MAHABHARAT NA RAHSHYO - 3 in Gujarati Mythological Stories by bharat chaklashiya books and stories PDF | મહાભારત ના રહસ્યો - દાંગવ આખ્યાન (3)

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

મહાભારત ના રહસ્યો - દાંગવ આખ્યાન (3)

દાંગવ આખ્યાન (3)

દાંગવરાજાએ ઘોડી આપવાની માથામાં વાગે એવી ના પાડી હતી. એ જાણીને બલભદ્રના ગુસ્સાનો પાર રહ્યો નહીં..


"એ દાંગવો એના મનમાં સમજે છે શું..? આપણું આવુ ઘોર અપમાન ? સેનાપતિને કહો.. ચડાઈ માટે તૈયારી કરે.. બળજબરી તો બળજબરી...એ ઘોડી તો હવે એને કોઈ પણ હિસાબે આપવી જ પડશે..!" બલભદ્રે યુદ્ધ કરવાની ધમકી આપી.
"દાઉ..એમ કોઈ નિર્બળ ઉપર આપણે બળજબરી કરી શકીએ નહીં. કોઈની વસ્તુ આપણને માગવાનો કોઈ અધિકાર નથી.હું યુદ્ધ કરવાના પક્ષમાં નથી.એ ઘોડી વગર આપણું કોઈ કામ અટકી પડે તેમ નથી. છોકરું ન સમજે પણ તમે તો વડીલ છો.." કૃષ્ણએ કહ્યુ.
પ્રદ્યુમને જીદ કરી હતી. દાઉ સમજતા'તા પણ હવે કોઈ છૂટકો ન્હોતો એટલે એમણે દાંગવને ઘોડી ન આપવી હોય તો યુદ્ધની ધમકી આપી.
કાંઈ ચકલી ગરુડ સામે યુદ્ધ કરી શકે ? દ્વારકા સામે તો દાંગવ ચકલી પણ ન્હોતો એટલે એણે વિચાર કર્યો કે ઘોડી તો અપ્સરાને આપેલા વચન મુજબ આપી શકાય તેમ ન્હોતું.હવે દ્વારકાના લશ્કર સામે ઝીંક ઝીલે એવા કોઈ ક્ષત્રિય રાજાના શરણે જવું જોઈએ.
દુનિયામાં દ્વારકા સામે યુદ્ધ કરી શકે એવા માત્ર બે જ રાજ્યો હતાં. એક ઇન્દ્રપ્રસ્થના પાંડવો અને બીજા હસ્તીનાપુરના કૌરવો !
દાંગવે વિચાર્યું કે પાંડવો તો કૃષ્ણ બલરામની ફોઈના દીકરા છે એટલે એ લોકો એક ઘોડી જેવી સામાન્ય ચીજ માટે યુદ્ધ કરે જ નહીં. હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્ર કદાચ ક્ષત્રીય ધર્મ મુજબ મને શરણે રાખશે અને હું આ ઘોડી આપવાની ઝંઝટમાંથી બચી જઈશ..!
હસ્તિનાપુર પહોંચીને દાંગવે ભરીસભામાં મહારાજ ધૃતરાષ્ટ્ર પાસે શરણ માગ્યું પણ ધૃતરાષ્ટ્ર તો માત્ર કહેવાના જ મહારાજ હતા. તમામ નિર્ણયો હવે શકુનીને પૂછીને જ લેવામાં આવતા હતા.
શકુની કુટિલ બુદ્ધિનો કપટશ્રેષ્ઠ બદમાશ હતો. બલરામને ભોળવીને એણે એમનો ઝુકાવ દુર્યોધન તરફ વાળ્યો હતો.કારણ કે કૃષ્ણ તો પાંડવોના હિતેચ્છુ હતા. શકુની બલરામને દુર્યોધનના પક્ષમાં લઈને એમની બહેન સુભદ્રાને દુર્યોધન સાથે પરણાવવા માગતો હતો.જેથી પાંડવ કૌરવનું યુદ્ધ થાય તો પાંડવોને દ્વારકાની મદદ મળે નહીં..આવી લાંબી યોજના પર તે આગળ વધી રહ્યો હતો.એવામાં આ દાંગવની ઘોડી માટે થઈને દુશ્મની વ્હોરી લઈને બલરામની ઢળેલી લાગણીઓનું વિચ્છેદન થાય એવું કંઈ પણ એ કરવા માગતો ન્હોતો..!
પરિણામ એ આવ્યું કે કૌરવોએ ભીષ્મપિતાની સલાહ પણ આ બાબતમાં લીધી નહીં. દાંગવને આ ઘોડીના બદલામાં એકથી એક ચડિયાતા હજાર ઘોડા અને હાથી પણ આપવાની તૈયારી બતાવી.
" તારી ઘોડી દેખાવે ખૂબ સારી છે પણ માત્ર એવા મામુલી કારણસર અમે અમારા સગા સાથે યુદ્ધ કરી શકીએ નહીં.. તું આ ઘોડી આપી દે..તો બદલામાં તું જે માગે તે અમે આપવા તૈયાર છીએ.." શકુનીએ સમજાવ્યા પ્રમાણે દુર્યોધને દાંગવને જવાબ આપી દીધો પરંતુ દાંગવે દુર્યોધનની વાત માન્ય ન રાખી..
"હે હસ્તિનાપુર મહારાજ, ક્ષત્રિય ધર્મ અનુસાર તમારે શરણે આવેલા કોઈ દુર્બલ અને ભય પામેલા પ્રાણીનું રક્ષણ કરવું જોઈએ.જો તમે બલરામથી ડરીને તમારો ક્ષત્રિય ધર્મ પણ પાળવા ન માગતા હોવ તો મને રજા આપો. બહુ આશા લઈને આવ્યો હતો કે જે સભામાં ભીષ્મ જેવા પ્રખર નીતિવાન અને સંપૂર્ણ ક્ષત્રિય બેઠાં હોય..આચાર્ય દ્રોણ, કૃપાચાર્ય અને મહારથી કર્ણ જેવા શૂરવીરની જ્યાં હાજરી હોય તે સભામાંથી મારે નિરાશ થઈને જવું પડશે એવી ખબર ન્હોતી.."
દાંગવ નિસાસા નાખીને એની ઘોડી લઈને ચાલી નીકળ્યો.એને જતો જોઈને ભીષ્મપિતા ખૂબ નિરાશ થયા..કર્ણ પણ નીચું જોઈ ગયો.

* * * *

ઇન્દ્રપ્રસ્થમાં યુધિષ્ઠિરની સભામાં આવીને દાંગવ એની ઘોડી લઈને શરણે થવા આવ્યો ત્યારે એની વાત સાંભળીને પાંડવો પણ વિચારમાં પડી ગયા. એક નજીવી કિંમતની ઘોડી માટે ભગવાન શ્રી કૃષ્ણ સાથે મહાયુદ્ધ કરવું એ તો સાવ મૂર્ખામી જ કહેવાય.
કૌરવોની જેમ જ પાંડવોએ પણ દાંગવને એ ઘોડીના બદલામાં બહુમૂલ્ય ચીજો અને અનેક હાથી ઘોડાઓ આપવાનું કહીને એની જીદ જતી કરવાં કહ્યું, પણ અપ્સરા સાથે વચને બંધાયેલો દાંગવ પોતાના વચન પર અડગ હતો.
આખરે પાંડવે પણ એને શરણે રાખ્યો નહીં. હવે દાંગવ પાસે કોઈ વિકલ્પ રહ્યો નહીં, એટલે નગરની બહાર નીકળીને એણે બળી મરવા માટે ચિત્તા ખડકી.અપ્સરા સ્વરૂપે રહેલી ઘોડીને પ્રણામ કરીને દાંગવ ચિત્તા પર ચડીને કોઈ આગ મૂકી શકે એવા માણસની રાહ જોવા લાગ્યો.
એવામાં અભિમન્યુ અને સુભદ્રા નદી કિનારે આવી ચડ્યા. અભિમન્યુએ જોયું, કોઈ રાજા પોતાની ચિત્તા ખડકીને બળી મરવા તૈયાર થયો છે અને પાસે જ એક સુંદર ઘોડી ઉભી છે..!
અભિમન્યુને ખૂબ નવાઈ લાગી કે અમારા નગરમાં આવો દુઃખી માણસ ક્યાંથી આવ્યો ? એને એવું તે શું દુઃખ પડ્યું કે બળી મરવા તૈયાર થયો..? પોતાના મનમાં ઉઠેલા એ સવાલો લઈ અભિમન્યુ દાંગવરાજા પાસે આવ્યો. દાંગવે એને જોઈને હાથ જોડીને વિનંતી કરતાં કહ્યું, " અરે ઓ રાજકુમાર...મારી ચિત્તાને આગ મૂકી આપવા કૃપા કરો.."
"અરે ભાઈ, તમે કોણ છો ? અને એવા તે શાં દુઃખ પડ્યા કે તમારે આ ઇન્દ્રપ્રસ્થમાં સળગીને મરવું પડે છે..?" અભિમન્યુએ કહ્યુ.
"પૃથ્વી પર કોઈ સાચો ક્ષત્રિય નથી રહ્યો કે જે શરણે આવેલાનું રક્ષણ કરે અને એને એના શત્રુથી બચાવે... પછી મરવાનો એક જ માર્ગ બાકી રહે છે.મૃત્યુ તો સદૈવ શરણ આપે છે.મૃત્યુના શરણે જનાર તમામને પરમ શાંતિ મળે છે.."
"હવે બસ કરો ભાઈ...કદાચ તમને ખબર નથી કે તમે કઈ જગ્યાએ ઉભા છો અને કોની સાથે વાત કરી રહ્યા છો..!" અભિમન્યુએ ગર્વથી કહ્યુ.
એ સાંભળીને દાંગવે હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થ બંનેનો અનુભવ અભિમન્યુને કહી સંભળાવ્યો.આ ઉપરાંત શા માટે આ બધું થયું એ વાત પણ પોતાની સુંદર ઘોડીને બતાવીને કહી સંભળાવી પરંતુ ઘોડી એક અપ્સરા છે એ અપ્સરાને આપેલા વચન મુજબ કહ્યું નહીં.
"મારા મામાનો એ પુત્ર પ્રદ્યુમન એના મનમાં સમજે છે શું ? એની પાસે ઘોડાઓ નથી ? કોઈ નિર્બળ લોકોની વસ્તુઓ માગતા એને શરમ નથી આવતી ? શું આ જગતમાં એને સાચું કહેનાર કોઈ જ નથી ? હે દાંગવ રાજા તમે ચાલો મારી સાથે..હું અર્જુનપુત્ર અભિમન્યુ તમને મારી શરણે રાખું છું..!'' કહીને અભિમન્યુએ દાંગવની ઘોડીનું ચોકડું ઝાલ્યું.
"પણ તમારા પિતાજીએ મને શરણે રાખ્યો નથી..મારા કારણે તમારા સગા મામા સાથે લડાઈ થાશે..મને માફ કરો. મને મરી જવા દો..એક ઘોડીને કારણે એવું મોટું યુદ્ધ થાય એવું હું પણ ઇચ્છતો નથી.." દાંગવે બે હાથ જોડીને વિનંતી કરી...પણ અભિમન્યુ ન માન્યો. પોતાના આવાસ પર દાંગવ અને એની ઘોડીને લઈ ગયો.
સાંજ થઈ એટલે અભિમન્યુને જમવા બોલાવવા રાજભવનમાંથી ચાકર આવ્યો.
"મહારાજને કહેજે કે અભિમન્યુ જમવા નહીં આવે, મારે નથી જમવું..."
ચાકર અભિમન્યુ રીસાયો હોવાના સમાચાર લઈને રાજભવનમાં ગયો.એટલે યુધિષ્ઠિરે નકુલને કહ્યુ કે જા..દિકરાને સમજાવીને લઈ આવ..
"આવો આવો ક્ષત્રિય શિરોમણી...સારા સારા કપડાં પહેરીને વરણાગીયાની માફક ફરો છો. કંઈ ચિંતા છે તમારે..? શરણે આવેલા કોઈ દિન-દુ:ખિયાને હાંકી કાઢવામાં આવ્યો ત્યારે જીભ તાળવે ચોંટી ગઈ'તી તમારી..?" અભિમન્યુએ પોતાના નાના કાકાશ્રીને નવાજયા.
દાંગવને અભિમન્યુને ભવનમાં બેઠેલો જોઈ નકુલ બધું સમજી ગયો.
"હે પુત્ર..હું તો સર્વ બંધુઓમાં લઘુ છું..મારાથી વડીલને સલાહ આપી શકાય નહીં.." નકુલે પોતાનો બચાવ કરતા કહ્યુ.
"તો મને એ કહો કાકાશ્રી..મેં કર્યુ તે યોગ્ય છે જે અયોગ્ય..?"
"તે જે કર્યું છે એ એક વીર ક્ષત્રિયને છાજે તેવું કરીને ક્ષત્રિય ધર્મ પાળી બતાવ્યો છે..!''
"તો બસ..હવે અહીં બેસી જાવ.." કહીને અભિમન્યુએ નકુલને બેસાડી દીધો.
ઘણીવાર થઈ હોવા છતાં નકુલ અભિમન્યુને લઈને ન આવ્યો એટલે જ્યેષ્ઠ ભ્રાતાશ્રીએ સહદેવને મોકલ્યો.
સહદેવને પણ માઠાં વચનો કહી અભિમન્યુએ બેસાડી દીધો. ત્યારબાદ ભીમ બોલાવવા આવ્યો. ભીમે નકુલ અને સહદેવને અભિમન્યુ પાસે બેઠેલા જોયા અને દાંગવને પણ જોયો એટલે એ પણ સમજી ગયો.
"આવો જ્યેષ્ટ પિતાશ્રી, તમે તો ખાઈ ખાઈને ભાદરવાની ભેંસ જેવા થયા છો.હજાર મણની ગદા ફેરવો છો.પણ ક્ષત્રિય ધર્મ કેમ ચુકી ગયા..જાવ અમે જમવા નથી આવતા. હું,મારા આ બંને કાકાઓ સાથે મળીને દાંગવ રાજાને શરણે રાખું છું.." અભિમન્યુએ ભીમનો ઉધડો લઈને એને પણ બેસાડી દીધો.
એક પછી એક,અભિમન્યુને બોલાવવા ગયેલા ત્રણેય ભાઈઓમાંથી કોઈ પાછું ન આવ્યું એટલે આખરે અર્જુન પણ આવ્યો.
અર્જુનને આવતો જોઈ અભિમન્યુએ ભીમને કહ્યુ, "હું મારા પિતાશ્રીને કંઈ જ કહી ન શકું..આપ એમના જ્યેષ્ઠ બંધુ છો એટલે બાજી સંભાળી લો..!"
"તારા સાળા થાય એટલે તું ધર્મ ભૂલી ગયો..આ દાંગવ આપણા શરણે આવ્યો હતો.શું એને શરણે રાખવો એ આપણો ધર્મ નથી ?" ભીમે અભિમન્યુએ કહ્યુ એ મુજબ અર્જુનને ખખડાવ્યો. આખરે અર્જુનને પણ વાત સમજમાં આવી.
એક તરફ પ્રદ્યુમનની જીદ હતી કે મારે એ ઘોડી જોઈએ..અને બીજી તરફ અભિમન્યુની જીદ હતી કે દાંગવને શરણે રાખવો જોઈએ..
બંને બાળ હઠો ટકરાઈ હતી.
યુધિષ્ઠિરે બહુ વિચારીને દાંગવને ના પાડી હતી પણ આખરે વિધિના વિધાનને કોણ ટાળી શક્યું છે..!
દ્વારકા અને હસ્તિનાપુર આ સમાચાર મોકલવામાં આવ્યા. એ સમાચાર મળતાં જ ભીષ્મપિતા અને ગુરુ દ્રોણ ખૂબ રાજી થયા. આખરે ક્ષત્રિય ધર્મની લાજ કોઈકે તો રાખી..!
દુર્યોધન અને શકુનીએ મંત્રણા કરી. પાંડવોની મદદ કરવા ભીષ્મ પિતા ગયા વગર નહીં રહે.એ જાણતો હોવાથી દુર્યોધને કહ્યુ ,
"મામાશ્રી, આના કરતા તો આપણે જ એ દાંગવને શરણે રાખવાની જરૂર હતી..આ તો લડવું આપણે પડશે અને નામ પાંડવોનું થશે.."
"ભાંજા, તું ચિંતા ન કર..મેં એનો પણ રસ્તો વિચારી લીધો છે.આપણે એવુ કરીશું કે આપણું સૈન્ય પાછળ રાખીશું.આગળથી દ્વારકાવાળા મારશે અને પાછળથી આપણે મારીશું..વચ્ચે પાંડવોનો કચ્ચરઘાણ કાઢીશું!" શકુનીએ એની ચાલ ગોઠવી.
દ્વારકા સંદેશ પહોંચતાની સાથે જ બલભદ્રના ગુસ્સાનો પાર રહ્યો નહીં. જ્યારે હોય ત્યારે આ પાંડવો આડા પડતા હતા.
"પાંડવોને શું જરૂર હતી..આપણા શત્રુને શરણે રાખ્યો. એક ઘોડી માટે આપણી સાથે યુદ્ધ કરવા તૈયાર થયા છે.. મેં તો સાંભળ્યું છે કે હસ્તિનાપુર પણ એ લોકોની મદદે આવનાર છે.." બલભદ્રે ગુસ્સે થઈને કહ્યુ.
''દાઉ.. હું એટલે જ કહેતો હતો.નારદજી આવ્યા ત્યારથી જ મને ખબર હતી કે કંઈક નવીન સમાચાર આપણે જાણીશું..કોઈ નિર્બળને ડરાવીને એની ચીજો લઈ લેવી એ કોઈ શૂરવીરને શોભતું નથી.દાંગવ ભલે આપણો ખંડિયો રાજા છે..પણ આપણને તેની અંગત વસ્તુ માગવાનો અધિકાર નથી..હજુ પણ હું કહું છું કે જીદ જતી કરો..આટલી નાની બાબતને લઈ યુદ્ધ થશે તો હજારો સૈનિકોના જીવ જશે.. મારી વાત માનો દાઉ, છોકરું કહે એમ કરવા ન બેસાય..એ તો રડીને છાનું રહી જાય.. એની જીદ પુરી કરવા જતાં ક્યારેક અનર્થ થઈ જાય..."
"પણ હવે એ વાતનો અર્થ નથી. જો આપણે હવે ઘોડીની જીદ જતી કરીશું તો પાંડવ અને કૌરવથી ડરી ગયા કહેવાઈશું...એટલે હવે તો યુદ્ધ કરીને પણ એ ઘોડી લીધે પાર.." કહીને દાઉએ પોતાના સેનાપતિને બોલાવીને યુદ્ધની તૈયારી કરવા આદેશ આપ્યો.
(ક્રમશ :)