Yog-Viyog - 13 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 13

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

યોગ-વિયોગ - 13

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ - ૧૩

અંજલિ કોઈ પણ હિસાબે વસુમા અને ભાઈઓ સાથે હરિદ્વાર જવા માગતી હતી. એની પ્રેગનન્સીની સાવ શરૂઆત હતી. પેટમાં પાણીયે ટકતું નહોતું. ખાવાનું, જ્યૂસ, દૂધ, ફ્રુટ્‌સ- બધું જ નીકળી જતું. થોડી નબળી પણ થઈ ગઈ હતી. એના ડૉક્ટરે એને પ્રવાસ કરવાની ના પાડી, અને સમજાવી કે પ્રેગનન્સીના શરૂઆતના ત્રણ મહિના સાચવી લેવા અનિવાર્ય છે. ત્યારથી જ એનું મન ઉદાસ થઈ ગયું હતું.

વસુમા અને ભાઈઓ નીકળ્યા ત્યારે એ ખૂબ રડી.

વસુમા અને ભાઈઓ ગયા એ પછી પોતાના ઘરે જઈને એને ફરી ઊલટી થઈ. ભયાનક ચક્કર આવવા માંડ્યાં અને છતાં ટેબલ પર બેસીને એ ક્યાંય સુધી રડતી રહી... રાજેશ એને સમજાવતો રહ્યો...

ડૂસકાં ભરીને રડતી અંજલિનો મોબાઇલ રણક્યો. એણે ફોન ઉપાડ્યો.

“હલ્લો...”

“હલ્લો...” સામેથી પહાડની ગુફાઓમાંથી આવતો હોય એવો ઘેરો-ઘૂંટાયેલો એક અવાજ આવ્યો. આ અવાજને ભારતના જ નહીં, વિશ્વના તમામ સંગીતપ્રેમીઓ જાણતા હતા... માનતા હતા ! “હલ્લો... અંજલિ ?” એ અવાજે ફરી કહ્યું.

“તું... તમે ?” અંજલિએ કહ્યું અને પછી સ્તબ્ધ થઈ ગઈ. જાણે મૂર્તિ હોય એમ... કોઈ ચિત્રમાં ચીતરી હોય એમ અંજલિ સ્થિર થઈ ગઈ હતી...

“કોણ છે ?” રાજેશે પૂછ્‌યું.

“હં...” અંજલિ હાથમાં ફોન પકડીને ડઘાયેલી ઊભી હતી. “કોણ છે ?” રાજેશે ફરી પૂછ્‌યું.

“હલ્લો...” અંજલિએ કહ્યું, “હલ્લો... હલ્લો... હલ્લો...” જાણે સામેથી કશું સંભળાતું ન હોય એમ અંજલિ બૂમો પાડતી રહી.

સામેથી જવાબ આવતો રહ્યો, “હલ્લો અંજલિ... અંજલિ, હું બોલું છું...”

પણ અંજલિએ ફોન કાપી નાખ્યો.

“કોણ હતું ?” રાજેશે પૂછ્‌યું.

“કોને ખબર... કંઈ સંભળાયું નહીં.” અંજલિએ કહ્યું અને પછી ફોન સ્વિચ ઑફ કરી નાખ્યો...

એનું રડવાનું તો ક્યારનું બંધ થઈ ગયું હતું. હવે એનું મન જાણે બીજી જ દિશામાં પ્રવાસ કરવા લાગ્યું હતું. આવેલા ફોનમાં સાંભળેલો અવાજ એને રહી રહીને સંભળાતો હતો. જાણે એના ડ્રોઇંગરૂમમાં એ અવાજ કેરમના બોર્ડ પર કેરમની કૂકરી એક દીવાલથી બીજી દીવાલે જઈને અથડાય એમ આમથી તેમ અથડાઇ રહ્યો હતો.

સાગરની ગૂંજ જેવો ઘેરો, ગંભીર અને સૂરીલો એ અવાજ અંજલિને બેચેન કરી રહ્યો હતો. એણે આવી રીતે ફોન મૂકી દેવો પડ્યો એ વાતે એનું મન વિચલિત થઈ ગયું હતું.

કેટલાં વર્ષો પછી સાંભળ્યો આ અવાજ. કેમ ફોન કર્યો હશે એણે ?

“ડાર્લિંગ... તું થોડી વાર આરામ કર. સવારે ઊઠી ત્યારથી પીઠ લંબાવીને આડી જ નથી પડી. યાદ છે ને ડૉક્ટરે શું કહ્યું છે ?”

“તેલ પીવા જાય તમારો ડૉક્ટર.”

“અરે ! અહીં ક્યાં દારૂબંધી છે ? તેલ શું કામ પીએ બિચારો?” રાજેશે અંજલિને હસાવવાનો પ્રયાસ કર્યો. એ હસી નહીં, ઊલટાના એની આંખોમાં પાણી આવી ગયાં. રાજેશ જરા ઝંખવાઈ ગયો.

“તું પલંગમાં પગ ઊંચા રાખીને થોડી વાર સૂઈ જા. પ્લીઝ...”

“મને ઊંઘ નથી આવતી.”

“ઊંઘી જવાનું કોણ કહે છે ? આરામ કર.”

“સારું કરીશ. તમારે ઑફિસ નથી જવાનું ?”

“મને તો મોડું થાય છે, પણ તું જરા સારા મૂડમાં આવે તો જાઉં ને... તને ખબર છે ને તારી આંખોમાં આંસુ જોયાં પછી મને આખો દિવસ કામ કરવાનું મન નથી થતું.”

“નહીં રડું, તમે જાવ.”

“પ્રોમિસ ?”

“પ્રોમિસ !”

“ગુડગર્લ...” રાજેશે અંજલિનો ગાલ થપથપાવ્યો. “તો હું જાઉં ?”

“હા.”

“સાંજે વહેલો આવીશ હોં... તને ચાઈનીઝ ખાવા લઈ જઈશ.” રાજેશ ઊભો થયો. એને બૅગ લઈને બહાર નીકળવા લાગ્યો. “જય શ્રી કૃષ્ણ...”

“જય શ્રી કૃષ્ણ...” રાજેશ જેવો ફ્‌લેટનો દરવાજો ઉઘાડીને બહાર ગયો કે અંજલિએ નિરાંતનો શ્વાસ લીધો. એને પેલા અવાજની સાથે એકલા પડવું હતું. આ ઘરમાં પડઘાતો એ અવાજ એના માથામાં હથોડાની જેમ વાગતો હતો. ફોન તો સ્વિચ ઑફ કરી નાખ્યો એણે, પણ એનું સમગ્ર અસ્તિત્વ રાજેશ ક્યારે બહાર જાય અને ક્યારે એ પેલા આવેલા નંબર પર ફોન કરે એની રાહ જોતું તરફડતું હતું.

એના ઘરની દીવાલો ઉપર એને જાણે એક ચહેરો દેખાવા માંડ્યો હતો. આ દેશની કે વિદેશની સંગીત વેચતી એક પણ દુકાનમાં આ ચહેરાના ફોટા છાપેલી સી.ડી. અને કેસેટ ન હોય એવું શક્ય જ નહોતું ! આ ચહેરા અને આ અવાજે ગઝલની દુનિયામાં એક નવી વ્યાખ્યા આપી હતી. સાવ નવું, પણ એક એવું નામ હતું આ કે જે આ દેશના સંગીતપ્રેમીઓનાં દિલમાં ધડકવા લાગ્યું હતું...

શફ્‌ફાક !... આ નામ ગઝલ અને શાસ્ત્રીય સંગીતના જગતમાં આદરપૂર્વક લેવાવા લાગ્યું હતું. માત્ર ૩૨ વર્ષની નાનકડી ઉંમરે આ છોકરો સફળતાનાં શિખર પર શિખર સર કરી રહ્યો હતો. ગઝલપ્રેમી ઘરોના ડ્રોઇંગરૂમની મ્યુઝિક સિસ્ટમ્સ આ અવાજથી ગૂંજી ઊઠતી હતી !

આ ચહેરો, આ નામ, આ અવાજ અંજલિ ખૂબ સારી રીતે ઓળખતી હતી એમ કહીએ તો ચાલે ! આ નામ, આ ચહેરો, આ અવાજ અંજલિની યુવાનીનો, એના સંગીતના સૂરીલા દિવસોનો, એના ભવ્ય ભૂતકાળનો એક એવો સાક્ષી હતો જેનો સૂર અંજલિના સૂરમાં મળતાં મળતાં અચાનક જ બેસૂરો થઈ ગયો હતો...

એણે ફોન સ્વિચ ઑન કર્યો.

રિસિવ્ડ નંબર્સમાં જઈને પેલો નંબર જોયો. નંબર જોડું કે નહીં એની અવઢવમાં ગૂંચવાતી અંજલિ મોબાઈલનું નાનકડું ઇન્સ્ટ્રુમેન્ટ હાથમાં પકડીને એની સામે એકીટશે જોઈ રહી હતી ત્યારે ફરી રિંગ વાગી. ફોન રિસિવ કરવો કે નહીં એના અવઢવમાં અંજલિએ થોડી વાર રિંગ વાગવા દીધી...

પછી, ફોન કાને લગાડીને કહ્યું, “હલ્લો...”

“હલ્લો... અંજલિ છે ?”

“બોલ...હું અંજલિ છું.”

“ઓહ ! હું તારો અવાજ ઓળખી ના શક્યો.”

“ખરી વાત છે. આ અવાજ હવે ભુલાઈ ગયો છે- મને પોતાને પણ...”

“અંજલિ, એમ ભુલાઈ શકાતું હોત તો કેટલું સારું થાત. માણસની સ્મૃતિ જ માણસનો સૌથી મોટો દુશ્મન છે.”

“ખરેખર તો યાદ રાખીને ફાયદો નથી થતો- કોઈનેય...”

“બહુ બદલાઈ ગઈ છે તું. વેપારી પતિની સાથે રહીને એક કલાકાર છોકરી ફાયદા-નુકસાનની ભાષા બોલવા લાગી છે.”

“શું કરું- અહીં આ જ ભાષા સમજે છે બધાં...”

“ને તું ? તુંં તો સમજે છે ને ?

“શફી, સમજદારી જ બહુ દુઃખ આપતી હોય છે. નાસમજ માણસો સરવાળે સુખી થતા હોય છે.”

“અંજલિ, એક વાર... એક વાર- મળી ન શકાય ?”

“તું મળીશ મને ? તારી સફળતામાંથી, તારી વાહ વાહીમાંથી, તારા ભરચક કાર્યક્રમોમાંથી સમય મળશે તને ? શફ્‌ફાક અખ્તર... દુનિયા પૂજે છે તને !”

“આ તો તારી જગ્યા છે. અનાયાસે મળી મને. બાકી ગુરુજીએ આ સપનું તારા માટે જોયું હતું.”

“સપનું...” કડવું હસી અંજલિ. “સપનાં જોવા પર ક્યાં પ્રતિબંધ હોય છે, માત્ર એને સાચાં પાડવાની જીદ નહીં રાખવાની.”

“કેટલાંક સપનાં મોડાં મોડાં પણ સાચાં પડતાં હોય છે... પાડી શકાય...”

“ના શફી, જેમાં માત્ર પીડા હોય- વર્ષો સુધી રાહ જોયા પછીયે તરસ્યા પાછા વળવાની નિરાશા હોય- એ સપનાં જોઈનેય શું કામ ? શું કામ ખંડેરોના ઝરૂખે દિવા કરે છે ? ભેંકાર છે બધું- લીવ મિ અલોન ઇન માય વર્લ્ડ... તારી અને મારી દુનિયા જુદી છે. હવે આપણા રસ્તા પણ જુદા છે.”

“અંજલિ, આપણે સારાં મિત્રો હતાં, આપણે સારાં મિત્રો રહી શકીએ.”

“શફી, શા માટે છેતરે છે, મને અને તારી જાતને ?”

“અંજલિ, મારે તને મળવું છે. મારે... મારે તને કહેવું છે- ઘણું બધું. સાંભળવું છે કેટલુંયે તારી પાસે... હું આજે મુંબઈમાં છું- જે.ડબ્લ્યુ. મેરિયટમાં. તારા ઘરની સાવ પાસે... થોડીક વાર માટે...”

અંજલિએ વચ્ચે જ કહ્યું, “પણ કાલે હું બહારગામ જાઉં છું- મારા પતિ સાથે, પરદેશ.”

“સાચું બોલે છે ?”

“ના! જો શફી, હવે કશું જ કહેવા-સાંભળવાનો અર્થ નથી રહ્યો.’’

“ક્યાં જાઉં ? કેમ કાઢીશું આ જિંદગી એવોય વિચાર નથી આવતો ?”

‘’હું મારી જાતને એક સારી પત્ની સાબિત કરવાનો પ્રયત્ન કરીશ અને તું ઉચ્ચ કોટિનો કલાકાર સાબિત થવા પ્રયત્ન કર... આપણી દિશાઓ અલગ છે- આપણા રસ્તાઓ જુદા છે... તું ખૂબ આગળ વધે, ખૂબ સફળ થાય એવી શુભેચ્છા છે- મારી.”

“મારી સફળતાની ક્ષણો ખૂબ કપરી હોય છે, ખાસ કરીને કોઈકની આંખોમાં આંખો નાખીને જોવું હોય ત્યારે...”

“શફી, આ બધી જ વાતો- આ બધી જ લાગણીઓ જ્યાં પહોંચે છે ત્યાં એક બોર્ડ છે, તને નહીં વંચાતું હોય કદાચ- પણ એના પર સ્પષ્ટ લખ્યું છે- ડેડ ઍન્ડ... આગળ રસ્તો બંધ છે...’’

“પણ અંજુ...”

“ગુડબાય શફી..પણ, કોઈ એક અંજલિ- કોઈ એક શફીની સફળતા- હંમેશાં ઝંખતી રહેશે- એટલું વિચારીશ તો એ સફળતાની ક્ષણો કપરી નહીં લાગે તને- આવજે... અને બને તો હવે, અચાનક અમસ્માતે પણ નહીં મળી જતો મને...”

અંજલિએ કહ્યું અને ફોન બંધ કર્યો. એના શ્વાસ તેજ થઈ ગયા હતા. ડૂમો ભરાઈ આવ્યો તો. આંખોના ખૂણા પલળી ગયા હતા...

એને લાગ્યું કે આ ઘરની દીવાલો એની નજીક ને નજીક ખસી રહી હતી. એક અવાજ દીવાલોને અથડાતો, આમથી તેમ થતો એની નજીક ને નજીક આવતો જતો હતો. એને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી...

એણે રાજેશનો નંબર જોડ્યો.

“બોલ જાન !” રાજેશે કહ્યું.

“કાંઈ નહીં... એમ જ !” અંજલિનો અવાજ જાણે ભરાઈ આવ્યો હતો. રાજેશ વિચલિત થઈ ગયો.

“શું થાય છે બેબી ? ઘરે આવી જાઉં ?”

“ના, ના...” અંજલિએ આંસુ લૂછી નાખ્યાં.

“બેબી, આર યુ ઓ.કે. ?” રાજેશે પૂછ્‌યું.

“હા, હા...”

કોણ જાણે કેમ રાજેશના મનમાં અંજલિની વાત પર વિશ્વાસ ના બેઠો. એણે ફરી પૂછ્‌યું, “તબિયત તો સારી છે ને ?”

“તમે... તું... આજે જલદી આવજે.”

“હા, હા, ચોક્કસ. પણ કેમ ?”

“તું બહુ યાદ આવે છે.” અંજલિએ કહ્યું. રાજેશને એટલું સમજાયું કે એ રડી રહી હતી, પણ એણે એ રૂદનને સવારની વાત સાથે જ જોડ્યું.

“હું ચોક્કસ વહેલો આવી જઈશ, પ્લીઝ તું રડ નહીં... તને ખબર છે ને આઈ લવ યુ.”

“હં...” અંજલિ એટલું જ કહી શકી અને પછી અંજલિએ કશું જ કહ્યા વિના ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. કેટલાંય વર્ષો પછી સાંભળેલા આ અવાજે અંજલિને એક સપનું યાદ કરાવી દીધું હતું.એ સપનું જેને અંજલિએ સાવ બાળપણથી પંપાળ્યું હતું. એ સપનું, જે અંજલિના જીવનનું ધ્યેય હતું. એ સપનું, જેને માટે અંજલિએ જાત ન્યોચ્છાવર કરવાની પણ તૈયારી રાખી હતી.... ને તેમ છતાં એનું એ સ્વપ્ન અધૂરું જ તરફડીને મૃત્યુ પામ્યું હતું.

અંજલિને પ્રોફેશનલ સિંગર બનવું હતું. શાસ્ત્રીય સંગીતમાં કારકિર્દી બનાવવી હતી. એ વારંવાર ઊંઘતાં અને જાગતાં સ્વપ્ન જોયા કરતી. પોતે સ્ટેજ પર ગાઈ રહી છે અને હજારો પ્રેક્ષકો એના અવાજના સંમોહનમાં બંધાઈને ડોલી રહ્યા છે.

અંજલિના ગુરુ પ્રયાગરાજ અંજલિને હંમેશાં કહેતા, “તું તો મારું નામ ઉજાળીશ. એક તો ઈશ્વરે આવું રૂપ ને આવો અવાજ આપ્યો છે ને બીજી તારી લગન... બેટા, તારું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે. મને તારી પાસેથી બહુ આશાઓ છે. સંગીત ક્યારેય નહીં છોડતી. ઈશ્વર સાથે નાતો બાંધવાનો સૌથી સહેલો ઉપાય સંગીત છે...”

અંજલિ પણ જ્યારે ગાતી ત્યારે એને લાગતું કે એ ઈશ્વરની સાવ લગોલગ ઊભી રહી, ઈશ્વરની આંખમાં આંખ નાખીને એની પૂજા કરી રહી છે.

રાજેશના ઘરેથી માગું આવ્યું ત્યારે અંજલિએ ઘસીને ના પાડી હતી. વૈભવીના માસીની નણંદનો દીકરો હતો રાજેશ. માગું પણ વૈભવીના મા-બાપને ત્યાંથી જ આવ્યું હતું. અંજલિએ છોકરો જોવાની પણ ના પાડી. માંડ માંડ સમજાવીને અભયે એને છોકરો જોવા તો રાજી કરી હતી, પરંતુ અંજલિ ના પાડશે એની બધાને ખાતરી હતી અને વૈભવીએ અભયને અલ્ટીમેટમ આપી દીધું હતું, “તમારી બહેનને સમજાવી દેજો શાનમાં, આનાથી સારો છોકરો નહીં મળે... આટલો પૈસો...”

“વૈભવી, અમારા ઘરમાં પૈસાનું કોઈ મહત્ત્વ નથી. અમારા ઘરમાં સંસ્કારો અને સ્નેહ ઉપર સંબંધ બંધાય છે. સંપત્તિ જોઈને નહીં.”

“સારું સારું... મારે ભાષણ નથી જોઈતું. આવા ઘરમાંથી માગું આવ્યું છે અને રાજેશ ગાંડો છે અંજલિ પાછળ. એને કહેજો કો દોઢડહાપણ કરવાને બદલે પરણી જાય, પછી ભલે તાણ્યા કરે રાગડા... સંગીતથી પેટ નહીં ભરાય.”

“સંગીતથી પેટ ન જ ભરાય, એ આત્માનો ખોરાક છે.”

“મારે દલીલો નથી કરવી. સો વાતની એક વાત સમજી લો કે તમારે કોઈ પણ સંજોગોમાં આ લગ્ન માટે હા પડાવવાની છે.”

“પણ શું કામ ?”

“કારણ કે મારાં માસીને નારાજ કરવા અમને કોઈને પોસાય એમ નથી ને છોકરામાં ખોટ પણ શું છે ? વન થાઉઝન્ડ કરોડ્‌સની કંપની છે એમની... મુંબઈના હીરાબજારમાં વેપારીઓ પગે પડે છે.”

“હું અંજલિને કહીશ, દબાણ નહીં કરી શકું.”

“તો પસ્તાજો બીજું શું ?” વૈભવીએ કહ્યું અને જતી રહી. એણે તમામ રીતે પ્રયત્ન કરી જોયા હતા. આ લગ્નની એ હા જ પાડે.

રાજેશ અને અંજલિ મળ્યાં હતાં. અંજલિને રાજેશમાં એક પણ મુદૃો એવો નહોતો લાગ્યો જેને કારણે એની સાથે લગ્નની હા પાડી શકાય. બંને વારંવાર મળતાં રહ્યાં. અંજલિની ઇચ્છા હોય કે નહીં, રાજેશ અંજલિના મ્યુઝિક ક્લાસની બહાર, એની કૉલેજની બહાર, અરે ! એની પિકનિક ઉપર પણ એને મળવા પહોંચી જતો. અંજલિ માટેની રાજેશની લાગણી ખૂબ સાચી હતી એટલું તો ઘરના બધા જ જોઈ શકતા હતા.

રાજેશના પપ્પા મહેન્દ્ર ઝવેરી અને એનાં મમ્મી વસુમાને વારંવાર ફોન કરતાં અને અંજલિને સમજાવવાનું કહેતાં. એક દિવસ વસુમાએ અંજલિને બેસાડીને સમજાવી હતી. “જો બેટા, રાજેશ સાથે કે બીજા કોઈની પણ સાથે લગ્ન કરવા કે નહીં એ નિર્ણય સંપૂર્ણપણે તારો જ હોઈ શકે, પણ મારે એક વાત કહેવી છે તને. જે માણસ આપણને આટલું ચાહતો હોય એની સાથે જીવન એટલા માટે જોડવું જોઈએ કે એને આપણી કિંમત - આપણું મૂલ્ય, આપણું મહત્ત્વ ખબર હોય છે.”

“કિંમત અને મૂલ્ય ? મા, લગ્ન હૃદયનો સંબંધ છે. એમાં વળી કિંમત અને મૂલ્યની વાત ક્યાં આવી ?”

“જો અંજલિ, તારા પિતાએ જે કર્યું છે એનાથી દેવશંકર મહેતાના ખાનદાનને બટ્ટો તો લાગ્યો જ છે. હું ડરતી નથી, મને એવો ભય પણ નથી કે તારા માટે બીજાં માગાં નહીં આવે, પણ આ છોકરો રાજેશ તને સાચા હૃદયથી ચાહે છે. બેટા, ચાહનારાય મળી રહેશે તને, પણ એનાં મા-બાપ જેવા મા-બાપ, એના ઘર જેવું ઘર અને આવો છોકરો- બધું સાથે કદાચ નાય મળે.”

“એ ઘરમાં સંગીતની કોઈ કિંમત નથી મા. મારું ગળું રૂંધાઈ જશે એ ઘરમાં.”

“બેટા, સંગીત શોખ હોઈ શકે, પણ...”

“શોખ નહીં મા, સંગીત મારું જીવન છે. હું ગાવાનું છોડીશ તો જીવવાનું પણ છૂટી જશે.”

“એવું લાગે દીકરા, મને પણ હતું કે સૂર્યકાંત મહેતા નહીં હોય તો હું જીવી નહીં શકું ને છતાંય જીવી ગઈ ને ? કોઈ સમય ટકતો નથી બેટા, ને નથી કોઈ વિચાર કાયમી બની જતો. કોઈ સામાન્ય મધ્યમ વર્ગના છોકરાના પ્રેમમાં પડીને સંગીત સાચવી શકીશ તું ? વિચારી જોજે. પૈસા મારા માટે જરાય મહત્ત્વના નથી, પણ પૈસા વિના જીવી નથી શકાતું એ પણ જોયું છે મેં. ભલભલા પ્રેમમાં ધબકતાં હૃદય ખોટકાઈ જતાં જોયાં છે, પૈસા વગર...” વસુમા તો ચાલ્યાં ગયાં, પણ અંજલિના મનમાં એ વાત ઘૂમરાતી રહી.

સાંજે રિયાઝના સમયે અંજલિની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં. ગુરુજીએ આ જોયું. અંજલિના માથે હાથ ફેરવ્યો અને પૂછ્‌યું, “શું વાત છે બેટા ?”

અંજલિએ બધું જ કહ્યું.

ગુરુજીએ અંજલિને એક જ વાક્યમાં જવાબ આપ્યો, “જે સાચું લાગે અને સારું લાગે એમ કર બેટા. તારા હૃદયમાં સ્વયં ઈશ્વરનો નિવાસ છે. હૃદયને પૂછ, અંદર વસતો ઈશ્વર તને ખોટી સલાહ નહીં આપે.”

રિયાઝ પતાવીને બહાર નીકળતી વખતે અંજલિએ શફ્‌ફાકનો હાથ પકડી લીધો હતો. “જવાબ આપ... મારે શું કરવાનું ?”

“અંજુ, હજી તો હું કમાતો નથી. મારે કારકિર્દી બનાવવાની છે. કેટલીયે સ્ટ્રગલ હજી મારા નસીબમાં લખી છે એની મને જ નથી ખબર તો તને શું જવાબ આપું ?”

“એટલે ? આપણી વચ્ચે જે થયું એ બધું...”

“બધું જ સાચું અંજુ, પણ સમય ખોટો. હું તને ચાહું છું એ સત્ય છે અને એથીયે મોટું સત્ય એ છે કે હું હમણાં તાત્કાલિક તારી સાથે પરણી શકું એમ નથી.”

“પણ મારી માને મળી લે, એક વાર... હું જીવનભર રાહ જોવા તૈયાર છું.”

“તારી પહેલાં તો મારે મારા ઘરવાળાને મનાવવા પડશે. બીજા મઝહબની છોકરી... અને એ પણ હિન્દુ...”

“આ બધું પહેલાં નહોતું વિચાર્યું ?”

“વિચાર્યું હતું. બધું જ વિચાર્યું હતું અંજુ, પણ હું મારા હૃદય આગળ લાચાર થઈ ગયો અને તને પ્રેમ કરી બેઠો.”

“તું મારી સાથે લગ્ન કરીશ કે નહીં ?”

“અંજુ, તારા વિના જીવવું અશક્ય છે અને છતાં જિંદગીના આ તબક્કે હું તને કોઈ જવાબ આપી શકું એમ નથી.”

પળભર શફ્‌ફાકની આંખોમાં જોઈ રહી અંજલિ. પછી હાથ ઉઠાવીને એક ઝન્નાટેદાર થપ્પડ ઠોકી એણે ! અને, મરીન ડ્રાઇવની સામે આવેલા એ બિલ્ડિંગની ફૂટપાથ પરથી દોડીને રસ્તો ક્રોસ કરી લીધો.

શફ્‌ફાક હજી ત્યાં જ ઊભો હતો. એની આંખોમાં પાણી હતાં. એ અંજલિને જતી જોઈ રહ્યો. નજર સામેથી અને પોતાની જિંદગીમાંથી પણ...

એ વાતને આજ ત્રણ વર્ષ થઈ ગયાં.

“આજે અચાનક શેને માટે ફોન કર્યો હશે ?” અંજલિનું મન એના વશમાં નહોતું.

રાજેશને પરણીને અંજલિને કોઈ વાતનું દુઃખ નહોતું. રાજેશના માતા-પિતાએ એને જુદો ફ્‌લેટ લઈ આપ્યો હતો. જેમાં ફક્ત અંજલિ અને રાજેશ રહેતાં. રાજેશ અંજલિનો પડ્યો બોલ ઝીલતો. પાંચ વર્ષના લગ્નજીવન પછી પણ જાણે હજી હમણાં જ પરણ્યા હોય એમ અંજલિની પાછળ ઘેલા કાઢતો. ફૂલ, પરફ્‌યુમ, કપડાં, ડાયમન્ડ્‌સ અને કાડ્‌ર્સથી અંજલિને પોતાના પ્રેમની સાબિતીઓ આપ્યા જ કરતો.

છતાં અંજલિને સંગીત વિનાનો એ સંબંધ અધૂરો લાગતો, લાગ્યા જ કરતો.

રાજેશ અંજલિને ઘણી વાર કહેતો કે, “તું તારું સંગીત ચાલું રાખ. તારા પ્રોગ્રામ્સ કરીએ, તારી સી.ડી. કરાવીએ.” પણ અંજલિનું મન જાણે ઊઠી ગયું હતું. લગ્ન પછી ભાગ્યે જ એણે તાનપૂરો હાથમાં લીધો હતો. એના મ્યુઝિકરૂમના એક ખૂણે કેટલાય વખતથી તાનપૂરો ધૂળ ખાતો પડ્યો હતો. આજે અચાનક જ અંજલિને એ તાનપૂરાને અડવાની, સાફ કરવાની અને સૂર મેળવવાની ઇચ્છા થઈ આવી...

શફ્‌ફાકના ફોને અંજલિની અંદર રહેલી એક બીજી અંજલિ ઉપરથી ધૂળ ઉડાડી હતી અને એ બીજી અંજલિ આ અંજલિને પૂછતી હતી, “કેમ ? કેમ છોડી દીધું સંગીત ?”

અલયનો ફોન કપાયો અને અભયનો માથા પાસે મૂકેલો મોબાઈલ રણક્યો.

અભયે ચશ્મા પહેર્યા, નંબર જોયો. એને આશ્ચર્ય થયું. “અત્યારે ? રાત્રે સાડા અગિયારે ?”

અને ફોન ઉપાડીને કહ્યું, “બોલ...!”

“એક ખાસ વાત કરવી છે.”

“ગઈ કાલે આખી રાત તારી સાથે હતો ત્યારે યાદ ના આવ્યું?”

“અભય, આઈ વૉઝ વેઇટિંગ ફોર ધ રિપોર્ટ.”

“રિપોર્ટ ? શાનો રિપોર્ટ ?”

“આઇ એમ પ્રેગનન્ટ અભય...”

“વ્હૉટ નોનસેન્સ... આટલું બધું પ્રોટેક્‌શન લીધા પછી એ કેવી રીતે શક્ય છે ?”

“મને નથી ખબર.”

“તો કોને ખબર છે ?” અભયનો અવાજ અચાનક ઊંચો થઈ ગયો. બાજુમાં સૂતેલા અજયની ઊંઘ ઊડી ગઈ, પણ એણે આંખો મીંચીને પડ્યા રહેવું જ યોગ્ય સમજ્યું.

“હું તને પૂછું છું, ચૂપ રહેવાનો કોઈ અર્થ નથી. તને નથી ખબર તો કોને ખબર છે ? લૂક... મને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન નહીં કરતી. હું તને પહેલાં જ કહી ચૂક્યો છું કે મારા કુટુંબને અને મારી માને આ સંબંધની ખબર ના પડવી જોઈએ. હું તારી કોઈ મદદ નહીં કરી શકું.”

“અભય...!” પ્રિયાના અવાજમાં આઘાત અને આશ્ચર્ય બંને હતાં. “હાઉ કેન યુ સે ધીસ ?”

“જો પ્રિયા...” અભયે કહ્યું અને પછી બાજુમાં સૂતેલા અજય તરફ ધ્યાનથી જોયું. એની આંખો બંધ હતી. “મારી દીકરી સોળ વર્ષની છે. આ ઉંમરે મને આવા બધા ભવાડા ના પોસાય.”

“ભવાડા ? આ ભવાડા છે ?”

“આપણી વચ્ચે સ્પષ્ટ સમજૂતી હતી કે...”

“હતી ! સમજૂતી હતી... તેથી શું ? હવે હું પ્રેગનન્ટ છું એ સત્ય છે અને આ બાળક...”

“શેનું બાળક ? કોનું બાળક ?” લગભગ રાડ પાડી અભયે, “ચૂપચાપ અબોર્શન કરાવી લે. આ ભૂલને બાળક કહીને કારણ વગરના ઇમોશન્સમાં ઘસડાઈશ નહીં ને મને પણ ઘસડવાનો પ્રયત્ન ના કરીશ.”

“આઈ લવ યુ અભય, આ આપણા પ્રેમની...”

“શટ-અપ, એન્ડ ડુ એઝ આઇ સે. મને આ પ્રોબ્લેમથી છૂટકારો જોઈએ છે. જેમ બને એમ જલદી. તારી મેળે મેનજ કરી લે, હું પૈસા આપી દઈશ અને બીજી વાત, હું મારા કુટુંબ સાથે હોઉં ત્યારે ફોન નહીં કરવાનો એવું કેટલી વાર કહ્યું છે તને. મારે ઇનફ પ્રોબ્લેમ્સ છે, એક વધારાનો પ્રોબ્લેમ નથી જોઈતો. સમજી ? હું પાછો ન આવું ત્યાં સુધી મને ફોન નહીં કરતી.” અભયે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો અને માથું ઓશિકા નીચે નાખી માથા પર ઓશિકું દબાવીને ઊંઘવાની કોશિશ કરવા માંડી.

લક્ષ્મી સ્વિટના બહારના ભાગમાં સોફા પર લંબાવીને ‘ઝાહેર’ વાંચી રહી હતી. વારંવાર એની નજર પેલા પહેલાં પાના પર જવા લલચાઈ જતી. ટેબલ પર મૂકેલા સ્કેચિસમાંની આંખો એની સામે જોતી હતી...

જાણે એને પૂછતી હોય, “શું વાત છે લક્ષ્મી ?” લક્ષ્મી શરમાઈ. એને નિરવનું કહેલું યાદ આવી ગયું, “મારું નામ શું ?” લક્ષ્મીના ચહેરા પર સ્મિત આવી ગયું. એણે સામે મૂકેલું કાર્ડ જોયું. સૂર્યકાંત મહેતાએ જીન્સના પોકેટમાંથી કાઢીને સામે રાઇટિંગ ટેબલ પર નિરવનું કાર્ડ મૂક્યુંં હતું.

લક્ષ્મીએ ઊઠીને એ કાર્ડમાં હાથમાં લીધું.

નિરવ ચોક્સી

વી. કે. ચોક્સી એન્ડ કંપની

ઑપેરા હાઉસનું એડ્રેસ હતું એમાં અને થોડા ફોન નંબર. “બધા જ નંબર ઑફિસના હશે.” લક્ષ્મીએ વિચાર્યું. છતાં એક વાર નંબર જોડ્યો. રિંગ વાગી.

લક્ષ્મીના હૃદયની ધડકન તેજ થઈ ગઈ.

નિરવના ટેબલ પર પડેલો ફોન રણકી રહ્યો હતો. અલયનો ફોન મૂકીને ગૂંચવાયેલો નિરવ હજીયે ટેબલ પર જ બેસી રહ્યો હતો. એનું મન જાણે ક્ષુબ્ધ થઈ ગયું હતું. અલયે વસુમાને જણાવવાની ના પાડીને એને વધુ બાંધી લીધો હતો.

માને છોડીને અમેરિકાથી ભારત આવેલા નિરવને વસુમાએ માનો પ્રેમ આપ્યો હતો. નિરવ માટે વસુમા પોતાની માથી જરાય ઓછાં નહોતાં. એમને નહીં જણાવીને પોતે ગુનો કરતો હતો અને એ ગુનાનો અપરાધભાવ પીડી રહ્યો હતો એને...

અને સામે પક્ષે અલયની દોસ્તી હતી. અલયને વળોટીને એની ‘ના’ છતાં અભયભાઈને કે બીજા કોઈને ફોન કરવો કે નહીં એની ગૂંચવણ એના મનમાં ચાલતી હતી. અલયને ફોન જ શું કામ કર્યો એવો અફસોસ પણ થતો હતો...

બરાબર એ જ વખતે એના ટેબલ પરનો ફોન રણક્યો.

“અત્યારે ? સાડા અગિયારે ઑફિસમાં ? કોણ હશે ?”

એણે ફોન ઉપાડ્યો.

“હલ્લો...”

“કોણ ?”

“લક્ષ્મી !”

“લક્ષ્મી ?! કોણ લક્ષ્મી ?”

“હું... આજે તમને તાજમાં મળી હતી...”

“ઓહ તમે ! કેમ અત્યારે ફોન કર્યો ? કંઈ પ્રોબ્લેમ નથીને?”

“ના, ના, આમ જ ફોન કર્યો. જસ્ટ ટુ ટૉક.”

“ટોક વ્હોટ ?”

“નથિંગ.” લક્ષ્મીને આગળ શું કહેવું એ સૂઝ્‌યું નહીં.

“ધેન લેટ અસ ટૉક નથિંગ.” નિરવે કહ્યું અને હસી પડ્યો. સામે લક્ષ્મી પણ હસી પડી અને એક ક્યાંય ન પહોંચનારી, એકબીજાને બધું જ કહીને છતાં કશુંય ન કહેવાની... વર્ષોથી બે યુવાન હૃદયો વચ્ચે રમાતી રમત શરૂ થઈ ગઈ.

અહીં વૈભવીનું ચિત્ત ચકડોળે ચડ્યું હતું.

“જે માણસે એક વાર ઘર શોધી કાઢ્યું એ પાછો નહીં આવે એની તો કોઈ ખાતરી જ નથી અને જો પાછો આવશે તો... એ એવું પણ કહેશે જ કે હું એને મળી હતી અને જો એમ કહે તો...”

વૈભવી પલંગમાં બેઠી થઈ ગઈ.

જો ખરેખર આવું બને તો કુટુંબનો એક પણ સભ્ય વૈભવીને માફ ના કરે એ સ્વાભાવિક હતું. સૂર્યકાંત મહેતાને કાઢી મૂક્યા પછી વૈભવીનું મગજ એકસરખું એમના વિશે વિચાર્યા કરતું હતું.

“ખરેખર આટલો પૈસાવાળો હશે ? કેવી રીતે બનાવ્યા હશે આટલા પૈસા ? શું કરતો હશે ? પરદેશ રહેતો હશે ? આટલાં વરસ આવ્યો કેમ નહીં ? ફરી પરણ્યો હશે ?” આ બધા વિચારોની સાથે સાથે વૈભવીને વિચાર આવ્યો કે એણે સૂર્યકાંત મહેતાને એ તો પૂછ્‌યું જ નહીં કે એ મુંબઈમાં ક્યાં ઊતર્યા હતા ?

જરૂર પડે એમને શોધવા ક્યાં ?

વૈભવીની ચેસની બાજી ગોઠવાઈ ગઈ હતી. વસુમા શ્રાદ્ધ કરીને પાછા આવે અને પછી જો સૂર્યકાંત મહેતા મળે તોે પોતે પકડાય, પણ જો એ હમણાં જ ફોન કરીને કહી દે કે સૂર્યકાંત મહેતા મુંબઈમાં છે તો શ્રાદ્ધ રોકી શકાય અને સૂર્યકાંત મહેતાને પોતાની સાસુ સુધી પહોંચાડવાનો યશ પણ પોતે મેળવી શકે.

“પણ એમને શોધવા ક્યાં ?” વૈભવીનું મગજ કામે ચડી ગયું. “સૌથી પહેલી તપાસ હૉટેલોમાં કરવી જોઈએ. ત્યાંથી જ ખબર પડશે... આટલાં વરસથી મુંબઈ છોડી ગયેલા માણસનું ઘર તો હશે નહીં આ ગામમાં. કોઈ સગાને ત્યાં ઊતરે નહીં એવા તો દિદાર હતા એમના. એટલે શક્યતા તો હૉટેલની જ વધારે હતી.” વૈભવીએ ફોન ઉપાડ્યો...

ઑબેરોય, ન્યૂ ઑબેરોય, જે. ડબલ્યુ મેરિયટમાં ફોન કરી જોયા. ત્યાં તો નહોતા જ. સૂર્યકાંત મહેતા નામનો કોઈ માણસ આ હૉટેલોમાં ઊતર્યો નહોતો. હવે એક માત્ર તાજ બાકી હતી.

વૈભવીએ તાજનો નંબર જોડ્યો.

“ગુડ મોર્નિંગ તાજ...” બાર ને પાંચ થઈ હતી.

વૈભવીએ અત્યંત સલુકાઈથી અને ચાલાકીથી સૂર્યકાંતની મહેતાની પૃચ્છા કરવા માંડી. રિસેપ્શન પરથી એને ફક્ત એટલી માહિતી મળી શકી કે ન્યૂયોર્કથી આવેલા સૂર્યકાંત મહેતા અને લક્ષ્મી મહેતા તાજના બારમા માળે ૧૦૧૧માં ઊતર્યાં હતાં.

“તાજમાં ઊતરી શકે એટલો પૈસો તો છે ! એમને મળવું જોઈએ અને વસુમા સુધી એમને પહોંચાડવાનો જશ ખાટી જ જવો જોઈએ. હું ગમે તેટલું રોકીશ તોય એ વસુમાને મળશે જ અને મળ્યા પછી બધી વાત પણ કરશે. એને બદલે હું જ એમને ગોતી કાઢું...”

વૈભવીએ ફરી નંબર જોડ્યો અને ૧૦૧૧ માગ્યો.

“ફોન એન્ગેજ છે મેડમ...”

“એન્ગેજ ?? રાત્રે બાર ને દસે ??” વૈભવીને ફાળ પડી.

(ક્રમશઃ)