Snehnirjar - Last part in Gujarati Fiction Stories by Vidhi Pala books and stories PDF | સ્નેહનિર્જર - અંતિમ ભાગ

Featured Books
Categories
Share

સ્નેહનિર્જર - અંતિમ ભાગ

"મહેંદી તે વાવી માંડવે ને તેનો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો"

"ગીતિ, તમે લોકો અત્યાર સુધીમાં તમે કેટલી બધી વખત મળ્યાં, દર વખતે એ તને એક પ્રશ્ન પૂછે છે, તું જવાબ કેમ નથી આપતી. જો તું ગંભીર ન હોય તો ના કહી દે. કોઈની લાગણી સાથે ના રમતી પ્લીઝ." કર્તરી રાતે સૂતાં પહેલા ગીતિ ને કહી રહી હતી.

"હું સમજું છું યાર, પણ હું ખૂબ દુવિધા માં છું. આ આકર્ષણ નથી, મારી લાગણીઓ છે તેની સાથે. મને હવે તેની આદત થઈ ગઈ છે એમ કહું તો પણ ચાલે. અમે બંને વગર બોલ્યે પણ એકબીજાની વાત સમજી જઇયે છીએ. હું એની સાથે હોઉં છું ત્યારે સમયનું ભાન નથી રહેતું. હું તેના વગર રહી જ શકું એમ નથી ." ગીતિ સ્પષ્ટતા કરતા બોલી.

"તો પછી વાંધો ક્યાં આવે છે તારે? મોમ ડેડ ને હું વાત કરું જો તને સઁકોચ થતો હોય તો? હવે એ અહીં ફક્ત એક મહિના માટે જ છે. એ ઇન્ડિયા જાય એ પેહલા એને જવાબ આપી દે. ગુડ નાઈટ." કર્તરી લાઈટ બંધ કરતા બોલી.

ગીતિની ઊંઘ ઊડી ગઈ. એ એક વાસ્તવિકતાને અવગણતી હતી. પણ હવે ખરેખર એક જ મહિના માટે તથક અમેરિકા રહેવાનો હતો. તેનું ભણવાનું પૂરું થઇ ગયું હતું. હવે તે પોતાના પિતાના કારોબારને આગળ વધારવા ફરી પોતાને દેશ જવાનો છે. ગીતિને ગભરાહટ થવા લાગી પણ કર્તરીને આ સમયે ઉઠાડવાનું ઠીક ના લાગ્યું કેમ કે તેને ઓફિસ માટે ખૂબ વહેલું ઉઠવું પડે છે. તે રસોડામાં જઈ કોફી બનાવતા બનાવતા બનાવતા તેના અને તથકના અત્યાર સુધીના પ્રત્યેક ક્ષણ યાદ કરતી હતી. એક કલાપ્રેમના કારણે બંનેનો સંબંધ કેટલો આગળ વધી ગયો છે. અત્યાર સુધી ગીતિને પોતાના પરિવાર સિવાય કોઈની પણ સાથે આટલી લાગણીઓ નથી બંધાઈ. કોફી પીતાં પીતાં તે અગાસી પર બેઠી. આંખો અશ્રુઓથી છલકાવા લાગી.

"શું થયું બેટા? કેમ રડે છે?" વિક્રાન્તરાય ગીતિના માથાં પર હાથ ફેરવતાં બોલ્યાં.

ગીતિ તેના ડેડને ભેંટી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. વિક્રાંતરાયે પણ તેને થોડી વાર રડવા દીધી અને પછી કારણ પૂછ્યું.

ગીતિને ડેડ સાથે વાત કરવાનું જ ઉચિત લાગ્યું. તેણે માંડીને બધી વાત કરી.

"ઓહો. મારી રાજકુમારી ને તેનો રાજકુમાર મળી ગયો એમ ને!" વિક્રાન્તરાય ગીતિને હસાવતા બોલ્યાં. પછી કહ્યું, "આવતી કાલે તથકને મારી ઓફિસ પર મોકલજે. હું તેને એક વાર મળવા માંગુ છું. તારા પ્રશ્નનો ઉત્તર કાલે રાત સુધીમાં આપી દઈશ."

"આઈ લવ યુ ડેડ, ગુડ નાઈટ." ગીતિ હળવાશ અનુભવી રહી હતી.

વાત એમ હતી કે તથકના ઘરે તથકના લગ્નની વાત ચાલી રહી હતી. તથકે તેની પસંદ ગીતિ છે તેમ કહેતાં ઘરમાં ઉહાપોહ મચ્યો હતો. તથકનો પરિવાર ખૂબ જ રૂઢિચુસ્ત હતો. પહેલાં તો તેમણે ના પાડી, પણ તથકના ગીતિ ઉપરના વિશ્વાસ અને સંસ્કારના કારણે તેમણે એક શરત રાખી. તેમણે કહ્યું કે તેઓ પહેલાં ગીતિને મળશે અને જો તે બધી કસોટીઓમાં ખરી ઉતરશે તો જ વાત આગળ વધશે. અને જો ગીતિ મળવા માટે તૈયાર ન થાય તો તથકે તેમણે શોધેલી કન્યા સાથે લગ્ન કરવા પડશે.

તથક અને ગીતિ ખૂબ મુશ્કેલીમાં હતા. જો ગીતિ ભારત આવે અને કસોટીમાં ખરી ના ઉતરે તો તેઓ હંમેશા માટે જુદા થઈ જશે.

"યેસ, કમ ઈન" વિક્રાન્તરાય તથકને જોઈ બોલ્યા.

તથક તેમને પ્રસાદ આપી પગે લાગ્યો અને લગભગ એક કલાક બંને એ વાત કરી. વિક્રાંતરાયે તથકના પપ્પાના ફોન નંબર લીધાં અને તથકને નિશ્ચિંન્ત થવાનું કહ્યું.

વિક્રાન્તરાય તાત્કાલિક ટિકિટ લઇ ભારત આવ્યા. તેમના નાના ભાઈ ઘરમાં પણ કોઈને કારણ કહ્યું ન હતું, બિઝનેસ માટે ભારત આવવાનું થયું છે એટલું જ કહ્યું હતું.

તેઓએ તથકનાં પરિવાર સાથે મુલાકાત કરી અને અમેરિકા પરત ફર્યા.

તેમણે ગીતિને થોડા વખત ભારત જવાનું કહ્યું અને તે પણ તથકને કહ્યાં વિના. ગીતિને ડેડ પર પૂરો વિશ્વાસ હતો. તેણે એ જ પ્રમાણે કર્યું જે રીતે વિક્રાન્તરાયે કહ્યું.

તથકે વિક્રાન્તરાયને વચન આપ્યું હતું કે જ્યાં સુધી તેઓ વાત કહે ત્યાં સુધી તે ગીતિ સાથે વાત નહીં કરે. તથકનો ઘરે જવાનો સમય આવી ગયો. તે ગીતિને છેલ્લી વાર જોવા માંગતો હતો, વાત કરવા માગતો હતો પણ તે વચનબદ્ધ હતો. તે ખૂબ ભારે હૈયે ભારત પાછો આવ્યો. એક અઠવાડિયું તો ઘરમાં કઈ રીતે નીકળી ગયું ખબર જ ના પડી. તથક ઘરમાં કોઈ પ્રસંગની તૈયારી થતી જોઈ રહ્યો હતો. તેને એમ કે નવા ઘરનું વાસ્તુ થવાનું છે એટલે તૈયારી થતી હશે. તેણે કોઈને કંઈ પૂછ્યું નહીં અને ગીતિને ભૂલવા આખો દિવસ ઓફિસ પર રહેવા લાગ્યો. તેણે ગાવાનું છોડી દીધું.

"હેલો, હા પપ્પા હમણાં આવ્યો." તથક ફોન પર તેના પપ્પાને કહેતાં કહેતાં ગાડીમાં બેઠો. ઘરે પહોંચ્યો ત્યારે ઘરમાં ઘણાં લોકોની અવરજવર જોઈ.

"અભિનંદન તથક!" તથકનાં મિત્રો તથકને હાથમાં ગુલદસ્તો પકડાવી કહી રહ્યા હતા.

તથકનો મોટો ભાઈ તથકને તૈયાર કરવા ઉપર રૂમમાં લઇ ગયો. તથકને અંદાજ આવી ગયો કે ગીતિ સાથે વાત નથી થઇ એટલે હવે ઘરના લોકોની પસંદગીની છોકરી જોડે તેના લગ્ન થશે. તે પૂતળાની જેમ વગર ઉત્સાહે તૈયાર થઇ રહ્યો હતો.

તથક તૈયાર થઇ નીચે ઊતર્યો ત્યારે ઘણાં બધાં લોકો ઊભા હતા. છોકરી વાળા પણ આવી ગયા હતા. તથકને દૂરથી એક છોકરી દેખાઈ, પણ ભીડના કારણે જોઈ નહતો શકતો. તેનો હોલમાં પ્રવેશ્યો ત્યારે તેના માટે રેડ કાર્પેટ પર જગ્યા કરવામાં આવી.

તે સામે જોઈને ચોંકી ગયો. બ્લુ અને ગોલડન રંગની સાડીમાં સજ્જ ગીતિ હાથમાં ગુલદસ્તો લઈને ઊભી હતી. મોટા ભાગે ડેનિમ અને ટોપ પહેરવાવાળી ગીતિ અપ્સરા જેવી લાગતી હતી. તથકની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. તે ગીતિ પાસે પહોંચ્યો ત્યારે ગીતિ ગોઠણ પર બેસી તથકને વીંટી બતાવતા બોલી, "વીલ યુ મેરી મી?"

"યેસ."

તથકનાં ભાઈ ભાભી પણ ગીતિ માટે વીંટી લઈને આવી ગયા અને ઉલ્લાસભેર તેમની સગાઈ થઈ. તેમના પરિવારે એક અઠવાડિયા બાદનું લગ્નનું મુહૂર્ત જણાવ્યું. અને એક અઠવાડિયા બાદ લગ્ન લેવાઈ ગયા. તથકનું ગાયેલું ગીત લગ્ન સમયે બેકગ્રાઉન્ડમાં વાગતું હતું.

"મહેંદી તે વાવી માંડવે ને તેનો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો. "

સમાપ્ત

કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપને સ્નેહનિર્જર સિરીઝ કેવી લાગી!