ENTIRE LIFE - A JOURNEY SPANNING OVER 7 CHAKRAS - PART 6 in Gujarati Human Science by Jitendra Patwari books and stories PDF | સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - 6

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - 6

:::મૂલાધારચક્ર – ચક્ર વ્યવસ્થાનો આધારસ્તંભ:::

કોઈ પણ પ્રકારની સાધના જાણતાં-અજાણતાં થતી ચક્રયાત્રા જ છે તે વાત થઈ. ચાલો હવે નીકળી પડીએ તે યાત્રા પર. શરૂઆત કરીએ મૂલાધારચક્રથી. ચક્રયાત્રાનું પહેલું સોપાન એટલે મૂલાધારચક્ર.

::વૈકલ્પિક નામ, શરીરમાં સ્થાન, રંગ, તત્ત્વ, બીજ મંત્ર::


સૌથી નીચેનું, પાયાનું ચક્ર છે 'મૂલાધારચક્ર'. Root Chakra અથવા Base Chakra પણ કહેવામાં આવે છે. જ્યાં સ્થૂળ શરીરમાં બે પગ જોડાય છે તે ભાગ, ગુદાદ્વાર અને જનનેન્દ્રિયની વચ્ચેનો ભાગ (જ્યાંથી ભીમે જરાસંઘના બે ફાડીયાં કરેલાં તે), જેને સીવની, અંગ્રેજીમાં Perineum કહે છે તે ભાગમાં (પ્રાણશરીરમાં) મૂલાધારચક્રનું સ્થાન છે. આ પહેલાં આપણે જે જોઈ ગયાં તે નાડીઓ પણ અહીંથી જ નીકળે છે.

દરેક ચક્રનો એક રંગ હોય છે, બીજ મંત્ર હોય છે. લોહીનો રંગ લાલ. બસ એ જ મૂલાધારચક્રનો રંગ. બીજ મંત્ર છે 'लं’. તત્ત્વ ‘પૃથ્વી’ છે, જે પાયામાં છે, જેને કારણે શરીર આધાર અને સ્થિરતા પ્રાપ્ત કરે છે તે 'પૃથ્વી તત્ત્વ' મૂલાધારચક્રનું તત્ત્વ છે. શરીરમાં જે પણ નક્કર ભાગ છે, તે પૃથ્વી તત્ત્વને દર્શાવે છે.

::પૃથ્વીનું મૂલાધારચક્ર::

માઉન્ટ શાસ્ટા

પ્રકરણ ૪માં જાણ્યું તેમ સમગ્ર પૃથ્વીનાં પણ ચક્રો છે. પૃથ્વીનું મૂલાધારચક્ર ગણાય છે અમેરિકાના ઉત્તર કેલિફોર્નિયામાં સ્થિત માઉન્ટ શાસ્ટા (Mt. Shasta). સમુદ્રની સપાટીથી 1૪000 ફિટની ઊંચાઈ ધરાવતો આ પર્વત ખરેખર તો એક સુષુપ્ત જ્વાળામુખી છે; લાંબા સમયથી રહસ્યવાદ અને અધ્યાત્મ સાથે સંકળાયેલ છે. નેટિવ અમેરિકન જાતિઓ અને અન્ય આધ્યાત્મિક જૂથોની માન્યતા મુજબ તે એક પવિત્ર, હીલિંગ પર્વત છે. એક તકલીફદાયક ઘટનામાં હાલમાં (નવેમ્બર-2020) ત્યાં અનેક જગ્યાએ ભયંકર આગ ફાટી નીકળી છે. આ આગ, કોવિડ, સુનામી, ઓસ્ટ્રેલિયામાં આગ, અનેક દેશોમાં ધરતીકંપ, ત્રાસવાદની ઘટનાઓ, વિશ્વભરમાં અનેક જગ્યાએ યુદ્ધનો માહોલ વિગેરે ઘટનાઓ એ વાતની સૂચક છે કે પૃથ્વીના મૂલાધારચક્રમાં મોટી ગરબડ થઈ રહી છે.

::ચક્રનું મહત્ત્વ::


મૂળ+આધાર=મૂલાધાર. સ્થૂળ શરીર અને પ્રાણશરીર બંનેનો આધાર આ ચક્ર છે. કુંડલિની શક્તિનું સ્થાન અહીં જ છે. નબળા પાયા પર મજબૂત ઇમારતનું અસ્તિત્વ કદાપિ શક્ય નથી. તેથી આવશ્યક છે કે આ ચક્ર સંતુલિત હોય, યોગ્ય માત્રામાં ઊર્જા ગ્રહણ કરતું હોય. હઠયોગમાં મૂલબંધ નામની એક અતિ મહત્ત્વની ક્રિયા છે, જેમાં આ ભાગના સ્નાયુઓને ઉપર ખેંચવાના હોય છે.

દરેક ભૌતિક (આર્થિક સહિત) વસ્તુઓ આ ચક્ર સાથે સંબંધિત છે. માટે આ ચક્રની સ્થિતિ પર આપણી ભૌતિક સ્થિતિનો પણ આધાર રહેશે. બોન મેરોને ઊર્જા આ ચક્ર આપે છે, લોહીનું બનવું અને તેની ગુણવત્તા પણ આ ચક્ર પર આધારિત છે, તમામ મૂળભૂત જરૂરિયાતો એટલે કે સુરક્ષિતતાની લાગણી, માનસિક અને સામાજિક સહારાની લાગણી, ખોરાક - બધું જ આ ચક્ર સાથે સંબંધિત છે.

આ સૌથી નીચેનું ચક્ર છે પરંતુ તેનો સીધો સંબંધ ટોચના ચક્ર એટલે કે સહસ્ત્રારચક્ર સાથે છે. શરીરમાં હોર્મોન્સનું સંતુલન આ બંને ચક્ર ભેગાં થઈને કરે છે. બેમાંથી એકમાં પણ તકલીફ હોય તો બીજાના કાર્યમાં તકલીફ રહેશે.

::સંબંધિત શારીરિક અંગો અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ::


ઓવરી અને ટેસ્ટિકલ્સ સાથે જોડાયેલું આ ચક્ર છે; આ બંને ભાગ પર તેની સીધી અસર છે. હાડકાં, દાંત, નખ સાથે તેનો સંબંધ છે. પ્રોસ્ટેટ, મોટું આંતરડું, ગુદા પણ તેની સાથે સંબંધિત છે, ગોનાડ એટલે કે સેક્સ ગ્રંથિ અને એડ્રિનલ ગ્રંથિ સાથે સંકળાયેલ છે. (એડ્રિનલનો સંબંધ નાભિચક્ર સાથે પણ છે.)

::ચક્રની સ્થિતિનું સ્વપરીક્ષણ::


સંતુલિત મૂલાધારચક્ર


થોડા પ્રશ્નોના જવાબ જાત પાસેથી પ્રામાણિકપણે લઈએ.

શું હું બીજા પર સરળતાથી વિશ્વાસ મૂકી શકું છું?

લોકો સાથે સહજતાથી હળીમળી શકું છું?

મારામાં મજબૂત ઇચ્છાશક્તિ અને આત્મવિશ્વાસ છે?

મોટા ભાગનાં કાર્યો ઉત્સાહપૂર્વક કરું છું?

મારું વજન આદર્શ વજનની આસપાસ રહે છે?

ભૂતકાળની દુઃખદ યાદોને દફનાવી શકું છું?

ભવિષ્ય વિષે સદા ઉત્સાહી રહું છું?

મારું વિસર્જન તંત્ર યોગ્ય રીતે કામ કરે છે?

અન્ય લોકોનું સાન્નિધ્ય તો મને ગમે છે, પરંતુ સાથે-સાથે મારી જાત સાથેનું એકાંત પણ ખુશી-ખુશી માણી શકું છું? (લોકડાઉનમાં પણ આનંદથી ઘરમાં રહી શકું છું?)

મારી રોગપ્રતિકારક શક્તિ સારી ગણી શકાય?

જો જવાબ મોટેભાગે હા હોય તો મૂલાધારચક્ર સંતુલિત છે, યોગ્ય પ્રમાણમાં ઊર્જા મેળવી રહ્યું છે.

::અસંતુલનનાં લક્ષણો::


આવશ્યક નથી કે ચક્ર સંતુલિત જ હોય. જો અસંતુલન હોય તો શું થઈ શકે?

મારી પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ થતી નથી તેમ લાગે એટલે કે પૂરતો ખોરાક મળતો નથી, નાણાંની તંગી રહે છે, મારી જાતીય જરૂરિયાતો પૂર્ણ થતી નથી તેવી લાગણી રહે તો મૂલાધારમાં તકલીફ. પૃથ્વી તત્ત્વ સાથે સંપર્ક તૂટી ગયો છે તેમ સમજવાનું.

ઘણાં બધાં આયોજન કરીએ, અમલ કોઈનો ના કરીએ, દરેક કામને પાછળ ઠેલતાં જઈએ તો માનવાનું કે મૂલાધારમાં કંઈ તકલીફ છે. બીમાર તો બધાં પડતાં હોય છે, પરંતુ જો બીમારીઓની દોસ્તી આપણી સાથે થોડી વધારે રહેતી હોય, વારેઘડીએ બધું ભુલાઈ જતું હોય, ઊંઘમાં પણ ધાંધિયા થતાં હોય, શરીરનાં વિસર્જન સંસ્થાનને જ્યારે હોય ત્યારે હડતાલ પર જવાની આદત હોય તો મૂલાધારચક્રને દુરસ્ત કરવાનો સમય પાકી ગયો સમજવો. કમરના નીચેના ભાગનો દુ:ખાવો (જે આજકાલ અત્યંત સામાન્ય છે) તે પણ નબળા મૂલાધારચક્રને આભારી છે.

સલામતીની લાગણી સાથે સંકળાયેલું ચક્ર હોવાથી 'ભયની લાગણી' તે આ ચક્રનું ભયસ્થાન છે. ભય કોઈ પણ પ્રકારનો હોઈ શકે - શારીરિક રીતે કે માનસિક રીતે એકલા પડી જવાનો ભય, પોતાની જાતને જ (પરિણામે બીજાને પણ) પ્રેમ કરી શકવામાં લાગતો ભય, કોઈ નવું પગલું ભરવામાં લાગતો ભય, આર્થિક બાબતોનો ભય, કોઈ પણ પ્રકારના બદલાવને સ્વીકારવામાં લાગતો ભય અને છેલ્લે હવે કોવિડ-19નો ભય. એ યાદ રાખવું જરૂરી છે કે 'ભય' કાલ્પનિક હોય છે. 'જે અવાંછિત વસ્તુ બની નથી તે ભવિષ્યમાં બનશે તેવો વર્તમાનમાં વિચાર (પરિણામે, વર્તમાનમાં તે ઘટના અનુભવી લેવી) એટલે ભય' તેમ કહી શકાય.

ચિંતા અને ભય કેટલી હદે કાલ્પનિક હોય શકે તેનો એક દાખલો. મારા એક મિત્રની અસ્ક્યામતોનું મૂલ્ય ઓછામાં ઓછું રૂપિયા 100 કરોડથી વધુ આજથી 15 વર્ષ પહેલાં પણ હતું. મોટા ભાગના લોકો માટે આ રકમ એટલી મોટી છે કે કોઈ આર્થિક ચિંતા હોઈ શકે નહીં. આ મિત્ર તો હંમેશા પોતાની આર્થિક સ્થિતિ અંગે ચિંતા કરતા રહેતા. ધંધામાં એક નુકસાન ગયા બાદ તેમની માનસિક સ્થિતિ આ રીતની થઈ ગઈ હતી. મૂલાધારચક્ર દૂષિત થઈ ગયું હતું. આ માનસિક સ્થિતિ અંતે શરીર પર પ્રતિબિંબિત થઈ, કેન્સરનો રોગ લાગુ પડ્યો. સદ્ભાગ્યે તેમાંથી બહાર આવી ગયા, અત્યારે સંપૂર્ણ સ્વસ્થ છે.

::અસંતુલનની અસર::


મૂલાધાર ચક જો અસંતુલિત હોય, વધારે કે ઓછી માત્રામાં ઊર્જા મેળવતું હોય તો જાત-જાતની અને ભાત-ભાતની અસર/તકલીફ થઈ શકે. થોડી જોઈએ.

શારીરિક અસર:

શરીરના નીચેના ભાગમાં, મતલબ ઘૂંટણ, નિતંબ વિગેરેમાંથી કોઈ જગ્યાએ તકલીફ

સાઈટિકા

ઓસ્ટિયોપોરોસિસ

હાડકાંની નબળાઈ સંબંધિત તમામ સમસ્યાઓ

ભાવનાત્મક અસંતુલનને કારણે પાચનતંત્રના રોગ

પ્રોસ્ટેટને લગતી સમસ્યા

રોગપ્રતિકારક શક્તિ - ઇમ્યુનીટીને લગતી સમસ્યા

પ્રજનનતંત્રને લગતી સમસ્યા

અતિ વધુ/ઓછું વજન

હાથ-પગ ઠંડા પડી જવા

કમરના નીચેના ભાગમાં દર્દ

અત્યંત થાક

કેન્સર, હરસ, ગુપ્ત રોગો

માનસિક અસર:

ડિપ્રેશન

સતત ચિંતા

પોતાની ખુશી માટે બાહ્ય પરિબળો પર વધુ આધાર

વ્યસનોની ચુંગાલ

અનિર્ણયાત્મકતા

અદેખાઈ

આળસ

અસલામતીની ભાવના

આર્થિક વિચારો / ચિંતા કેન્દ્રસ્થાને

આત્મવિશ્વાસનો અભાવ

ગુસ્સો

ધીરજનો અભાવ

અકારણ આક્રમકતા

એકલતાની લાગણી

શંકાશીલ સ્વભાવ

જિંદગી પ્રત્યે અસંતોષ

આત્મઘાતી માનસિકતા

ખાઉધરાપણું / અત્યંત ઓછી ભૂખ

વસ્તુઓ કે નાણાંના અમર્યાદિત સંગ્રહની ઇચ્છા

નીરસતા

'જિંદગીમાં સારું કંઈ છે જ નહીં' તેવી લાગણી

ભય

Identity Crisis - ' મને કોઈ પૂછતું નથી' તેવી લાગણી

સામાજિક અસર:

આર્થિક અસ્થિરતા

સામાજિક સંબંધોમાં તકલીફ

સગાંસંબંધી અને મિત્રો સાથેનું નબળું કોમ્યુનિકેશન

વધુ વજન સાથે પર્વતારોહણ કરવામાં તકલીફ પડે તે સ્વાભાવિક છે. જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં આગળ વધતા રહેવું તે પણ પર્વતારોહણ જ છે ને ! માટે જરૂરી છે કે જીવન પ્રત્યેના વલણમાં યોગ્ય પગલાં લઈ આવશ્યક ફેરફાર લાવીએ.

ફેરફાર કઈ રીતે લાવી શકાય તે વિગતે હવેના હપ્તાઓમાં સમજીશું.

(ક્રમશઃ)

✍🏾 જીતેન્દ્ર પટવારી ✍🏾

FB: https://www.facebook.com/jitpatwari
FB Page: https://www.facebook.com/Self-Tune-In-274610603329454/
jitpatwari@rediffmail.com
7984581614: