આગળના ભાગમાં આપણે જોયું કે એકાંતના નિયમિત આવતા વોઇસ મેસેજ આજે આવતા નથી, દિશા બેચેન થતી હોય છે ત્યાં જ એકાંતનો કોલ આવી જાય છે, અને દિશાના બોલતા પહેલા જ તેને કઈ ના બોલવા અને બસ સાંભળ્યા કરવા જ જણાવે છે. એકાંતના નેટમાં કોઈ પ્રોબ્લેમ હોવાના કારણે વોઇસ મેસેજ ના થઇ શકવાનું જણાવે છે, સાથે આટલા સમયમાં વાત ના થતી હોવા છતાં પણ પ્રેમમાં કોઈ ઓટ નથી આવી એમ પણ જણાવે છે. દિશા ચાહવા છતાં પણ કઈ બોલી નથી શકતી અને તેની આંખોથી આંસુઓ સર્યા કરે છે. એકાંતના ફોન મુક્યા બાદ દિશા ચોધાર આંસુએ રડી અને પોતાની જાતે જ સ્વસ્થ થઈ વિસામો જવા નીકળે છે. તો બીજી તરફ રુચિને પણ પોતાના કર્યા ઉપર પછતાવો થાય છે, અને તે કોઈ રસ્તો શોધવાનું નક્કી કરે છે, નિખિલને ઓફિસથી બોલાવે છે અને ઘરે કોઈ બહાનું કાઢી અને બંને બહાર જાય છે. કેફેમાં રુચિ પહેલા તો પોતાની ભૂલ વિશે નિખિલને જણાવે છે નિખિલ પણ દિશાના ત્યાગ અને બલિદાનની વાત રુચિને સમજાવે છે. રુચિ પણ નિખિલને કહે છે કે તેની મમ્મી માટે યોગ્ય વ્યક્તિ એકાંત જ છે, તે બંનેને એક કરવા તે કંઈપણ કરી શકશે. નિખિલ પણ રુચિને દરેક રીતે સાથ આપવાનું કહે છે, અને મમ્મી-પપ્પાને સમજાવવાનું કામ તે પોતે ઉપાડી લે છે, પરંતુ રુચિને એકવાર તેની મમ્મી સાથે જ આ બાબતે વાત થઈ ગઈ હોવાના કારણે ડર લાગે છે, છતાં બન્ને કોઈ રસ્તો વિચારવામાં લાગી જાય છે...હવે જોઈએ આગળ...
સમર્પણ - 35
આખી રાતના વિચારો પછી બીજા દિવસે વહેલી સવારે નિખિલને એક આઈડિયા સુજયો, એણે ફટાફટ રુચિને ઉઠાડી અને પૂરેપૂરી વાત જણાવી. નિખિલના ધાર્યા પ્રમાણે જો બધું સીધું ઉતરે તો પોતે વિચારેલું સફળ થઈ જાય. રુચિએ પણ વાતને સમર્થન આપ્યું.
બપોર પછી નિખિલે ઑફિસના કામે પંદર દિવસ બહારગામ જવાનું ગોઠવ્યું. એ પપ્પાને બેગ પેક કરીને તૈયાર રહેવા જણાવી ઓફીસ જવા નીકળી ગયો. રાત્રે તેઓ બંને લગભગ દોઢસો કિલોમીટર દૂર એવા રિસોર્ટમાં આવીને રોકાયા. બે દિવસ રોકાયાના દરેક પ્રસંગે કે જેમાં પપ્પાને મમ્મીની ખોટ વર્તાય એવી દરેક ક્ષણે નિખિલે પપ્પાને યાદ કરાવ્યું કે મમ્મી ના હોય તો પોતે કેટલા અધૂરા છે. એક વ્યક્તિ જીવનમાં હોવા ના હોવાથી કંઈજ અટકતું નથી, પરંતુ અધૂરું ચોક્કસ રહી જાય છે એ અહેસાસ પણ એણે પપ્પાને કરાવ્યો. પહેલા પણ ઘરેથી દૂર થોડા દિવસ રહેવું પડયું હોય એવા કેટલાય પ્રસંગ બન્યા હતા. પરંતુ ઘણીવાર આપણી પાસે કે આપણી સાથે હોય એ લોકોની કદર સમય આવ્યે જ થાય છે, એજ રીતે નિખિલના આ પ્રયત્નોથી અવધેશભાઈ સમજી શક્યા કે ખરેખર પોતાનું માણસ ના હોવાની તકલીફ શું છે ?
પહેલીવાર એવું હતું કે એ પોતે ઘરે જવા હવે તત્પર થઈ રહ્યા હતા, પરંતુ નિખિલ હજુ એના મિશનમાં સફળ થયો નહોતો.
ત્રીજા દિવસની સાંજે નિખિલે પપ્પા સાથે વાત કરવાની બધી જ માનસિક તૈયારીઓ કરી લીધી. જમ્યા પછી રુચિ અને મમ્મી સાથે રાબેતા મુજબ ફોન ઉપર વાત કરીને બંને જણા આજે સ્વિમિંગ એરિયાની ઠંડકમાં આવીને બેઠા. એમ તો ઘરેથી નીકળ્યા ત્યારથી જ અવધેશભાઈને કોઈ જરૂરી વાત હોવાની ગંધ આવી રહી હતી, કે જેના માટે નિખિલ આ રીતે એમને અહીં લઈ આવ્યો છે. નિખિલે સ્વિમિંગ એરિયાની મદ્ધમ રોશનીના અજવાળે બેઠક પસંદ કરી. તે વેઇટરને બે ઠંડી બિયરની બોટલનો ઓર્ડર આપીને જ આવ્યો હતો, અને બિયર આવે પછી વાતની શરૂઆત કરવાની રાહ જોઈ રહ્યો હતો.
અવધેશભાઈથી રહેવાયું નહીં, ''નિખિલ, શું વાત છે ? જે કહેવું હોય એ સીધેસીધું કહી શકે છે.''
ઠંડુ વાતાવરણ, સાથે ચિલ્ડ બિયર અને એમાં પણ પપ્પા સાથે આ રીતની મેન-ટુ-મેન વાત કરવાનો આ પહેલો પ્રસંગ હતો, જે નિખિલને ચહેરા ઉપર થોડી નર્વસનેસની રેખાઓ ઉપજાવી રહ્યો હતો. બિયર આવી ગઈ હતી, પરંતુ અણધાર્યું પપ્પાએ જ વાતની શરૂઆત કરી દીધી હોવાથી એ થોડો ગભરાયો, છતાં હિંમત કરીને એણે કહ્યું, ''પપ્પા, હું જે વાત કરવા જઈ રહ્યો છું એ પહેલાં શાંતિથી સાંભળજો, પછી જ જે કહેવું હોય તે કહેજો. હું તમારી વિરોધમાં કોઈ નિર્ણય લેવાનો નથી, એટલે જ ઈચ્છું છું કે તમારી પણ સહમતી મળે.''
અવધેશભાઈએ કંઈ પણ બોલ્યા વગર, સહેજ માથું હલાવી, નિખિલને વાતની શરૂઆત કરવા ઈશારો કર્યો.
નિખિલ : ''તે દિવસે રુચિના મમ્મી વિશે જે વાત ઉપર બોલવાનું થયું હતું, ત્યારપછી રુચિના મમ્મીએ પણ એને આ વિશે ધમકાવી હતી. (આટલું સાંભળતા જ અવધેશભાઈની ભમરો ખેંચાઈ ગઈ, નિખિલે પહેલા પૂરી વાત સાંભળી લેવા ઈશારો કરીને ધીમેથી વાત આગળ વધારી.) ત્યારથી એ બંને વચ્ચે બોલચાલ બંધ હતી. થોડા દિવસ પહેલા અમે બંને ત્યાં ગયા ત્યારે ખબર પડી કે રુચિના મમ્મીએ એ વ્યક્તિ સાથેનો વાતચીતનો વ્યવહાર પણ બંધ કરી દીધો છે. એ પણ ફક્ત અને ફક્ત રુચિને આપણાં ઘરમાં તકલીફ ના પડે એટલાં માટે જ. અને હવે મેં અને રુચિ એ નક્કી કર્યું છે કે એ બંનેના સંબંધને ફરીથી જીવતદાન આપવું.( એ પછી એણે ટૂંકમાં એકાંત અને દિશાના સંબંધ વિશે ટૂંકમાં થોડી માહિતી આપી.)''
અવધેશભાઈએ પોતાના ગુસ્સા અને અવાજને પરાણે દબાવી રાખતા કહ્યું, ''તને ત્યારે પણ કીધું હતું, કે આ વાત ફરી ના થવી જોઈએ. તમે હજુ નાના છો. તમારા આ છોકરમત જેવા વિચારો સમાજમાં ચાલી શકે નહીં. અને તારા કહેવા પ્રમાણે અમે સહમત થઈએ પણ ખરાં, પણ તું જેમ કહે છે એમ આ ઉંમરે દિશાબેન એનાથી નાના જોડે સંબંધ રાખે એ શું વ્યાજબી છે ? લોકો વાતો કરશે...કેટલાંને જવાબ આપીશું ? કેટલાને સમજાવીશું ? આ વાહિયાત વાતને અહીં જ પૂર્ણવિરામ આપીએ એજ સારું રહેશે બધા માટે.''
નિખિલ : ''પણ પપ્પા...''
અવધેશભાઈ : ''ચાલો, બિયર ખોલો અને રૂમમાં જઈ ને સુઈ જાઓ, વધારે મગજ બગાડવા જેવી કોઈ વાત મારે નથી કરવી.''
નિખિલ : ''પપ્પા, પ્લીઝ છેલ્લી એકવાર મારી વાત સાંભળો, બસ પછી તમે કહો એમ.''
અવધેશભાઈએ હળવો નિસાસો નાખીને બિયરની એક બોટલ ખોલી નિખિલ સામે સરકાવી, બીજી પોતે પીવાનું ચાલુ કર્યું.
નિખિલ : ''આ બે-ત્રણ દિવસમાં તમને લાગ્યું ને કે મમ્મી ના હોય તો બધું જ હોવા છતાં કેટલું અઘરું પડે છે? તો વિચારો એમને આખી જિંદગી આમ જ કાઢી નાખવામાં કેવું લાગ્યું હશે ? ભગવાનની દયાથી એમને પોતાના યોગ્ય પાત્ર મળ્યું જ છે જે એમને પોતે છે એજ પરિસ્થિતિમાં અપનાવવા તૈયાર પણ છે તો શું કામ આપણાં લીધે એમણે વધુ એક બલિદાન આપવું જોઈએ ? શું એમને પોતાની જિંદગી પોતાની રીતે જીવવાનો હક નથી ? હવે તો રુચિ પણ આપણાં ઘરે આવી ગઈ છે તો શું કામ આપણાં લીધે એ પોતાનો અંગત નિર્ણય ના લઇ શકે ? તમે તો પોતાની જાતને ફોરવર્ડ ગણાવો છો સમાજમાં, તમારી સહમતીના લીધે જ રુચિનું કન્યાદાન એ કરી શક્યા. અને તમારા એજ નિર્ણયના લીધે બીજી ઘણી સિંગલ મધર પોતાની દીકરીના કન્યાદાનનું સુખ માણી શકશે. એ બધાના આશીર્વાદ તમારી તે દિવસની પહેલના લીધે તમને જ મળશે ને પપ્પા ? આ બાબતની પણ આપણે પહેલ કરીશું તો એનાથી ભલે સમાજમાં ચાર દિવસ વાતો થશે, પણ પછી ? સમય જતાં બીજા લોકો પણ આમ કરવા પ્રેરાશે જ. આપણે ફક્ત પહેલ કરવાની છે પપ્પા, પ્લીઝ.''
લગભગ ત્રીસેક મિનિટની સમજાવટ પછી અવધેશભાઈ થોડા ઢીલા પડ્યા, ''તારા મમ્મી ?.... માનશે?''
નિખિલ ઉભો થઈને અવધેશભાઈને વળગી પડ્યો. કેટલાય દિવસો પછીનું બાપ-દીકરાનું આ મજબૂત આલિંગન થોડી વધારે જ વાર જકડાઈ રહ્યું.
અવધેશભાઈએ નિખિલને અળગો કરીને નજર બચાવતા કહ્યું, ''બસ બસ હવે, ઘેલો થા માં...તારી મમ્મીનું શું ?''
''એ હવે તમારે સમજાવવાનું, હું તો તમને સમજાવીને જ થાકી ગયો...''કહીને રૂમ તરફ ધીમેથી દોડ્યો. અવધેશભાઈ પણ આ વધારે પડતી અઘરી જવાબદારીની ખો પોતાના માથે આવી જતા નિખિલ તરફ બિયરની ખાલી બોટલ ફેંકવા હાથ ઉગામ્યો, પણ બાજુની ડસ્ટબીનમાં નાખી દીધી.
રૂમમાં જઈને નિખિલે પોતાનો આગળનો પ્લાન સમજાવ્યો. થોડી આનાકાની પછી અવધેશભાઇ માની ગયા.
નિખિલે પંદર દિવસનું કહેવા છતાં પહેલેથી જ પાંચ દિવસનું રિસોર્ટ બુકીંગ કરાવી રાખ્યું હતું, એનું મિશન સક્સેસ થયા પછી પણ હજુ બે દિવસ બચતા હતા. અવધેશભાઈ સાથે વાત કરીને રાત્રેજ નિખિલે રુચિને ફોન કર્યો, પપ્પાની સહમતીની ખુશખબરી આપીને આગળનો પ્લાન ફરીવાર સમજાવી દીધો. થોડીવાર પછી મમ્મીને ફોન કર્યો અને ઓફિસનું કામ વહેલું પતી ગયું હોવાથી હવાફેરના બહાને બંનેને ડ્રાઇવર સાથે વહેલી સવારે રિસોર્ટ આવવા નીકળી જવા જણાવ્યું.
બીજાજ દિવસે જયાબેન અને રુચિ રિસોર્ટ પહોંચી ગયા. ચારેય એ ભેગા મળીને ગરમા-ગરમ ચા-નાસ્તાને ન્યાય આપ્યો.
અવધેશભાઈ : ''નિખિલ્યા, જો અત્યારથી જ તને કહી દઉં છું, હવેના બે દિવસ આપણે એકબીજાને ઓળખતા નથી.''
જયાબેન : ''છટકી ગયું છે શું ? આ શું બોલો છો ? (કહેતા જ એમના ખભા ઉપર એક ટપલી મારી)
નિખિલ : ''મમ્મી, તું સમજ, તારાથી કેટલા કંટાળ્યા છે ? રિસોર્ટ બોલાવીને છૂટાછેડા આપે છે તને (નિખિલ, રુચિ અને અવધેશભાઈ એકબીજા સામે હસતાં રહ્યાં.)''
જયાબેન : ''શુ માંડ્યું છે આ બધું ? છૂટાછેડા આપવાની તાકાત છે ? ઘરમાં જ ના આવવા દઉં. મારા સિવાય બીજું કોણ એમને સાચવી શકવાનું હતું ?''
અવધેશભાઈ : ''નિખિલ, તું બસ કર, હું મારી બૈરીને નહીં તમને બેયને છૂટાછેડા આપવાનો છું બે દિવસ માટે.''
નિખિલ નાટક કરતાં, ''પપ્પા તમે જ કહેતા હતા કે કંટાળ્યો હવે તો જયાની ટક-ટક થી એટલે જ તો અહીં બોલાવ્યા કે હેરવી-ફેરવીને છૂટાછેડા આપો તો બહુ વાંધો ના આવે. કેમ રુચિ ? કાલે જ મેં તને ફોન પર આ વાત કરી'તી ને ? (રુચિએ હસવાનું દબાવી રાખતા હકારમાં માથું હલાવ્યું.)
અવધેશભાઈએ પોતાની સામે આંખો કાઢીને જોઈ રહેલા જયાબેનને શાંત રહેવા ઈશારો કર્યો, અને જરાક મોટા અવાજે નિખિલને કહ્યું, '' નિખિલ, તું ખરેખર છુટા કરાવીને જ રહીશ એમ લાગે છે હવે...હું તમને સિરિયસલી કહું છું, અમને બેયને ઘણાં સમયથી આવો ચાન્સ મળ્યો નથી, તો બસ બે દિવસ શાંતિથી રહેવું છે.''
રુચિ : ''તો નિખિલ, હજુ બીજા અઠવાડિયાનું બુકીંગ કરાવી દેને ! આપણે પરમ દિવસે જતાં રહીશું, પપ્પા-મમ્મીને રહેવા દઈએ થોડા દિવસ, કેમ પપ્પા ?''
અવધેશભાઈ : ''એની કાંઈ જરૂર નથી હો રુચિ બેટા, હું એટલું બધું પણ સહન નહીં કરી શકું તારી મમ્મીને...''
નિખિલ : ''ભલે તો, આપણે અહીંથી જ એકબીજાને ઓળખતા નથી, અમે પણ અમારું હનીમૂન એન્જોય કરીશું, (જયાબેન સામે જોઈને રુચિ સામે આંખ મારી) તમે પણ કરો..કેમ આન્ટી ?''
નિખિલ અને રુચિ ઉભા થયા, જતાં-જતાં પપ્પાને કહ્યું, ''હવે મળીએ સીધા ઘરે જ, till then...Best luck...''
ચારેય જણાની મસ્તી-મજાકમાં જયાબેન પોતાનું હર્યું-ભર્યું ખુશહાલ કુટુંબ જોઈને હરખાઈ રહ્યાં હતાં.
વધુ આવતાં અંકે...