Angarpath - 47 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | અંગારપથ. - ૪૭

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

અંગારપથ. - ૪૭

અંગારપથ.

પ્રકરણ-૪૭.

પ્રવીણ પીઠડીયા.

(અંગારપથ પ્રકરણ ૮ માં ભૂલથી આમન્ડાનું નામ તાન્યા લખાયું હતું એ બદલ ક્ષમાં કરશો.)

આમન્ડા ભયંકર રીતે ચોંકી ઉઠી. ડગ્લાસનાં શરીર પરથી તેની પકડ આપોઆપ ઢીલી પડી. તેના જહેનમાં છવાયેલી ઉત્તેજનામાં એકાએક ઓટ આવી હતી અને તેની આંખોમાં વિસ્ફાર સર્જાયો. પોતાની આંખો ઉપર જ જાણે વિશ્વાસ આવતો ન હોય એમ આંખો ફાડી ફાડીને તે ડગ્લાસની પીઠ પાછળ જોઈ રહી. આ અસંભવ હતું. તે અહી કેમ હોઈ શકે? તેના મસ્તિષ્કમાં ભયંકર વિસ્ફોટ સર્જાયો હતો અને શરીરમાંથી જાણે એકાએક તમામ નૂર હણાઇ ગયું હોય એમ તે ઢીલી પડી ગઇ. ડગ્લાસને સમજાયું નહી કે આમન્ડા એકાએક ઠંડી કેમ પડી ગઈ! તેણે આમન્ડાને નીચે ઉતારી અને પાછળ ફર્યો. એ સાથે તેની નજરોમાં પણ આશ્વર્ય અંજાયું. થોડે દૂર… સ્વિમિંગપૂલની ધારે એક યુવાન ઉભો હતો. પ્રશ્ન સૂચક નજરે તેણે આમન્ડા સામું જોયું. આમન્ડા એ યુવકને જોઈને જ ચોંકી હતી એટલે ચોક્કસ તે એને જાણતી હોવી જોઇએ. તેની અંગત વિરાસતમાં આવી રીતે કોઈ ઘૂસી આવે એવું બનવું તો અસંભવ સમાન હતું. ઉપરાંત એકાએક તેના રંગમાં ભંગ પડયો એ પણ ગમ્યું નહી. તે ગુસ્સે ભરાઇને કશુંક બોલવા જતો હતો. આવી ગુસ્તાખી આજ પહેલા ક્યારેય કોઈએ કરી નહોતી. તેનાં સામ્રાજ્યમાં પ્રવેશવાની હિંમત તો ખુદ ગોવાનાં મુખ્યમંત્રી પણ કરી શકતા નહી તો આ વળી કોણ આવી ચડયું હતું?

“અભિમન્યુ!” આમન્ડાનાં હોઠ ફફડયા. તેની નજર હજું પણ અભિમન્યુ તરફ તકાયેલી હતી અને તેના ગળામાંથી શબ્દો સર્યા હતા. યસ… એ અભિમન્યુ જ હતો જે હમણાં થોડીવાર પહેલાં પેલા દરવાજામાંથી અંદર પ્રવેશીને અહી આવી પહોંચ્યો હતો.

“વોટ?” ડગ્લાસ કંઈ સમજયો નહી. તેનાં કપાળે સળ પડયા અને અવાજમાં વધું તાજ્જૂબી ભળી.

“એ અભિમન્યુ છે.” આમન્ડાએ ડગ્લાસને જવાબ આપ્યો. તેનું હદય જોર જોરથી ધડકતું હતું. ડગ્લાસનાં કહેવાથી રક્ષા સૂર્યવંશીને ખતમ કરવાં તેણે બે વખત તેની ઉપર હુમલો કર્યો હતો અને બન્ને વખત અભિમન્યુને કારણે તેને નિષ્ફળતા મળી હતી. અરે એક વખત તો સરેઆમ ઘાતક હથીયારો સાથે ગોવાની સરકારી હોસ્પિટલ ઉપર હુમલો કર્યો હતો એ સમયે જે રીતે અભિમન્યુએ તેનો સામનો કર્યો હતો… જે આક્રમકતા અને જે અંદાજથી તેણે તેને પરાસ્ત કરીને ત્યાંથી ભગાડી મૂકી હતી એ હજું પણ યાદ હતું. પોતાની સમગ્ર કારકિર્દી દરમ્યાન આમન્ડાએ ક્યારેય અસફળતાનો સ્વાદ ચાખ્યો નહોતો. જે કામ હાથમાં લેતી એ કામ સંપૂર્ણ પાર પાડયા વગર તે પાછી ફરી હોય એવો એક પણ દાખલો નહોતો. એ પ્રથમ વખત હતું જ્યારે એક એકલા વ્યક્તિએ તેને અને તેની આખી ગેંગને પરાસ્ત કરી હતી. એ અસંભવ ઘટના હતી. તેની પાસે આધૂનિક હથીયારો હતા, ભયંકર ઝનૂન હતું છતાં જે સફાઈ અને જે ટેકનિકથી તેનો સામનો થઈ રહ્યો હતો એ જોઈને તે ડઘાઈ ગઈ હતી. ભયંકર નાલોશી અને ગભરાહટમાં જ ત્યાંથી તેણે ભાગવું પડયું હતું. એ સમય પછી અભિમન્યુનો ડર તેના જહેનમાં જબરજસ્ત રીતે છવાઇ ગયો હતો. તેને સમજાયું હતું કે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેણે અભિમન્યુની કુંડળી ખંગોળવાનું શરૂ કર્યું હતું અને… અભિમન્યુ વિશે જે જાણવા મળ્યું હતું એ હૈરતઅંગેજ હતું. તે ઈન્ડિયન આર્મીનો સૌથી ખતરનાક અને સૌથી બાહોશ અફસર હતો. તેના નામે અસંભવ લાગતાં કારનામા બોલતા હતા. તે એકલો જ એક નાનકડા સૈન્ય બરાબર હતો. દુશ્મનો ઉપર તે કહેર બનીને ત્રાટકતો અને તેને નેસ્તોનાબૂદ કરી નાંખતો. અભિમન્યુનો ખૌફ આમન્ડાનાં જહેનમાં એટલો ઉંડે સુધી છવાયો હતો કે એ વારદાત પછી વળતો હુમલો કરીને બદલો લેવાની ઈચ્છા તેણે લગભગ માંડી જ વાળી હતી. એ અભીમન્યુને અહી… ડગ્લાસનાં અત્યંત ગુપ્ત સામ્રાજ્યમાં આવી પહોંચેલો જોઈને એક વખત તો થથરી ગઇ હતી.

“અભિમન્યુ?... ઓહ.” ડગ્લાસ એકાએક જ સમજ્યો અને તેના ચહેરા ઉપર હળવી મુસ્કાન ઉભરી આવી. તો આ છે અભિમન્યુ! જેના કારણે તેણે ગોવા છોડીને અહી સંતાવું પડયું હતું. તેના જડબા આપસમાં સખ્તાઈથી ભિડાયા. તે આજ સુધી ક્યારેય અભિને રૂબરું મળ્યો નહોતો. ’ગોલ્ડન બાર’ ની ઓફિસમાંથી ફાઈલ ગુમ થઈ ત્યારે પાર્કિંગ લોટનાં સીસીટીવીમાં તેણે તેની એક અલપ-ઝલપ ઝલક જોઈ હતી. એ પછી સંજય બંડુને બધું સોંપીને એ બાબતે તે નિશ્વિંત બની ગયો હતો. પરંતુ બંડુ મરાયો હતો અને તેણે અહી ભાગી આવવું પડયું હતું. તે આમન્ડાને છોડીને બે ડગલા આગળ વધ્યો.

“વેલકમ મિ. અભિમન્યુ. વેલકમ ટૂ માય પ્રાઈવેટ હેવન.” તે બોલ્યો અને ઉભો રહ્યો. અભિ પણ આગળ વધ્યો અને ડગ્લાસની એકદમ નજીક પહોંચ્યો. હવે તે બન્ને એકબીજાની આમને-સામને હતા. અભિની નજર ડગ્લાસની નજર સાથે ટકરાઇ. એ નજરમાં એકદમ શાંત ખામોશી ભરેલી હતી. ભયાનક તોફાન પહેલાની ખામોશી.

“રક્ષા… મારી બહેન, તું જાણતો હોઈશ. એ અત્યારે જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહી છે. શું કામ?” દાંત ભિંસીને તેણે પૂછયું.

“આઇ ડોન્ટ નો.” ડગ્લાસે ખભા ઉછાળ્યાં.

“ અચ્છા, તો તેની ઉપર હુમલો શું કામ કરાવ્યો? બે વખત… બે વખત તેને મારવાની કોશિશ થઇ હતી.”

“એગ્રીડ, આજે પણ ઈચ્છું છું કે એ મરી જાય કારણ કે તેનું જીવીત રહેવું મારા માટે ખતરનાક છે. પરંતુ પહેલો હુમલો મેં નહોતો કર્યો. તેની એ હાલત માટે હું જવાબદાર નથી. મેં હોસ્પિટલમાં બે વખત હુમલો કરાવ્યો હતો અને બન્ને વખત તે બચી ગઇ હતી. હજુંય મોકો મળશે તો એ તક હું છોડીશ નહી. તું મને પસંદ આવ્યો એટલે આટલી શાંતીથી તારી સાથે વાત કરું છું. આજ સુધી મેં ફક્ત તારું નામ જ સાંભળ્યું હતું પરંતુ તને અહી જોઈને ખાતરી થઇ કે તું ખરેખર બહાદૂર છો અને મને તારી જેવા માણસો ગમે છે જે ’ગટસ્’ ધરાવતાં હોય.”

“ખોટો સમય ન બગાડીએ તો વધું સારું રહેશે. મને ફક્ત રક્ષા વિશે જાણવામાં જ રસ છે. એ સીવાય બીજું બધું ગૌણ છે.” અભિમન્યુએ પૂછયું. તે ઘણું બધું જાણતો હતો. ગોલ્ડન બારમાંથી મળેલી ફાઈલમાં જે વિગતો હતી એ તેના જહેનમાં છપાઇ ગઇ હતી. એ ફાઈલ ડગ્લાસનાં કાળા કારનામાની કરમ કુંડળી બયાન કરતી હતી. એનું અનુસંધાન રક્ષા સાથે કઈ રીતે જોડાયું હતું એ જાણવું હતું તેને.

“હમમમ્…” ડગ્લાસે હુંકાર ભણ્યો. બરાબર એ સમયે જ કોણ જાણે ક્યાંથી તેનો પેલો પઠ્ઠો અભિમન્યુની પાછળ આવીને ઉભો રહી ગયો હતો. તેને બોસનાં ઈશારાની રાહ હતી. “જરા પાછળ ફરીને જો. તને તારા બધા જ સવાલોનાં જવાબ મળી જશે.” તે બોલ્યો અને પઠ્ઠાને ઈશારો કર્યો. એ સાથે જ પઠ્ઠો અભિમન્યુ ઉપર ઝપટી પડયો.

અભિમન્યુ ખરેખર તો આશ્વર્ય અનુભવતો હતો કે ડગ્લાસ કેમ આટલી શાંતીથી વર્તી રહ્યો છે! તેણે આવી અપેક્ષા નહોતી રાખી. તે પૂરેપૂરી તૈયારી સાથે આવ્યો હતો પરંતુ અહી માજરો કંઈક અલગ જ સર્જાયો હતો. પણ… એ તેનો ભ્રમ હતો. અચાનક તેણે પોતાની પીઠ પાછળ કશીક હલચલ અનુભવી. કોઈક તેની તરફ આવી રહ્યું હોય એવું મહેસૂસ કર્યું અને… તે ચોંકયો અને ઝટકા સાથે પાછળ ફર્યો.

એ પૂરા છ હાથ ઉંચો પહેલવાન હતો. ટૂંકી બાંયનાં ટી-શર્ટ હેઠળ તેનાં ગઠ્ઠાદાર બાયસેપ્સ જોઈને એક વખત તો કોઇ એમ જ ડરી જાય. તેની મજબૂત ખડતલ છાતી પથ્થરની ચટ્ટાન સમાન સખત હતી. તે ભયાનક જનૂનથી અભિમન્યુ ઉપર ઝપટયો હતો અને મુઠ્ઠી વાળીને અભિનાં ચહેરા ઉપર વાર કર્યો. અભિમન્યુ કરતાં એ પઠ્ઠામાં વધું તાકત હતી. અભિમન્યુ તેના ખભા સુધી આવતો હતો. તેનો વજનદાર મુક્કો સીધો જ અભિમન્યુનાં ચહેરા સાથે અથડાયો. અભિને લાગ્યું જાણે તેનું ડોકું તેની જ ગરદન પરથી ઉખડીને હવામાં ઉછળી પડયું. તેના મગજમાં ઘડીભર માટે શૂન્યાવકાશ છવાઈ ગયો. ડગ્લાસ સાથે વાત કરવામાં તે અસાવધ બન્યો હતો જે તેને જ ભારે પડયું. એક જ મુક્કામાં ધોળે દિવસે તેની આંખો સામે તારા નાંચવા લાગ્યાં હતા. એ જોઇને ડગ્લાસ મુસ્કુરાઈ ઉઠયો. તેણે આમન્ડાનો હાથ પકડયો અને સ્વિમિંગ પૂલની કિનારે ગોઠવાયેલી ખુરશીમાં બેઠક લીધી. આમન્ડા એ ખુરશીની ધારે તેના નિતંબ ટેકવીને બેઠી. ડગ્લાસની એ ચેષ્ઠા કોઈ રાજા મહારાજા જેવી હતી જે તેના જ રાજ્યમાં બે પહેલવાનો વચ્ચે ખેલાતી ભિષણ જંગનો આનંદ ઉઠાવવા દરબાર ભરીને બેઠો હોય. તેને પોતાના પઠ્ઠા ઉપર સંપૂર્ણ ભરોસો હતો કે એ અભિમન્યુને બહુ ભયંકર મોત આપશે. તેને રીતસરનો મસળી નાંખશે. એટલે જ તે ગર્વ ભેર બેફિકર બનીને નજરો સામે દેખાતા નજારાનો લૂફ્ત ઉઠાવી રહ્યો હતો.

પઠ્ઠો ફરી આગળ વધ્યો. બન્ને હાથે પોતાનું માથું પકડીને સ્થિર થવાની કોશિશ કરતા અભિમન્યુને તેણે સીધો કર્યો અને વળી એક જોરદાર મુક્કો તેના માથામાં ઠોકયો. “આહ…” એક હળવી ચીખ અભિમન્યુનાં મોઢામાંથી નીકળી પડી અને તેના પગ લથડયા. એકાએક તે રક્ષણાત્મક સ્થિતિમાં આવી ગયો. તેને સંભળવા માટે થોડા સમયની જરૂર હતી. તેને સહેજે ખ્યાલ નહોતો કે આટલી જલ્દી તેના પર હુમલો થશે અને તેની આ હાલત થશે. તેના પગ આપોઆપ ત્યાં પથરાયેલી સૂવાળી લોનમાં પાછળ તરફ ખસ્યા હતા અને ઘડીક તે એમ જ સ્થિર ઉભો રહી ગયો હતો. એ દરમ્યાન પેલો પઠ્ઠો ફરીથી તેની નજદીક આવી પહોંચ્યો.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.

અને હાં, આ તમામ નવલકથાઓ પુસ્તક તરીકે પણ ઉપલબ્ધ છે. જો આપ મારી નવલકથાઓને આપની પર્સનલ લાઇબ્રેરીમાં વસાવવા માંગતાં હોવ તો મારા વોટ્સએપ નંબર પર કોન્ટેક કરવા વિનંતી. ધન્યવાદ.