Once Upon a Time - 105 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 105

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 105

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 105

‘અરૂણ ગવળી જેલમાં હતો પણ એના રાજકીય પક્ષ અખિલ ભારતીય સેનાની પ્રવૃત્તિઓ વિસ્તરતી જતી હતી. અખિલ ભારતીય સેનાના બ્રેઈન સમા જનરલ સેક્રેટરી જીતેન્દ્ર દાભોલકર દગડી ચાલમાં પત્રકાર પરિષદો યોજીને શિવસેના અને ભાજપની સરકારના કૌભાંડો વિશે પત્રકારોને માહિતી આપીને તત્કાલીન યુતિ સરકારને મૂંઝવણમાં મૂકી રહ્યાં હતા. જીતેન્દ્ર દાભોલકર અગાઉ શિવસેનામાં હતા, પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે તેમને શિવસેનામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જિતેન્દ્ર દાભોલકર અરૂણ ગવળીની ગેરહાજરીમાં પણ અખિલ ભારતીય સેનાની પ્રવૃત્તિઓને વેગ આપવા નવા યુવાનોની ભરતી કરી રહ્યા હતા. પણ 4 ઓકટોબર, 1997ના દિવસે જિતેન્દ્ર દાભોલકરે અરુણ ગવળી સાથેના સંબંધની કિંમત ચૂકવવી પડી. દાભોલકર એમના બોડીગાર્ડ અને ડ્રાઈવર સાથે મુંબઈના સાંતાક્રુઝ ઉપનગરમાં મિલન સબ-વે પાસે એમની ટાટા સુમો જીપના કાચમાં બ્લેક ફિલ્મ લગાવવાનું કામ કરાવી રહ્યા હતા ત્યારે અચાનક એક ટાટા સુમો જીપ ત્યાં ધસી આવી. એમાથી ઊતરેલા પાંચ ગુંડાઓએ દાભોલકર પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. એ હુમલામાં દાભોલકર અને એમનો બોડીગાર્ડ બાબુ નાયર ઘટનાસ્થળે જ માર્યા ગયા અને એમનો ડ્રાઈવર વિલાસ ઘનશ્યામ ગંભીર રીતે જખમી થયો. એ ઘટનાથી ગવળીના રાજકીય પક્ષને એટલો મોટો ઝટકો લાગ્યો કે એનું બાળમરણ થઈ ગયું!

મુંબઈ પોલીસ અને દાઉદ ગેંગની ભીંસને કારણે અરુણ ગવળી ગેંગનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય એવી સ્થિતિ સર્જાઈ રહી હતી. ત્યારે જ દાઉદ ગેંગને પણ એક ભારે ઝટકો લાગ્યે હતો. ગુજરાતની એન્ટિ ટેરરિઝમ સ્કવોડના વડા કુલદીપ શર્માની ટીમે 9 ઓકટોબર, 1995ના દિવસે અમદાવાદના અંડરવર્લ્ડના નંબર વન ડોન અબ્દુલ લતીફની દિલ્હીથી ધરપકડ કરી હતી, પણ જેલમાં બેઠાં-બેઠાં અબ્દુલ લતીફે દાઉદાના ઈશારે પોતાના ઓપરેશન્સ ચાલુ રાખ્યા હતા. અબ્દુલ લતીફ પહેલાં તો દાઉદ ઈબ્રાહિમના કટ્ટર દુશ્મનોનો સાથીદાર હતો, પણ દાઉદે અમીરજાદા, આલમઝેબ અને સમદખાનને અવ્વલ મંઝિલે પહોંચાડી દીધા એ પછી અબ્દુલ લતીફ દાઉદ કેમ્પમાં આવી ગયો હતો. અબ્દુલ લતીફે અમદાવાદ ઓઢવ વિસ્તારમાં રાધિકા ક્લબમાં ત્રાટકીને હંસરાજ ત્રિવેદી સહિત નવ વ્યક્તિઓને ગોળીએ દીધા પછી અમદાવાદના ગિરધરનગર વિસ્તારની ‘અગ્રવાલ’ હોટેલમાં ડેવિડ પરદેશી અને એના બે સાથીદારને મારી નાખ્યા હતા. આ ડેવિડ પરદેશીએ જ મુંબઈની કોર્ટમાં લતીફના એક સમયના ગોડફાધર અમીરજાદાને ગોળીએ દીધો હતો, પણ પછી અબ્દુલ લતીફ દાઉદ સાથે આવી ગયો ત્યાર બાદ દાઉદને ડેવિડ પરદેશી સાથે વાંકુ પડતા દાઉદે લતીફને કહીને એનો કાંટો કઢાવી નાખ્યો હતો.

અબ્દુલ લતીફ માટે કોઈની હત્યા કરવી કે કરાવવી એ વાત રમકડાંને ચાવી આપવા જેવી થઈ પડી હતી. અબ્દુલ લતીફ પોતાના બોસ દાઉદ ઈબ્રાહીમની, પોતાની અને પોતાના શાર્પશૂટર શરીફ ખાની તાકાત પર મુસ્તાક બની ગયો હતો. પણ એનો વધુ પડતો આત્મવિશ્વાસ નવેમ્બર, 1997માં એને ભારે પડી ગયો. 23 નવેમ્બર, 1997ની રાતે અબ્દુલ લતીફે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના મિત્ર સગીર અહમદની હત્યા કરાવી. સગીર અહમદ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો એ વખતે તે કારમાંથી ઊતર્યો એ સાથે જ લતીફના શૂટર્સે એને ગોળીએ દીધો હતો. આ પછી બરાબર એક સપ્તાહ બાદ 29 નવેમ્બર, 1997ના દિવસે અબ્દુલ લતીફે પોલીસના સકંજામાંથી નાસી છૂટવાની કોશિશ કરી અને પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં એ માર્યો ગયો. લતીફના કમોતથી દાઉદ ગેંગના ગુજરાતના નેટવર્કને જબરજસ્ત ફટકો પડ્યો.’

‘તમે એક વાત ખાસ લખજો,’ ફાઈવફાઈવફાઈવનો કશ લેવા રોકાઈને વાત આગળ ધપાવતા પપ્પુ ટકલાએ કહ્યું, ‘પોલીસ ધારે તો અને પોલીસ ધારે ત્યારે જ મોટા ભાગના ગુંડાઓ ગેંગલીડર બની શકે છે. પોલીસના સહકાર વિના ગેંગ ચલાવવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. અબ્દુલ લતીફને પણ અમદાવાદના ઘણા પોલીસ ઑફિસર્સની ઓથ મળી હતી. અને એટલે જ લતીફ અમદાવાદનો ડોન બની ગયો હતો, પણ એ જ લતીફ જ્યારે પોલીસને ભારે પડી ગયો ત્યારે તેના જીવન પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું! પોલીસે એન્કાઉન્ટરમાં લતીફને ગોળીએ દીધો હતો. એ એન્કાઉન્ટર નકલી હોય કે અસલી પણ એ વખતે લતીફના માથા પરથી પોલીસનું છત્ર ઊતરી ગયું હતું એ હકીકત છે. બાકી અગાઉ બે દાયકા સુધી લતીફે અમદાવાદના ઘણા ભ્રષ્ટ પોલીસ ઑફિસર્સના ખિસ્સાં ભર્યાં હતાં.

અમદાવાદમાં અબ્દુલ લતીફ એન્કાઉન્ટરમાં માર્યો ગયો એ 1997ના વર્ષની છેલ્લી મહત્વની ઘટના હતી. એ પછી થોડો સમય અમદાવાદની સાથે મુંબઈનું અંડરવર્લ્ડ પણ થોડો સમય શાંત રહ્યું. પણ અબ્દુલ લતીફના મોતની કળ વળી એટલે દાઉદ પાછો સજ્જ થયો. અને મુંબઈમાં 1998ના વર્ષની શરૂઆતમાં કલ્પનાતીત ગેંગવોર ફાટી નીકળી. 1998ના વર્ષની શરૂઆતમાં અરૂણ ગવળી અને દાઉદ ગેંગ વચ્ચે, છોટા રાજન અને દાઉદ ગેંગ વચ્ચે તથા ગવળી અને નાઈક ગેંગ વચ્ચે લોહિયાળ ગેંગવોર શરૂ થઈ ગઈ.’

કડકડાટ અંડરવર્લ્ડકથા કહી રહેલા પપ્પુ ટકલાએ એક નાનકડો બ્રેક લઈને બ્લેક લેબલ વ્હિસ્કીનો મોટો ઘૂંટ ભર્યો. એ પછી ફાઈવફાઈવફાઈવનો ઊંડો કશ લઈને મોંમાંથી ધુમાડો કાઢીને એ ધુમાડામાંથી વાતનો તાગ મેળવતો હોય એ રીતે એણે અંડરવર્લ્ડ કથા આગળ ધપાવી, ‘1998ની ગેંગવોરમાં સૌપ્રથમ ભોગ, મુંબઈના જાણીતા શોરૂમ ‘સ્કેન્ડલ શૂઝ’ના માલિક, હાજીભાઈ કાપડિયાનો લવાયો. એ પછી બે દિવસ બાદ બીજા એક ગુજરાતી બિઝનેસમેન લલિત શાહને મુંબઈના માટુંગા વિસ્તારમાં એમના ઘરમાં ઘૂસીને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીએ દેવાયા. લલિત શાહને અરૂણ ગવળી ગેંગ સાથે સંબંધ હોવાની નાઈક ગેંગને શંકા હતી. શિવસેના પ્રમુખ બાળ ઠાકરેના અને અમર નાઈકના મિત્ર જયંત જાધવની હત્યા થઈ એ પછી એમની હત્યાના આરોપમાં લલિત શાહની પણ પોલીસે ધરપકડ કરી હતી. લલિત શાહ જેલમાં બેઠેલા અરૂણ ગવળીને નિયમિત રીતે મળવા જતો હોવાની નાઈક ગેંગને શંકા હતી. લલિત શાહની હત્યા પછી બીજે જ દિવસે અરૂણ ગવળી ગેંગના શૂટર્સ નાઈક ગેંગ પર ત્રાટક્યા હતા અને મુંબઈના તારદેવ વિસ્તારમાં નાઈક ગેંગના રીઢા ગુંડા દિનેશ જઠારને ગોળીએ દેવાયો એ પછી બંને ગેંગ વચ્ચે નવેસરથી હત્યાઓનો સિલસિલો શરૂ થઈ ગયો.

આ દરમિયાન મુંબૈયા અંડરવર્લ્ડની ગેંગવોરમાં દાઉદ ગેંગને મોટો ફટકો પડ્યો.’

(ક્રમશ:)