આગળના ભાગમાં આપણે જોયું કે દિશા કહેશે એમ જ કરવા માટે રુચિ તૈયાર થઈ ગઈ, દિશા પણ હવે આગળ શું કરવું અને રુચિ શું વિચારે છે તેને જ પ્રાધાન્ય આપવા માંગતી હતી. બપોરે જ્યારે જમીને રુચિ સુઈ ગઈ તે દરમિયાન દિશા પોતાના મોબાઈલમાં ''અભિવ્યક્તિ'' એપ ખોલીને બેસે છે. તેમાં ચાલતી લેખન સ્પર્ધામાં પણ ભાગ લે છે. પોતાના મનમાં ઉઠતા વિચારો અને વાંચન માટે આ એપ તેના માટે ઘણી જ ઉપયોગી બની ગઈ હતી. હવે તો તેને લાઇબ્રેરીમાં પણ જવાની જરૂર રહી નહોતી. તે અવાર-નવાર કંઈક તેમાં લખવા લાગી હતી. રાત્રે રોજની જેમ આંટો મારવા જતા દિશાએ આગળ શું કરવું તેના વિશે રુચિને સમજ આપી. હમણાં નિખિલના ઘરે ના જવા અને એના ઘરે જે બન્યું તેના વિશે નિખિલને પૂછવાનું પણ સમજાવી દીધું. કોલેજમાં રુચિ ભણવામાં મન લગાવી લે છે અને નિખિલને પણ કોલેજમાં જ હવે મળવાનું જણાવી દે છે. દિશા પણ લેખન કાર્યની ગમતી પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે. લેખકોના ગ્રુપમાં પણ તે ચર્ચાઓમાં ભાગ લેવા લાગે છે. નિખિલ પણ સાજો થઈને કોલેજ આવી રુચિને શોધવા લાગે છે. નિખિલને કોલેજ આવેલો જોઈને રુચિ પણ ખુશ થઈ આવેગમાં આવી જાય છે પરંતુ તેની મમ્મીની શિખામણ યાદ આવતા પોતાને સાચવી લે છે. બન્ને એક ઝાડ નીચે બેસે છે અને રુચિના બદલાયેલા વર્તન વિશે નિખિલ પૂછે છે, નિખલનો એક મિત્ર આવીને બંનેની વચ્ચે ખલેલ પહોંચાડે છે અને નિખિલ રુચિ સાથે કોફી શોપમાં ચાલ્યો જાય છે. રુચિએ નિખિલને કોફી શોપમાં તેની મમ્મીની ચિંતાનો ચિતાર આપી દે છે, અને નિખિલને ઘરે આવી તેની મમ્મી સાથે વાત કરવાનું જણાવે છે. દિશાએ ભાગ લીધેલી સ્પર્ધામાં તે વિજેતા બને છે રુચિના આવવાની સાથે જ તેને આ ખુશખબરી પણ આપે છે. વિજેતા બનવા ઉપર તેને 1000 રૂપિયાનું ઈનામ પણ મળે છે. વિજેતા બનતા જ શુભકામનાઓના અઢળક મેસેજ તેને મળવા લાગે છે. દિશા બધાનો આભાર વ્યક્ત કરે છે પરંતુ એક મેસેજ તેને વિચારવા માટે મજબૂર કરી દે છે, દિશાના દિલમાં પડેલી લાગણીઓ એક ઉથલો મારે છે પરંતુ દિશા પોતાના મન ઉપર કાબુ મેળવી એ સમયે તે એ મેસેજનો જવાબ આપતી નથી પરંતુ અઠવાડિયા પછી ફરી એજ વ્યક્તિનો મેસેજ આવે છે. આ સમયે દિશા ટૂંકમાં ઉત્તર આપી અને વાત પૂર્ણ કરે છે. હવે જોઈએ આગળ શું થાય છે !!!
સમર્પણ - 13
આજે દિશાએ એ વ્યક્તિની પ્રોફાઈલ ખોલીને જોઈ, નામની જગ્યાએ લખ્યું હતું, ''એકાંત''. અને ફોટાની જગ્યાએ સૂર્યાસ્તનું મનમોહી ચિત્ર ગોઠવેલું હતું. માહિતીમાં પણ કાઈ ખાસ જાણવા જેવું મળ્યું નહીં. ફરી પોતાની આ હરકતને મનોમન ખંખેરતી એ કામે વળગી ગઈ.
લંડનથી આવેલા એક સુખદ ફોન કોલથી દિશા અને રુચિ આજે ખૂબ જ ખુશ હતાં. થોડા જ દિવસોમાં સાસુ-સસરા આવી રહ્યા હોઈ, એમને લખાવેલ લિસ્ટ પ્રમાણેની ખરીદીમાં દિશા વ્યસ્ત થઈ ગઈ, જેથી એમના આવ્યા પછી વ્યસ્તતાની થોડી હળવાશ રહે.
સાસુ-સસરા એક સાચા અર્થમાં દિશાના મા-બાપ બની ચુક્યા હતા. દિશાની દરેક ઈચ્છાને એમણે માન આપ્યું હતુ. રીતેષે કરેલા થોડા-ઘણાં ઇન્વેસ્ટમેન્ટમાં પોતે ઉમેરો કરતા જઇ દર મહિને એક ચોક્કસ રકમ દિશાને મળે તે રીતે ગોઠવણ કરી આપી હતી. જેથી હાથ લંબાવાનો સંકોચ સહેવો ના પડે. છતાં રુચિના ભણતરના સઘળા ખર્ચ પેટે તેઓ દર મહિને તેમજ વાર-તહેવારે રુચિના બેન્ક એકાઉન્ટમાં પૂરતી રકમ વ્યવસ્થિત રીતે જમા કરાવતાં.
દિશા પણ પોતાની સગી મમ્મી કરતા સાસુ વિજયાબેન પાસે વધુ સારી રીતે ખુલી શકતી. રીતેષ સાથેના સમયગાળા દરમિયાન વિજયાબેન, દિશા સાથે એક મિત્ર તરીકે હળવું વર્તન રાખતા જેથી સાસુ-વહુના ટિપિકલ ક્લેશથી પોતે દૂર રહી શકે. દિશાએ પણ સહિયારું વર્તન રાખી એ સંબંધને ચાર-ચાંદ લગાવી દીધા હતા. જ્યારે પણ હતાશા અનુભવતી ત્યારે એ તેમના ખોળામાં માથું નાખી ખૂબ રડી લેતી. રીતેષની ગેરહાજરીનો આઘાત સહેવા માટે બંને એકબીજા માટે અદભુત સહારો બની રહ્યાં હતાં.
ખરીદીની વ્યસ્તતાને લીધે દિશાએ ''અભિવ્યક્તિ'' ઉપર લખવાનું, થોડા દિવસ માટે ટાળ્યું હતું. આજે થોડી નવરાશ મળતાં જ એણે એ એકાઉન્ટ ખોલ્યું. ઢગલાબંધ આવેલા ઇનબૉક્સ મેસેજમાંથી દિશાએ અજાણતાં જ ''એકાંત''ના મેસેજો શોધી કાઢ્યા. એક પછી એક આવેલા ચાર મેસેજ આ પ્રમાણે હતા.
''કોઈની અભિવ્યક્તિ કોઈનું વ્યસન થઈ શકે,
એ વાત કેટલે અંશે સાચી હશે ?''
''માણસને જોઈને એનામાં ખોવાઈ જવું સહજ વાત છે,
પરંતુ એક અજાણ્યા વ્યક્તિમાં પોતાને શોધવું .... ???''
''ના ઉંમર, ના દેખાવ, ના સામાજિક દરજ્જો, ના કોઈ સંબંધ...
છતાં એક હદ ઓળંગીને એક વ્યક્તિત્વની સતત ખોજ...''
''સ્વાર્થ બસ એટલો જ કે એક જોડતી કડી જોઈએ છે મને,
એ પછી ટૂંકી હાથકડી હોય, કે લાંબી સાંકળ, ફર્ક નથી પડતો.''
એક-બે દિવસના અંતરાલે આવેલા આ મેસેજોએ દિશાના હૃદયને અંદરથી હલાવી નાખ્યું, છતાં પોતાના વ્યક્તિત્વ મુજબ આ મેસેજોના કારણે બે-પાંચ મિનિટ માટે વિચલિત થયેલાં મન ઉપર કાબુ મેળવી શકી. અને જવાબ આપ્યો.
''અંગત મેસેજ ના કરવા માટે વિનંતી...''
રુચિ અને નિખિલ એક લાગણી ભાવે રોજ મળતાં રહ્યાં, એકબીજાને જાણવા ઓળખવાનો પ્રયત્ન કરતાં રહ્યા.
આજે લંડનથી વિનોદભાઈ અને વિજયાબેન આવી ગયા હતાં. દિશા અને વિજયાબેન એકબીજામાં રીતેષને શોધતાં, એકબીજાને વળગીને ખૂબ રોયા. રુચિએ તથા વિનોદભાઈએ વાતાવરણને હળવું કરવાની જવાબદારી વગર કીધે જ ઉપાડી લીધી. ઘણી બધી કામની તો ઘણી બધી ના કામની વાતો પણ શરૂ કરીને બંને જણાને ભૂતકાળમાંથી વર્તમાનમાં લાવવામાં સફળ રહ્યાં.
બીજા દિવસથી ઘરનું આખું વતાવરણ વડીલોની હાજરીથી સુગંધિત થઈ રહ્યું. રુચિ અને વિજયાબેને મળીને લંડનથી લાવેલ ચોકલેટ્સના ઘણાં બધાં ગિફ્ટ પેકેટો બનાવ્યાં. વિનોદભાઈ પોતાના જુના-જાણીતાંઓને મળવા સવારથી જ નીકળી જતાં હતા. દિશા પણ વિનોદભાઈની પસંદગી મુજબ રોજ ગુજરાતી જમણ બનાવી એમને તૃપ્ત કરી દેતી.
કેટલાય વર્ષો બાદ થઈ રહેલી ચહલ-પહલથી ઘરની એક-એક દીવાલોમાં જાણે કે જીવ આવી ગયો હતો. આખો દિવસ કોઈક ને કોઈક મળવા આવતું, રોજ વિનોદભાઈની ફરમાઈશના જમણ બનતા. તેઓનું મિત્ર વર્તુળ ખૂબ બહોળું હતું. કોઈ પણ ઘરે આવે એમને ક્યારેય ભૂખ્યા પાછા જાવા ના દેતા. દિશાએ સાસુ-સસરાને મા-બાપ કરતાં પણ સવાયો દરજ્જો આપ્યો હતો. વિનોદભાઈ અને વિજયાબેન પણ દિશા જેવી પુત્રવધૂના પગલે પોતાના સ્વર્ગસ્થ દીકરાને અને પોતાને ખૂબ જ ધન્ય અનુભવતા.
આજે રાત્રે ચારેય જણાં વાતોની રમઝટ જમાવીને બેઠાં હતાં.
વિજયાબેન : ''દિશા, રુચિની હવે લગ્ન જોગ ઉંમર થઈ ગઈ છે, સારું ઠેકાણું ગોતી લઈએ, પછી તું પણ અમારી સાથે લંડન આવી જાજે. અમને પણ સહારો થઈ જાશે, અને તને પણ એકલા મુંજારો નહીં થાય.''
દિશા : ''જોઈએ હજુ કેવુક મળે છે ? એના પરણાવ્યાંના એકાદ વર્ષ તો હું અહીં જ રહીશ. એની સુખાકારીનો સંતોષ થઈ જાય, પછી કંઈક વિચારું.''
રુચિ : ''ના હો બા, મમ્મીને અહીં જ રહેવા દેજો, એવું હોય તો તમેં અહીં આવી જજો. મારે કામ પડે ત્યારે મમ્મી લંડનથી ઘડી ઘડી થોડી આવી શકવાની છે ?''
વિનોદભાઈ : ''બેટા, હવે તો લંડન કાઈ એટલું દૂર ના લાગે, છતાં કંઈક વિચારીશું, ત્યારની વાત ત્યારે. એવું પણ બને કે તારા માટે લંડનમાં જ સારું ઘર મળી જાય !!!''
દિશા અને રુચિ એકબીજાની સામે જોઈ રહ્યા, વિજયાબેનથી એ છૂપું ના રહ્યું.
વિજયાબેન : ''કેમ કાઈ ખોટું કીધું ? દાદાએ ?
રુચિ : ''ના, પણ એતો મમ્મી કે'તી તી કે પપ્પાને એવી ઈચ્છા હતી કે મને અહીં જ પરણાવે.'' (દિશા સામે વાત વાળી લેવા જોઈ રહી)
દિશા : (થોડું વિચારીને) ''મમ્મી, સાચું કહું તો એક છોકરો ધ્યાનમાં છે.''
વિનોદભાઈ : ''ઓહો, શોધી લીધું એમ ? કીધું પણ નહીં, કેમ ? કોણ છે ? એટલે કોનો દીકરો છે ?
રુચિ પોતાના વધતા શ્વાસોને શાંત રાખવા મથી રહી, વિજયાબેન એકીટશે દિશાના જવાબ માટે તાકી રહ્યા.
દિશા : ''પપ્પા, શોધ્યું નથી, એટલે હજુ મેં પણ નથી જોયો, એ તો રુચિની કોલેજમાં એની સાથે ભણે છે.''
વિનોદભાઈ : ''દિશા..બેટા.. આટલી લાપરવાહી...તારાથી કેમની થઈ શકે ? તે હજુ જોયો નથી, ઓળખતી નથી તો સંબંધ કઈ રીતે સ્વીકારી લીધો ? ''
દિશાને હવે હકીકતની જાણ કરી દેવાનું જ ઠીક લાગ્યું, એટલે વિનોદભાઈ અને વિજયાબેનને નિખિલને લગતી બધીજ વાત કહી સંભળાવી. રુચિ અસમંજસમાં જ ખોવાયેલી રહી.
વિનોદભાઈ : ''ઠીક છે, રુચિ તો તારે હવે એને આપણાં ઘરે બોલાવવો જોઈએ, અમે મળીને વાતચીત કરી લઈએ પછી વિચારીએ, શુ કરવું એમ..''
રુચિ : (મનોમન ખુશ થતાં) ''ભલે દાદા.''
રુચિએ કોલેજમાં નિખિલને બધી વાત કહી સંભળાવી.
નિખિલ : (તોફાની સ્મિત સાથે રુચિ ની આંખોમાં જોઈ, કાનમાં ગણ-ગણ્યો ) ''શાયદ મેરી શાદીકા ખયાલ...દિલમેં આયા હે...''
રુચિ : (શરમના શેરડે નહાઈ ગઈ ખોટે-ખોટું નિખિલને મારવાનો ડોળ કરતાં) જાને હવે વાયડા... તું વિચારે એટલું સહેલું નથી મારા દાદા સામે ઉભું રહેવું.
નિખિલ : ''ઍહ.. એવા કેટલાય દાદાઓને ભૂ પીવડાવી દીધું...તું હજુ ઓળખતી નથી આ નિખિલકુમારને...''
રુચિ : (નિખિલની એક-એક અદાઓને આંખોમાં ભરી લેતી) ''બહુ થયું, આવજે એટલે ખબર..ક્યારે આવે છે બોલ..એટલે મને ઘરે કહેતાં ફાવે.''
નિખિલ : ''Any time...My lord..આપ બોલીએ...આપકા હુકુમ સર આંખો પર...'' (શાહજાદીના ગુલામની હૂબહૂ એક્ટિંગ કરી બતાવી.)
રુચિ : ''ok, તો તારો નંબર દાદાને આપું છું આજે, એ ફોન કરશે એટલે પહોંચી જાજે.. અને હા...આ વાંદરાવેડા ત્યાં ના કરતો.''
નિખિલ : ''ઓ....મેડમ...વાંદરાવેડા એટલે ? તમે કહેવા શું માંગો છો.. હેં...? તમારા આ દાદા, આપણા ભાઈબંદ ના થઇ જાય તો કે'જો..અને હા.. નંબર આપવાની કાંઈ જરૂર નથી, તું જ ફોન કરજે..''
રુચિ : ''હા હવે, મને ખબર જ હતી કે ધોળે દી એ તારા દેખાઈ જાય તને, જો મારા દાદાનો ફોન આવે તો.. પણ ફોન તો એજ કરશે.. જો તારી બધી હેકડી કાઢું છું હવે...''
નિખિલ : ''બસ હવે યાર, સમજને...તું કરજે હો.. હું એમને ઓળખતો નથી એટલે કહું છું, ક્યાંક ઊંધું બફાઈ જાય તો તું જ લટકી જઈશ, મારા જેવા કોહીનુંરના નસીબમાં આવવાથી. એમને impress કરવાની ટિપ્સ તું જ આપી દે ને થોડી.. તો બહુ મહેનત ના કરવી પડે.''
રુચિ : ''હા, તો સાંભળ, અને યાદ રાખજે, કે એમને અંગ્રેજીમાં વાતચીત કરવી વધારે પસંદ છે. ચા-કોફીનું પૂછે ત્યારે કોફી જ કહી દેજે, તને ફાવે કે ના ફાવે, અને પગે તો લાગતો જ નહીં, એવું બધું એમને નથી ગમતું. એમને અને બાને મળે એટલે હળવું hug કરજે, લંડનમાં બધા એવું જ કરતાં હોય. અને મમ્મીને પગે લાગજે. Ok?''
નિખિલ : ''okk, હવે તું જો, આપણે ઇડરિયો ગઢ જીત્યા સમજો''
બંનેની ખાટી-મીઠી નોકજોક આમ જ ચાલતી રહી. બીજા દિવસે, રુચિએ નિખિલને એકલા આવવાનું આમંત્રણ આપ્યું.
વધુ આવતાં અંકે...