Yog-Viyog - 51 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 51

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

યોગ-વિયોગ - 51

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૫૧

સૂર્યકાંતની આંખો ખૂલી ત્યારે એ હોસ્પિટલના બિછાને હતા. બાયપાસ ઓપરેશન સફળતાપૂર્વક પૂરું થઈ ગયું હતું.

સૂર્યકાંત હજીયે પૂરેપૂરા ભાનમાં નહોતા આવ્યા. હાર્ટ અટેક આવ્યો ત્યારે એમની સામે પસાર થયેલાં જિંદગીનાં દૃશ્યો આજે જ્યારે ફરી એક વાર એમની આસપાસ ગોળગોળ ફરતાં નાચી રહ્યાં હતાં. પોતાની જીવાઈ ગયેલી જિંદગીનાં વર્ષો ફરી જીવવાનો સૂર્યકાંતને જાણે થાક લાગતો હતો. એ આંખો મીંચીને પડ્યા હતા, પણ શાંત નહોતા !

અર્ધતંદ્રામાં અડધા પોતાની જાત સાથે... અને અડધા બીજે ક્યાંક ! થોડાક વર્તમાનમાં અને થોડાક ભૂતકાળમાં ઝોલા ખાતા સૂર્યકાંત જાગતી દુનિયા સાથે, વર્તમાન સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ જાણે પળો માછલી હોય એમ એમના હાથમાંથી અચાનક સરકી જતી, સૂર્યકાંત માંડ માંડ પકડીને એ પળને વર્તમાન સમયની સાથે જોડતા અને છતાં ફરી એક વાર એક નાનકડા વિચારના ધક્કાથી એ ભૂતકાળના ઊંડા પાણીમાં જઈને પડતા.

ભૂતકાળના એ જળમાં થોડું ગૂંગળાતા, થોડું તરતા સૂર્યકાંત આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પૂરેપૂરું જોર લગાવીને એમને ભૂતકાળની એ પળો મનમાંથી ભૂંસી નાખવી હતી, પણ કોણ જાણે કેમ આજે આ ભૂતકાળ એમની સામે જડબા ફાડીને ઊભો હતો.

મુંબઈ લગભગ એક મહિનો રોકાયા છતાં વસુંધરાએ ક્યારેય સૂર્યકાંતને એવું ના પૂછ્‌યું કે ચાલી જવાનું કારણ દેવું હતું કે યશોધરા ? એ વાતની પીડા સૂર્યકાંતને આ પળે સતાવી રહી હતી.

એવી ઘણી વાતો હતી જે એમને વસુંધરાને કહેવી હતી. એ અહીંથી નીકળ્યા ત્યારે મનોમન નક્કી કરીને ગયા હતા કે એ વસુંધરાને એ બધી જ વાતો કહેશે, જે એમની સાથે રમાયેલી વિધિની એવી રમત હતી જેનું માત્ર એક પ્યાદું બનીને સૂર્યકાંત આટલાં વર્ષો જીવી ગયા હતા.

મુંબઈથી ચાલી પોતાના પરિવારને આમ નિરાધાર છોડીને ભાગી છૂટવાની પોતાની ઇચ્છા નહોતી, ન જ હોઈ શકે... એ વાત સૂર્યકાંત વસુંધરાને કોઈ રીતે કહી શક્યા નહીં, જેનો અફસોસ એમને આ પળે સતાવી રહ્યો હતો.

‘‘ડેડી !’’ લક્ષ્મીનો અવાજ જાણે ખૂબ દૂર હોય, ગુફામાંથી અથવા ટેલિફોનમાંથી આવતો હોય એવો ઊંડો હતો.

‘‘હંમ...’’ સૂર્યકાંતે બંધ આંખે જવાબ આપવાનો પ્રયાસ કર્યો.

‘‘આંખો ખોલો, મારી સામે જુઓ.’’ લક્ષ્મી કહી રહી હતી, પરંતુ સૂર્યકાંતની આંખો પર જાણે કોઈએ સેલોટેપ મારી દીધી હતી. એમણે ખૂબ પ્રયત્ન કર્યો આંખો ઉઘાડવાનો, પણ બંધ આંખો ઉઘડતી નહોતી અને કેમેય કર્યો ભૂતકાળ પીછો છોડતો નહોતો.

‘‘ડેડી ! ડેડી ! તમને મારો અવાજ સંભળાય છે ?’’

સૂર્યકાંતે ‘હા’માં ડોકું હલાવ્યું.

‘‘હી ઇઝ ઓ.કે. પરફેક્ટલી ઓલ રાઇટ.’’ ડોક્ટરે કહ્યું, ‘‘રિસ્પોન્ડ કરે છે. એનો અર્થ એમ છે કે હવે છ-સાત કલાકમાં એ નોર્મલ થઈ જશે. હમણાં સેડેટિવની અસર નીચે છે એટલે એમને આરામ કરવા દો.’’ લક્ષ્મી રૂમની બહાર નીકળી ગઈ.

સૂર્યકાંત એકલા આંખો મીંચીને પડ્યા હતા. એમની નજર સામે યશોધરા સૂર્યકાંતની સામે ખડખડાટ હસતી ખુલ્લા ફગફગતા વાળે ઊભી હતી. ચણિયાચોળીમાં ઊભેલી યશોધરાની ચોળીનાં બે-ચાર બટન ઉઘાડાં હતાં, ‘‘તેં શું માન્યું હતું ? હું પ્રેમના નામે જીવ આપી દઈશ ? જા, જા... મને તો દેવશંકર મહેતાના દીકરામાં રસ હતો. ફતનદેવાળિયા, લાખોનું દેવું માથે લઈને યશોધરાનું રૂપ ભોગવવું છે તારે ?’’ યશોધરાની બાજુમાં ઊભેલો શૈલેષ થરથર ધ્રૂજતો હતો...

સૂર્યકાંત પોતે જ પોતાને જોઈ શકતા હતા. યશોધરાની સામે ઊભેલા, લાલ ચોળ આંખો સાથે, નશામાં ડોલતા...

‘‘યશોધરાઆઆઆ...’’ સૂર્યકાંતે રાડ પાડી.

પથારીમાં સૂતેલા સૂર્યકાંતને આજે પણ એ રાડ, એ ત્રાડ અને એ સમયનો ક્રોધ એવો ને એવો યાદ હતો. એ ક્રોધ યાદ આવતા જ અહીં, આટલાં વર્ષો પછી પથારીમાં પણ સૂર્યકાંતનું લોહી ગરમ ગરમ થઈ ગયું.

મુંબઈ છોડ્યાની એ રાત એમને આજે પણ એવી ને એવી યાદ હતી ! સિનેમામાં નજર સામે જોઈ શકાય એવી જ રીતે આજે એ રાતનાં દૃશ્યો સૂર્યકાંતને નજર સામે દેખાતાં હતાં.

‘‘મા ?’’

‘‘લક્ષ્મી ?!’’

એ દોડીને રિયાના ગળે વળગી પડી. રિયાએ પણ એને છાતીસરસી ચાંપી દીધી. બંને જણા ખાસ્સી વાર સુધી એમ જ એકબીજાને ભેટીને ઊભાં રહ્યાં. રિયાનો હાથ લક્ષ્મીની પીઠ પર હળવે હળવે ફરતો હતો.

‘‘તમે તો બહુ નાના દેખાવ છો.’’ લક્ષ્મીથી કહ્યા વિના ના રહેવાયું, ‘‘અને બહુ જ સુંદર પણ. આ ઉંમરે પણ મને તમારો કોમ્પ્લેક્સ થઈ જાય એટલા બ્યુટીફુલ છો તમે ! માય ગોડ !’’

રિયા હસી પડી. એના બંને ગાલમાં આંગળીના અડધા વેઢા જેટલા ઊંડા ખાડા પડતા હતા. માથાનો એક એક વાળ તદ્દન કાળો, આંખો પણ કાળી, ઊંડી અને માછલી જેવી. ગોરી-નમણી અને અત્યંત શાર્પ ફિચર્સ ધરાવતી રિયા લક્ષ્મીની ધારણા કરતા સાવ જુદી જ નીકળી.

‘‘અડતાળીસ-પચાસ... બાવન-પંચાવન કે...’’ લક્ષ્મી મનોમન ગણતરી માંડી રહી.

‘‘આઇ એમ ફિફટી વન.’’ જાણે એના મનની વાત સમજી ગઈ હોય એમ રિયાએ કહ્યું અને ફરી એના બત્રીસ દાંત ચમકાવતું સ્મિત કર્યું.

રિયાનું એ સ્મિત બરાબર નીરવના સ્મિત જેવું હતું. જાણે નાક નીચેનો હડપચી સુધીનો તમામ ભાગ નીરવે સીધેસીધો રિયાના ચહેરામાંથી જ ઉઠાવી લીધો હતો. બસ, માના ગાલના ડિમ્પલ નહોતા મળ્યા એને ! લક્ષ્મીએ મનોમન નીરવના ગાલમાં ડિમ્પલ કલ્પી જોયા.

‘‘શું વિચારમાં પડી ગઈ છે ?’’ રિયાએ લક્ષ્મીને ચોંકાવી.

‘‘હેં ?’’

‘‘ડેડી કેમ છે ?’’

‘‘બેટર છે...’’ બંને એરપોર્ટ પાર્કિંગ લોટમાં મૂકેલી કાર તરફ આગળ વધી ગયાં.

‘‘બેટા, એક વાત કહેવી છે તને.’’

‘‘મારે તો બહુ જ બધું કહેવું છે તમને...’’ લક્ષ્મી એકદમ અમેરિકન અંદાઝમાં ગાડી ચલાવી રહી હતી.

‘‘નીરવે અમારું ખરાબ લગ્ન જોયું છે, ખૂબ કાચી ઉંમરે. એને લગ્ન કે સંબંધો સમજાય એ પહેલાં એની કડવાશ સમજાઈ ગઈ હતી. એની સાથે જીવવા માટે ખૂબ માવજતની, સમજદારીની અને સહનશીલતાની જરૂર પડશે... એ તને પ્રેમ બહુ કરે છે એવું સમજી શકી છું હું એની વાત પરથી.’’ પછી એક ઊંડો નિઃશ્વાસ નાખતા રિયાએ ગાડીની બહાર જોયું, ‘‘પણ લગ્ન ટકાવવા માટે એકલો પ્રેમ પૂરતો નથી પડતો અને એ વાત મારાથી વધારે કોણ સમજી શકશે ?’’

‘‘હું સમજું છું મા, તમારી વાત પણ... અને નીરવને પણ !’’ લક્ષ્મીએ રિયા સામે જોયું. રિયાની આંખો ભરાઈ આવી હતી.

‘‘સાડા સત્તર વર્ષની હતી જ્યારે વિષ્ણુ જોડે ભાગી ગઈ. મારા ફાધરે પોલીસ કેસ કરેલો વિષ્ણુ ઉપર...’’ લક્ષ્મીની આંખો પહોળી થઈ ગઈ.

‘‘આવું તો કશું મને નીરવે કહ્યું જ નથી.’’

‘‘એ અમારાં લગ્ન વિશે વાત કરવાનું જ ટાળે છે. એને માટે અમે બે જુદી વ્યક્તિઓ છીએ. એણે ક્યારેય અમને સાથે એક ફેમિલી તરીકે જોયા જ નથી... જોઈ શક્યો જ નથી બિચારો.’’ લક્ષ્મીનો હાથ અનાયાસે જ લંબાઈ ગયો. એણે રિયાનો હાથ પકડીને સહાનુભૂતિમાં દબાવ્યો.

‘‘આ તને એટલા માટે કહું છું બેટા કે તારી જિંદગીનો સૌથી મહત્ત્વનો નિર્ણય કરતા પહેલાં તું વિચારી લે, સમજી લે - પરિસ્થિતિ અને નીરવ બંનેને.’’

‘‘મા, મેં ઘણું વિચાર્યું છે. મુંબઈ છોડીને અમેરિકા આવી ત્યારે મને લાગ્યું હતું કે નીરવ સાથેનો મારો સંબંધ લગભગ પૂરો થઈ ગયો છે.’’

‘‘મારો દીકરો બહુ એકલો મોટો થયો છે.’’ રિયાને અત્યારે પણ બાર વર્ષનો એને છોડીને મુંબઈ જતો નીરવ દેખાતો હતો. ખભે બેકપેક ભરાવીને, માથે ટોપી પહેરીને એને સજળ આંખે જોતો નીરવ કોઈ પણ સંજોગોમાં માને મૂકીને નહોતો જવા માગતો.

કોર્ટના ઓર્ડર્સ હતા, બેમાંથી કોઈનો છૂટકો નહોતો.

એ દિવસથી આજના દિવસ સુધી રિયા નીરવ માટે એકસરખુ ઝૂરી હતી. એને હંમેશાં લાગ્યું હતું કે નીરવની સંભાળ લેનારું મુંબઈમાં કોઈ નહોતું. એ વિષ્ણુપ્રસાદ ચોકસીને બરાબર ઓળખતી હતી. એમની કડવાશ, એમનો સ્વભાવ, એમની ડિસિપ્લિન અને એ ડિસિપ્લિન માટેના એમના હઠાગ્રહો - દુરાગ્રહો એના દીકરાને શું બનાવી દેશે એની કલ્પના હતી રિયાને... ને છતાં, એની પાસે છૂટકો જ નહોતો એના કાળજાના ટુકડાને એવા માણસને સોંપ્યા વિના, જેના નામ માત્રથી એનું મગજ ફરી જતું હતું.

આજે લક્ષ્મીને મળીને રિયાને લાગતું હતું કે એનો દીકરો ફરી એક વાર શાંત, સમથળ જમીન પર ઊભો રહીને જિંદગી શરૂ કરી શકશે. આ છોકરીની રાખોડી આંખોમાં, એના સ્પર્શમાં, એના સ્મિતમાં એકલી પ્રેમિકા નહીં, એક મા દેખાતી હતી રિયાને...

એવી મા, જે નીરવે આજથી કેટલાંય વર્ષો પહેલાં ગુમાવી હતી.

‘‘કોણ જાણે કેમ તને જોઈને જ મને વિશ્વાસ બેસી ગયો કે મારા દીકરાની પસંદગી સાચી છે.’’ રિયાએ લક્ષ્મી સામે જોઈને કહ્યું અને એના હાથમાંથી હાથ છોડાવીને લક્ષ્મીના માથા પર હાથ પસવાર્યો.

‘‘બેટા, સાડા સત્તરથી સાડા એકવીસ વર્ષ, ચાર વર્ષના લગ્નજીવનના પંદરસો દિવસમાંથી તેરસો દિવસથી વધુ મેં અને વિષ્ણુએ ઝઘડતા વિતાવ્યા છે.’’ રિયાને જાણે એ દિવસોની કડવાશનો સ્વાદ ફરી એક વાર યાદ આવી ગયો, ‘‘મારા ફાધર મને પોલીસની મદદથી ઘેર પાછી લઈ ગયા. છ મહિના રાખી રોજ બ્રેઇનવોશ કરવાનો પ્રયત્ન કરતા... પણ હું વિષ્ણુના પ્રેમમાં પાગલ હતી.’’ રિયાએ ખુલ્લા દિલે હસી પડી. એના ગાલમાં ઊંડા ખાડા પડી ગયા, ‘‘આપઘાત કરવાનો પ્રયત્ન કરેલો મેં. ઊંઘની સાઇઠ ગોળીઓ ખાઈ ગઈ હતી. હોસ્પિટલમાં દાખલ કરવી પડેલી... વિષ્ણુ માટે.’’

‘‘ઓહ !’’ લક્ષ્મીને સમજાયું નહીં કે એણે શું કહેવું જોઈએ.

‘‘જે માણસ વિના જીવી નહીં શકાય એમ લાગતું હતું એ જ માણસ સાથે જીવી નહીં શકાય એમ લાગવા માંડ્યું, માત્ર ચાર વર્ષમાં. ત્યાં સુધીમાં નીરવ જન્મી ચૂક્યો હતો અને અમારા ઝઘડા જોઈને જિંદગીની કડવાશ ઘૂંટવા માંડ્યો હતો.’’

‘‘મા, તમે જરાય ચિંતા ના કરો. અમારી વચ્ચે એવું નહીં થાય.’’

‘‘તને જોઈને મને વિશ્વાસ આવી ગયો છે, બાકી મારો દીકરો કોઈને પરણે એ વાત જ મને સપના જેવી લાગતી હતી.’’ રિયાએ લક્ષ્મીની સામે ધ્યાનથી જોયુંં, ‘‘તારાં મમ્મી તારા ફાધરના સેકન્ડ વાઇફ છે, રાઇટ ?’’

‘‘હતાં.’’

‘‘એટલે...’’

‘‘એ નથી હવે. હું એક મહિનાની હતી ત્યારે જ...’’

‘‘ઓહ !’’ રિયાએ ફરી એક વાર લક્ષ્મીના માથે હાથ ફેરવ્યો.

બે સ્ત્રીઓ વચ્ચે દર્દનો એક એવો પુલ બની ગયો જે એમને એકબીજાની ખૂબ નજીક લઈ આવ્યો. લક્ષ્મીએ ધાર્યું નહોતું કે નીરવની મમ્મી એને આટલી ઝડપથી સ્વીકારી લેશે અને આટલી ઝડપથી એને ચાહવા લાગશે. સામે પક્ષે રિયાને પણ કલ્પના નહોતી કે એના દીકરાએ આખી જિંદગી જેની સાથે જીવવાનું નક્કી કર્યું છે એ છોકરી આવી અને આટલી વહાલસોયી હશે.

કોણ જાણે શું શું અને કેટલી બધી વાતો કરતા ઘર આવી ગયું.

વિલામાં દાખલ થઈને લક્ષ્મી રિયાને ગેસ્ટરૂમમાં લઈ ગઈ. ફ્રેશ થઈને બંને જણા લંચ પરવારીને હોસ્પિટલ પણ જઈ આવ્યાં. અમેરિકાની હોસ્પિટલોના કાયદા પ્રમાણે સૂર્યકાંતને આરામ કરતા જોઈને, ડોક્ટર સાથે વાત કરીને બંને જણા ઘરે પાછાં ફરી ગયાં.

રાત્રે લક્ષ્મીએ રિયાના રૂમમાં ઇન્ટરકોમ લગાડ્યો.

‘‘મા, ઊંઘી ગયાં છો ?’’

‘‘નોટ રિયલ્લી.’’

‘‘કોફી ?’’

‘‘શ્યોર.’’

‘‘મારા રૂમમાં આવશો ?’’

‘‘વ્હાય નોટ ?’’

આછા ભૂરા રંગના સાર્ટિનના નાઇટ સૂટમાં રિયા માંડ ચાળીસની લાગતી હતી. ખભા સુધીના એના કાળા છૂટ્ટા વાળ અને મેક-અપ વગરનો તગતગતી ચામડીવાળો ચહેરો જોઈને લક્ષ્મીને ફરી એક વાર કોમ્પ્લિમેન્ટ આપવાનું મન થઈ ગયું.

‘‘મોમ, યુ આર વેરી બ્યુટીફુલ...’’

રિયા ખડખડાટ હસી પડી. એ જેવી લક્ષ્મીના ઓરડામાં દાખલ થઈ કે એની નજર સામે સ્મિતના ફોટા પર પડી. એક મહિનાની લક્ષ્મીને હાથમાં લઈને સ્મિત કરી રહેલી સ્મિતાના ચહેરા પર જિંદગી જાણે ઝગારા મારતી હતી.

રિયા એ ફોટા સામે જઈને ઊભી રહી. ખાસ્સી વાર સુધી ફોટા સામે જોતી રહી. પછી અચાનક જ લક્ષ્મી સામે ફરી અને એને પોતાની નજીક ખેંચી...

‘‘તું... તું... સ્મિતાની દીકરી છે ? રોની અને સ્મિતાની ?’’

‘‘રોની ?’’ લક્ષ્મીના ચહેરા પર આશ્ચર્ય અને આઘાત બંને હતા. એની રાખોડી આંખો સ્મિતાના ચહેરામાં પોતાના સવાલનો જવાબ શોધી રહી હતી. રિયાની થોડી વાર કશું ના બોલી, માત્ર લક્ષ્મી સામે જોતી રહી ચૂપચાપ...

લક્ષ્મીએ રિયાને ખભામાંથી પકડીને હચમચાવી નાખી, ‘‘રોની ? રોની કોણ મા ? મારા ડેડીનું નામ સૂર્યકાંત છે. સૂર્યકાંત દેવશંકર મહેતા...’’

ગોવાના શેડ્યુઅલનો આજે છેલ્લો દિવસ હતો, ધાર્યા કરતા શૂટિંગ બે દિવસ વહેલું પેક-અપ થયું હતું. મુંબઈમાં શૂટ થઈ ગયેલા સીનનું એડિટિંગ અલયે શરૂ કરાવી દીધું હતું. રફ કટ્‌સ જોઇન્ટ કરીને ફિલ્મનો એક સળંગ શેઇપ ધીમે ધીમે ઊભો થઈ રહ્યો હતો.

ગોવાનું શેડ્યુઅલ ફિલ્મનું છેલ્લું શેડ્યુઅલ હતું.

એ પછી ક્લાઇમેક્સનો એક જ દિવસ, અને અલયની ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ જવાનું હતું. યુનિટનો એકેએક સભ્ય ભયાનક એક્સાઇટેડ હતો. અલયે જેટલા દિવસનું પ્લાનિંગ કર્યું હતું, એના કરતા દરેક શેડ્યુઅલમાં એણે લગભગ બેથી ત્રણ દિવસ બચાવીને ફિલ્મનું શૂટિંગ ધાર્યા કરતા વહેલું અને સસ્તું પૂરું કર્યું હતું. સીનની પહેલાં પૂરા રિહર્સલ કરાવીને રો-સ્ટોક પણ ખાસ્સો બચાવ્યો હતો.

નહીં ધારેલા બજેટમાં ફિલ્મ કમ્પ્લિટ થઈ જશે એવું હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. અભિષેકે અલયને ઓલ રેડી બે ફિલ્મોની ઓફર અપાવી દીધી હતી, જોકે અલયે આ ફિલ્મની રિલીઝ પહેલાં કંઈ જ ન વિચારવું એવું નક્કી રાખીને નિર્માતાઓને રાહ જોવા કહ્યું હતું.

મુંબઈની ફિલ્મ માર્કેટમાં અલયના નામની ચર્ચા હતી.

‘ઇમ્પા’ની ચાર જ દિવસ પહેલાં મળેલી મિટિંગમાં અલયનું નામ ચર્ચાયું હતું.

શૈલેષ સાવલિયા ઉશ્કેરાટમાં ઘેલા જેવો થઈને ચારે તરફ પાણીની જેમ પૈસા ખર્ચીને પબ્લિસિટી કરાવી રહ્યો હતો. અલયની કાર્યક્ષમતા જોઈને એણે રિલીઝની ડેટ પણ ફાઇનલ કરી નાખી હતી, ટેલિવિઝન પર પ્રોમો ચાલુ થઈ ગયા હતા...

ગોવાના આ છેલ્લા દિવસના શેડ્યુઅલમાં અનુપમાની જરૂર નહોતી. અભિષેકના સોલો ગીતનું શૂિંટગ બાકી હતું. અનુપમાનું કામ પૂરું થઈ ગયું હતું. ખરેખર તો ગઈ કાલે રાત્રે જ અનુપમા નવરી થઈ ગઈ હતી.

શૂટિંગ પછી અલય અને શ્રેયા એમના રૂમમાં હતાં ત્યારે દરિયે આંટા મારતી અનુપમા અભિષેકને ભટકાઈ હતી.

‘‘અહીં શું કરે છે ?’’

‘‘જે તું કરે છે.’’ અનુપમા હસી.

‘‘આ છોકરાએ આપણને બંનેને વહેલા નવરા કરી દીધા, નહીં? વેરી ટેલેન્ટેડ બોય ! આટલાં વર્ષ ક્યાં હતો - એવો વિચાર આવે છે મને તો.’’

‘‘જેના નસીબમાં જ્યારે જે લખ્યું હોયને એને એ ત્યારે જ મળે છે! ન સમયની પહેલાં, ન સમયથી મોડું.’’ અનુપમાએ ફિક્કું સ્મિત વેર્યું, ‘‘બસ, આપણને એવું લાગે છે કે મોડું થઈ ગયું.’’

એક પણ અક્ષર બોલ્યા વિના અભિષેક ત્યાં જ રેતીમાં જ બેસી ગયો. અનુપમા પણ ચૂપચાપ એની બાજુમાં બેસી ગઈ.

રેતીમાં આડાઅવળા લીટા દોરતી અનુપમાની મનઃસ્થિતિ અભિષેકથી અજાણી નહોતી. આમ પણ અભિષેક અને અનુપમા સારા મિત્રો હતાં.

અનુપમા બંગાળી હતી, સફળ હતી અને સારી છોકરી હતી એ વાત અભિષેકની મા જાણતી. અભિષેકની મા પોતે પણ પોતાના જમાનાની સફળ અભિનેત્રી હતી, બંગાળી હતી... એના મનમાં ઊંડે ઊંડે અનુપમા અને અભિષેકનો વિચાર રમ્યા કરતો. અભિષેક એક ખૂબ સફળ અભિનેત્રી સાથે લાંબા સમયના પ્રણય પછી ખૂબ કડવાશ સાથે હજી હમણાં જ છૂટો પડ્યો હતો...

એના મનમાં અનુપમા માટે કે બીજી કોઈ છોકરી માટે હજી કોઈ લાગણી થતી જ નહોતી ! પણ હા, એને અનુપમા ગમતી. અનુપમાની નિખાલસતા, સચ્ચાઈ અને ટેલેન્ટનો એ કાયલ હતો.

‘‘શા માટે તારી જાતને છેતરે છે ?’’ અભિષેકે સીધી જ વાત શરૂ કરી.

‘‘છેતરતી નથી.’’ અનુપમાએ પણ કોઈ પડદો રાખ્યા વિના કે ગોળ ગોળ ઘુમાવ્યા વિના જવાબ આપ્યો, ‘‘સચ્ચાઈ તો પહેલા દિવસથી જાણતી હતી... હા, જાતને સમજાવું છું હજુ.’’

‘‘અનુ, જિંદગીના વળાંકો કોઈને સમજાતા નથી.’’ અભિષેકે ખૂબ લાગણી અને સહાનુભૂતિથી અનુપમાના ખભે હાથ મૂક્યો. અનુપમાની આંખમાંથી બે ટીપાં એણે દોરેલા લીટા પર ટપકી ગયા. એણે ઊંચું ના જોયું, નીચું જોઈને તજર્નીથી રેતીમાં આડા-અવળા લીટા દોરતી રહી...

‘‘મારી મા કહે છે કે સુખને બચકા ભરવાથી સુખ તમારું નથી થઈ જતું. હસ્તરેખામાં લખ્યું હોયને એટલું જ સુખ મળે છે.’’ અભિષેક હજીયે અનુપમાના ખભે હાથ પસવારી રહ્યો હતો.

છલછલાઈ આવેલી આંખોથી અનુપમાએ અભિષેક સામે જોયું, ‘‘બધું જ સમજ્યા છતાં તમારું મન ના માને તો તમે શું કરો ? ઝંખનાને તર્ક નથી હોતા અભિ !’’

‘‘માનું છું. અનુભવી ચૂક્યો છું. મેં પણ એની પાછળ બધું દાવ પર લગાડી દીધું હતું. કરિયર, મિત્રો અને મા-બાપ સુધ્ધાં !’’ અભિષેકનો ચહેરો એ છોકરીને યાદ કરીને જાણે કાળો પડી ગયો, ‘‘પણ દાવ પર બધું લગાડી દો એટલે જીતશો જ એવું કોઈ વચન નથી હોતું અનુ !’’

‘‘ગર બાઝી ઇશ્ક કી બાઝી હૈ, જો ચાહો લગા દો, ડર કૈસા ?

જો જીત ગયે તો ક્યા કહેના ? હારે ભી તો બાઝી માત નહીં.’’ અનુપમાની આંખોમાં પાણી અને ચહેરા પર સ્મિત હતું. દરિયાના પવનથી ઊડી રહેલા એના વાળ એણે ચહેરા પરથી ખસેડ્યા, ‘‘ફૈઝની ગઝલ છે, ફૈઝ-અહેમદ-ફૈઝની...

કબ યાદ મેં તેરા સાથ નહીં, કબ હાથ મેં તેરા હાથ નહીં...

સદ શુકર કી અપની રાતોં મેં અબ હિજ્ર કી કોઈ રાત નહીં.’’

‘‘હા ! એટલિસ્ટ એક વાર તમને જે જોઈતું હોય એ મળી જાય તો એની યાદના સહારે જીવી શકાય છે એવું હું પણ માનું છું.’’

અનુપમાએ ચોંકીને અભિષેકની સામે જોયું.

અભિષેક ખડખડાટ હસી પડ્યો, ‘‘સ્ટૂપીડ, તને દસ ફૂટની દીવાલ કૂદીને રેતીમાં ઊભી રહીને જીન્સ પહેરતી જોઈ હતી.’’ અનુપમા શરમાઈ ગઈ...

‘‘તે દિવસે અચાનક શ્રેયા આવી ગઈ અને પછી...’’ અનુપમાના ચહેરા પર સહેજ ઝાંખપ ફરી વળી.

‘‘ખબર છે મને!’’ અભિષેકના ચહેરા પર હજી એ જ શરારતી સ્મિત હતું, ‘‘ એક વાર મને વિચાર આવ્યો કે લંગડા પગે ચાલતી એક કરોડની હિરોઇનની મદદે પહોંચી જાઉં... પણ પછી થયું કે તને ગમે કે ન યે ગમે.’’

‘‘મને મન જ ગમત અભિ, એ મારી સાવ પ્રાઇવેટ- પર્સનલ ક્ષણ હતી.હજી આજે પણ એનો વિચાર કરું છું તો મારી અંદર કશુંક રોમાચિંત થઈ જાય છે. તારાથી શું કામ છુપાવું ? મેં અલયને ઓલમોસ્ટ સિડ્યુસ કર્યો હતો એ રાત્રે.’’

‘‘મૂરખ કહેવાય, તારા જેવી છોકરીએ સિડ્યુસ કરવું પડે ? સોળથી શરૂ કરીને સાઇઠ સુધીના બધા જ હિન્દુસ્તાની પુરુષો તારા પ્રેમમાં છે...’’ અભિષેક હસતો હતો.

‘‘બસ, હં !’’ હવે અનુપમા પણ જરા હળવી થઈ હતી.

‘‘અનુ, બસ એક વાતનું ધ્યાન રાખજે, આ સંબંધ એટલો મોટો ના થઈ જાય કે એના પડછાયામાં તું તારી જાતને ભૂલી જાય.’’

‘‘હવે યાદ રાખવા જેવું બચ્યું શું છે અભિ... એ રાત, એ અનુભવ, એ ક્ષણ અને એ ક્ષણના અલય સિવાય મારી પાસે કોઈ જિંદગી માગે તો પણ આપી દઉં.’’

અભિષેક અનુપમા સામે જોઈ રહ્યો, ‘‘કેવી હોય છે સ્ત્રી !’’ એને વિચાર આવ્યો, ‘‘કોઈ પણ ઉંમરની, ગમે ત્યાં ઊછરેલી, કોઈ પણ ભાષા બોલતી, કમાતી કે ન કમાતી, ગમે તેટલી સફળ સ્ત્રી એના ગમતા પુરુષ પાસે સાવ મીણની જેમ ઓગળી જાય છે... પ્રેમ અને ગુસ્સો દેખાડવાની એમની રીત પણ લગભગ એક સરખી જ હોય છે...’’

એને પોતાની મા યાદ આવી ગઈ. એની મા એના પિતા સાથે પરણી ત્યારે એની મા એક સફળ, પ્રશંસા અને પ્રસિદ્ધિ પામી ચૂકેલી અભિનેત્રી હતી. જ્યારે એના પિતાની કારકિદર્ી શરૂ થવામાં હતી...

એ પછીની એમના લગ્નજીવનની સફર દરમિયાન પિતાના સુપરસ્ટાર બનવાથી શરૂ કરીને એમના બહુચર્ચિત લફરા સુધી એણે પોતાની માને બહુ નજીકથી જોઈ હતી. અત્યારે અભિષેક અનુપમાની આંખોમાં એ જ સમર્પણ જોઈ રહ્યો હતો જે એણે એના માતા-પિતાનાં લગ્નની તસવીરોમાં એની માની આંખોમાં જોયું હતું.

‘‘ચાલ, ઊઠ ! તારે તો કાલે રજા છે. મારે સવારે છ વાગ્યાની કોલશીટ છે... બહુ મજૂરી કરાવે છે તારો બોયફ્રેન્ડ !’’

‘‘બોયફ્રેન્ડ !’’ અનુપમાએ અભિષેકની સામે જોયું, અભિષેકને એની મોટી કથ્થઈ આંખોમાં ગાંડપણની ઝલક દેખાઈ, ‘‘હી ઇઝ માય હસબન્ડ !’’ અને અનુપમા ઊભી થઈને એવી રીતે ચાલવા લાગી જાણે અભિષેકને ઓળખતી જ ના હોય.

અભિષેક ભીની રેતીમાં ચાલીને જતી અનુપમાને અને પાછળ છૂટતી જતી એનાં પગલાંની છાપને જોતો રહ્યો !

સાડા આઠ વાગ્યા હતા.

શ્રેયા હજી પોતાની પથારીમાં છાપાં જોતી પડખાં બદલી રહી હતી.

‘‘ટક... ટક... ટક...’’ બારણે ટકોરા પડ્યા, ‘‘કમ-ઇન.’’ એણે અલસ- ઊંઘરેટા અવાજે કહ્યું.

‘‘દસ મિનિટમાં તૈયાર થઈ જા, આપણે બહાર જઈએ છીએ.’’ અંદર આવેલી અનુપમા ખૂબ સારા મૂડમાં હતી.

‘‘પણ ક્યાં ?’’

‘‘રખડવા, ફરવા, શોપિંગ કરવા... દસ મિનિટમાં.’’ અનુપમા લગભગ હુકમ કરી રહી હતી.

‘‘તારે શૂટ નથી ?’’

‘‘ના, તારા બોયફ્રેન્ડે છૂટ્ટી આપી છે.’’

‘‘વેરી ગુડ.’’ શ્રેયા સુંવાળો બ્લેન્કેટ ફગાવીને ઊભી થઈ. ઊભી થવા જતાં એને ખ્યાલ આવ્યો કે એણે રાત્રે પ્રેમ કર્યા પછી માત્ર અલયનું ટીશર્ટ પહેરી લીધું હતું... ‘‘એક મિનિટ બહાર જઈશ ?’’

‘‘શ્યોર.’’ અનુપમા ઊભી થઈને બહાર ગઈ. એણે અલયનું ટીશર્ટ અને પરિસ્થિતિ બંને ઓળખી લીધા હતા. એનું હૃદય જાણે કોઈએ મુઠ્ઠીમાં લઈને ભીસી દીધું હોય એવું લાગ્યું એને !

એણે જાતને જ કહ્યું, ‘‘આ જ સત્ય છે અનુ ! તું જે જીવી ગઈ એ તો સપનું હતું અને જિંદગીના આ સત્યને આમ જ સ્વીકાર્યા વિના તારી પાસે કોઈ રસ્તો નથી...’’ એક કુશળ અભિનેત્રીને છાજે એવી રીતે અનુ ફરી ટકોરા મારીને ચારસો ચાળીસ વોલ્ટના સ્મિત સાથે શ્રેયાના ઓરડામાં દાખલ થઈ ત્યારે શ્રેયા નીચે ટ્રેક પહેરીને બેગમાંથી ટૂથબ્રશ અને બીજી વસ્તુઓ કાઢી રહી હતી...

એ દિવસે શ્રેયા અને અનુપમાએ આખું ગોવા ખૂંદી માર્યું. ખૂબ રખડ્યાં બંને. પણજીની બજાર પગ તળે કાઢી નાખી, મંડોવીમાં બોટિંગ કર્યું. વોટર સ્કૂટરની રાઇડ લીધી, ખાસ ગોવાનું ખાવાનું ખાધું, કોકમનું શરબત અને મેંગલોરી ફૂડમાં અનુપમાને માછલી મળી ગઈ એટલે જાણે ઈશ્વર મળ્યા ! ... અને બંનેએ કોણ જાણે બીજું શું શું કરી નાખ્યું, દિવસભર...

થાકીને છેક સાંજના છેડે બંને રિઝોર્ટ પર આવ્યાં ત્યારે જાણે વર્ષોની બહેનપણીઓ હોય એવી દોસ્તી થઈ ગઈ હતી બંને વચ્ચે !

સામે દરિયાની પાછળ સૂરજ ડૂબી રહ્યો હતો. અનુપમા સ્લાઇડિંગ વિન્ડો પાસે ઊભી રહીને એકીટશે એ સૂરજને જોઈ રહી...

બાથરૂમમાં ફ્રેશ થઈને બહાર આવેલી શ્રેયાએ એના ખભે હાથ મૂક્યો, અનુપમાએ શ્રેયા સામે જોયું. એની આંખોમાં હલકી ભીનાશ તરી આવી હતી.

‘‘શું થયું ?’’

‘‘કંઈ નહીં. આમ જ ! તારા નસીબની ઈર્ષ્યા આવી ગઈ.’’

‘‘હજી થોડા દિવસ પહેલાં મને એમ લાગતું હતું કે હું જે કંઈ જીવું છું એ સાવ મારું પોતાનું, મારી એકલીનું છે...’’ શ્રેયાનો હાથ હજી અનુપમાના ખભે જ હતો, એણે હળવેથી એનો ખભો દબાવ્યો, ‘‘પણ છેલ્લા થોડા દિવસથી મને એમ લાગે છે કે મેં કોઈના નસીબમાંથી સાવ નાનકડી... પણ ચોરી કરી છે.’’

અનુપમાએ ચોંકીને શ્રેયા સામે જોયું, ‘‘એટલે ?’’ અનુપમાનું હૃદય એક થડકારો ચૂકી ગયું હતું.

અનુપમાની આંખોમાં જાણે આખેઆખી ઊતરી જવા માગતી હોય એમ શ્રેયા ઊંડું જોઈ રહી, ‘‘એટલે કંઈ નહીં અનુ ! વસુમા કહે છે કે આપણને જે કંઈ મળે એ બધું આપણું નથી હોતું. જિંદગી પાણી જેવી હોય છે. પોતાનું લેવલ મેચ કરતી જાય છે...’’ એણે અનુપમાના ગાલે ખૂબ વહાલથી હાથ ફેરવ્યો, ‘‘કોઈ પોતાના નસીબમાંથી કશું છોડી દે તો જ એ આપણને મળી જતું હોય છે, એવું ખરું કે નહીં ?’’

‘‘હું તારી વાત સમજી નથી.’’ અનુપમાએ વાત પૂરી કરવા માગતી હોય એમ ત્યાં પડેલા જગમાંથી ગ્લાસમાં પાણી કાઢ્યું, શ્રેયા સામે ધર્યું, પણ શ્રેયાએ જાણે એ વાત અહીં અને અત્યારે જ કહી દેવાની જીદ હોય એમ વાત આગળ ચલાવી.

‘‘એમાં આપણા બંનેની ભલાઈ છે.’’ શ્રેયાએ નજર ઘુમાવી લીધી અને એ પણ બારીની બહાર આથમતા સૂરજને જોઈ રહી, ‘‘અનુ, ક્યારેક કોઈની વધુ પડતી સારાઈ અને સચ્ચાઈ પણ તમને ડરાવી દે છે નહીં ?’’

અનુપમા કશું જ ના બોલી, એની આંખોની ભીનાશ સહેજ વધી ગઈ, બસ !

‘‘કોઈ એટલું બધું સારું કેવી રીતે હોય કે બીજાનો વિચાર કરીને અંગત સુખનું બલિદાન આપી દે ?’’ શ્રેયા હજીયે બારી બહાર જ જોઈ રહી હતી. સામે સૂરજ લગભગ ડૂબી ગયો હતો. દરિયા અને આકાશની વચ્ચે એક આછી કેસરી રેખા બાકી હતી.

‘‘આ આખીયે વાતમાં બીજું કોણ છે, શ્રેયા ? અહીં તો બધા જ પોતાના છે.’’ અનુપમાએ હવે શ્રેયાની સામે જોયું. એની આંખોમાં કશુંક એવું હતું, જે શ્રેયાની છાતીના ડાબા ખૂણે તીરની જેમ પેસી ગયું, ‘‘તું પણ - તું પણ પોતાની જ છે શ્રેયા, મેં કોઈ બીજા માટે કશું જ નથી છોડ્યું...’’

એ પછીની ખાસ્સી ક્ષણો બે સ્ત્રીઓ સાવ મૌન રહીને એકબીજાને સમજતી રહી. સામે લાલઘૂમ આકાશ અને કેસરી દરિયો સાવ કાળા થઈ ગયા ત્યાં સુધી અલયના રૂમમાં કોઈએ લાઇટ કરવાની પણ તસદી ના લીધી.

(ક્રમશઃ)