પારદર્શી-5
સમ્યકનાં મનમાં રહેલા ઘણાં સવાલોનાં આજે સમાધાન થાય એમ હતા.એના પપ્પા આજે લગભગ એક મહિના પછી ફરી દેખાયા હતા.સમ્યક કંઇ બોલી શકે એ પહેલા જ રમેશભાઇ બોલ્યાં “ વાહ દિકરા!!આ સિદ્ધીમાં તું તો ઘણો આગળ નીકળી ગયો.એટલે જ હવે આ પ્રવાહી તારા માટે લઇ આવ્યોં.” એમણે ટેબલ પર પડેલી એ ખાલી બોટલ તરફ ઇશારો કર્યોં.પણ એ પ્રવાહી કરતા સમ્યકનાં મનમાં તરતા કેટલાય સવાલો મહત્વનાં હતા એટલે એણે પુછયું “પપ્પા, તમે ફરી કયાં ચાલ્યાં ગયા હતા? મારે તમારી ઘણી જરૂર છે.”
“દિકરા, તારા માટે જ તિબેટમાં મારા ગુરુ પાસે ગયેલો.”
“તમે તો આ વિદ્યા માટે વર્ષોની સાધના કરી હશે.તો મને મફતમાં કેમ મળી? “ સમ્યકે પુછયું.
“જો દિકરા, એ સવાલ તો મને પણ હતો.એટલે મે મારા ગુરુજીને પુછયું તો એણે કહ્યું તારા શરીર અને મનને આ વારસાગત મળ્યું છે.એ તારા નસીબ.”
“પપ્પા, તમે આ સાધના કેટલા વર્ષોથી કરો છો?”
“ હું તો અમારા લગ્ન પહેલાનો આ સાધના કરું છું.તારી જે અત્યાંરે ગાયબ થવાની સિદ્ધી છે, જેમાં કોઇ બાહ્ય ક્રિયા ન કરી શકવાની મજબુરી છે એવી અવસ્થા તો મે મારા વીસમાં વર્ષે જ પ્રાપ્ત કરી.પણ પછી ઘણાં વર્ષો વીતી ગયા.તે તો ખુબ ઓછા સમયમાં આ અનાયાસે મેળવ્યું.”
“પપ્પા, હવે મને ગાયબ રહીને જ કંઇ કરી શકું એવી સાધના શીખવાડો.મારે એની ખુબ જરૂર છે.”
“એટલા માટે જ આ બોટલનું પ્રવાહી તારે પીવાનું છે.પછી તને અદ્રશ્ય થયા પછી ભૌતિક નિયમો લાગુ નહિં પડે.પણ અમુક નિયમોનું તારે પાલન કરવું પડશે નહિંતર તારું ધાર્યું નહિં થાય અને તારા અદ્રશ્ય રહેવાનો સમય ધીમે ધીમે ઘટી જશે.અને એક સમય આવશે જ્યાંરે તો પહેલા જેવો જ થઇ જઇશ.”
“કયાં નિયમો?”
“એક તો કોઇપણ માણસ કે પ્રાણીને કારણ વિના પરેશાન નહિં કરવાના.બીજુ કોઇને જણાવવાનું નહિં કે તું અદ્રશ્ય થઇ શકે છે.અને ત્રીજુ અને ખાસ જરૂરી બીજી સ્ત્રીઓથી દુર રહેવાનું.જો આ નિયમોમાં ગરબડ થશે તો આપણી આગળનાં ગુરુઓ આ સિદ્ધી છીનવી લેશે.” સમ્યકને ખ્યાલ આવ્યોં કે કદાચ પપ્પાએ મને મોહિની સાથે ઉભેલો જોઇ લીધો છે.પણ મારા સારા ઇરાદાને હું તો જાણું જ છુંને!!
“હા પપ્પા, હું આ નિયમો પ્રમાણે જ વર્તીશ.પણ આ ગુરુઓ કોણ છે?” સમ્યકે કહ્યું.
“મારી આગળ દસ ગુરુઓ છે જે અદ્રશ્ય છે અને એમની ઉંમર પણ સ્થિર છે.આ બોટલમાં એ દસ ગરુઓનું અને મારું રકત છે.જે તારા શરીરમાં દાખલ થતા જ તું અદ્રશ્ય રહીને પણ બધુ કાર્ય કરી શકીશ.”
“તમારી ઉંમર પણ સ્થિર થઇ ગઇ છે?”
“હા દિકરા.મારા આ શરીરનું મૃત્યુ નથી.કારણકે દુનિયા માટે મારું આ શરીર છે જ નહિં.શુન્ય થયું...જે શુન્ય છે એનું વળી કેવું મૃત્યુ?....
“આહા!! પપ્પા, તો તમે અમર થયા?” સમ્યકનાં ચહેરે આનંદ છવાયો.
“હા દિકરા,એક અર્થમાં અમર અને એક અર્થમાં અમર નહિં.પણ સામાન્ય માનવીઓ કરતા અનેકગણી લાંબી જીંદગી....અમે યુગો સુધી જીવી શકીયે.અમે મૃત્યુને લંબાવી શકીયે.આખરે જ્યાંરે ઇચ્છા થાય ત્યાંરે આ લગભગ છુટી ગયેલુ શરીર છોડી બીજા ગ્રહોમાં જઇ શકીયે.”
સમ્યકનાં સવાલો ચાલુ જ રહેવાનાં હતા.એના મનને બધું જ સમાધાન જોઇતું હતું.એટલે એણે ફરી પુછયું “ આ પ્રવાહી પીધા પછી મારામાં શું ફરક આવશે?”
એના પપ્પા મંદ મંદ હસ્યાં.થોડી વાર મૌન થયા.પણ સમ્યકની નજર મટકું માર્યા વિના એમના ચહેરે ચોંટી હતી.છેવટે એ બોલ્યાં “જો દિકરા, આ પ્રવાહી પીધા પછી તું અદ્રશ્ય થઇને કોઇ વસ્તુ ઉપાડી શકીશ.આ દરવાજો ખોલી શકીશ.કાર ચલાવી શકીશ....ટુંકમાં કોઇ પણ કાર્ય અદ્રશ્ય રહીને કરી શકીશ.પણ યાદ રાખજે આ કોઇ ખેલ કરવાની સિદ્ધી નથી.ખેલ કરીશ તો એ છીનવાઇ જશે.તારે ફકત લોકોની જરૂરીયાત પુરી કરવાની છે.અને હા, તારું શરીર ખરેખર પારદર્શી અવસ્થામાં આવશે એટલે તું કોઇ પણ દિવાલ કે વસ્તુમાંથી આરપાર પણ નીકળી શકીશ.” સમ્યકની ખુશીનો કોઇ પાર ન રહ્યોં.એ હવે પેલુ પ્રવાહી પીવા ઉતાવળો થયો.એના પપ્પા જાણે એની વાત જાણી ગયા હોય એમ બોલ્યાં “ દિકરા, છતા ઉતાવળ ન કરીશ.તમામ પાસાઓનો વિચાર કરીને પછી જ આ પ્રવાહી પીજે.ભલે થોડો સમય જાય તો કશો વાંધો નહિં.આ પ્રવાહી તું જીવે છે ત્યાં સુધી બગડવાનું નથી.અને હા, હવે હું જાઉં છું.અમારા જગતમાં નિયમ છે કે કોઇને ખલેલ ન પહોંચાડવી.તારી જીંદગી તું સુખેથી પસાર કર.જ્યાંરે મારી જરૂર પડે તો ઉતર દિશા તરફ બે હાથ જોડી મને યાદ કરજે.થોડા સમયમાં હું આવી જઇશ.”
“ પણ પપ્પા, તમે અહિં મારી સાથે જ કેમ નથી રહેતા? તમે અહિં રહી જાવ.”
“ના, અમે સાધક એક જગ્યાએ ન રોકાઇ શકીએ.અમે તો ફરતા ભલા.” એમ કહી રમેશભાઇ ઉભા થયા ત્યાંરે સમ્યકે ફરી એક સવાલ પુછયોં
“પપ્પા, અદ્રશ્ય થયા પછી આપણો અવાજ કોઇ સાંભળી શકશે?”
“જરૂરી સવાલ કર્યોં, બેટા.જો જ્યાંરે તું સંપુર્ણ અવસ્થાએ પહોંચીશ ત્યાંરે તારો અવાજ પણ કોઇનાં કાને નહિં પહોંચે.પણ અત્યાંરે તારો અવાજ કોઇ પણ સાંભળી શકશે.એટલે અદ્રશ્ય થયા પછી મૌન જ રહેવું સારું.” આટલું બોલી એ ઓફીસનાં સોફા, દિવાલ અને દિવાલ પર રાખેલા ટીવીની આરપાર નીકળી ગયા અને સમ્યકને દેખાતા બંધ થયા.
સમ્યકને દુઃખ અને આનંદની મિશ્રીત લાગણીએ ઘેર્યોં.પપ્પાનાં જવાનું દુઃખ જાણે વર્ષો પછી ફરી તાજુ થયુ.અને આનંદ એ વાતનો કે હવે પોતે ગાયબ થઇ જે ધારે તે કરી શકશે.દુનિયામાં ઘણાં માણસોને,ઘણી ઘટનાઓમાં અદ્રશ્ય રહીને મદદ કરી શકશે.કોઇ વાર તો અઘટીત ઘટના બન્યાં પહેલા જ એને રોકી શકશે.પછી એ બધા ગુરુઓનો ખ્યાલ આવ્યોં કે એમની સતત નજર સાધક પર હોય છે.પણ કંઇ વાંધો નહિં મે આજ સુધી કયાં કોઇને ખોટી રીતે હેરાન કર્યાં છે? મારી ફેકટરીનાં સામાન્ય કારીગરનું પણ શોષણ નથી કર્યું.મારે કોઇનાં જીવનમાં ખલેલ નથી પહોંચાડવી.પણ કોઇ મજબુર માનવીને મદદની જરૂર હોય તો એ કરીશ જ.આ મારા શહેરમાં,મારી આજુ બાજુ રહેલા બધા માણસો કંઇ સુખી જ હોય એવું નથી.મારી પાસે તો બધુ જ છે.મારે અદ્રશ્ય થઇને મારા માટે તો કશું મેળવવાનું નથી?—આવા વિચારો થકી સમ્યક એ પ્રવાહી પીવાનાં નિર્ણયને મનમાં ને મનમાં જ ન્યાય આપી રહ્યોં હતો.
પણ જેવી એ અદ્રશ્ય પ્રવાહી ભરેલી બોટલ હાથમાં લીધી તો ફરી મન ચકડોળે ચડયું.જો મારાથી ભુલમાં પણ કંઇ નિયમનો ભંગ થઇ જશે તો આ સિદ્ધી છીનવાઇ જશે.અને પછી જીવન બહું જ અઘરું થઇ જશે.ટોંચે ચડયા પછી ગબડયા જેવી સ્થિતી થઇ જશે.નિયમ પણ કેવા કે કોઇને કારણ વિના પરેશાન નહિં કરવાના....બીજી સ્ત્રી સાથે સબંધ નહિં રાખવાના....એટલે શારીરીક સબંધનો બાધ હશે.આમપણ આધ્યાત્મિક માર્ગમાં કહ્યું જ છે કે પરસ્ત્રી ગમન વર્જય છે.તો કશો વાંધો નહિં.હું મારી પત્નિને વફાદાર જ છું.હા...મોહિની મારા તરફ થોડી આકર્ષીત છે, પણ એ આકર્ષણ તો મનનાં એક ખુણે પડયું રહેશે.મે તો મોહિનીથી શારીરીક અંતર રાખ્યું જ છે, હંમેસા.એણે જ એકવાર મારો હાથ પકડયો હતો.પણ એ બીચારી ટોનીથી દુઃખી થઇ ગઇ હતી એટલે જ માત્ર.મોહિની પોતે પણ એક મર્યાદામાં જ રહેવા માંગે છે.સમ્યક બરાબર મોહિનીના વિચારોમાં ખોવાયેલો હતો ત્યાંરે જ દરવાજા પર ઠકઠક થયું.એણે દરવાજો ખોલ્યોં.સામે ઉભેલી મોહિનીએ તરત જ સવાલ કર્યોં “સર, હમણાં તો તમે અહિં નહોતા અને અત્યાંરે વળી દરવાજો અંદરથી બંધ કરીને બેઠા છો? બહાર તો જુઓ કેવો જોરદાર વરસાદ પડે છે!!”
આટલું ઉતાવળે બોલી મોહિની બારી પાસે ગઇ.એણે બારી ખોલી.વરસાદ હવે ધીમી ધારે પડી રહ્યોં હતો.મોહિનીએ ફરી બહાર બધે જ નજર ફેરવી.હમણાં જોયેલા અને સ્મૃતિમાં કાળા રંગનાં પણ ચમકીલા પથ્થરની જેમ જડાઇ ચુકેલા દ્રશ્યોને ફરી શોધવા એ મથી રહી હતી.કોણ જાણે કેમ પણ મોહિનીને આ વરસાદી માહોલમાં એ પ્રેમનાં દ્રશ્યો ફરી ફરી જોવાની ઇચ્છા થઇ આવી.પણ ફકત પક્ષીનું પેલુ જોડું બેઠું હતુ.માનવ જોડું જે લીંમડાનાં ઓથે પણ ભીંજાતું હતું એ તો જાણે ઉડી ગયું.વરસાદ થોડો હળવો થયો એટલે બંને પક્ષીઓ પોતપોતાની પાંખો ખંખેરવા લાગ્યાં, જાણે મોહિનીની ઇચ્છા જ અહિં ખંખેરાઇ જતી હોય એવું એને લાગ્યું.અધુરી રહી ગયેલી એની ઇચ્છા પર એને પોતાને જ સંકોચ થઇ આવ્યોં હોય એમ ફટ દઇને બારી બંધ કરી.અને સમ્યકની સામે આવીને બેસી ગઇ.મોહિનીએ બારી બંધ કરવામાં જરૂરથી વધારે ઝડપ અને તાકાત લગાવી એટલે સમ્યકે મજાકમાં કહ્યું “અરે...અરે ભલે વરસાદ આવતો હોય એમાં આટલો ગુસ્સો કેમ?” પછી ખુલીને હસ્યોં.મોહિનીને કંઇક ભાર વર્તાયો હોય એમ એણે માથુ નીચુ કર્યું.થોડી ક્ષણો લાગી એને સ્વસ્થ થતા.અને એણે પણ હસીને કહ્યું
“આટલું સરસ, ઠંડુ અને આહલાદક વાતાવરણ થઇ ગયું છે તો તમે પણ ભાભીને લઇને ફરવા નીકળી જાવને! કામકાજ તો આખી જીંદગી કરવાનું જ છે.થોડો રોમાન્સ પણ જરૂરી છે.” આટલું અને આવું બોલવાની હિંમત એકઠી કરવા મોહિની પોતાના હાથો દ્વારા ટેબલ પર પડેલી પેલી ખાલી કાચની બોટલમાં આંગળીઓ ફેરવવા લાગી.સમ્યકે પણ એ બોટલ તરફ જોયું.થોડો ગભરાયો અને એના ગભરાટમાં જાણે વધારો કરવાનો હોય એમ મોહિનીએ કહ્યું
“સર, આ ખાલી બોટલ કેમ અહિં પડી છે?”
“કેમ?” સમ્યકે સામે સવાલ કરતા એ બોટલ હાથનાં ઇશારા થકી મોહિની પાસેથી પરત લીધી.
“કંઇ નહિં, આ તો બહું જુનવાણી ડિઝાઇનની આ બોટલ છે.જાણે કોઇનું ‘યુનિક કલેકશન’ હોય એવું લાગે છે.”
સમ્યકે વાત બદલાવતા કહ્યું “મોહિની, હું તો કહું છું તું પણ તારી ઘરે જા.આજે વહેલી છુટ્ટી....તારા પતિને લઇને વરસાદમાં નહાવા નીકળી પડ.”
મોહિનીનું હૃદય વલોવાયું, પહેલા એમાંથી સમ્યક પ્રત્યે માનની લાગણી નીકળી જે ચહેરા પર હાસ્ય બનીને દેખાઇ.પણ પછી તરત જ પોતાના પતિની આ બાબતો વિશેની નિરસતા યાદ આવતા એના ચહેરે ઉદાસી પ્રસરી.આ બંને ભાવ સમ્યકની નજરે પકડયાં.એટલે એણે સવાલ કર્યોં
“કેમ? નથી જવું?....તું એક કામ કર.મારી સામે જ તારા પતિને ફોન કરીને કહી દે કે તને વરસાદમાં ફરવા લઇ જાય.”
અચાનક આવી પડેલા તોફાન જેવા સમ્યકનાં કહેણને માનવું કે નહિં એ ગડમથલે થોડો સમય લીધો.આખરે મોહિનીએ ફોન કરવાની હિંમત દાખવી.વધુ હિંમત બતાવવા એણે ફોન ‘સ્પીકર’ પર કર્યોં.પણ જ્યાંરે બધી રીંગ પુરી થઇ તો પણ સામે છેડે ફોન ઉંચકાયો નહિં ત્યાંરે મોહિની દુઃખી થવાને બદલે હસી લીધી.સમ્યકે પુછ્યું “કેમ હસવું આવ્યું?”
“સર, મારી ધારણા સાચી પડી એટલે ખુશીથી હસવું આવ્યું.” મોહિની પોતાના ફોનમાં જ ડુબેલી રહી અને બોલી.
“શું ધારણા?”
“બસ એજ કે એ ફોન નહિં ઉપાડે.પછી ફોન કરીને કહેશે કે હું કામમાં છું.” મોહિનીએ પોતાના પતિની આદત જણાવી.
પણ સમ્યકે આશ્વાસન આપતા કહ્યું “કંઇ વાંધો નહિં.આજે એને કામ કરવા દે.વરસાદ તો હજુ શરૂ થયો છે.ઘણાં મહિના સુધી વરસતો રહેશે.મોહિની ગુમસુમ થઇ ગઇ.પછી અચાનક ઉભી થઇને બોલી “સર, ચાલો આજે તો આપણે બંને વરસાદમાં ફરવા જઇએ.”
સમ્યકે મોહિનીનાં ચહેરે જોયું તો ત્યાં ગંભીરતાનાં ભાવ હતા.એ થોડો ગભરાયો.એટલે જ એણે કહ્યું “ના મોહિની, આજે મારે ઘરે વહેલુ જવાનું છે.ફરી કયાંરેક જઇશું.” મોહિની ઓફીસની બહાર નીકળી ગઇ.સમ્યક હવે પેલી ખાલી દેખાતી બોટલ તરફ એકીટસે જોઇ રહ્યોં.વિચારો મગજને ભરી દે એ પહેલા એ બબડયોં ‘હા,હું તૈયાર છું....આ અદ્રશ્ય થવાની સિદ્ધીને પુર્ણ કરવા....’ પછી એણે બોટલ પર લાગેલા લાકડાનાં ઠાંકણને ખોલ્યું.અને બોટલ મોઢે માંડી.એક ઘુંટડો પીધો.આવો સ્વાદ એની જીભ માટે નવો હતો પણ એણે બીજો ઘુંટડો પણ પીધો.ફરી એ બોટલને બંધ કરી.થોડી જ વારમાં એને પોતાનું શરીર હળવું લાગવા લાગ્યું.જાણે કોઇ પક્ષીનાં પીંછા જેવું શરીર....શરીરમાં એવા ફેરફાર થયા કે રાત્રે આટલા ઠંડા વાતાવરણમાં એની પત્નિ દિશાએ બનાવેલા એના ફેવરીટ ભજીયા પણ એણે ન ખાધા.જાણે ભુખ પર કાબુ મેળવી લીધો હોય.પણ આ વાતથી દિશાની ચીંતા વધી ગઇ.એક તો ઘણાં સમયથી સમ્યકનાં વર્તનમાં થયેલો ફેરફાર અને હવે ખાવાનું પણ ઓછું થયુ.પણ દિશા જયાંરે જયાંરે મન ખોલીને સમ્યકને પુછતી ત્યાંરે ત્યાંરે સમ્યક મન છુપાવીને વાત કરતો.બધુ બરાબર છે એવું એક જ રટણ કર્યાં કરતો.કંઇક સારું કરવા અને કોઇની મદદ કરવા સમ્યકને પોતાની અર્ધાંગની સાથે પણ ખોટું બોલવામાં કંઇ વાંધો ન હતો.કારણકે સાચુ કહી દેવાથી દિશાને વધુ ચીંતા થવાની હતી.કદાચ દિશાની લાગણીઓ સમ્યકને આ અનાયાસે હાથ લાગેલી સિદ્ધી છોડવા માટે પણ મજબુર કરે.એવી આશંકા સમ્યકનાં મનમાં કાયમ રહેતી.
ક્રમશઃ
--ભરત મારૂ