ત્રણ દિવસ વીતી ગયા છે. કેસની ગુંચ ઉકેલાતી નહોતી, અચાનક કંઈક જબકતું હોય તેમ બોલી ઉઠ્યા.
"આમ હાથ પર હાથ ધરી રાખવાથી કોઈ અપરાધી નહિ મળે ચાલ ફરીથી આપણે તપાસ માટે જઈએ. આપણે કશું તપાસવાનું ભૂલીએ છીએ"
ઇન્સ્પેકટર રાણા અને શિરીષ પટેલ બંને પોલીસ જીપ લઈ, નીતા ભટ્ટના એપાર્ટમેન્ટ પાસે ગયા. ત્યાં ગેટ પર વોચમેન બેઠો હતો. તેની સામે જોયું, વોચમેનએ નમસ્કાર કર્યા. ઈશારાથી રાણાએ નમસ્તે કર્યું. સામે ચા વાળો ચા બનાવતો હતો, શિરીષ પટેલની નજર તેના પર પડી. ડગલાં ભરી તેને પૂછવા માટે ગયો. ચા વાળા એ સન્માનભેર સામે જોયું.
"સામે નીતા ભટ્ટ ને ઓળખે છે?" શિરીષ પટેલએ જવાબ વગરનો સવાલ ફેંક્યો.
"હા, ઘણી વાર જોયા છે. મતલબ હતા." થોડું અચકાયો.
"મતલબ તને ખબર છે કે તેનું મર્ડર થયું છે"
"ના, લોકો વાતો કરતા હતા."
"તેના વિશે કૈં જાણકારી છે?"
"ના, સર કોઈ વસ્તુ જાણતો નથી. તે સવારે કોલેજ ભણવવા જતા ત્યારે રીક્ષા વાળો લેવા આવતો અને બપોરે મુકવા આવતો" અવાજમાં થોડી બહેરાશ હતી.
"આટલું જાણે છે તો રિક્ષાવાળા ને પણ જાણતો જ હશે, મતલબ તમે મળી ને કામ કર્યું છે"
"ના.. અહીં હું ત્રણ વર્ષથી ઉભો રહું છું, એટલે જોઉં છું"
રીક્ષા વાળી વાતથી અજાણ હતા. એટલે તેણે માથું ધુણાવ્યું અને ત્યાંથી નીકળી ને રાણા પાસે આવ્યો. ઇન્સ્પેકટર રાણા ને બધી વાત જણાવી, તે થોડું બોલ્યા અને આગળ ચાલવા લાગ્યા. શિરીષ પટેલ વોચમેન પાસે ઉભો રહી ગયો.
"નીતા ભટ્ટ રોજ રિક્ષામાં આવતા જતા તે જણાવ્યું કેમ નહીં" થોડો જાડો અવાજ હતો.
"સર, હું ગભરાઈ ગયો હતો. અને મને એમ હતું કે તમેં જાણતા હશો" બહુ ગંભીર અવાજે વોચમેન બોલ્યો.
"તેનો કોઈ નંબર છે?"
"હા, એક વાર મેં લીધો હતો" વોચમેન ખિસ્સા માંથી ફોન કાઢ્યો અને નંબર આપ્યો. શિરીષ પટેલ એ તરત ફોનમાં ડાયલ કર્યો. પણ ફોન બંધ બતાવતા હતા. એટલે બધી વાતનું એક નાનું કેન્દ્રબિંદુ મળતું હોય તેમ બધું ધ્યાન તેના પર પહોંચ્યું.
"આ નંબર બંધ આવે છે"
અવાજમાં એક છટા હતી.
વોચમેન થોડો ગભરાયો ને બોલ્યો "સર સરનામું નથી"
"એ હવે અમે શોધી લેશું"
શિરીષ પટેલ આગળ ગયા.
ઇન્સ્પેકટર રાણા હજી નીચે જ ઉભા હતા. આજુબાજુ નજર ફેરવતા હતાં કોઈ એવું વસ્તુ નજરે ચડે અને પકડી લે. પાર્કિગમાં ફોરવહીલસ જોતા થોડું અજુગતું લાગ્યું હતું કે, આવડા પગારદાર વ્યક્તિ પાસે કોઈ વાહન નહોતું. એ વાત જરા ખૂંચી હતી.
"સર, નંબર બંધ આવે છે, નંબર ટ્રેકિંગ માટે આપી દીધો છે. હમણાં તે નંબરની માહિતી અને તેનું સરનામું મળી જશે"
ઇન્સ્પેકટર રાણા એ ફક્ત હકારમાં માથું ધુણાવ્યું અને લીપ તરફ આગળ વધ્યા. લીપ માંથી સીધા દસમા માળે તેના ઘર પાસે પહોંચી ગયા. ત્યાં ડોરબેલ પાસે ગયા પણ તે વગાડવા કરતા પહેલા બાજુનું બારણું ખુલ્લું હતું એટલે ત્યાં પૂછવું યોગ્ય લાગ્યું.
ઘરમાં ફક્ત એક સ્ત્રી જ હતી. પોલીસ ને જોતા તે ઉભી થઇ ગઈ, "આવો સર". રાણાએ સવાલ પૂછ્યો. "નીતા ભટ્ટને કેટલા સમયથી ઓળખો છો તમે"
"છેલ્લા પાંચ વર્ષથી. તેમના મમ્મી પપ્પા અહીં હતા ત્યારે પણ નીતા અહીં જ રહેતી હતી." બહુ નિર્મળતાથી જવાબ આપ્યો.
"સ્વભાવ કેવો હતો" શિરીષ પટેલે પહેલા પુછેલો એ જ સવાલ પૂછ્યો, આ વખતે ઇન્સ્પેકટર રાણા સાંભળે એટલે કદાચ.
"સર, કદી પણ તેના ચંપલનો અવાજ પણ સાંભળ્યો નથી. ક્યારેક થોડી ઘણી જરૂર પડે તો તેની મદદ લેતા અમે, એટલે થોડા ઓળખીએ છીએ"
"કેવી મદદ"
"તેમને વાંચવાનો શોખ હતો, અને એક અમારું મંડળ છે. તેમાં અમે દરમહિને ચર્ચા કરીએ એક બુક પર, તો કયારેક કોઈ અર્થ ના સમજાય તો પૂછવા જતાં, અને તે બહુ સરસ સમજાવતી"
"તે પણ મંડળની સભ્ય હશે ને"
"ના, તેને આવું કશું ભેગું થવું ગમતું નહીં. અમે આગ્રહ પણ કર્યો હતો. પણ તેમણે ના જ કહી. કદી અમને કોઈ જવાબ આપવાની ના નહોતી કહી"
"કોઈ પુરુષ આવતો અહીં તેને મળવા માટે"
"ના, કદી નહીં. રીક્ષાવાળો બાંધેલો હતો, તો ક્યારેક મહિને ઉપર પૈસા લેવા આવી જતો બીજું કોઈ જ નહીં."
"આભાર. વધુ કોઈ જાણકારી મેળવવી હશે તો આવીશું" કહી નીકળી ગયા.
ફોનમાં રિંગ વાગી, ઇન્સ્પેકટર રાણા એ ફોન રિસીવ કર્યો. "યસ, સર." સામે છેડેથી કોઈ બોલ્યું. "ના, સર હજી કોઈ સબૂત કે કડી મળી નથી" થોડી વાર સાંભળ્યા પછી જય હિંદ કહી ફોન કાપ્યો.
નીતા ભટ્ટનો બેલ વગાડ્યો, આદિત્યભાઈએ દરવાજો ખોલ્યો. સોફા પર બેઠા શાંતિ બેન રડતા હતાં, કોઈ સાથે ફોન પર વાત કરતો હતો છોકરો. તેનો પરિચય આપ્યો કે આ ભાઈ છે તેનો મિત. તેના ચહેરા પર સુકાયેલા પાન જેવી રેખાઓ દેખાતી હતી. નીતા ના પપ્પાના ચેહરા પર સુકાયેલાં આંસુની ખારાશ દેખાતી હતી.
"આજુ બાજુ માંથી જાણકારી મળી તેના પરથી કહી શકાય કદાચ કોઈ સાથે વેર નહીં હોય નીતાબેનને" અવાજમાં બહુ હળવી કડકતા હતી.
રડતા અવાજે શાંતિબેન બોલ્યા. "મારી દીકરી કોઈ સામે આંખ ઉંચી કરી જોઈ શકે તેમ નથી" મિતએ પણ ટાપચી પુરી "બેન કોઈનું શું બગાડે તેને કોઈ સાથે વધુ બોલવું પણ ગમતું નહીં"
ઇન્સ્પેકટર રાણા બધું સાંભળી રહ્યા હતા. તે અક્ષરો પકડવા દોડતા પણ, અક્ષરો છુટા પડી જતા હતા.
"અમારે એક વાર ઘર તલાશી લેવી પડશે" શિરીષ પટેલ બોલ્યા.
આદિત્ય ભટ્ટએ ઘર તરફ હાથ ધર્યો. શિરીષ પટેલ ફરી ઘરની જગ્યાઓ જોવા લાગ્યા. ઘરના કબાટમાં મુકેલા કાગળ. ઘરના એક એક ખુણા જાતે તપાસવા લાગ્યા. ઈન્સ્પેકટર રાણા ઘરની ગેલેરી તરફ ગયા, ત્યાંથી આખું શહેર જોઈ શકાય. થોડી વાર રહી ફરી ઘરમાં આવ્યા. એક બાજુ સોફા તેની સામે ની બાજુ ટીવી હતું. તેની બંને બાજુમાં કિતાબ હતી. ઉપર ઉપરથી વાંચી તો તેમાં કોઈ સાયકોલોજીની હતી, કોઈ સાયન્સની હતી, સાહિત્યની હતી. કાચ ખોલી બુકને રહેવા દઈ પાછળ જોવા કર્યું. પણ ત્યાં કશું હતું નહીં.
થોડીવારમાં શિરીષ પટેલએ આખું ઘર ખુંદી વળ્યાં પણ એક ટીપા વિશે પણ જાણકારી મળી નહીં. દૂરથી જ ઇન્સ્પેકટર રાણાને નકારમાં ઈશારો કર્યો. રાણા પણ એક ફિક્કું સ્મિત આપી. નીતા ભટ્ટના હાર ચડાવેલ ફોટાને જોતા બહાર નીકળી ગયા.
આ વખતે લીપ છોડી દાદર પરથી જવાનું નક્કી કર્યું. ધીમે ધીમે દાદર ઉતરવા લાગ્યા. એક જીતની મંજિલ શોધતા શોધતા.