⚔ વાઘેલાયુગ કીર્તિકથા ⚔
ஜ۩۞۩ஜ રાજા વીસલદેવ ஜ۩۞۩ஜ
(ઇસવીસન ૧૨૪૪થી ઇસવીસન ૧૨૬૨)
----- ભાગ - ૨-----
➡ જે સાહિત્યમાં મહામાત્યોની જ વિગતો વધારે મળે એણે ઈતિહાસ કહેવાય ખરો કે. ઇતિહાસમાં રાજાઓનું જ મહત્વ વધારે છે નહીં કે મંત્રીઓનું આ વાત સમયના સાહિત્યકારોએ સમજી લેવાની જરૂર હતી. રાજા વીસલદેવ એ વાઘેલાવંશનો પાટણની રાજગાદીએ બેસનાર સૌ પ્રથમ રાજવી હતો. એની જગ્યાએ આ સાહિત્યકારો તો આખી વાત વસ્તુપાળ -તેજપાળ પર લઇ ગયાં છે. આમાં જ વાઘેલાઓ દબાઈ ગયાં હોય એવું મને લાગે છે. જે ઈતિહાસ વીસલદેવે પાટણની ગાદી કેવી રીતે પ્રાપ્ત કરી એ બાબતમાં જ સ્પષ્ટ ના હોય તો એની સત્યતા એક સવાલપેદા કરનારી જ છે એમ માનીને જ ચાલવું રહ્યું.
➡ એક વાત તો છે કે ઈતિહાસ હજી આ બાબતમાં સ્પષ્ટ નથી અને એમ તો ગુજરાતના દરેક રાજાઓમાં પણ સ્પષ્ટ નથી. સોલંકીયુગમાં તો આચાર્ય હેમચંદ્ર હતાં પણ પછી એક આધારભૂત માહિતીની ઉણપ જરૂર વર્તાઈ છે. કારણકે તેઓ નાટકો- ચેટકો અને અનુશ્રુતિઓને જ વધારે મહત્વ આપે છે આમાં જ સાચી વાત અને સાચો ઈતિહાસ ઢંકાઈ જાય છે. સાચે જ અઘરું છે સાચો ઈતિહાસ બહાર લાવવાનું હો !પણ જેમ બને એટલો ઈતિહાસ બહરલાવવાનો હું પ્રયત્ન જરૂર કરું છું. મતમતાંતર બાજુએ મુકીને જે વાત અનુરૂપ હોય એ તરફ જ હું અંગુલીનિર્દેશ કરવાં માંગું છું.
➡ આ માટે ફોર્મેટમાં એક બીજો પણ ફેરફાર કરું છું. જ્યાં એ રાજાનું નામ આવતું હોય ત્યારે એ રાજા ખરેખર તે સમયમાં થયો હતો કે નહીં તે પણ ચકાસવામાં આવશે અને જ્યાં મુસ્લિમ આક્રમણો થયાં હતાં એમ કહી એ છટકી જાય છે તો એ વખતે ખરેખર ભારતમાં કોની સત્તા હતી અને કોણે તે આક્રમણ કર્યા હતાં તે પણ ચકાસવામાં આવશે. કારણકે આમાં જ ઘણી ખોટી વિગતોએ જોર પકડયું છે અને સાલવારીમાં કોઈપણ જાતનો મેળ ખાતો નથી. એનાં ઉદાહરણો તમને હું આ જ લેખમાં આપવાનો છું.પણ તે પહેલાં આ જે ૧૩મી સદીછે જેમાં જ ભારતમાં ગુલામવંશની શરૂઆત થઇ હતી તેના સુલતાનોનો સમયગાળો જાણી લેવો અત્યંત આવશ્યક છે.
✔ ગુલામવંશના શાસકો ----- મમલૂક વંશ
✅ કુત્બુદ્દીન ઐબક (ઇસવીસન ૧૨૦૬ - ઇસવીસન ૧૨૧૦)
✅ અરમ શાહ (ઇસવીસન ૧૨૧૦ - ઇસવીસન ૧૨૧૧)
✅ ઈલ્તુમિશ (ઇસવીસન ૧૨૧૧ - ઇસવીસન ૧૨૩૬)
✅ રુકન ઉદ દીન ફીરુઝ (ઇસવીસન ૧૨૩૬)
✅ રઝીયા સુલતાના (ઇસવીસન ૧૨૩૬ - ઇસવીસન ૧૨૪૦)
✅ મુઈઝ ઉદ દીન બહરમ (ઇસવીસન ૧૨૪૦- ઇસવીસન ૧૨૪૨)
✅ અલા ઉદ દીન મસૂદ (ઇસવીસન ૧૨૪૨ - ઇસવીસન ૧૨૪૬)
✅ નસીરૂદ્દીન મહમૂદ (ઇસવીસન ૧૨૪૬ - ઇસવીસન ૧૨૬૬)
✅ ગીયાસ ઉદ દીન બલબન (ઇસવીસન ૧૨૬૬ - ઇસવીસન ૧૨૮૭)
✅ મુઈઝ ઉદ દીન કૈકાબાદ (ઇસવીસન ૧૨૮૭ - ઇસવીસન ૧૨૯૦)
✅ શમશુદ્દીન કયુમારસ (ઇસવીસન ૧૨૯૦)
➡ આ બધાં ગુલામ વંશોના શાસક એ વાઘેલાવંશના પૂર્વના રાજાઓ અને પાટણના રાજાઓ થયાં ત્યારે દિલ્હીપતિ હતાં. એમાં રાજા વીસલદેવના સમયમાં તો અલા ઉદ દીન મસૂદ અને નસીરૂદ્દીન મહમૂદ આ બે જ સુલતાનો થયાં હતાં . જો કે આ બે સુલતાનોએ ગુજરાતને કોઇપણ રીતે પજવ્યું નહોતું.આસુલ્તાનોની વાત થોડી આગળ કરીશું.
➡ વિશ્વનું સૌથી મોટું મંદિર સંકૂલ અંગકોરવાટ જે અત્યારે એક બૌદ્ધ મંદિર તરીકે જાણીતું છે તે સંકુલમાં વિષ્ણુ મંદિર પણ છે જે ઈસવીસનની ૧૨મી સદીમાં ખ્મેર રાજા સૂર્યવર્મન બીજાં એ બંધાવ્યું હતું અને આ મંદિર સંકૂલ એ ૪૦૦ એકરમાં ફેલાયેલું છે જેને મંદિરોના નગર તરીકે ઓળખવામાં આવે છે જે ગુજરાતના સોલંકીયુગના મહારાજ સિદ્ધરાજ જયસિંહ અને રાજા કુમારપાળનાં સમયમાં જ બનેલું છે.આ ભગવાન વિષ્ણુ મંદિર એની મૂર્તિઓની ભવ્યતા અને કલા કોતરણીને કારણે જગવિખ્યાત છે. ભગવાન વિષ્ણુની બોલબાલા અને ભક્તિ તો ત્યાં સમુદ્રગુપ્તના સમયથી જ હતી. સ્મુદ્ર્ગુપ્તે ઇન્ડોનેશીયા અને આ કમ્બોડિયા સુધી પોતાનો વિજય ડંકો વગાડયો હતો. જો કે આજે તો આ વિષ્ણુ મંદિર ખંડેર જ છે અને એક બૌદ્ધ મંદિર ત્યાં બની ગયું છે એની જ મહત્તા વધારે છે. પણ વિષ્ણુ મંદિર આજે પણ ત્યાં જૂની પુરાણી યાદો લઈને ત્યાં જ સ્થિત છે.
➡ શ્રી રામાનુજાચાર્યનો જન્મ ઇસવીસન ૨૬ એપ્રિલ ૧૦૧૭ના રોજ થયો હતો.
બસવ - બસવન્ના- બસવેશ્વર જેઓ પ્રખ્યાત શૈવવાદી તત્વચિંતક હતાં તેઓ ઇસવીસન ૧૧૦૫માં જન્મ્યાં હતાં અને ઇસવીસન ૧૧૬૭માં મૃત્યુ પામ્યાં હતાં તેમનો સમયગાળો પણ સોલંકીયુગના સમયગાળાનો જ છે. ભાસ્કરાચાર્ય પણ આ જ સમયગાળા દરમિયાન થયાં હતાં.
મંદિરની વાત કરીએ તો હમ્પીના ખંડેરોનું સૌથી પુરાતન મંદિર વિરૂપાક્ષ મંદિર એ ઇસવીસનની અગિયારમી સદીમાં બનેલું છે.
બાકી બીજું બધું વખતોવખત આપવામાં આવતું રહેશે.
હવે રાજા વીસલદેવની વાત આગળ વધારીએ ......
✔ વીસલદેવના મહામાત્યો -------
➡ વસ્તુપાળના મૃત્યુ બાદ ધોળકામાં તેજપાલ મહામાત્ય પદે હતો એમ સ્પષ્ટ જણાય છે. સંવત ૧૩૦૩માં અણહિલવાડમાં લખાયેલી આચારાંગની પ્રતમાં વીસલદેવ મહારાજાધિરાજ અને તેજપાલને મહામાત્ય કહ્યો છે. આ ઉપરથી જણાય છે કે વીસલદેવે પાટણના રાજા બન્યાં પછી બીજાં કોઈને મહામાત્ય પદ આપ્યું નથી. તેજપાલ જ આ પદે ચાલુ હતો. વિવિધતીર્થકલ્પમાં મંત્રી તેજપાલને ખસેડી વીસલદેવે બીજો મંત્રી નીમ્યો એમ લખ્યું છે પણ તે સંભવ લાગતું નથી કારણ કે વીસલદેવના રાજા બન્યાં પછી શરૂઆતના સમયમાં તેજપાલ મહામાત્ય પદે હતો એમ મળી આવે છે. તેજપાલ પછી મહામાત્ય પદે આવનાર નાગડનો પ્રથમ ઉલ્લેખ બતાવતો ગ્રંથ સંવત ૧૩૧૦ (ઇસવીસન ૧૨૫૪)નો છે.
આ ઉપરથી જણાય છે કે તેજપાલનું મૃત્યુ સંવત ૧૩૦૩ (ઇસવીસન ૧૨૪૭) થી સંવત ૧૩૧૦ (ઇસવીસન ૧૫૪)ની વચ્ચે થયું હોવું જોઈએ. વસ્તુપાળ ચરિતમાં જણાવ્યું છે કે વસ્તુપાળ પછી દસ વર્ષે તેજપાલનું મૃત્યુ થયું. વસ્તુપાળનું મૃત્યુ સંવત ૧૨૯૬માં થયું. (ઉપર જણાવેલી હસ્તપ્રતમાં પણ વસ્તુપાળનું મૃત્યુ સંવત ૧૨૯૬માં થયાનું જણાવ્યું છે. સંવત ૧૨૯૬ +૧૦ =૧૩૦૬). આમ આ આધારે તેજપાલનું મૃત્યુ સંવત ૧૩૦૬માં થયું હોવાનો સંભવ છે. હવે ચતુર્વીશતિમાં તથા પુરાતન પ્રબંધ સંગ્રહમાં તેજપાલનું મૃત્યુ સંવત ૧૩૦૮માં થયું હોવાનું જણાવ્યું છે. એ કદાચ વસ્તુપાલનું મૃત્યુનું વર્ષ સંવત ૧૨૯૮નાં આધારે માન્યું હશે. આમ આ ગ્રંથોમાં તેજપાલના મૃત્યુના જુદા જુદા વર્ષો આપ્યાં છે. આમાંથી કયા વર્ષને પ્રમાણભૂત માનવું તે બીજું કઈ સાધક-બાધક પ્રમાણ ન મળે ત્યાં સુધી નક્કી કરવું મુશ્કેલ છે.
✔ સલખણસિંહ -------
➡ સંવત ૧૩૦૫નાં ગિરનારવાળાં લેખમાં સલખણસિંહનો મહામાત્ય તરીકેનો ઉલ્લેખ મળી આવે છે. વીસલદેવના સમયનાં બીજાં કોઈ લેખમાં સલખણસિંહનો ઉલ્લેખ જોવાં મળતો નથી. મહામાત્ય નાગડ વિશેનો પ્રથમ ઉલ્લેખ સંવત ૧૩૦૦ની વીસલદેવના રાજ્યમાં લખાયેલ હસ્તપ્રતમાં મળી આવે છે. આ ઉપરથી તેજપાલના મૃત્યુ પછી થોડાં સમય સુધી સલખણસિંહ મહામાત્ય પદે આવ્યો હોવાનું સંભવિત છે. પાછળથી વીસલદેવે આ સલખણસિંહેને પહેલાં સૌરાષ્ટ્રનો અધિકારી પછી લાટનો અધિકારી નીમ્યો હતો. આ સલખણસિંહ રાજા કુમારપાળના સમયના પ્રસિદ્ધ ઉદયન મંત્રીનો વંશજ હોવાનું જણાય છે. ઉદયનના પુત્રનું નામ ચાહડ હતું.તેનો પુત્ર પદમસિંહ. આ પદમસિંહને ત્રણ પુત્રો હતાં.તેમાં વચલો પુત્ર તે આ સલખણસિંહ. આ સલખણસિંહ નર્મદા કિનારે મૃત્યુ પામ્યો. તેના ભાઈ સમાંતસિંહે એનાં નામ પરથી સલક્ષનારાયણની મૂર્તિ સ્થાપી. આ સલખણસિંહના નાનાં ભાઈ સામંતસિંહને વીસલદેવે સૌરાષ્ટ્ર નો અધિકારી બનાવ્યો હતો.
✔ મહાપ્રધાન શ્રી વર્દભ તથા મૂલરાજ -------
➡ સંવત ૧૩૦૮ના અમદાવાદમાંથી મળી આવેલા એક લેખમાં રાજા વીસલદેવ વિજય રાજ્યે તન્નીયુક્ત મહાપ્રધાન રાણકશ્રી વર્દભ તથા મૂલરાજ એમ લખ્યું છે. આ મહાપ્રધાન પદ તે કદાચ મહામાત્યથી જુદું પદ હોવાનું સંભવિત છે.
✔ નાગડ ---------
➡ સંવત ૧૩૦૧ન માર્ગશીર્ષ પૂર્ણિમાએ વીસલદેવના રાજ્યમાં લખાયેલ પ્રકરણ પુસ્તિકામાં નાગડનો મહામ્ત્ય તરીકે સૌ પ્રથમ ઉલ્લેખ મળી આવે છે. એક અનુશ્રુતિ અનુસાર પુરાતન પ્રબંધ સંગ્રહમાં જણાવ્યું છે કે -- જયારે વીરમે લવણપ્રસાદનું અપમાન કર્યું ત્યારે લવણપ્રસાદે રાતોરાત નાગડને વીસલદેવને તેડી લાવવા મોકલ્યો.
નાગડે ધોળકા જઈ વિસલદેવને કહ્યું --
" જો તમે રાજા થાઓ તો મને શો લાભ?"
ત્યારે વીસલદેવે તેના જવાબમાં તેણે મંત્રી બનવવાનું વચન આપ્યું.
આ ખાલી એક વાર્તા છે હોં આ સાચું નથી જ ! ચતુર્વીશતિ પ્રબંધમાં નાગડને મહામાત્ય કહ્યો છે. આ નાગડનો મહામાત્ય તરીકેનો ઉલ્લેખ સંવત ૧૩૧૫ના પોરબંદરમાંથી મળેલા લેખમાં તથા સંવત ૧૩૧૭ના વીસલદેવના તામ્રપત્રમાંથી મળી આવે છે. આ વીસલદેવના સમયનો મળી આવેલ છેલ્લો લેખ છે. આ જોતાં નાગડ વીસલદેવના અંત સુધી પાટણમાં મહામાત્ય પદે હોવાનો સંભવ છે.
➡ વીસલદેવ પાટણના રાજા બન્યાં પછી માત્ર મંત્રીઓ જ નીમતા હતાં કે કોઈ યુદ્ધ -બુદ્ધ એમણે લડયા હતાં કે નહીં ?
અરે ભાઈ લડયા હતાં ને !
એની જ તો વાત કરું છું હવે !
✔ વીસલદેવે લડેલાં યુદ્ધો -------
✔ માળવા વિજય -------
➡ વીસલદેવ પાટણની રાજગાદીએ આવતાં જ પોતાનાં પૂર્વજોની માફક વિજયોત્સવ ઉજવવા માંડયા. પાટણના ચોલુકય રાજવીઓ માળવા સાથે વંશ પરંપરાથી યુદ્ધ કરતાં આવ્યાં હતાં. વીસલદેવે પણ માળવા સાથે એ જ રાજનીતિ અપનાવી. સંવત ૧૩૧૧ (ઇસવીસન ૧૨૫૩)માં વીસલદેવના સમયના કવિ સોમેશ્વરે લખેલી વૈધનાથ પ્રશસ્તિમાં વીસલદેવે ધારાધીશને હરાવ્યાનો ઉલ્લેખ મળે છે. આવો ઉલ્લેખ બીજા પણ બે ગ્રંથોમાં મળે છે. વીસલદેવે માળવા પર આક્રમણ કર્યું અને ધરાનગરીનો નાશ કર્યો. પણ આ ગ્રંથોમાં વિસલદેવે માળવાના કયા રાજાને હરાવ્યો તે ઉલ્લેખ મળી આવતો નથી. સંવત ૧૩૧૧ (ઇસવીસન ૧૨૫૩)માં સૌ પ્રથમ માળવાને વીસલદેવે હરાવ્યાનો ઉલ્લેખ મળે છે. તેથી આ વિજય વીસલદેવે એ સમય પહેલાં મેળવેલો હોવો જોઈએ. આ સમયે માળવામાં જયતુંગીદેવ ગાદીએ હતાં. તેમનો રાજ્યકાળ સંવત ૧૩૦૦ (ઇસવીસન ૧૨૪૪ )થી સંવત ૧૩૧૪ (ઇસવીસન ૧૨૫૮) મનાયો છે. આ સમયમાં માળવા પર મુસ્લિમોએ વારંવાર હુમલા કરી માળવાને નબળું પાડયુ હતું. આથી વીસલદેવે માળવાની આ નબળી પરિસ્થિતિનો લાભ લઇ આ જયતુંગીદેવને હરાવ્યો હોય એ સંભવિત છે.
➡ જો તમે ઇતિહાસની વાત કરતાં હોવ તો રાજા વીસલદેવે માળવા પર થયેલાં મુસ્લિમ આક્રમણો જે તો સુલતાન ઈલ્તુમીશ વખતે થયાં હતાં અને ઉજૈન અને ભીલસામાં પોતાનું આધિપત્ય જમાવ્યું હતું. આ માત્ર આક્રમણો હતાં કોઈ મોટું યુદ્ધ તો હતું નહીં અને એની જસ્ત્તામાંરાજસત્તામાં ઉથલપાથલ મચાવવા માટે અને દિલ્હી સલ્તનતમાં એનો સમાવેશ કરવાં માટે થયેલાં અભિયાનો માત્ર હતાં પણ એ માત્ર એક જ વાર થયું હતું એમાંથી ગુજરાત બાકાત હતું. ગુજરાત ઉપર તો ઐબકે જ હુમલો કર્યો હતો. સુલતાન ઈલ્તુમીશનો સમયગાળો છે ઇસવીસન ૧૨૧૧થી ઇસવીસન ૧૨૩૬. આ સમયગાળા દરમિયાન જ માળવા પર આક્રમણો થયાં હતાં. જે સમયગાળો તો વાઘેલાઓ અને વીસલદેવ સાથે મેળ ખાય છે. પણ જે સાલવારીઓ આ સાહિત્યકારોએ આપી છે તે તો નસીરુદ્દીન મોહંમદ સાથે મેળ ખાય છે . આ નસીરુદ્દીન મોહંમદ તો બહુ જ પાક ઇન્સાન હતો તે તો અખો વખત કુરાનને વાંચવામાં અને એણે સમજવામાં જ સમય પસાર કરતો હતો. કહેવાનો મતલબ એ છે કે તેણે કોઈ હુમલાઓ કે આક્રમણ કર્યા જ નથી. રઝીયા સુલતાના જેનો સમયગાળો છે ઇસવીસન ૧૨૩૬થી ઇસવીસન ૧૨૪૦ . આ સમયગાળા દરમિયાન ગુજરાત , સિંધ, અને દોઆબના પ્રદેશોમાં ૧૦૦૦ સમર્થકો સાથે મસ્જિદોમાં ઘુસી જઈને સુન્ની મુસ્લિમોને મોતને ઘટ ઉતાર્યા હતાં ઇસવીસન ૧૨૩૭માં એવું કહેવાય છે. આ રઝીયા સુલતાનાએ મેવાતી ઇલાકાઓ કબજે કર્યાં હતાં અને રણથંભોર ઉપર પણ પોતાનો કબજો જમાવ્યો હતો. ગુજરાત અને માળવા ઉપર ઐબકનું આક્રમણ થયું પછી જ ઈલ્તુમીશે માળવા અભિયાન શરુ કર્યું હતું જેને ગુજરાત સાથે કોઈ લેવાદેવા તો હતી જ નહીં.ગુજરાત પર ઇસવીસન ૧૧૯૭મ જે સૌથી મોટું આક્રમણ થયું ઐબકની આગેવાનીમાં તે પછી ગુજરાતમાં કોઈ આક્રમણ થયું જ નથી અને કચ્છનું રણ અને રાજસ્થાનનો રણ પ્રદેશ એ બંને તો જુદા પ્રદેશો છે અને ખાસા દૂર છે એ બંને વચ્ચે કોઈ તાદાત્મ્ય સધાતું નજરે પડતું નથી જે જગડુશા ચરિતમાં વર્ણવ્યું છે એવું જ તો ! સૌરાષ્ટ્ર અને કચ્છમાં આમે અલગ રાજપૂતો રાજ્ય કરતાં હતાં તેને અને આ ચૌલુક્ય વાઘેલાઓને કોઈ જ સીધો કે આડકતરો સંબંધ જ નથી. ખાલી સુરેન્દ્રનગર અને વઢવાણમાં આ ચૌલુક્યોની ધાક જરૂર હતી એટલે એવું માની શકાય કે કદાચ એ પ્રદેશો વાઘેલાઓના કબજામાં હોય ! આ ગ્રંથોમાં જે વારંવાર હુમલાઓનો ઉલ્લેખ કરે છે તેવાં હુમલાઓ મુસ્લિમોએ કર્યાં જ નથી ઉલટાનું માળવા ઉપર તો દરેક ચૌલુક્ય રાજાઓએ હુમલાઓ કર્યાં છે ! મારાં મનમાં એક વાત ખટકે છે એ એ છે કે ઇસવીસન ૧૧૯૭માં ઐબકે હુમલો કર્યો પછી જયારે ઐબક દિલ્હીની ગાદી ઉપર આવ્યો ત્યારે તેણે મળવાને તો પોતાનાં સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું પછી ઈલતુમીશે મળવાની બધી સત્તા છીનવી લીધી હતી બરાબર ! તો પછી લગભગ બાર વર્ષે આ વીસલદેવે માળવા પર હલ્લા બોલ કર્યું શું કામ ? એ તો એ વખતે દિલ્હી સલ્તનતના તાબામાં હતું ! કર્યું તો કર્યું પણ એ વખતે દિલ્હી સલ્તનતના કોઈ જ સુલતાને માળવા બચાવ અભિયાન અંતર્ગત ગુજરાત સામે લડવા પોતાનું સૈન્ય મોકલ્યું નહોતું ! આ એક મુદ્દો ધ્યાનમાં લેવા જેવો છે. શું આ આક્રમણો અને યુદ્ધો એ સાહીત્યકારોનાં ફળદ્રુપ ભેજાંની જ નીપજ માત્ર છે એ તમે નક્કી કરજો. ઇતિહાસે તો ક્યારનું નક્કી કરી જ લીધું છે ! માળવા ઉપર વારંવાર પોતા હક્ક જતાવ્યો હોય તો તે પશ્ચિમ ભારતીય ચાલુક્ય વંશે જેમાં કાકતીય વંશ અને કલ્યાણીના ક્લ્ચુરીઓનો સમાવેશ થાય છે જો કે ઈસવીસન ૧૧૮૯માં આ માળવા એ ચાલુક્ય શાસનમાંથી મુક્ત થઇ ગયું હતું એટલે કે ચાલુક્ય વંશનું પાટણ થઇ ગયું હતું ! આ પછી મળવામાં પરમાર વંશનું શાસન શરુ થયું.
➡ પરમાર વંશના રાજા જયતુંગીદેવનો સમયગાળો છે ઇસવીસન ૧૨૩૯થી ઇસવીસન ૧૨૫૫. હવે જૈન સાહિત્ય પ્રમાણે વાઘેલા રાજકુંવર વીસલદેવે એને હરાવ્યાનો ઉલ્લેખ છે પણ એ સાહિત્યમાં છે એ ઇતિહાસમાં કેટલું સાચું એ તો ઈતિહાસ જાણે કારણ કે આ સાહિત્યના ઉલ્લેખને લીધે એનો ઉલ્લેખ વિકિપીડિયામાં થયો છે. પણ વિકિપીડિયા અને આ સાહિત્યની સત્યતા પર હજુ પણ એક મોટો સવાલ જરૂર છે. આ સંદર્ભ જૈન કૈલાશ ચંદે ઇસવીસન ૧૯૭૨માં આપેલો છે એટલે એ કેટલું સાચું તે તો રામ જાણે કારણકે સાહિત્યમાં તો આ રાજા જયતુંગીદેવનાં નામનો જ ઉલ્લેખ નથી જે છેક ૧૯૭૨માં જ અપાયો છે એ ખાલી તમારી જાણ સારું ! જો કે આનાથી એ તો ફલિત નથી જ થતું કે વીસલદેવે આને નહિ જ હરાવ્યો હોય એટલે હાર્યો હશે એમ માનીને જ આપણે આગળ ચાલીએ. ચલો હવે બીજાં યુદ્ધ પર આવી જઈએ !
✔ સિંઘણ વિજય --------
➡ સંવત ૧૩૧૧ની ડભોઇ પ્રશસ્તિમાં વીસલદેવે દક્ષિણેશ્વરને હરાવ્યાનો ઉલ્લેખ મળે છે.સંવત ૧૩૧૧ ના લેખમાં આ દક્ષિણેશ્વરના વિજયનો ઉલ્લેખ મળે છેતેથી તે સમય પહેલાં વીસલદેવે આ વિજય પ્રાપ્ત કર્યો હોવો જોઈએ. આ વિજય કયારે મેળવ્યો તે એક પ્રશ્ન જરૂર છે. યાદવરાજા સિંઘણનો સમય વિક્રમ સંવત ૧૨૬૭થી વિક્રમ સંવત ૧૩૦૪નો છે. એટલે આ નામનો રાજા તે સમયમાં જરૂર થયો હશે એ તો ચોક્કસ જ છે.પણ તેની સાથે રાજા વીસલદેવને યુધ્દ થયું હતું કે નહીં તેની કોઈ જ સ્પષ્ટતા નથી થતી આ સમકાલીન સાહિત્યમાં. આ સમયમાં ખોલેશ્વરનો પુત્ર રામની સરદારી હેઠળ ગુજરાત પર ચઢાઈ કરવા યાદવ રાજાએ મોટું સૈન્ય મોકલ્યું હતું. આ સમયે વીસલદેવ પાટણનો રાજા બન્યો નહોતો પણ તે ધોળકાનો મંડલેશ્વર હતો. સંભવિત છે કે સંવત ૧૩૧૧ના લેખમાં વીસલદેવે સિંઘણને હરાવ્યાનો ઉલ્લેખ છે તે આ ચઢાઈ વિષે હશે. આ જ રીતે યાદવ રાજવીને હરાવીને વીસલદેવે લાટને પાછું મેળવવમાં ભીમદેવ બીજાંને મદદ કરી હશે.
✔ મેવાડ વિજય ---------
➡ વિક્રમ સંવત ૧૩૧૭ના વીસલદેવના સમયમાં લખાયેલાં લેખમાં વીસલદેવને મેદપાટક દેશકલુષ રાજ્યવલ્લીકંદોચ્છેદનકુદાલકલપ મેદપાટક દેશના કલુષ રાજ્યની લતાના મૂળના છેદનથી કુહાડી સુરેખો કહ્યો છે. આ ઉલ્લેખ પરથી જણાય છે છે કે -- વીસલદેવે મેવાડ ઉપર ચઢાઈ કરી હશે અને વિજય મેળવ્યો હશે પણ મેવાડના કયા રાજાને હરાવ્યી તેનો ઉલ્લેખ લેખમાં નથી. ચીરવાનાં લેખમાં "જૈત્રસિંહે નીમેલો ચિત્તોડનો કોટવાળ (તલારાક્ષ) પ્રધાન ભીમસેણ સાથે ચિત્તોડની તળેટીમાં કામ આવ્યો એમ લખ્યું છે આ જોતાં આ લડાઈ તેજસિંહ અને વીસલદેવ વચ્ચે થઇ હોવાનું સંભવ છે. ગુહલોત વંશનો રાજા તેજસિંહ વીસલદેવનો સમકાલીન હતો તેનો રાજ્યકાળ સંવત ૧૩૦૯થી સંવત ૧૩૧૭સુધીમાં બન્યો હોવાનું સંભવ છે.
➡ આ મેવાડ પર સૌ પ્રથમ કબજો મહારાજ સિદ્ધરાજ જયસિંહનો હતો. ખબર નહિ કેમ આ મેવાડના ગુહીલોત રાજપૂતો દરેક વખતે ગુજરાત સામે હારતાં અરે માત્ર ગુજરાત સામે જ નહિ પણ દરેક વખતે તેઓ જુદા જુદાં રાજાઓ સામે પણ હારતાં જ રહ્યાં છે ત્યારે એક પ્રશ્ન જરૂર થા મનમાં શું આ મેવાડ છે ખરું જેને આપણે ઓળખીએ છીએ તે ! રાણા હમીર પછી છેક જૈત્રસિહ સુધી બધાં નબળા રાજાઓ જ હતાં અને આ ગુહીલોત વંશના રાણા હમીર પછી બધાં બહુ ટક્યા જ નહીં. જૈત્રસિંહ મહા પરાક્રમી રાજા હતો અને એમ કહેવાય છે કે આ રાજા જૈત્રસિંહે જ મુસ્લિમ આક્રમણનો સામનો મહમદ ઘોરી એટલે કે ઐબક -અલ્તમશને ફાવવા નહોતાં દીધાં અને તેમને પાછાં ધકેલી દીધાં હતાં . આ ગુહીલોત વંશમાં કુલ ૩૬ રાજાઓ થયાં છે. કોક તો વળી ૪૪ રાજાઓનું લાંબુ લીસ્ટ આપે છે. જો કે એ છેક સ્થાપક બપ્પા રાવલથી તે રતનસિંહ સુધીનાં છે આ રતનસિંહને મારીને અલ્લાઉદ્દીન ખિલજીએ આ રાવલ વંશનો અંત આણ્યો. પણ ચિત્તોડ અડીખમ રહ્યું અને ને ત્યાર પછી જ સિસોદિયા વંશના મહાપ્રતાપી રાજાઓ થયાં જેમના વિષે હું લખી જ ચુક્યો છું વિગતવાર એ સમય મળે તો વાંચી લેજો. ચિત્તોડ ઉપર એક અલગ લેખ લખવાનો વિચાર છે ખરો પણ એ ભવિષ્યમાં અત્યારે તો નહીં જ! પણ આ જૈત્રસિંહ જે મહાપરાક્રમી રાજા હતાં તેના પર આક્રમણ ભીમદેવ સોલંકી દ્વીતીયનું પગલું ઉતાવળિયું જ હતું જેમાં એમણે થાપ ખાધી અને નાલેશી વહોરી તે નફામાં. એટલેજ સાહિત્યકારો વીસલદેવની વાત આગળ કર્યાં કરે છે. આ લડાઈ એ રાજા ભીમદેવ દ્વિતીયના સમયમાં લડાઈ હતી અને એમાં લવણપ્રસાદ અને વસ્તુપાળે સંધિ કરી હતી. તેની હારનો બદલો લેવાં માટે રાજા ત્રિભુવનપાળના સમયમાં સેનાપતિ વિસલદેવની આગેવાની હેઠળ આ યુદ્ધ થયું હતું પણ તેમાં પણ સાહિત્યકારો એને જીત જ બતાવે છે હકીકતમાં આ યુદ્ધ પણ રાજા જૈત્રસિંહ જ જીત્યો હતો. પછી લેપડાચોપડા કરવાં કૌટુંબિક સબંધોને આગળ કર્યા કરે છે ખાલી ખાલી. એ બધી સાહિત્યની જ નીપજ છે ખાલી જેને વાસ્તવિકતા સાથે બિલકુલ સંબંધ નથી. આ જે યુદ્ધો વારંવાર મેવાડ અને માળવા સાથે કર્યાં છે તે બરાબર ૫૪ વરસ પછી ગુજરાતને માથે મરાવાનું જ હતું. ખિલજીએ કેમ ગુજરાત પર આક્રમણ કર્યું તેની આ માત્ર હિંટ છે જેની વિગતે વાત એ આક્રમણ વખતે મતલબ કે કર્ણદેવ વાઘેલા વખતે ! હવે બીજાં યુદ્ધની વાત .....
✔ કર્ણાટકના રાજવી સાથે યુદ્ધ --------
➡ સંવત ૧૩૧૭ના વીસલદેવના સમયના લેખમાં વીસલદેવને "કર્ણાટકરાજ્જલધિતનયા સ્વયંવરપુરુષોત્તમ" કહ્યો છે. કર્નાતાકના રાજયની લક્ષ્મી જેને જેને સ્વયંવરથી વરી છે તે પુરુષોત્તમ વીસલદેવ. આ શબ્દનો એક અર્થ એમ પણ કરવામાં આવે છે કે-- કર્ણાટકના રાજાની દીકરીને વિસલદેવ સ્વયંવરમાં પરણ્યો હતો. પણ આ અર્થ યોગ્ય લાગતો નથી. લેખના શબ્દોનો સ્પષ્ટ અર્થ "રાજ્ય લક્ષ્મી"જ થાય છે. આ કર્ણાટકનો રાજા હોયસલ વંશનો રાજવી વીર સોમેશ્વર હોવાનો સંભવ છે. આ વીર સોમેશ્વર સંવત ૧૨૯૨થી સંવત ૧૩૧૨ (ઇસવીસન ૧૨૩૬ થી ઇસવીસન ૧૨૫૬)અને એમનો પુત્ર નરસિંહ (વિક્રમ સંવત ૧૩૧૨) વીસલદેવના સમકાલીન હતાં. આ સોમેશ્વર અને યાદવ રાજવી કૃષ્ણ વચ્ચે યુદ્ધ થયું હતું. આ જ પ્રમાણે ઉત્તર કોંકણનો શીલાહાર રાજા સોમેશ્વર પણ સમકાલીન જ હતાં. તેમનાં સમયના શક સંવત ૧૧૭૧ અને ૧૧૮૨ (ઇસવીસન ૧૨૫૦ અને ઇસવીસન ૧૨૬૧નાં લેખો મળ્યાં છે. આ બેમાંથી કોની સાથે યુદ્ધ થયું તે માટે કોઈ કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આ શીલાહાર રાજાને યાદવ રાજા સાથે યુદ્ધ થયું હતું. આથી આ રાજવીએ કદાચ યાદવોનો સામનો કરવા માટે વીસલદેવ સાથે સંધિ કરી હોય એ સંભવિત છે.
✔ વીસલદેવ અને યાદવ રાજવી કૃષ્ણ અને મહાદેવ -------
➡ આ યાદવ રાજવી કૃષ્ણ અને મહાદેવના હાથે વીસલદેવને હાર મળી હોવાનો ઉલ્લેખ મળી આવે છે. યાદવ રાજવી કૃષ્ણના સમયના એક લેખમાં કૃષ્ણને માળવા, ગુજરાત અને કોંકણને ધ્રુજાવનાર કહ્યો છે. બીજા એક લેખમાં તેમને ગુર્જર પ્રદેશના હાથીઓનો અંકુશ કહ્યો છે. વિસલદેવે આ કૃષ્ણનાં હાથે હાર ખાધેલી એમ વૃત્તખંડની પ્રસ્તાવના ની પ્રશસ્તિમાં આપેલા વર્ણન પરથી જણાય છે. હેમાદ્રિની વૃત્તખંડ પ્રશસ્તિમાં કૃષ્ણના ભાઈ મહાદેવે પણ વીસલદેવને હરાવ્યાનો ઉલ્લેખ મળે છે. મહાદેવના સમય પછી લખાયેલા "પેઠાન"- પૈઠણના લેખમાં મહાદેવે વીસલદેવને હરાવ્યાનો ઉલ્લેખ મળે છે.
✔ વીસલદેવનાં ધાર્મિક કાર્યો --------
➡ વિસલદેવ પોતે ધર્મિષ્ઠ, દાનવીર અને વિદ્યારસિક હતાં. તેમણે પોતાનાં સમય સમય દરમિયાન માત્ર યુદ્ધો જ કર્યા છે એમ કહીએ તો તેમને ભારોભાર અન્યાય કર્યો કહેવાય.તેમનાં કેટલાંક સુકૃત્યોની નોંધ પણ અ સમયના લેખોમાંથી મળી આવે છે. તેઓ પોતે શિવભક્ત હતાં જો કે એ તો બધાં જ રાજપૂત રાજવીઓ હોય છે એટલે તેમાં કંઈ નવાઈ નથી. તેમણે દર્ભાવતી (ડભોઈ)માં વૈધનાથ મહાદેવના મંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો. આ અંગેનીની હકીકત કવિ સોમેશ્વર રચિત વૈધનાથ પ્રશસ્તિમાંથી મળી આવે છે. આ લેખ ખંડિત છે તેથી રાજા વીસલદેવના કાર્યો વિશેની સંપૂર્ણ માહિતી મળતી નથી; છતાં આ લેખમાંથી તેમનાં નીચેનાં ધાર્મિક કાર્યોનો ઉલ્લેખ મળે છે. તેમાં લખ્યું છે કે રાજા વીસલદેવે અનેક શિવાલયો બંધાવ્યા. મૂળસ્થાનના સૂર્યમંદિરનો જીર્ણોધ્ધાર કરાવ્યો અને ગહના બધાં બ્રાહ્મણોને દાન આપ્યાં.આ વૈધનાથ મંદિરની દેખરેખ રાખવાં માટે પ્રાગ્વાટ કુળના ચંદ્રસિંહના પુત્રને ખુબજ શ્રધ્દાપુર્વક એક વિશ્વાસથી સંરક્ષક તરીકે નીમ્યો તેવું આ વૈધનાથ પ્રશસ્તિમાં જણાવ્યું છે.
➡ રાજા વીસલદેવે દર્ભાવતીમાં એક મોટો યજ્ઞ કર્યો હતો. આ વખતે તેમને નાગરોની શાખાઓ નામે વીસલનગરા, ષદ્રપદ્રા (સાઠોદરા), કૃષ્ણપુરા (કૃષ્ણોરા), ચિત્રપુરા (ચિત્રોડા)અને પ્રાશ્નિકો (પ્રશ્નોરા)એમ જુદા જુદા વિભાગ કરી તેમનાં ઉપયોગ માટે બ્રહ્મ્પુરીઓ બંધાવી. આ સર્વ કાર્યોમાં રાજા વીસલદેવને પ્રેરણા આપનાર કવિ નાનાક હતો .
આ નાનાકને રહેવાં માટે એક સુંદર મહેલનું નિર્માણ કરી તેને આપ્યો હતો. બગસરા ગામ દાનમાં આપ્યું હતું . રાજા વીસલદેવે અન્ય ચૌલુક્યો રાજાઓની જેમ સોમનાથની યાત્રા પણ કરી હતી. રાજા વીસલદેવની હયાતીમાં તેમને પુરણની કથા - પાઠ સંભળાવીને કવિ નાનાક ખુશ કરતો. રાજા વીસલદેવનાં મૃત્યુ બાદ દરેક પૂર્ણિમાએ અને પ્રતિપદાએ પિંડદાન તથા શ્રાધ્ધાદિ ક્રિયાઓ કરીને તેમનાં આત્માને તૃપ્ત કરતાં હતાં. તેમણેને વિદ્યાભ્યાસ માટે સારસ્વત ક્રીડાકેતન તથા લોકોપયોગ માટે સારસ્વત સરસ બાંધ્યું હતું. આવું લખાણ એક જિમહર્ષગણિ નામના ગ્રંથમાં એક અનુશ્રુતિ રૂપે લખાયેલું છે જે કદાચ સાચું ના પણ હોય ! અનુશ્રુતિઓ હંમેશા ઈતિહાસને દુર કરનારી જ નીવડતી હોય છે.તેનાં પર બહુ વિશ્વાસ ના રખાય આમેય સોલંકીયુગ અને વાઘેલાયુગમાં આવી અનુશ્રુતિઓ પ્રચુર માત્રામાં જોવાં મળે છે એટલે જ તો આ વિસંગતતાઓ ઉભી થઇ છે.
✔ વીસલદેવના દરબારના કવિઓ --------
➡ રાજા વીસલદેવ પોતે વિદ્યાવ્યાસંગી હતાં. તેઓ શૈવધર્મના અનુયાયી હોવા છતાં તેમને દરબારમાં દરેક ધર્મના કવિઓને સ્થાન મળતું હતું. નાનાક પ્રશસ્તિમાં લખ્યું છે કે રાજા વીસલદેવનાં દરબારમાં કવિ તરીકે સ્થાન મેળવવા માટે સત્તાધીશો સમક્ષ વેદોની પરીક્ષા આપવી પડતી.તેમનાં દરબારમાં કીર્તિકૌમુદીના રચનાર કવિ સોમેશ્વર તેમનાં પિતા અને પ્રપિતાના સમયથી ચાલી આવતી પ્રણાલિકા પ્રમાણે મહત્વનું સ્થાન ધરાવતાં હતાં. વીસલ નાગરીય નાનાક, કૃષ્ણનાગરિય કમલાદિત્ય, વામનસ્થલીનો સોમાદિત્ય, અરિસિંહ, અમરચંદ્ર, યશોધર વગેરે કવિઓ વીસલદેવના દરબારને શોભાવતા હતાં.
✔ રાજા વીસલદેવને મળેલાં બિરુદો -------
વીસલદેવના સમયમાં લખાયેલાં લેખોમાંથી વીસલદેવ માટે વપરાયેલાં જુદા જુદા બિરુદો મળી આવે છે
સંવત ૧૩૧૭નાં લેખમાં તેમને અભિનવ સિદ્ધરાજ અને અપરાર્જુન કહ્યાં છે.
સંવત ૧૩૨૮ની નાનાક પ્રશસ્તિમાં તેણે ધર્મોધ્ધર ધુરંધર કહ્યો છે.
સંવત ૧૩૪૩ની દેવપટ્ટન પ્રશસ્તિમાં તેમને રાજનારાયણ કહ્યાં છે.
✔ રાજા વિસલદેવના સમયમાં પડેલો 3 વર્ષનો દુકાળ -------
➡ રાજા વીસલદેવના સમયમાં સંવત ૧૩૧3થી સંવત ૧૩૧૫ વર્ષનો દુકાળ પડયો હતો અને જેને કોક સાહિત્યકાર છપ્પનીયો દુકાળ તરીકે ઓળખાવે છે. આ સમયે કચ્છના ભદ્રેશ્વરના જગડુશાહે દેશે દેશ માણસોને મોકલીને શક્ય એટલા અનાજનો સંગ્રહ કરાવ્યો. આ દુકાળના સમયમાં તેમણે લોકોને ઘણી મદદ કરી હતી. ભૂખે મરતા લોકોને મફત અનાજ આપવાં માંડયું હતું. પુરાતન પ્રબંધ સંગ્રહમાંએક અનુશ્રુતિ અનુસાર જણાવવામાં આવ્યું છે કે -- સંવત ૧૩૧૫માં દુકાળ સમયે મંત્રી નાગડને ભદ્રેશ્વરના વેપારી જગડુને બોલાવવા વીસલદેવે એક લેખ લખી આપીને મોકલ્યો. જગડુશાહ લેખ વાંચીને પાટણ આવ્યાં. ત્યાં આવી તેમને રાજાની વિનંતીને માન આપી પોતે સંગ્રહ કરેલા કોઠારોમાંથી ગરીબોને છૂટે હાથે અનાજ આપવાં માંડયું. આવું એક અનુશ્રુતિમાં જ આવ્યું છે ખાલી એટલે કે એ એક વાર્તા જ છે પણ આ દુકાળ પડયો હતો એ વાત તો સાચી જ છે ! આ દુકાળ પર આ ભાટ - ચારણોએ ઘણું મોણ નાખીને અનેક કથાઓ વહેતી કરી છે. જેનો ઉલ્લેખ રાસમાળામાં આવે છે. તેમાં સિંધના રાજા હમ્મીદને, ઉજ્જૈનના રાજા મદનવર્માને, દિલ્હીના સુલતાન મોજદીનને, ડીસાના રાજા પ્રતાપસિંહને તથા સ્કંધીલના રાજાને અનાજ આપ્યાનો ઉલ્લેખ છે. એમાં ઉજ્જૈનના રાજા મદનવર્મા તો મહારાજ સિદ્ધરાજ જયસિંહ વખતે થયાં હતાં. મહારાજ સિદ્ધરાજ જયસિંહ તો ઇસવીસન ૧૧૪૩માં મૃત્યુ પામ્યાં હતાં . ઇસવીસન ૧૧૪૩ પછી આ દુકાળ તો ઇસવીસન ૧૨૫૬માં પડયો હતો તો શું આ ૧૧૩ વર્ષ રાજા મદનવર્મા જીવતાં હતાં કે શું ? તો તો એમનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં આવે આમ અનુશ્રુતિમાં ના આવે. તાત્પર્ય એ કે ભાટ - ચારણોના ગ્રંથો કે એમણે કહેલી વાતો ને ઇતિહાસમાં સ્થાન જ ના અપાય એ આના પરથી જ સાબિત થઇ ગયું ને ! આમે ય સમકાલીન સાહિત્ય ઇતિહાસમાં ઘણા સવાલ પેદા કરનારું જ નીવડયું છે જેનો જવાબ તો મળ્યો અને તે જવાબ આપણને અને સમગ્ર ગુજરાતતો શું ભારતને પણ ના ગામે એવો મળ્યો છે !
✔ રાજા વીસલદેવના ઉત્તરાધિકારીઓ --------
➡ મળી આવતાં સાધનો પરથી જણાય છે કે, વીસલદેવ અપુત્ર મરણ પામ્યા હતાં. તેમને ઘણી જ સ્વમાની અને કલારસિક એવી નાગલ્લદેવી નામે પત્ની હતી. પુરાતન પ્રબંધ સંગ્રહમાં એક અનુશ્રુતિમાં આ નાગલ્લદેવીનીવાત વિગતે કરવામાં આવી છે.તેમાં જણાવાયું છે કે --- આ નાગ્લ્લદેવી એ ઘણું સરસ સંગીત જાણતી હતી. તેણે રાજા વિસલદેવને સંગીતમાં રસ લેતો કર્યો હતો. જુદી જુદી વસ્તુઓ બનાવીને વીસલદેવને રાગ- રાગોનું ભણ કરાવ્યું હતું. જેમ કે --- શ્રી રાગ માટે શરીર, વસંત રાગ માટે કુસુમ. રાગ ભૈરવ માટે ભેરીરવ, પંચમ માટે પાંચ આંગળીઓ. રાગ મેઘ માટે આકાશ, રાગ નટનારાયણ માટે ચક્ર, કાનડામાટે કર્ણ,ધનાશ્રી માટે ધાન્ય,નાટસારી માટે પાષ્ક, સોરઠી માટે પશ્ચિમ દિશા,ગુર્જરી માટે સિંહાસન અને દેવશાળા માટે દ્વારશાળ..... આ જ પુસ્તકમાં બીજી એક અનુશ્રુતિ અનુસાર જણાવ્યું છે કે --- મચણસાહાર નામના માણસે નાગલ્લદેવીને પખાઊજની પુત્રી કહી મ્હેણું માર્યું હતું. આથી ગુસ્સે થઇ નાગલ્લદેવીએ તેનું નાક કાપી નાખ્યું હતું.
➡ સંવત ૧૩૪૩ની દેવપટ્ટન પ્રશસ્તિમાં જણાવ્યું છે કે -- વિસલદેવ પોતાનાં ભાઈ પ્રતાપમલ્લના પુત્ર અર્જુનદેવનો રાજ્યાભિષેક કરી મૃત્યુ પામ્યાં. સંવત ૧૩૫૪ની મુરલીધર મંદિરની પ્રશસ્તિમાં જણાવ્યું છે કે -- વીસલદેવ પોતાનાં સ્વર્ગસ્થ ભાઈના રાજાઓમાં ઉત્તમ એવાં અર્જુન નામે કલાવાન પુત્રને સકલ અંગોથી પૂર્ણ એવા રાજ્યમાં સ્થાપીને ઉત્તમ ગતિએ પામ્યાં. આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે -- વીસલદેવ પોતે અપુત્ર હોવાથી પોતાનું રાજ્ય અર્જુનદેવને સોંપ્યું હતું. અર્જુનદેવનો રાજ્યાભિષેક પણ પોતાની હયાતીમાં કર્યો હોય તેવું જણાય છે. આ લેખમાં વીસલદેવ કેવી રીતે અને ક્યારે મૃત્યુપામ્યાં તેનો ઉલ્લેખ નથી પણ તેમને પોતાની હયાતીમાંજ અર્જુનદેવને ગાદી સોંપી હોવાથી રાજ્ય માટે અર્જુનદેવ અને વીસલદેવ વચ્ચે ઘર્ષણ થયું હોય તેમ જણાતું નથી તેથી તેઓ કુદરતી રીતે મૃત્યુ પામ્યા હોય એ જ સંભવ છે.
➡ વીસલદેવના સમયનો છેલ્લો લેખ સંવત ૧૩૧૭ના જેઠ વદ ચોથને ગુરુવારનો મળ્યો છે. જયારે અર્જુનદેવના સમયનો સૌથી પહેલો લેખ સંવત ૧૩૨૦ના જેઠ સુદ ચોથનો મળ્યો છે. આ ઉપરથી વીસલદેવનું રાજ્ય સંવત ૧૩૧૭ના જેઠ વદ ચોથને ગુરુવાર અને સંવત ૧૩૨૦ના જેઠવદ ચોથ દરમિયાન પૂરું થયું હોવાનું ફલિત થાય છે. અર્જુનદેવનું રાજ્યારોહણ સંવત ૧૩૧૮માં થયું જણાતું હોઈ વીસલદવનું રાજ્ય એ વર્ષે જ પૂરું થયું ગણાય.
✔ ઉપસંહાર -------
➡ ઇસવીસન ૧૨૪૪ થી ઇસવીસન ૧૨૬૩ એટલે ૧૯ વરસ પ્રમાણમાં ઘણું સારું શાસન ગણાય. આમેય વીસલદેવ વાઘેલાવંશનો સૌપ્રથમ અણહિલવાડનો રાજવી બન્યાં હોવાથી તેમને બીજી કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હોય તેવું લાગતું નથી. પ્રજા સુખેથી જીવતી હતી રાજા પોતાનું કાર્ય સારી રીતે સંભાળ્યેજતાં હતાં. થોડાંક યુદ્ધો થયાં એમાં જેમાં હાર મળી તેનાથી નાસીપાસ થયાં વગર પાટણનો કાર્યભાર સારી રીતે જ સંભાળતા હતાં. વિવાદાસ્પદ બાબત એ છે કે સાહિત્યકારોએ એમાંના પૂર્વ વર્ષોને પણ એમનાં અણહિલવાડનાં વર્ષોને પણ સાથે સાંકળીલીધાં છે જેને લીધે વારંવાર ઇતિહાસમાં ચક્કર મારવાં પડે છે. એમનાં સમયમાં સાહિત્ય અને કળાનો સારો વિકાસ થયેલો જોવાં મળે છે ખાસ કરીને સંગીતનો. વિદ્યાભ્યાસની પ્રવૃત્તિને વેગ મળ્યો હતો.સતત ત્રણ વર્ષ પડેલાં દુકાળમાં પણ તેમને પ્રજાને પુરતી સગવડો આપી ખુશ રાખ્યાં હતાં. શિલ્પ્સ્થાપ્ત્યમાં બહુ પ્રગતિ નહોતી સધાઈ આ સમયમાં પણ શિવાલયો બંધાવી એમણે શિલ્પસ્થાપત્ય કલાને જીવંત જરૂર ર્કાહી હતી ! વીસલદેવની માતાનું નામ જયતલદેવી હતું એવો પણ ક્યાંક ઉલ્લેખ થયેલો છે. રાજા વીસલદેવે ધોળકામાં કડક નામનું તળાવ બંધાવ્યું હતું. મૂળ વાત કેમ કરી ભૂલી જવાય રાજા વીસલદેવે વિસનગર નગરની સ્થાપના કરી હતી. ડભોઇના વૈધનાથ મહાદેવ મંદિરનું સમારકામ એ એમનું એક ઉત્તમ કાર્ય હતું. આ બધાને લીધે રાજા વિસલદેવ ઇતિહાસમાં હંમેશા યાદ જ રહેવાનાં છે.
(ક્રમશ:)
!! જય જય ગરવી ગુજરાત !!
!! જય સોમનાથ !!
!! જય મહાકાલ !!
!! હર હર મહાદેવ !!
------- જનમેજય અધ્વર્યુ
🌻🌺🍁🍀☘🍂🌿🌴🌻🌹