Yog-Viyog - 66 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 66

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

યોગ-વિયોગ - 66

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

શ્રી ગણેશાય નમઃ

પ્રકરણ -૬૬

સૂર્યકાંતને ભેટેલાં વસુમા જાણે જિંદગીના પચીસ વર્ષે રોમરોમ ભીંજાઈ રહ્યાં હતાં. એમની આંખોમાં પાણી આવી ગયું હતું. કદાચ એમને ખબર નહોતી, પણ પેલી તરફ ઊભેલાં અભય અને વૈભવીએ પણ વહાલ અને વિયોગના વરસાદથી રેલાતી સૂર્યકાંતની આંખો જોઈ લીધી.

‘‘કાન્ત !’’ સુખની સમાધિમાંથી જાગેલાં વસુમાએ હળવેથી સૂર્યકાંતના કાનમાં કહ્યું, સામાન્ય ગુજરાતી છોકરીઓ કરતાં વસુમાની ઊંચાઈ સહેજ વધારે હતી એટલે એમનું માથું લગભગ સૂર્યકાંતના ખભે આવતું હતું અને પાતળો અને સુંદર બાંધો સૂર્યકાંતના બાહુપાશમાં એવી રીતે સમાઈ ગયો હતો જાણે બંને એકબીજા માટે જ બન્યાં હોય.

‘‘કાન્ત ! છોકરાંઓ જુએ છે.’’

‘‘એ પણ ભલે જોઈ લેતા.’’ સૂર્યકાંતે વસુમાને સહેજ વધારે નજીક ખેંચ્યાં. વસુમાએ પોતાને છોડાવવાનો સાવ પાંગળો પ્રયાસ કર્યો...

‘‘કાન્ત ! ચાલો, ઘેર જઈએ.’’

સૂર્યકાંતે વસુમા તરફ જોઈને સ્મિત કર્યું, ‘‘તારે ઘેર ?’’

વસુમાએ જરાય વિચલિત થયા વિના સામું સ્મિત કર્યું, ‘‘ના, આપણે ઘેર.’’ આ વાત ઉપર સૂર્યકાંતે વસુમાને ફરી એક વાર વહાલ કરી લીધું અને વૈભવી તથા અભય તરફ આગળ વધી ગયા.

‘‘મને તો એમ કે તમે અમને ભૂલી જ ગયા છો.’’ વૈભવીએ સ્મિત સાથે કહ્યું અને બંને જણા સૂર્યકાંતને પગે લાગ્યા. સૂર્યકાંતે બંનેને ખેંચીને બેય તરફ વહાલથી પકડી લીધા.

‘‘એવું હોય બેટા ?’’

એરપોર્ટથી ઘર તરફ જતા ગાડીમાં પાછળ બેઠેલા સૂર્યકાંતે સતત પોતાનો હાથ વસુમાના ખભા પર વીંટળાયેલો રાખ્યો અને વસુમાએ પણ એ હાથ ખસેડવાની કે દૂર જવાની કોઈ ચેષ્ટા કર્યા વિના એ સ્પર્શ માણ્યા કર્યો.

દિવસભરના થાકને કારણે અભયને ગાડી ચલાવવી બહુ ગમતી નહીં. અમસ્તા પણ બંને સાથે હોય અને રાત્રે, તો ગાડી વૈભવી જ ચલાવતી. ગાડી ચલાવતા વૈભવીએ રીઅર વ્યૂમાં સૂર્યકાંતનો વસુમાના ખભાની આસપાસ લપેટાયેલો હાથ વારંવાર જોયા કર્યો. એના મનમાં એક મીઠી ઈર્ષ્યા જાગી અને એક હળવો નિઃસાસો નખાઈ ગયો.

‘‘ધીરજ અને નિષ્ઠાની આખરે જીત થતી હોય છે.’’ રીઅર વ્યૂમાં જોઈ રહેલી વૈભવીએ મનોમન સ્મિત કર્યું, ‘‘અભય ભલેને ગમે તેટલો દૂર ભાગે, હું ખરેખર હૃદયથી ચાહતી હોઈશ તો એને જરૂર પાછો લઈ આવીશ...’’ પછી એણે પોતાની જાતને જ કહ્યું, ‘‘આમ જુઓ તો મેં એ જ ભૂલ કરી, જે પપ્પાજીએ કરી... જે મારી પાસે હતું, સાવ મારું પોતાનું એની કિંમત ના કરી અને જ્યારે એ મારાથી દૂર થઈ ગયું ત્યારે મને સમજાયું કે એ કેટલું અગત્યનું હતું !’’

ઘરથી એરપોર્ટ સુધી લગભગ બધા જ ચૂપચાપ રહ્યા.

માત્ર અભયે વચ્ચે વચ્ચે અજય, જાનકી અને હૃદયના ખબર પૂછ્‌યા. થોડી બીજી, બિઝનેસની અને અલયની ફિલ્મની વાતો થઈ, પણ બંને સ્ત્રીઓ મોટે ભાગે ચૂપચાપ પોતાના જ વિચારોમાં અને પોતાની જાતમાં ડૂબેલી રહી.

ઘરમાં દાખલ થઈને અભય સૂર્યકાંતની બેગ લઈને સીડી ચડવા જતો હતો ત્યારે વસુમાએ એકદમ મૃદુ અવાજમાં એને પૂછ્‌યું, ‘‘ક્યાં જાય છે અભય ?’’

‘‘બાપુની બેગ મૂકવા - ઉપર, ગેસ્ટ રૂમમાં.’’

‘‘ના, એમની બેગ મારા ઓરડામાં રહેશે. મેં એમને માટે વોર્ડરોબ પણ ખાલી કરી રાખ્યું છે.’’

ઘરમાં હાજર ત્રણેય વ્યક્તિઓ જાણે આશ્ચર્યચકિત થઈ ગઈ.

‘‘પણ વસુ, હું ગયા વખતે તો આવ્યો ત્યારે તો તેં મને...’’

‘‘ત્યારે તમે મહેમાન થઈને આવ્યા હતા, પાછા જવાનું નક્કી કરીને... આજે તમે પૂરેપૂરા પાછા ફર્યા છો. આ ઘરમાં, આ ઘરના વ્યક્તિ તરીકે, સંતાનોના પિતા તરીકે.’’ અને એકદમ તરલ નજરથી સૂર્યકાંતની સામે જોઈને ઉમેર્યું, ‘‘મારા પતિ તરીકે.’’

‘‘વસુ, હું તને ક્યારેય નહીં સમજી શકું ?’’ સૂર્યકાંત વસુમા તરફ આગળ વધી ગયા, ‘‘હું ગયે વખતે આવ્યો ત્યારે મને હતું કે તું મને તારા જ ઓરડામાં રાખીશ. આટલા વખતથી તારી પ્રતીક્ષા મને એક ક્ષણ પણ તારાથી અલગ નહીં થવા દે. એને બદલે તેં મને ગેસ્ટરૂમમાં રાખ્યો. એટલું જ નહીં, તને એ વિશે કોઈ અફસોસ પણ નહોતો અને આ વખતે હું ગેસ્ટરૂમમાં રહેવાની પૂરેપૂરી માનસિક તૈયારી સાથે આવ્યો ત્યારે તું મને...’’

‘‘તારું કશું ના હોય તો છોડી બતાવ તું,

તારું બધું જો હોય તો છોડીને આવ તું.’’ વસુમાએ સ્મિત સાથે કહ્યું, ‘‘કાન્ત, મેં તમને પાછા બોલાવવાની જાહેરાત આપી ત્યારે એવું જ વિચારીને આપી હતી કે તમે જ્યારે પણ આવશો ત્યારે આગળ-પાછળનાં બધાં જ વળગણો મૂકીને આવશો.’’

‘‘પણ લક્ષ્મી તો મારી જવાબદારી...’’

‘‘હું લક્ષ્મીની વાત નથી કરતી કાન્ત.’’ વસુમાનો અવાજ એકદમ સંયત અને શાંત હતો, ‘‘આમ પૂછો તો હું કોઈનીય વાત નથી કરતી. તમે શું છોડો છો એની કોઈ ચર્ચા જ નહોતી કરવી મારે. મારે માટે તો તમે આખેઆખા સુવાંગ મારા સુધી પાછા ફરો એ અગત્યનું હતું.’’

‘‘મા, એક વાત પૂછું ?’’

‘‘મને ખાતરી હતી કે સૂર્યકાંત પાછા ફરશે.’’ વસુમાએ સ્મિત સાથે વૈભવીને જવાબ આપ્યો, ‘‘એ જ પૂછવું હતું ને ?’’

‘‘તમને...’’ વૈભવી સહેજ અચકાઈ.

‘‘આ અભિમાન નથી મારું વૈભવી, કે કાન્તને મારી પાસે પાછા ફરવું જ પડે. આ શ્રદ્ધા હતી મારી. મેં જો ખરા હૃદયથી કાન્તને ઝંખ્યા તો એમને મારા સુધી આવવું પડે એટલું બળ તો મારી શ્રદ્ધામાં હોવું જોઈએ ને ?’’

સૂર્યકાંતથી અનાયાસે વસુમાના ખભે હાથ મુકાઈ ગયો. એમણે વસુમાની આંખોમાં જોયું, ચહેરા પર હાથ ફેરવ્યો અને ખૂબ હળવેથી કહ્યું, ‘‘હું તારા સ્વમાન સામે લડી શક્યો, હું તારા અભિમાન સામે લડી શક્યો, તારી હઠ સામે, તારી બુદ્ધિ સામે, તારી લાગણીઓ સામે લડી શક્યો હું, પણ તારી શ્રદ્ધાએ મને તોડી નાખ્યો વસુ.’’

વસુમાએ જાણે વાત લપેટતાં હોય એવું પૂર્ણવિરામ જેવું સ્મિત કર્યું, ‘‘આ બધી વાતો કરવા માટે ઘણો સમય છે. કાન્ત થાકીને આવ્યા છે, થોડી વાર આરામ કરી લો... પછી સવારે વાત કરીશું.’’

‘‘સવારે ? હવે સવારને વાર કેટલી છે ?’’ ક્યારનો ચૂપચાપ આ સંવાદ સાંભળી રહેલા અભયે કહ્યું.

‘‘હા બેટા, આમ તો સૂર્યોદય થઈ ચૂક્યો છે...’’ સૂર્યકાંતનો હાથ હજીયે વસુમાના ખભે જ હતો, ‘‘વિયોગની રાત પૂરી થઈ...’’

વસુમા અને સૂર્યકાંત વસુમાના ઓરડા તરફ જઈ રહ્યાં હતાં ત્યારે વસુમાના ખભે હાથ મૂકીને જતા સૂર્યકાંતને જોઈને વૈભવીએ મનોમન પ્રાર્થના કરી, ‘‘મને અધિકાર તો નથી, પણ છતાં તારી પાસે માગું છું કે મને આવી જ શ્રદ્ધા આપજે. જે સંબંધને હું આજ સુધી સન્માની નથી શકી એ સંબંધનું સન્માન કરવાની અને એ સંબંધને સ્નેહથી ભીંજવવાની શક્તિ આપજે પ્રભુ.’’

પગથિયા ચડતા વૈભવીની બંધ આંખો જોઈને અભયે એના ખભે હાથ મૂક્યો, ‘‘થાકી ગઈ છે ? કંઈ થાય છે ?’’

અને જવાબમાં જે રીતે વૈભવીએ એની સામે જોયું, એ આંખોમાં રહેલો ભાવ જોઈને અભયની છાતીમાં વસતી વેરાન ધરતીમાં જાણે પહેલા વરસાદના બે-ચાર ફોરા પડી ગયા.

અનુપમાના ઓરડામાં કપડાંના ઢગલા હતા. એણે એના બધા વોર્ડરોબ ખાલી કરી નાખ્યા હતા. ઢગલાબંધ દાગીના, દેશ-પરદેશથી ભેગા કરેલાં એનાં કપડાં... પરફ્યુમ્સ, એક્સેસરીઝ, બેલ્ટ, જૂતાં અને જાતજાતની વિગ્સ- બધું તહસનહસ હતું. આખો ઓરડો જાણે વસ્તુઓથી ઊભરાતો હતો. રૂમમાં કે પલંગ પર પગ મૂકવાની જગ્યા નહોતી.

અનુપમાની ડ્રેસ ડિઝાઇનર સંધ્યા અને મેક-અપ મેન ચિન્ટુ, એનો ફિટનેસ ટ્રેઇનર જ્હોન અને એની બ્યુટીશિયન મારિયા ચૂપચાપ ત્યાં ઊભાં હતાં...

સંજીવ શાંતિથી એક ખૂણે બિનબેગ પર બેઠો હતો.

બધાં જોઈ શકતાં હતાં કે અનુપમાનું મગજ ગયું હતું. હાથમાં આવે એટલી વસ્તુઓ બહાર કાઢી કાઢીને અનુપમા છૂટ્ટે હાથે ચારેતરફ ફેંકતી હતી...

આજે સાંજના પ્રીમિયર માટે શું પહેરવું એ એને કોઈ રીતે સમજાતું નહોતું. સામાન્ય રીતે અનુપમા કોઈ પણ પાટર્ીમાં કે પ્રીમિયરમાં પરફેક્ટ દેખાતી. એનાં કપડાં અને સેન્સ ઓફ ડ્રેસિંગ આખી ઇન્ડસ્ટ્રીમાં વખણાતાં. કેટલીક અભિનેત્રીઓ તો રાહ જોતી કે અનુપમા શું પહેરીને આવે છે. એનો દેહ જ એવો હતો કે એને ભારતીય કે વેસ્ટર્ન કોઈ પણ કપડાં સારાં લાગતાં...

સાડીમાં અનુપમા બેનમૂન દેખાતી... સ્કર્ટસમાં કે ફોર્મલ્સમાં એના દેહના વળાંકો ભલભલાના મોઢામાંથી સિસકારા કાઢી નાખે એવા દેખાતા... એની ડ્રેસ ડિઝાઇનર સંધ્યા અનુપમાની પોતાની ડિઝાઇનિંગની સમજ ઉપર ઘણી વાર વારી જતી !

હમણાં જ એક ઐતિહાસિક મુસ્લિમ પરિવેશમાં કરેલી ફિલ્મ માટે સંધ્યાને બેસ્ટ ડિઝાઇનરનો રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો, પરંતુ સંધ્યા અને અનુપમા બે જ જણા જાણતાં હતાં કે એમાંની મોટા ભાગની ડિઝાઇન્સ કેટકેટલાંય ઇતિહાસનાં પુસ્તકો ઉથલાવીને, મ્યુઝિયમ્સ જોઈને અનુપમાએ જાતે કરી હતી !

સામાન્ય રીતે કોઈ પણ પાટર્ીમાં જવાનું હોય કે પ્રીમિયર હોય તો એક અઠવાડિયા પહેલાં અનુપમાના મનમાં સ્પષ્ટ હોય કે એ શું પહેરશે અને કેવી લાગશે... જો સમય મળે તો એક વાર ડ્રેસ રિહર્સલ પણ કરી લેવાનો એનો સ્વભાવ હતો.

છેલ્લા ચાર દિવસથી અલયની ફિલ્મ, ‘તેરે શહેર મેં’ના પ્રીમિયર માટે સંધ્યાએ જાતજાતનાં સજેશન્સ કર્યાં હતાં, અનુપમાએ બધાં જ રિજેક્ટ કર્યાં હતાં. સાડી એને ઓલ્ડ ફેશન્ડ લાગતી હતી તો વેસ્ટર્ન આ ફિલ્મની વાર્તાના પરિવેશમાં ફિટ નહોતું બેસતું. ઇવનિંગ ગાઉન વધુ પડતો ફેન્સી લાગતો હતો તો ઘાઘરા-ચોલી વધુ પડતાં ડ્રેસી...

ટૂંકમાં, અનુપમાને ગળે કંઈ જ ઊતરતું નહોતું.

એને તો બસ, બેસ્ટ દેખાવું હતું. અલય એને જુએ અને જોતો જ રહી જાય એથી વધારે એની કોઈ અપેક્ષા જ નહોતી અને અલય શાનાથી ખુશ થશે એ સંધ્યા, ચિન્ટુ, સંજીવ કે બીજું કોઈ પણ કેવી રીતે કહી શકે ?

એના પરિણામે આજે એનો ઓરડો વસ્તુઓથી ભરાઈ ગયો હતો. બધું જ વેરવિખેર પડ્યું હતું અને અનુપમા પગ પછાડતી ચીસો પાડતી હતી.

‘‘હું શું પહેરું ? મારે તો બસ, બેસ્ટ દેખાવું છે... એક વાર જોનારાની નજર મારા પરથી હટવી ના જોઈએ...’’

સંધ્યાએ હળવેથી આગળ વધીને અનુપમાના ખભે હાથ મૂક્યો, ‘‘મેમ, આપણે એક સરસ બ્લાઉઝ ડિઝાઇન કરીએ... ડિઝાઇનર્સ બેસ્ટ ! અને સાથે પ્લેન સાડી પહેરો. મને લાગે છે ધેટ વૂડ લૂક બેસ્ટ.’’

‘‘ના.’’

‘‘તો...’’

‘‘મારે કોઈ સજેશન નથી જોઇતાં. છેવટે હું જીન્સ અને શર્ટ પહેરીને જતી રહીશ...’’ એણે નીચે પડેલા ઢગલાને એક લાત મારી અને કારપેટ પર બેસી ગઈ.

‘‘આટલા બધા પૈસા લો છો બધા, પણ એક સરખુ સજેશન નથી કરી શકતા...’’ અનુપમાએ ચિન્ટુ સામે જોયું, ‘‘આ જો... લાફિંગ લાઇન્સ દેખાય છે મારા ચહેરા પર.’’

ચિન્ટુએ ચૂપ રહેવાનું મુનાસિબ સમજ્યું.

‘‘અને તું -’’ એણે એના ફિટનેસ ટ્રેઇનર જ્હોન સામે જોયું અને પોતાની નાભી પાસેની ચામડી પકડીને બતાવી, ‘‘આ જો... શું કરે છે તું રોજ ? બબ્બે કલાક એક્સર્સાઇઝ કરાવે છે અને છતાં અનુપમાનો જાદુ...’’

સંજીવ, જ્હોન, મારિયા અને ચિન્ટુ - સંધ્યા સહિત બધાં જ સમજતાં હતાં કે અનુપમાને શું થતું હતું ! અલયના ફિલ્મના શૂટિંગ દરમિયાન બધાંએ અનુપમાને વહી જતી જોઈ હતી અને આજે જે કંઈ થઈ રહ્યું હતું એ એનું જ પરિણામ હતું એ જાણવા છતાં કોઈ કશું બોલી શકવાની સ્થિતિમાં નહોતાં...

‘‘અનુ, ઇનફ નાવ...’’ અનુપમાને જો કોઈ કંઈ કહી શકે તો એ સંજીવ હતો.

‘‘પણ સંજીવ, હું શું પહેરું સાંજે ?’’ અનુપમાએ નાના બાળકની જેમ પૂછ્‌યું...

‘‘તને જે ગમે તે અનુ, તું કંઈ પણ પહેરીશ, તું સુંદર જ લાગીશ.’’ એણે નજીક આવીને અનુપમાને બંને ખભેથી પકડી, ‘‘એક કરોડની હિરોઇન છે તું- નંબર વન ! તારી સરખામણી કોઈ સાથે થઈ જ કેવી રીતે શકે ? પછી એ કરિશ્મા હોય, કાજોલ હોય, બિપાશા હોય કે શ્રેયા...’’ એણે અનુપમાના ગાલ થપથપાવ્યા, ‘‘યુ આર ધ બેસ્ટ બેબી !’’

અનુપમાને કદાચ આટલું જ સાંભળવું હતું. એની નસોમાં ફરી રહેલું લોહી જાણે શાંત થઈ ગયું. બમણી ઝડપે ધડકી રહેલું એનું હૃદય ધીરે ધીરે નોર્મલ થવા લાગ્યું. એની સાથે સાથે બીજા ચાર જણાનું બ્લડ પ્રેશર પણ નોર્મલ થવા લાગ્યું.

અનુપમાએ સંધ્યા સામે સ્મિત કર્યું, ‘‘તું શું કહેતી ડિઝાઇનર બ્લાઉઝ વિશે ?’’

હવે સંધ્યામાં થોડી હિંમત આવી, એ આગળ વધી અનુપમા પાસે આવી અને એણે અનુપમાને બ્લાઉઝની ડિઝાઇન સમજાવવા માંડી.

‘‘પણ હવે... હવે થઈ શકશે ?’’ અનુપમાએ ઘડિયાળ જોઈ, ‘‘મારે આઠ વાગ્યે તો પહોંચવાનું છે.’’

‘‘થઈ જશે.’’ સંધ્યાએ સ્મિત કરીને કહ્યું, ‘‘રો-સિલ્કની પ્લેન ઓકર યલો સાડી હું લઈ આવી છું. ફોલ કરીને રેડી છે. સાથે બ્લાઉઝનું મટીરિયલ પણ સ્વરોસ્કી અને બ્રોકેડ કરવા આપી દીધું છે. માત્ર કટિંગ અને ફિટિંગ...’’ એણે આત્મવિશ્વાસથી કહ્યું, ‘‘ધેટ્‌સ ઇટ.’’

‘‘ઓહ ગોડ !’’ અનુપમા એને ભેટી પડી, ‘‘તું કેટલી સારી છે!’’

‘‘એની સાથે પહેરવા માટે પર્લ અને ગોલ્ડનો સેટ પણ હું લઈ જ આવી છું...’’ સંધ્યાનો આત્મવિશ્વાસ વધ્યો.

‘‘મેમ, બસ તમે વાળમાં નારિયેળનું દૂધ લગાડીને - થોડો ફેસ મસાજ કરાવીને, પેક લગાડીને સૂઈ જાવ.’’ હવે મારિયાએ ચાજર્ હાથમાં લીધો, ‘‘બધું જ એને મેળે થઈ જશે.’’

‘‘ઓહ ગોડ ! તમે બધા કેટલા સારા છો ! ’’ અનુપમાએ વારાફરતી બધા સામે જોયું, ‘‘મને કેટલી બધી સાચવો છો તમે બધા...’’ પછી અચાનક જ ગંભીર થઈ ગઈ, ‘‘મેં મારા વિલમાં તમારા બધા માટે વીસ-વીસ લાખ રૂપિયાની વ્યવસ્થા કરી છે.’’ એણે સંજીવ સામે જોયું, ‘‘સંજીવ જાણે છે.’’

‘‘હવે અત્યારે વિલની ચર્ચા કરવાની છે ?’’ સંજીવે ફરી એક વાર એને લાડ કર્યા, ‘‘મારિયા કહે છે એમ આરામ કર. યુ હેવ ટુ લૂક ધ બેસ્ટ.’’

‘‘હા.’’ અનુપમાના ચહેરા પર એક ન સમજાય તેવો ભાવ હતો, ‘‘આજે તો મારે બેસ્ટ દેખાવું જ છે...’’ એણે એક ઊંડો શ્વાસ લીધો અને ગૂઢ સ્મિત કરીને સંજીવની આંખોમાં જોયું. પછી ધીરેથી ઉમેર્યું, ‘‘કલ હો ના હો...’’

સંજીવને બહુ નવાઈ ના લાગી, કારણ કે અનુપમા આવાં બધાં સ્ટેટમેન્ટ અવારનવાર કરતી રહેતી. મૃત્યુ સાથે ગજબનું રોમેન્ટીઝમ જોડતી હતી એ. જ્યારે પણ આવું કંઈ બોલતી ત્યારે નિરાશા કે ડિપ્રેશનને બદલે એના ચહેરા પર એક ચમક આવી જતી.

‘‘આઇ રોમાન્સ વિથ માય ડેથ...’’ અનુપમાની હંમેશની લાઇન હતી એ, ‘‘હું કેવી રીતે મરીશ, ક્યાં મરીશ, શું પહેરીને મરીશ અને કેવી લાગીશ એ બધું મેં નક્કી કરી રાખ્યું છે.’’ એ કહેતી, અવારનવાર !

પણ અનુપમાને જાણતા સંજીવે આજ સુધી ક્યારેય એની વાતને સિરિયસલી નહોતી લીધી.

આજે પહેલી વાર, અનુપમાની આંખોમાં કંઈક એવું જોયું હતું સંજીવે જે એને છેક ભીતર સુધી ડરાવી ગયું હતું.

અલય પૃથ્વી થિયેટરની બાજુમાં આવેલી કેફે કોફી ડેમાં બેસીને પોતાના લેપટોપ પર શૂટના ફોટા જોઈ રહ્યો હતો. વર્કિંગ સ્ટીલ્સ, સિનેમાના સ્ટીલ્સ, ગીતોના સ્ટીલ્સ... વારાફરતી સ્ક્રિન પર આવતા અને બદલાઈ જતા. સાંજે આવનારા પ્રેસવાળાઓને આપવા માટે એ જાતે સી.ડી. રાઇટ કરી રહ્યો હતો. કયા અખબારને કેવા ફોટા આપવા એ એણે જાતે પસંદ કરવાનું નક્કી કર્યું હતું. આમ તો આ કામ પબ્લિસિટી અને પી.આર. સંભાળતી કંપની જ કરતી હોય છે, પણ અલયની જીદ અને એના આગ્રહને કારણે આ સી.ડી. એ જાતે રાઇટ કરી રહ્યો હતો.

સ્ક્રિન ઉપર તો ફોટા દેખાતા હતા, પણ અલયના મગજમાં કોણ જાણે કેટલાય વિચારો અવરજવર કરી રહ્યા હતા. મા, શ્રેયા, અનુપમા, બાલકૃષ્ણ ઠક્કર, પ્રેસ, ફિલ્મ, શૈલેષ સાવલિયા અને બીજું કંઈ કેટલુંય એના મગજમાં આવતું હતું અને ચાલી જતું હતું...

ગઈ કાલે બનેલા બનાવ પછી શ્રેયા વિશે જાણે એ નિશ્ચિંત થઈ ગયો હતો. જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં કે કોઈ પણ તબક્કે શ્રેયા એને સંભાળી લેશે, સંભાળી શકશે એ વિશ્વાસ હવે જાણે એના મનમાં ઘર કરી ગયો હતો. એણે એમના સંબંધનાં આ સાત વર્ષ દરમિયાન શ્રેયાને પોતાના પર આધારિત જોઈ હતી, નાની નાની વાતોમાં ચિડાતી-રિસાતી, લડતી-ઝઘડતી, પઝેસિવ અને ક્યારેક સાવ ટીનએજર જેવું વર્તતી શ્રેયા અચાનક જ આમ મેચ્યોર થઈને આવું મજબૂત વર્તી શકશે એવું એણે ક્યારેય નહોતું ધાર્યું, પણ ગઈ કાલે અનુપમાના ઘરે શ્રેયાનું વર્તન દાદ માગી લે એવું હતું.

અલય જાણે ફરી એક વાર શ્રેયાના પ્રેમમાં પડી ગયો હતો...

અલયનું અચાનક ધ્યાન ગયું, એના ફોનની રિંગ ક્યારની વાગતી હતી. પહેલા શર્ટના ખિસ્સામાં, પછી પેન્ટના ખિસ્સામાં, પછી લેપટોપની પાછળ પડેલો એનો ફોન માંડ માંડ એના હાથમાં આવ્યો. એણે ફોન ઉપાડ્યો, કાને લગાડ્યો...

‘‘ઇડિયટ...’’ સામે નીરવ હતો, ‘‘ક્યારનો ટ્રાય કરું છું. શું કરતો હતો ?’’

‘‘હજામત.’’

‘‘ઉતાવળ શું છે ? ફિલ્મ રિલીઝ થાય પછી એ જ કરવાનું છે...’’

‘‘તારી હિંમત કેવી રીતે થઈ મને ફોન કરવાની ?’’

‘‘જો... મારી હિંમતની તો તું ચર્ચા જ નહીં કરતો. એક વાર પરણવાની િંહમત થઈ જાયને પછી બાકીનાં સાહસ બહુ નાનાં થઈ જાય છે.’’ નીરવ મોટેથી હસ્યો, ‘‘કેવી છે તૈયારી ? બ્લડ પ્રેશર નોર્મલ છે ને ?’’

‘‘યાર !’’ અલયનો અવાજ ભીંજાઈ ગયો, ‘‘આઇ મિસ યુ... તારે અહીંયા હોવું જોઈતું હતું. તારા વિના આજનું પ્રીમિયર અધૂરું રહેશે.’’

‘‘મારી એક સીટ ખાલી રાખજે.’’

‘‘અલ્યા ! આવી નથી પહોંચ્યો ને ?’’ અલયે જરા નવાઈથી પૂછ્‌યું, ‘‘તારું ભલું પૂછવું. બાપના પૈસા છે. ઉડાડ તું તારે...’’

‘‘નથી આવ્યો સ્ટૂપીડ.’’ નીરવે કહ્યું, ‘‘પણ હું હોઈશ ત્યાં, તારી બાજુમાં જ, તારી સાથે જ... સતત !’’ એનો અવાજ પણ લાગણીથી ભીંજાઈ ગયો હતો, ‘‘લક્ષ્મીના પપ્પાની તબિયત આમ ન બગડી હોત તો હું રોકાયો હોત તારી રિલીઝ સુધી.’’

‘‘સાલ્લા ! લક્ષ્મીના પિતા એટલે મારો બાપ.’’

‘‘એવી ખબર છે તને ?’’ નીરવે ફરી મજાક કરી, ‘‘અને તેં ભલે સમજ્યા વગર કહ્યું, પણ હું સાચે જ તારો સાલો થાઉં, એ પણ ખબર જ હશે...’’

‘‘બસ હવે. હું કામ કરું છું. બીજું કંઈ કહેવું છે ?’’

‘‘હા.’’ નીરવે ઢગલાબંધ વહાલ સાથે કહ્યું, ‘‘ઓલ ધ બેસ્ટ. મને ખાતરી છે કે તારી ફિલ્મ હિન્દી સિનેમાના ઇતિહાસનું એક અગત્યનું પાનું બનશે...’’ પછી ઉમેર્યું, ‘‘હું રાત્રે બાર વાગ્યે ફોન કરીશ- તારે ત્યાં રાત્રે બાર વાગે ત્યારે.’’

‘‘ઓલ રાઇટ...’’

‘‘ઓ.કે. ધેન, મિસ મી.’’ નીરવે ફોન મૂક્યો અને અલય સ્મિત સાથે ટેલિફોન સામે જોઈ રહ્યો, થોડીક ક્ષણો એમ જ રહ્યા પછી એ ફરી પોતાના કામે વળગ્યો.

‘‘તેં કહ્યું કેમ નહીં કે ડેડી પહોંચી ગયા છે.’’ લક્ષ્મીએ પોતાની રાખોડી આંખોમાં આશ્ચર્ય છલકાવ્યું.

‘‘બુદ્ધુ ! હું કહી દઉં તો રાતની સરપ્રાઇઝનું શું થાય ?’’ નીરવે નજીક ખેંચીને એને ચૂમી લીધી.

‘‘ખરેખર અલયભાઈને ખબર નથી ?’’

‘‘ખરેખર નથી ખબર, મારી વહાલસોઇ ઇડિયટ...’’

‘‘પણ એ ઘરે જશે તો ?’’

‘‘નહીં જાય. હું અલયને બરાબર ઓળખું છું. ભલું હશે તો એણે શ્રેયા પાસે કપડાં મગાવ્યાં હશે. ‘મેટ્રો’ના બાથરૂમમાં શેવ કરશે અને ત્યાં જ કપડાં પહેરીને તૈયાર થઈ જશે.’’ નીરવે લક્ષ્મીના વાળમાં ચહેરો છુપાવી દીધો, ‘‘પોતાની જાતને વકરેહોલિક માને છે એ મૂરખ.’’

‘‘બસ હોં ! મારા ભાઈ વિશે ગમે તેમ નહીં બોલ.’’

‘‘સારું સારું ! એક તરફ સારી સગાઈ, એક તરફ જોરૂ કા ભાઈ.’’ બંને જણા ખડખડાટ હસી પડ્યાં.

શ્રેયા પોતાના રૂમમાં ફૂલસાઇઝના મિરર સામે ઊભી હતી. એ નાહીને હજી હમણાં જ નીકળી હતી. ખભા સુધીના એના વાળ આજે જ ટ્રીમ કર્યા હતા, હજી ગઈ કાલે જ એણે ફેસિયલ કર્યું હતું, અને છતાંય એ ધ્યાનથી પોતાનો ચહેરો અરીસામાં જોઈ રહી હતી ત્યારે એને લાગતું હતું કે એના ચહેરા પર અનુપમાની ત્વચા જેવી તગતગતી ચમક નથી! એના હોઠ અનુપમાના હોઠ જેવા ગુલાબી અને દિલધડક વળાંક ધરાવતા નથી ! એની આંખો કંઈ ખાસ નથી ! કે નથી એના વાળ અનુપમાની જેમ લાંબા અને અજગરની જેમ માણસના મન-મગજને વીંટળાઈ વળે એવા...

‘‘હું કંઈ પણ પહેરું, હું એના જેટલી રૂપાળી તો નહીં જ લાગું.’’ એણે જાણે જાતને જ કહ્યું.

શ્રેયાની વાત સાવ ખોટી પણ નહોતી. એને આવું લાગે એ સ્વાભાવિક હતું. શ્રેયા બહુ સરસ છોકરી હતી, બુદ્ધિશાળી, લાગણીશીલ, પ્રેમાળ, બધું જ... પરંતુ માણસ પહેલી નજરે એના પ્રેમમાં પડી જાય કે એને જોતો જ રહી જાય એવું કંઈ ખાસ નહોતું એનામાં.

એવરેજથી થોડી વધારે ઊંચાઈ - લગભગ પાંચ ફૂટ છ ઇંચ જેવી, ઘઉંવર્ણી ત્વચા, સામાન્ય નાકનક્શ અને પાતળો બાંધો. એને જોઈને હૃદય થંભી જાય કે ધડકારો ચૂકી જાય એવું કંઈ બનવાના ચાન્સીસ નહોતા !

અને કદાચ એટલે જ, આજે પહેલી વાર શ્રેયા પોતાના દેખાવ વિશે સભાન થઈ ગઈ હતી. એને ખબર હતી કે આજે સૌ એની તરફ જોવાના છે. અલય એને અમુક પ્રકારની ક્રેડિટ આપશે, કદાચ સ્ટેજ પર બોલાવશે... એવા સમયે અલયની વાગ્દત્તા તરીકે કે એની થનારી પત્ની તરીકે સૌ એની તરફ જોશે અને એવા સમયે ત્યાં અનુપમા પણ હશે જ...

બસ ! આ એક વિચારે એને ખળભળાવી મૂકી હતી. એણે ગઈ કાલે હિંમત કરીને એક મજબૂત વર્તન તો કર્યું હતું, પણ એનામાંની સ્ત્રી હજીયે ક્યારેક ધ્રૂજી ઊઠતી હતી. અલય માટેનો એનો માલિકીભાવ - પઝેશન જરાય ઘટ્યું નહોતું, એણે એ લાગણી સાથે એક જબરદસ્ત સમાધાનની ભૂમિકા સાધી હતી. તે દિવસે મંદિરમાં બેઠા બેઠા એને સમજાયું હતું કે જો અલયને પોતાનો કરીને રાખવો હોય તો એને છોડી દેવો, છૂટ્ટો મૂકી દેવો એ જ સાચો રસ્તો છે... અલય બંધાય એવું વ્યક્તિત્વ જ નહોતું. એની પાસે સાચું બોલાવવા માટે સાચું સાંભળવાની માનસિક તૈયારી બહુ જ જરૂરી હતી એવું હવે શ્રેયાને સમજાયું હતું અને ગઈ કાલના પ્રસંગ પછી તો આ સમજણ દૃઢ થઈ ગઈ હતી.

કદાચ એટલે જ આજે એના મનમાં બહુ અસમંજસ નહોતી. એ કેવી લાગશે એ સિવાયની કોઈ બાબતે એ ચિંતિત નહોતી.

અનુપમાની હાજરીમાં અલય કઈ રીતે વર્તશે કે અનુપમા અમુક-તમુક પ્રકારનું વર્તન કરશે તો શું થશે એ બધી ચિંતાઓ એને ગઈ કાલ સુધી હતી એ સત્ય, પણ આજે એ બધી જ વાતોમાંથી મુક્ત થઈને શ્રેયા અરીસાની સામે ઊભી હતી.

એણે લાલ ચટ્ટક રંગની બાંધણી કાઢી, દોઢ ફૂટનો ગોલ્ડન પાલવ ધરાવતી અને સોનેરી થપ્પો મૂકેલી આ જામનગરી બાંધણી એને માટે અલય લાવ્યો હતો.

એણે ગુજરાતી સાડી પહેરી. હાથમાં ઢગલો લાલ-લીલી ને પીળી બંગડીઓ પહેરી, જડતરના સુંદર મોટા મોર એના આખા કાનને ઢાંકી દેતા હતા. એણે અંબોડો વાળ્યો અને માથામાં સવારથી લાવીને ફ્રીઝમાં મૂકેલી મોગરાની વેણી પહેરી, લાલ ચટ્ટક ચાંલ્લો અને આંખોમાં કાજળ આંજીને એ અરીસા સામે ઊભી રહી ત્યારે એક ક્ષણ માટે પોતે જ પોતાના પર ફિદા થઈ ગઈ... બિલકુલ અલયને ગમી જાય એવી દેખાતી હતી પોતે, નખશિખ ગુજરાતી, નખશિખ સ્ત્રી, નખશિખ નવોઢા !

શ્રીજી વિલામાં ચહલ-પહલ હતી. વૈભવી પોતાના રૂમમાં તૈયાર થઈ રહી હતી. એણે અભયને બે ટેલિફોન કરી દીધા હતા, પણ અભય હજુ સુધી આવ્યો નહોતો. વૈભવી ત્રીજી વાર ફોન લગાડવા જતી હતી કે અભય ઓરડામાં દાખલ થયો.

‘‘હાશ, તમે આવી ગયા ?’’ વૈભવીએ ઉતાવળા અવાજે કહ્યું, ‘‘મેં છોકરાંઓને શ્રેયાની સાથે મોકલી દીધાં. એમને બધા મહેમાન સ્ટાર્સને મળવાની ઇચ્છા હતી. મને લાગ્યું તમને બહુ મોડું થશે.’’

‘‘મારા ભાઈની ફિલ્મનું પ્રીમિયર છે... હું કંઈ મોડો પડું ?’’ અભયે ડ્રેસિંગરૂમ તરફ ઝડપી ડગલાં ભરવા માંડ્યાં.

‘‘મેં તમારો સૂટ કાઢી રાખ્યો છે.’’ વૈભવી એની નજીક ગઈ, ‘‘ઈસ્ત્રી પણ કર્યો છે.’’ પછી સ્મિત સાથે ઉમેર્યું, ‘‘જાતે !’’

‘‘ઓહ ગોડ ! તો તો હજી ગરમ હશે.’’ અભયે ખૂબ હળવાશથી જોક મારી અને બાથરૂમ તરફ આગળ વધી ગયો. વૈભવીએ અરીસામાં જોઈને પોતાના શિંગારને જોઈને ફાઇનલ ટચિંગ કરવા માંડ્યું...

...બંને જણા તૈયાર થઈને નીચે ઊતર્યાં અને અભય વસુમાના ઓરડા તરફ ગયો ત્યારે એણે જોયું તો ઓરડામાં લાઇટ બંધ હતી.

‘‘મા નીકળી ગઈ ?’’ અભયે વૈભવી સામે જોયું.

‘‘હા, એ અને પપ્પાજી સાથે ગયાં છે.’’

‘‘પણ આપણે ગાડીમાં લઈ જાત ને ?’’

‘‘પપ્પાજીએ મર્સિડીસ હાયર કરી છે.’’ વૈભવીએ સહેજ તોફાની સ્મિત સાથે કહ્યું, ‘‘બે જ જણા માટે ! એમાં આપણી જગ્યા નથી.’’

અભય હસી પડ્યો, પછી વૈભવીની નજીક આવ્યો, ‘‘ચાલો, તો આપણે બે જણા જઈએ.’’

‘‘બે નહીં, ત્રણ.’’

‘‘ત્રણ ?’’

‘‘આપણે પ્રિયાને પીક-અપ કરવાની છે.’’

‘‘એવું કોણે નક્કી કર્યું ?’’ થોડો ગિલ્ટમાં અને થોડો આશ્ચર્યમાં અભયનો અવાજ ઊંચો થઈ ગયો.

‘‘મેં.’’ વૈભવીએ નજીક આવીને ખૂબ સૌમ્ય અવાજે ઉમેર્યું, ‘‘એ આપણા કુટુંબની સભ્ય છે. બધા જઈએ અને એ ના આવે એવું ચાલે?’’

અભય ઘડીભર વૈભવી સામે જોઈ રહ્યો.

આ સાદગી, સરળતા અને સ્વીકાર સામે ઝીંક ઝીલી શકે એવું કોઈ હથિયાર નહોતું એની પાસે.

(ક્રમશઃ)