Mara thoth vidhyarthio - 13 in Gujarati Children Stories by Sagar Ramolia books and stories PDF | મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 13

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 13

એ જ હતું એક લક્ષ્ય
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-13)
એક વખત શહેરના ટાઉનહોલમાં સંગીતનો કાર્યક્રમ હતો. ગાવું-વગાડવું આપણું કામ નહિ, પણ કોઈ સારું ગાતું હોય તો સાંભળવું તો જરૂર ગમે. હું પણ ગયો એ કાર્યક્રમ જોવા-સાંભળવા. ટાઉનહોલમાં મેદની હકડેઠઠ હતી. ઘણું જોયું, પણ બેસવાની કયાંય જગ્‍યા ન મળે. હું આમતેમ જોતો હતો, ત્‍યાં કાર્યક્રમના આયોજકની નજર મને જોઈ ગઈ. મને એ ઓળખે. એટલે આગળની હરોળમાં જ્યાં ખાસ જગ્‍યા રાખેલી હતી ત્‍યાં મને બેસાડી દીધો.
કાર્યક્રમ શરૂ થયો. સરસ-સરસ ગીતો ગવાતાં હતાં. ખૂબ મજા આવતી હતી. સાત-આઠ ગીત પછી જાહેર થયું કે, ‘‘હવે પછીનું ગીત રજૂ કરવા આવે છે તમારા જ શહેરની અને કાર્યક્રમમાં રંગત લાવી દેનારી ગાયિકા સપના રાઠોડ.'' મનમાં થયું, ‘યહ નામ કુછ સુના સુના-સા લગતા હૈ.' વળી થયું, જે હોય તે, આપણે તો ગીતોની મોજ લેવાની છે.
સપનાએ ગાવાનું શરૂ કર્યું. સરસ અવાજ હતો અને સરસ ગાતી હતી. ગાવાની સાથે લટકાં- ઝટકાં પણ કરી લેતી હતી. સૌ જાણે તેને સાંભળવામાં મશગૂલ બની ગયા હતા. હું પણ એક ઘ્‍યાનથી સાંભળતો હતો. તેવામાં તેની નજર મારા ઉપર પડી. ગીતની વચ્‍ચે સંગીતનો લય આવ્‍યો. ત્‍યારે તે લટકાં-ઝટકાં કરતી સ્‍ટેજથી નીચે ઊતરી. મારી સામે આવી ઊભી રહી. મને થયું આ અહીં કેમ આવી હશે! ત્‍યાં તો તે મને પગે લાગી અને ધીમેથી બોલી, ‘‘આ ગીત પછી મારે તમને મળવું છે. આ બાજુ આવજો.'' તે મને પગે લાગી હતી, એટલે કોઈ અમંગળ વિચારોએ ન સતાવ્‍યો. થોડીવાર પછી તાળીઓના ગડગડાટ સાથે તેનું ગીત પૂરું થયું. સ્‍ટેજની બાજુમાં થોડી જગ્‍યા હતી અને ત્‍યાં બહાર નીકળવાનો દરવાજો હતો. ત્‍યાં તે આવી. એટલે હું ગયો.
તે બોલી, ‘‘રામોલિયાસાહેબ, મને ઓળખી?''
હું બોલ્‍યો, ‘‘અહીં તારો પરિચય તો અપાયો હતો. એટલે એ રીતે ઓળખું છું.''
તે કહે, ‘‘સાહેબ, બીજું કંઈ યાદ નથી આવતું? મારું નામ સપના મનીષભાઈ રાઠોડ છે. સાક્ષરતા અભિયાનને યાદ કરો!''
હવે મગજ બરાબર ગાવા લાગ્‍યું. આ સપના ત્‍યારે ચોથા ધોરણમાં ભણતી હતી. તે સમયે સાક્ષરતા અભિયાન ચાલતું હતું. લોકોમાં જાગૃતિ લાવવા માટે શાળાની નજીકના વિસ્‍તારોમાં જઈને કાર્યક્રમો કરવાના હતા. બાળકો પાસે આ કાર્યક્રમો તૈયાર કરાવવાની જવાબદારી મેં લીધી હતી. હું કાર્યક્રમ માટે બાળકોની પસંદગી કરતો હતો. ત્‍યારે સપના ત્‍યાં આવી અને બોલી, ‘‘મારે પણ પ્રોગ્રામમાં રહેવું છે.'' મેં પૂછયું, ‘‘તને શું આવડે છે?'' તે કહે, ‘‘ગીત ગાઉં?'' અને ગાવા લાગી. સાંભળીને મેં કહ્યું, ‘‘તારો અવાજ તો સરસ છે. મોટી થઈને સારી ગાયિકા બની શકીશ. પણ દીકરી! અત્‍યારે તો ભણવામાં ઘ્‍યાન આપવાનું.'' પછી તો કાર્યક્રમ થયો. સપનાએ ખૂબ સારું ગાયું. મ્યુનિસિપલ કમિશનર તરફથી તેને ઈનામ પણ અપાયું. અને હા, પછી ભણવા બાબત તેની કોઈ ફરિયાદ રહેતી નહોતી. શાળામાં કોઈ કાર્યક્રમ હોય તો તે ભાગ લેતી જ.
મેં તેને કહ્યું, ‘‘તેં તો ખૂબ સારી પ્રગતિ કરી. લોકો તને સાંભળવા આતુર હતા.''
તે બોલી, ‘‘તમે જ તો આ રસ્‍તો દેખાડયો હતો. પછી તો ગાયિકા બનવું એ જ એક લક્ષ્ય હતું. હાઈસ્‍કૂલમાં હતી ત્‍યારથી જ એક સંગીતશાળામાં પણ શીખવા જવા લાગી. લય-તાલ બધું વ્‍યવસ્‍થિત શીખ્‍યું. જેમ સંગીતમાં ધૂનનું મહત્‍વ હોય, તેમ મારા મનમાં પણ ધૂન હતી કે સારી ગાયિકા બનવું જ છે. અને બની પણ શકી. આજે મને ખૂબ સંતોષ છે. તમારો પણ ખૂબ આભાર કે મને આ રસ્‍તો દેખાડયો. લોકોને આનંદ કરાવવામાં મને પણ આનંદ આવે છે.''
મને થયું, જે એક ધૂન પકડીને બેસી જાય, તેને સફળ થતાં કોઈ રોકી શકતું નથી. બસ મનમાં લયબદ્ધ ધૂન વહેતી રહેવી જોઈએ કે મારે આ કરવું છે. મેં સપનાને શુભેચ્‍છા આપી અને પછી સપના તેમજ અન્‍ય ગાયકોના ગીતો મનને નચાવીને માણ્‍યાં.
- ‘સાગર' રામોલિયા