પ્રકરણ 4 "આપણે બે અણજાણ્યા પરદેશી પંખી,
આજ મળ્યો સુખ દુઃખનો સથવારો સંગી"
"Hi"
"Hey, Hi" ગીતિ એ ફેસબૂક પર રીપ્લાય આપ્યો.
તથક અસમંજસમાં હતો કે હવે આગળ શું લખવું. ફ્રેન્ડ રિકવેસ્ટ તો ગીતિએ મોકલી હતી તેથી વાતચીતની શરૂઆત તેણે કરવાનું વિચાર્યું.
તથક : "Good Morning"
ગીતિ : "Good Morning"
બંનેની અંદર વાતોનો દરિયો ઘૂઘવાતો હતો, કેટકેટલી વાતો કરવી હતી, પરંતુ એક મિનિટમાં 30 જેટલા શબ્દો આરામથી ટાઈપ કરતી આંગળીઓ આજે 3 અક્ષરો પણ લખી શકતી ન હતી.
તથક : "ગીતિજી, આપના ચિત્રો જોયા. ખૂબ જ અદ્ભૂત છે. હું આપની કલાને બિરદાવું છું. આશા રાખું છું કે આ ચિત્રો જોઈને મારી અંદર જે કવિ જાગ્યો હતો અને તમારી બુકમાં જે લખ્યું એ તમને ગમ્યું હશે."
ગીતિની આંખો પહોળી થઈ ગઈ. "શું? એ કાલે મારી આસપાસ જ હતો ને હું તેને ઓળખી પણ ના શકી." એવું વિચારી બાજુમાં સુતેલી કર્તરીને ઊઠાડી.
"કર્તુ ઊઠ"
"અં, સૂવા દે ને. આજે સનડે છે" કર્તરી એમ બોલી પડખું ફરી સુઈ ગઈ.
ગીતિ બીજી બાજુ પર ગઈ ફરી ઊઠાડી. પછી આખરે કર્તરીનો બ્લેન્કેટ ખેંચી લીધો. પણ કર્તરી ઊઠે એમ હતું નહિ. ગીતિ પણ એને ચોંટીને સૂઈ ગઈ. કર્તરીએ મીઠા લહેકા સાથે કહ્યું, "મને તારો શ્યામ સમજે છે શું!"
"એ તો મળી ગયો મને" ગીતિ ધીમેથી બોલી.
"શું વાત કરે છે." કર્તરી ઊછળતા બેઠી થઈ. "કેવી રીતે? ક્યાં? કંઈ વાત થઈ તમારી? ગાવા સિવાય બીજું શું કરે છે એ? ડેટ પર ક્યારે જવાના?"
"અરે અરે એક મિનિટ. કહું છું તને બધું. પણ ઊભી રે, એ પેલા હું તને એક ગીત સંભળાવું. કાલે જ એણે એની પ્રોફાઈલમાં મૂક્યું છે અને ખબર નહિ કેમ મને એમ લાગે છે કે એણે મારા માટે જ મૂક્યું છે."
મીઠા મધુર ગીતના બેકગ્રાઉન્ડ માં ગીતિએ શરૂઆતથી વાત કરી. પોતે આટલા દિવસોની મેહનત પછી જે સફળતા મળી હતી તે બધું કહ્યું.
"મારી વ્હાલી ગીતિજી! એવું લખવું જોઈએ નહિ! ફક્ત ગીતિજી જ કેમ લખ્યું મારા જીજાજીએ!"
"તું માર ખાઈશ મારા હાથનો." ગીતિ ઊભી થઈ રિવ્યૂ બુક લેવા ગઈ.
ગીતિ એક પછી એક પાનાં ફેરવતી ગઈ અને રિવ્યૂ શોધતી ગઈ. કર્તરી પણ તેની મદદ કરતી હતી.
"ગીતું, આ રિવ્યૂ વાંચ એક વાર. નામ તો ફક્ત કલાપ્રેમી લખ્યું છે, પણ બધા લોકોના રિવ્યૂમાંથી કવિતા આ એક જ છે."
કર્તરીએ મોટેથી વાંચવાનું શરૂ કર્યું.
" અરે ગીતિ, એક કલા પ્રેમીને અદભુત કલાનો નમૂનો જોવા મળે તો જે તૃપ્તિનો અનુભવ થાય એ શબ્દોમાં વર્ણન કરી શકાય તેમ નથી પણ તેમ છતાં હું પ્રયત્ન કરું છું મારી ભાવનાઓને પ્રગટ કરવાનો
કર્યો છે તે મને તૃપ્ત એ રીતે
જાણે ભળભડતા તાપમાં વરસાદનું આગમન,
જાણે કડકડતી ટાઢમાં સૂર્યનું કિરણ.
મારા હૃદયનું વાતાવરણ એવું છે
જાણે સંધ્યા સમયે પક્ષીઓનો કલરવ,
જાણે મોરલીની ધૂનમાં ઝૂલતી ગોપીઓનો પગરવ.
જોયા નથી મેં તમોને પણ ખાતરી છે તમે હશો એવા જ કે
જાણે સ્વર્ગથી ઊતરી કોઈ અપ્સરા.
જાણે સ્વર્ગથી ઊતરી કોઈ અપ્સરા.
ખૂબ ખૂબ અભિનંદન. તમે ઉત્તરોતર પ્રગતિના શિખરો સર કરો તેવી શુભેચ્છા. આશા રાખું છું કે એક દિવસ આપણે મળીશું.
લિ. એક કલાપ્રેમી".
"અને ગીતિપ્રેમી લખતા ભૂલી ગયા જીજુ!"
"આ શું જીજુ જીજુ શરૂ કર્યું તે! હજુ તો અમે એક બીજાને ઓળખતા પણ નથી." ગીતિએ બચાવ કરતા કહ્યું.
"ગીતિએ હજુ કેમ રીપ્લાય નથી આપ્યો. એને ખોટું લાગ્યું હશે? મેં વધારે તો કંઈ નથી કહ્યું ને?" આવા પ્રશ્નનો મારો તથકના મગજમાં થઈ રહ્યો હતો.
"એક મિનિટ. ગીતિએ મને કાલે રિકવેસ્ટ મોકલી પણ મેં તો તેની બુકમાં ફક્ત એક કલાપ્રેમી લખ્યું હતું. એને મારા વિશે કઈ રીતે ખબર પડી? મારુ નામ પણ મેં સૂર અને સાજ રાખ્યું છે fb માં!" આવા વિચારો સાથે તેણે સતત મેસેજ બોક્સ રિફ્રેશ કરવાનું ચાલુ રાખ્યું.
આવ્યો. ગીતિનો મેસેજ આવ્યો.
ગીતિએ તેની લખેલી કવિતાનો ફોટો મોકલ્યો.
સાથે 3 ડોટ્સ કૂદકા મારતા હતાં. એટલે કે ગીતિ કંઈક ટાઈપ કરતી હતી.
"આપનો ખૂબ ખૂબ આભાર. એક કલાપ્રેમીજી"
તથકનાં મોં પર એક સુંદર સ્મિત રેલાયું.
ગીતિ : "આપનું શુભ નામ જાણી શકું?"
તથક : " જી, તથક"
ગીતિ : "અચ્છા તથકજી, ગાવાનો બાળપણથી શોખ લાગે છે તમને! આટલો મધુર અવાજ મેં આજ સુધી નથી સાંભળ્યો. અત્યારે પણ જો હું તે ગીતો સાંભળું ને, તો જેમ પેલા હોલમાં સાંભળ્યા હતાં તેવું જ લાગે."
તથક : "આપ પેલા ગુજરાતી સમાજના પ્રોગ્રામની વાત કરો છો? કેમ કે અહિયાં આવી ને મેં એક જ વાર સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યું છે."
ગીતિ : "હા"
એ પછી બંનેએ એકબીજાના પરિવાર વિશે પૂછ્યું. એકબીજાના શોખની તો ખબર જ હતી. વાતચીતના અંતે ફોન નંબર ની આપ લે પણ થઈ.
ગીતિ અને તથક ખૂબ જ ખુશ હતા. હજુ એક જ દિવસ વાત કરી હતી એટલે એકબીજા ને કહી નહોતા શક્યા. પણ જાણે એકબીજાને વર્ષોથી જાણતા હોય તે રીતે વાત થતી હતી.
આજે રવિવાર હોવાથી આરામ હતો. સાંજે વિકરાંતરાય અને શ્યામિકાબેન એક સબંધીને ત્યાં બેસવા ગયા. કર્તરી તેનું લેપટોપ લઈને તેમના ગાર્ડનમાં બેઠી હતી. ગીતિએ તથકને મેસેજ કરી ફોનમાં વાત કરવા પૂછ્યું. હકારમાં જવાબ આવતાં જ તેણે નંબર લગાવ્યો.
"હેલો"
આહ. એ જ મધુર અવાજ. ગીતિને થયું તે ફક્ત સાંભળતી જ રહે.
"મારો અવાજ બરાબર સંભળાય છે ને?"
ગીતિની તંદ્રા ભંગ થઈ
"જી હા, એકદમ બરાબર સંભળાય છે"
થોડી ઔપચારિક વાતો પછી ગીતિથી રહેવાયું નહિ. તેણે એક ગીત સંભળાવવાની ફરમાઈશ કરી.
"અરે, તમે જેટલી પ્રશંસા કરો છો એટલો સારો ગાયક હું નથી. શોખ ને કારણે ગાઈ લઉં છું. અલબત્ત થોડી તાલિમ પણ લીધેલી છે."
"પ્લીઝ તથકજી"
"ઠીક છે ઠીક છે. તમે પ્લીઝ ના કહો. ફક્ત ઓર્ડર આપો."
"હમ્મ. તો આ મારો ઓર્ડર છે કે તમારે મારી ઈચ્છા પૂરી કરવી જ પડશે."
"તમે કહો એ જ ગીત ગાઉં તમારા માટે."
"તો એવું ગીત સંભળાવો જે તમે હજુ સુધી fb માં મૂક્યું નથી"
"ok. એક મિનિટ. વિચારવા દો"
"આપી એક મિનિટ ચલો"
થોડી જ ક્ષણની શાંતિ પછી તથકે કહ્યું "ચલો તૈયાર"
ગીતિએ તે સાંભળતાં જ પોતાના ફોનનું રેકોર્ડર ચાલુ કરી દીધું.
"આજનો ચાંદલિયો મને લાગે બહુ વહાલો,
કહી દો સૂરજને કે ઊગે નહિ આલો.
આપણે બે અણજાણ્યા પરદેશી પંખી,
આજ મળ્યો સુખ દુઃખનો સથવારો સંગી."
ગીત દ્વારા તથક પોતાના મનની વાત કરી રહ્યો હતો.
"મને એમ થાય છે કે તમને સાંભળ્યા જ કરું."
"અચ્છા જી. તમે તો આજે ગીતો સાંભળીને જ પેટપૂજા કરવાના લાગો છો. સમય જુઓ મેડમ. સાડા નવ થયા."
"તમારા સાથે વાત કરવામાં ખબર જ ન પડી તથકજી. ચલો મળીએ પછી." આદત પ્રમાણે તેણે બાય કેવાને બદલે મળીએ પછી કહ્યું અને મોબાઈલને માથા પર ટકરાવી હસવા લાગી.
"જી ચોક્કસ. શુભરાત્રિ."
"શુભરાત્રિ."
ફોન મુક્યો ત્યારે કર્તરી તેની પાછળ જ ઊભી હતી. તે તરત જ તેને ભેટી પડી. "ચલ, પીઝા મંગાવ્યા છે. મોમ ડેડ ત્યાંથી જ જમીને આવવાના છે એટલે મેં તરત ઓર્ડર કરી દીધો."
"સો સ્વીટ મારી કર્તુ." પીઝા ખાતા ખાતા તેણે ફોન પર થયેલી વાતો કહી અને ગીત પણ સંભળાવ્યું. તેના જ પ્રોફાઈલ પિક્ચરને જોતાં જોતાં અને ગીત સાંભળતા દિવસ પૂર્ણ કર્યો.
આપના પ્રતિભાવો બદલ ખૂબ ખૂબ આભાર. આજનું પ્રકરણ કેવું લાગ્યું તે ચોક્ક્સ જણાવજો.