Yog-Viyog - 70 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 70

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

યોગ-વિયોગ - 70

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

શ્રી ગણેશાય નમઃ

પ્રકરણ -૭૦

ચૂડો, કપાળ પર કાઢેલી પીર, સાડી પર ઓઢેલી ચુંદડી... શ્રેયા પોતાની જાતને નીરખી નીરખીને જોઈ રહી હતી. બરાબર એ જ સમયે શ્રેયાનો સેલફોન રણક્યો.

‘‘અનુપમા બોલું છું...’’

શ્રેયાને સહેજ થડકારો થયો.

‘‘કોણ જાણે અત્યારે શું હશે એના મનમાં ?’’ પછી હિંમત રાખીને એણે પૂછ્‌યું, ‘‘બોલ...’’

‘‘તું લગ્ન કરે છે ?’’

શ્રેયા જરા ગૂંચવાઈ, ‘‘હા કહેવી કે ના ? કોણ જાણે એના મનમાં શું હશે ? કંઈ આડુંઅવળું તો નહીં કરે ને ?’’ આટઆટલાં વિઘ્નો પછી માંડ બધું ઠેકાણે પડ્યું હતું. શ્રેયા નહોતી ઇચ્છતી કે હવે આ લગ્નમાં કોઈ વિઘ્ન આવે. એ ચૂપ રહી.

એણે જવાબ ના આપ્યો એટલે અનુપમા આગળ કહેવા લાગી, ‘‘શ્રેયા, હું ક્યારેય તારું ખરાબ ના ઇચ્છું. તું સુખી થાય અને અલય સાથે શાંતિથી રહે એવી જ મારી શુભેચ્છા હોય...’’

‘‘જાણું છું.’’ શ્રેયા મહામુશ્કેલીથી આટલું જ કહી શકી.

‘‘શ્રેયા, તું તો જાણે છે હું અલયને કેટલો ચાહું છું...’’ પછી એ થોડી વાર ચૂપ રહી.

શ્રેયાનું હૃદય ધકધક કરવા લાગ્યું, ‘‘હે ભગવાન ! આ કોઈ નવો ફણગો ના ફોડે તો સારું.’’

‘‘શ્રેયા, મને એક વચન આપ...’’ અનુપમા કરગરતા અવાજમાં બોલી રહી હતી, ‘‘તું અલયને આવતા જનમમાં છોડી દઈશ ને ?’’

‘‘અનુપમા...’’ શ્રેયાને એની દયા આવી ગઈ.

અનુપમાના અવાજમાં નાના બાળક જેવી કોમળતા અને ભીનાશ હતી. એના અવાજમાં અજબ જેવી સચ્ચાઈનો રણકો હતો, ‘‘હું આ જનમમાં તમને ડિસ્ટર્બ નહીં કરું. તું એને પહેલાં મળી છે. તેં એની રાહ જોઈ છે... એટલે આ જનમમાં એ તારો, પણ આવતે જનમે તું એને નહીં મળે ને ?’’

‘‘અનુપમા પ્લીઝ...’’

‘‘શ્રેયા, હું પણ તને પ્લીઝ કહું છું, વિનવું છું... એક વાર હા પાડી દે... એક વાર કહી દે કે તું આવતે જન્મે અલયને નહીં મળે.’’ પછી એણે સાવ ધીમા અવાજે ઉમેર્યું, ‘‘એટલે હું નિરાંતે જાઉં.’’

‘‘જાઉં ?’’ શ્રેયાનો અવાજ ફાટી ગયો, ‘‘ક્યાં જાઉં ? શું કર્યું છે તેં અનુપમા ?’’

‘‘કંઈ નહીં...’’ અનુપમાનો અવાજ એકદમ નાની બાળકી જેવો હતો, ‘‘મેં કંઈ નથી કર્યું.’’

‘‘તું ઠીક છે ને અનુપમા ?’’

‘‘હેં ? હા... ઠીક છું.’’ શ્રેયાને લાગ્યું કે એનો અવાજ લથડતો હતો.

‘‘સંજીવ છે ? એને ફોન આપ.’’ શ્રેયાએ લગભગ વઢતી હોય એમ કહ્યું.

‘‘સંજીવ તો નથી.’’ અનુપમાનો અવાજ ધીરે ધીરે ધીમો થતો જતો હતો, ‘‘હવે હું ઊંઘી જાઉં છું... તારું લગ્નજીવન ખૂબ સુખ અને સમૃદ્ધિમાં વીતે.’’ એનું ગળું ભરાઈ આવ્યું, ‘‘મારા અને તારા બંનેના ભાગનો પ્રેમ તને જ મળે...’’

‘‘અનુ... અનુ, તું સાંભળે છે ?’’

‘‘હં ? હા, સાંભળું છું.’’

‘‘તું ઘરે છે ?’’

‘‘હા. મને બહુ ઊંઘ આવે છે.’’ અનુનો અવાજ સાચે જ ઊંઘરેટો થતો જતો હતો, ‘‘હું ઊંઘી જાઉં છું.’’ ફોન અચાનક ડિસકનેક્ટ થઈ ગયો.

શ્રેયાને ગભરામણ થઈ ગઈ. અચાનક એના ગળામાં શોષ પડવા લાગ્યો. કપાળ પર પરસેવાનાં ટીપાં ફૂટી નીકળ્યાં. હાથ-પગ જાણે ઠંડા પડવા લાગ્યા, ‘‘હે ભગવાન, આ છોકરીએ શું કર્યું હશે ?’’ એને હજી ગઈ કાલે રાત્રે જ અલય સાથે થયેલી પોતાની વાત યાદ આવી.

એણે સંજીવને ફોન લગાડ્યો.

‘‘સંજીવ... ક્યાં છો તમે ?’’

‘‘ઘરે છું, કેમ ?’’

‘‘અનુનો ફોન હતો.’’ શ્રેયાનો અવાજ સાંભળીને સંજીવને પણ ભય લાગ્યો, ‘‘એ ઠીક નથી સંજીવ...’’

‘‘શું થયું ? એણે કંઈ કહ્યું ? કંઈ બોલી ?’’

‘‘ના... એણે કહ્યું ઊંઘ આવે છે... અને...’’ શ્રેયા સંજીવને સમજાવી ના શકી કે પોતાને કઈ વાતની ચિંતા થાય છે, પણ એની છઠ્ઠી ઇન્દ્રીય એને રહી રહીને કહી રહી હતી કે ક્યાંક કશુંક ખોટું થાય છે.

‘‘ઓ.કે.’’ સંજીવ એની વાત સમજ્યો હોય એમ એણે કહ્યું, ‘‘હું જાઉં છું.’’ પછી ઉમેર્યું, ‘‘જે હશે તે જણાવીશ. ચિંતા નહીં કરતા.’’ અને ફોન મૂકતા પહેલાં ધીમેથી કહ્યું, ‘‘વિશ યુ અ હેપ્પી મેરીડ લાઇફ.’’

શ્રેયા ‘થેન્ક યુ’ પણ કહી ના શકી.

શ્રેયાને આટલી બધી અપસેટ જોઈને લજ્જાથી ના રહેવાયું એટલે એણે ધીમેથી શ્રેયાને પૂછ્‌યું, ‘‘કાકી, અનુ ઠીક છે ? હું અભિને ફોન કરું?’’

‘‘અભિ ?’’ શ્રેયાના ચહેરા પર આ પરિસ્થિતિમાં પણ સ્મિત આવી ગયું, ‘‘એનું નામ અભિષેક છે.’’

‘‘ખબર છે.’’લજ્જાના ગાલ લાલ થઈ ગયા.

‘‘લજ્જુ, અભિ સારો છોકરો છે એની ના નહીં, કુટુંબ સારું અને સ્ટાર છે... કોઈ પણ મા-બાપને પોતાની દીકરી માટે આનાથી વધારે શું જોઈએ ?’’ પછી ઊઠીને લજ્જાની નજીક આવી. એના ખભે હાથ મૂકીને ખૂબ સમજદારીથી અને વહાલથી કહ્યું, ‘‘બેટા, કોઈ પણ પરિસ્થિતિમાં ઝંપલાવી દેતા પહેલાં થોડો સમય લે. ડહોળાયેલું પાણી થોડું ચોખ્ખું થાય તો જ તળિયે શું છે તે દેખાય... ઊભરો આવે ત્યારે તો દૂધ સપાટી સુધી દેખાય, પણ ઊભરો બેસે ત્યારે જ ખબર પડે કે ખરેખર કેટલું દૂધ છે...’’

‘‘કાકી, હું સમજું છું આ વાત ! હું એવુંં કંઈ નહીં કરું જેનાથી તમને કોઈને તકલીફ થાય.’’

‘‘અમને તકલીફ થાય એ તો હજીયે ચાલે માય સ્વીટી, તને તકલીફ થાય એ અમારાથી સહન નહીં થાય.’’

‘‘કાકી, તમને શું લાગે છે, હું એટલો વિચાર નહીં કરું ?’’ પછી ઊંડો નિઃશ્વાસ નાખીને ઉમેર્યું, ‘‘અનુની હાલત દેખાય છે મને. મારે એટલા દુઃખી નથી થવું. હું સમય લઈશ જ, પણ એક વાત મારે કહેવી છે તમને. મને જ્યારે જયાં જરૂર પડશે ત્યાં તમે મારી સાથે રહેશો ને ?’’ શ્રેયાએ લજ્જાને આટલી લાગણીશીલ પહેલાં ક્યારેય નહોતી જોઈ, હવામાં ઊડતી ફરતી આ છોકરી આટલી નાની ઉંમરે આટલી સમજદાર હશે એવો એણે અણસાર પણ નહોતો આપ્યો ક્યારેય.

‘‘તમને શું લાગે છે કાકી, હું નથી જોઈ શકતી મારા-બાપ વચ્ચેનો સ્ટ્રેસ ? પ્રિયા...’’ એણે એક ક્ષણ માટે શ્વાસ લીધો અને વિચાર્યું કે શું સંબોધન કરવું જોઈએ ? પછી ધીમેથી ઉમેર્યું, ‘‘પ્રિયા દીદી સાથે જે કંઈ થયું એ બરોબર તો નથી જ થયુંં ને કાકી ?’’

‘‘બેટા...’’ શ્રેયા એની સામે જોઈ રહી. આટલી નાની છોકરીને આ બધી સમજ પડતી હશે એવી શ્રેયાને કલ્પના સુધ્ધાં નહોતી. આપણે ગમે તે માનીએ, બાળકો પાસે પરિસ્થિતિ સમજવાની એમની પોતાની દૃષ્ટિ હોય છે અને એ દરેક પરિસ્થિતિને પોતાની રીતે મૂલવીને એમાંથી પોતાને સમજાય તેવો અર્થ કાઢી જ લેતા હોય છે.

‘‘કાકી, હું અભિષેકના પ્રેમમાં નથી પડી ગઈ.’’ લજ્જા એકદમ સ્થિર- અપલક નજરે શ્રેયાની આંખોમાં જોઈ રહી હતી, ‘‘એ મને ગમે છે... હું મળી એ પહેલાં પણ ગમતો હતો, પણ મળી એ પછી થોડો વધારે ગમે છે.’’ એણે ખભા ઉલાળ્યા, ‘‘ધેટ્‌સ ઇટ !’’

‘‘બેટા, મને એની સામે કોઈ પ્રોબ્લેમ નથી - હોઈ શકે જ નહીં, પણ એ ફિલ્મસ્ટાર છે... તારાથી ઉંમરમાં ઘણો મોટો...’’

‘‘પણ હું આટલું બધું વિચારતી જ નથી કાકી ! તમે શું કામ કંઈ પણ ધારી લો છો ? કોઈ પણ રિલેશનશિપ ક્યાંક પહોંચવી જ જોઈએ એવું શું કામ ? સંબંધ માત્ર હોવા ખાતર ના હોઈ શકે ?’’

શ્રેયા વિસ્ફારિત આંખે એની સામે જોઈ રહી. આ નવી પેઢી હતી. નવું વિચારતી. સંબંધોની નવી વ્યાખ્યા ધરાવતી પેઢી! આ પેઢી પાસે પોતાના સ્પષ્ટ વિચારો હતા. પોતાનાં મૂલ્યો અને પોતાની દૃષ્ટિ હતી... વધુ વ્યવહારુ અને વધુ સ્પષ્ટ રીતે વિચારી શકતી આ પેઢી સંબંધોને નવી રીતે જોતી હતી !

‘‘કાકી !’’ લજ્જા હજીયે બોલી રહી હતી, ‘‘એક છોકરીને એક છોકરો ગમે કે એક છોકરો એક છોકરીને થોડું વધારે મહત્ત્વ આપે તો એ સંબંધ સીધો લગ્ન સુધી પહોંચી જાય ? એક સ્ત્રી અને પુરુષ વચ્ચે એકજ સંબંધ હોઈ શકે ? સીધીસાદી મિત્રતા, સમજદારી કે એકબીજા માટેની સીધીસાદી લાગણી ના હોઈ શકે ?’’

શ્રેયા પાસે આ વાતનો જવાબ નહોતો...

એણે ખરેખર જરા વધારે પડતું જ વિચારી લીધું હતું.

‘‘ને કાકી... એક ફિલ્મસ્ટાર, મારાથી મોટી ઉંમરનો છોકરો મને ફસાવે જ, મને છેતરે જ કે મારી લાગણીઓ સાથે રમે જ, એવું કેમ વિચારો છો તમે ? એને પણ સારો ઉછેર, સારા સંસ્કાર અને પોતાનાં મોરલ્સ કે પ્રિન્સિપલ્સ નહીં હોય ?’’

‘‘બસ દીકરા બસ...’’ શ્રેયાએ કહ્યું, ‘‘હું સમજી ગઈ તારી વાત.’’ એણે સ્મિત કર્યું, ‘‘અને એ પણ સમજી ગઈ કે તું મારાથી પણ વધારે સમજદાર છે. તારી જિંદગીને તારી રીતે ઘડી શકે છે... તારી પોતાની સંભાળ લઈ શકે છે.’’ શ્રેયાએ એના ખભે મૂકેલા હાથથી એને નજીક ખેંચી અને એના બે ગાલ ઉપર બે હાથ મૂકીને કહ્યું, ‘‘આઇ એમ પ્રાઉડ ઓફ યુ.’’

બ્યુટીપાર્લરવાળી છોકરી અંદર આવી, ‘‘મેમ, તમને લેવા ગાડી આવી છે.’’ શ્રેયા અને લજ્જા બંને ઝડપથી બહાર નીકળી ગયાં. વૈભવી એમને લેવા આવી હતી. ગાડીમાં શ્રેયા ખાસ કંઈ બોલી નહીં, પણ એના મનમાં અનુપમા અને લજ્જાની બે સાવ વિરોધાભાસી વાતો અને વિચારો સામસામા અથડાતા રહ્યા...

અલય પોતાના રૂમમાં ઊભો રહીને અરીસા સામે જોતો હતો. અરીસામાં દેખાતું એનું પ્રતિબિંબ એની આંખમાં આંખ નાખીને જાણે એને પૂછતું હતું, ‘‘લગ્ન કરવા જાય છે ?’’

‘‘હા.’’ અરીસાની આ પારથી અલયે જાણે જવાબ આપ્યો, ‘‘છેલ્લાં કેટલાંય વર્ષોથી બંધ આખે જે સપનું જોતો રહ્યો એ આજે ઉઘાડી આંખે અનુભવીશ...’’ એણે પોતાના રૂમમાં નજર ફેરવી, સામાન્ય રીતે વીખરાયેલો રહેતો આ ઓરડો હજી પણ એ જ સ્થિતિમાં હતો. અહીંતહીં વેરાયેલાં પુસ્તકો, મ્યુઝિક સિસ્ટમની આસપાસ વીખરાયેલી સી.ડી.ઝ, રાઇટિંગ ટેબલ પર કાગળોના થપ્પા... અને ઢગલો કપડાં...

‘‘આજથી આ ઓરડામાં શ્રેયા પણ હશે.’’ એણે અરીસાની આ પારથી કહ્યું, ‘‘ગઈ કાલ સુધી નિર્જીવ લાગતો આ ઓરડો આજ રાતથી ધબકી ઊઠશે. ગઈ કાલ સુધી જે ઓરડામાં એને યાદ કરતા પડખાં બદલ્યાં છે એ ઓરડામાં આજથી એ મારા પડખામાં હશે...’’ એના ચહેરા પર સ્મિત આવી ગયું.

સફેદ લખનવી ઝભ્ભો અને ચૂડીદારમાં સજ્જ અલય હૃદય થડકારો ચૂકી જાય એટલો હેન્ડસમ લાગતો હતો. વ્યવસ્થિત ઓળેલા વાળ અને જસ્ટ શેવ કરેલો એનો ચહેરો ચમકી રહ્યો હતો. ફિલ્મની રિલીઝનો સંતોષ અને મોડે સુધી લીધેલી ઊંઘને કારણે ચહેરા પર એક તાજગી ઉમેરાઈ હતી.

‘‘અલય,’’ અરીસાની અંદરથી એના પ્રતિબિંબે એને પૂછ્‌યું, ‘‘અનુપમાનો કંઈ વિચાર નથી આવતો તને ?’’

‘‘શું વિચાર કરું ?’’ અરીસાની આ પારથી અલયે કહ્યું, અને ઊંડો નિઃશ્વાસ નાખ્યો, ‘‘જે થયું તે ન થયું હોત તો સારું થાત - માનું છુંં હું. પણ દરેક વખતે, દરેક પરિસ્થિતિ માણસના પોતાના હાથમાં નથી રહેતી...’’ પછી એણે જરા ઉગ્ર થઈને દલીલ કરી, ‘‘મેં સમજાવી હતી એને. એની જીદ અને એના હઠાગ્રહને હું કેવી રીતે...’’

‘‘અચ્છા ?’’ અરીસાની આ પાર ઊભેલો અલય ગંભીર હતો, જ્યારે પ્રતિબિંબ હસી રહ્યું હતું, ‘‘તું જરાય નહોતો આકર્ષાયો એની તરફ ? તારામાંના પુરુષને એનું સમર્પણ નહોતું જોઈતું ? તું ખરેખર એમ માને છે કે એ પરિસ્થિતિને તું ટાળી ન જ શક્યો હોત ?’’

‘‘હવે એ ચર્ચાનો શો અર્થ છે ?’’ અલયે જાત સાથેની વાત બંધ કરવાનો પ્રયત્ન કર્યો, ‘‘અનુપમા એક ભૂતકાળ છે. મારી આજ અને આવતી કાલ શ્રેયા છે. શ્રેયા મારા જીવનનું સત્ય છે. એક અભિન્ન અંગ છે મારા અસ્તિત્વનું, અને એ જ સત્ય છે.’’ એ આટલું કહીને અરીસા સામેથી ખસી ગયો, પણ જાણે એનું પ્રતિબિંબ ત્યાં જ રહી ગયું. રૂમમાંથ ી બહાર નીકળીને દાદરા ઊતરતા અલયને જાણે એના પ્રતિબિંબે પાછળથી બૂમ પાડીને કહ્યું, ‘‘અલય...તું કંઈ પણ કર, કંઈ પણ કહે... અનુપમા પણ હવે તારા જીવનનું એક અભિન્ન અંગ છે. તારી સાથે જોડાયેલું એક સત્ય બની ગઈ છે અનુપમા.’’

અલય એવી રીતે દાદારા ઊતરી ગયો કે જાણે હવે એક પળ પણ રોકાશે તો એ પ્રતિબિંબ અરીસામાંથી બહાર નીકળીને એને પકડી લેશે...

શ્રેયાના સેલફોનમાં ક્યારની રિંગ વાગતી હતી, પરંતુ એનો ફોન એના ઘરમાં હતો.

ઘેર પહોંચીને બી. જે. હોલ જતી વખતે શ્રેયાએ ભગવાનના મંદિર પાસે હાથ જોડવા બાજુમાં મૂકેલો ફોન ત્યાં જ રહી ગયો અને લગ્નના ઉત્સાહમાં ઘરેથી નીકળેલી શ્રેયાને ફોન રહી ગયાની ખબર જ ના રહી.

સંજીવ જ્યારે અનુપમાના ઘરે પહોંચ્યો ત્યારે સાંજ પડવા આવી હતી.

એણે દાખલ થતાની સાથે મેરીને પૂછ્‌યું, ‘‘મેડમ ક્યાં છે ?’’

‘‘ઊંઘી ગયાં છે.’’ મેરીએ નમ્રતાથી કહ્યું, ‘‘ઉઠાડવાની ના પાડી છે.’’

‘‘ઓ.કે.’’ સંજીવ સીધો અનુપમાના રૂમ તરફ ગયો. બારણું અંદરથી લોક હતું. સંજીવે બે-ચાર વાર બારણે ટકોરા માર્યા, ‘‘અનુ... અનુપમા... અનુ...’’

અંદરથી કોઈ જવાબ ના આવ્યો.

શ્રેયાના ફોનથી સંજીવને ડર તો લાગ્યો જ હતો. વળી ગઈ કાલે રાત્રે અનુપમા જે હાલતમાં હતી એ હજી પણ એની નજર સામે તરવરતું હતું.

એને હાથમાં ઊંચકીને ગાડીમાં પાછળની સીટ પર સૂવડાવવા ગયેલા અલયના ગળામાંથી અનુપમા હાથ છોડવા જ તૈયાર નહોતી. નાના બાળકની જેમ એના ગળામાં હાથ બાંધીને પાછલી સીટ પર સૂતેલી અનુપમા અલયને વધુ ને વધુ પોતાની તરફ ખેંચી રહી હતી. લજ્જા, અભિષેક, સંજીવ, શ્રેયા અને શૈલેષ સાવલિયા જેવા થોડા લોકોની હાજરીમાં અલયને આ પરિસ્થિતિ થોડી ક્ષોભજનક લાગતી હતી. એણે હળવે રહીને અનુપમાના હાથ પોતાના ગળામાંથી કાઢ્યા.

‘‘અલય...’’ અનુપમાએ નાના બાળકની જેમ બૂમ પાડી હતી.

‘‘એને લઈ જાવ.’’ અલયે સંજીવને કહ્યું હતું, ‘‘એને આરામની જરૂર છે.’’

‘‘એનો આરામ તો તમને મળી ત્યારથી હરામ થઈ ગયો છે.’’ શૈલેષ સાવલિયાએ કહ્યું હતું અને પછી હસ્યા હતા.

એ પછી સંજીવે અનુપમાને ઘરે લઈ જઈને એના પલંગમાં સૂવડાવી ત્યાં સુધી એ એકમાત્ર અલયનું નામ જપતી હતી.

સંજીવે મેરીને એનાં કપડાં બદલવાનું કહ્યું હતું, અને અનુપમા આરામથી સૂઈ ગઈ પછી એ ઘરે જવા નીકળ્યો હતો.

એણે હજુ સવારે જ અનુપમા સાથે વાત કરી હતી. ત્યારે તો એ પ્રમાણમાં ઠીક લાગતી હતી. એણે સંજીવ સામે ગઈ કાલના વર્તન બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.

સાવ નોર્મલ હતી એ સવારે તો. એણે કઈ ફિલ્મનું કેટલું કામ બાકી છે એ પણ પૂછ્‌યું હતું અને એક જ ફિલ્મનું થોડુંક ડબિંગ બાકી છે એ જાણ્યા પછી થોડા દિવસ બ્રેક પર ક્યાંક જવું છે એવું પણ કહ્યું હતું...

સંજીવે ફરી એક વાર અનુપમાનો દરવાજો નોક કર્યો.

અંદરથી કોઈ જવાબ નહોતો.

સંજીવ પાસે અનુપમાના આખા ઘરની ચાવીઓનો સેટ રહેતો. આ ચાવીઓ સંજીવના ઘેર હતી.

સંજીવે મેરીને પૂછ્‌યું, ‘‘આ દરવાજાની ચાવી છે ?’’

‘‘નો સર.’’ મેરીએ ડોકું ધુણાવ્યું.

‘‘ઓ.કે. હું પંદર-વીસ મિનિટમાં ઘરેથી ચાવી લઈને આવું, ત્યાં સુધી તું દરવાજો ખખડાવ્યા કરજે.’’

‘‘પણ સર...’’ મેરી અચકાઈ, ‘‘મેડમે ઉઠાડવાની ના પાડી છે.’’

‘‘ભલે ના પાડી.’’ સંજીવે ઉદ્વેગમાં કહ્યું, ‘‘મારે આ દરવાજો ખોલવો છે.’’ અને સડસડાટ બહાર નીકળીને પોર્ચમાં પડેલી પોતાની ગાડીમાં બેઠો.

બી. જે. હોલમાં લગ્નવિધિ શરૂ થઈ ગઈ હતી. અલયે પોતાના સ્વભાવ મુજબ પહેલેથી જ કહ્યું હતું કે લાંબી લાંબી લગ્નવિધિ એને નહીં પોસાય, એટલે આર્યસમાજની ટૂંકી, છતાં શાસ્ત્રોક્ત વિધિથી આ લગ્ન થઈ રહ્યું હતું.

વૈભવી, અભય, વસુમા, સૂર્યકાંત, અંજલિ, રાજેશ, લજ્જા, આદિત્ય અને બાલકૃષ્ણ ઠક્કરના કુટુંબનાં નજીકનાં સગાં અલય અને શ્રેયાની આસપાસ બેઠા હતા. બંનેની સામે મૂકેલી યજ્ઞવેદીમાં અગ્નિની કેસરી જ્વાળાઓ ઊઠતી હતી. આર્યસમાજના પાંચ પંડિતો મોટા અવાજે મંત્રો ભણીને લગ્ન કરાવી રહ્યા હતા...

‘‘કુર્યાત સદા મંગલમ’’ના મંત્રોચ્ચાર શ્રેયાના રોમ રોમમાંથી જાણે લખલખાની જેમ પસાર થતા હતા. એક એક મંત્રનો ઉચ્ચાર જાણે એને એક એક પગલું અલય તરફ લઈ જઈ રહ્યા હતા.

શ્રેયા માટે આ લગ્નવિધિની એક એક પળ એનાં સપનાં સાકાર થવાની પળ હતી.

બાલકૃષ્ણ ઠક્કર થોડા ખુશ અને થોડા નારાજ એવી મનોદશામાં આ લગ્નવિધિનો ભાગ બની રહ્યા હતા. સૂર્યકાંત અને વસુમા માટે આ કદાચ જીવનનો શ્રેષ્ઠ અવસર હતો.

વૈભવી લગ્નવેદીમાંથી ઊઠતી જ્વાળાઓ જોતાં જોતાં જાણે પોતાનાં લગ્નની પળોને યાદ કરી રહી હતી.

પ્રિયા માટે આ સપનું સપનું જ રહી જવાનું હતું એવી લાગણી એને ઘેરી વળી હતી.

સૌ આ લગ્નમાં પોતપોતાની રીતે પોતાના મન સાથે ગોષ્ઠી કરી રહ્યા હતા.

એક શ્રેયા સતત અનુપમાની ચિંતા કરતી હતી. એને અહીંયા આવ્યા પછી થોડી વારે ખબર પડી હતી કે એનો સેલ ઘરે રહી ગયો છે. અલય તો પોતાનો સેલ મૂકીને જ આવશે એવી એને ખાતરી હતી.

‘‘હવે સંજીવ ફોન કરશે તો ક્યાં કરશે ?’’ એને રહી રહીને વિચાર આવતો હતો.

‘‘બહેન, વિધિમાં ધ્યાન આપો.’’ બેધ્યાનપણે વિચારોમાં ખોવાયેલી શ્રેયાને એક બ્રાહ્મણે ટકોર કરવી પડી.

શ્રેયાનો હાથ પોતાના હાથમાં લઈને અલયે એને વચન આપ્યું, ‘‘ધર્મે ચ, અર્થે ચ, કામે ચ, મોક્ષે ચ... નેતિ ચરામિ.’’

શ્રેયા નખશિખ નવવધૂ બની ગઈ. એના જીવનની આ સૌથી સાચી અને અવિસ્મરણીય પળ હતી. કેટલાંય વર્ષો સુધી એણે ઝંખેલી, ખોળો પાથરીને માગેલી, એના શ્વાસ જેટલી અગત્યની આ પળ હતી એના માટે...

એક પછી એક વિધિ ચાલતી રહી.

સપ્તપદીનાં સાત વચનો અપાયાં... સાતમા પગલે બ્રહ્મણે બંનેને સમજાવ્યું, ‘‘સાત પગલાં સાથે ચાલીને તમે એકબીજાના મિત્ર-સખા બનો છો. સાતમો મંત્ર કહે છે-

સપ્તમેવ સખા ભવઃ’’

શ્રેયાએ નજર ઉઠાવીને અલય સામે જોયું. આટલાં વર્ષોથી સાથે ફરતાં અને કેટલીયે રાતો એકબીજાની સાથે, એકબીજાના બાહુપાશમાં ગાળી ચૂક્યાં હોવા છતાં શ્રેયાની આ નજર અલયને રોમરોમ ઝંકૃત કરી ગઈ. એણે શ્રેયાનો હાથ પકડી લીધો અને ધીમેથી એના કાનમાં કહ્યું, ‘‘મેં મારું વચન પૂરું કર્યું શ્રેયા, હવે સાત જનમ સુધી તારે મને સહન કરવો પડશે.’’

શ્રેયા કશું બોલી નહીં, પણ એના મનમાં અનુપમાએ થોડા જ કલાકો પહેલાં કહેલી એ વાત જાણે ફરી પડઘાઈ, ‘‘આવતા જનમમાં અલયને તું નહીં મળી ને ?’’ એને નવેસરથી અનુપમાની ચિંતા થઈ. બાજુમાં ઊભેલી લજ્જાને એણે ધીમેથી કહ્યું, ‘‘અભિષેકને કહેને, સંજીવને ફોન કરે. અનુપમા કેમ છે ?’’

‘‘કાકી, તમે શાંતિથી તમારાં લગ્નમાં ધ્યાન આપો.’’ લજ્જાએ જરા ટિખળ કરી, ‘‘અનુપમાની ચિંતા છોડો.’’

બાજુમાં ઊભેલા અલયે ચોંકીને શ્રેયા સામે જોયું, ‘‘અનુપમા... શું થયું અનુપમાને ?’’

‘‘કંઈ નથી થયું. એનો ફોન આવેલો એટલે કાકી ચિંતા કરે છે.’’

‘‘શું ફોન આવેલો ?’’ અલયે સીધું શ્રેયાને પૂછ્‌યું.

‘‘ખાસ કંઈ નહીં, પણ મને એનો અવાજ અને મન બરાબર ના લાગ્યા.’’ શ્રેયાએ અલય ચિડાઈ જશે એવા ડરથી વાત ટૂંકમાં પતાવી.

બેમાંથી કોઈ કંઈ બોલે એ પહેલાં લગ્નવિધિ આગળ ચાલી અને વાત ત્યાં જ અટકી ગઈ.

લગ્નવિધિમાં રસપૂર્વક ભાગ લઈ રહેલી લજ્જાને ત્યાંથી ખસવું નહોતું. શ્રેયાએ બે-ત્રણ વાર આંખથી ઇશારો કર્યો પણ લજ્જા થોડી તોફાનમાં ને થોડી છોકરમતમાં ત્યાંથી ગઈ નહીં.

લગ્ન પૂરાં થયાં, અખંડ સૌભાગ્યવતી કહેવાયું... અને શ્રેયા આવીને વસુમાના પગે લાગી. વસુમાએ એને ઊભી કરીને છાતીસરસી ચાંપી. પછી એની બાજુમાં ઊભેલા અલયનો હાથ લઈને એના હાથમાં મૂક્યો, ‘‘આ મારા ગાંડો, ઘેલો, તોફાની અને ફરેલા મગજનો છોકરો આજથી તને સોંપ્યો.’’ એમણે સ્મિત કર્યું, ‘‘હવે તું જાણે ને તારો સંસાર... હું આજથી છૂટ્ટી...’’

‘‘છૂટ્ટી કેમ ?’’ બાજુમાં ઊભેલી વૈભવીએ હસીને કહ્યું, ‘‘હવે તો પપ્પાજી આવી ગયા તમને બાંધવા.’’

સૂર્યકાંતે બધાની સામે એક નજર નાખી અને એક શાંત સંયત અવાજમાં કહ્યું, ‘‘હું એને બાંધવા નથી આવ્યો, મુક્ત કરવા આવ્યો છું.’’ વસુમાએ બાજુમાં ઊભેલા સૂર્યકાંત તરફ જોયું, ‘‘ખરું કહું છું વસુ... હું તને મુક્ત કરવા આવ્યો છું. શ્રાદ્ધ કરીને તું પાછી ફરી અને તને પહેલી વાર મળ્યો ત્યારે ખૂબ પીડા થઈ હતી, ક્રોધ આવ્યો હતો.’’ ઊંડો શ્વાસ લઈને કહ્યું, ‘‘અપમાન પણ લાગ્યું હતું મને... પણ તને જેમ જેમ જાણતો ગયો અને તારામાંથી ઉદભવેલી આ નવી વસુંધરાને ઓળખતો ગયો એમ એમ મને લાગતું ગયું કે તું સાચી હતી. જિંદગીના અઢી દાયકા નાનો સમય નથી હોતો વસુ...’’

વસુમાની આંખો ભરાઈ આવી હતી. ખાસ કરીને બાલકૃષ્ણ ઠક્કર અને વૈભવીના માતા-પિતા તથા સંતાનો, પૌત્ર, પૌત્રીઓથી ભરાયેલા આ કુટુંબ મેળાના સૌની હાજરીમાં કહેવાઈ રહેલા આ શબ્દોથી વસુમાને જાણે એક અજબ જેવી શાતા વળી હતી.

સૂર્યકાંત આગળ કહી રહ્યા હતા, ‘‘વસુ, તું સાચી હતી. એટલા માટે નહીં કે તેં મારા જીવતા મારું શ્રાદ્ધ કરીને મને તારા જીવનમાંથી બાદ કરી નાખ્યો, પણ એટલા માટે કે તેં તારી જાતને એક એવા બંધનમાંથી મુક્ત કરી, જે બંધને તને પીડા, તકલીફ, પ્રશ્નો અને જવાબદારીથી વધુ કંઈ આપ્યું જ નહીં.’’

‘‘કાન્ત, તમે વાત શરૂ કરી જ છે તો આ બધાની વચ્ચે એક ખુલાસો કરવો છે મારે.’’ વસુમાનો અવાજ સ્થિર હતો ને આંખો ભીની, ‘‘કાન્ત, મારાં સંતાનો માને છે કે આ શ્રાદ્ધ કરીને મેં તમને મૃત્યુ પામેલા સ્વીકારી લીધા અથવા અમારા જીવનમાંથી બાદ કરી નાખ્યા, પણ ખરેખર એવું નહોતું કાન્ત, જે સૂર્યકાંત મને છોડી ગયા હતા... જે સૂર્યકાંત સાથેના સંબંધે તમે જે કહ્યું એ બધું આપ્યું મને... એ સૂર્યકાંતને માફ કરવા માટે, ભૂલી જવા માટે, મારા મનમાં ઘૂંટાતી રહેલી પીડા અને કડવાશમાંથી મુક્ત થવા માટે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો.’’

‘‘ને વસુ, એ સૂર્યકાંત તો અમથોય મરી ગયો છે. તેં જેનું શ્રાદ્ધ કર્યું એ બેજવાબદાર, દારૂડિયો, ભાગેડુ અને સંકુચિત મનોવૃત્તિનો સૂર્યકાંત મરી જાય એમાં જ દેવશંકર મહેતાના કુળની ભલાઈ હતી.’’

‘‘કાન્ત, આટલાં વર્ષો દરમિયાન મેં તમને ક્યાંય તકલીફ આપી હોય, દુઃખ પહોંચાડ્યું હોય, પીડા આપી હોય, તમારા સ્વમાનને કે પતિપણાને કે પૌરુષત્વને ઊઝરડો પાડ્યો હોય તો હું આ સૌની સામે હાથ જોડીને તમારી માફી માગું છું.’’

વસુમાએ આટલું કહ્યું કે સૂર્યકાંતે બેય હાથે એમના જોડાયેલા બે હાથ પકડી લીધા અને સામે હાથ જોડીને એની આંખોમાં આંખો નાખી, ‘‘હું આજે જે કંઈ છું તે તારે લીધે છું વસુ, અને એ વાત આ સૌની સામે સ્વીકારતા મને કોઈ સંકોચ નથી. તેં મારાં સંતાનોને ઉછેરીને, બેવડી જવાબદારી તારા ખભા પર લઈને મને વિકસવાની તક આપી... મારાં માતા-પિતાને સાચવ્યાં, મારાં સંતાનોને સંસ્કાર આપ્યા. એમના મનમાં મારા વિશે કોઈ કડવાશ ના રહે એવો પ્રયત્ન કર્યો... અને છેવટે મારો સ્વીકાર કરીને મને મારા અપરાધભાવમાંથી મુક્ત કર્યો... વસુ, આજે આ લગ્નવેદીની સાક્ષીએ હું હાથ જોડીને ઈશ્વર પાસે માગું છું કે મને જન્મોજન્મ તું જ પત્ની તરીકે મળે.’’

એકબીજાના હાથ પકડીને ઊભેલું એ દંપતી હોલની રોશનીમાં અને અગ્નિની જ્વાળાઓ સામે એટલું તો મંગલ અને પવિત્ર લાગતું હતું કે ત્યાં ઊભેલા સૌની આંખો ભરાઈ આવી.

શ્રેયાએ ઝૂંકીને સૂર્યકાંતના ચરણસ્પર્શ કર્યા. સૂર્યકાંતે બાજુમાં મૂકેલું બોક્સ લઈને શ્રેયાના હાથમાં આપ્યું અને એક ગોળ વાળેલો કાગળનો રોલ એના હાથમાં મૂક્યો. પછી બાલકૃષ્ણ ઠક્કર સામે જોઈને કહ્યું, ‘‘આ બોક્સ મારા ઘરમાં આવતી નવી વહુ માટે છે અને આ દસ્તાવેજ અને વિલની કોપી તમારું ઘર છોડીને આવતી તમારી દીકરી માટે...’’

બાલકૃષ્ણ ઠક્કર શરમ- સંકોચ અને નારાજી કોરે મૂકીને દોડીને સૂર્યકાંતને ભેટી પડ્યા. પછી વસુમા સામે હાથ જોડીને એમણે ધીમા અવાજે કહ્યું, ‘‘બહેન, મેં અજાણતામાં તમને ઘણું દુઃખ પહોંચાડ્યું છે. મારી મા વગરની દીકરીને જેવી આવડી તેવી ઉછેરી છે, એને સ્વીકારી લેજો અને તમારા જેવી બનાવજો.’’

આ આખુંયે દૃશ્ય એટલું બધું લાગણીશીલ અને સાચુકલું હતું કે ત્યાં ઊભેલા એકએક હૃદયને વીંધીને આ દૃશ્ય આરપાર નીકળી ગયું.

સંજીવ ચાવી લઈને અનુપમાના બંગલે પહોંચ્યો ત્યારે મેરી દરવાજા પાસે ઊભી હતી. એણે મારિયા, જ્હોન, ચિન્ટુ અને સંધ્યાને ફોન કરીને ત્યાં બોલાવી લીધા હતા. બધા પોર્ચમાં ઊભા રહીને સંજીવનના આવવાની પ્રતીક્ષા કરી રહ્યા હતા. ચાવીઓનો સેટ લઈને સંજીવ જેવો દાખલ થયો કે તરત જ્હોન આગળ વધ્યો, ‘‘અમે ક્યારના દરવાજો ખખડાવીએ છીએ, પણ કોઈ રિસ્પોન્સ નથી.’’

સંજીવ કશું જ બોલ્યા વિના અનુપમાના રૂમ પાસે પહોંચી ગયો અને એણે ચાવીઓના સેટમાંથી અનુપમાના રૂમની ચાવી નાખી દરવાજો ખોલ્યો. બધાના આશ્ચર્ય વચ્ચે અંદરથી કડી મારેલી હતી. સંજીવને હવે ખરેખર ચિંતા થઈ. એણે જ્હોન સામે જોયું.

જ્હોનને કહેવાની જરૂર ના પડી. એણે દરવાજાને ખભાના ધક્કા મારવા માંડ્યા. મજબૂત સિસમનો દરવાજો જ્હોનના ધક્કાથી હચમચી જતો, પણ અંદરની કડી તૂટતી નહોતી.

જ્હોન ઓરડાના દરવાજાથી દસ-બાર ડગલાં પાછળ ગયો અને એણે હતું એટલું જોર લગાડી દરવાજાને લાત મારી. બારણાની કડી સ્ક્રૂ સાથે તૂટીને અંદરની તરફ પડી અને દરવાજો ખૂલી ગયો. અધ્ધર શ્વાસ સાથે હાંફળો-ફાંફળો સંજીવ અનુપમાના રૂમમાં દાખલ થયો.

સાત-આઠ સફેદ રંગનાં ફેધરનાં ઓશિકાં પોતાની આસપાસ લઈને અનુપમા શાંતિથી સૂતી હતી. એનો એક હાથ ચહેરાની નજીક મૂકેલા અલયના ફોટોગ્રાફ પર હતો અને બીજો હાથ ઓશિકાને લપેટાયેલો...

સંજીવે જઈને અનુપમાને હચમચાવી.

‘‘અનુ... અનુ...’’ અનુપમા હલી, પણ કોઈ પ્રતિભાવ નહીં, ‘‘અનુ... ઊઊઊઊઊ....’’ સંજીવે ચીસ પાડી અને એનો હાથમાં પકડીને નાડીના ધબકારા તપાસ્યા.

સંજીવના હાથમાંથી અનુપમાનો હાથ છૂટી ગયો.

સંજીવ ધબ્બ દઈને પલંગ પાસે બેસી ગયો. એની આસપાસ ઊભેલાં ચિન્ટુ, મારિયા, સંધ્યા અને જ્હોન એક શબ્દ બોલ્યા વિના જ પરિસ્થિતિ સમજી ગયા...

સંધ્યાનું ડૂસકું છૂટી ગયું. જ્હોને પોતાના બંને હાથની મુઠ્ઠી વાળીને દીવાલ પર પછાડ્યા. ચિન્ટુ અનુપમાના પગ પાસે બેસીને ચૂપચાપ એને જોતો રહ્યો અને મારિયાએ માથાથી છાતી અને ડાબે-જમણે હાથનો ક્રોસ બનાવી ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરવા માંડી.

ગાડીમાંથી ઊતરીને શ્રેયા શ્રીજી વિલાનાં પગથિયાં ચડતી હતી ત્યારે એની અંદર જાણે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. આ પગથિયાં એ પહેલાં લાખો વાર ચડી હતી... પણ આજે આ પગથિયાં ચડતાં એને અજબ સન્માનની, અજબ ગૌરવની, અજબ સુખ અને સંતોષની લાગણી થઈ રહી હતી.

એ મુખ્ય દરવાજા પાસે આવી, વૈભવીએ આરતીનો થાળ લઈ એને વધાવી. પાણીનો લોટો લઈ એને પોંખી અને બારણાની બંને તરફ તેલ રેડી એને અંદર આવવાનો ઇશારો કર્યો.

‘‘એક મિનિટ... એક મિનિટ... એક મિનિટ...’’ લજ્જા અને અંજલિ એકબીજાનો હાથ પકડી દરવાજો રોકીને ઊભાં રહી ગયાં.

શ્રેયા કંઈ બોલે એ પહેલાં અંદરના ટેલિફોનની રિંગ વાગી.

(ક્રમશઃ)