Yog-Viyog - 10 in Gujarati Moral Stories by Kajal Oza Vaidya books and stories PDF | યોગ-વિયોગ - 10

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

યોગ-વિયોગ - 10

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ - ૧૦

સૂર્યકાંત જ્યારે ‘શ્રીજી વિલા’ની બહાર નીકળ્યા ત્યારે એમના આખા શરીરે પરસેવો વળતો હતો. પગ પાણી પાણી થતા હતા, આંખે અંધારાં આવતાં હતાં અને હવે કઈ દિશામાં જવાનું છે એની જાણે સૂઝ જ પડતી નહોતી. બહાર આવીને એ થોડી વાર રસ્તા પર એમ જ ઊભા રહ્યા. નમતી બપોરનો ટ્રાફિક પ્રમાણમાં હળવો થઈ ગયો હતો. સૂર્યકાંતને કંઈ સૂઝ્‌યું નહીં એટલે પસાર થતી ટેક્સીને હાથ કરી ઊભી રાખી. બારણું ખોલીને પાછળ બેસી ગયા...

“કિધર જાના હૈ ?” ટેક્સીવાળાએ પૂછ્‌યું.

“ક્યા ?” સૂર્યકાંતને વિચાર આવ્યો. “ક્યાં જવાનું છે મારે ? જ્યાં જવા માટે આવ્યો હતો...” પછી પ્રયત્નપૂર્વક યાદ કરીને ટેક્સી વાળાને કહ્યું, “તાજ !”

આખે રસ્તે સૂર્યકાંતના મનમાં વૈભવીએ કહેલાં વાક્યો પડઘાતાં રહ્યાં- “મારા સસરાનું શ્રાદ્ધ કરવા...”

“અમારા સૌ માટે તો પચીસ વરસ પહેલાં જ ગુજરી ગયા હતા, બિચારાં માએ હવે સ્વીકારી લીધું અને એમનું જ શ્રાદ્ધ કરવા ગયા છે.”

“ભાગેડું માણસની કોઈ ક્યાં સુધી રાહ જુએ ?”

સૂર્યકાંતનું મન વિચલિત થઈ ગયું હતું. એમને વિચાર આવ્યો કે પાછો ન જ ફર્યો હોત તો સારું થાત. અહીં સુધી આવીને શું મેળવ્યું મેં ? જાકારો ? જે લોકો મને મરેલો માની લેવા તૈયાર થઈ ગયા છે એ લોકો માટે હું અહીં સુધી દોડી આવ્યો ? એમનું મન તરફડી રહ્યું હતું.

અપમાન હતું આ ? જે એમને પીડા આપતું હતું... અહીં સુધી આવ્યા પછી જે રીતે એમને શ્રાદ્ધની માહિતી મળી એ પછી એમને લાગતું હતું કે એમનું અપમાન કરવા જ બોલાવ્યા હતા એમને...

“જો આ જ કરવું હતું તો મને બોલાવ્યો શું કામ વસુએ ? હું તો આમેય મરેલો જ હતો. ચૂપચાપ મારું શ્રાદ્ધ કરી નાખત તો શું ફેર પડત ?”

આવા ને આવા વિચારોમાં ટેક્સી ક્યારે તાજની સામે આવીને ઊભી રહી એની સૂર્યકાંતને ખબર જ ના પડી. વિલે પાર્લે જતાં જે બે કલાક એમને બે વરસ જેવા લાગ્યા હતા એ જ બે કલાક પાછા ફરતાં ક્યાં પૂરા થઈ ગયા એની ખબર જ ના પડી...

ગાડીમાંથી નીચે ઊતર્યા. “પાનસો સોલાહ...” ડ્રાઈવરે કહ્યું. સૂર્યકાંતે ખિસ્સામાંથી હજાર રૂપિયાની નોટ કાઢીને એના હાથમાં મૂકી અને અન્યમનસ્કની જેમ ચાલવા લાગ્યો.

“સાબ... સાબ...” ડ્રાઈવરે બૂમ પાડી. ત્યાં સુધીમાં તો સૂર્યકાંત કાચનો દરવાજો ખોલીને લૉબીમાં પ્રવેશી ચૂક્યા હતા. ડ્રાઈવરે હજારની નોટ બક્ષિસ સમજીને માથે અડાડી અને પછી ટેકસી ફેરવીને કાઢી લીધી.

તાજની શોપિંગ આર્કેડમાં આંટા મારતી લક્ષ્મીની નજર ‘નાલંદા’ પર પડી. “નમસ્કાર” અને બીજાં કેટલાંય મેગેઝિન્સમાં એણે તાજની શોપિંગ આર્કેડમાં આવેલી પુસ્તકોની આ દુકાન વિશે વાંચ્યું હતું. એ અમસ્તી જ અંદર ઘૂસી ગઈ. મોટી મસ દુકાન, ઢગલાબંધ પુસ્તકો. લક્ષ્મીને તો જાણે ભગવાન મળી ગયા. “ડેડી ક્યારે આવશે કોને ખબર, એના કરતાં થોડી બુક્સ લઈ લઉં” વિચારીને લક્ષ્મીએ પુસ્તકો ફેંદવા માંડ્યા. એની નજર પોલો કોહેલાની ‘ઝાહેર’ પર પડી. ન્યુ અરાઈવલના આખા રેકમાં એક જ કૉપી હતી. લક્ષ્મી એ ઉપાડવા જાય એ પહેલાં એક બીજો હાથ લંબાયો અને ચોપડી ઊપડી ગઈ. લક્ષ્મીએ જોયું, એક જીન્સ અને વ્હાઇટ શર્ટ પહેરેલો છોકરો ઊંધો ફરીને ચોપડીનાં પાનાં ઉથલાવી રહ્યો હતો. એના વ્હાઇટ લિનના શર્ટની બાંય કોણી સુધી વાળેલી હતી. જીન્સ ઉપર ‘પેપે’નો ટેગ એવું સમજાવતો હતો કે એ કોઈ પૈસાવાળા, સારા કુટુંબનો છોકરો છે. પુસ્તક હાથમાં આવતાં જ એ એમાં તલ્લીન થઈ ગયો. લક્ષ્મીને એનો ચહેરો નહોતો દેખાતો, પણ એની પીઠ દેખાતી હતી. લગભગ છ ફૂટ જેટલી હાઈટ, પહોળા ખભા, સફાઈથી કાપેલા નાના વાળ...

લક્ષ્મી હિંમત કરીને એની પાસે ગઈ.

“એક્સક્યુઝ મી...” લક્ષ્મીએ કહ્યું. એ છોકરો વાંચવામાં તલ્લીન હતી. એને લક્ષ્મીની વાત સંભળાઈ જ નહોતી કદાચ.

“એક્સક્યુઝ મી પ્લીઝ...” લક્ષ્મીએ ફરી કહ્યું. કોઈ પ્રતિભાવ નહીં.

લક્ષ્મીએ એના ખભા પર હાથ મૂક્યો, “એક્સક્યુઝ મી...” અને પેલો અચાનક ફર્યો. “યેસ...” એણે કહ્યું.

છોકરીનો અવાજ સાંભળીને એણે જ્યાં નજર નોંધી, એનાથી લક્ષ્મી ઘણી ઊંચી હતી. અચાનક ખભે હાથ મુકાવાને કારણે હોય કે ઝડપથી ફરવાના કારણે હોય, પણ એ લક્ષ્મીની એકદમ નજીક આવી ગયો હતો. એણે લક્ષ્મી સામે જોયું. લગભગ એના નાક સુધી લક્ષ્મીનું માથું આવતું હતું. સોનેરી વાળ, રાખોડી આંખો... એક અમેરિકન છોકરી એને “એક્સક્યુઝ મી” કહી રહી હતી.

“યેસ...” એણે ફરી કહ્યું- બે ડગલાં પાછળ જઈને.

“આ બુક તમે ખરીદવાના છો ?”

“કેમ ?”

“કારણ કે મને જોઈએ છે.”

સામેવાળાના ચહેરા પર મગજમાં ઝબકેલા એક તોફાની વિચારનું સ્મિત હોઠના એક ખૂણેથી બીજા ખૂણે ફેલાઈ ગયું.

“એટલે હું ખરીદું તો તમારે જોઈએ છે એમ ?” એણે કહ્યું.

“નૉ... નૉ...” લક્ષ્મી ઝંખવાઈ, “આ તો મારે જોઈએ છે, એટલે મને થયું જો તમે ન ખરીદવાના હો તો...”

“કેમ ? પબ્લિશરે એક જ કૉપી છાપી છે ?”

“ના, પણ આ છેલ્લી કૉપી છે.”

“ઓહ ! તો તો મારે ખરીદવી જ છે. મારે આજે જ વાંચવની છે.”

“મારે પણ...”

“આઈ એમ સૉરી...” પેલા છોકરાએ કહ્યું અને આગળ વધી ગયો. લક્ષ્મી નિરાશ જેવી થોડી વાર ત્યાં ઊભી રહી. પછી બીજા રેક્સ તરફ આગળ વધી અને ઇન્ડિયન રસોઈની, ફેશનની ચોપડીઓ ફેંદવા માંડી... એણે પોતાના સંતોષ ખાતર દુકાનમાં અટેન્ડ કરતી છોકરીને પૂછી જોયું, “ઝાહેરની બીજી કૉપી...”

“સૉરી મેમ, પરમ દિવસે આવશે.” પેલી છોકરીએ ખૂબ વિનયપૂર્વક કહ્યું. આમતેમ પુસ્તકો ફેંદીને એક-બે બિનજરૂરી પુસ્તકો હાથમાં લઈને એ બિલ કાઉન્ટર તરફ ગઈ.એણે પુસ્તકો ટેબલ પર મૂક્યાં. બિલ બનાવાવાળી બાઈએ એની સામે જોઈને સ્મિત કર્યું, “ધેટ્‌સ ઑલ ?” એણે પૂછ્‌યું.

“યાહ...” લક્ષ્મીએ કહ્યું અને પછી નિરાશ અવાજે ઉમેર્યું, “મને ઝાહેર જોઈતી હતી, બટ...”

પેલી છોકરીએ ધ્યાનથી એની સામે જોયું અને પછી ઝડપથી અપરાધભાવે ઉમેર્યું, “આઈ એમ સૉરી મેમ, આઈ એમ ટેરીબલી સોરી..”

“કેમ ?”

“એક જેન્ટલમેન તમારા માટે ઝાહેરની આ કૉપી મૂકી ગયા છે...” ગિફ્‌ટ પેક કરેસી ચોપડી લક્ષ્મીના વિસ્મય વચ્ચે સ્મિત કરતી કાઉન્ટર પર પડી હતી.

“થેન્ક ગૉડ... કેટલા પૈસા આપવાના છે ?” લક્ષ્મીએ પૂછ્‌યું.

“પૈસા તો એમણે આપી દીધા.” પેલી છોકરીએ કહ્યું.

“આર યુ શ્યોર ?” લક્ષ્મીએ પૂછ્‌યું.

“વેરી મચ” એણે કહ્યું અને પછી લક્ષ્મીનાં બીજાં પુસ્તકો સાથે પેલી ચોપડી પણ એણે પેક કરી દીધી. પુસ્તકો લઈને લક્ષ્મી જ્યારે બહાર નીકળી ત્યારે એના મનમાં અજબ પ્રકારનો આનંદ અને આશ્ચર્ય હતા. “ફની મેન...” એણે મનોમન કહ્યું અને લૌબીમાંની લિફ્‌ટમાં દાખલ થઈ. રૂમમાં આવીને પહેલું કામ એણે ચોપડી બહાર કાઢવાનું કર્યું. ચોપડી ખોલી પહેલાં જ પાના ઉપર અંગ્રેજીમાં લખેલું હતું, “અમારા દેશમાં મહેમાનોને ના પાડવાનો રિવાજ નથી.” લક્ષ્મી હસી પડી. પછી પાના ઉથલાવવા માંડી. એને એમ હતું કે આમાં ક્યાંક, કોઈક ફોન નંબર, કોઈક વિગત તો છોડી હશે પેલા માણસે...

પણ...

એણે પુસ્તક વાંચવા માંડ્યું...

કેટલા કલાક ગયા હશે કોને ખબર, પણ અચાનક એને વાંચવામાં અંધારું પડવા માંડ્યું. એણે આમતેમ જોયું, બહાર કાળું ડિબાંગ આકાશ ઘેરાઈ ગયું હતું. જુલાઈ મહિનાનો વરસાદ જાણે તૂટી પડવા માટે બેતાબ હતો. માંડ સાડા પાંચ થયા હશે, પણ એવું લાગતું હતું કે સાડા સાત- આઠ વાગ્યા હોય. એણે સૂતા સૂતા જ નજર નાખી- સવારના ગેટવે ઑફ ઇન્ડિયાનું દૃશ્ય સાવ બદલાઈ ગયું હતું. સવારનો તડકો, દરિયાનું સોનલ પાણી અને બે-ચાર ફેરિયાઓ સિવાય કંઈ જ નહોતું, અને અત્યારે જાણે મેળો લાગ્યો હતો ત્યાં. સામે પાલવાથી ઊપડતી ફેરીઝ અને લોકોની ભીડ... ચણાજોર ગરમવાળા, કેળા, કુલ્ફી, બુઢ્ઢી કા બાલ વેચનારાઓના ખોમચા... ફોટા પાડનારા ફોટોગ્રાફરો અને પાળી પર એકબીજાને અઢેલીને બેઠેલા યુગલો...

લક્ષ્મી માટે આવું દૃશ્ય વીસ વરસમાં પહેલી વાર ઉદ્‌ભવ્યું હતું. આટલો કાળો દરિયો એણે પહેલાં ક્યારેય નહોતોે જોયો અને એની ઉપર ઝૂકેલા કાળા આકાશ સાથે જાણે એકાકાર થઈ જવા મથતો હોય એમ મોટાં મોટાં મોજાં ઉછાળીને દરિયો આકાશને અડવાનો પ્રયત્ન કરતો હતો.

લક્ષ્મીને અચાનક જ આવેલી આ કલ્પના ખૂબ રોમેન્ટિક લાગી. આવી રીતે અજાણ્યા શહેરમાં, અજાણી જગ્યાએ, એક અજાણ્યો માણસ એને પુસ્તક ભેટ કરી જશે એવું તો સ્વપ્નેય નહોતું વિચાર્યું એણે. પહેલી વાર આવી હતી આ શહેરમાં. છતાંય આ ભીડ સાથે, આ દરિયા સાથે, આ શહેર અને એના ટ્રાફિક સાથે એ જાણે પ્રેમમાં પડી ગઈ હતી. કશુંક એવું હતું, આ શહેરમાં જેણે એને પગ મૂકતાની સાથે બાંધી લીધી હતી. એ આજે મુંબઈમાં પહેલી વાર આવી હતી અને છતાં મુંબઈને જાણે વરસોથી ઓળખતી હોય એમ સાવ પોતાનું, સાવ અંગત લાગવા માંડ્યું હતું એને આ શહેર...

પુસ્તકમાં એકદમ ગૂંથાઈ ગયેલી લક્ષ્મીને ખબર પણ ના પડી કે સૂર્યકાંત ક્યારનાય ઓરડામાં આવીને સોફામાં ગોઠવાઈ ગયા હતા... લક્ષ્મીએ એમને જોયા અને ચોંકીને ઊભી થઈ, “અરે ડેડી, તમે ક્યારે આવ્યા ?”

“થોડી વાર થઈ.” સૂર્યકાંતે કહ્યું.

“મારું ધ્યાન જ નહોતું.” લક્ષ્મીએ કહ્યું.

“હા, તું વાંચતી હતી.”

“ડેડી, પોલો કોહેલોનું નવું પુસ્તક છે- ઝાહેર... મારે ત્યાં જ ખરીદવું હતું, પણ ટાઈમ ના રહ્યો. જુઓ...”

સૂર્યકાંતે પુસ્તક હાથમાં તો લીધું પણ જોયું નહીં...

આ લક્ષ્મીના ધ્યાન બહાર ના રહ્યું. જે પિતા પાસેથી પુસ્તકપ્રેમ પોતાને વારસામાં મળ્યો હતો એ પિતા એમના પ્રિય લેખકનું પુસ્તક ખોલીને જુએ પણ નહીં ?

“ડેડી, આર યુ ઓ.કે. ?” એમના ખભે હાથ મૂકીને લક્ષ્મીએ પૂછ્‌યું.

સૂર્યકાંતે ફક્ત ડોકું ફેરવીને બાજુમાં બેઠેલી લક્ષ્મી સામે જોયું. એમની આંખો ખાલી હતી. ભય લાગે એટલી ખાલી. આંસુ જાણે સૂકાઈ ગયાં હોય અને ઊઠેલી આંધીમાં રેતીનું તોફાન આવ્યું હોય એવી આંખો હતી એમની...

“ડેડી...” લક્ષ્મીએ કહ્યું. એ ડરી ગઈ હતી. “શું થયું ડેડી ? એ લોકો ના મળ્યા ? ઘર બદલી નાખ્યું છે ?”

“ના... ઘર તો એ જ છે...”

“તો ? એ લોકોએ તમારી સાથે સરખી રીતે વાત ના કરી ? તમારા વાઈફ...”

“હરિદ્વાર ગઈ છે. વસુ- વસુંધરા હરિદ્વાર ગઈ છે.”

“ઓહ ! આવી જશે, આપણે તો રોકાવાના છીએ ને ?”

થોડી વાર એવી જ ખાલી રેતાળ આંખોથી લક્ષ્મી સામે જોઈ રહ્યા પછી સૂર્યકાંતે જાણે પોતાની જાત સાથે વાત કરતા હોય એટલા ધીમા અવાજે કહ્યું, “મારું શ્રાદ્ધ કરવા હરિદ્વાર ગઈ છે.”

“વ્હૉટ ?” લક્ષ્મીએ પૂછ્‌યું.

“આપણે રોકાવું છે કે ચાલી જવું છે ?” સૂર્યકાંતની આંખોમાં એક પુરુષનો ચૂરચૂર થઈ ગયેલો અહમ્‌ દેખાતો હતો.

“ડેડી...” લક્ષ્મીએ અવાજ બને એટલો સંયત કરવાનો પ્રયાસ કર્યો, પછી પોતાનો એક સૂર્યકાંતના બાવળે લપેટી લીધો. બીજા હાથે એનું કાંડું પકડીને માથું એના ખભે મૂકી દીધું.

“ડેડી...એ લોકો પાછા આવે ત્યાં સુધી રાહ તો જોઈએ. કદાચ કોઈ ગેરસમજ હોય તો દૂર થઈ જશે. આટલા વર્ષે અહીં સુધી આવ્યા છો તો હવે...”

“બેટા, એ શ્રાદ્ધ કરવા ગઈ એનું દુઃખ નથી મને. અધિકાર છે એને, પણ આટલા વરસ સુધી રાહ જોયા પછી મને સાદ શું કામ પાડ્યો ? અને જો સાદ પાડ્યો તો પડઘો પડે છે કે જવાબ મળે છે એની રાહ તો જોવી જોઈએ ને ?”

“ડેડી, પચીસ વરસ રાહ જોઈ છે એમણે.”

ઝૂંઝલાઈ ઊઠ્યા સૂર્યકાંત, “એની કોણ ના પાડે છે ? પણ તો પછી ચૂપચાપ શ્રાદ્ધ કરી આવવું જોઈતું હતું. મને બોલાવવા માટે આ નાટક કરવાની જરૂર નહોતી.”

ઊંડો શ્વાસ લીધો લક્ષ્મીએ, “આ નાટક છે એવું કોણે કહ્યું તમને ? કદાચ એ હારી ગયાં હોય, થાકી ગયાં હોય, હવે તમે નહીં જ આવો એવી ખાતરી થઈ ગઈ હોય તો કોઈ શું કરે ?”

“જેને જોઈ નથી, જાણતી નથી એનો પક્ષ લે છે ? એણે આ બધું ઊભું જ એટલે કર્યું હશે કે મને પાઠ ભણાવી શકે.” સૂર્યકાંત ૨૫ વરસ જૂના ભૂતકાળમાંથી અચાનક જાગી ગયો હતો. પોતાના કરતાં વધુ રૂપાળી, વધુ ભણેલી, વધુ સહનશીલ અને વધુ સમજદાર પત્નીના પતિ હોવાની પીડા આટલા વરસે પણ જાણે એને ફરી ડંખી ગઈ. એમનું મન તૂરું થઈ ગયું. એમણે ઉમેર્યું, “તું બે-ત્રણ દિવસ ફરી લે, શોપિંગ કરી લે, પછી આપણે પાછા જતા રહીશું. તું નથી ઓળખતી વસુંધરાને... ”

“એટલે જ ઓળખવા માગું છું.” લક્ષ્મીએ કહ્યું, “મને તમે જ શીખવાડ્યું છે ડેડી, કે કોઈ પણ વાતનો નિર્ણય કરતાં પહેલાં પોતાને અને બીજાને સમય આપવો.”

“હા, તો ? એણે આપ્યો મને સમય ?”

“ડેડી, એવું ન બને કે એમની પાસે જ સમય ન હોય ?”

સૂર્યકાંત ચોંક્યા. શું કહેતી હતી આ છોકરી ? વસુ પાસે સમય ન હોય ? એટલે વસુ... એટલે વસુ... અને પોતાના જીવતા શ્રાદ્ધ કરવા માગતી હોય...

“ઓહ માય ગૉડ ! ઓહ માય ગૉડ ! આ વિચાર મને કેમ ના આવ્યો ? લક્ષ્મી સાચી જ હશે. નહીં તો પચીસ વર્ષે મને યાદ શું કામ કરે ? શું કામ શોધે મને ? અને એણે તો જાહેરાતમાં સ્પષ્ટ લખ્યું જ હતું કે આ જાહેરાત છપાયાના અડતાલીસ કલાક દરમિયાન જો તમે મને સંપર્ક નહીં કરો તો હું માનીશ કે આપણી વચ્ચેનો પુલ તૂટી ગયો છે.... ને અડતાળી કલાક તો પૂરા થઈ ગયા ! હવે ?”

સૂર્યકાંતને વિચારમાં પડી ગયેલો જોઈને લક્ષ્મીએ આગળ કહ્યું, “ડેડી, અહીં સુધી આવ્યા છો તો એક વાર, એક વાર મળી લો એમને... જે કામ માટે આવ્યા છો એ પૂરું કરો. એક સંબંધ જે આટલાં વર્ષોથી અધૂરો હતો, પૂરો કરી દો એને. જોડીને અથવા તોડીને... હું મારા ડેડીને અધૂરા પાછા જતા જોવા નથી માગતી... ક્યારેય નહીં...”

સૂર્યકાંતે લક્ષ્મીની સામે જોયું. “આટલી મોટી થઈ ગઈ હતી આ છોકરી ? મને ખબરેય ના પડી ?” લક્ષ્મીના માથે હાથ ફેરવ્યો એમણે. “મને લાગે છે તારી વાત સાચી છે બેટા. વસુ પાછી આવે ત્યાં સુધી તો હું રાહ જોઈશ જ.” પછી અવાજમાં મક્કમતા ઊભરાઈને છલકાઈ જાય એવા અવાજે કહ્યું, “અહીં સુધી આવ્યો છું તો મળીને તો જઈશ જ...”

એમનું બાવડું અને કાંડું પકડીને ખભે માથું મૂકીને સૂતેલી લક્ષ્મીએ બાવડા પરની પકડ સહેજ વધુ ટાઇટ કરી અને માથું ઊંચકીને બાપના ગાલે ચૂમી ભરી લીધી. “ધેટ્‌સ લાઇક માય ડેડ...”

નિરવ જ્યારે તાજની ‘સી-લાઉન્જ’ કોફી શોપમાં દાખલ થયો ત્યારે એના ચહેરા ઉપર એક અજબ સ્મિત હતું... જાણે એની અંદર કશુંક એવું વરસ્યું હતું જે વાતે એને સરાબોર ભીંજવી નાખ્યો હતો. એને પોતાને પણ નહોતું સમજાતું કે એ શું હતું?

આમ તો નિરવ નાની-નાની વાતે ઇમોશનલ થાય એવો માણસ જ નહોતો. એની મમ્મી-રિયા અમેરિકામાં રહેતીે. નિરવના માતા-પિતા લગભગ છેલ્લા બે દાયકાથી છૂટા પડી ગયા હતા. નિરવ દસ વર્ષનો થયો ત્યાં સુધી કાયદાની રૂએ એની મા પાસે રહ્યો - ન્યૂ યોર્ક. પછી એના પિતા શ્રી વિષ્ણુપ્રસાદ ચોક્સીએ એનો કાયદેસરનો કબજો લીધો ત્યારથી નિરવ અહીં મુંબઈમાં એના પિતા પાસે રહેતો હતો...

વિષ્ણુપ્રસાદ ચોક્સી હીરાના વેપારી હતા. વિશ્વભરમાંથી કાચા હીરા લાવીને એને પહેલ પાડીને મોટી-મોટી બ્રાન્ડેડ કંપનીઝને સપ્લાય કરવાનો એમનો ધંધો હતો. એમણે અઢાર વર્ષનો હતો ત્યારથી નિરવને ધંધામાં લગાડી દીધો હતોે. વિષ્ણુપ્રસાદ ચોકસી માનતા કે લાગણીઓથી બેકાર અને ફાલતુ બીજી કોઈ વસ્તુ નથી... બજારમાં જેની કિંમત ના ઉપજે એવી કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે વિચાર શ્રી વિષ્ણુપ્રસાદ ચોક્સી માટે ‘બે પૈસાની ચીજ’ હતી!

નિરવ કોઈ એક જમાનામાં પેઈન્ટર બનવા માગતો હતોે. એને માટે કલાની દુનિયા શ્વાસ લેવાની જગ્યા હતી. વાંચવાનો ગજબનો શોખ હતો નિરવને...

આમ તો વિષ્ણુપ્રસાદ ચોક્સીને એણે પોતાની ઑફિસ-અવર્સની મિનિટે-મિનિટનો હિસાબ આપવો પડતો. નિરવ લાયબ્રેરીમાં, આર્ટ ગેલેરીમાં કે મ્યુઝિક કોન્સર્ટમાં ‘ટાઈમ બગાડે’ એ ચોક્સી સાહેબને પોષાય એમ નહોતું.

“મિનિટે-મિનિટની કિંમત ઉપજવી જોઈએ! ટાઈમ ઈઝ મની.” ચોક્સી સાહેબ નિરવને દિવસમાં વીસેક વાર તો આ વાક્ય કહેતા જ. એમનું ‘સ્ટ્રોંગલી’ માનવું હતું કે નિરવને એની માએ તદૃન બગાડી મૂક્યો છે... આમ તો નિરવ અને એની માના સંબંધો વિશે ચોક્સી સાહેબ જે માનતા કે કહેતાં, એ બધું જ ખાસ્સું ‘સ્ટ્રોંગલી’ હતું. નિરવ માટે ચાલુ ઑફિસ દરમિયાન દસ-પંદર મિનિટ પણ બહાર નીકળવું ખરેખર અઘરું થઈ જતું.

“પેરોલ પર છૂટ્યો છે?” અલય એને હંમેશા પૂછતો.

ચોક્સી સાહેબને નિરવ અને અલયના સંબંધ સામે પણ વાંધો હતો. ફિલ્મ મેકર બનવા માંગતા અલયને એ ‘રખડેલ અને બેકાર’ કહેતા...

નિરવ આ કોઈ બાબતનો જવાબ ના આપતો પણ, ચોક્સી સાહેબને એ ખબર હતી કે, નિરવ માત્ર અને માત્ર ધાર્યું જ કરતો.

ધાર્યું કરવાનો એવો એક દિવસ નિરવને અણધાર્યો મળી ગયો હતો. આજે વિષ્ણુપ્રસાદ ચોક્સી-નિરવના પપ્પા એક ડાયમન્ડ મર્ચન્ટ એસોસિએશનની અગત્યની મીટિંગમાં બીઝી હતા. એમણે સેલ પણ સ્વીચ ઑફ કર્યો હતો, અને એટલે નિરવ માટે થોડા કલાકનું વેકેશન હતું...

અને એટલે, નિરવે અદ્‌ભુત પ્રોગ્રામ ઘડી કાઢ્યો હતો. પહેલાં ‘નાલંદા’માં જઈને ઢગલો પુસ્તકોની ખરીદી... પછી ‘સી-લાઉન્જ’માં બેસીને સ્કેચિંગ અને છેલ્લે સાંજ ઢળે ત્યારે ‘પાલવા’ પરથી ફેરી લઈને મોટરબોટમાં ‘એલિફન્ટા’ સુધીની દરિયાઈ સફર...

આજના દિવસમાં આટલું જ થઈ શકે એમ હતું, કારણ કે ચોકસી સાહેબ સાડા છએ ‘ઓન ડોટ’ ઑફિસ પહોંચવાના હતા!

તો નિરવ જ્યારે ‘સી-લાઉન્જ’માં દાખલ થયો ત્યારે ત્યાં બે કે ત્રણ જ ટેબલ્સ ભરેલાં હતાં. ખરા બપોરે ત્યાં બહુ માણસોના હોવાની સંભાવના ય નહોતી. કાચની દીવાલ પાસે આવેલા પોતાના ફેવરિટ કોર્નર ટેબલને ખાલી જોઈને નિરવ ખુશ થઈ ગયો.

એ ટેબલ પર બેઠો. કાગળિયા અને પેન્સિલો કાઢીને ટેબલ પર ગોઠવ્યાં અને દરિયા તરફ જોઈ રહ્યો.

બહારનાં દૃશ્યો આકર્ષક હતાં. લાઉન્જમાં બેઠેલા લોકોના ચહેરા પણ રસ પડે એવા જ હતા... “શું કરવું? શું ચીતરવું?” વિચારી રહ્યો હતો નિરવ... આમ તો, દસ હજાર વિચારો આવતા હતા, મગજમાં. પણ એ બધા વિચારને ધકેલીને બે રાખોડી આંખો એની સામે જોઈ રહી હતી, આશ્ચર્યમાં, વિનંતીમાં અને નિરવ એ બે આંખો સિવાય બીજું કંઈ જોઈ નહોતો શકતો!

એણે પેન્સિલ ઉઠાવી, કારણ વગર કાગળ પર હાથ ફેરવ્યો અને પહેલી લીટી દોરી...

એની પેન્સિલ ફરતી રહી...

નમણું નાક, વિખરાયેલા-ફેલાયેલા ચહેરાને સ્હેજ ઢાંકતા અને વધુ ઉઘાડતા એક અદ્‌ભુત ફ્રેમ બનાવતા સોનેરી વાળ, પરવાળા જેવા હોઠ - જેના પર એક એવું સ્મિત હતું, જે કાગળ પર ઉતારવું અઘરું હતું, બે આંખો - જે તાકી રહી હતી નિરવ સામે અને કહી રહી હતી, “એક્સક્યુઝ મી, પ્લીઝ... આ પુસ્તક તમે ખરીદવાના છો?”

અંજલિ બાથરૂમમાં જોર-જોરથી ઉલટી કરી રહી હતી. રાજેશ એની પીઠ ઉપર હાથ ફેરવી રહ્યો હતો.

“ઇજી બેબી, ઈજી બેબી... ડૉક્ટરને ફોન કરું?” રાજેશે પૂછ્‌યું. અંજલિને કંઈ પણ થાય તો રાજેશ એટલો વિચલિત થઈ જતો કે જો એનું ચાલે તો બાળક પોતાના પેટમાં મુકાવી દે. લગ્નના ત્રણ વરસે અંજલિ પ્રેગનન્ટ હતી. અને રાજેશ માટે આખી સદીમાં એનાથી મોટી કોઈ ઘટના બની જ નહોતી!

રાજેશ અંજલિને ખૂબ ચાહતોે... ચાહતો? એવું કહેવું જોઈએ કે, એને માટે અંજલિ ‘કોહીનૂર’થી ઓછી નહોતી! અંજલિ જેવી પત્ની પોતાને ક્યારેય મળશે, એવી રાજેશને સપનામાં ય આશા નહોતી...

અને અંજલિને પણ સ્વપ્નેય એવી કલ્પના નહોતી કે રાજેશ જેવા માણસને પરણી જશે!

ડી-બેર્સ જેવી એક હજાર કરોડની કંપની સાથે જોડાયેલો રાજેશ કરોડોમાં રમતો હતો. માતાપિતાનું એક માત્ર સંતાન રાજેશ કરોડોનો એક માત્ર વારસદાર હતો. નીરવના પિતા વિષ્ણુપ્રસાદ ચોકસીની સાથે ધંધો કરતા રાજેશના પિતા મહેન્દ્ર ઝવેરીને ત્યાં એક પાર્ટીમાં રાજેશે અલયની સાથે અંજલિને જોઈ હતી. અને પછી તો જાણે પાછળ જ પડી ગયો હતો. અંજલિને, અને માત્ર અંજલિને જ પરણવાના સોગંધ ખાધા હતા એણે!

વારંવાર માંગાં લઈને એમના ઘરે આવતાં મહેન્દ્ર ઝવેરી અને એના પત્નીથી કંટાળીને વસુમાએ એક દિવસ અંજલિને સ્પષ્ટ પૂછ્‌યું હતું, “છેલ્લીવાર જવાબ આપી દે. શું કહું એમને?”

“ના. ચોખ્ખી ના... ગળામાં ચેઈન, હાથમાં ત્રણ વીંટીઓ અને લાલ રંગની શર્ટ પહેરે છે એ. કેમ પરણાય એને?” અંજલિએ છનછનાટ કર્યો હતો.

અંજલિ એ વખતે સંગીતમાં વિશારદ કરતી હતી. પંડિત પ્રયાગરાજની પ્રિય શિષ્યા હતી. પંડિતજી હંમેશા કહેતા, “યે લડકી મેરા નામ રોશન કરેગી.” અને અંજલિને પણ સંગીતમાં કારકિર્દી બનાવવી હતી. સ્ટેજ ઉપરથી પોતે ગાતી હોય અને કરોડોની મેદની એના અવાજના તાલે ડોલતી હોય એવું સપનું ઊંઘતા અને જાગતા એ જોયા જ કરતી હતી...

એ સમયે આવી પડેલું રાજેશ ઝવેરી નામના હીરાના વેપારીનું માંગું અંજલિ માટે જરાય મહત્ત્વનું નહોતું. સેલની જાહેરાતના છાપાની અંદર આવેલા પેમ્ફલેટથી વધારે અંજલિને એમાં કશું દેખાતું નહોતું. એ રાજેશને જોતાં જ હસવા માંડતી. એનું ખોટું અંગ્રેજી, એની મર્સીડીઝ અંજલિ માટે લવાયેલી બાર લાખ રૂપિયાના સોલિટેરની વીંટી... કશું જ અંજલિને આકર્ષી શકતું નહોતું. રોજ પ્રયાગરાજના ઘરેથી અંજલિ રિયાઝ કરીને સાત વાગે નીચે ઉતરે ત્યારે રાજેશ દોડીને એનો તાનપુરો ઊંચકી લેતો...

અંજલિ દરેક વખતે રાજેશની રીડિક્યુલ કરતી... એને પૂછવા માટે એવા સવાલો શોધી કાઢતી, જેના જવાબો એની પાસે નહીં હોય એવી અંજલિને ખાતરી હોય...

અને છતાં, રાજેશ સંનિષ્ઠતાથી સંપૂર્ણપણે અને સહૃદયતાથી અંજલિને ચાહતો. રાજેશ પાસે અંજલિની બુદ્ધિ, એના સૌંદર્ય કે એના સંગીત સાથે તાલ મિલાવી શકે એવું કશું જ નહોતું... અને છતાં, એક વસ્તુ હતી - જેની કિંમત અંજલિને અત્યારે સમજાતી નહોતી અથવા હજી સમજાઈ નહોતી!

ઉલટી કરીને નિઢાલ થઈ ગયેલી અંજલિને હાથનો ટેકો આપી બાહુપાશમાં લપેટીને બહાર લઈ આવતા રાજેશે પૂછ્‌યું, “મા ક્યારે પાછા આવવાના છે? તારે થોડા દિવસ ત્યાં રહેવા જવું છે?”

અને અંજલિને રડવું આવી ગયું...

“માએ પણ અત્યારે જ જવાનું નક્કી કર્યુંર્! કોઈને મારી ચિંતા નથી!” અંજલિએ રડતાં-રડતાં કહ્યું. “બાપ એવી ઉંમરે છોડીને ભાગી ગયો જ્યારે મને એની સૌથી વધારે જરૂર હતી. ફરીને ખબર પણ નથી લીધી મારી. ભાઈઓ પોત-પોતાની દુનિયામાં બિઝી છે અને મા, લાડ કરવામાં સમજી જ નથી! બસ, ડિસીપ્લીન, નિયમો, કાયદા અને સિદ્ધાંતો...” એ રડી રહી હતી. રાજેશ શું કરવું એ ન સમજાતા એની સામે જોઈ રહ્યો હતો...

અંજલિને અચાનક બાળપણના કેટલાય પ્રસંગો સાંભરી આવ્યા. જ્યારે દાદાજી અને પિતા બંને અંજલિને ધાર્યું કરવા દેતા. ઘરમાં એકની એક દીકરી હોવાને કારણે તો દાદાજીને લાડકી હતી જ, પરંતુ કોણ જાણે કેમ દેવશંકર મહેતાને એવો વ્હેમ ઘુસી ગયો હતો કે અંજલિને રૂપે એમનાં મા પાછા ફર્યા હતા! દેવશંકર મહેતા અંજલિને ‘મા’ કહીને બોલાવતા. આમ તો ઘરમાં કૃષ્ણની, શ્રીનાથજીની પૂજા થતી. પરંતુ અંજલિને આવ્યા પછી ઘરમાં નવરાત્રિ ઉજવાતી થઈ હતી. દેવીપૂજાનું મહત્ત્વ વધ્યું હતું. વળી, દેવશંકર મહેતા અને ગોદાવરી-બંનેનું માનવું હતું કે અંજલિના આવ્યા પછી ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ પણ વધ્યાં હતાં...

અને, સૂર્યકાન્તને તો એની દીકરી કોઈ પરીથી ઓછી નહોતી લાગતી! છાશવારે નવાં કપડાં, નવી ઢીંગલીઓ, ઘર-ઘર રમવાનાં નવાં-નવાં વાસણોની સાથે સાથે સૂર્યકાન્ત દીકરીના મોઢામાંથી નીકળે એ ઇચ્છા પૂરી કરતો.

વસુંધરા એને વારંવાર ટોકતી, “તમે બગાડો છો એને.”

“ખબર છે.” સૂર્યકાન્ત કહેતો.

“પરણીને પારકે ઘેર જવાનું છે, એ ભૂલી ના જતા.”

“પળે પળે એ જ યાદ આવે છે. એટલે જ આ ઘરમાં એની બધી ઇચ્છા પૂરી કરી લઉં છું. સાસરે જઈને મારી દીકરીનો કોઈ અભરખો અધૂરો ના રહેવો જોઈએ.”

“ને પછી એવો વર નહીં મળી તો?”

“એને માટે તો રાજાઓના ઘેરથી માંગા આવશે. મહારાણી થવા જન્મી છે મારી દીકરી. યાદ નથી? ગોરબાપાએ એની કુંડળી જોઈને શું કહ્યું હતું?”

“મને કુંડળીઓમાં વિશ્વાસ નથી... આપણે એને સંસ્કાર જ એવા આપીએ કે જે ઘેર જાય ત્યાં મહારાણીની જેમ માન પામે.” વસુંધરા કહેતી.

“અરે, દોમદોમ સાહેબીમાં જીવવાની છે આ છોકરી... લાખો-કરોડોના દાગીના પહેરશે. ને પતિ, પડ્યો બોલ ઝીલશે. કહ્યું ’તું ને ગોરબાપાએ?” સૂર્યકાન્ત હસીને કહેતો અને વસુંધરા જોઈ રહેતી આ માણસના નસીબ પરના આંધળા વિશ્વાસને...

ટેબલ પર બેસીને રડતી અંજલિને પિતાનું વ્હાલ યાદ આવી ગયું. પિતાના ગયા પછી ક્યારેય લાડ નહોતી પામી અંજલિ. બલ્કે નોકરી કરતી માને રસોડામાં અને ઘરકામમાં મદદ કરાવવી પડતી. ક્યારેક આનાકાની કરતી ત્યારે વસુંધરા કહેતી, “તું નહીં સમજે તો કોણ સમજશે, બેટા? તું દીકરી છે મારી. મારા શરીરનો નહીં, મારા મનનો પણ ભાગ છે તું...” અને અંજલિ પીગળી જતી.

અત્યારે પણ એ પીગળીને રડી રહી હતી. એને કોઈ પણ ભોગે મા અને ભાઈઓની સાથે જવું હતું-હરિદ્વાર.

જો કે, ‘ના’ માત્ર વસુમાએ પાડી હતી.

રાજેશ તો ‘ના’ પાડે એવો હતો જ નહીં. આમ જોવા જાવ તોેે ગોરબાપાએ કહેલું સાચું જ પડ્યું હતું ને?

...એ જ વખતે અંજલિના મોબાઇલની રિંગ વાગી. રડતાં રડતાં અંજલિએ શ્વાસ ઘૂંટીને ફોન ઉપાડ્યો.

“હલ્લો...”

“હલ્લો...” સામેથી પહાડની ગુફાઓમાંથી આવતો હોય એવો ઘેરો-ઘૂંટાયેલો એક અવાજ આવ્યો. આ અવાજને ભારતના જ નહીં, વિશ્વના તમામ સંગીતપ્રેમીઓ જાણતા હતા... માનતા હતા ! “હલ્લો... અંજલિ ?” એ અવાજે ફરી કહ્યું.

“તું... તમે ?” અંજલિએ કહ્યું અને પછી સ્તબ્ધ થઈ ગઈ. જાણે મૂર્તિ હોય એમ... કોઈ ચિત્રમાં ચીતરી હોય એમ અંજલિ સ્થિર થઈ ગઈ હતી...

“કોણ છે ?” રાજેશે પૂછ્‌યું.

“હં...” અંજલિ હાથમાં ફોન પકડીને ડઘાયેલી ઊભી હતી. “કોણ છે ?” રાજેશે ફરી પૂછ્‌યું.

“હલ્લો...” અંજલિએ કહ્યું, “હલ્લો... હલ્લો... હલ્લો...” જાણે સામેથી કશું સંભળાતું ન હોય એમ અંજલિ બૂમો પાડતી રહી.

સામેથી જવાબ આવતો રહ્યો, “હલ્લો અંજલિ... અંજલિ, હું બોલું છું...”

પણ અંજલિએ ફોન કાપી નાખ્યો.

“કોણ હતું ?” રાજેશે પૂછ્‌યું.

“કોને ખબર... કંઈ સંભળાયું નહીં.” અંજલિએ કહ્યું અને પછી ફોન સ્વિચ ઑફ કરી નાખ્યો...

...ફોન તો સ્વિચ ઑફ કરી નાખ્યો એણે, પણ એનું સમગ્ર અસ્તિત્વ રાજેશ ક્યારે બહાર જાય અને ક્યારે એ પેલા આવેલા નંબર પર ફોન કરે એની રાહ જોતું તરફડતું રહ્યું.

(ક્રમશઃ)