Yog-Viyog - 23 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 23

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

યોગ-વિયોગ - 23

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૨૩

સૂર્યકાંતે હળવેકથી વસુમાના કપાળથી વાળ સુધી હાથ ફેરવવા માંડ્યો...

અત્યાર સુધી ડૂમો બનીને ગોરંભાતું રહેલું રૂદન બંધ આંખે જ વસુમાની આંખોના ખૂણામાંથી ગાલ ઉપર થઈને ગળા સુધી વહી આવ્યું.

સૂર્યકાંતે હળવેથી વસુના કપાળે હાથ ફેરવવા માંડ્યો, ‘‘વસુ, બધું જ જાણતી હોવા છતાં તેં કેમ કાંઈ ન કહ્યું ? શું કામ ચૂપ રહી ?’’ વસુમાની આંખો હજુયે બંધ જ હતી. એમણે બંધ આંખે જ થૂંક ગળાની નીચે ઉતાર્યું. એક ઊંડો શ્વાસ લીધો અને ખૂબ હળવેથી પોતે જ સાંભળી શકે એમ કહ્યું, ‘‘હું તો પરણીને આવી એ રાતથી જ મને ખબર હતી કે મારું કંઈ નથી. શું રોકું કાન્ત ? અને કોને રોકું ?’’

‘‘પણ વસુ, મારા ગયા પછી તો કહી જ શકી હોત સૌને.’’

‘‘શું સાબિત કરત ? કે તમે ખોટા હતા અને હું સાચી ? ભૂલ તમારી હતી ? એથી શું થાત ? મને મારો સંસાર પાછો મળી જાત ? મારાં સંતાનોને પિતા મળી જાત ? શું બદલાઈ જાત મારી જિંદગીમાં ? તમે તો ગયા જ હતા ને કાન્ત ? પછી શું મેળવવા માટે ઝઝૂમત હું ?’’

‘‘પણ વસુ, ખરું માનજે, તને છોડીને ગયા પછી એકેય દિવસ સુખથી નથી રહ્યો હું. શેરબજારનું દેવું તો જાણે બાપુજીએ ભરી દીધું. પણ રોજેરોજ મારા મનમાં એક તરફડાટ ચાલ્યા કરતો... એ પૈસા ચૂકવી આપવાનો તરફડાટ, દેવશંકર મહેતાને દેખાડી આપવાનો તરફડાટ... હું નકામો નથી, મારામાં બુદ્ધિ છે ને મારામાં જીવવાની તાકાત છે એ મારે મારા બાપ સામે મારે સાબિત કરવું હતું. એને દેખાડી આપવું હતું કે મારા આપબળે હું સફળ છું.’’

‘‘જાણું છું, બધું જ જાણું છું કાન્ત, પણ હવે એ દટાયેલાં મડદાં ઉખેડવાનું કોઈ કારણ નથી.’’

‘‘કારણ છે વસુ, અને કારણ એ છે કે તેં મને પાછો બોલાવ્યો.’’

‘‘જતી વખતે તો એટલી િંહમત નહોતી મારામાં કે તને કહીને જાઉં, પણ આવ્યો છું ત્યારે કાળજું કઠણ કરીને આવ્યો છું. મેં નક્કી કર્યું છે કે હું છોકરાઓને બધું જ...’’

ચોંકી ગયાં વસુમા. અચાનક બેઠાં થઈ ગયાં. એમની આંખોમાં એક ગભરાટનો ભાવ આવી ગયો.

‘‘ના કાન્ત ના, બધું જ નહીં. બધું જ કેવી રીતે કહેવાય ?’’

‘‘કેમ ના કહેવાય, એ મારાં સંતાન છે, શું કામ છુપાવું એમનાથી?’’

‘‘એમના મનમાં તમારી એક મૂર્તિ છે કાન્ત, એક પિતાની.’’

‘‘હા, એક ભાગી ગયેલા, નાસી ગયેલા, હારેલા બાપની મૂર્તિ.’’

‘‘ભાગી ગયેલા, હારી ગયેલા કે નાસી ગયેલા બાપને કદાચ સ્વીકારી લેશે આ સંતાનો, પણ કોઈ બીજી સ્ત્રી માટે એમની માને ત્યજી ગયેલા બાપને ...’’ ફરી ડૂમો ભરાઈ આવ્યો વસુમાને.

‘‘સ્વીકારે કે નહીં, પણ તારી પચીસ વર્ષની તપશ્ચર્યા જોઈને મને લાગે છે કે મારે આપણાં સંતાનોને સાચી વાત કહેવી જોઈએ. વસુ, તું તો બધું જ જાણે છે, તેં એમને સાચું કહી દીધું હોત તો મારા માથે આ સત્યનો ભાર ઊંચકવાની જવાબદારી ન આવી હોત.’’

‘‘સત્ય તમારું છે કાન્ત, એનો ભાર તો તમારે જ ઊંચકવો પડે. સંતાનોને કહેવું કે નહીં એ વિશે આપણી માન્યતા જુદી હોઈ શકે, પણ સત્ય શું છે એ તો આપણે બંને જાણીએ જ છીએ અને એનો ભાર આમ જોવા જઈએ તો તમારી ભેગો ભેગો મેંય ઉપાડ્યો જ ને આટલાં વર્ષ.’’ આટલું બોલતાં બોલતાંમાં તો વસુમાનો અવાજ એકદમ સ્વસ્થ, એકદમ સ્થિર થઈ ગયો હતો. ઘડીભર પહેલાંનાં લાગણીવશ વસુમાએ પોતાની જાત પર ફરી એક વાર કાબૂ મેળવી લીધો હતો.

‘‘કાન્ત, તમે તો સત્ય ખભે લઈને ભાગી ગયા. પરંતુ જે સત્ય સાથે મારે કોઈ નિસ્બત નહોતી એ સત્યનો ભાર હું પરણીને આવી એ દિવસથી ઉપાડતી રહી. કયા ગુનાની સજા આપી મને મારા નસીબે ? હવે તો એ જાણવામાંય રસ નથી. હા, એક વાત નિશ્ચિત છે. જે સત્યને મારી અંદર દાટીને, દબાવીને જીવતી હતી આટલાં વર્ષો એ સત્ય આજે તમારી સામે સાવ નગ્ન, સાવ ઉઘાડું કરીને તમને સોંપી દઉં છું. એનું શું કરવું એ તમારે નક્કી કરવાનું છે.’’ વસુમાની આંખોમાં અજબ જેવી ચમક આવી ગઈ હતી. એમના ચહેરા ઉપર એક મુક્તિનો, કશુંક છોડી દીધાનો અને સાથે જ કશુંક પામ્યાનો ભાવ હતો.

એમને પચીસ વર્ષ પહેલાંની એ રાત પોતાની નજર સામે જાણે દેખાવા લાગી.

શ્રીજી વિલાનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો. વસુમા અને સૂર્યકાંત જ્યાં બેઠાં હતાં ત્યાંથી એ ઓટલો અને એ બંગલો સ્પષ્ટ દેખાતો હતો જ્યાં વસુમાએ પ્રતીક્ષામાં કેટલીયે રાતો જાગીને કાઢી હતી. ડ્રોઇંગરૂમમાં બેસેલાં વસુમાને ઓટલા પર બેઠેલી એ યુવાન વસુંધરા સ્પષ્ટ દેખાતી હતી. ચિંતાતુર ચહેરો, ઉજાગરાથી લાલ આંખો અને શું થશે ના ભાવ ચહેરા પર લઈને વસુંધરા શ્રીજી વિલાના ઓટલે બેઠી હતી. છોકરાંઓ હજી હમણાં જ જમીને ઊંઘી ગયાં હતાં.

શ્રીજી વિલાનો ગેટ ખૂલ્યો. અને એક આધેડ વયની સ્ત્રી દાખલ થઈ. વસુંધરા એને ધ્યાનથી જોઈ રહી. એણે આ સ્ત્રીને ક્યારેય જોઈ હોય એવું યાદ નહોતું. વળી સામાન્ય રીતે એ જે પ્રકારની સ્ત્રીઓને ઓળખતી હતી એવા આના શણગાર પણ નહોતાં. આ જરા જુદી દેખાતી હતી. કાન પાસે સ્પ્રીંગ જેવા ગોળગોળ લટિયા, કાળા મેશ જેવા ડાઈ કરેલા વાળ જે એની ઉંમર સાથે જરાય મેળ નહોતા ખાતા. આંખમાં વધારે પડતું કાજળ, હોઠ પર લાલ ચટ્ટક રંગની લિપસ્ટિક, લીલા-પીળાં ફૂલ છાપેલી સસ્તી વૂલીની સાડી, જેની સાથે એણે પહેરેલા બ્લાઉઝની ડિઝાઈન પણ વિચિત્ર જ હતી.

‘‘આવો, કોનું કામ છે ?’’

‘‘તારું જ બેટા.’’ પેલી સ્ત્રી ઓટલા ઉપર જ વસુંધરાની પાસે બેસી ગઈ.

‘‘મારું ?! બોલો...’’

‘‘બેટા, તને ખબર છે તારો ધણી ક્યાં છે ?’’

વસુંધરાનું કાળજું એક થડકારો ચૂકી ગયું, ‘‘હેં ? એ તો બહાર ગયા છે. હમણાં આવતા જ હશે.’’

પેલી સ્ત્રી ખડખડાટ હસી પડી, ‘‘કોનાથી છુપાવે છે તું, મારાથી? અરે બેટા, જમાનો બહુ જોયો છે મેં. તું જેટલા પુરુષોને મળી નહીં હોયને એટલા આ પગનાં તળિયાં ચાટતા હતા એક જમાનામાં. ઓળખે છે મને ?’’

વસુંધરા સહેજ આશ્ચર્યથી ને સહેજ ડઘાઈને એ સ્ત્રીની સામે જોઈ રહી, ‘‘માફ કરજો, ખ્યાલ નથી આવતો.’’

‘‘મારું નામ રૂપકમલ. બેટા, હું નાટકોમાં કામ કરતી હતી. મારા એક એક ગીત પર એ જમાનામાં બબ્બે રૂપિયા ફેંકીને ગાયન કટ થતાં. ભલભલા જમીનદારો ને મોટા મોટા શેઠિયાઓ મારી એક અદા પર જીવ કાઢી આપતા.’’

વસુંધરા નવાઈથી જોઈ રહી. આવી સ્ત્રીને મારું શું કામ હશે? અને કાન્ત ? એ કાન્તનું કેમ પૂછતી હતી ? છતાં એણે ધીરજ રાખીને પૂછ્‌યું, ‘‘હા, બોલો...’’

‘‘બેટા, તને ખબર છે તારો ધણી ક્યાં છે ?’’

વસુંધરાએ આ વખતે કોઈ જવાબ ના આપ્યો.

રૂપકમલે એના ખભે હાથ ફેરવ્યો, ‘‘એ ભાગી ગયો દીકરા, તારો ધણી ગામ છોડીને ભાગી ગયો ને ભેગો મારા ઘડપણની લાકડી યે લેતો ગયો.’’

વસુંધરાને હજી કંઈ સમજાયું નહીં, પણ સૂર્યકાંત બે દિવસથી ઘેર નહોતા આવ્યા એ વાત સાચી હતી. જોકે આવું પહેલી વાર નહોતું થયું. એટલે વસુને ઊંડે ઊંડે ધરપત હતી કે હંમેશની જેમ વહેલા-મોડા કદાચ આવી પહોંચશે.

‘‘બેટા, યશોધરાને ઓળખે છે ?’’

વસુનું ગળું સુકાઈ ગયું. આખા શરીરમાંથી જાણે કોઈએ પ્રાણ ખેંચી લીધા હોય એમ એનો જીવ નીકળું નીકળું થઈ ગયો. એના ચહેરા પરથી લોહી ઊડી ગયું. રૂપકમલની ચકોર નજરથી આ ફેરફાર છાનો નહોતો. એણે હળવેથી વસુને કહ્યું, ‘‘તો તું જાણે છે બધું. જો છોકરી, તારો ધણી તો ભાગી ગયો ને ભેગી મારી છોકરીનેય ભગાડી ગયો.’’

‘‘હેં ?’’

‘‘એમ ડઘાઈને બેસી રહેવાથી કંઈ નહીં થાય. પોલીસ ફરિયાદ કર. ત્રણ-ત્રણ છોકરાંને તારા માથે મારીને ગયો છે.’’ વસુનો હાથ અચાનક પોતાના પેટ પર પહોંચી ગયો, જ્યાં ચોથું સંતાન શ્વાસ લઈ રહ્યું હતું.

‘‘મારી તો પોતાની દીકરી નહોતી એટલે મારી ફરિયાદ લેતા નથી પોલીસવાળા. તારો તો સગો ધણી છે. પકડી લાવશે... તું કહીશ તો.’’

‘‘પણ તમને... તમને કેવી રીતે ખબર ?’’

‘‘લે, આ કાગળ લખી ગઈ છે. રાં...’’ પેલી બાઈ જુગુપ્સા થાય એવી રીતે થૂંકી અને કાગળ વસુનો પ્રાણહીન હાથ પકડીને એમાં થમાવી દીધો. વસુએ ધકધક કરતાં હૃદયે કાગળ ખોલ્યો. પાંચ જ લીટી લખી હતી. વાંકાચૂંકા અક્ષર, ભાષાનું ઠેકાણું નહીં...

‘‘હું સૂરજ સાથે જાઉં છું. મારી દુનિયા વસાવીશ. મારે કમાઈ કમાઈને તારા ભંડાર નથી ભરવા. હું ને સૂરજ અમારી કંપની ખોલીશું. નાટક કરીશું, ફિલમ બનાવીશું... હવે મારે તારી કેદમાં નથી રહેવું એટલે ઊડી જાઉં છું.’’

વસુની આંખોમાંથી જાણે આંસુ સુકાઈ ગયાં હતાં. એને સમજાયું નહીં કે એ શું કરે. એણે કાગળ રૂપકમલના હાથમાં પાછો આપ્યો. પછી ધીમે રહીને સાવ સત્વહીન અવાજે કહ્યું, ‘‘તમે જાવ હવે.’’

‘‘ને તું ? તું શું કરીશ ? ચાલ, તારી સાથે આવું. આપણે પોલીસમાં...’’

આ વાત જાણે સાંભળી જ ના હોય એમ વસુ ઊભી થઈ. એક મૂર્તિની જેમ ધીરાં ધીરાં ભાંગેલાં ડગલાં ભરતી ઘરની અંદર દાખલ થઈ અને હળવેથી દરવાજો બંધ કરી દીધો.

‘‘તેં કેમ પોલીસ ફરિયાદ ના કરી વસુ ? તારે માથે આટલી મોટી જવાબદારી મૂકીને ભાગી જવાનો મને કોઈ અધિકાર નહોતો.’’

‘‘એ હવે સમજાય છે તમને. ત્યારે તો...’’

‘‘ત્યારે પણ તરત જ સમજાઈ ગયું હતું વસુ. ત્રણ મહિનામાં તો યશોધરાએ એના રંગ બતાવવા માંડ્યા હતા. હું દિવસભર કામે જતો. નાટક કંપનીઓમાં મળતો, ફિલમ સ્ટુડિયોના દરવાજે કલાકો બેસી રહેતો અને આ તરફ યશોધરાએ કોઈ શેઠને ઘેર બોલાવવા માંડ્યા હતા...’’

‘‘કાન્ત, આપણે આ વાત અહીં જ બંધ કરીએ.’’

‘‘વસુ, તને તકલીફ આપીને મને સુખ નથી મળ્યું. હું પણ એટલો જ તરફડ્યો છું, એટલો જ હડસેલાયો, એટલો જ ધકેલાયો છું...’’

‘‘એ જાણીને મને કોઈ સુખ નથી મળતું કાન્ત ! મેં તો તમને લગ્નની પહેલી રાતથી જ મુક્ત કરી દીધા હતા. તમે જ્યારે મને કહ્યું...’’

‘‘વસુ, મારી મા સાચુ કહેતી હતી. ગૃહલક્ષ્મીને અન્યાય કરીને ક્યારેય કોઈ સુખ નથી પામતું.’’

‘‘કોણ જાણે કોણે અન્યાય કર્યો? કોને કર્યો?’’ વસુમાની આંખો સાવ વૈરાગના ભાવ સાથે દૂર શૂન્યમાં તાકી રહી હતી. શ્રીજી વિલાના ઉઘાડા દરવાજામાંથી દેખાતું ટુકડો આકાશ જાણે વસુમાની આંખો જેવું ઘેરાઈ આવેલું કાળું-ડિબાંગ ભાસતું હતું.

‘‘હું નીકળું વસુ ?’’ ખાસ્સી મિનિટો વજનદાર મૌનમાં પસાર થઈ ગયા પછી સૂર્યકાંતે પૂછ્‌યું.

‘‘જશો ?’’

‘‘રોકીશ તો રોકાઈ જઈશ.’’

‘‘હવે નહીં રોકુૂં કાન્ત !’’ વસુમાના અવાજમાં જાણે બધું જ છોડી દીધાનો એક અજબ ખાલીપો હતો.

‘‘જવા દેવા માટે બોલાવ્યો હતો આટલે દૂરથી ?’’

‘‘કાન્ત, તમારું ઘર છે. ખરેખર તો તમને બોલાવવાની કોઈ જરૂરત જ નહોતી... પણ આટલાં વર્ષો તમને જે ઘર યાદ ના આવ્યું એ એટલા માટે યાદ કરાવવું પડ્યું, કારણ કે આ ઘરમાં જીવતાં બીજા લોકોનો અધિકાર છે એ જાણવાનો કે એમને કેમ ત્યજી દેવાયા હતા?’’

‘‘તારે નથી જાણવું ?’’

‘‘હું જાણીને શું કરીશ કાન્ત ? હવે પ્રશ્નો અને ઉત્તરોના ગૂંચવાડામાંથી આપણો સંબંધ બહાર નીકળી ગયો છે. હવે બે સીધી સમાંતર રેખાઓ છે. એક મારી અને એક તમારી...’’

‘‘હું અહીંથી ગયો પછી ક્યાં ગયો ? મેં શું કર્યું ? આ લક્ષ્મી કોની દીકરી છે... કાંઈ નથી પૂછવું તારે ?’’

‘‘કાન્ત, શું કામ તરફડો છો એ વાત કહેવા, જે જૂની થઈ ગઈ છે. ગઈ કાલનાં છાપાં વાંચે છે કોઈ, આજે ?’’

‘‘હું ગઈ કાલનું છાપું થઈ ગયો છું તારા માટે ?’’

‘‘કાન્ત, ગઈ કાલ તો ગઈ કાલ જ રહેશે. મારી હોય કે તમારી... અને એને ઉકેલવામાં, એને ઉલેચવામાં શું મળશે ? કોને ?’’

‘‘વસુ, તું ભલે કહે કે તું બહુ બદલાઈ ગઈ છે, તું જરાય નથી બદલાઈ. તારું અભિમાન એનું એ છે. તારા આગ્રહો-પૂર્વગ્રહો એવા ને એવા છે. તું જે માને છે એથી આગળ કોઈની વાત સાંભળવામાં તને કોઈ રસ નથી. તારે માત્ર તારાં સત્યોના ચશ્માથી જોવું છે. તો બેસ એકલી, ને જોયા કર ! મને એમ કે આટલાં વર્ષોની એકલતાએ તારામાં એક ભૂખ જગાડી હશે, સ્નેહની, સાથની... અને એ ભૂખે તને થોડી મૃદુ બનાવી હશે.’’ આટલું કહેતા કહેતામાં તો સૂર્યકાંતનો અવાજ ઊંચો થઈ ગયો હતો. ગાલ, કપાળ, કાન સુધી બધું લાલ લાલ થઈ ગયું હતું. આવેશમાં એમનું શરીર ધ્રૂજવા લાગ્યું હતું. આંખોમાં સહેજ ભીનાશ આવી ગઈ હતી.

‘‘પણ, તારે તો તારા ચણેલા કિલ્લામાં સાથે ચણાઈને મરી જવું છે... કોઈ તારી શું મદદ કરે વસુ ? ને શું કામ કરે ?’’ એ સડસડાટ શ્રીજી વિલાનાં ચાર પગથિયાં ઊતરીને ગેટ તરફ ચાલી ગયા. વસુમા ત્યાં જ, સોફામાં બેઠાં બેઠાં એમને જતાં જોઈ રહ્યાં.

અંધાધૂંધ દોડતી શ્રેયા એક ભયાનક સ્પીડે આવતી ગાડીની બ્રેકના ચૂંઉંઉંઉંઉં.... અવાજથી જાણે ભાનમાં આવી અને એની પાસે આવી પહોંચેલા નીરવના ખભે માથું મૂકીને રડી પડી.

‘‘ઇટ્‌સ ઓ.કે. શ્રેયા.’’ લક્ષ્મીએ એને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો, પણ શ્રેયાના મનમાંથી એણે નજર સામે જોયેલું દૃશ્ય ખસતું જ નહોતું. નશામાં ધૂત અનુપમા જે રીતે અલયને વળગતી હતી એ શ્રેયા માટે અસહ્ય હતું અને એટલું ઓછું હોય એમ અલય તેની વાતને સાવ સાંભળી- ન સાંભળી કરીને અનુપમાને ટેક્સીમાં લઈને જતો રહ્યો !

શ્રેયા નીરવને વળગીને રડી રહી હતી. નીરવે એને થોડી વાર રડવા દીધી. પછી એના માથે, એના ખભે હાથ ફેરવ્યો, ‘‘કેટલાં વરસથી ઓળખે છે અલયને ? આટલો જ તારો વિશ્વાસ ?’’

‘‘સવાલ વિશ્વાસનો નથી.’’ શ્રેયાએરડતાં રડતાં કહ્યું.

‘‘સવાલ વિશ્વાસનો જ છે શ્રેયા. અલય અને તું સાત વર્ષથી એકબીજાની સાથે છો. સાત મિનિટ પહેલાં મળેલી એક છોકરી જેને અલયનું નામ પણ ખબર નથી એ તને આમ વિચલિત કરી જાય ? તને નથી લાગતું કે તું જરા વધારે પડતું રિએક્ટ કરે છે ?’’

‘‘હું સાથે જાત તો શું પ્રોબ્લેમ થાત ?’’ શ્રેયા હજી યે પોતાની વાત છોડવા તૈયાર નહોતી.

‘‘જો શ્રેયા, હું દોસ્ત અલયનો છું, પણ તમને બંનેને લગભગ એકસરખું જ ચાહું છું અને મને લાગે છે કે અલયના જીવનમાં આજની રાત જબરદસ્ત મોટો ચમત્કાર કરવાની છે. આ અલય માટે જે જે સપનાં આપણે જોયાં હતાં એ બધાં જ સપનાં હવે પૂરાં થઈ જશે.’’

‘‘નોન સેન્સ... એ કેટલી નશામાં હતી જોઈ ? એને સવારે યાદ પણ નહીં હોય કે એ તાજથી ઘરે કેવી રીતે પહોંચી ?’’

‘‘તો વધારે સારું. તારે માટે તો બંને બાજુ ફાયદો જ છે.’’ નીરવે પોતાની વ્યાપારી બુદ્ધિ કામે લગાડી, ‘‘એ ભૂલી જાય તોય તારો ફાયદો છે અને યાદ રાખે તોય અંતે તો ફાયદો તારો જ છે. ’’ પછી હળવેકથી એના ગાલ પર એક થપકી મારી, ‘‘ચાલ, બી એ ગુડ ગર્લ, ગાડીમાં બેસ એટલે તને ઘરે મૂકી જાઉં.’’ પછી અચાનક યાદ આવતા ઉમેર્યું, ‘‘તારી ગાડી ?’’

‘‘લાવી છું.’’ શ્રેયાએ કહ્યું.

‘‘મૂરખ છોકરી ! હવે ? આપણે બે જણાએ જુદી જુદી ગાડીમાં પાછા જવાનું ?’’

શ્રેયાએ લક્ષ્મી સામે એક નજર નાખી, પછી જાણે એના મનની વાત સમજી હોય એમ કહ્યું, ‘‘તું આરામથી આવજે, હું જાઉં છું.’’ અને લક્ષ્મી સામે જોઈને ફિક્કું સ્મિત કર્યું.

‘‘નો, એવું કંઈ નથી.’’ લક્ષ્મીએ નમ્ર થવાનો પ્રયાસ કર્યો.

‘‘આખી સાંજ અમે તમારી જોડે ને જોડે જ હતા. અડધો કલાક તને એકલીને નીરવ જોઈતો હશે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, અને મુંબઈ સેફ શહેર છે. હું આરામથી ઘરે પહોંચી જઈશ. ડોન્ટ વરી. ’’ જવાબની રાહ જોયા વિના શ્રેયા વેલેટ પાર્કિંગના કાર નંબર એનાઉન્સ કરતાં બેલ કેપ્ટન પાસે પહોંચી અને પોતાની ગાડીનો નંબર આપ્યો. લક્ષ્મી ઘડીભર નીરવ સામે જોઈ રહી.

નીરવે એને પૂછ્‌યું, ‘‘બોલ !’’

‘‘એક નાના ડ્રાઈવ પર જઈએ ?’’ લક્ષ્મીએ જરા શરમાઈને, જરા અચકાઈને કહ્યું. નીરવે એક ક્ષણ એની સામે જોયું પછી એનો ચહેરો હડપચીથી પકડીને ઊંચો કર્યો, આંખોમાં આંખો પરોવી, ‘‘અમેરિકન છોકરીઓને શરમાતા પણ આવડે છે એ જાણીને નવાઈ લાગે છે.’’

હસી પડ્યાં બંને.

‘‘શ્રેયા, ઘરે પહોંચીને એક ફોન કરી દેજે.’’ નીરવે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને શ્રેયાને કહ્યું.

‘‘ચોક્કસ.’’ અને ગાડી લઈને તાજથી રિગલ તરફ વળતી શ્રેયાની ગાડી ધીમે ધીમે ઓઝલ થતી ગઈ.

જાનકી અને અજય ઘરમાં દાખલ થયાં ત્યારે વસુમા આંખો બંધ કરીને સોફા પર એકલાં બેઠાં હતાં.

‘‘બાપુ ? બાપુ ક્યાં ગયા ?’’ અજયે ઘરમાં દાખલ થતાંની સાથે પૂછ્‌યું.

‘‘તાજ.’’

‘‘પણ કેમ ? રોકાયા કેમ નહીં ?’’

‘‘મેં રોક્યા નહીં.’’

‘‘મા, આટલા વર્ષે આવ્યા એ, તું એક વાર કહેત તો જરૂર રોકાઈ જાત.’’

‘‘મારા કીધે આવ્યા એટલું ઘણું છે, હવે રોકાવું કે જવું એ એમને જાતે નક્કી કરવા દે. હું તમારી જ રાહ જોતી હતી. ઘણું મોડું થયું છે. હું મારા ઓરડામાં જાઉં છું.’’ વસુમા ઊભાં થયાં અને પોતાના ઓરડા તરફ જવા લાગ્યાં. પછી જાણે અચાનક યાદ આવ્યું હોય એમ પાછા ફરીને જાનકીની આંગળી પકડીને ઊભેલા હૃદયના માથે હાથ ફેરવીને હળવેકથી કહ્યું, ‘‘ચાલ, આવે છે દાદી સાથે ? વાર્તા કહીશ.’’

‘‘ઊંઘ આવે એટલે જતો રહીશ.’’ હૃદયે શરત કરી.

‘‘ભલે.’’ વસુમાએ મમતાળુ હસીને એને ઊંચકી લીધો અને પોતાના ઓરડા તરફ ચાલવા લાગ્યાં.

જાનકીને એ સમજતા વાર નાલાગી કે વસુમાએ અજયના મનમાં જાગેલા સવાલો માટે એની અને જાનકી વચ્ચે જગ્યા કરી આપી હતી.

અભય ઘરમાં દાખલ થયો ત્યારે આખું ઘર ઝંપી ગયું હતું. એણે ચાવીથી દરવાજો ખોલ્યો. હંમેશની જેમ ડ્રોઇંગરૂમમાં સીડીની નીચે એક નાનકડો પીળો લેમ્પ જલી રહ્યો હતો. ધીમા પગલે અવાજ ન થાય એમ એ સીડી ચડ્યો. પોતાના રૂમમાં આવ્યો.

એની નજર પડતાં જ એ ફરી ગયો. વૈભવી બાલ્કનીમાં ખુરશી નાખીને જાગતી બેઠી હતી. અભયે પોતાની રિસ્ટવોચમાં લાઇટ કરીને જોયું, ‘‘પોણા બે !’’

‘‘નવાઈ તો નહીં જ લાગી હોય મને જાગતી જોઈને.’’

‘‘લાગી. મને તો એમ કે તું ઊંઘી ગઈ હોઈશ.’’

‘‘મારે તમારી સાથે વાત કરવી છે.’’

‘‘હમણાં ?’’

‘‘હા. અત્યારે જ.’’

‘‘વૈભવી, સવારે...’’ અભયે બગાસું ખાધું.

‘‘ના, હમણાં જ.’’

‘‘બોલ.’’ અભય ડ્રેસિંગરૂમ તરફ જવા લાગ્યો. વૈભવી બાલ્કનીમાંથી દોડી આવી. અભયને ખભામાંથી પકડ્યો અને પોતાના તરફ ફેરવ્યો.

‘‘શું પ્રોબ્લેમ છે તમને ?’’

‘‘મને ! મને શું પ્રોબ્લેમ છે ?’’

‘‘તો શા માટે બધાની વચ્ચે મને નીચી દેખાડવા બેઠા છો ? વારંવાર મારું અપમાન કરો છો. મારી કોઈ વાત સાંભળતા નથી.’’

‘‘મને નથી લાગતું કે હું આવું બધું કરું છું. હા, તારી વાત નથી સાંભળતો એટલું સાચું, પણ તારી વાતમાં સાંભળવા જેવું કંઈ છે નહીં.’’ વૈભવીને ખસેડીને અભય ડ્રેસિંગરૂમ તરફ આગળ વધ્યો. વૈભવી ત્યાં જ ખાટલામાં બેસી પડી. અભય ડ્રેસિંગરૂમમાં જઈને કપડાં બદલવા લાગ્યો.

‘‘મારી વાત ન સાંભળવી એ મારું અપમાન નથી ? હું જોઈ રહી છું અભય કે તમે તમારું ધાર્યું કરો છો.’’

‘‘ધાર્યું કરવું એ ગુનો છે ? તો એ ગુનો તું છેલ્લાં દોઢ દાયકાથી કરે છે... હું બે-ચારથી ધાર્યું કરું એમાં તને આટલું બધું લાગી કેમ આવે છે વૈભવી ?’’

‘‘અભય, જ્યારથી તમારા પપ્પા આવ્યા છે...’’

‘‘ત્યારથી શું ? મહેરબાની કરીને એ બે વાતને સાંકળીશ નહીં.’’

‘‘હું જોઈ શકું છું કે જ્યારથી તમે દિલ્હીથી પાછા આવ્યા અને તમારા પપ્પાની આવવાના સમાચાર આવ્યા ત્યારથી તમે સાવ વિચિત્ર વર્તવા લાગ્યા છો.’’

હસી પડ્યો અભય, ‘‘એમ ? તું કહે છે તો એમ જ હશે. શું કરું, પપ્પાને પાછા મોકલી દઉં ?’’

‘‘અભય, પ્લીઝ ! હું તો આ ઘરના ભલા માટે ...’’

ડ્રેસિંગરૂમમાંથી અભય નાઇટસૂટ પહેરીને બહાર આવ્યો, ‘‘આ ઘરનું ભલું ? વૈભવી, આર યુ ઓ.કે. ?’’

વૈભવી અભયને વળગી પડી. હાથ એની પીઠને લપેટી દીધા. છાતી પર માથું મૂકી દીધું, ‘‘અભય, હું ચાહું છું તમને, તમારા કુટુંબને, તમારા ઘરને...’’

‘‘અચ્છા ! વેરી ગુડ !’’ અભય પલંગ તરફ આગળ વધ્યો. વૈભવીએ એને છોડતી જ નહોતી. એણે અભયને મજબૂતીથી પકડી રાખ્યો હતો, ‘‘અભય, શું થઈ ગયું છે તમને ? તમે ક્યારેય મને આવી રીતે ઇગ્નોર નથી કરી.’’

‘‘કરી હોત તો સારું થાત નહીં ? વૈભવી, મેં તને બહુ સાચવી, બહુ પંપાળી, બહુ કાળજી કરી તારી, પણ તને કહું ? હવે હું થાક્યો છું- તારી ભાષાથી, તારા કાવાદાવાથી. ખાસ કરીને તારા આ સ્વભાવથી !’’

‘‘એટલે ? તમે મને છૂટાછેડા આપશો?’’ વૈભવીએ ગળગળા થઈ જવાનો અભિનય કર્યો, ‘‘મને હતું જ કે તમારા બાપા આ ઘરમાં કોઈ સારા સમાચાર લઈને નહીં આવે. ગયા ત્યારેય ગરબડ કરતા ગયા ને આવ્યા ત્યારે ગરબડ સાથે લઈને આવ્યા. તમારી માનેય ચેન નહોતું પડતું તે જાહેરાત આપીને બોલાવ્યા અહીંયા પ્રોબ્લેમ ઊભો કરવા.’’

‘‘ચાલ વૈભવી, ગુડ નાઈટ...’’ અભયે કહ્યું અને પડખું ફરીને સૂઈ ગયો. વૈભવી ડઘાયેલી અભય સામે જોતી રહી. પછી અચાનક જઈને એને હલબલાવી નાખ્યો, ‘‘ડોન્ટ ડુ ધીસ અભય, તમે હજી મને ઓળખતા નથી. હું તમારા આ ફરી ભેગા થયેલા પરિવારને વિખૂટો પાડી નાખીશ.’’

‘‘હું તને નથી ઓળખતો એ વાતમાં કોઈ દમ નથી. ને વાત રહી પરિવારની... તો પહેલાં વિખૂટા પડ્યા ત્યારે તું ક્યાં હતી ? તેં ભેગાય નથી કર્યા બધાને અને જો આ પરિવારના નસીબમાં વિખૂટા પડવાનું લખ્યું હશે તો અમને તારી મદદની જરૂર નહીં પડે... થેન્ક્સ અગેઇન એન્ડ ગુડ નાઈટ.’’ વૈભવી ઊંધા ફરેલા અભયને જોઈ રહી. એના માન્યામાં નહોતું આવતું, પણ માન્યા સિવાય છૂટકો નહોતો કે અભય બદલાઈ ગયો હતો. હવે આ ઘરમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે એણે સૂર્યકાંત મહેતાનો જ આશ્રય લેવો રહ્યો...

એણે મનોમન ગાંઠ વાળી. જે બાપના પાછા આવ્યાથી આ ઘરમાં મારું સ્થાન હલબલી ગયું છે એ જ બાપને પ્યાદુ બનાવીને તને મ્હાત ના આપી તો મારું નામ વૈભવી નહીં. એણે પોતાનું ઓશિકું અને ઓઢવાનું ઉપાડ્યું અને રૂમનું બારણું ખોલીને બહાર જવા લાગી.

‘‘ક્યાં જાય છે ?’’ દરવાજોે ખૂલવાનો અવાજ સાંભળીને અભયે ફર્યા વિના જ પૂછ્‌યું.

‘‘નીચે, સૂવા.’’

‘‘ઓ.કે. ગુડ નાઈટ.’’

વૈભવી ઉઘાડેલા દરવાજાના વચ્ચોવચ હાથમાં ઓશિકા અને ઓઢવાના સાથે એમ જ ઊભી હતી. હવે નીચે જવાનું ત્રાગું ચાલે એમ નહોતું અને બેડરૂમમાં પાછા આવીને સૂવાથી એના અભિમાનમાં પડેલી તિરાડ વધુ પહોળી થાય એમ હતું !

આંખો મીંચીને સૂતેલો અભય પોતાનું જ વર્તન તપાસી રહ્યો હતો.

‘‘ક્યાંથી આવી હતી આટલી િંહમત ? આટઆટલા વખત સુધી જાત ઉપર જુલમ કરીને વૈભવીને સહેતો રહેલો અભય અચાનક કઈ રીતે બદલાઈ ગયો ?’’ એણે જાતને જ સવાલ પૂછ્‌યો અને જવાબ પણ એની જાતે જ આપી દીધો, ‘‘આજ સુધી તું કુટુંબનો મુખ્ય પુરુષ હતો. ઘરને ભેગું રાખવાની, ઘરની પરંપરા, મર્યાદા જાળવવાની જવાબદારી જાણ્યે-અજાણ્યે તેં તારા માથા પર ઉપાડી લીધી હતી. કદાચ એટલે જ ઘરના કોઈને ય ખબર ન પડે એમ તું આ રૂમની ચાર દીવાલોમાં દબાઈ-સંકોચાઈને જીવતો રહ્યો, પણ હવે કોઈ બીજું આવી ગયું છે ! કોઈ એવું જે તને પણ સંભાળી શકે એમ છે... અત્યાર સુધી આ ઓરડામાં દટાઈ રહેલા તારા સ્વમાનને હવે બહાર નીકળવું છે અભય ! છોડી દે એને. ઉઘડવા દે તારી સામેનું આકાશ. ડર નહીં, હાથ લંબાવીને અડકી જો બદલાયેલી પરિસ્થિતિને ! વહેલું-મોડું સૌએ પરિવર્તન સ્વીકારવું જ પડતું હોય છે...’’

વૈભવી ચૂપચાપ રૂમનું બારણું બંધ કરીને પાછી આવીને અભયની બાજુમાં આવીને સૂઈ ગઈ હતી, પણ આજે એની ઊંઘ વેરણ થઈ ગઈ હતી. અભયે સૂતેલી સાપણની પૂંછડી મરડીને એને જગાડી હતી...

ટેક્સીમાં અલયના ખભે માથું મૂકીને ઊંઘતી અનુપમાના કમરથી લાંબા વાળ અસ્તવ્યસ્ત થઈને ફેલાયા હતા. એનું ઓફ સોલ્ડર ટોપ વારે વારે નીચે ઊતરી જતું હતું. એણે એક હાથ અલયના બાવડે લપેટ્યો હતો અને બીજા હાથે અભયનો હાથ પકડી રાખ્યો હતો. અલયના ખભ માથું મૂકીને એ ઘસઘસાટ ઊંઘતી હતી. એ તો સારું થયું કે અનુપમાનું ઘર અલયને ખબર હતી.

‘‘બાઉજી...’’ ટેક્સીવાળા સરદારે રીઅર-વ્યૂમાં જોઈને અલયને પૂછ્‌યું, ‘‘યે તો ઓડી હીરોઇન હૈ !’’

‘‘હા.’’ અલયે ટૂંકમાં જવાબ આપ્યો.

‘‘ઇત્તી વડ્ડી હીરોઇન ઔર ઇસ હાલ મેં ? બડે લોગોં કે પોલ ભી બડે હોતે હૈ. જહાં તક મૈંને પઢ રખા હૈ, યે તો દારૂ-શારૂ નહીં પીતી...’’

‘‘હમેં ક્યા સરદારજી ! એક લડકી ઇસ હાલ મેં રસ્તે પર અકેલી હો, તો ઉસે હિફાઝત સે છોડના ચાહીએ.’’

‘‘સહી બાત હૈ બાઉજી, લેકિન આપ જૈસે લોગ બહોત કમ હોતે હૈ.’’

‘‘બિલકુલ સહી બાત હૈ, ઇનકે જૈસે લોગ બહુત કમ હોતે હૈ.’’ નશામાં ધૂત અનુપમાએ કોણ જાણે શું સાંભળીને ટાપશી પુરાવી.

અલય એની સામે જોઈ રહ્યો, ‘‘આ સુંદરતા, આ નમણાશ અને આ ટેલેન્ટ સાથે આ છોકરી આવી હાલતમાં ? અનુપમા એના દરેક ઇન્ટર્વ્યૂમાં કહેતી કે એ ઘરેલું છોકરી છે. દારૂ નથી પીતી, સિગરેટ નથી પીતી. પાટર્ીઓમાં જતી નથી. પછી આવી રીતે અહીંયા શું કરતી હશે?’’

લક્ષ્મી અને નીરવ હજી ગાડી કાઢે એ પહેલાં એક માણસ તાજની અંદરથી હાંફળો-ફાંફળો દોડતો બહાર આવ્યો. સૂટ-બૂટ પહેરેલો એ માણસ આમતેમ ફાંફા મારી રહ્યો હતો. એણે દરવાનને, ડોરકીપરને ઘાંઘોવાંઘો થઈને પૂછી રહ્યો હતો, ‘‘અનુપમા ? અનુપમા ઘોષ કે દેખા કિસી ને ? વો હીરોઈન... અનુપમાજી જાનતે હો ના ? દેખા કિસીને ?’’

દરવાને, બેલકેપ્ટને, બધાએ એક જ જવાબ આપ્યો, ‘‘અભી તો યહાં થી, પતા નહીં કહા ચલી ગઈ...’’

‘‘શીટ...’’ પેલો માણસ માથે હાથ દઈને તાજમહાલ હોટેલની પોર્ચના પગથિયામાં બેસી ગયો !

અનુપમા અલયના ખભે માથું મૂકીને સૂરીલા અવાજે ગાઈ રહી હતી, ‘‘હમ નશે મેં હૈ, સમ્હાલો હમે તુમ... નિંદ આતી હૈ જગા લો હમે તુમ... ચલો દિલદાર ચલો, ચાંદ કે પાર ચલો, હમ હૈ તૈયાર, ચલો... જિંદગી ખત્મ ભી હો જાયે અગર... ન કભી ખત્મ હો ટેક્સી કા સફર...’’

(ક્રમશઃ)