતાં.
સંવત ૧૩૫૪ની ઇડરની મુરલીધર મંદિરની પ્રશસ્તિ ઉપરથી જણાય છે કે રામદેવ અલ્પ સમય માટે પણ ગાદીએ આવ્યાં હશે. આ પ્રશસ્તિમાં જણવ્યું છે કે "અર્જુનદેવનોન્પુત્ર રાજાઓમાં ચક્રવર્તિ શ્રી રામ નામે વિરાજે છે અને લક્ષ્મણતુલ્ય રામનો નાનો ભાઈ સારંગદેવ પૃથ્વી પર શોભતો હતો." આ ઉપરથી જણાય છે કે કદાચ રાજા રામદેવ સત્તા પર હશે અને તેમના નાના ભાઈ સારંગદેવ વચ્ચેનો સબંધ રામ-લક્ષ્મણ જેવો હશે. આ જ લેખમાં આગળ જણાવ્યું છે કે-- "શ્રી રામનો કર્ણ નામનો પ્રખ્યાત પુત્ર શ્રુતિ અને શાસ્ત્રાનુસાર પ્રજાનું પાલન કરે છે."
રાસમાળામાં અર્જુનદેવ પછી લવણરાજ નામે વ્યક્તિનું નામ ભાટ-ચારણોનાં વૃત્તાંત પરથી દર્શાવ્યું છે.પણ તેનાં માટે પ્રાચીન લેખાદિરૂપ સબળ પ્રમાણ ન હોવાથી તેને મહત્વ આપવામાં આવ્યું નથી. પરંતુ તે અર્જુનદેવ અને સારંગદેવ મધ્યે કોઈ એક વ્યક્તિ હોવાના સંભવને સમર્થન આપે છે.
➡ રાજા અર્જુનદેવના સમયમાં એમના બંનેપુત્રોએ રાજ્ય વહીવટની ધુરા ઉપાડી લીધી હોય પરંતુ પછી એમનો મોટો પુત્ર રામ પિતાની હયાતી દરમ્યાન અકાળ મૃત્યુ પામ્યો હોય તો એનાં પછી રામદેવનો પુત્ર કર્ણ એનો ઉત્તરાધિકારી બન્યો હોય એવું સિન્દ્રા પ્રશસ્તિને આધારે સંભવે છે. એ અનુસાર મુરલીધર મંદિરની પ્રશસ્તિ લેખમાં રામદેવ માટે પ્રયોજાયેલું "નૃપચક્રવર્તિ"વિશેષણ અતિશયોક્તિ ભર્યું ગણાય. એમાં પિતાના રાજ્યની ધુરાનું વહન કરતો એ અર્થ ઉદ્દિષ્ટ હોય તો ખરી રીતે એને માટે "યુવરાજ " શબ્દ પ્રયોજાવો જોઈએ કે પછી રામદેવે થોડાં વખત માટે પણ ગાદી ભોગવી હશે? પરંતુ તો પછી એમનાં મૃત્યુ બાદ એમનો પુત્ર ગાદીએ આવે એ પુત્ર સગીર હોય તો એનો હક જતો ન રહે ને સારંગદેવે વીસથી વધુ વર્ષ રાજ્ય ભોગવ્યું હોઇ એમણેને ભત્રીજાના સગીર વય દરમ્યાન કામચલાઉ રાજપદવી ધારણ કરી હોવાનું સંભવતું નથી !
➡ હવે એ પ્રશ્ન અધ્યાહાર જ છે કે શું ખરેખર રાજા રામદેવ રાજા બન્યાં હતાં કે નહીં ? આનો જવાબ તો સાહિત્યકારો કે ઈતિહાસ પાસે પણ નથી પણ એ રાજા બન્યાં હશે એમ માનીને ચાલવું હિતાવહ ગણાય !
(ક્રમશ :)
!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!
------- જનમેજય અધ્વર્યુ
🌻🌺🍁🍀☘🍂🌿🌴🌻🌹