mara thoth vidhyarthio - 12 in Gujarati Children Stories by Sagar Ramolia books and stories PDF | મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 12

Featured Books
  • ओ मेरे हमसफर - 12

    (रिया अपनी बहन प्रिया को उसका प्रेम—कुणाल—देने के लिए त्याग...

  • Chetak: The King's Shadow - 1

    अरावली की पहाड़ियों पर वह सुबह कुछ अलग थी। हलकी गुलाबी धूप ध...

  • त्रिशा... - 8

    "अच्छा????" मैनें उसे देखकर मुस्कुराते हुए कहा। "हां तो अब ब...

  • Kurbaan Hua - Chapter 42

    खोई हुई संजना और लवली के खयालसंजना के अचानक गायब हो जाने से...

  • श्री गुरु नानक देव जी - 7

    इस यात्रा का पहला पड़ाव उन्होंने सैदपुर, जिसे अब ऐमनाबाद कहा...

Categories
Share

મારા ઠોઠ વિદ્યાર્થીઓ - 12


નવા વર્ષે તારું કરી નાખું
(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-12)
નવા વર્ષનો પહેલો દિવસ. સવારના સમયમાં બહાર જવાની તૈયારી ચાલતી હતી. તેવા સમયે કોઈનો મધુર સ્‍વર સંભળાયો. મને થોડું કુતૂહલ થયું. હું ઘરના દરવાજે ઊભો રહ્યો. શેરીમાં જોયું. ત્‍યાં એક ઘર પાસે કોઈ યુવાન સાધુ ઊભો હતો. તે ઘરના માજી તેને કંઈક આપી રહ્યાં હતાં. ઓચિંતા તે સાધુની નજર માજીના હાથ ઉપર પડી.
તે બોલવાનું શરૂ કરે છે, ‘‘માડી! તારા હાથની રેખાઓ તો બળવાન છે. શનિની વક્રદૃષ્‍ટિ દૂર થઈ ગઈ છે. ગુરુ બળવાન બન્‍યો છે. હવેનું તારું ભવિષ્‍ય સુખસાહ્યબીમાં વિતવાનું છે. તારી ઉંમર ખૂબ લાંબી છે. આજે નવા વર્ષની શરૂઆત થાય છે. ત્‍યારે તારા બધા ગ્રહો બળવાન બને છે. (હવે તે થોડું ન સમજાય એવી રીતે બોલ્‍યો) એટલે આજે તારું કરી નાખું. તું સદા સુખી રહીશ.''
એ સાંભળીને મને ઝબકારો થયો. એટલે મેં નીરખીને તે તરફ જોયું. તે સાધુ માજીએ પહેરેલી સોનાની વીંટી સેરવતો હતો. માજીનું ઘ્‍યાન તો સાધુના મુખ ઉપર જ હતું, પણ સાધુનું ઘ્‍યાન માજીની વીંટી ઉપર હતું.
ફરી મને બીજો ઝબકારો થયો. થયું કે આને તો હું ઓળખું છું. અરે, આનું નામ તો મનોજ પરબતભાઈ સયાણી. તે કોઈ બાવા કે બ્રાહ્મણ જ્ઞાતિનો નહોતો. બીજાને છેતરવા સાધુ બન્‍યો હોય એવું લાગ્‍યું. તે મારી પાસે ભણતો. ત્‍યારે પણ તે ચોરીમાં પાવરધો. મંદિરમાં જાય તો પણ પૈસા લઈને આવે. કોઈ હાથ મિલાવે તો સામેવાળાનું કાંઈક તો જાય જ. મને જ્યારે આ બાબતની ખબર પડી ત્‍યારે મેં એને ખૂબ સમજાવ્‍યો હતો. ત્‍યારે તેણે ‘હવે ચોરી નહિ કરું' એવું કબૂલ્‍યું પણ હતું. તે પછી થોડા દિવસ શાળાએ આવ્‍યો હતો અને પછી શાળાએ આવતો બંધ થઈ ગયો હતો.
મેં બૂમ પાડી, ‘‘મનોજ!''
તેણે મારા સામે જોયું. તે પણ મને ઓળખી ગયો હોય એવું લાગ્‍યું. તે ત્‍યાંથી ચાલતો થઈ ગયો.
મેં ફરી કહ્યું, ‘‘મનોજ! ભાગવાની કોશિશ ન કરતો. ભાગ્‍યો તો પોલીસને ફોન કરું છું.''
તે પાછો વળ્‍યો. મારી પાસે આવીને બોલ્‍યો, ‘‘રામોલિયાસાહેબ! હજી મને નથી ભૂલ્‍યા?''
મેં કહ્યું, ‘‘પહેલા માજીને તેમની વીંટી આપી દે!''
આ સાંભળીને માજીએ હાથમાં જોયું તો વીંટી ન હતી. વીંટી પાછી મળવાથી તેઓ ખૂબ રાજી થયાં. હવે તો પડોશીઓ પણ લૂંટારા સાધુને મારવા આવી પહોંચ્‍યા હતા. પણ મેં તેમને રોકયા. મનોજને મારા બાજુમાં બેસાડયો.
તે બોલ્‍યો, ‘‘સાહેબ! અહીં પણ મને ભણાવવા બેસશો?''
મેં કહ્યું, ‘‘હા, મારે તને ભણાવવો છે. ત્‍યારે જે બાકી રહી ગયું હતું ને? તે પૂરું કરવું છે. જેમ હું તને ન ભૂલ્‍યો, તેમ તું પણ ચોરી કરવાનું ન ભૂલ્‍યોને? તું શા માટે ચોરી કરે છે? લોકોએ મહેનત કરીને, થોડું બચાવીને, માંડ કોઈ ચીજ લીધી હોય. તે તારા જેવા ચોર ચોરી જાય, તો તેને કેટલું દુઃખ લાગતું હશે? આવો વિચાર તેં કયારેય કર્યો? ચોરી કરવાનું બંધ કરીને મહેનતનો રોટલો ખા મારા ભાઈ!''
તે કહે, ‘‘પણ મને કોઈ કામે રાખતું નથી.''
હું બોલ્‍યો, ‘‘મારા કોઈ ઓળખીતાને ત્‍યાં હું કામ અપાવી દઉં તો?''
આ સાંભળી તે ઊભો થયો. સાધુનાં વસ્‍ત્રો ઉતારવા લાગ્‍યો, તો નીચેથી પેન્‍ટ ને ટીશર્ટ દેખાયાં. પછી મને પગે લાગ્‍યો. તેની આંખોનાં આંસુ મારા પગ પર પડયાં.
થોડીવાર પછી તે બોલ્‍યો, ‘‘સાહેબ! તે દિવસે મેં ‘ચોરી નહિ કરું' એવી ખોટી કબૂલાત કરી હતી, પણ આજે તમારા - કે જે મારા જેવા અનેકના ગુરુ બનીને અનેકના રાહબર બન્‍યા છો - સમ ખાઈને પ્રતિજ્ઞા કરું છું કે, કયારેય ચોરી નહિ કરું. મહેનત-મજૂરી કરીને કમાઈશ. કંઈ નહિ મળે તો ભૂખ્‍યો સૂઈ જઈશ, પણ ચોરી તો નહિ જ કરું.'' અને તે ફરી મારા પગ પકડીને રડવા લાગ્‍યો.
મને થયું, આજે મેં આપેલું શિક્ષણ સાર્થક થયું.
- ‘સાગર' રામોલિયા