પારદર્શી-19
નવા લોકમાં સમ્યક એક સરોવરમાં બનેલા પુલ પર એના પપ્પાની પાછળ ચાલતો થયો.થોડીવારમાં એ લોકો ટેકરી પર આવી ગયા.ટેકરીમાં અમુક નાના છોડ ઉગેલા હતા.કયાંક કયાંક પગદંડીઓ નજરે ચડતી હતી.એમાં પથ્થર તો કયાંય પણ દેખાતા ન હતા.ટેકરી ઉપર ચડવાનું હતુ.એ ચઢાણમાં સમ્યકે ઉપર શું છે એ જોવા ઉપર ટેકરીની ટોંચ તરફ જોયું.એવામાં એના પગમાં એક ઝાડની ડાળ આવી અને એ પડી ગયો.એ બેભાન થયો.
સમ્યક ભાનમાં આવ્યોં ત્યાંરે એને પોતાના મોબાઇલની રીંગ સંભળાઇ.એણે આંખો ખોલી જોયું તો પોતે પોતાના ફાર્મહાઉસમાં હતો.અને સામે રમેશભાઇ મરક મરક હસતા હતા.સમ્યક ઉભો થયો.એને પોતાનું શરીર થોડું ભારે લાગ્યું, હળવા ચકકર આવતા હોય એવું અનુભવાયું.એટલે એ સોફા પર બેઠો.ત્યાં જ રમેશભાઇ બોલ્યાં
“દિકરા, આપણે તારા લોકમાં આવી ગયા.જો તારે ત્યાં મારા ગુરૂનાં લોકમાં રહેવું હોય તો તૈયાર રહેજે.આ અદ્રશ્ય સિદ્ધીનાં નિયમનો આદર કરજે.જો...તારા ફોનમાં મોહિની ફોન કરે છે.તારી પાસે બંને વિકલ્પ ખુલ્લા છે.મારા ગુરુને મળવું હોય તો તું પહેલા જેવો હતો એવો થઇ જા.”
સમ્યકને આ બધુ સમજતા વાર લાગી.એને યાદ આવવા લાગ્યું કે હું તો એક અલગ ધરતી પર હતો.એક નવા ગ્રહમાં હતો.પાછો અચાનક અહિં કેમ? કદાચ આ મારા પપ્પા અને એમના ગુરૂએ કોઇ સંમોહનથી મને આવું દ્રશ્ય બતાવ્યું લાગે છે.મને એક વધુ લાલચ આપવામાં આવે છે.હવે તો પપ્પાએ હદ કરી નાંખી.મારી પાછળ જ પડી ગયા છે.એવા અનેક વિચારો પછી એ બોલ્યોં
“હું નથી માનતો એવો કોઇ ગ્રહ હોય.એ માત્ર તમે ભ્રમ ઉભો કરેલો હતો.એ તમારા ગુરૂજી કેમ ન દેખાયા?”
સમ્યકનાં પપ્પા હસીને બોલ્યાં
“તારા પેન્ટનાં બંને ખીસ્સામાં હાથ નાંખીને જોઇ લે.”
સમ્યકે તરત જ ખીસ્સામાં હાથ નાંખ્યા.એકમાં કંઇક માટી જેવું હતુ.એ બહાર કાઢ્યું.એ લાલ માટી હતી.બીજા ખીસ્સામાં હાથ નાંખ્યો તો એમાંથી પેલા ટેકરી પરનાં છોડનાં સોનેરી પાંદડા હતા.હવે સમ્યક પાસે શંકા કરવા જેવું કંઇ ન હતુ.એ મુંઝાયો અને મૌન રહ્યોં.એટલે રમેશભાઇએ ફરી કહ્યું
“મારા ગુરૂની તને મળવાની આજ્ઞા ન થઇ.એટલે આપણે અધુરેથી પાછા ફરવું પડયું.બાકી આગળ તારી ઇચ્છા.”
સમ્યકનાં મોબાઇલમાં ફરી રીંગ વાગી.સમ્યકે ફોન તરફ જોયું અને ફરી સામે જોયું તો એના પપ્પા ગાયબ થયા.ફોનમાં વાત કરી તો ખબર પડી કે મોહિની બહાર ગેઇટ ખુલવાની રાહ જોઇ રહી છે.એ બહાર ગયો.મોહિની ત્યાં ઉભી હતી.આમ તો મોહિનીને રોજ જ જોવાનું થતુ પણ આજે સમ્યકને મોહિની વધુ સુંદર લાગી કે પછી સમ્યકની નજર બદલાઇ ગઇ?.જે હોય તે પણ સમ્યક જાણે મોહિનીને પહેલીવાર જોતો હોય એમ એના આખા શરીરે પોતાની અદ્રશ્ય નજર એણે ફેરવી.પછી એના અદ્રશ્ય શરીરમાં એક ઝીણી કંપારી છુટી.સમ્યક પોતે જ પોતાની આવી હરકતથી શરમાયો પણ અને ગભરાયો પણ.એનું મન આજે માનવીય લાગણીઓનાં તમામ પાસા જોઇ અને અનુભવી રહ્યું હતુ.એક વિચાર તો એણે એવો પણ આવી ગયો કે હું જે કરી રહ્યો છું એનો હેતુ અલગ અને સાફ છે પણ કયાંક આ અત્યાંરે ઉભા થયેલા કામચલાઉ ઇરાદાઓમાં કાયમી અટવાઇ તો નહિં જાઉંને? મોહિની આજે સુંદરતાનાં શિખરે ઉભી હોય એવી નોંધ સમ્યકની આંખોએ લીધી.મોહિનીએ ગેઇટને ધકકો મારવાનો પ્રયત્ન કર્યોં.અને ગેઇટનાં કીચુડ અવાજે સમ્યકને જગાડયો.એટલે સમ્યકે ગેઇટ ખોલી હળવેથી ગેઇટને ધકકો માર્યોં.મોહિની નવાઇથી આમતેમ જોવા લાગી અને અંદર આવી.ગેઇટ આપોઆપ બંધ થયો.બંગલાનાં દરવાજા પાસે મોહિની આવી.એ ખુલ્લો જ હતો.એણે બહારથી જ ‘સર...ઓ સર’ એવી બુમો પાડી.સામે જવાબ મળ્યો ‘અંદર આવ’.પણ મોહિનીને તો અંદર કોઇ દેખાયું નહિ.ત્યાં જ સમ્યક બોલ્યોં
“મોહિની, યાદ છે? તને એક શંકા હતી કે તે દિવસે હું જ તને ટોનીથી બચાવવા આવ્યો હતો.એ તારો શક સાચો હતો.હું જ ગાયબ બની તને બચાવવા આવ્યોં હતો.જો...હું અત્યારે અદ્રશ્ય જ છું.”
મોહિની તો એની ચમકીલી આંખો દ્વારા ચારે તરફ જોવા લાગી.અવાજ તો નજીકથી જ આવતો હતો.મોહિની થોડી ગભરાઇ પણ ખરી.એ દરવાજા તરફ ગઇ.પણ સમ્યકે એનો હાથ પકડી લીધો અને બોલ્યોં
“તું ગભરાઇશ નહિ, મોહિની.આ સાચે જ હું છું.”
પછી મોહિનીએ સમ્યકનો એ અદ્રશ્ય હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યોં.આ સ્પર્શ આજે બંને માટે તદ્દન નવો અને રોમાંચક હતો.બંનેનાં તન અને મનમાં ઉત્પન્ન થયેલા તરંગોએ ઝંઝાવાત રચ્યોં.મોહિનીની આંખો પહેલા તો અચરજથી પહોળી થઇ.પછી એનો આખો ચહેરો એક હાસ્યથી ખીલી ગયો.
“ઓહો!!અરે સર! આ ખરેખર સાચુ છે?”
મોહિનીનાં હૃદયમાં ભય અને આનંદની મિશ્ર લાગણીઓ વહી જે એના ચહેરા પર સમ્યકે પણ જોઇ.એના હૃદયે એક ધબકાર ચુકયો અને પછી જોરથી ધબકવાનું ચાલુ કર્યું.સમ્યકને પણ મોહિનીની આ કંપારી અનુભવાઇ.પછી મોહિનીનાં અનેક ઉઠેલા સવાલોનો જવાબ આપવા સમ્યકે આખી વાત મોહિનીને સમજાવી.કેવી રીતે અચાનક પોતાને આ સિદ્ધી મળી એ બધુ સમજાવ્યું.પણ પોતાની ફરી દ્રશ્યમાન ન થવાની લાચારી કે પોતે કરેલા તોફાન વિશે એણે છુપાવ્યું.ફરી દેખાવા માટે પોતાને આ સિદ્ધીની શરતોનો ભંગ કરવો પડશે એ વાત પણ મોહિની સામે ન કરી. ‘કદાચ મોહિની એવું સમજે કે સમ્યક મારો ફકત ટુંકા ગાળા માટે ઉપયોગ કરી પોતાનો સંસાર બચાવવા માંગે છે તો મોહિની દુર થઇ જાય.એક સ્ત્રીની માંગ મોટાભાગે પ્રેમ અને હુંફની પુર્તિ કરવાની હોય છે.પણ પોતાનો ફકત એકસાધન તરીકે ઉપયોગ થાય છે એવી વાત એને કયાંરેય પસંદ નથી હોતી.પણ એકવાર તો એકવાર એની આ માંગ પુરી કરી હું મારો સંસાર બચાવી શકું તો એમાં ખોટુ શું છે?’ એવા વિચારે સમ્યકે મોહિનીનો હાથ ખેંચી એને સોફા પર બેસાડી.
“અરે અરે સર!” સમ્યકે આપેલા હળવા આંચકાને લીધે મોહિનીએ મીઠી ફરીયાદ કરી.સોફા પર બેસતા જ એ ફરી બોલી
“પણ સર, તમે મને ટોનીનાં બદઇરાદાઓથી બચાવી એટલે હવે તમે મારી નજરમાં એક મહાન પુરુષ થઇ ગયા.તમે એક ‘પરફેકટ મેન’ છો.”
જે તરફ સમ્યક બેસેલો એ તરફ મોહિનીએ પોતાની આંખો ઉપરનીચે પછી ડાબીજમણી ફેરવી.
સમ્યક આ બધુ જોઇને બોલ્યોં “હા, પણ તું મને સર સિવાય કોઇ સંબોધન ન કરી શકે?”
“બીજુ શું તમે જ કહો!”
“ફકત સમ્યક”એવું સમ્યકે કહ્યું.
“તો...મીસ્ટર સમ્યક, આપ હવે મને દેખાવાની પણ એક મહેરબાની કરી દો.”
પછી મોહિનીએ ખીલખીલાટ હસી પણ લીધુ.જેમ જેમ સાંજ ઢળતી હતી એમ એમ મોહિની સમ્યકની ફેકટરી માટે જાતે જ તૈયાર કરેલા એ લાલ રંગનાં ડ્રેસમાં વધુ સુંદર દેખાતી હતી.સમ્યકને આજે મોહિનીની બધી વાત પસંદ આવતી હતી. સમ્યકને મોહિનીનું આ હાસ્ય તો ખુબ પસંદ આવ્યું પણ દેખાવાની વાત તો કેમ પસંદ આવે? છતા એણે એ વાતનો છેદ ઉડાવતા કહ્યું
“છોડ એ બધુ મોહિની, શું લઇશ? ચા કોફી?”
મોહિનીએ તરત જ કીચન તરફ નજર કરીને કહ્યું
“હું આપણા બંને માટે કોફી બનાવીને લઇ આવું તો કેમ?”
“ઓહો! ધેટસ ગુડ.”
એમ કહી સમ્યકે મોહિનીનો હાથ છોડયો.મોહિની કીચનમાં ગઇ.સમ્યક પોતાનો ફોન જોવા લાગ્યો.એમાં આખા દિવસનાં દિશાનાં અઢળક‘મીસ્ડકોલ ‘ હતા. તરત જ દિશાને ફોન કર્યોં.દિશા ફોનમાં જ રડવા લાગી.સમ્યકે એને મનાવવાની ઘણી કોશીષ કરી અને સમજાવી , પણ દિશાની એક જ જીદ હતી કે તમે ઘરે આવી જાવ.આખરે સમ્યકે કહ્યું “ડિયર, આવતી કાલે સવારે હું આવીશ અને તું મને જોઇ શકીશ.હું પહેલા હતો એવો જ થઇને આવીશ.” સમ્યકે અધુરી વાતે ફોન કાપી નાંખ્યો.મોહિની બે કપ કોફી લઇને આવી.સમ્યકનો કપ એણે ત્યાં ટેબલ પર મુકયો.સમ્યક હજુ દુઃખી થયેલી દિશાનાં વિચારોમાં અટવાયો હતો.એટલે કોફી કે મોહિની તરફ એનું ધ્યાન ન હતુ.મોહિનીને શું ખબર કે સમ્યક કયાં છે? એણે થોડા મોટા અવાજે કહ્યું “મી.સમ્યક? તમે અહિં છો? કોફી પ્લીઝ.”
સમ્યકે કોફીનો કપ હાથમાં લીધો.હવામાં ઉઠેલા એ કપ તરફ જોઇ મોહિની બોલી
“સમ્યક તમે કંઇ બોલો નહિ તો તમારી હાજરીની મને કેમ ખબર પડે?”
સમ્યકે એક જ વારમાં કોફી પુરી કરી અને મોહિનીનાં હાથમાં પોતાના એક હાથની આંગળીઓ મુકતા બોલ્યોં
“એમ કંઇ તારો પીછો નહિ છોડુ.પણ હા મોહિની, તારે હવે ઘરે જવું હોય તો તને મુકવા આવું.”
“કેમ? મારાથી કંટાળી ગયા?હું તો અહિં તમારી સાથે જ રહીશ.મારા ઘરે કોઇ નથી તો તમારી સાથે વધુ સમય રહી શકીશ.”
મોહિનીએ કોફી પુરી કરી અને બંને ખાલી કપ લઇ કીચનમાં ગઇ.મોહિની તો જાણે એનું જ ઘર હોય એમ વર્તવા લાગી.સમ્યક એની પાછળ ગયો.મોહિનીને પણ પોતાની પાછળ કોઇ છે એવું અનુભવાયું.એ થોડી ગભરાઇને પાછળ ફરી.સમ્યક હવે એની નજીક જ સામે ઉભો હતો.મોહિનીથી બોલી જવાયું
“સમ્યક તમે છો? તમે મારી પાછળ આવ્યાં?”
સમ્યકને આ સિદ્ધીથી હવે છુટકારો મેળવવાની ઉતાવળ હતી.મોહિની સાથે તમામ મર્યાદાઓ ઓળંગવાની ઉતાવળ હતી.પણ એનો થોડો જે સંકોચ હતો એને લીધે એ મૌન જ રહ્યોં.મોહિની ધીમા પગલે આગળ વધી.અને ત્રીજા જ ડગલે સમ્યક સાથે અથડાઇ ગઇ.
“ઓહ! સોરી સમ્યક.પણ તમે હવે આ સંતાકુકડી બંધ કરો.થોડીવાર દર્શન આપો.”
“અરે મોહિની, હું તો તને જમવાનું પુછવા માટે કીચનમાં આવ્યો હતો.”
“હા એ પણ બનાવી આપીશ.પણ તમે હવે સામે આવો.મારે તમને જોવા છે.”
“કેમ તને આ અદ્રશ્ય પુરુષથી ડર લાગે છે?”
“ના...બીલકુલ નહિ.મારી દુનિયામાં સૌથી સલામત પુરુષ માત્ર તમે જ છો.પણ તમારી આંખો જોવી છે.તમારો સોહામણો ચહેરો જોવો છે.હું સૌથી વધુ જે પુરુષથી આકર્ષાઇ છું એને ફરી પેટ ભરીને જોવો છે.”
મોહિની તો આજે પણ પહેલા જેવી જ હતી.પણ સમ્યક અને એની ઇચ્છાઓ બદલાયા હતા.મોહિનીને સમ્યકનાં થોડા જ સહવાસથી ખ્યાલ આવી ગયો હતો કે સમ્યકની લાગણીઓ હવે પહેલા જેવી શુષ્ક નથી રહી.એમાં ઉંડે ઉંડેથી આવતી ભીની સુગંધને મોહિનીનું સ્ત્રીહૃદય જાણી ગયુ હતું.પણ એની અદ્રશ્યતાનો ભય સહેવો એના કરતા એની હાજરીની, એના શરીરનાં દેખાવાની અને એની સાથે તાદાત્મ સાધવાની ઇચ્છા એણે વ્યકત કરી દીધી.એ તો જુના સમ્યકને સમર્પીત થવા તૈયાર જ હતી.પણ અદ્રશ્ય કે લગભગ અવ્યકત સાથે પોતાની લાગણીઓ વ્યકત કરવી એને મન મુશ્કેલ હતું.મનની લાગણીઓ વ્યકત કરવા અને એવી જ સામેથી મેળવવા માટે શરીરનું સાધન જરૂરી છે.લાગણીઓ કંઇ ફકત શબ્દોનાં સહારે જ વ્યકત થતી નથી.મોહિની માટે આ ફકત એકવારનો ખેલ ન હતો.એ તો આજીવન હુંફની ઝંખનામાં અહિં શરૂઆત કરવા તલપાપડ હતી.સમ્યકને આ દેખાવાની જીદ અસહ્ય લાગી.પણ આખરે એણે મોહિની સમક્ષ એક અસત્યનો સહારો લીધો અને કહ્યું
“જો મોહિની, હું રોજ રાતનાં બાર વાગ્યાં પછી ફરી દેખાઇ શકું છું.ત્યાંરે મને જોઇ લેજે.પણ અત્યાંરે થોડી કલાકો તો આમ જ વીતાવવી પડશે.”
વાત પુરી કરી, ઘણી હિંમત ભેગી કરી સમ્યકે મોહિનીનાં ગાલ પર આવેલા વાળનાં એક અવ્યવસ્થિત છતા મોહક એવા ઝુમખાને મોહિનીનાં કાન પાછળ ગોઠવ્યાં.આ એક નાની ક્ષણ અનેક શબ્દો ન કરી શકે એવું કામ કરી બતાવ્યું.મોહિનીએ પણ સમ્યક તરફથી આવતા તરંગોને ઝીલી લેવા એનો હાથ પોતાના કાન પાસે જ પકડી લીધો.પણ ત્યાં જ લાઇટ ગઇ.ફાર્મહાઉસમાં ઘોર અંધકાર છવાયો.સમ્યકે મોહિનીને પકલેડા હાથ વડે જ લિવીંગરૂમનાં સોફા તરફ દોરી.બંને સોફા પર બેઠા ત્યાંરે સમ્યકે કહ્યું
“ જોયું? આ એક અદ્રશ્ય પુરુષની કમાલ છે.મને અંધારામાં પણ બધુ દેખાય છે.”
“હા સમ્યક, તમે જે બિન્દાસપણે મને ખેંચી એના પરથી મને લાગ્યું જ કે તમે તો બધુ જોઇ શકો છો.”
મોહિની કશું જોઇ શકતી ન હતી.પણ એને હવે અંધકારનો ભય ન હતો.છતા એ સમ્યક તરફ સરકી.એ હવે સમ્યકની એટલી નજીક હતી કે સમ્યકનાં શ્વાસોશ્વાસનો અવાજ પણ એને સંભળાયો.મોહિનીએ એક પત્નિની જેમ સમ્યકની છાતી પર પોતાનું માથુ ટેકવ્યું.સમ્યકનાં જોરથી ધબકતા હૃદયે એને સવાલ કર્યોં ‘સમ્યક, તું જે કરવા જઇ રહ્યોં છે એ બરાબર છે? આ એક પગથીયું કદાચ તને ઉંડી ખાઇ તરફ પણ ધકેલી શકે છે.શું તું મોહિનીને કાયમ પ્રેમ આપી શકીશ?’ આવા અનેક સવાલોથી સમ્યક સ્થિર થયો.પણ એનું મન ડામાડોળ થઇ રહ્યું હતુ.મોહિનીનું મન તો ગમતા પુરુષની મળેલી અનુમતિથી શાંત હતુ.પણ સમ્યકને એની અંદર છવાયેલા અંધકારનો ડર લાગવા મંડયો હતો.ઘણો સમય આમ જ વિત્યો.એટલામાં લાઇટ ફરી આવી.રૂમમાં ઉજાસ થયો.પ્રકાશથી સામે નીચે પડેલું અને ચમકતું સોનેરી પાંદડું સમ્યકની નજરે ચડયું.એ એક પાંદડાથી આખો નવો લોક સમ્યકની નજર સામેથી પસાર થયો.મોહિની તરફ આગળ વધવું કે આ નવા લોક તરફ આગળ વધવું એ બે વિચારો વચ્ચે એ ફસાયો.મોહિનીએ ઉજાસમાં પોતાને આમ હવામાં લટકતી જોઇ તો એને અજુગતું લાગ્યું.એટલે એ ફરી સમ્યકથી દુર થઇ ગઇ.સમ્યકને નહોતું પુછવું છતા એના મોઢેથી સવાલ નીકળી ગયો
“કેમ શું થયું? કેમ દુર થઇ ગઇ?”
મોહિની કંઇ બોલી શકી નહિ.સમ્યકનાં શરીર વિના પોતે એકલી જ કંઇ કરી રહી હોય એવો વિચીત્ર અનુભવ એને ન ગમ્યોં.એણે ઘડીયાલ તરફ જોયું અને સોફા પરથી ઉભી થઇ.સમ્યકને પોતે કંઇક ગુમાવી રહ્યોં હોય એવું લાગ્યું.એના મનમાં ચાલી રહેલી ગડમથલે એનો જુનો સ્વભાવ તો બદલયો જ હતો.એણે મોહિનીનો હાથ પકડી લીધો અને ગુસ્સામાં દબાવ્યોં.પણ મોહિનીએ આ હળવી પીડા સહન કરીને કહ્યું
“અરે અરે...થોડી નિરાંત રાખો સમ્યકજી.જુઓ, રાતનાં આઠ વાગી ગયા છે.હું જમવાનું બનાવીને લઇ આવું, આપણે સાથે જમી લઇએ પછી પેટ ભરીને વાતો કરીશું એટલામાં બાર વાગી જશે.અને તમે મારી સામે આવી જશો.ત્યાંરે હું પણ તમારી સામે એક પત્નિ બનીને આવી જઇશ.”
મોહિનીની વાતમાં આવેલા એક શબ્દ ‘પત્નિ’ ને લીધે સમ્યકથી મોહિનીનો હાથ છુટી ગયો.મોહિનીને આ સમ્યકની સહમતિ લાગી એટલે એ હસતા ચહેરે કીચનમાં ગઇ.પણ સમ્યકનાં મનમાં પત્નિ શબ્દ પરથી દિશા, બાળકો અને એની સાથે બનાવેલો પોતાનો સંસાર તરી આવ્યોં.અને હવે સમ્યકે કોઇ પણ ભોગે ફરી દેખાવાનું નકકી કરી લીધુ.
ક્રમશઃ
--ભરત મારૂ