Yog-Viyog - 21 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 21

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

યોગ-વિયોગ - 21

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૨૧

સૌ જમવા બેઠા ત્યારે સૂર્યકાંત મનોમન સહેજ મલકાયા, ‘‘ભલે જરા કડક વર્તી લે હમણાં, બાકી વસુ કશુંયે ભૂલી નથી. બધી જ મારી ભાવતી વાનગીઓ, મને ગમે એવી જ રીતે બનાવાઈ છે. ઘરનો શ્રીખંડ, બટાકાનું લીલા મસાલાનું શાક, મિક્સ કઠોળ ઉપર કાચું તેલ અને ઝીણા સમારેલાં કાંદાં, લવિંગવાળા ભાત અને સહેજ ગળી કઢી....

‘‘આટલા વર્ષો પછી પણ વસુના હાથની રસોઈ એવી ને એવી છે.’’ સૂર્યકાંતથી વસુની સામે જોઈને વખાણ કર્યા વિના ના રહેવાયું.

‘‘હું તો રસોડામાં ગઈ જ નથી. બધું જાનકીએ જ બનાવ્યું છે.’’

‘‘પણ મેનુ તો તેં બનાવ્યું ને ? તું કશુંયે ભૂલી નથી વસુ એ વાતનો મને આનંદ છે.’’

સહેજ હસ્યાં વસુમા. ‘‘મેનુ પણ અજયે બનાવ્યું છે. એને યાદ છે બધું. ખરું પૂછો તો મેં પણ થાળી હમણાં જ જોઈ છે. શું બનવાનું છે એની પણ મને ખબર નહોતી.’’

‘‘એવું કહીને તમે પપ્પાજીની લાગણીનું અપમાન કરો છો મા.’’ વૈભવીએ સૂર્યકાંતનો પક્ષ લેવાનો પ્રયત્ન કર્યો.

‘‘વૈભવી’’ અભયે એને રોક્યા વિના છૂટકો નથી એમ માનીને કહ્યું. પણ વૈભવીએ તો નક્કી કરી જ લીધું હતું એટલે એણે આગળ ચલાવ્યું, ‘‘તમારા વખાણ જ કર્યા છે ને પપ્પાજીએ... એમાં આવું ના કહ્યું હોત તો ના ચાલત ?’’

‘‘વૈભવી બેટા, જે કામ મેં કર્યું નથી એને માટેના અભિનંદન હું શું કામ લઉં ? અને કાન્ત, સાચું પૂછો તો ગંગામાં હું બધું જ વહાવી આવી છું. મારી સ્મૃતિના કેટલાંક અંશ જે કોઈ રીતે છૂટયા નહીં એ સિવાયની સ્મૃતિ પણ ગંગાના પાણીમાં વહી નીકળી, શ્રાદ્ધની સાથે !’’

‘‘વસુ હું સમજી નથી શકતો કે તને મારી જરુર છે કે નહીં ?’’ સૂર્યકાંતના અવાજમાં ચીડ ઊતરી આવી.

‘‘જરુર ?’’ વસુમાનો અવાજ હજીયે શાંત, હજીયે સંયત જ હતો. ‘‘જરુર ખરેખર આપણને કોની હોય છે ? અને જ્યારે જરુર હોય છે ત્યારે એ વ્યક્તિ કે વસ્તુ ક્યાં મળે છે આપણને ? કાન્ત, જરુર પૂરી થઈ જાય પછી વ્યક્તિ કે વસ્તુ નકામી નથી થઈ જતી પણ હા એનો મોહ જરુર ઊતરી જાય છે. તમને સમજાઈ જાય છે કે જે ચીજ માટે - જે વ્યક્તિ માટે આટલાં વલખાં માર્યા એના વિના પણ જીવી તો શકાયું જ... અને એ જ ક્ષણે તમે થોડાક વધુ પોતાની નજીક આવી જાવ છો. થોડાક વધુ આત્મનિર્ભર થઈ જાવ છો. કાન્ત જરુરતોના આવા તરફડાટમાંથી હું દરેક ક્ષણે પસાર થઈ છું. અને હવે હું મારી સાવ નિકટ, સાવ પાસે આવી ગઈ છું. એટલી પાસે કે મારી અને મારી જાત વચ્ચે સદભાગ્યે કે દુર્ભાગ્યે કોઈ માટે જગ્યા નથી બચી....’’

સૌ સ્તબ્ધ થઈને વસુમાને સાંભળી રહ્યા હતા.

સૂર્યકાંતનો ચહેરો તમતમી ગયો હતો. એમને એવો જવાબ આપવો હતો કે વસુમાની બધી ફિલોસોફીનું પિંડલું વળી જાય. એ કશું બોલવા મોઢું ખોલે એ પહેલાં, ક્યારની ચૂપચાપ બધાને સાંભળતી, સમજવાનો પ્રયત્ન કરતી લક્ષ્મી અચાનક જ બોલી ઊઠી, ‘‘કેટલી સાચી વાત છે તમારી ? આપણી પાસે હોય એ વસ્તુની આપણને કિંમત નથી હોતી અને ખોયા પછી એ વસ્તુ વિના નહીં ચાલે એવું લાગે છે... એવી જ રીતે કોઈ વ્યક્તિ કે વસ્તુ વિના ચલાવતા આવડી જાય પછી એની હાજરી કે ગેરહાજરીથી મોટો ફરક નથી પડતો.’’

‘‘બહુ નાની છે તું આ બધું સમજવા.’’ વસુમા ફરી એક વાર મમતાળું હસી પડ્યાં, ‘‘ઘણી જિંદગી જોવાની બાકી છે દીકરા ! અત્યારથી આવી મોટી મોટી વાતો ના કર. તારી અને લજ્જાની ઉંમરમાં કંઈ ઝાઝો ફરક નથી. અમારી લજ્જા તો હજીયે લાડ કરે છે. આજે પણ ક્યારેક મારા હાથે કોળિયા ભરીને જમે છે.’’

‘‘પણ લજ્જા પાસે એની મા છે, અને એથીય વધારે તમારા જેવી દાદી છે. એટલે એને પોસાય લાડ કરવાનું. મેં તો મારી માને જોઈ જ નથી. પહેલી વાર ચાલતી થઈ ને પડી હોઈશ ત્યારે કોણે ઊભી કરી એ યાદ નથી મને.’’

‘‘મેં લાડ નથી કર્યા તને ?’’ સૂર્યકાંત સહેજ ઘવાઈ ગયા.

‘‘ડેડી, તમે જે આપ્યું છે એનું મૂલ્ય થઈ શકે એમ નથી, પણ મા ન હોવાની જે ખોટ રહી છે એ આજે વધારે શાર્પ થઈને વાગી રહી છે મને. મેં મારી માને માત્ર ફોટામાં જોઈ છે. વસુ આન્ટી, આખી જિંદગી વિચારતી રહી કે મા હોય તો કેવી હોય? પણ આજે તમને જોઈને સમજાય છે કે મા હોય તો તમારા જેવી જ હોય. પિતાની ગેરહાજરી ના સાલે એમ જાત ઘસીને જે મા સંતાનોને ઉછેરે એ મા વિશ્વના કોઈ પણ દેશમાં હોય, એ કોઈ પણ ભાષા બોલતી હોય, એનો ચહેરો ગમે તેવો હોય, પણ એ હોય તમારા જેવી !’’ લક્ષ્મીનું ગળું ભરાઈ આવ્યું હતું. એની આંખમાંથી આંસુ પડું પડું થઈ ગયાં હતાં.

‘‘બેટા, આટલું સમજે છે તો એક બીજી વાત પણ સમજી લે કે મા કોઈના પણ માટે મા જ હોય છે. હું માત્ર આ ચાર સંતાનોની મા નથી. તારીય મા છું અને હવે ક્યારેય એવું ના કહેતી કે તારે મા નથી...’’

લક્ષ્મી જમતાં જમતાં ઊભી થઈ અને એંઠા હાથે વસુમાને વળગી પડી, ‘‘મને લાગે છે આ તમારી પચ્ચીસ વરસની પીડાનો હિસાબ છે.... બીજું કોઈ સમજે કે નહીં હું તમારી વાત સમજી છું અને સ્વીકારું પણ છું ! આજથી હું આન્ટી નહીં કહું તમને, મા કહીશ... ’’

વસુમા એના માથે હાથ ફેરવતા રહ્યા. સૌ વસુમાની વાતને પોતપોતાની રીતે મૂલવવાનો, સમજવાનો પ્રયત્ન કરતા ચૂપચાપ જમતા રહ્યા....

સૂર્યકાંતને લાગ્યું કે લક્ષ્મીને સ્વીકારીને વસુએ એમની વચ્ચે ભલે નાનકડો પણ એક પુલ બાંધ્યો હતો. ‘‘અત્યાર સુધી ચસોચસ ભીડેલા દરવાજા સાથે વર્તી રહેલી વસુ સુધી પહોંચવા માટે આ લક્ષ્મી નામનો પુલ જરૂર કામ લાગશે.’’ સૂર્યકાંતે મનોમન વિચારી લીધું.

જમીને ઊભા થયા કે તરત અભયે પોતાની વસ્તુઓ લીધી, મોબાઈલ- ગાડીની ચાવી ખિસ્સામાં નાખી.

‘‘અત્યારે ક્યાં જાવ છો ?’’

‘‘બહાર.’’

‘‘પણ પપ્પાજી આવ્યા છે ને...’’

‘‘આવું છું, ઓફિસમાં કામ છે.’’

‘‘ફોન પર વાત કરી લો ને.... નહીં જાવ તો નહીં ચાલે ?’’

‘‘ના મારે જવું પડે એમ છે.’’

‘‘મને ખબર છે તમે ક્યાં જાવ છો, એમ નહીં માનતા કે હું નથી જાણતી.’’

‘‘વૈભવી, આપણે પછી વાત કરીશું.’’

‘‘પછી શા માટે ? મને કોઈની બીક નથી લાગતી.’’

‘‘હું આવું એટલે વાત કરીએ ?’’ અભયે હાથમાં પકડેલી ગાડીની ચાવી વૈભવીએ ઝૂંટવી લીધી, ‘‘ગઈ કાલે રાત્રે પણ બે વાગ્યે આવ્યા છો તમે. સવારમાં પણ કોઈ સાથે ફોન પર વાત કરતા હતા અને અત્યારે પણ... ક્યાં જાવ છો, કહીને જાવ...’’

‘‘વૈભવી, હું કામે જાઉં છું.’’ અભયના અવાજમાં જાણે પૂર્ણવિરામનું દબાણ હતું. સૌની હાજરીમાં ચાલી રહેલા આ સંવાદથી એને ખરાબ તો લાગતું જ હતું, સાથે સાથે પોતાનો સંબંધ આમ ઊઘડી ગયાથી છોભીલા પડ્યાની લાગણી થતી હતી. છતાં એણે સૂર્યકાંત મહેતાને બને એટલી વિનમ્રતાથી કહ્યું, ‘‘હું આવું છું થોડી વારમાં. એક્સક્યુઝ મી...’’ અને પછી જવાબની રાહ જોયા વિના બહાર નીકળી ગયો.

આટલું ઓછું હોય એમ વૈભવી પાછળ દોડી. લગભગ શ્રીજી વિલાના ગેટ સુધી પાછળ જઈને એણે અભયનો હાથ પકડ્યો, ‘‘એમ નહીં માનતા કે હું વાત છોડી દઈશ. હું યાદ રાખીશ... અને શોધી કાઢીશ કે આ બધું શું ચાલે છે ?’’

‘‘શોધવાની જરૂર નથી, હું જ કહીશ તને. અને જ્યારે કહીશ ત્યારે પગ નીચેથી ધરતી નીકળી જશે એટલું યાદ રાખજે...’’ અભયે કહ્યું અને જાણે વૈભવીને છૂટ્ટો મારતો હોય એમ શ્રીજી વિલાનો ગેટ પછાડીને બહાર નીકળી ગયો.

‘‘પગ નીચેથી ધરતી કોની જશે એની ખબર તો હું પાડીશ તને. આખેઆખું શ્રીજી વિલા ધરતીમાં ગરકાવ કરી નાખીશ. તમે હજુ ઓળખતા નથી મને...’’ વૈભવીએ દાંત કચકચાવીને કહ્યું અને પછી અંદર પાછી ફરી.

‘‘જતા રહ્યા અભયભાઈ ?’’ અલયે પણ વૈભવીને ફટકો મારવાની તક છોડી નહીં.

‘‘કામ હશે એમને.’’ લક્ષ્મીએ વાતને વધુ વધે નહીં એટલા માટે લપેટવાનો પ્રયત્ન કર્યો. એ જાણતી હતી કે અલય અને નિરવ એકબીજાની કેટલા નજીક છે અને નિરવને ઓળખવાનો સહેલો રસ્તો અલય છે એવું એને સમજાતું હતું.

એ અલયની સાથે દોસ્તી કરવા માગતી હતી, પણ અલયે તો જાણે બધા જ દરવાજા બંધ કરી દીધા હતા. સૂર્યકાંત મહેતા અને એમની સાથે જોડાયેલા દરેક માટે અલય જાણે બંધ હતો, દૂર હતો, અજાણ્યો હતો...

‘‘સ્વીટહાર્ટ, આઈ એમ સોરી...’’ અભય પ્રિયાના ચહેરા પર હાથ ફેરવી રહ્યો હતો. રડી રડીને સૂઝી ગયેલી પ્રિયાની આંખો અભયના કાળજામાં ચિરાડા પાડતી હતી. પ્રિયા અભયને વળગીને રડતી હતી. અભયે એને માંડ માંડ શાંત કરી, ખૂબ વહાલ કર્યું અને પછી બંને જણા રૂમની બહાર નીકળ્યા. અભય કાઉન્ટર પર બિલ ચૂકવવા ગયો ત્યારે રિસેપ્શનિસ્ટે એને કહ્યું કે, ‘‘ બિલ તો ચૂકવાઈ ગયું છે. સવારે એમની સાથે જે કપલ હતું એમણે બિલ ચૂકવી દીધું છે.’’

હારેલા-ભોંઠા પડેલા માણસની જેમ અભયે પ્રિયાને લઈને ડોક્ટર પારેખની ક્લિનિકની બહાર નીકળ્યો. એને સંભાળથી ગાડીમાં બેસાડી અને એના ઘર તરફ ગાડી લઈ લીધી.

આખે રસ્તે બંને જણા ચૂપચાપ હતાં. પ્રિયાની આંખોમાંથી હજુ આંસુ સરી જતાં હતાં. અભયે ગાડી ચલાવતા પોતાનો હાથ લંબાવીને પ્રિયાનો હાથ પોતાના હાથમાં લીધો, ‘‘પ્લીઝ, તું જેટલું રડીશ એટલો હું ગુનેગાર અનુભવીશ મારી જાતને.’’

‘‘મારું પહેલું સંતાન...’’ પ્રિયાનું ડૂસકું ફરી એક વાર છૂટી ગયું.

‘‘મારી ઉંમરનો વિચાર કર પ્રિયા. મારી મુશ્કેલીઓનો વિચાર કર અને ઈશ્વરનો આભાર માનકે જે થયું એ સારું જ થયું.’’

‘‘અભય, હું બધું જ સમજું છું, પણ સ્વીકારી નથી શકતી. ગઈ કાલ સાંજ સુધી મારું મન મક્કમ હતું. રાત્રે તમે ગયા ત્યાં સુધી, સવારે અહીં પહોંચી ત્યાં સુધી... પણ જ્યારે એનેસ્થેસિયાની અસર ઊતરી અને આંખ ઊઘડી ત્યારે લાગ્યું કે મારી અંદરથી કશુંક ફેંકાઈ ગયું છે. કશુંક ખાલી થઈ ગયું છે. મારી કુખ જેમાં થોડા જ કલાક પહેલાં એ જીવ ધબકતો હતો. પૃથ્વી પર આવવા તલપાપડ બે આંખો, બે હાથ ફેલાવીને મને મા કહેવા તત્પર એ જીવ હવે નથી રહ્યો... હું ચૂંથાઈ ગઈ અભય, હું વિખેરાઈ ગઈ છું...’’

‘‘સમજી શકું છું તારી વાત.’’

‘‘તમે સ્ત્રી નથી ને ? તમને નહીં સમજાય એક સ્ત્રીના પહેલા સંતાનનું એના માટે શું મહત્ત્વ હોય છે. એક જીવને જન્મ આપીને ઈશ્વરની લગોલગ બેસવાનો એ અહેસાસ મારી પાસેથી છીનવાઈ ગયો.’’

‘‘મને માફ કરી દે. પ્લીઝ ફરગિવ મી પ્રિયા, પ્લીઝ...’’ અભયની આંખો પણ પલળી ગઈ. એણે નીચલો હોઠ દાંત વચ્ચે એટલા જોરથી દબાવ્યો કે લોહીના ટશિયા ફૂટી આવ્યા, ‘‘આ છોકરી સ્ત્રી માટે એના પહેલાં સંતાનના જન્મની મહત્તા ગાતી હતી, કુંવારી છોકરી મારા સંતાનને જન્મ આપવા માટે દુનિયા સાથે લડવા તૈયાર હતી...’’

અને સાથે જ એને યાદ આવી ગયો એ દિવસ જ્યારે લજ્જાના જન્મ પહેલાં પ્રેગનન્સી કન્ફર્મ કરીને વૈભવી ઘેર આવી હતી.

‘‘લો, તમે બાપ બનવાના છો.’’ એણે રિપોર્ટનો કાગળ છૂટ્ટો ફેંક્યો હતો.

‘‘ઓહ માય ગોડ !’’ અભયે એને લગભગ ઊંચકી લીધી અને એના પેટ પર ચુંબનો કરવા માંડ્યાં, ‘‘તને ખબર છે, હું પોતે જાણે ફરી જન્મ લેવાનો હોઉં એવી ફિલિંગ આવે છે. હું અભય મહેતા બાપ બનીશ... દેવશંકર મહેતાની પેઢીનો પહેલો વારસદાર જન્મશે. આઇ એમ થ્રિલ્ડ ! આઈ એમ મેડ ! હું નીચે જઈને માને કહી આવું.’’ નીચે જતા અભયને વૈભવીએ હાથ પકડીને રોક્યો હતો.

‘‘એક મિનિટ, એમ ગાંડા થવાની જરૂર નથી.’’

‘‘શું થયું ?’’ અભયને વૈભવીનો ટોન સાંભળીને જરા નવાઈ લાગી હતી.

‘‘મને આ બાળક હમણાં નથી જોઈતું અભય.’’

‘‘નથી જોઈતું ? એટલે શું ?’’

‘‘ઓહ કમ-ઓન. નથી જોઈતું એટલે નથી જોઈતું. મારે હજી જિંદગી જીવવી છે, દુનિયા જોવી છે, આપણે અઠવાડિયા પહેલાં તો નક્કી કર્યું કે સાથે યુરોપ જવું છે... એમાં વળી આ પ્રેગનન્સી વચ્ચે ક્યાં આવી ? બધા પ્લાન ચોપટ થઈ ગયા.’’

‘‘આ આપણું પહેલું સંતાન છે.’’ અભયે એક એક શબ્દ છૂટો પાડીને કહ્યું.

‘‘તો ? બીજું આવશે, ત્રીજું આવશે, પાંચમું પણ આવશે, તમારી મદરનગી ખૂટી નથી પડી કે નથી હું ઘરડી થઈ ગઈ.’’

‘‘શટ-અપ.’’ અભયે કહ્યું,

‘‘ટૂંકમાં મને આ બાળક નથી જોઈતું.’’

‘‘તો શું કરીશું ?’’ બધુ સમજતો હોવા છતાં અભયે પૂછ્‌યું.

‘‘અબોર્શન ! ઝાઝી હો-હા કર્યા વિના, ચૂપચાપ વાતનો નિકાલ કરી દેવાનો.’’

‘‘વાત ? નિકાલ ? આ મારું સંતાન છે વૈભવી !’’

‘‘પણ જન્મ મારે આપવાનો છે. નવ મહિના મારે વેંઢારવાનું છે અને પછી મોટું પણ મારે જ કરવાનું છે. પીડા મારે જ સહન કરવાની છે. શરીર મારું બગડવાનું છે... તમારે શું છે ?’’

‘‘આ સંતાન જન્મ લેશે વૈભવી અને એ વિશે આગળ ચર્ચા નહીં થાય. અબોર્શનનામનો શબ્દ મહેતા ખાનદાનમાં કોઈ ક્યારેય બોલ્યું નથી અને હવે પછી બોલવાની િંહમત ન કરતી.’’ અભયે કહ્યું અને પછી રિપોર્ટ લઈને નીચે ઊતરી ગયો.

ગાડી ચલાવતા અભયે પોતાના હાથમાં પકડેલો પ્રિયાનો હાથ દબાવ્યો, એટલા જોરથી કે પ્રિયાથી ચીસ પડાઈ ગઈ...

‘‘શું વિચારે છે ?’’

‘‘કંઈ નહીં.’’ ગાડી પ્રિયાના ઘરની સામે આવી ગઈ હતી. અભય એને લઈને હળવેથી ઉપર ચડ્યો. એને બેડરૂમમાં સુવાડી અને થોડી વાર એની પાસે બેઠો, ‘‘હવે જાઉં ડાર્લિંગ ?’’ અભયના અવાજમાં અનિચ્છા સ્પષ્ટ હતી, પણ ઘરે મહેમાનોની હાજરીમાં વધુ તાયફો ન થાય એ ભય એને કોરી ખાતો હતો.

‘‘થોડી વાર ?’’ પ્રિયાના અવાજમાં નાના બાળક જેવી આજીજી હતી. અભય કશું બોલી ના શક્યો. એ ચૂપચાપ પ્રિયાના માથમાં હાથ ફેરવતો રહ્યો. એનેસ્થેસિયાની અસરના કારણે કે અભયની હાજરીથી સુખ અનુભવતી પ્રિયા ઘસઘસાટ ઊંઘી ગઈ ત્યાં સુધી અભય એને વહાલ કરતો રહ્યો. પછી એક નાનકડી નોટ લખીને એની બાજુમાં મૂકી અને સહેજ પણ અવાજ ન થાય એમ ત્યાંથી બહાર નીકળી ગયો.

ગાડીમાં બેસીને ક્યારનું રોકી રાખેલું અભયનું રૂદન છૂટી પડ્યું. નાનું બાળક રડે એમ ધ્રૂસકે ધ્રૂસકે, જોરજોરથી પોક મૂકીને રડતા અભયને જો કોઈએ જોયો હોત તો કદાચ એની પીડાનો અંદાજ આવી શકત...

લગભગ સાંજ પડવા આવી હતી. ધીમે ધીમે વાતાવરણ જાણે પોતીકું-લાગણીભીનું થતું જતું હતું. અભય, અજય, અંજલિ, જાનકી, રાજેશ અને એમનાં સંતાનો બધાં જાણે હળવે હળવે સૂર્યકાંતની નજીક આવતાં જતાં હતાં. બધાંના બાળપણની વાતો, દેવશંકર મહેતાની વાતો, ગોદાવરી દાદીની વાતો અને ભૂતકાળનાં એક પછી એક પડ ઉકેલાતાં જતાં હતાં. સમય જાણે બે દાયકા પાછળ જતો રહ્યો હતો.

‘‘લોહીનો સંબંધ કેટલી અજબ વસ્તુ છે ?! ’’ વસુમા મનોમન વિચારી રહ્યાં હતાં. ‘‘જે સંતાનો પચીસ-પચીસ વર્ષ પિતાથી દૂર રહ્યાં એ સંતાનો અચાનક જ જાણે એમને વર્ષોથી મળતાં રહ્યાં હોય એટલાં હેવાયાં થઈ ગયાં છે....!’’

એક અલય જે કોઈ રીતે આ ટોળામાં ભળી નહોતો શકતો. એનું મન વારેવારે ત્યાંથી ભાગી જવા બેબાકળું થઈ ઊઠતું હતું. આ આનંદ વાતો, આ કુટુંબનો મેળો, આ પિતાના ખોળામાં ટેકો દઈને બંને બાજુ બેઠેલી અંજલિ અને લક્ષ્મી, જાનકી, અજય, અભય... એને જાણે મા સાથે દગો કરતા હોય એવું લાગતું હતું. વારંવાર એનું મન બળવો કરવી ઊઠતું હતું કે એ ત્યાં ઊભો રહીને બૂમો પાડે, જોર જોરથી પૂછે, ‘‘જે માએ આટલાં વર્ષો તમને ઉછેરવામાં જાત ઘસી નાખી એ માનાં દુઃખો-ફરિયાદો ભૂલીને એકદમ જ પિતાની સ્વીકારી લીધા તમે ? અરે એમને પૂછો તો ખરા કે કયા વાંકે મૂકી ગયા હતા અમને ? કયા વાંકે અમે વંચિત રહ્યા અમારા પિતાના પ્રેમથી? કયા વાંકે અમારે લોકોની આંખો અને ટોણાનાં તીર સહેવા પડ્યાં ? તમે જ્યારે ત્યાં અમેરિકામાં બીજાં લગ્ન કરીને સંસાર શરૂ કર્યો ત્યારે મારી મા અહીં નોકરી કરીને જાત ઘસતી હતી... તમે જ્યારે ત્યાં અમેરિકન સંતાનોને લાડ કરતા હતા ત્યારે અમે અહીં નાના-નાના અભાવોમાં િંજંદગીની તડજોડ શીખતા હતા... કેમ કર્યું તમે આવું ? કોઈ તો પૂછો એમને...’’

અલયના ચહેરાના હાવભાવ એકદમ તંગ થઈ ગયા હતા. બાકીના બધા સૂર્યકાંત સાથે વાતો કરતા હતા, પરંતુ અલય જમ્યા પછી એક અક્ષર પણ બોલ્યો નહોતો... જે સૂર્યકાંતની નજરની બહાર નહોતું. એમણે વિચાર્યું હતું કે એ ધીમે રહીને, હળવે હળવે અલયને પોતાની નિકટ લેશે...

ને નહોતાં બોલ્યાં એક વસુમા !

જમતી વખતે એમણે જે છેલ્લી વાત કરી અને લક્ષ્મીએ એમને વહાલ કરી દીધું એ પછી વસુમા એક અક્ષર નહોતા બોલ્યાં. ચૂપચાપ સંતાનોની સાથે ડ્રોઇંગરૂમમાં બેઠાં હતાં. થતી વાતો સાંભળી રહ્યાં હતાં, પણ ક્યાંય એક શબ્દ પણ નહોતાં બોલ્યાં...

‘‘તમારા દાદાજી ખૂબ કડક સ્વભાવના હતા. એમણે કદી કોઈને પોતાની સામે દલીલ કરવાની તક આપી જ નહીં... એ કહે તે ફાઈનલ. એમાં કોઈ ફેરફારને અવકાશ જ નહીં.’’ સૂયકાંત બોલી રહ્યા હતા.

‘‘પણ એવું તો કેવી રીતે ચાલે ?’’ આદિત્યએ પોતાના જમાનાની માનસિકતાથી કહ્યું, ‘‘દરેક માણસને ઇન્ડિવિજ્યુઅલ વિચારો હોય, ગમા-અણગમા હોય, એની વાત તો સાંભળવી જોઈએ ને?’’

‘‘અમારા જમાનામાં એવું નહોતું બેટા, મા-બાપ કહે તે ભણો, મા-બાપ કહે તે કરો, મા-બાપ કહે ત્યાં પરણી જાવ અને મા-બાપ કહે એમ જીવો.’’

‘‘પણ જિંદગી તો આપણી હોય ને ? આપણને ગમે એમ જીવવાનું. હું તો ક્યારેય ના માનું. પૂછી જુઓ મમ્મીને... હું આજે પણ મને ગમે એમ જ કરું છું. ’’ લજ્જાએ કહ્યું.

‘‘વિદ્રોહ એ ગુણ છે આપણા કુટુંબનો, બેટા...’’ સૂર્યકાંતે અલય તરફ જોઈને કહ્યું, ‘‘પિતા જે માને એને પુત્રઉથાપે એ દેવશંકર મહેતાના કુટુંબની પરંપરા છે કદાચ...’’

‘‘બાપુ, આટલાં વર્ષો તમને ઘરે આવવાનું મન ના થયું ?’’ બપોરથી છાતીને ભીંસી નાખતો સવાલ આખરે અજયે પૂછી જ નાખ્યો.

‘‘ઘેર આવવાનું મન કોને ન થાય બેટા ? પણ એક પછી એક પ્રસંગો એવા બનતા ગયા કે મારો પગ વધુ ને વધુ બંધાતો ગયો... જ્યારે જ્યારે એવું વિચાર્યું કે પાછા આવવું છે ત્યારે કંઈક એવું બન્યું કે જે વાતે મને રોકી લીધો.’’

‘‘પણ બાપુ, એક ફોન કરી શક્યા હોત, પત્ર લખી શક્યા હોત પણ તમે તો અમારી તપાસ પણ ના કરી.’’ અંજલિના અવાજમાં સ્પષ્ટ ફરિયાદ હતી.

‘‘બેટા, હું કહીશ તો તમે માનશો નહીં, પણ મારો ગુનો એવડો મોટો હતો કે મારી હિંમત જ નહોતી થતી...દરેક વખતે મન પાછું પડતું અને એમાંય તમારી માનો દબદબો, એનો સત્યાગ્રહ, અને એના સિદ્ધાંતો...’’

‘‘એમના સિદ્ધાંતોએ તો અમને બધાયને બહુ તકલીફ આપી છે પપ્પાજી.’’ વૈભવી બોલી ઊઠી.

‘‘વસુ, તું હજીયે એમ જ જીવવા માગે છે ? એકલી ? તારા કિલ્લામાં બંધ. બીજાઓની સમસ્યા સમજ્યા વિના ?’’ આખરે સૂર્યકાંત મહેતાએ સીધો વસુમાને પ્રશ્ન પૂછી નાખ્યો.

‘‘મને લાગે છે કે મને પુછાયેલા સવાલનો જવાબ તો તમે જ આપી દીધો છે...’’

‘‘સાદી ભાષામાં સરળ વાત કર. હું તારા જેટલો બુદ્ધિશાળી નથી.’’ વાત તો હસતાં હસતાં કહેવાઈ હતી, પણ એની પાછળ રહેલો અર્થ વસુમા સમજ્યાં હતાં. આ વાત પચીસ વર્ષ જૂની વાત હતી. વસુંધરાની બુદ્ધિ, એનો આત્મવિશ્વાસ, એની હિંમત, એનો સત્ય માટેનો આગ્રહ... હંમેશાં સૂર્યકાંત માટે ટોણા મારવાનું કારણ હતા...

‘‘બહુ સાદી ભાષામાં કહું કાન્ત ? તો હવે મારી જિંદગીનાં વર્ષો જ કેટલાં બચ્યાં છે ? આટલાં વર્ષ આમ જ જીવી છું તો હવે આમ જ જીવું ને? ને કાન્ત, મારા સિદ્ધાંતો મારાથી અલગ નથી... એ મારા હોવાનો ભાગ છે. હું જીવીશ ત્યાં સુધી મારી માન્યતાઓ અને મારા સિદ્ધાંતો એમ જ રહેશે !’’

‘‘મા, આને જીદ કહેવાય.’’ વૈભવીને જાણે ધીમે ધીમે ઘી હોમવાની મજા પડવા લાગી હતી.

‘‘ભાભી, આને જે કહેવાય તે... આ મારી માના સિદ્ધાંતો છે અને એ બધા જ એમ જ રહેશે.’’ અલયે જાણે વાત બંધ કરી દીધી.

એ જ વખતે અલયનો મોબાઈલ રણકી ઊઠ્યો. ‘‘બોલ.’’ અલયે ફોન ઉપાડ્યો.

‘‘જાન... જાન... જાન... આઈ એમ મિસિંગ યુ...’’

‘‘આવી જા.’’

‘‘ખરેખર ?’’

‘‘હા, હા, તારી પણ ઓળખાણ કરાવી જ દઉં.’’

‘‘શું કહીશ ?’’

‘‘તું આવ એટલે કહી દઈશ.’’

‘‘કોણ ? શ્રેયા છે ?’’ જાનકીએ પૂછ્‌ુયું, ‘‘એને બોલાવી જ લો. પપ્પાજીની ઓળખાણ પણ થઈ જાય.’’

‘‘કોણ છે ?’’ લક્ષ્મીએ પૂછ્‌યું.

‘‘શ્રેયા છે. અલયભાઈ એની સાથે લગ્ન કરવાના છે.’’ જાનકીએ કહ્યું. પછી ઈશારાથી અલય પાસે ફોન માગ્યો, ‘‘આવી જ જા શ્રેયા, અમે તો સવારથી તારી રાહ જોઈએ છીએ.’’

‘‘તમારા દિયરે ક્યાં બોલાવી મને.’’

‘‘આ ઘરમાં તને બોલાવવી પડે ? મારા જેટલો જ હક બને છે તારો...’’

‘‘હા, હા, આમ તો બધું પતી જ ગયું છે. માત્ર લગ્નની વિધિ બાકી છે.’’ વૈભવી બબડી. વસુમાએ માત્ર એની સામે જોયું. એ નજરમાં કશુંક એવું હતું જેનાથી વૈભવીને સમજાઈ ગયું કે હવે એક વાક્ય પણ ખતરનાક સાબિત થશે. એટલે એણે તરત જ હસીને બાજી પલટી નાખી, ‘‘બહુ સરસ છોકરી છે. આપણી સામે જ રહે છે. અલયભાઈને બહુ ચાહે છે... મને પણ બહુ ગમે છે.’’

‘‘એનાથી મને બહુ ફેર નથી પડતો.’’ અલયે કહ્યું અને જાનકી પાસેથી ફોન લઈ લીધો, ‘‘ેકેટલી વારમાં પહોંચે છે ?’’

‘‘દસ મિનિટ...’’ અલયે ફોન બંધ કરીને ટેબલ પર મૂક્યો.

એ જ વખતે એનાથી લક્ષ્મી સામે જોવાઈ ગયું. ‘‘બોલ’’ કહ્યા પછી લક્ષ્મીનું હૃદય ધડકી ઊઠ્યું હતું. ગઈ કાલે રાત્રે વાત થયા પછી આજના આખા દિવસમાં એણે નિરવનો અવાજ નહોતો સાંભળ્યો. અલયના મોબાઈલ પર વાગેલી રિંગથી લક્ષ્મીને જાણે આશા બંધાઈ હતી.

અલયે ફોન કાપીને લક્ષ્મી સામે જોયું. લક્ષ્મીએ જે રીતે એની સામે જોયું એ આંખમાં જે સવાલ અને જે ભોળપણ હતું એનાથી અલયને હસવું આવી ગયું. એના ચહેરા પર એક વહાલસોયું સ્મિત આવીને સ્થિર થઈ ગયું. નહીં પુછાયેલો એ સવાલ જાણે અલયને સમજાઈ ગયો હતો.

‘‘નિરવને ફોન કરું ?’’ એણે પોતાના નકારાત્મક વલણને ક્ષણભર માટે બાજુએ મૂકીને લક્ષ્મીને સીધું જ પૂછી નાખ્યું, ‘‘બોલાવવો છે એને અહીંયા ?’’

‘‘અહીં ?’’ લક્ષ્મી જરા શરમાઈ ગઈ.

‘‘નિરવ ઓળખે છે લક્ષ્મીને ?’’ અભયે પૂછ્‌યું. એ શરમાળ સ્મિત પાછળ નહીં કહેવાયેલી વાત કદાચ અભયને સંભળાઈ ગઈ હતી, ‘‘બોલાવ ને, આમ પણ આપણા ઘરનો એ એક જ સભ્ય બાકી રહી ગયો છે...’’

‘‘લો તમે જ ફોન કરો.’’ અલયે મોબાઈલ લગાડીને લક્ષ્મીના હાથમાં આપ્યો. લક્ષ્મી કાને ધરીને રિંગનો અવાજ સાંભળતી રહી.

‘‘નાલાયક ! અત્યારે ટાઇમ મળ્યો છે. સવારથી કેટલી ચિંતા કરતો હતો તારી ? સીધો રહ્યો કે જાત બતાવી તે ?’’

‘‘જી ?!’’

‘‘ઓહ !’’ નિરવનો અવાજ સાવ બદલાઈ ગયો, ‘‘તમે ? તું છે?’’

‘‘તમે... તું... અહીં આવો છો ?’’

‘‘અહીં એટલે ક્યાં ?’’ નિરવે પૂછ્‌યું, ‘‘શ્રીજી વિલા ? સાડા પાંચ થયા છે. ટ્રાફિકમાં આવતા મને સાડા સાત- આઠ વાગશે. એને બદલે તું, અલય અને શ્રેયા અહીં આવો. આપણે તાજની આસપાસ જ ક્યાંક મળીએ.’’

‘‘હા, હું અલયભાઈને આપું.’’ એણે ફોન અલયને આપ્યો.

‘‘ગધેડા, આમ સીધો ફોન એને અપાય ?’’

‘‘તો જ એને તારું સાચું રૂપ ખબર પડે ને ?’’ અલય શ્રેયાના ફોનથી થોડોક અને નિરવના ફોનથી સાવ હળવો થઈ ગયો હતો.

‘‘તમે લોકો આ તરફ આવો. આપણે મળીએ.’’

‘‘આપણે નહીં...’’ અલયે આગળ બોલવાનું ટાળ્યું.

‘‘હા, તું જે સમજે તે. હું આઠ વાગ્યે હાર્બર બારની બહાર તમારી રાહ જોઈશ.’’

‘‘અરે પણ...’’

‘‘આઠ વાગે... હાર્બર બાર.’’ ફોન કપાઈ ગયો હતો.

અભયનું મન ફરી ઊંચું-નીચું થવા લાગ્યું હતું. એને ફરી પ્રિયા પાસે જવું હતું. એણે હળવેકથી ટેબલ પર પડેલો અલયનો ફોન ઉઠાવ્યો અને પોતાનો ફોન ટેબલ પર મૂક્યો અને બાથરૂમ તરફ આગળ વધી ગયો. બાથરૂમ તરફ જઈને એણે પોતાનો નંબર જોડ્યો. વૈભવી એનો ફોન ઉઠાવવા આગળ વધી પણ બાથરૂમમાં ગયા વિના અભય દોડતો પાછો આવ્યો અને વૈભવી ફોન ઉઠાવે એ પહેલાં જ ઝપટ મારીને ફોન લઈ લીધો.

‘‘હલ્લો ! એક વાર તો કહ્યું કે આજે મારાથી નહીં અવાય. હું બિઝી છું...’’ અને પછી કોણ જાણે શું અષ્ટમપષ્ટમ વાત કરીને ફોન મૂકી દીધો. ‘‘મારે જરા ફરીથી જવું પડશે.’’

‘‘નો પ્રોબ્લેમ...’’ સૂર્યકાંતે કહ્યું.

‘‘ફરી ક્યાં જાવ છો ?’’

‘‘કામે.’’ અને અભય ઘરની બહાર નીકળી ગયો. ક્યારના અભયની આ આવન-જાવન જોઈ રહેલાં અંજલિ તથા રાજેશ મનોમન ઘણું બધું સમજતાં હતાં પણ માત્ર એકબીજા સામે જોઈને ચૂપ રહેવાનું જ યોગ્ય માન્યું હતું.

રાત્રે દોઢ વાગ્યે તાજના હાર્બર બારની બહાર શ્રેયા, અલય, નિરવ અને લક્ષ્મી છૂટા પડતાં હતાં ત્યાં સુધીમાં શ્રેયાએ અલયને ખાસ્સો હળવો કરી નાખ્યો હતો. લક્ષ્મી માટેની જે કોઈ નકારાત્મકતા એના મનમાં હતી એ હળવે હળવે ઓગળવા લાગી હતી, જેમાં થોડુંક લક્ષ્મીનું ભોળપણ જવાબદાર હતું અને થોડાક શ્રેયાના પ્રયત્નો...

બધા એકબીજાને આવજો-આવજો કરતા હતા એ જ વખતે એક છોકરીએ બૂમ પાડી, ‘‘ટેક્સી...’’

પણ ટેક્સી ઊભી ના રહી.

‘‘શીટ.’’ અવાજ નશામાં ડૂબેલો હતો અને જાણીતો પણ... અલયે પાછળ જોયું. એ અનુપમા ઘોષ હતી. કપડાં અસ્તવ્યસ્ત... વાળ વિખરાયેલા અને નશામાં ધૂત... અનુપમા રસ્તા પર ટેક્સી માટે ફાંફા મારતી હતી !

એક કરોડ રૂપિયાની હિરોઈને અડધી રાતે સાવ એકલા-અટૂલા રસ્તા પર તાજની બહાર ફૂટપાથ પર ફરી એક વાર બૂમ પાડી, ‘‘ટેક્સી...’’ અને એક લથડિયું ખાધું. લગભગ પડવાની તૈયારીમાં હતી એ.

અલયે નિરવ સામે જોયું અને પછી એક પણ ક્ષણ ગુમાવ્યા વિના જઈને અનુપમાને પકડી લીધી.

‘‘થેન્ક યુ.’’ અનુપમાએ અલયની સામે જોયા વિના કહ્યું.

અનુપમા ઘોષને પોતાના હાથમાં પકડ્યાનો રોમાંચ અલયના રોમરોમમાં વ્યાપી ગયો હતો... આ જ તક હતી અને આ જ સમય !

(ક્રમશઃ)