MAHABHARAT NA RAHSHYO - 8 in Gujarati Mythological Stories by bharat chaklashiya books and stories PDF | મહાભારત ના રહસ્યો - સુરેખા હરણ (8)

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

મહાભારત ના રહસ્યો - સુરેખા હરણ (8)

સુરેખાહરણ (5)

ત્રીજા દિવસે સવારે વિવિધ પ્રકારના શાકભાજી લઈને એક કાછીયો દ્વારકાની બજારમાં આવ્યો છે. તાજા અને જોતાં જ ગમી જાય એવા અનેક પ્રકારના નવીન શાકભાજી જોઈ દ્વારકાવાસીઓ ખરીદવા લલચાય છે. પરંતુ એ કાછીયો શાકભાજીના ખૂબ ઊંચા ભાવ કહે છે એટલે કોઈ યાદવ શાકભાજી ખરીદી શકતા નથી.
એવામાં ભગવાનની નજર એ કાછીયા પર પડી. બંને પરસ્પર હસી પડ્યા.
"કેમ અલ્યા કાછીયા....આટલા ઊંચા ભાવ લેવા બેઠો છો...?" ભગવાન છણકો કરીને હસ્યા.
"પ્રભુ આ શાકભાજી તો હું જાન માટે ખાસ લાવ્યો છું. કોઈ સારા રસોઈયા પાસે શાક બનાવડાવીને જાનૈયાને જમાડો. બધા આંગળા કરડી ન જાય તો ફટ કહેજો મને."
કહી કાછીયાએ પ્રભુ સામે આંખ મિચકારીને કેટલાક શાકભાજી અલગ કાઢી આપ્યાં.
"લો પ્રભુ...આ શાકભાજી તમારા માટે લઈ જાઓ. પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય , કુલગુરુ કૃપાચાર્ય, મહાત્મા વિદુર અને સતીયા પુરુષોને આમાંથી બનાવીને ખવડાવજો. જાન માટે જે શાકભાજી છે. એમાંથી તમે કશું લેશો નહીં." કહી કાછીયો બનેલો ગટોરગચ્છ અશોકબાગના ભોંયરામાં ચાલ્યો ગયો.
ભગવાને શાકભાજી મજૂર પાસે ઉપડાવીને જાનના રસોડે પહોંચાડ્યા. પોતે રસોઈયા બનીને શાક બનાવવા બેઠા.
શકુનિ અને દુર્યોધન એ જોઈને રાજી થયા.
બલભદ્રે કહ્યું, "ભાઈ તું કેમ આજે રસોઈ બનાવવા બેઠો ?"
"કેમ...? અમને હરખ ન હોય...? તમારા વેવાઈ એ અમારા વેવાઈ નહીં ? રસોઈ બનાવીને વેવાઇને પીરસીશું પણ અમે જ. દુર્યોધન જેવા હસ્તિનાપુર નરેશને જમાડવાનો લહાવો અમે પણ લઈએ ને...!"
કહી ભગવાને સરસ રસોઈ તૈયાર કરી. સૌ જાનૈયા જમવા બેઠા. સો કૌરવો અને છ કારભારી
પંગત પાડીને બેઠા.
ભગવાન શાકભાજી પીરસવા લાગ્યા. જાનૈયા જમવા લાગ્યા.
શાકનો સ્વાદ માણતો દુર્યોધન બોલ્યો, "વાહ...દેવકીનંદન. તમે તો ભારે ઉસ્તાદ રસોઈયા છો ને કાંઈ."
"આવા રસોઈયા અમારા રસોડામાં નથી...કૃષ્ણ જેવો રસોઈયો હોય તો રોજ રોજ જમવાની બહુ મજા પડે હો."
મૂર્ખ શકુનિએ મનમાં આવે તેમ ભસી નાખ્યું.
પણ ભગવાન તો આજ જાનૈયાને જમાડવાના મૂડમાં હતા. સ્વાદિષ્ટ શાક બહુ ભાવ્યા એટલે બીજી મીઠાઈઓ પડતી મૂકીને સૌ એકલા શાક પર તૂટી પડ્યા. ગળા સુધી આવ્યું ત્યાં સુધી સૌએ દાબી દાબીને ખાધું. કેટલાકે જિંદગીમાં આવો સ્વાદ કદી માણ્યો નહોતો અને કેટલાકને તો ઉભા કરવા પડ્યા.
ભગવાને સતીયા પુરુષોને અને ઘરના સભ્યોને સાદા શાક ખવડાવ્યા. જમીને સૌ પોતપોતાના મહેલમાં જઈને સૂતા.
જતા પહેલા પ્રભુએ બલભદ્રને કહ્યું, "હવે આજ કંઈ તમાશો તો કરવાના નથી ને વેવાઈ...? જો આજ કંઈ તમાશો કરશે તો પછી વેવાઈને જલદી રવાના કરજો. રોજ રાત્રે અમારી ઊંઘ બગડે છે."
"હા, ભાઈ હા...નવી નવાઇની તમારી ઊંઘ...બિચારા વેવાઈ જાણી જોઈને થોડા તમાશા કરે છે ? જાઓ ભાઈ સૂઈ જાવ." બલભદ્રએ રિસાઈને કહ્યું.
ભગવાને મંદ મંદ હસીને કહ્યું,
"કોઈ દિવસ જોયું ન હોય એમ શાક ઉપર તૂટી પડ્યા હતા. રાત્રે ડખો થાય તો મારો વાંક કાઢતા નહીં. તમારા વેવાઈની પાચનશક્તિનો આજે પરિચય થઈ જવાનો છે."
બલભદ્ર કાંઈ સાંભળ્યા વગર ચાલ્યા ગયા. ભગવાન પણ મહેલે જઈને સૂતા.

*

રાત્રીના બાર વાગ્યા એટલે ગટોરગચ્છ ઉઠ્યો. એ જોઈ અભિમન્યુ ખીજાયો, "ભાઈ તું રોજેરોજ નાટક કરવા જાય છે. હવે મને અહીં ગમતું નથી. આપણે કંઈ અહીં ખેલ કરવા આવ્યા નથી. કન્યાનું હરણ કરવાની યોજના ક્યારે ઘડવી છે.?"
"બસ...ભઈલા મારા...આજનો દિવસ જવા દે.જાન માંડવે જાય એ પહેલાં એ કન્યા તારા ચરણો દાબતી હશે. વીરા મારા આજ કાકાઓને શાક ખવડાવ્યા છે." એવું કહીને ગટોરગચ્છ ચાલ્યો.
નગરની બહાર આવીને ગટોરગચ્છે માયા રચી. એ સાથે જ ભરપેટ ભોજન દાબીને ઘેનમાં સરી પડેલા જાનૈયાઓના પેટમાં જાણે કે વંટોળીયા ઉઠ્યાં.
ચોમાસામાં વરસવા ગાંડાતુર થયેલા વાદળોના ગડગડાટને પણ ભુલાવી દે એવી ગડગડાટીથી પેટ ગાજી ઉઠ્યાં.
પથારીમાંથી બેઠા થાય એ પહેલાં તો ઊલટીઓ શરૂ થઈ. જાજરૂ જવા લોટા ભરે એ પહેલાં સ્થળ પર જ નિકાલ થવા લાગ્યો..
ચારે તરફ ઓકાઓક ચાલુ થઈ.
ઊલટીમાં ભયાનક જંતુઓ તરફડી રહ્યાં છે...કોઈના મોંમાં સાપ લબડે છે...તો કોઈ મહાત્રાસ પામી એ સાપને મોઢામાંથી ખેંચે છે...તો કોઈના પેટમાંથી જીવતા દેડકાં... તો કોઈના પેટમાંથી કાનખજૂરા નીકળીને શરીર પર ચોંટયા છે...જેને જ્યાં ફાવ્યું ત્યાં ઓકવા બેસી ગયા છે. ભૂંગળી મોઢે ઝાડા થઈ ગયા હોવાથી ગમે ત્યાં બેસીને પેટ ખાલી કરવા મથી રહ્યા છે.
ચારેકોર દોડધામ મચી પડી. ઝાડાઊલટી કરી કરીને આખી છાવણીમાં શ્વાસ પણ ન લઈ શકાય એવી ભંયકર બદબૂ ફેલાઈ ગઈ...! એ સૌ જાનૈયાના શોરબકોર સાંભળી જાદવરાય જાગ્યા.
"ચાલો એ ભાઈઓ ચાલો. આજે ફરી વેવાઈએ ભવાડો આદર્યો લાગે છે. રોજ રોજ આ તે શી ભવાઈ...જાન લઈને આવ્યા છે કે ભવાઈ કરવા. ચાલો રે બધા ચાલો જઈને જુઓ તો ખરા...આજે શું ખેલ આદર્યો છે." કહી ભગવાન લોકોનું ટોળું લઈ આગળ થયા.
બલભદ્ર પણ ગુસ્સે ભરાઈને આવ્યા. એકબાજુ એમને રોજ રોજ વેવાઈને પડતી મુશ્કેલીની ચિંતા થઈ રહી હતી ત્યારે બીજીબાજુ કૃષ્ણને ટીખળ સુઝતું હતું.
દુર્યોધનની મશ્કરી કરીને પ્રભુ જે આનંદ લઈ રહ્યા હતા એનાથી બલભદ્ર ચીડાતા હતા...!
છાવણી પાસે આવીને ભગવાને નાક આડા હાથ દીધા. બહારથી બલભદ્રે દુર્યોધનને સાદ પાડ્યા.
પણ ઓકવામાંથી નવરો થાય તો એ જવાબ આપે ને."
ચારઘડી એ બૂમરાણ ચાલ્યું. બધાના આંતરડા બહાર આવી જાય એટલા ઓકાવીને ગટોરગચ્છે પોતાની માયા સંકેલી લીધી.
બધી જ ગંદકી પળવારમાં અલોપ થઈ ગઈ. એ જોઈને દુર્યોધન અને શકુનિ સહિત તમામ નવાઈ પામ્યા.
ઉતારાનો દરવાજો ખોલવામાં આવ્યો.
બલભદ્રની સાથે જ ભગવાન લોકોના ટોળાને લઈ અંદર આવ્યા.
આજે તો બલભદ્ર પણ ગુસ્સે થયા હતા.
"અરે, આ શું માંડ્યું છે વેવાઈ તમે ? રોજ રાત્રે અમને દોડાવો છો."
"અરે...રે...વાત ન પૂછો. અમને બધાને ઝાડા ઊલટી થઈ ગયા. એકાએક પેટમાંથી સાપ અને દેડકાં નીકળવા લાગ્યા. જાજરૂ સુધી પણ પહોંચાયું નહીં. અમે તો ભાઈ હેરાન હેરાન થઈ ગયા."
"જુઓ એ ભાઈઓ...વેવાઈ કેવું જૂઠું બોલે છે...ક્યાં છે સાપ...? ક્યાં છે દેડકાં...? ભાઈ કાલે ને કાલે જાનને માંડવે તેડાવી લ્યો. લગ્ન કરાવીને સાંજ સુધીમાં જાનને વળાવી પણ દો. રોજ રાતે અમારી ઊંઘ બગડે છે...આવા તે તમાશા રોજ ઉઠીને કંઈ પોસાય...એક દી જનાવર મરી જાય...બીજા દિવસે સ્ત્રીઓ રાડારાડ કરી મૂકે... અને આજ ઓકવાનું નાટક કરીને અમને જગાડ્યા... ભારે ભાઈ તમારા વેવાઈ...ચાલો ભાઈઓ...મને તો અહીં ઉભું રહેવું પણ ગમતું નથી." કહી ભગવાન લોકોનું ટોળું લઈને ચાલતા થયા.
એ જોઈ બલભદ્રે પણ દુર્યોધનને ખિજાઈને કહ્યું, "એમ કરો વેવાઈ, કાલે સવારે છાબ લઈને આવો.
પછી જાન લઈને માંડવે પધારો. કાલે જ લગ્ન કરાવી દઉં. મારે તો તમારી મહેમાનગતિ કરવી હતી પણ લાગે છે કે તમને દ્વારકાનું પાણી માફક આવતું નથી."
દુર્યોધને પણ હા પાડી એટલે બલભદ્ર સિધાવ્યા.
શકુનિએ આવીને દુર્યોધનને કહ્યું.
"પેટમાં હવે આગ લાગી છે. હવે બધા માટે કંઈક ખાવાની વ્યવસ્થા કરવી પડશે.ઓકી ઓકીને મારા પેટની પથારી ફરી ગઈ છે."
"પણ અત્યારે હવે વેવાઈને જમવાની વ્યવસ્થા કરવાનું કહેવાય નહીં. એમ કરો ખીચડી ઓરાવી દ્યો." દુર્યોધનને પણ ભંયકર ભૂખ લાગી હતી.
ઉતારાના રસોઈયાને જગાડવામાં આવ્યો. તમામ ઓકી ઓકીને અધમૂવા થઈ ગયેલા જાનૈયાઓ માટે ખીચડી બનાવવામાં આવી.
મોડી રાત્રે બધા ખીચડી ખાઈને નિરાંતે સૂતા ત્યારે ગટોરગચ્છ અને અભિમન્યુ અશોકબાગમાં ઘસઘસાટ ઊંઘતા હતા...!

*

વહેલી સવારે પ્રભુ અશોકબાગમાં આવીને બેઠા. બંને ભાઈઓને ઉઠાડ્યા.
બંનેએ ઉઠીને મામાશ્રીના ચરણસ્પર્શ કર્યા એટલે હરજીએ હસીને કહ્યું, " આજે છાબ લઈને વેવાણો આવવાના છે. એની છાબ આવે એ પહેલાં તું છાબ પહોંચાડી દે અને સુરેખાને ઉપાડી લાવ."
"છાબની રીત સમજાવો પ્રભુ." ગટોરગચ્છે કહ્યું.
ભગવાને છાબની રીત સમજાવીને વિદાય થયા. એ પછી ગટોરગચ્છ બોલ્યો, "અનુજ અભિમન્યુ,
હું જઈને છાબ પહોંચાડું છું અને વહુને પણ ઉપાડી લાવીશ."
"અરે ભાઈ તું જ બધું કરીશ તો હું શું કરીશ. ચાલ હું પણ આવું તારી સાથે." કહી અભિમન્યુ પણ ઉઠ્યો.
''ભાઈ તારે માત્ર લગ્ન કરવાના છે. બાકીનું તું મારી ઉપર છોડી દે. તારું ત્યાં કંઈ કામ નથી. જ્યારે તારું કામ પડશે ત્યારે તને હું કહીશ."
એમ કહી ગટોરગચ્છ ઉપડ્યો.
નગરની બહાર જઈને જટા છોડીને જુ જેવા જીવો ખેરવ્યા. એકસો પાંચ રાક્ષસો ઉત્પન્ન કર્યા. એ તમામને કૌરવોની અને કારભારીઓની રાણીઓ બનાવી.
પોતે દુર્યોધનની ભામા ભાનુમતી બન્યો. પોતાની માયાથી સુંદર વસ્ત્રો અને અલંકારોની છાબ બનાવી. એ સિવાય આભૂષણો બનાવ્યા. તમામ નારીઓને લઈને ગીત ગાતા ગાતા બલભદ્રના મહેલ તરફ છાબ લઈને ચાલ્યાં.
બલભદ્રના મહેલને ખૂબ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો.
વેવાણ વહેલી સવારમાં જ છાબ લઈને આવી પહોંચ્યાં હોવાથી થોડી દોડાદોડ મચી ગઇ. સો ભાઈઓની સો નાર અને છ કારભારીઓની છ સ્ત્રીઓને આસન આપી બેસાડવામાં આવી. ભાનુમતી બનેલો ગટોરગચ્છ ઝીણા અવાજે મધુર ગીતો ગાઈને વાતાવરણને મંત્રમુગ્ધ કરી રહ્યો હતો.
બલભદ્રના પત્ની અને ભગવાનની પટરાણીઓ આવીને મંડપમાં બેઠાં એટલે ભગવાને શીખવ્યા મુજબ ગટોરગચ્છ બોલ્યો,
" લ્યો વેવાણ, અમારી વહુને બોલાવો અને આ છાબ સ્વીકારો."
"હા હા કેમ નહીં. " કહી અવન્તિકાજીએ સુરેખાને સાદ પડ્યો. સોળે શણગાર સજીને અતિ સુંદર દેખાતી સુરેખા મલપતી મલપતી આવી. એને જોઈને ગટોરગચ્છ ખુશ થયો.
"વાહ...મારી ભાભી તો ભાઈની સાથે જોડ થાય એવી જ રૂપાળી છે ને કંઈ..." મનોમન એ બોલ્યો.
પાસે આવેલી સુરેખાના હાથમાં છાબ આપીને એણે એના ગાલ પર ટપલી મારી અને કહ્યું, "વહુ દીકરા, જાઓ છાબ અંદર મૂકીને આવો. પછી મારા ખોળામાં બેસો."
સુરેખાએ હસીને છાબ લીધી. અંદરના ઓરડે મૂકીને આવી. મંડપમાં બેઠેલી સાસુમાના ખોળામાં બેસવાનો રિવાજ હતો એટલે એ જઈને ભાનુમતી બનેલા ગટોરગચ્છના ખોળામાં જઈને બેઠી એટલે સર્વ નારીઓએ મંગળ ગીતો ગાયા.
બધાને જમવા માટે રોકવાના હોવાથી મંડપમાં વાતો કરતા બધા બેઠાં. ગટોરગચ્છે સુરેખાને કહ્યું, "ચાલો બેટા, અમને તમારો મહેલ બતાવો."
"હા હા...જરૂર...જાઓ દીકરા. તમારા સાસુને આપણા મહેલમાં લઈ જાઓ." કહી અવન્તિકાજીએ રજા આપી.
સુરેખાની સાથે ગટોરગચ્છ મહેલ જોવા ચાલ્યો.
પહેલો માળ, બીજો માળ એમ કરતાં કરતાં સાત માળના મહેલમાં એ સુરેખા સાથે અલકમલકની વાતો કરતો કરતો ફરી વળ્યો. હવે અગાશી ઉપરથી દ્વારકાનગરી જોવાની ઈચ્છા વ્યક્ત કરી.
સુરેખા મહેલની અગાશીમાં એને લઈ ગઈ એટલે અગાશીના એકાંતમાં ગટોરગચ્છ પોતાના મૂળ સ્વરૂપમાં આવીને ઉભો.
એને જોઈ સુરેખા ગભરાઈને રડવા માંડી...અને દોડીને નીચે જવા દાદર તરફ દોડી.
"અરે ક્યાં જાઓ છો...મારા વહુજી....હું તો તમારો જેઠ છું...તમને લેવા આવ્યો છું. અભિમન્યુ જેવો રૂપાળો ભરથાર મૂકીને તમે આવા કાળા કુબડા જોડે શું જોઈને પરણવા બેઠા છો." કહી ગટોરગચ્છે સુરેખાનો હાથ પકડીને ખેંચી.
''અરે દુષ્ટ, તું કોણ છો ? હમણાં મારા પિતાજીને બોલાવું... હમણાં મારા કાકાને બોલાવું...તારો વધ કરી નાખશે...જા ચાલ્યો જા અહીંથી."
"હવે બહુ ડાહ્યા ન થાવ...એમ ચાલ્યા જવા કોઈ આવ્યું નથી. ચાલો તમને મારા વીરા સાથે પરણાવું...અને રાડો પાડવી હોય તો પણ મારી ના નથી...ચાલો..." કહીને ગટોરગચ્છે સુરેખાને ઉપાડીને ખભે નાખીને આકાશમાં ખૂબ ઊંચે ચડી ગયો.
સુરેખા "બચાવો.....બચાવો"ની બૂમો પાડીને રડવા લાગી.
ગટોરગચ્છે કહ્યું, "વહુજી,ડાહ્યા થઈને છાના રહી જાવ નહીંતર અહીંથી મૂકી દઇશ તો પરણવાના કોડ અધૂરા રહી જશે.''
એ સાંભળીને બાળા ચૂપ થઈ ગઈ. ગટોરગચ્છ એને ઉપાડીને અશોકબાગના ભોંયરામાં લઈ આવ્યો.
અભિમન્યુને ઓળખીને સુરેખા હસી પડી પણ આવી રીતે ઉઠાવી લાવવા બદલ ગટોરગચ્છ પર ગુસ્સે થઈને રાડો પાડવા લાગી.
"મને અહીં શું કામ લાવ્યાં. મારે મારા પિતાની આજ્ઞા પ્રમાણે પરણવું છે.''
"હવે બેસને પિતાજીની આજ્ઞાવાળી... તું અમારી રાણી છો. એમ કોઈ બીજો લઈ જાય તો શું અમે બેસી રહીશું...? ચૂપ થઈને બેસ મારી પાસે." અભિમન્યુએ ડોળા કાઢ્યા.
એ જોઈને સુરેખા વધુ રાડો પાડીને રડવા લાગી એટલે ગટોરગચ્છે બે ભયાનક રાક્ષસીઓ બનાવીને સુરેખાને ડરાવી.
"ઓ રાક્ષસીઓ, જો આ કન્યા અવાજ કરે તો કાચીને કાચી ખાઈ જજો."
રાક્ષસીઓ હાથમાં ખડગ લઈ સુરેખા તરફ ધસી એટલે સુરેખા અભિમન્યુના પડખામાં ભરાઈને શાંત થઈ ગઈ.
"હું નહીં રડું...પણ આ રાક્ષસીઓને દૂર કરો."
એટલે ગટોરગચ્છે એ બંનેને સુંદર દાસીઓ બનાવી દીધી. સુરેખા એ બંને જણી સાથે રાજી થઈને બેઠી.
"હવે હું જાઉં...હજી ખેલ અધૂરો મૂકીને આવ્યો છું." કહી ગટોરગચ્છ ચાલ્યો એટલે અભિમન્યુ ઉભો થયો.
"અરે ભાઈ તું તારી વહુ જોડે વાતો કર.. હજી લડાઈ કરવાને વાર છે...હજી તો લક્ષમણાભાઈને પરણાવવાનો બાકી છે...તારી જરૂર પડશે એટલે જરૂર હું તને જણાવીશ." કહી ગટોરગચ્છ આકાશમાં ચડ્યો.
(ક્રમશ :)