Angat Diary- Cricket in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - ક્રિકેટ

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

અંગત ડાયરી - ક્રિકેટ

અંગત ડાયરી
============
શીર્ષક : ક્રિકેટ
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૩૦, ઓગષ્ટ ૨૦૨૦, રવિવાર

નાનપણમાં ક્રિકેટ રમવા મેદાનમાં જતા ત્યારે એક પ્રશ્ન બહુ પજવતો: રન બનાવવા વધુ જરૂરી છે કે દાંડી(વિકેટ)નું રક્ષણ કરવું વધુ જરૂરી છે. એક મિત્રે જવાબ આપ્યો એ ગમ્યો: જયારે બોલર ખતરનાક હોય ત્યારે વિકેટનું રક્ષણ કરવા પર વધુ ધ્યાન આપવું અને જયારે નબળા દડા પડતા હોય ત્યારે રન ખેંચી લેવા. આ સહજ જ્ઞાન જિંદગીની રમતમાં એકદમ પ્રેક્ટીકલી એપ્લાય કરવા જેવું છે. જયારે સમય ખરાબ હોય ત્યારે વિશ્વાસ, શ્રદ્ધા, પોઝીટીવીટીની વિકેટ પડવા દેવી નહીં. માનવીના સુલક્ષણોની સાચી કસોટી આવા અઘરા દડા પડતા હોય ત્યારે જ થતી હોય છે.

નાનપણના ક્રિકેટની બીજી એક હકીકત પણ જિંદગીભર યાદ રાખવા જેવી છે. બાર ઑવરનો મૅચ હોય તો એક એક બોલર દીઠ ત્રણ કે ચાર ઑવર ફેંકવાનો નિયમ અમે રાખતા. બોલર ગમે તેવો ખતરનાક હોય, એની ફિક્સ ઓવર્સથી એક પણ બોલ વધુ એ ફેંકીને તમારી કસોટી કરી શકે નહીં. ખરાબ સમયની નિયત તારીખ, વાર, કલાક અને સેકન્ડથી એક ક્ષણ પણ વધુ એ રોકાઈ શકે નહીં. થેંક ગોડ.

બેટ્સમેન તરીકે તમારી ત્રણ દાંડી એટલે તમારી સાત્વિકતા, કૃતિશીલતા અને પ્રભુભક્તિ. નોકરીમાં ક્યારેક કોઈ ખેલાડી લાંચનો ગુગલી નાંખી તમારી સાત્વિકતાની દાંડી ડુલ કરવા પ્રયત્ન કરતો હોય છે, ક્યારેક કોઈ ધાકધમકીના ફૂલટોસ નાંખી તમારી કૃતિશીલતા પર વાર કરતો હોય છે, કોઈ બોલર તમારી સમક્ષ પદ, પ્રતિષ્ઠા કે પૈસાની લાલચનો સ્પિન બોલ એવો ફેંકતો હોય છે કે ત્યારે એની નજર તમારી ત્રણેય દાંડી ડુલ કરવા પર હોય છે. જરાક તમે ભ્રમિત થયાં એટલે પેવેલિયન ભેગાં. બસ, રામ નામ સત્ય જ સમજી લો.

ક્યારેક કો'ક દડો એવો હલવા જેવો લાગે કે તમે ફોર કે સિક્સ મારવા લલચાઈ જાઓ. ભોળો પેશન્ટ જોઈને કે અભણ ગ્રાહક જોઈને પૈસા ખંખેરી રાતોરાત સેન્ચ્યુરી મારી દેવાની ચટપટી ઉપડે. પણ એવા જ આકાશે ઊંચે ચડેલી ગિલ્લી બાઉન્ડ્રી પર જયારે ‘કૅચ’ થઈ જાય ત્યારે બેટ્સમેન બેટ પછાડી પોતાની લાલચને કોસતો હોય છે. છાપાઓમાં છપાતા એન્ટી કરપ્શનના આવા છટકાઓ દરેક ભ્રષ્ટાચારીઓને લાલબત્તી ધરતા હોય છે. પણ લાલચ કોને કહે?

બેટિંગ કરતી જોડીની ફિલોસોફી પણ દરેક પતિ પત્નીએ યાદ રાખવા જેવી છે. ક્યારેક પતિ ફોર્મમાં હોય તો પત્ની એને સતત સ્ટ્રાઈક આપી કુટુંબના કુલ રનનો ‘જુમલો’, કુટુંબના સુખ, શાંતિ અને સમૃદ્ધિને હાઈ લેવલે પહોંચાડી શકે અને જો પત્ની ફૂલ ફોર્મમાં હોય (એટલે કે પત્ની પી.એચ.ડી. કે ગવર્મેન્ટ જોબ માટે ક્વોલીફાય થતી હોય) તો પતિદેવ એને ફૂલ સપોર્ટ કરી સેન્ચ્યુરી મારવા પ્રેરે (ફૂલ સ્ટ્રાઈક આપે) તો ઓવરઓલ બેનેફીટ ટીમ આખીને (એટલે કે કુટુંબ-પરિવારને) જ થતો હોય છે. હંમેશા યાદ રાખવું: પોતાના વ્યક્તિગત વિકાસ કે વિચાર કરતા ટીમના વિકાસ કે વિચારને વધુ પ્રાધાન્ય આપવું. તમારી સદી થાય એ માટે ટીમ હારી જાય એવો સોદો મૂર્ખતા ભરેલો કહેવાય. આપણો ઈગો જીતે, પણ કુટુંબ વિખેરાઈ જાય તો એ આપણી મોટામાં મોટી હાર કહેવાય.

ક્રિકેટની મેચમાં ઍમ્પાયરનું સ્થાન ઈશ્વરને સમકક્ષ હોય છે. કોણ જાણે કેમ બદમાશો ઈશ્વરના અસ્તિત્વને માણવા તૈયાર જ નથી થતા. ક્રિકેટમાં પડતા દરેક બોલ પર ઍમ્પાયરની ચાંપતી નજર હોય છે. ઍમ્પાયર ઈશારો કરે ત્યારે જ સિક્સ કે ફોર રન સ્કોરમાં ઉમેરાય છે. ઍમ્પાયર ‘આઉટ’નો ઈશારો કરે તો જ બેટ્સમેન આઉટ ગણાય નહિંતર નહીં.

જાણતા કે અજાણતા બોલર કે બેટ્સમેન કોઈ પણ ભૂલ કરે ઍમ્પાયરની નજર બહાર કશું હોતું નથી. મોટામાં મોટી વાત એ કે તમે ગમે તે હો ‘ઍમ્પાયર સામે નો આર્ગ્યુમેન્ટ’. ભીષ્મ હો તોય બાણશૈયા પર સૂવા તૈયાર રહેવું અને ધૃતરાષ્ટ્રની જેમ રાજગાદી પર બેઠા હો તોય સો સંતાનોના મૃત્યુનું દુઃખ સહન કરવા તૈયાર રહેવું અથવા તમે શબરી જેવી શ્રદ્ધાથી વનના એકાદ નાનકડા ખૂણામાં (કોઈ સામાન્ય પોસ્ટ પર ઈમાનદારીથી નોકરી કરતા કર્મચારીની જેમ) હશો તો એ પ્રભુ શ્રી રામનો સાક્ષાત્કાર તમને જીવતેજીવ થશે એની ગેરેંટી.

તામસી ખેલાડી રનનો અર્થ પૈસા અને સંપત્તિ ભેગી કરવી એમ સમજતા હોય છે જયારે સાત્વિક લોકો માટે રન એટલે સેવા, સજ્જનતા અને કૃતિશીલતાની કમાણી. એક વાત ફિક્સ છે કે જે રનની કે વિકેટ પડવાની ચિંતા કર્યા વિના ગેમને માણતો હોય છે એ હમેશા વિન વિન જ હોય છે.

જસ્ટ પ્લે, એન્જોય ધી ગેમ, ડોન્ટ ક્વિટ.

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)