Once Upon a Time - 79 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 79

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 79

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 79

એ યુવાન અને એના સાથીદારો કદાચ વધુ પડતા આત્મવિશ્વાસથી કામકરતા હતા, પણ પોલીસ અહીં સુધી પહોંચશે નહીં એવી એમની ધારણા ખોટી પડી હતી. હતપ્રભ બની ગયેલા યુવાને અને એના સાથીદારોએ પોલીસને શરણે થઈ જવાનું મુનાસિબ ગણ્યું. એ યુવાન મોહમ્મદ શરીફ મોહમ્મદ યુસુફ અંસારી હતો અને એની સાથે ઝડપાઈ ગયેલા બીજા પાંચ યુવાન અનવર અહમદ અંસારી, જોગિન્દરજંગ બહાદુરસિંહ, રિયાઝુદ્દીન નાઝીર, અબ્દુલ અંસારી, મસુદ આલમ અંસારી અને અતાઉલ્લાહ ખલીલ અંસારી હતા. મુંબઈ પોલીસની ટીમને એ ફ્લેટમાંથી ૪૩ લાખ રૂપિયાથી વધુ રોકડ રકમ મળી આવી. એ સિવાય લાખો રૂપિયાના બેંક ડ્રાફ્ટ્સ પણ એ યુવાનો પાસેથી મળ્યા.

દુબઈથી મળતા ઓર્ડર પ્રમાણે આ યુવાનો મુંબઈમાં પાર્ટીઓને રોકડ રકમ પહોંચાડવાની અને રિસીવ કરવાની જવાબદારી સંભાળતા હતા. કઈ પાર્ટી પાસેથી કેટલા રૂપિયા લેવાના છે અને કઈ પાર્ટીને કેટલા રૂપિયા પહોંચાડવાના છે. એનો આદેશ દુબઈથી ફેક્સ દ્વારા આ યુવાનોને મળતો હતો. મુંબઈ પોલીસે રેડ પાડી ત્યારે ત્રણ ફેક્સ મશીનમાં એકધારા આદેશ મળી રહ્યા હતા. મુંબઈ પોલીસની રેડ દરમિયાન ફેક્સ મશીનો પર આવેલા આદેશોમાં દર્શાવાયેલી રકમ રૂપિયા બે કરોડથી વધુ હતી. એના પરથી અંદાજ લગાવી શકાય કે દાઉદ ગેંગ હવાલા દ્વારા દરરોજ કેટલા રૂપિયાની હેરફેર કરતી હશે. હવાલાના રૂપિયાની હેરફેર માટે દાઉદ ગેંગ દ્વારા એ યુવાનોને મોટર સાઈકલ આપવામાં આવી હતી. દાઉદ ગેંગના આવા ટપોરીઓ મોટરસાઈકલ ઉપર જઈને રૂપિયા પહોંચાડવાનું અથવા રિસીવ કરવાનું કામ સંભાળતા હતા. મુંબઈ પોલીસની ટીમે હવાલા નેટવર્કમાં ઉપયોગમાં લેવાતી હતી એવી મોટરસાઇકલ્સ પણ જપ્ત કરી.

***

મુંબઈમાં પોતાના હવાલા નેટવર્કની ઓફિસમાં પોલીસની રેડથી અને રૂપિયા ૪૩ લાખ જેવી રોકડ રકમ ગુમાવવાથી તથા ગેંગના છ સભ્યો પોલીસના હાથમાં ઝડપાઈ ગયા એથી દાઉદ અપસેટ થયો. એના કરતાં વધુ અપસેટ તો એ બીજી વાતથી થયો હતો. આ કારસ્તાન છોટા રાજનનું જ હોવાની ખાતરી એણે કરી દીધી હતી. પણ દાઉદ છોટા રાજનને વળતું ટપલું મારે એ અગાઉ શાર્પ શૂટર સુભાષસિંહ ઠાકુરે દાઉદને જાણે લાફો ઝીંક્યો હતો.

દિલ્હીમાં ઝડપાઈ ગયેલા સુભાષસિંહ ઠાકુરે સીબીઆઈને કહી દીધું કે, દાઉદના આદેશથી મુંબઈની જે.જે. હોસ્પિટલમાં અડધો ડઝન માણસોને ઢાળી દીધા પછી મને કોંગ્રેસના નેતા અને તત્કાલીન કેન્દ્રિય ઊર્જા પ્રધાન કલ્પનાથ રાયે આશરો આપ્યો હતો. દાઉદ સાથે છેડો ફાડીને છોટા રાજનના ગ્રુપમાં જતા રહેલા સુભાષસિંહ ઠાકુરે સીબીઆઈને એવું પણ કહ્યું કે 1991માં હું દાઉદને મળવા દુબઈ ગયો ત્યારે દાઉદે મને ત્યાંથી દિલ્હી જઈને કલ્પનાથ રાયને મળવા કહ્યું હતું. અને દાઉદના કહેવાથી કલ્પનાથ રાયએ મને ઉમળકાભેર સાચવ્યો હતો!

દિલ્હીમાં ઝડપાઇ ગયેલા શાર્પ શૂટર સુભાષસિંહ ઠાકુરનું આમ પણ દાઉદ સાથે ફટક્યું હતું. એણે ધડાકો કર્યો કે ‘દાઉદની સૂચનાથી હુ દિલ્હી ગયો ત્યારે કલ્પનાથ રાયે મને નેશનલ પાવર થર્મલ કોર્પોરેશનના ગેસ્ટ હાઉસમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. એ પછી 1992માં મુંબઇની સર જે.જે. માર્ગ હોસ્પિટલમાં અરુણ ગળવી ગેંગના શૂટર સહિત અડધો ડઝન માણસોને ખતમ કરીને હું દિલ્હી ગયો ત્યારે પણ કલ્પનાથ રાયે મને રહેવાની સવલત આપી હતી અને એ સરકારી ગેસ્ટ હાઉસમાં મારું બિલ કલ્પનાથ રાયની સૂચનાથી તેમના ખાતા હેઠળ આવતા સરકારી પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ભરાતું હતું!’

સુભાષસિંહ ઠાકુરે એવો પણ ઘટસ્ફોટ કર્યો કે ‘મુંબઇમાં જે.જે. માર્ગ હોસ્પિટલ શૂટઆઉટ અગાઉ પોલીસના હાથમાં ઝડપાઇ ન જવાય એ માટે દાઉદે કલ્પનાથ રાયને કહીને મારા માટે પાકો બંદોબસ્ત કરાવ્યો હતો. એ વખતે હું બીજા શૂટર્સ સાથે બોમ્બે સબર્બન ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપનીના ગેસ્ટ હાઉસમાં રહ્યો હતો. એ વખતે કલ્પનાથ રાયનો ભત્રીજો વીરેન્દ્ર પણ અમારી સાથે હતો. જે.જે. માર્ગ હોસ્પિટલમાં શૂટઆઉટ પછી વીરેન્દ્ર અને અમારા બીજા કેટલાક સાથીદારોએ વારાણસીમાં કલ્પનાથ રાયની જાહેરસભા અને અન્ય સમારંભોમાં ખુલ્લેઆમ ભાગ લીધો હતો.’

સુભાષસિંહ ઠાકુરની આ કબૂલાતથી ફરી એકવાર દિલ્હીની પાવર લોબીમાં ખળભળાટ મચી ગયો.

અંડરવર્લ્ડ અને પોલિટિકલ લીડરના કનેકશનની વાત કહેતા કહેતા પપ્પુ ટકલા નવી ફાઇવફાઇવફાઇવ સળગાવવા માટે અટક્યો. એણે ફાઇવફાઇવફાઇવનો ઊંડો કશ ખેંચીને ધુમાડો છોડતા વાત આગળ ધપાવી, ‘આપણા દેશના મોટા ભાગના રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે ખતરનાક ગુંડાઓને દીકરાની જેમ સૂચવતા હોય છે. એમાં કોઇપણ પાર્ટી બાકાત નથી. સુભાષસિંહ ઠાકુર સાથે દાઉદ ઇબ્રાહિમ ગેંગના બીજા એક શૂટર મોહમ્મદ અહમદ મન્સુરે પણ કલ્પનાથ રાયના દાઉદ સાથેના કનેકશન વિશે ચોંકાવનારી માહિતી આપી હતી. એ વખતે કલ્પનાથ રાયની સાથે એણે ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય બ્રિજભૂષણ શરણ સિંધ તરફ પણ આંગળી ચીંધી હતી. એ સમયમાં ઉત્તર પ્રદેશમાં ભાજપની ટિકિટ પર ચૂંટાઇને લોકસભામાં ગયેલા બ્રિજભૂષણ શરણ સિંધે પણ મુંબઇના જે.જે. માર્ગ હોસ્પિટલ શૂટઆઉટ પછી દાઉદ ગેંગને બહુ મદદ કરી હોવાનુ એણે કહ્યું હતું. સુભાષસિંહ ઠાકુર અને મોહમ્મદ અહમદ મન્સુરના કહેવા પ્રમાણે ભાજપના સંસદસભ્ય બ્રિજભૂષણ શર્મા તો જે.જે. માર્ગ હોસ્પિટલના શૂટઆઉટ પછી એમની સાથે નેશનલ પાવર થર્મલ કોર્પોરેશનના ગેસ્ટ હાઉસમાં રહ્યા હતા! એમણે કલ્પનાથ રાય અને0 બ્રિજભૂષણ સિંઘ ઉપરાંત બ્રિજભૂષણ શરણ સિંઘના સેક્રેટરી સંજય સિંઘ અને ઇસ્ટવેસ્ટ એરલાઇન્સ કંપનીના રિજિયોનલ મેનેજર સાબુ ચાકોના નામ પણ સીબીઆઇને આપ્યા હતા.’

સુભાષસિંહ ઠાકુર અને મોહમ્મદ અહમદ મન્સુરની કબૂલાતને આધારે સીબીઆઇએ કલ્પનાથ રાય સામે કેંસ નોંધ્યો અને ફેબ્રુઆરી, 1996માં દિલ્હીની ટાડા કોર્ટના સેશન્સ જજ એસ.એન.ઢીંગરાએ રાય સામે બીનજામીનપાત્ર વોરન્ટ ઇસ્યુ કરતાં કોગ્રેસીઓ ડધાઇ ગયા. સીબીઆઇએ કલ્પનાથ રાયની ધરપકડ કરીને એમને ટાડા કોર્ટમાં રજૂ કર્યા ત્યારે જજે એમને 14 દિવસ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દીધા ત્યારે કલ્પનાથ રાયે પાકા રાજકારણીને છાજે એ રીતે કહ્યું કે, ‘મને ફસાવી દેવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું છે, પણ હું આમાંથી હેમખેમ બહાર આવી જઇશ એવો મને વિશ્વાસ છે!’

‘કલ્પનાથ રાય તો અત્યારે હયાત નથી, પણ અનેક એવા રાજકારણીઓને હું જાણું છું જે આજે પણ અંડરવર્લ્ડ સાતે અત્યંત ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. દાઉદ ઇબ્રાહિમની જેમ બીજા ગેંગ લીડર પણ જુદા જુદા પક્ષના રાજકારણીઓ સાથે સંબંધ ધરાવે છે. પણ પુરાવાના અભાવે તેઓ સમાજમાં અને દેશમાં શર્ટના કોલર ઊંચા કરીને ફરી રહ્યા છે,’ બ્લેક લેબલનો ઘૂંટ ભરતા પપ્પુ ટકલાએ કહ્યું, ‘1998માં ઉત્તર પ્રદેશના કુખ્યાત ગુંડા સરદાર શ્રીપ્રકાશ શુક્લને ઉત્તર પ્રદેશની પોલીસની સ્પેશિયલ ટીમે એન્કાઉન્ટરમાં ગોળીએ દીધો એ પછી ઉત્તર પ્રદેશની પોલીસની તપાસમાં ભાજપ સરકારના અનેક પ્રધાનો સાથે એના સંબંધ હોવાની વાત બહાર આવી હતી. શ્રીપ્રકાશ શુક્લા અત્યંત ઘાતકી ગુંડા સરદાર હતો. એ પોતે જે એના શિકારની હત્યા કરતો. કોઇને શૂટ કર્યા પછી એની લાશ પર થૂંકીને એ ત્યાંથી રવાના થતો. એણે ઉત્તર પ્રદેશના વિધાનસભ્ય સૂર્યપ્રકાશ સાહી સહિત અનેક વ્યક્તિઓની હત્યા કરી હતી. એવા ગુંડા સરદાર સાથે ઉત્તર પ્રદેશના અનેક પ્રધાનો સંબંધ ધરાવતા હતા અને પોલીસની ભીંસ વધે ત્યારે એ પ્રધાનોના બંગલોમાં રહેવા ચાલ્યો જતો એટલે પોલીસ એનો વાળ પણ વાંકો કરી શકતી નહીં. ખુદ ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્ય પ્રધાન કલ્યાણસિંહે કબૂલ્યું હતું કે ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા એમને જે રિપોર્ટ આપવામાં આવ્યો હતો એમાં શ્રીપ્રકાશ શુક્લાના અનેક પ્રધાનો સાથે સંબંધ હોવાની માહિતી વિસ્તારપૂર્વક અપાઇ હતી. કલ્યાણસિંહને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનપદેથી તગેડી મૂકવામાં આવ્યા એ પછી કલ્યાણસિંહે એવો દાવો કર્યો હતો કે એમણે શ્રીપ્રકાશ શુક્લા સાથે સંબંધ ધરાવતા, ભાજપ પ્રધાનો વિશેની સંપૂર્ણ માહિતી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ પાસેથી માગી એ પછી એમને મુખ્ય પ્રધાનપદેથી ખસેડી દેવામાં આવ્યા હતા!’

(ક્રમશ:)