Jantar-Mantar - 1 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | જંતર-મંતર - 1

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

જંતર-મંતર - 1

જંતર-મંતર

( પ્રકરણ : એક )

ભારતના પૂર્વ પડખામાં આવેલા ગરીબ ઓરિસામાં ઘણાં ગુજરાતી કુટુંબો વસે છે. મોટાભાગના ગુજરાતીઓ પૈસેટકે સુખી છે. ખાસ કરીને ગુજરાતીઓ વેપાર-ધંધામાં જ પડેલા છે. ભાગ્યે જ કોઈક ગુજરાતી સરકારી નોકરીમાં દેખાય છે. આ ગુજરાતીઓ વરસોથી ઓરિસામાં છે. છતાંય એમના રીત, રિવાજ, પહેરવેશ, ખોરાક અને પ્રથાઓમાં સહેજ પણ ફેરફાર થયો નથી. એ બધા જ ગુજરાતીઓ પૂરેપૂરા ગુજરાતી છે. ઓરિસાની વસતીમાં ગુજરાતી સ્ત્રી-પુરુષો અલગ તરી આવે છે. વાસંતી પણ એ જ રીતે અલગ તરી આવતી હતી.

વાસંતીનો ગોળ ચહેરો, તેજભરી આંખો, નમણું નાક અને એકવડિયો બાંધો એ બધું જોનારનું તરત જ ધ્યાન ખેંચી લે તેવી હતી. વળી એ બધાય કરતાં તો એનો મીઠો અને હસમુખો સ્વભાવ બધાંને ખૂબ ગમતો.

વાસંતીનાં મા-બાપ બહુ પૈસાદાર તો નહોતાં, પરંતુ વાસંતીને તેમણે ખૂબ લાડકોડથી ઉછેરી હતી. વાસંતીએ હજી તો સોળ વરસ માંડ પૂરાં કર્યાં હતાં ત્યારથી જ એન હાથ માટે અનેક માંગાંઓ આવતાં હતાં. છેક ગુજરાત અને મહારાષ્ટ્રથી પણ એના લગ્ન માટેની વાત આવી ચૂકી હતી. પણ વાસંતીનાં મા-બાપ દીકરીને પોતાની આંખોથી દૂર જવા દેવા માંગતા નહોતાં એટલે એમણે એ બધાં જ માંગાઓ પાછાં ઠેલ્યાં હતાં.

વાસંતીની જ ઉંમરની એની ખાસ બહેનપણી રીમા સાથે એને ખૂબ જ બનતું. બન્નેનાં મકાન એક જ ફળિયામાં હતાં. વાસંતી નાનપણમાં રીમા સાથે જ રમી હતી. બન્ને ભણવા પણ સાથે જ જતી. ઘણીવાર રીમા વાસંતીને ઘેર વાંચવા જતી. બન્ને બહેનપણીઓને એકબીજી ઉપર સગી બહેન કરતાંય વધારે હેત હતું.

વાસંતી સુંદર હતી તો રીમાય કંઈ કમ નહોતી. ગોરો રંગ, સુંદર લંબગોળ ચહેરો, માછલી જેવી ચમકતી આંખો, લાંબું અણીયાળું નાક, સુંદર દાડમની કળી જેવા એક સરખા દાંત, લાંબી સુરાહીદાર ગરદન, ભર્યાં ભર્યાં સુડોળ અંગો અને ઘાટીલું શરીર અને વાસંતી કરતાંય મધુર અવાજ અને એનાથી ચઢી જાય એવો મીઠો સ્વભાવ...

વાસંતીનાં મા-બાપ બહુ પૈસાદાર નહોતાં, પણ રીમાના બાપ પાસે ઠીક ઠીક પૈસો હતો. કટકમાં એમનો પોતાનો ત્રણ માળનો વિશાળ બંગલો હતો. કાપડની બે મોટી દુકાનો હતી. અને એક-બે કારખાનામાં એમણે સારું એવું રોકાણ કર્યું હતું. સસ્તા જમાનામાં એમણે સોનું પણ સારું એવું ભેગું કર્યું હતું. વળી સંતાનમાં પણ એમને એક દીકરો અને એક દીકરી એમ બે જ સંતાન હતાં. મોટા દીકરા મનોજને એમણે પાંચેક વરસ પહેલાં જ પરણાવી દીધો હતો. બસ, હવે આ એક દીકરી રીમા હતી અને રીમા પણ હવે જુવાન થઈ ચૂકી હતી. કોઈ સારું ઘર જોઈને ત્રણચાર વરસમાં જ રીમાના હાથ પીળા કરી દેવાનું તેઓ વિચારતા હતા.

વાસંતી અને રીમા બન્ને જણીઓએ ગયા વરસે જ મેટ્રિકનું વરસ પૂરું કર્યું હતું. ભાઈ મનોજે નજીકમાં જ આવેલા ભુવનેશ્વર શહેરમાં આવેલી એક કૉલેજમાં એ બન્નેને પ્રવેશ અપાવી દીધો હતો. ત્યાંની હોસ્ટેલમાં રહેવા માટે પણ એમને મંજૂરી મળી ગઈ હતી. વળી વાસંતીના મામા પણ ભુવનેશ્વરમાં જ હતા એટલે ચિંતાની કોઈ વાત નહોતી. રવિવાર કે રજાને દિવસે બન્ને બહેનપણીઓ એમને ત્યાં જઈને મામા-મામીને મળી શકે એમ હતી.

શરૂઆતમાં તો વાસંતી અને રીમાને લાગ્યું હતું કે, એ નવા વાતાવરણમાં બહુ ફાવટ નહીં આવે. વળી અહીં હોસ્ટેલની પ્રથા પણ કંઈક અલગ અને વિચિત્ર હતી. દરેક છોકરીને અલગ રૂમ આપવામાં આવતી હતી. રૂમ વચ્ચે પાર્ટીશન કરીને, નાની-નાની ખોલીઓ બનાવી દેવામાં આવી હતી. જોકે, વાસંતી અને રીમાની રૂમો બાજુ બાજુમાં હતી એટલે સારું હતું.

રીમા અને વાસંતીના રૂમની લાઈન સામે એક મોટું મેદાન પડતું હતું. મેદાનના છેડે ઝાંખરાં અને કાંટાઓની વાડ હતી, અને વાડની પછવાડેય ઉજ્જડ મેદાન હતું. એ ઉજ્જડ મેદાનમાં જૂના ઊંચા ઝાડવાઓ સિવાય બીજું કંઈ નહોતું. વળી એ ભાગ શહેરના પાછલા ભાગમાં હતો. એટલે એ દિવસે પણ ત્યાં કોઈ અવરજવર નહોતી અને રાતે પણ એ ભાગ બિલકુલ લાગતો હતો. બહાર હોસ્ટેલની લાઈટ આખી રાત ચાલુ રહેતી છતાંય છોકરીઓ બહાર નીકળતાં ડરતી હતી. હોસ્ટેલનો બુઢ્ઢો ચોકીદાર પોતાના ખાટલામાં બેઠો-બેઠો ચલમ ફૂંકતો રહેતો અને વારેઘડીએ ખાંસી ખા-ખા કરતો. એની ખાંસીનો અવાજ સાંભળીને પણ ઘણીવાર બીક લાગતી. પરંતુ મોટાભાગની છોકરીઓ એનાથી ટેવાઈ ગઈ હતી. ત્રણેક મહિનામાં તો રીમા અને વાસંતી પણ ત્યાંના એ સુનકાર અને બિહામણા વાતાવરણથી ટેવાઈ ગઈ. સાંજે બન્ને જણી ફરવા જતી અને રાતના અંધારું થાય તે પહેલાં જ પોતપોતાની રૂમમાં જઈને ચોપડી વાંચવાનું શરૂ કરી દેતી.

એક રવિવારે બન્ને બપોરના ત્રણ વાગ્યાના શોમાં પિકચર જોવા ગઈ. પાછા ફરતાં લગભગ સાત વાગી ગયા. હજુ રાત થઈ નહોતી. અંધારું પણ થયું નહોતું. પરંતુ દિવસ કયારનોય આથમી ગયો હતો. દીવાબત્તીનું ટાણું થવા આવ્યું હતું. હોસ્ટેલના ચોગાનની બત્તી હજુ સળગી નહોતી. વાસંતી અને રીમા હળવે પગલે, ધીમે-ધીમે વાતો કરતી, પોતાના રૂમ તરફ આગળ વધી રહી હતી.

અચાનક ચાલતાં ચાલતાં રીમા અટકી ગઈ. એનું ધ્યાન મેદાનને છેડે આવેલી કાંટાની ઝાડીઓ ઉપર ઊગેલા એક સુંદર પીળા ફૂલ ઉપર પડી.

રીમા કે વાસંતીએ એ જગ્યાએ કદી કોઈ પણ જાતનું ફૂલ જોયું નહોતું. એ કાંટાઓની ઝાડી એવી હતી કે ત્યાં સુકાયેલી અને કાળી પડેલી ડાંખળીઓ સિવાય કંઈ નહોતું. એકાદ સુકાયેલું પાંદડું પણ ત્યાં નજરે પડતું નહોતું. ત્યાં વળી અચાનક આવું સુંદર ખિલેલું અને તાજું ફૂલ જોઈને બન્નેને ખૂબ નવાઈ લાગી. એમાંય રીમા તો જાણે આપોઆપ જ એ ફૂલ તરફ ખેંચાઈ.

રીમાને ફૂલની તરફ આગળ વધતી જોઈને વાસંતીએ એને ટકોર કરી, ‘રહેવા દે, રીમા...!’

પણ રીમાએ વાસંતીની કોઈ ટકોર સાંંભળી જ નહિ. એ પેલા ફૂલ તરફ ખેંચાતી જ રહી. રીમાને આગળ ને આગળ વધતી જોઈને વાસંતીએ રીમાની પાછળ દોટ મૂકી. પણ રીમા એ વખતે છોડ પાસે પહોંચી ગઈ હતી. એ પીળા ચમકતા ફૂલની સુગંધ અદ્‌ભુત હતી. એ અદ્‌ભુત સુગંધે જાણે રીમા ઉપર જાદુ કર્યું હોય એમ રીમા અવાચક બનીને એ ફૂલને જોઈ રહી હતી.

વાસંતીએ પાછળથી રીમાના ખભા ઉપર હાથ મૂકતાં કહ્યું, ‘રીમા...રીમા...આ જગ્યા સારી નથી...!’ પણ રીમાના કાને જાણે વાસંતીનો અવાજ સંભળાતો જ ન હોય એમ રીમાએ ફૂલ તોડવા માટે હાથ ઊંચો કર્યો....

વાસંતીએ રીમાનો ખભો હચમચાવતાં કહ્યું, ‘રીમા, રહેવા દે...રીમા અત્યારે દીવાબત્તીનો સમય છે...આ ફૂલ...!’ પણ વાસંતી પોતાનું વાકય પૂરું કરે એ પહેલાં તો રીમાએ હળવેકથી ફૂલ તોડી લીધું. પીળા રંગનું પૂરેપૂરું ખિલેલું અને અજબ સુગંધ ધરાવતું એ ફૂલ હાથમાં આવતાં જ રીમાએ જાણે રોમાંચ અનુભવ્યો. એના શરીરમાં રોમાંચ ફરી વળ્યો હોય એમ એના રેશમી શરીર ઉપરની ચામડીનાં રુંવાડાં ખડાં થઈ ગયાં. જ્યારે બરાબર એ જ સમયે વાસંતીના શરીરે ભયની આછી ધ્રુજારી અનુભવી.

ફૂલ તોડયા પછી રીમા પાછી એની સાથોસાથ વાસંતી પણ ખેંચાઈ....વાસંતીને મનમાં ઊંડે ને ઊંડે એમ જ થતું હતું કે, હજુ પણ રીમા ફૂલ ફેંકી દે તો સારું. આવી વિરાન ઝાડીમાં આવું તાજું ખિલેલું ફૂલ જોઈને જ એના દિલની ધડકનો આપોઆપ વધી ગઈ હતી.

રીમા પોતાની રૂમ પાસે આવી ત્યાં સુધી એની નજર એ પીળા ફૂલ ઉપર ચોંટેલી હતી. એ ફૂલમાંથી ચંપા અને મોગરાની બન્ને સુગંધ એકીસાથે આવતી હતી અને એ સુગંધ એટલી તેજ હતી કે વિના ફૂલ સૂંઘે પણ એની માદક સુગંધ નસકોરામાં ઘૂસી જઈને મનને મસ્ત બનાવી દેતી હતી.

રૂમ પાસે આવતાં સુધી વાસંતી કંઈ બોલી નહીં અને રીમાએ પણ વાસંતી તરફ જોયું નહીં. રીમાને એ પીળા ફૂલમાં ખોવાયેલી જોઈને વાસંતીને મનમાં નવાઈ તો લાગી, પણ અત્યારે રીમાએ કંઈ કહેવું એને ઠીક લાગ્યું નહીં. એ ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ. રીમા પણ પોતાના રૂમમાં ચાલી ગઈ.

રૂમમાં જઈને રીમાએ ફૂલને પલંગ ઉપર મૂકી દીધું અને પછી દરરોજની આદત મુજબ એણે કમાડ બંધ કર્યા. બરાબર એ જ વખતે એણે વાસંતીના રૂમનાં કમાડ પણ બંધ થવાનો અવાજ સાંભળ્યો.

કમાડ બંધ કરીને, રીમાએ ટેબલ ઉપરથી ચોપડી લઈને પલંગમાં પડતું મૂકયું. ચોપડીના પાનાં થોડીકવાર સુધી ઉલટાવતી રહી. પણ ચોપડીમાં એનું મન ચોંટયું નહીં એટલે એ ચોપડી પટકીને ઊભી થઈ. પોતાનું ઢીંચણ સુધીનું ફ્રોક ઉતારીને એણે ખીંટીએ લટકાવ્યું અને પછી પેટીકોટ સરખો કરતી, બત્તી બુઝાવીને એ પલંગમાં પડી. પેલા ફૂલની માદક સુગંધને કારણે એની આંખો આપોઆપ બંધ થઈ જતી હતી. કયાંય સુધી એ મસ્તીથી પલંગમાં ચૂપચાપ આળોટતી રહી. રીમા પોતે ઊંઘતી હતી કે જાગતી હતી એનો ખ્યાલ રહ્યો નહોતો. સમય હળવે હળવે સરકતો રહ્યો.

રાતના બરાબર બાર ને પાંત્રીસે નજીકની રેલવે લાઈન ઉપરથી એક ગાડી પસાર થતી હતી. આ ગાડીનો અવાજ ઘડીકવાર માટે એની ઊંઘ ઉડાડી દેતો હતો. પણ જેવી ગાડી પસાર થઈ જતી, અવાજ હળવો થવા માંડતો કે તરત જ એની આંખ ફરી મીંચાઈ જતી હતી. અને એ ફરી ઘસઘસાટ ઊંઘવા લાગતી. પણ આજે તો એ ગાડી પસાર થઈ તોય એની ઊંઘ ઊડી નહીં, જ્યારે એની ઊંઘ ઊડી ત્યારે એના રૂમમાં રહેલા પેલા ફૂલની સુગંધ વધારે તેજ બની ચૂકી હતી. એણે હળવેકથી આંખો ઉઘાડી ત્યારે એને લાગ્યું કે કોઈકનું શરીર એના સુંવાળા શરીર સાથે ચંપાયેલું છે. અને કોઈકનો હાથ એના શરીર ઉપર, એના ભર્યા ભર્યા કુંવારા બદન ઉપર ફરી રહ્યો છે. એણે અનુભવ્યું કે એ કોઈક મજબૂત હાથ હતો. એણે આંખો ખેંચીને પોતાની પથારીમાં અને પોતાની રૂમમાં જોવાનો પ્રયત્ન કર્યો. પણ એને કોઈ દેખાયું નહીં. એણે ફરી આંખો બંધ કરી દીધી. અચાનક કોઈએ એને પોતાના શરીર સાથે જકડી લીધી હતી. એના ચહેરા ઉપર અને એના ધ્રૂજતા હોઠ પર ચુંબનો વરસાવવા માંડયાં હતાં. એ ધગધગતા ચુંબનો માણતી મસ્તીથી પડી હતી. એ કોઈ અજબ પ્રકારનો રોમાંચ અને કોઈક અજબ પ્રકારનો આનંદ માણી રહી હતી. એને લાગ્યું કે કોઈ જાણે એને આનંદના મહાસાગરમાં ડૂબકીઓ ખવડાવી રહ્યું છે. એના શરીર ઉપરનાં કપડાં પણ એક પછી એક કરીને કયારે સરકી ગયાં એની પણ એને ખબર ન રહી. અને કોઈક અદૃશ્ય શક્તિશાળી પુરુષ કયાંય સુધી એના શરીરને પોતાના શરીર સાથે જકડતો રહ્યો-કચડતો રહ્યો અને રીમાના શરીરમાં સમાઈ જવા માટે પ્રયત્નો કરતો રહ્યો.

જીવનમાં આવો રોમાંચ, આવો આનંદ રીમાએ કદી માણ્યો નહોતો. એક પુરુષ આટલો આનંદ આપી શકે એ વાત એણે આજે જ અનુભવી હતી. છેક વહેલી સવાર સુધી એ રોમાંચ અને આનંદ માણતી રહી. કયારે એ અદૃશ્ય પુરુષ ચાલ્યો ગયો અને કયારે રીમા પોતે ઊંઘી ગઈ એનો પણ એને ખ્યાલ રહ્યો નહીં.

અચાનક રીમાની આંખ ખૂલી ત્યારે કોઈક તેનાં બારણાં ખટખટાવી રહ્યું હતું. બારી-બારણાની તિરાડમાંથી આવતા અજવાળા ઉપરથી ખ્યાલ આવી જતો હતો કે સવાર કયારનીય થઈ ચૂકી છે અને અત્યારે ઘણું મોડું થઈ ગયું છે.

ગભરાઈને રીમા પથારીમાં બેઠી થઈ ગઈ. પણ બેઠાં થતાં જ એને ખ્યાલ આવ્યો કે, પોતાના શરીર ઉપર એક કપડું નથી એટલે એ મનોમન શરમાઈ ગઈ. રાતના એણે માણેલો અદ્‌ભુત રોમાંચ અને આનંદ એને યાદ આવી ગયો. એણે મસ્તીથી એક માદક અંગડાઈ લીધી અને પછી બહાર બારણું ખખડાવી રહેલી વાસંતીને એણે જવાબ આપ્યો, ‘અરે, ઉઘાડું છું વાસંતી...એક મિનિટ ઊભી રહે.’

જવાબ આપ્યા પછી રીમાએ ઝડપથી કપડાં પહેરી લીધાં અને ફટાક કરતું બારણું ઉઘાડયું.

બારણું ઉઘડતાં જ ઠપકો આપતી વાસંતી અંદર ધસી આવી, ‘કેમ રે...હજુ નવ વાગવા આવ્યા છતાંય આરામથી પડી છો...?’ પણ રીમા અત્યારે ઠપકો સાંભળવાના કે કોઈ બચાવ કરવાના મૂડમાં ન હોય એમ વાસંતીને પોતાની તરફ ખેંચીને, પોતાના શરીર સાથે જકડી લેતાં બોલી, ‘વાસંતી, વાસંતી...વાસંતી....આજે હું ખૂબ ખુશ છું.’ એણે વાસંતીને વધુ જોશથી દબાવીને, જમીનથી સહેજ ઊંચી કરીને, ગોળ ગોળ બેત્રણ ચકરડીઓ ફેરવી નાખી.

વાસંતી ‘અરે, અરે...છોડ..છોડ...!’ કરતી રહી ત્યાં રીમાએ એને પોતાના પલંગ ઉપર પટકી દીધી.

વાસંતી બેઠી થતાં બોલી, ‘અરે, તું પાગલ થઈ ગઈ છું કે શું ?’ ત્યારે રીમા બેય હાથ ઊંચા કરીને, એક મસ્તીભરી અંગડાઈ લઈને બોલી, ‘હા, હા, વાસંતી હું સાચે જ પાગલ થઈ ગઈ છું....સાચે જ પાગલ !’

વાસંતીએ રીમાનો હાથ પકડીને, ખેંચીને, પોતાની પાસે બેસાડતાં કહ્યું, ‘અલી, કંઈ માંડીને વાત કર...તો કંઈ સમજ પડે.’

રીમાએ મસ્તીભરી અને તોફાની આંખે એની તરફ જોતાં કહ્યું, ‘અરે વાસંતી...આજે રાતે મેં જે આનંદ મેળવ્યો છે, જે મઝા મેળવી છે...એની વાત હું કરી શકું એમ નથી. આવો રોમાંચ આજ પહેલાં મેં કદી મેળવ્યો નથી.’

વાસંતીને રીમાની વાત પૂરેપૂરી તો ન સમજાઈ, પણ એને કંઈક શંકા જતાં એણે પૂછયું, ‘શું તારી સાથે કોઈ છોકરો હતો.?’

‘છોકરો નહીં..પુરુષ હતો...મજબૂત પુરુષ...પૂરો પુરુષ.... આજે રાતે અમે બન્ને એકમેકમાં સમાઈ ગયાં હતાં.’ રીમાના અવાજમાં હજી પણ મસ્તી હતી. માદકતા હતી. અત્યારે પણ એ જે બેફિકરાઈથી જવાબો આપી રહી હતી. એ જોઈને વાસંતી મનોમન ફફડી ઊઠી. એણે ગભરાઈને પૂછયું, ‘રીમા...કોણ હતો એ ?’

રીમા મીઠું મીઠું હસી પડી. ‘વાસંતી, હું એને નથી ઓળખતી. મેં એને જોયો પણ નથી. પરંતુ એ ગમે તે હોય, એણે મને આજની રાતે ખૂબ આનંદ આપ્યો છે. હું એને કદી નહીં ભૂલી શકું.’ રીમા આનંદના આવેશમાં આંખો મીંચીને બબડી રહી હતી ત્યારે વાસંતી ફાટી આંખે એને જોઈ રહી હતી. એના મનનો ફફડાટ હવે બેવડાઈ ચૂકયો હતો. એના ચહેરા ઉપર પરસેવો વળવા લાગ્યો હતો. ગઈરાતે એણે પેલું અજબ ફૂલ જોયું ત્યારે પણ એના દિલને એક આંચકો લાગ્યો હતો અને એમાંય એ ફૂલ રીમાએ તોડયું એ વખતે એના મનમાં અમંગળ શંકા જાગી હતી. અને અત્યારે રીમાની આવી હાલત જોઈને વાસંતીના મનની શંકા સાચી પડતી હોય એમ લાગતું હતું. હવે એના મનમાં પાકી ખાતરી થઈ ચૂકી હતી કે, રીમા જરૂર કોઈ ભૂત-પ્રેતની જાળમાં ફસાઈ ચૂકી છે.

પછી....? પછી શું થયું....? શું રીમા ખરેખર કોઈ ભૂત-પ્રેતની જાળમાં ફસાઈ ચૂકી હતી....? ભૂત-પ્રેતની જાળમાં ફસાયેલી રીમાનું શું થયું...? વાસંતીએ રીમાને બચાવવા માટે શું કર્યું....? રીમાના મમ્મી-પપ્પાનું શું થયું ? એમણે પોતાની દીકરીને આ મુસીબતમાંથી છુટકારો અપાવવા શું કર્યું ? એ બધું જ જાણવા માટે આપે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો આવતો હપતો વાંચવો જ પડશે.

***